હિમાલય – અદ્વૈતનું નિવાસસ્થાનઃ

કુમાઉની ખીણોની અદ્ભુત સુંદરતા અને પવિત્રતાના ભવ્ય વાતાવરણમાં, પયગંબર અને માર્ગદર્શક એવા સ્વામી વિવેકાનંદે અદ્વૈત આશ્રમની સ્થાપના કરી. આમ ક૨વામાં તેઓનો હેતુ એ હતો કે અદ્વૈત વેદાંતની (ઉચ્ચતમ) ફિલસૂફી, જેમાં માનવની અંતર્ગત ગરિમા અને અસ્તિત્વની અંતિમ એકાત્મતા પર ભાર મૂકવામાં આવે છે, તેનો પ્રચા૨ ક૨વામાં આવે. આધુનિક સંસ્કૃતિને પતનમાંથી બચાવી શકે તે આ જ ફિલસૂફી છે. ૧૧૦૦ વર્ષો પહેલાં હિમાલયની બદરીનારાયણની ખીણોમાં ભારતીય સંસ્કૃતિને પુનર્જીવન અને એકતા અર્પતી અદ્વૈતની ફિલસૂફી શ્રીમત્ શંકરાચાર્યે પ્રસ્થાપિત કરી હતી. અત્યંત પ્રાચીન સમયથી જ ભારતની પ્રજા માટે હિમાલયની પર્વતમાળા આધ્યાત્મિક જ્ઞાનનો સ્રોત રહી છે. વ્યાસ અને ગૌડપાદ જેવા પ્રખર ઋષિઓની પરંપરા તે જ સ્થળેથી આપણે ત્યાં ચાલતી આવી છે.

આપણા આ પરિવ્રાજક સાધુ વિવેકાનંદજીએ પણ અલ્મોડાનાં જંગલો, હિમાલયની તળેટીમાંની પ્રકૃતિમાં જ દિવ્યતાની ઝાંખી કરી હતી. પર્વતોના પિતામહ જેવો હિમાલય તેમને મન એક દૈવી આત્માસ્વરૂપ જ હતો, જેમાં ભારતીય સંસ્કૃતિનાં ઉત્તમ તત્ત્વોનો ભંડાર હતો. ‘‘એ એક એવોમાનદંડ’ હતો અને નિશ્ચિત ધોરણ હતું જેનાથી ભૂતકાળની, વર્તમાનકાળની કે ભવિષ્યની અન્ય બધી જ માનવ સંસ્કૃતિઓની સમીક્ષા કરવી જોઈએ, તેવું તેમણે કહ્યું હતું. હિમાલયના ખળખળ વહેતાં જળસ્રોતો વચ્ચે આ ઘૂમતા સાધુને શિવનાં નગારાંનો નાદ સંભળાતો હતો: ‘‘હર હર, વ્યોમ વ્યોમ!’’ આ જ સ્થળે અલ્મોડાના એક મોટા પીપળાના વૃક્ષની નીચે, હિમાલયની નિશ્રામાં જ તેઓને અદ્વૈતનો સાક્ષાત્કાર થયો; માનવ અને બ્રહ્મની એકાત્મતા, એક નાના કણમાં સમગ્ર બ્રહ્માંડની પ્રતિકૃતિ અને માનવમાં સુષુપ્ત રહેલી સર્વશક્તિમાન ભગવાનની હસ્તી અને આત્મા જ બ્રહ્મ છે તેની પ્રતીતિ તેઓને અહીં થઈ.

શિવશંકરના રહેઠાણ એવા આ મહાન પર્વતમાં જાણે સ્વામી વિવેકાનંદ સ્વયં શિવ બની ગયા ત્યાં તે સમયે જ આવી પહોંચેલા એક યાત્રી તો તેમને આ સ્થિતિમાં જોઈને સ્તબ્ધ બની ઊભા રહી ગયા, અનેશિવ, શિવનું રટણ કરવા લાગ્યા. તેઓની હાજરીમાં એક શિષ્યને એવો ભાસ થવા લાગ્યો કે આસપાસનાં પાઈનવૃક્ષો પણ જાણેમહાદેવ! મહાદેવ મહાદેવ!’નું રટણ કરી રહ્યાં ન હોય! કુમાઉંની ખીણોમાં, હિમાલયની ગોદમાં વસેલા નૈનીતાલમાં એક મુસ્લિમ ભાઈએ તેમનેપયગંબરના અવતાર તરીકે ઓળખ્યા, ‘‘સ્વામીજી, જો હવે પછીના કાળમાં કોઈ તમનેઅવતાર’ તરીકે ઓળખાવે તો યાદ રાખજો કે હું જ પ્રથમ વાર તમને અવતાર ગણાવનાર છું, અને હું મુસ્લિમ છું.”

