(ગતાંકથી આગળ)

મૂલ્યનિષ્ઠ જીવન જીવો. એટલે જ આપણી આજની યુવા પેઢીના ચારિત્ર્ય ઘડતરના રાષ્ટ્રિય મિશનનો પ્રારંભ તમારાથી જ – માતપિતા અને શિક્ષકથી થાય છે. સૌ પ્રથમ તો તમારે જ સિદ્ધાંતનિષ્ઠ અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવું જોઈએ. સૌ પ્રથમ તો તમારે મહદંશે ઇન્દ્રિય સુખલાલસાના બંધનમાંથી મુક્તિ મેળવવી જોઈએ.

મૂલ્યોને જીવનમાં જીવી બતાવવાં

મૂલ્યો વિશેની સાચી સમજણ

‘મૂલ્યો શું છે?’ સિદ્ધાંતનિષ્ઠ કે મૂલ્યનિષ્ઠ જીવન જીવવા માટે કોઈ પણ વ્યક્તિમાં આટલી વાત સ્પષ્ટ હોવી જોઈએ : મૂલ્યોનું મહત્ત્વ, નૈતિક મૂલ્યોના આચરણનો હેતુ અને આધ્યાત્મિક ઉન્નતિની સંકલ્પના.

મૂલ્યોનું મહત્ત્વ અને તેનો સૂચિતાર્થ

ઓક્સફર્ડની અંગ્રેજી ડિક્સનરીમાં ‘વેલ્યુ’ના આવાં વ્યાખ્યા કે અર્થ આપવામાં આવ્યાં છે : નાણાના અર્થમાં કોઈ પણ વસ્તુની કિંમત; ઉપયોગી કે અગત્યના માણસ બનવાનો ગુણ; જીવનમાં સાચા-ખોટા વચ્ચે વિવેક વિશેની તેમજ જીવનમાં શેનું મહત્ત્વ છે એ વિશેની માન્યતાઓ. ‘વેલ્યુ’ના જે તે અર્થનો આધાર કોઈ પણ વ્યક્તિના દૃષ્ટિબિંદુ પર કે જે વિષયક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે તેના પર રહે છે. મૂલ્યોને પોતપોતાના સ્રોત પ્રમાણે આધ્યાત્મિક, નૈતિક, ભૌતિક કે વ્યાવહારિક, સાંસ્કૃતિક, બૌદ્ધિક, સૌંદર્યકલાને લગતા, આર્થિક, રાજકીય, સામાજિક કે વ્યક્તિગત એવા પ્રકારોમાં વહેંચી શકાય. વળી દાર્શનિકો, મનોવૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, સમાજવિદો અને બીજા કેટલાક આ મૂલ્યોની સમજણ અને એના સંક્રમણ વિશે ભિન્ન ભિન્ન અભિગમો સૂચવે છે.

ભારતીય સંસ્કૃતિમાં મૂલ્ય : પ્રાચીન કાળથી જ ભારતીય સંસ્કૃતિએ પુરુષાર્થના નામે ઓળખાતાં બે કક્ષાનાં મૂલ્યો સ્વીકાર્યાં છે. નિમ્ન કક્ષાનાં ત્રણ મૂલ્યોમાં કામ, અર્થ અને ધર્મ કે નૈતિકતાનો સમાવેશ થાય છે. અહીં પ્રથમ બે મૂલ્યો ત્રીજા મૂલ્ય ધર્મથી નિયમનમાં રહે છે. ધર્મના ખૂંટા વિહોણા કામ અને અર્થની નિરંકુશ ઘેલછાને લીધે માનવની વિવેક બુદ્ધિ પર કાળાં વાદળ છવાઈ જાય છે અને તેને લીધે છેતરપીંડી, ભ્રષ્ટાચાર, માનસિક તનાવ, સંઘર્ષ તરફ માનવી દોરવાઈ જાય છે અને અંતે પોતાના સમગ્ર વ્યક્તિત્વને છિન્ન ભિન્ન કરી નાખે છે.

એક વખત જેવો કોઈ માનવ આ પ્રથમ બે મૂલ્ય – કામ અને અર્થ પ્રત્યે નિરાસક્ત બને છે ત્યારે તે સર્વોત્કૃષ્ટ મૂલ્યની અનુભૂતિ માટે તૈયાર થાય છે, અને આ મૂલ્ય છે – મોક્ષ એટલે કે પૂર્ણ મુક્તિ – આ પૂર્ણ મુક્તિ અનંત સમય સુધી કામના સાથે ચાલતા ચકરાવામાંથી મુક્તિ છે. અવિરત અને બાહ્ય કે આંતરિક પરિસ્થિતિઓથી જરાય પ્રભાવિત ન થનાર આનંદ, શાંતિ અને જાગૃતિની પ્રાપ્તિ એટલે મોક્ષ.

