(ગતાંકથી આગળ)

૪. વ્યક્તિગત ઉદાહરણોની પ્રભાવક શક્તિ

ચારિત્ર્ય ઘડતરનું મહત્ત્વ. બાળકોના ચારિત્ર્ય ઘડતર માટે આવા પ્રયાસો પ્રભાવક બની રહે છે : 

* પોતાના વ્યક્તિત્વના આધ્યાત્મિક દિશા-ઉઘાડ માટે બાળકોમાં જાગૃતિ લાવવી અને નૈતિક સદાચાર તેમજ આધ્યાત્મિક મૂલ્યોના અભ્યાસથી એમની અનુભૂતિ કરવા એમને પ્રેરવા જોઈએ. 

* પોતાની શારીરિક અને માનસિક શક્તિઓની જાળવણી કરવી અને તેનું ઊર્ધ્વીકરણ કરવું એ અત્યંત મહત્ત્વની આવશ્યકતા છે, એ વાત બાળકોના મનમાં ભરી દેવી. એનાથી બાળકો ક્રિયાશીલતાવાળું ચારિત્ર્ય અને વ્યક્તિત્વ વિકસાવશે અને એ એમને જીવનના વિવિધ પડકારોને હિંમતથી અને બુદ્ધિપૂર્વક ઝીલવા માટે શક્તિમાન બનાવશે.

* એમને આપણા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની કદરદાની કરવા માટે કેળવો. એથી તેઓ એમાં વૃદ્ધિ કરશે અને આ વધુ સમૃદ્ધ વારસો ભાવિ પેઢીને હસ્તાંતરિત કરશે.

* નવાં સાંસ્કારિક અને પ્રૌદ્યોગિકીનાં મૂલ્યોને આપણા પરંપરાગત મૂલ્યો સાથે પૂરેપૂરો તાલમેલ કરવામાં સહાય કરો. એનાથી એ બાળકો આધુનિક સમાજે આગળ ધરેલાં પ્રલોભનો અને સત્તાનો સફળતાપૂર્વક સામનો કરી શકે.

* સામાજિક સદ્‌ગુણો અને કૃતજ્ઞતાના ભાવને એમનામાં રેડો. એથી તેઓ પોતાના દેશબંધુઓ સાથે સક્રિય સહકાર અને સંવાદીભાવથી રહેવા શક્તિમાન બનશે.

* બાળકોને પોતાની સામાજિક જવાબદારીઓ અને કર્તવ્યનિષ્ઠા પ્રત્યે જાગૃત કરો. અને એ રીતે પોતાનાં વ્યક્તિગત સફળતા અને ગૌરવ કે મહત્તાના સ્વપ્નોને એક રાષ્ટ્રિય અભિગમ આપો.

* એમને એટલી ખાતરી કરાવો કે જીવનની સફળતા ધન, સામાજિક સત્તા, શક્તિ કે પ્રતિષ્ઠાથી મપાતી નથી; પરંતુ – ભીતરની શાંતિ અને સુખ; તંદુરસ્તીભર્યા પરસ્પરના વ્યક્તિગત સંબંધો; સમાજે એને જે કંઈ આપ્યું છે એના કરતાં વધારે સમાજને આપવાની શક્તિ; કોઈ પણ માનવ કેટલે અંશે બીજાના જીવનને સહાયરૂપ અને સંસંવેદના પાઠવી શકે છે – એનાથી મપાય છે.

ચારિત્ર્ય ઘડતરના બે અભિગમો : ચારિત્ર્ય ઘડતરના બે અભિગમો છે. પુસ્તકના ક્ષેત્રની બહાર રહીને પહેલા અભિગમમાં વિદ્યાર્થીઓને અધ્યાત્મ કેન્દ્રી ઔપચારિક શિક્ષણ આપવામાં આવે છે. બીજા અને સૌથી વધારે અગત્યના અભિગમમાં વ્યક્તિગત આચરણોથી વિદ્યાર્થીઓને પ્રેરવામાં આવે છે.