અનંત હિમાલય પર્વતનું વર્ણન કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે, ‘એક બીજા સાથે ઉત્તુંગ થવાની સ્પર્ધા કરતાં તેનાં હિમાચ્છાદિત શિખરો ર્સ્વગનાં રહસ્યોને પામવા મથતાં હોય તેવાં જણાય છે.’હિમાલય ત્યાગનું પ્રતીક છે,’ તેમણે કહ્યું એ જહિમાલય-પ્રેમ’, ‘અતિ અંતમુખતા’ સાથે જ તેમણે એક વિશ્વાસુ મિત્રને ખાનગી વાત કહી હતી કેમારે કદી મિશનરી થવું નહોતું, અને થયો પણ ન હોત. મારું સ્થાન તો માત્ર હિમાલયમાં જ છે. આ હિમાલયમાં જ તેઓ તેમના મનપસંદ ઉદાત્ત પરમહંસશુકઋષિ વિષેના વિચારોમાં કેટલીક વાર ખોવાઈ જતા. પોતાના આ મહાન આદર્શ વિશે તેઓ વારંવાર કહેતા, ‘માનવોમાંથી એક માત્ર શુકદેવને જ એ સત્ ચિત્-આનંદના અમોઘ અવિભાજિત સમુદ્રમાંથી આચમન કરવાનું સદ્ભાગ્ય મળ્યું હતું. આત્મજ્ઞાન અને સંપૂર્ણ સુખની સ્થિતિ! મોટાભાગના સાધુ તો આ ગહન સમુદ્રનાં મોજાંને કિનારે ઘૂઘવતાં સાંભળીને જ મૃત્યુશરણ થાય. કેટલાક કદાચિત તેનાં દર્શન કરે છે, પણ ઘણા ઓછાને તેનું આચમન કરવાનું બન્યું છે.વળી તેની સાથે તેઓ તેમનું ખાસ વાક્ય પણ આનંદથી કહેતાહું જાણું છું, અને શુક જાણે છે, અને કદાચ વ્યાસ જાણે છે થોડુંક જ’, એમ શિવ કહે છે.’’ તેમના ગુરુ શ્રીરામકૃષ્ણ, તેઓનેમારો શુકકહેતા અને તેઓમાંપરમાત્માનું મૂર્ત સ્વરૂપજોતા.

એક સનાતન સત્ય જે માનવીની મૂળભૂત ગરિમા અને જીવનની એકાત્મતાનો સિદ્ધાન્ત સ્થાપે છે તે અદ્વૈત વેદાન્તને આધુનિક કાળમાં જીવાત્મા પર થતા રૂઢિવાદીઓના પ્રહારો અને માનવ-માનવ વચ્ચેના ભેદભાવો અને ભૌતિકવાદી સંસ્કૃતિથી પતિત થઈ ચૂકેલી દુનિયાના ઉદ્ધાર માટે તેનો પ્રચાર કરવા, શુકદેવની જેમ જ, હિમાલયમાં સ્થિતમાયાવતીદ્વારા ગંગાપ્રવાહ વરસાવી શકવા પોતે નિમિત્ત બનવાના છે તે શું સ્વામી વિવેકાનંદ અગાઉથી જાણી ચૂક્યા નહોતા? અલબત્ત.

માયાવતી: સાકાર થતું સ્વપ્ન!

હિમાચ્છાદિત ઊંચાઈઓ ૫૨, સ્વીટ્ઝરલેન્ડમાં, પ્રથમ વાર સ્વામી વિવેકાનંદના મનમાં અદ્વૈત આશ્રમ વિષેનો ખ્યાલ સ્પષ્ટ થવા લાગ્યો. ૫મી ઑગસ્ટ, ૧૮૯૬ના દિને તેમણે અલમોડામાં એક મિત્રને લખ્યું, ‘‘અલમોડામાં, એટલે કે તેની આસપાસ મારે એક મઠ સ્થાપવો છે.’’ એ જ વર્ષના નવેમ્બર માસમાં તેમણે પુનઃ યાદ દેવડાવ્યું, ‘‘આપણે એક આખો ડુંગર જોઈશે, જ્યાંથી બરફનાં શિખરો નજરે ચઢે અને જ્યાં માત્ર આપણે જ હોઈએ’’ ૧૮૯૪માં તેઓએ હરિદાસ બિહારીદાસ દેસાઈ, જેઓ જૂનાગઢ રાજ્યના દિવાન હતા, તેમને લખ્યું કે એમનું એક સ્વપ્ન હતું કે એક એવી જાતના લોકોને ઘડવા જેવા માણસોએ કદી અગાઉ પૃથ્વી પર જોયા ન હોય અને જેઓ હિન્દુ આધ્યાત્મિકતા સાથે પાશ્ચાત્ય ગતિશીલતા અને તર્કશીલતાથી અદ્વૈતની અખંડતાના સિદ્ધાંતને જોડતા હોય. ૧૮૯૫માં આનવીન પ્રકારના લોકો અંગે સ્વપ્નશીલ વિવેકાનંદે થાઉઝન્ડ આયલૅન્ડ પાર્કમાં પોતાની શિષ્યા ક્રીસ્ટીન ગ્રીનસ્ટીડેલને કહ્યું કે ભવિષ્યનાંમહાશક્તિવાન સ્ત્રીઅનેમહાશક્તિવાન પુરુષ’ તરીકે તેઓ બન્ને ભવિષ્યમાં ઘડાશે. અત્યારે આ પયગંબર ભવિષ્યનામાયાવતી’ અંગે જાણે સ્વપ્ન જોતા હતા.એ સ્થળ ધ્યાન અને કર્મનું કેન્દ્ર બનશે’, તેઓ કહેવા લાગ્યા, ‘‘જ્યાં મારા ભારતીય અને પાશ્ચાત્ય શિષ્યો સાથે રહી શકશે અને હું તેઓને કાર્યકર્તાઓ તરીકે પ્રશિક્ષિત બનાવીશ. પાશ્ચાત્ય શિષ્યો પશ્ચિમમાં વેદાન્તના પ્રચારનું કાર્ય કરશે જ્યારે ભારતીય શિષ્યો ભારતના લોકોના હિતમાં જીવન સમર્પિત કરશે.’’