મૂલ્યો એટલે સદ્‌ગુણો : જ્યારે આપણે ચારિત્ર્ય ઘડતરના અર્થમાં મૂલ્યોની વાત કરીએ છીએ ત્યારે તે ખરેખર તો નૈતિક માન્યતાઓ અને સિદ્ધાંતો છે. એ મૂલ્યો એવી સંકલ્પનાઓ છે કે જે સાચું શું છે અને ખોટું શું છે, તેમજ ઇચ્છવા યોગ્ય શું છે અને ન ઇચ્છવા યોગ્ય શું છે – એ નક્કી કરી આપે છે અને આપણાં કર્મોને માર્ગદર્શન આપે છે. એટલે જ સમાજમાં મૂલ્યોનું આહ્‌વાન એ મુખ્યત્વે નૈતિક અપીલ જેવું છે, વાસ્તવિક રીતે આ મૂલ્યો એટલે સદ્‌ગુણો જ છે.

નૈતિક મૂલ્યોનું મહત્ત્વ એ હકીકતમાં રહેલું છે કે આ મૂલ્યો કોઈ પણ વ્યક્તિના વૈયક્તિક જીવન અને વર્તણૂકને પોતાના વ્યક્તિત્વની અતિગહન કક્ષાએથી નિયંત્રિત કરે છે. આદર્શ માનવીય ઉત્ક્રાંતિને પ્રાપ્ત કરવા આવું નિયમન આવશ્યક છે. નૈતિક તાકાત કોઈ પણ વ્યક્તિને પ્રેમ, નિ:સ્વાર્થ ભાવના, શાંતિ અને કલ્યાણની અભિવ્યક્તિમાં સહાયરૂપ બને છે. આ જ નૈતિક તાકાત સમાજમાં સ્વતંત્રતા, ભ્રાતૃભાવના, અહિંસા અને ન્યાય જેવા સદ્‌ગુણો લાવે છે.

નૈતિકતાનો ઉદ્દેશ

મૂલ્યો એટલે આધ્યાત્મિક ઉન્નતિનાં સાધનો: આ બધું હોવા છતાં પણ મૂલ્યો પોતે સાધ્ય નથી. આ મૂલ્યો આપણને ગુણવત્તા ઉચ્ચ ગ્રાહિતા અને સંતુષ્ટિ મેળવવા માટે પ્રેરતા હોય પણ તેઓ ચિરંજીવી સંતુષ્ટિ, શાંતિ અને શાણપણ આપી શકતાં નથી. વળી નૈતિક મૂલ્યોનું માત્ર આચરણ જ સામાજિક સમસ્યાઓનું ટકાઉ સમાધાન નથી. વ્યક્તિગત અને સમાજિક ઉત્ક્રાંતિની ગુરુચાવી તો ધર્મમાં રહેલી છે. અહીં ધર્મ એટલે માત્ર ક્રિયાકાંડ નહિ પણ ધર્મ એટલે આધ્યાત્મિકતા છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ની અધ્યક્ષતા હેઠળ ૧૯૪૮-૪૯ના યુનિવર્સિટી એજ્યુ. કમિશને યુનિવર્સિટી કક્ષાએ ધર્મ અને નૈતિકતાના શિક્ષણને સામેલ કરવા માટે ભારપૂર્વક ભલામણ કરી હતી. તે વિશે કમિશન આમ કહે છે: 

‘એવા ઘણા લોકો છે કે નૈતિકતા ધર્મનું સ્થાન લઈ શકે એમ માને છે. આપણે એ સમજી લેવું જોઈએ કે વફાદારી કે નિષ્ઠા, હિંમત કે સાહસ, શિસ્ત અને આત્મસમર્પણ સારાં અને નરસાં સાધ્ય માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ સદ્‌ગુણો એક સફળ નાગરિક માટે જેટલાં આવશ્યક છે એટલાં જ આવશ્યક એક સફળ બદમાશ માટે પણ છે. માણસ જે હેતુ માટે જીવન જીવે છે અને તેના જીવન પ્રત્યેના સામાન્ય દૃષ્ટિકોણથી જ તે વાસ્તવિક રીતે ગુણવાન બને છે. આપણે જે દિશામાં જઈએ છીએ કે જે રીતે આપણે આપણાં જીવનને ઘડીએ છીએ તેના દ્વારા સદ્‌ગુણો અને દુર્ગુણો સુનિશ્ચિત થાય છે. જ્યાં સુધી આપણે નૈતિકતાને વધારે ઉદાત્તતા તરફ ન લઈ જઈએ ત્યાં સુધી એ પૂરતી નથી. જો આપણી શૈક્ષણિક સંસ્થાઓમાંથી આધ્યાત્મિક તાલીમને બહાર રાખીશું તો આપણા સમગ્ર ઐતિહાસિક વિકાસ પ્રત્યે વફાદાર નહિ રહી શકીએ. (ડોક્યુમેન્ટ, પૃ.૬)