રામાયણ અને મહાભારત શાશ્વત પ્રેરણાના સ્રોત છે : આપણા પ્રાચીન ઋષિઓ પ્રેરણાની શક્તિથી પૂરેપૂરા જ્ઞાત હતા. તેઓ બરાબર જાણતા હતા કે વ્યક્તિગત કે સામુહિક રીતે લોકોનાં વર્તન-વર્તણૂકને સૌથી વધારે અસરકારક અને સુયોગ્ય ઘાટ આપવા વ્યક્તિગત સદાચરણનાં ઉદાહરણો અત્યંત પ્રેરક છે. લોકોને ઉચ્ચતર તત્ત્વમાં પ્રવૃત્ત કરવાની પ્રેરણા આપવાની ઇચ્છાથી આદિકવિ મહર્ષિ વાલ્મીકિએ દેવર્ષિ નારદને પૂછ્યું: ‘હે મહર્ષિ, આ ધરતીમાં પ્રશંસનીય ગુણવાળા, પરાક્રમશીલ, ધર્મના રહસ્યને જાણનાર, કૃતજ્ઞ, સત્યવક્તા, આપત્તિમાં પણ ગ્રહણ કરેલ નિયમને ન ત્યજનાર, ઉત્તમ ચારિત્ર્યવાળા, સર્વપ્રાણીઓનું હિત કરનાર, આત્મ-અનાત્મ પદાર્થને જાણનાર, પ્રજારંજન કરવા સમર્થ, સ્વરૂપવાન, પોતાના અંત:કરણને વશ કરનાર, ક્રોધજિત, તેજસ્વી, ઈર્ષ્યા રહિત અને યુદ્ધના સમયે એને કોપેલો જોઈને દેવો તેમજ દાનવો પણ ભય પામે એવો પુરુષ આ સમયમાં કોણ છે?’ (વાલ્મીકિ રામાયણ ૧.૧.૨-૧.૧.૪)

પછી દેવર્ષિ નારદે અયોધ્યાના રાજા રામચંદ્રનું ચારિત્ર્ય વર્ણવ્યું. વાલ્મીકિએ રામાયણની અથવા ‘રામનો પથ’ની રચના કરી અને એક આદર્શની સ્થાપના કરી. એમાં એણે રામને શાશ્વતતા માટે સમગ્ર વિશ્વ દ્વારા એક પૂર્ણ આદર્શ મર્યાદા પુરુષોત્તમ રૂપે મૂક્યા છે. રામાયણની ઉચ્ચ ભૂમિકાએ લઈ જનારી શક્તિ એટલી બધી તો પ્રબળ રહી છે કે ભગવાન શ્રીરામચંદ્ર, શ્રીમા સીતા, ભ્રાતા લક્ષ્મણ, સેવક અને સંનિષ્ઠ ભક્ત હનુમાનજીએ અનેક સદીઓથી લાખો લાખો લોકોને ગુણસત્ત્વવાળું જીવન જીવવા પ્રેર્યા છે. 

મહાભારતમાં ભીષ્મ પિતામહની ભીષ્મ પ્રતિજ્ઞા તેમજ મહારાજ યુધિષ્ઠિરની સત્યનિષ્ઠા, કર્ણની અનન્ય મૈત્રી, ભીમની શારીરિક શક્તિ, નાના યુવાન અભિમન્યુનું વીર પરાક્રમ, આ બધાં પ્રેરણાના શાશ્વત સ્રોત છે. આ બે મહાકાવ્યો થોડાં વર્ષો પહેલાં જ્યારે ટેલિવિઝન પર સિરિયલ રૂપે આવ્યાં ત્યારે તેની સતતપણે લોકોને પ્રેરવાની શક્તિ ફરીથી પુરવાર થઈ. આ બંને સિરિયલે રાષ્ટ્રના સમગ્ર પ્રજાજનોનું ધ્યાન આકર્ષ્યું હતું અને એમાંના કેટલાક નહિવત્‌ જાણીતા કલાકારોએ રાષ્ટ્રના જાહેર જીવનમાં, અરે! સંસદમાં પણ પોતાનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું હતું. 