પૂર્વ અને પશ્ચિમની દુનિયાઓના મિલનસ્થાન તરીકેઅદ્વૈત આશ્રમને સાકારરૂપ આપવાનું શ્રેય તેના બે મહાન અંગ્રેજ શિષ્યો – કૅપ્ટન જે.એચ. સેવિયર અને શ્રીમતી સેવિયર-ને ફાળે જાય છે. સ્વામીજીની આજ્ઞાનુસાર અલમોડામાંથૉમસન હાઉસમાં સર્વ પ્રથમ અદ્વૈત આશ્રમની સ્થાપના કરી. ૧૮૯૬માં જે એકાન્તમાં હોય તેવી સારી જગ્યા શોધતાં તેમણે માઈપૂત અથવા માયાવતના ગ્લેન-ગાઈલ ચાના બગીચાને જોયો. કુમાઉંના ડુંગરોમાં અને ચંપાવતીની ખીણના દક્ષિણી ઢોળાવ ૫૨ સ્થિત આ બાગની ઊંચાઈ ૬,૪૦૦ ફૂટ હતી. સંસ્કૃતકૂર્માંચલશબ્દ પરથીકુમાઉંશબ્દ બન્યો છે. તેનો અર્થ થાય છે એવો ડુંગરનો ઢોળાવ જે કાચબાની પીઠના આકારનો હોય અને જેને આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે શુભ ગણવામાં આવે છે. ૧૯મી માર્ચ, ૧૮૯૯ને દિવસે આ નિવાસ્થાને અદ્વૈત આશ્રમની શરૂઆત થઈ અને તેનેમાયાવત’ ન કહેતાંમાયાવતીએવું નામકરણ કરવામાં આવ્યું.

પ્રબુદ્ધ ભારતનામનું અંગ્રેજી માસિક ૧૮૯૬થી સ્વામી વિવેકાનંદના જ માર્ગદર્શન હેઠળ અને પ્રેરણાથી શરૂ થયેલું હતું, પરંતુ તેના યુવાન અને તેજસ્વી સંપાદક અદ્વૈતીન રાજમ્ આયરના મૃત્યુથી પ્રકાશિત થતું અચાનક અટકી ગયું હતું. તેને હવે હિમાલયના અલૌકિક વાતાવરણમાં લાવીને સ્વામી વિવેકાનંદે પુનર્જીવન આપ્યું. ૧૮૯૮ના ઑગસ્ટ માસમાં હિમાલયમાં અલમોડાથીપ્રબુદ્ધ ભારતનું પુનઃ પ્રકાશન શરૂ થયું. અને એના એકાદ જ વર્ષમાં તેની સંપાદકીય કચેરી માયાવતીના વર્તમાન સ્થળે ખસેડવામાં આવી.

૧૮૯૯ના માર્ચમાં માયાવતી આશ્રમના ઉદ્ઘાટનના પ્રસંગે વિવેકાનંદે માયાવતીનાઅદ્વૈત’ અંગેના સિદ્ધાન્તોનું પોતાનું આત્મદર્શન રજૂ કરતો ખરડો મોકલ્યો હતો. ૧૯૦૦ના જાન્યુઆરીમાં, વિવેકાનંદના માયાવતીમાં આગમનના એક વર્ષ પહેલાંપ્રબુદ્ધ ભારતમાં આ ખરડો આ આશ્રમના સ્થાપનાના સિદ્ધાન્તો તરીકે પ્રગટ થયો હતો.