વાસ્તવિક રીતે તો જેમ જેમ આપણે આધ્યાત્મિકતાપૂર્વક ઉન્નત થઈએ છીએ તેમ તેમ નૈતિક સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોમાં પ્રવેશીએ છીએ.

એટલે જ મૂલ્યો વાસ્તવિક રીતે તો ઉચ્ચતર, ગહનતર સંતુષ્ટિ કે પૂર્તિ અને આધ્યાત્મિક ઉન્નતિનાં બારણાં ઉઘાડવા માટેનાં સાધનો છે. આ બધાં મૂલ્યો એ આપણા ભીતરી માર્ગદર્શકો કે કડીરૂપ છે કે જે આપણને પોતાના મૂળ સ્વરૂપ એટલે કે આપણી ભીતર રહેલી દિવ્યતા તરફ દોરી જાય છે. તેઓ આપણને અદ્વૈત તરફ દોરી જાય છે.

આધ્યાત્મિક ઉન્નતિ

દિવ્યતા આપણી ભીતર જ રહેલી છે : માનવનું વાસ્તવિક સ્વરૂપ દિવ્ય છે. વિશ્વનો પ્રત્યેક ધર્મ ઉદ્‌ઘોષણા કરે છે કે આ પરિવર્તનશીલ નશ્વર માનવદેહ અને મનની પાછળ દિવ્યતા, સ્વસ્વરૂપ, શાશ્વત તત્ત્વના નામે જાણીતો આત્મા રહેલ છે. આપણું અસલ સ્વરૂપ દિવ્યતા જ બધાં જ્ઞાન, આનંદ, સર્વોત્કૃષ્ટતા, પૂર્ણતા અને પવિત્રતાનું મૂળ સ્રોત છે. 

આધ્યાત્મિક ઉન્નતિ સ્વજાગૃતિની વિસ્તૃતી : હજારો વર્ષ પહેલાં આપણા ઋષિઓએ એવું શોધી કાઢ્યું છે કે આપણાં વિચારો, ઊર્મિઓ, વલણો અને કાર્યો આપણા ચેતનાના સ્તર કે આત્મ પરિચયથી નિશ્ચિત થાય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે કોઈપણ વ્યક્તિ ઈષ્ટધ્યેયનું અનુસરણ કરે છે તેનો આધાર તે પોતાની જાતને શું બનાવવા ધારે છે તેના પર રહે છે. 

જો આ ચેતના માત્ર દેહમન પૂરતી સીમિત હોય તો તે સ્વાર્થી સંકુચિત જીવનદૃષ્ટિકોણને જન્મ આપે છે. આવો સંકીર્ણ દૃષ્ટિકોણ કદીયે તૃપ્ત ન થનારી ઇચ્છાઓ, માનસિક તનાવ અને વિસંવાદિતા તરફ નિશ્ચિતપણે દોરી જાય છે. એટલે જ વ્યક્તિગત કે સામાજિક સમસ્યાઓનું સમાધાન આપણી ચેતનાને કે સ્વજાગૃતિને ઉન્નત કરવામાં રહેલું છે. મનોદૈહિક ઓળખાણમાંથી આગળ વધવાની ક્રિયા અને પોતાના મૂળ દિવ્ય સ્વરૂપ વિશેની જાગૃતિ થવી એને આધ્યાત્મિક ઉન્નતિ કહેવાય છે.