તમારાં પુત્ર-પુત્રી અને વિદ્યાર્થીને કોણે પ્રેરવાં જોઈએ? હવે પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે તમારાં ઊછરતાં પુત્રપુત્રી કે વિદ્યાર્થીઓ માટે કોણ સૌથી વધુ પ્રેરણાદાયી આદર્શ બની શકે? એમના હૃદયનાં ઊંડાણને સ્પર્શીને સત્યના પથે ચાલીને સફળતા અને આનંદ શોધવા એમને કોણ પ્રેરી શકે? 

સત્યકામે પોતાની માતાની સંનિષ્ઠાની શક્તિથી સર્વોચ્ચ સત્યની અનુભૂતિ કરી. જ્યારે સત્યકામને માટે ગુરુકુળમાં જોડાવાનો સમય પાક્યો ત્યારે પોતાનું કુળ કે ગોત્ર જાણવા તે પોતાની માતા પાસે ગયો. એ ઉપનિષદ કાળનો સમય હતો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની આનુવંષિકતાથી ઓળખાતો હતો. તેણે પોતાની માતાને પૂછ્યું: ‘મા, હું ગુરુના આશ્રમમાં બ્રહ્મચારી વિદ્યાર્થી તરીકે રહેવા ઇચ્છું છું. હું કયા વંશનો કે ગોત્રનો છું, એ મને કહેશો?’ સત્યકામનાં માતા પરણેલાં ન હતાં અને પ્રાચીન ભારતમાં અપરણિત નારીના સંતાનને જ્ઞાતિ બહાર કરાતું. સમાજ એને માન્યતા ન આપતો અને એને વેદોનો અભ્યાસ કરવાનો પણ અધિકાર ન હતો. તેની માતાએ શાંતિથી જવાબ આપ્યો: ‘બેટા, તું કયા ગોત્રનો છો એ હું જાણતી નથી. જ્યારે હું મારી ફરજો નિભાવતી હતી અને સેવા કરતી હતી ત્યારે મારી યુવાનીમાં મારી કૂખે તારો જન્મ થયો છે. તેથી તું કયા ગોત્રનો કે કુળનો છો એ વિશે હું કંઈ જાણતી નથી. પરંતુ મારું નામ જાબાલા છે અને તારું નામ સત્યકામ છે. એટલે તું તારી જાતને સત્યકામ જાબાલ કહેજે.’

સત્યકામ તો મહર્ષિ હરિદ્રુમત ગૌતમ પાસે ગયો અને પોતાને વિદ્યાર્થી રૂપે સ્વીકારવા વિનંતી કરી. ઋષિએ તેને એના પિતાનું નામ પૂછ્યું. પોતાની માતાની પૂર્ણ સત્યનિષ્ઠા અને વાસ્તવિકતાના સ્વીકારથી પ્રેરાઈને સત્યકામે પોતાની માતા પાસેથી જે સાંભળ્યું હતું તેનો નિર્ભયતાપૂર્વક પુનરુચ્ચાર કર્યો. નાના છોકરાની પ્રામાણિક સંનિષ્ઠાને ઓળખીને ગુરુએ તેને પોતાના વિદ્યાર્થી તરીકે સ્વીકાર્યો. અસુખ ઊભું કરતા નગ્ન સત્યના પાલન માટેનો સત્યકામનો અદમ્ય જુસ્સો તેને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યની અનુભૂતિ સુધી દોરી ગયો. આ સત્યકામ જાબાલ ઉપનિષદ કાળના મહાન ઋષિઓમાંના એક ઋષિ હતા.