અદ્વૈત આશ્રમ – હિમાલય:

‘‘જેનામાં આ સૃષ્ટિ છે, જે આ સૃષ્ટિમાં છે, જે સ્વયં સૃષ્ટિ છે; જેનામાં આ આત્મા છે, જે આ આત્મામાં છે, જે માનવનો સ્વયં આત્મા છે; તેને જાણ્યાથી, અને એને લીધે આ સમગ્ર સૃષ્ટિને જાણ્યાથી – તે આપણે પોતે જ છીએ એમ જાણ્યા માત્રથી દરેક પ્રકારના ભય દૂર થાય છે, દરેક દુઃખનો અંત આવે છે, અને નિઃસીમ સ્વાતંત્ર્ય અનુભવાય છે. જ્યાં જ્યાં પ્રેમ અને કલ્યાણનું વિસ્તરણ થયું છે, ભલે તે વ્યક્તિમાં હોય કે વધુ સંખ્યામાં હોય, તે બધે એ જ સિદ્ધાંતનું જ્ઞાન, સાક્ષાત્કાર અને વ્યવહા૨ જણાય છે, જે સનાતન સત્ય છે કે દરેક અસ્તિત્વ આખરે એક જ છે.આધારિત હોવું તે દુ:ખજનક છે, સ્વાતંત્ર્ય જ સુખ છે.’ અદ્વૈતનો સિદ્ધાન્ત જ માત્ર એવો છે જેમાં માનવને તેની પોતાની જાતનું સંપૂર્ણ નિયંત્રણ મળી જાય છે, તેની બીજા પર આધાર રાખવાની જરૂરિયાતને તોડી નાખે છે અને તેવી આધારિતતા કે પરાધીનતા સાથે સંકળાયેલા અન્ય વહેમોને તોડે છે; એ રીતે આપણને તે સિદ્ધાન્ત દુઃખ સહન કરવાની હિંમત પ્રદાન કરે છે, કાર્ય કરવાની હિંમત બક્ષે છે અને છેવટેઉચ્ચતમ સ્વતંત્રતા’ (અથવા મોક્ષ)ની પ્રાપ્તિની હિંમત પણ કેળવે છે.

એક સત્યને વધુ વિસ્તૃત કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત થવાનો અવસ૨ મળે, અને વધુ ને વધુ વ્યક્તિઓ તેમ જ માનવજૂથોના જીવનને ઉચ્ચતર કક્ષાએ પહોંચાડી શકે, તે લક્ષ્યથી અમે આ અદ્વૈત આશ્રમની હિમાલયના ઉચ્ચ શિખરે સ્થાપના કરીએ છીએ, જ્યાં આ સત્ય સર્વ પ્રથમ પ્રગટ થયું હતું.

અત્રે આશા રાખીએ છીએ કે શંકા, વહેમો જેવાં ભ્રષ્ટ કરનારાં તત્ત્વોથી અદ્વૈતને અહીં બચાવી લેવાશે. અહીં એકતા – એકાત્મના સિદ્ધાંતનો જ, તેના શુદ્ધ અને સરળ સ્વરૂપમાં, ઊંડો અભ્યાસ કરવામાં આવશે, જો કે અન્ય દર્શનો સાથે તેનો સંપર્ક પણ રહેશે જ. છતાં આ આશ્રમ તો અદ્વૈત, અને માત્ર અદ્વૈતને લક્ષ્યમાં રાખશે…

આ જ કારણથી અત્રે ભારતીય તેમ જ યુરોપિયન પુરુષો અને સ્ત્રીઓને પૂર્વ તેમજ પશ્ચિમની દુનિયામાં પ્રચા૨ ક૨વાના કાર્યનું પ્રશિક્ષણ આપવાનો કાર્યક્રમ હવે ઘડાય છે.’’

સ્વામી વિવેકાનંદને અદ્વૈતનું નવું અર્થઘટન કરવામાં જ કે હિમાલયમાં સાધુઓ માટે આશ્રમ સ્થાપવામાં જ રસ નહોતો. તેમનું મુખ્ય ધ્યેય તો માનવને માનવ બનાવવાનો, આધ્યાત્મિક માનવજાતિ ઊભી કરવાનો અને અદ્વૈત દ્વારા નિર્દેશિત જીવનશૈલીને તાદૃશ કરવાનો હતો. તેમણે સાનફ્રાન્સિસ્કોમાં આપેલ વ્યાખ્યાનનું શીર્ષક હતું, ‘‘શું વેદાન્ત ભવિષ્યનો ધર્મ છે?’’ તેમાં એમણે કહ્યું હતું કે આ અદ્વૈત સત્ય, જે ઉચ્ચતમ અને વિશુદ્ધ સ્વરૂપ છે, તેનો સાક્ષાત્કાર જરૂર થઈ શકે છે. પરંતુ તે માટે, ‘‘માનવ ક્રમશઃ પૂજા, પ્રાર્થના અને એવી અન્ય ધાર્મિક પ્રવૃત્તિથી આગળ વધી શકે છે.” પરંતુ, માયાવતી તો, તેમણે જેમ જણાવ્યું છે તેમઅદ્વૈત, અને માત્ર અદ્વૈતને જ સમર્પિત છે.