આધ્યાત્મિક ઉન્નતિ નૈતિક જીવનને વાસ્તવિક રીતે વ્યવહારુ બનાવે છે : આધ્યાત્મિક ઉન્નતિનું અગત્યનું પરિણામ સ્વયંભૂ નૈતિક જીવન જીવવાની શક્તિ આપે છે. વાસ્તવિક રીતે આધ્યાત્મિક જાગૃતિના પ્રારંભ સાથે જ નૈતિક જીવન સાચી રીતે વ્યવહારુ બને છે. ઉદ્દેશ્ય સાથેનું નૈતિક જીવન ‘શા માટે મારે પવિત્ર બનવું જોઈએ? શા માટે મારે બીજાનું કલ્યાણ કરવું જોઈએ?’ જેવા પ્રશ્નો તો ઉત્તરની અપેક્ષા રાખે છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણ ઉપર્યુક્ત પ્રશ્નોના આવા ઉત્તર આપણી સમક્ષ મૂકે છે : ‘પવિત્રતા વિના તમે તમારી ભીતરની પૂર્ણતાને અને દિવ્યતાને પ્રગટાવી ન શકો.’ અને ‘તમારે તમારા માનવબંધુઓનું કલ્યાણ કરવું જોઈએ, કારણ કે તમે અને એ બધા એક જ છો.’ સમગ્ર વિશ્વ એક જ અસ્તિત્વ છે, એ મહાન સત્યમાંથી આ ઉત્તર ઉદ્‌ભવે છે. દુનિયામાં જે કંઈ ભેદ દેખાય છે તે તો નામ અને રૂપમાં છે. પરંતુ સમગ્ર વિશ્વની પ્રકૃતિમાં ‘નિમ્નતમ સર્જન અને સર્વોત્કૃષ્ટ પૂર્ણ સ્વરૂપ’ સુધી બધાં એક જ છે. વાસ્તવિક રીતે નૈતિકતા અને વ્યાવહારિકતા એ આ એકતાને પામવાની મથામણ જ છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો…

‘બધી નીતિમત્તાનું સનાતન પ્રમાણ છે આત્માની અનંત એકતા, કે તમે અને હું માત્ર ભાઈઓ છીએ; એટલું જ નહિ, પરંતુ મુક્તિ માટેની માનવીની મથામણને વાચા આપનારા એકેએક સાહિત્યએ ઉપદેશ્યું છે કે તમે ને હું વાસ્તવિક રીતે એક જ છીએ. ભારતીય તત્ત્વદર્શનનો આ આદેશ છે. સમગ્ર નીતિમત્તા અને આધ્યાત્મિકતાનો બુદ્ધિગમ્ય ખુલાસો આ એકતામાં છે.’  (સ્વા.વિ. ગ્રં.મા. ૪.૭૪-૭૫)

આધ્યાત્મિક ઉન્નતિ આપણને જીવન પ્રત્યેનો આધ્યાત્મિક દૃષ્ટિકોણ અર્પે છે.

આધ્યાત્મિક દૃષ્ટિકોણમાંથી જ સામાજિક મૂલ્યો સ્વાભાવિક રીતે ઉદ્‌ભવે છે : જેવા આપણે આ સમગ્ર વિશ્વની એકતાને સમજવામાં આગળ વધીએ અને ભય, શોક, ક્રોધ, ઈર્ષ્યા વગેરેને અર્થહીન સમજવા માંડીએ કે ધીમે ધીમે આપણી ભીતર અંતરના સમભાવનાનું પ્રભાત ખીલી ઊઠે છે. આ ભીતરી સમતુલન, શાંતિ અને આનંદ પછીથી બાહ્ય રીતે વૈશ્વિક ભ્રાતૃભાવના, યથાર્થ કે વિશુદ્ધ સામાજિક ભાવનાને પ્રગટાવે છે. સર્વ પ્રત્યેનો આ પ્રેમભાવ નિ:સ્વાર્થ સેવા, સર્વગ્રાહિતાવાળી ધાર્મિક ઉદારતા અને પ્રબળ નાગરિક ભાવના દ્વારા અભિવ્યક્ત થાય છે. વ્યક્તિઓના પરસ્પરના આંતર સંબંધો દિવ્ય બની જાય છે અને સુખદ તેમજ ફળદાયી પ્રેમસંબંધો બાંધવાનું સ્વાભાવિક વલણ એમાં જોવા મળે છે. મનની ઉઘાડી બારી અને પરસ્પરના સાચા ચિંતાભાવથી સામાજિક તેમજ પારસ્પરિક અસર કે પ્રભાવ સુનિશ્ચિત થાય છે. એને લીધે શ્રદ્ધેય નૈતિક કાર્યભાવના, કાર્યનિષ્ઠા અને વ્યક્તિગત માનસન્માનનો વિકાસ થાય છે. એટલે જ આ સામાજિક મૂલ્યો એ આધ્યાત્મિક ઉન્નતિની સ્વાભાવિક નીપજ જ છે. સ્વામી વિવેકાનંદે સાચે જ કહ્યું છે : ‘સંસ્કૃતિ એ માનવની ભીતર રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ છે.’

(ક્રમશ:)

Total Views: 267

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.