શેખ અબ્દુલ કાદીરની માતાએ તેને પરમ સત્યનિષ્ઠ બનાવી દીધો. સેંકડો વર્ષો પહેલાં જ્ઞાનની શોધમાં અબ્દુલ કાદીરને મક્કા જવાની પ્રેરણા થઈ. આ દિવ્ય આહ્‌વાનને જાણીને તેની માતાએ તેને હજારો માઈલની લાંબી યાત્રાએ જવા દીધો. માતાએ અબ્દુલ કાદીરને ચાલીસ સોનાની દીનાર આપી હતી અને એ એને વારસામાં મળી હતી. પોતાના ડગલાના અંદરના ભાગમાં એણે આ ચાલીસ સોનાની દીનાર બરાબર સીવી લીધી. જ્યારે અબ્દુલ ઉપડ્યો ત્યારે એની માતાએ કહ્યું: ‘અરે, દીકરા! તું જાય છે મારા કયામતના દિવસ સુધી હું તારું મોં ફરીથી નહિ જોઈ શકું એ જાણીને હું તને ખુદાને ખાતર મારાથી અલગ કરું છું. જતાં પહેલાં મારી આ શિખામણ ધ્યાનમાં રાખજે. બેટા, તારા જીવના જોખમે પણ હંમેશાં સત્યનું આચરણ કરજે, સત્ય જ બોલજે અને સત્યનો જ ઉપદેશ આપજે.’

નાનકડા કાફલા સાથે અબ્દુલ કાદીર તો બગદાદ જવા માટે ઉપડ્યો. રસ્તામાં લૂંટારાઓની ટોળીએ આ કાફલા પર હુમલો કર્યો અને તેઓ તો વેપારીઓને લૂંટવા માંડ્યા. પણ એમાંથી કોઈનુંયે ધ્યાન અબ્દુલ કાદીર તરફ ન ગયું. અંતે એક લૂંટારાએ જરા ઉદ્ધતાઈથી અબ્દુલ કાદીરને પૂછ્યું: ‘એઈ છોકરા, તારી પાસે કંઈ છે ખરું?’ અબ્દુલે સ્વસ્થતાથી જવાબ આપ્યો: ‘હા ભાઈ, મારી પાસે સોનાની ચાલીસ દીનાર છે. અને મારી માતાએ મારા ડગલાની અંદરના ભાગની કિનારમાં સમાય જાય તેમ એ દિનાર સીવી દીધી છે.’ આમ દેખાવે કંગાળ દેખાતા આ છોકરાના આ જવાબથી પેલા લૂંટારાને તો હસવું આવ્યું. આમ છતાં પણ ત્યાંથી નીકળતા પહેલાં પેલા લૂંટારાએ સરદારને છોકરાની ચાલીસ દીનારની વાત કરી. જ્યારે સરદારે અબ્દુલને એ વિશે પૂછ્યું ત્યારે પેલા છોકરાએ એ જ સત્યનો પુનરુચ્ચાર કર્યો. સરદારે કોટને ફાડીને એમાંથી ચાલીસ દીનાર કાઢી.

અબ્દુલના પુનરુચ્ચારથી આશ્ચર્યચકિત થઈને સરદારે એને પૂછ્યું: ‘ભાઈ, તારી પાસે આ દીનાર હોવાની વાત તેં અમને કેમ કરી?’ અબ્દુલે જવાબ આપ્યો: ‘ભાઈ, મારી માતાએ મને હંમેશાં જિંદગીના જોખમે પણ સત્યનિષ્ઠ બનવાનું કહ્યું છે. અને ભાઈ, અહીં તો માત્ર ચાલીસ દીનારની વાત હતી. મેં આ સત્યનિષ્ઠાનું તેને વચન આપ્યું છે અને હું એના મારા પરના વિશ્વાસને કદી જૂઠો પડવા નહિ દઉં. એટલે જ મેં સાચી વાત કહી દીધી.’ અબ્દુલ કાદીરના સત્યનિષ્ઠાના અદ્‌ભુત ચારિત્ર્ય બળનો પ્રભાવ લૂંટારાઓ પર એટલો બધો પડ્યો કે તે તેમના અંતરને સ્પર્શી ગયો. તેમણે બધાએ તરત જ પોતાના આ કુકર્મો છોડી દીધા અને અબ્દુલને અનુસરવાનો નિર્ણય કર્યો. 

આ નાના અબ્દુલ કાદીરને સત્યને પથે વાળનાર હતાં એનાં માતા. પાછળથી આ અબ્દુલ સંત શેખ અબ્દુલ કાદીર અલગિલાનીના નામે જાણીતા બન્યા.

સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક યાત્રા પોતાની માતા ભુવનેશ્વરી દેવીના ખોળામાંથી જ આરંભાઈ હતી. સ્વામી વિવેકાનંદના માતા ભુવનેશ્વરી દેવીનો જન્મ ૧૮૪૧માં થયો હતો. ૧૦ વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં અને એક આદર્શ ગૃહિણી બન્યાં. પોતાનાં દરરોજના ઘરના કામકાજમાંથી સમય કાઢીને તેઓ સીવણકામ કરતાં, ગીતભજન સંગીત માટે સમય કાઢતાં અને દરરોજ રામાયણ, મહાભારતનું વાંચન પણ કરતાં. દરરોજ બપોર પછી પોતાના ઘરનાં બધાં કામકાજ પતાવીને આ મોટા સંયુક્ત કુટુંબની સ્ત્રીઓ એકઠી મળતી અને ભુવનેશ્વરી દેવી તેમને રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો વાંચી સંભળાવતાં. ભુવનેશ્વરી દેવી ધર્મનિષ્ઠાવાળાં હતાં અને દરરોજ ભગવાન શિવની પૂજા કરતાં. તેઓ મિતભાષી હતાં અને ધાર્મિક નાટકોમાં સાંભળેલ ભગવાન શ્રીકૃષ્ણનાં ગીતો મધુર કંઠે અવારનવાર ગાતાં.

ભાવિ વિવેકાનંદ, શ્રી નરેન્દ્રનાથ આ ઉમદા માતાના પુત્ર રૂપે જન્મ લેવા સદ્‌ભાગી બન્યા હતા. પોતાની માતાના ખોળામાં બેસીને માતાના મુખેથી રામ અને સીતાની વાતો અવારનવાર એમણે સાંભળી હતી. તેમણે રામના જેવો સંઘર્ષપથ અપનાવ્યો અને પોતાના વ્યક્તિગત પુરુષાર્થ અને સાહસથી તેમણે વિજય પણ મેળવ્યો. તેઓ પોતાનાં માતા અને ઘરના બીજા વડીલોને રામની કે શિવની પૂજા કરતાં અને ધ્યાન ધરતાં જોતા. એમને તરત જ મનમાં થતું કે તેમણે પણ આવી રીતે રામનાં પૂજાધ્યાન કરવાં જોઈએ. 

સ્વામી વિવેકાનંદનો એક જીવનપ્રસંગ છે: એક દિવસ નરેન્દ્રનાથ અને એક બ્રાહ્મણના હરિ નામના છોકરાએ સીતા અને રામની માટીની મૂર્તિ ખરીદી. જ્યારે ઘરમાં આજુબાજુમાં કોઈ ન હતું ત્યારે તેઓ સીડી ચઢીને ઘરની નારીઓનાં નિવાસસ્થાનની ઉપર આવેલા એક ઓરડામાં ગયા. ચૂપચાપ બારણાં બંધ કરીને તેમણે મૂર્તિને સ્થાપી અને પછી ઊંડાં ધ્યાનમાં બેસી ગયા. (લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ, ૧.૧૫)

હવે આ જ નરેન્દ્રનાથ એક આધ્યાત્મિક વિભૂતિ, ધ્યાનનિષ્ઠ સંન્યાસી, એ યુગની મહાવ્યક્તિ, પોતાના પ્રભાવથી સમગ્ર જગતને હચમચાવી મૂકનાર મહાન વિભૂતિ બને એમાં કંઈ આશ્ચર્યની વાત ખરી! તેમણે નવીન વ્યવસ્થાની આધારશીલા રચી અને આપણા રાષ્ટ્રિય જીવનને એક અત્યંત શક્તિશાળી ગતિ પણ આપી.

ઉમદા ચારિત્ર્યશીલ અને નિ:સ્વાર્થ માતા સિવાય કોઈ વધારે આદર્શ બની શકે ખરું?

(ક્રમશ:)

Total Views: 182

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.