‘‘કલકત્તામાં, આટલી બધી મૂર્તિઓ અને મંદિરો છે જે ભગવાનને નામે, વેદોને નામે, બાઈબલને નામે અને ઈશુ અને બુદ્ધને નામે ચડેલાં છે. ભલે તેઓનો પણ ઉપયોગ થાય. પણ હિમાલયની ઊંચાઈઓમાં તો મારી પાસે એક જગ્યા છે જ્યાં મારો નિર્ણય છે કે શુદ્ધ સત્ય વિના અન્ય કશાનો પ્રવેશ કદી થશે નહિ. આજે મેં તમને જણાવેલા આ વિચાર ઉ૫૨ હવે મારે કામ શરૂ કરવાનું છે. તે જગ્યાનો કારોબાર હમણાં તો એક અંગ્રેજ દંપતીના હસ્તક છે. મુખ્ય હેતુ છે સત્યના શોધકોને કેળવણી આપવાનો, અને વહેમી નહિ એવાં અને નિર્ભય બને તેવાં બાળકોનો ઉછેર કરવાનો. ઈશુઓ અને બુદ્ધો, શિવો અને વિષ્ણુઓ – એવા કોઈ વિષે તેઓ કદી કશું સાંભળશે નહિ. પ્રથમથી જ તેઓ પોતાના જ પગ પર ઉભા રહેતાં શીખશે. છેક બાળપણથી જ તેઓ જાણશે કે પ્રભુ એક તત્ત્વ છે અને તે સત્ય તરીકે અને તાત્ત્વિક રીતે પૂજાવા જોઈએ. પ્રત્યેક વ્યક્તિ એક તત્ત્વ, આત્મા તરીકે જ જોવો જોઈએ. આ જ અમારો આદર્શ રહેશે.”૧૧

સ્વામી વિવેકાનંદનીમાયાવતીની સ્થાપના પાછળ આ ફિલસૂફી હતી.

હિમાલયી મૌનમાં વસેલો આશ્રમ:

લોહાઘાટના નાના પર્વતીય ગામડાથી ઊંચે જતા રસ્તે નવ કિલોમીટર દૂર સ્થિતમાયાવતીઆશ્રમ જવા યાત્રી કદમ માંડે છે ત્યારથી જ તેને થોડે દૂર એક સઘન લીલો પર્વત દેખાય છે, જેના શિખર પર પાઈન અને ઓક વૃક્ષોનું જંગલ છવાયેલું છે, અને આ પર્વત લગભગ આખું વર્ષ વાદળાં અને ધુમ્મસથી ઘેરાયેલો રહે છે. આ લાંબો, વાંકોચૂંકો રસ્તો ઊંચા હિમાલયી વૃક્ષો પાસેથી પસાર થાય છે અને તે પૂરો થતાં જ એક નાનકડા આશ્રમના આંગણે પહોંચે છે. આશ્રમ પણ ખૂબ જ સુંદર ફૂલોથી સજાવેલો બગીચો ધરાવે છે, જેમાં ગુલાબ, ડેલિયા, ક્રિસન્થીમમો, લીલી અને અન્ય પુષ્પો મહેકે છે. બધાં જ જાણે એક અગાધ મૌનના સમુદ્રમાં ડૂબેલાં છે અને નીલ ગગન પર મીટ માંડ્યા કરે છે. થોડા અંતર ૫૨ એક કોતર શરૂ થાય છે જે સેંકડો ફૂટ નીચે આવેલી ખીણમાં ઢળે છે અને ઓકના જંગલમાં અટવાઈ જાય છે. છેક છેવાડે એક નાનકડું ઝરણું ખળખળ વહેતું નજરે ચડે છે.

આ અખંડ, અવિરત મૌનના કેન્દ્રમાં ઊભેલો યાત્રી આશ્રમની ત્રણે બાજુએ આવેલા સઘન લીલાં ઊંચા પર્વતોનાં શિખરો જોઈ શકે છે. ઉત્તરે તેની સમક્ષ ઊભું થતું દૃશ્ય અલૌકિક છે. એક અવર્ણનીય વિસ્મય અને આનંદ સાથે તે જુએ છે – હિમાલયની અફાટ પર્વતશ્રેણી, જે ૨૫૦ માઈલ પહોળી છે, અને તે નંદા દેવી, ત્રિશૂલ, નંદાકોટ, પંચચુલ્લી, કામેત, અને અન્ય હિમાચ્છાદિત ઝળહળતાં શિખરોનાં દર્શન કરી શકે છે. આ દૃશ્ય તો ભારતીય વ્યક્તિને શિવનું – સત્યનું, સર્વશક્તિમાન તત્ત્વનું – પ્રથમ પ્રાકટ્ય જ છે. આ પ્રશાંત, વિશુદ્ધ અને નિષ્કલંક દૃશ્યની સામે વિસ્મયથી જોતાં જ જાણે અવ્યક્ત રીતેૐકારનો નાદ’, ‘મહાન પ્રવૃત્ત મૌનતરીકે પ્રકટ થાય છે, જેમાંથી અસીમ શાંતિ, અનંત પરમસુખ, જે સ્વયં બ્રહ્મ છે, જે આંતર મનનોઆત્માછે અને બાહ્ય જગતનો પણ આત્મા છે; જે પરિપૂર્ણ યથાર્થ છે, તેવા અદ્વૈતનો અહીં અણસાર મળી જાય છે. આમાયાવતીછે, સ્વામી વિવેકાનંદના અદ્વૈતનું હિમાલયી નિવાસસ્થાન.

માયાવતીમાં સ્વામી વિવેકાનંદનો પ્રવેશ:

છેવટે ૧૯૦૧ની ત્રીજી જાન્યુઆરીને દિને, પયગંબરે પોતાના સાકાર થયેલા સ્વપ્ન જોવા માયાવતી આશ્રમમાં પગલાં મૂક્યાં. તેઓ માત્ર ૩૯ વર્ષના હતા. છતાં શિયાળાની ઋતુમાં અને વારંવાર પડતા બરફ અને વરસાદમાં કાઠગોદામથી શરૂ કરેલી આ યાત્રાને લીધે તેઓને ખૂબ થાક લાગ્યો હતો. છેલ્લે છેલ્લે તો તેમને ચડતી વખતે લાકડીનો સહારો લેવો પડ્યો હતો, અને બીજા હાથે તેમણે એક શિષ્યના ખભાનો ટેકો લીધો હતો. ભારે શ્વાસે તેઓ બોલ્યા હતા, ‘‘પુત્ર, તું જોઈ રહ્યો છે ને કે હું મારા અંતની નજીક જઈ રહ્યો છું!”

પરંતુ સ્વામી વિવેકાનંદ માયાવતી પહોંચે તે પહેલાં જ કૅપ્ટન સેવિયર જઈ ચૂક્યા હતા. પોતે આવે ત્યાં સુધી માયાવતીમાં જ રહેવાનું સ્વામી વિવેકાનંદે તેમને સૂચન કર્યું હતું. છતાં પણ ત્યાંના પ્રથમ બે વર્ષની હાડમારી અને કઠોર સંયોગોની અસર કૅપ્ટનના સ્વાસ્થ્ય પર ખરાબ પડી હતી. સ્વામી વિવેકાનંદના આવવાના થોડા મહિના અગાઉ જ તેઓ બિમાર પડી ગયા હતા. ઘણી વિનવણી છતાં પોતાના સ્વામી માયાવતી પહોંચે નહિ ત્યાં સુધી તે જગ્યા તેઓ છોડવા તૈયાર થયા નહોતા. આમ તેઓ શાંતિપૂર્ણ રીતે માયાવતીમાં જ ગુજરી ગયા. ખીણની તળેટીમાં આવેલા ઝરણાના તટે શિષ્યોએ તેમની અંતિમ વિધિ હિન્દુ રીતિથી જ કરી હતી. આ એકલા અટુલા પવિત્ર સ્થાને તે અંગે કોઈ સ્મારક ઊભું નથી. એનું કારણ છે કૅપ્ટન સેવિયરનીઅદ્વૈતઈચ્છા. સ્વામી વિવેકાનંદ પછી હંમેશાં તેમના અંગે ઊંડા સન્માન અને આભારની લાગણીથી કહેતા કે તેઓ જાણે એક શહીદ જેવા મૃત્યુને જ ભેટ્યા હતા. તેમનાં પત્ની, શ્રીમતી સેવિયર, પણ માયાવતીમાં જ રોકાઈ રહ્યાં અને સ્વામી વિવેકાનંદના આવવાની રાહ જોઈ રહ્યાં.

પોતાના ગુરુભાઈ સ્વામી શિવાનંદ અને શિષ્ય સ્વામી સદાનંદની સાથે સ્વામી વિવેકાનંદ માયાવતી પધાર્યા. તેમને શરૂઆતમાં પ્રથમ મજલે ઉતારો આપવામાં આવ્યો. પરંતુ વધુ પડતી ઠંડીને લીધે તેમણે ભોંયતળિયે જ રહેવાનું પસંદ કર્યું અને ત્યાં એક આગને સાચવતું સ્થાન પણ હતું. આ સ્થાન હવે ભોજન પછીના થતા સંમેલન અને ધ્યાન માટેનું પવિત્ર સ્થળ બની ચૂક્યું છે. માતા શ્રીમતી સેવિયર અને અન્યો સાથે ૭મી જાન્યુઆરીએ તેઓ ધરમગઢની પર્વતમાળા પર ગયા જ્યાંથી તેઓને ઉત્તરમાં તેમને માઈલો સુધી હિમાચ્છાદિત શિખરમાળામાં કોઈ જાતના અવરોધ વિના દર્શન થઈ શકતાં હતાં. આનંદમાં આવી જઈને તેમણે એ સ્થળ ૫૨ જ નાનું ઝૂંપડું બનાવી દેવાની અને ત્યાં ધ્યાન ધરવાની ઈચ્છા પ્રગટ કરી દીધી! તેમનો આત્મા ઉચ્ચવિહાર કરવા લાગ્યો. તેમણે પોતાના પ્રિય મિત્રને લખ્યું, ‘‘દરેક સ્થળે ૬ ઈંચ જેટલો ઊંડો બરફ પથરાયેલો છે, સૂર્ય પ્રકાશમાન અને તેજસ્વી દીસે છે.’’ બીજા એક દિવસે તેમણે માયાવતી સરોવર પાસે ફરતાં ફરતાં પણ કહ્યું કે હવે થોડા જ સમયમાં તે બધાં જાહેર-પ્રવૃત્તિનાં કાર્યોનો ત્યાગ કરશે અને પોતાના દિવસો માયાવતીમાં જ પસા૨ ક૨શે, પુસ્તકો લખશે અને પંખીઓ સાથે સીટી બજાવીને આનંદ કરશે. બીજી એક સવારે બરફથી ઢંકાયેલી ટૂંકોને અનિમેષ નિહાળતા પોતાનાબ્રહ્મચારી જ્ઞાનનામના શિષ્યને બતાવતાં જાણે તેઓ શિવના જ નિષ્કલંક શ્વેત મુખનાં દર્શન કરી રહ્યા હતા. થોડો સમય નિશ્ચલ ઊભા રહ્યા પછી શંકરાચાર્યના શ્વેત-શિવને આહવાન કરતા શ્લોકો તેમને મુખેથી સ૨વા લાગ્યા:

ઓ શિવ! તારું શરી૨ પૂર્ણશ્વેત છે,

તારું હાસ્ય શ્વેત છે અને તારા હસ્તમાંની ખોપરી,

તારા નંદી શ્વેત છે અને તારા કાન પરનાં ફૂલ પણ;

ગંગાથી નીકળતાં ફીણનો ધોધ શ્વેત છે,

જે તારી જટાજૂટમાંથી વહી રહ્યાં છે;

ઓ પૂર્ણ શ્વેત શિવ,

મને દરેક પાપમાંથી મુક્ત કર!૧૨

ધીરે ધીરે તેમનો ઉદ્ઘોષ મૃદુ અને પ્રતાપી થયો અને સર્વત્ર વ્યાપી રહેલા મૌનમાં એકાકાર થઈને તેઓ, ધ્યાનમગ્ન થઈ ગયા.

અદ્વૈતના આ નિવાસસ્થાનમાં સ્વામી વિવેકાનંદ ઈચ્છતા હતા કે કોઈ પણ પ્રકારના દ્વૈત પૂજા કે વિધિ ન થવી જોઈએ. પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે તેમણે એક દિવસ જોયું કે તેમના જ શિષ્યો એક નાનકડા મંદિરમાં મહાન વિભૂતિ શ્રીરામકૃષ્ણની પૂજા કરી રહ્યા હતા! તે સંધ્યાએ અદ્વૈત વેદાન્તનો આ સિંહ ગર્જી ઊઠ્યો. તેણે ગૌડપાદની જેમ કે પછી અષ્ટાવક્ર કે શંકરની જેમ મેઘગર્જના કરી. તેમણે સુણાવી દીધું કે આશ્રમમાં ધ્યાન અને શાસ્ત્રાભ્યાસ જેવી પ્રવૃત્તિ દ્વારા જ પ્રભુની ખોજ ચલાવનારાઓ રહી શકશે. આ આશ્રમમાં તો ઓછામાં ઓછું તમારે વિધિઓ અને વ્યક્તિગત ભગવાનની બાહ્ય પૂજા જેવી પ્રવૃત્તિથી ઉપર ઊઠવું જોઈએ, જેથી કોઈ એકભગવાનકેગ્રંથઉપર આધાર રાખવાની ટેવ છૂટે. આ હિમાલય સ્થિત નિવાસ- સ્થાનમાંથી વ્યક્તિએ નિઃસીમ દૈવત, સંપૂર્ણ આનંદ અને આંતરિક જ્ઞાન સ્રોતમાંથી પોતાનું બળ અને આનંદ મેળવવાનાં છે. તે સંધ્યાએ તેમના શ્રોતાગણે શંકરના નિર્વાણષટ્કની સચ્ચાઈનો રણકો તેમના અવાજમાં સાંભળ્યો, ‘ચિદાનંદ રૂપઃ શિવોઽહમ્ શિવોડહમ્’. સ્વામીજીના આ શબ્દોએ શિષ્યોના મનમાંના બધા જ સંશયો અને પ્રશ્નો દૂર કરી દીધા.

અદ્વૈતના આ નિવાસસ્થાનમાં ત્યાર પછી શ્રીરામકૃષ્ણની પૂજા, અથવા કોઈ પણ વિધિ કે પૂજાની જરૂરિયાત જણાઈ નહિ. છતાં માયાવતીમાં વિધિઓ કે પૂજાની વિરૂદ્ધ કોઈ વિચારોનો ઉદ્ભવ નથી થયો. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં, ‘‘જ્ઞાન એટલે સંપ્રદાયરહિતતા એ ખરું, પણ એનો અર્થ એ નથી થતો કે કોઈ સંપ્રદાય પ્રત્યે તિરસ્કાર કે ઘૃણા રાખવાની છે. એનો અર્થ એ જ કે હવે કોઈ સંપ્રદાયની ઉપરના સ્થાને પહોંચવું અને તેનાથી ૫૨ ઊઠવું. જ્ઞાનીએ બધાં જ સ્વરૂપોનો ત્યાગ કરવાનો છે, નિયમો તથા ગ્રંથોની પાર જવાનું છે, અને પોતે જ પોતાના ગ્રંથ બનવાનું છે.”૧૩ આજે તમે જોમાયાવતીમાં જશો તો તમને મેડોના અને તેના પવિત્ર પુત્રનું ચિત્ર અને ભગવાન બુદ્ધનું ચિત્ર ગ્રંથાલયના ઓ૨ડામાં નજરે ચડશે; સ્વામી વિવેકાનંદની છબી દાદરાની ભીંતે લટકતી જણાશે. ફાયરપ્લેસની ઉપર જ રામકૃષ્ણનું ચિત્ર જોશો. આમાંથી એકે ય ફૂલો વડે કે શ્લોકો વડે પૂજાતા નથી. થોડાં કદમો પછી આકાર અને રંગથી પરે, સમય અને અવકાશથી ઉ૫૨, જે અંગે સ્વામી વિવેકાનંદ ગુણ ગાતા હતા, તેવાએક યથાર્થતા’ (One Reality)ને સતત અર્પણ થવા માટે આશ્રમના બગીચામાં પુષ્કળ પ્રમાણમાં થતાં ફૂલો જ એક પુષ્પગુચ્છ બની જાય છે.

માયાવતીના ભાવિને વિષે સ્વામી વિવેકાનંદે સતત વિચારો કર્યા. પોતાના પયગમ્બરી દર્શનથી તેઓ જોઈ શક્યા કે માયાવતીમાં સાધુઓ હિમાલયના એકાન્તમાં લાંબા સમય સુધી ધ્યાન કરી શકે છે પરંતુ જ્યારે ધ્યાન પૂર્ણ થઈ જાય ત્યારે તેઓ સફરજનના ટોપલા લઈને માથે મૂકી પાસેની બજા૨માં વેચવાને નીકળી પડે છે.

આજે, એકસો વર્ષ પછી, જાણે સ્વામી વિવેકાનંદનાં આ દર્શનમાયાવતીએ સાચાં ઠેરવ્યાં છે. માયાવતીના સાધુઓ કોઈ ઘંટારવ કરતા નથી કે નથી કોઈ વિધિઓ કરતા. પોતાના નાના લાકડાના કમરામાં તેઓ અભ્યાસ કરે છે, ધ્યાન કરે છે કે પછી વાંચે છે કે લખે છે. પરંતુ તેઓ માત્ર એ સૂત્ર પર નથી જીવતા કેબ્રહ્મ સત્યં જગન્મિથ્યા.જ્યારે તેમનું ધ્યાનકાર્ય પૂર્ણ થાય છે, ત્યારે તેઓ સફરજનની વાડીમાં, ઘઉંના ખેતરોમાં, ગાયોની ગમાણમાં, બજારમાં, શાકભાજીની વાડીમાં, કે પછી સંપાદકની કચેરીમાં, પ્રવૃત્ત રહે છે. કોઈ વાર તેઓ આસપાસનાં શહેરોમાં જાય છે, ત્યાં ઉપદેશ કરે છે. કોઈ વળી માંદાની સારવાર કરે છે અને તેમને માયાવતી ધર્માદા ઈસ્પિતાલમાં – જે ત્યાંની સૌથી વધુ વિશ્વસનીય જગ્યા છે, સા૨વા૨ આપે છે. દર્દીઓ ત્યાં પગે ચાલીને, ઘોડે ચડીને કે પછી જીપમાં બેસીને પણ એકઠા થયા કરે છે અને કેટલાક તો ૮૦ કી. મી. જેટલા દૂરના અંતરેથી પણ ત્યાં સારવાર માટે આવે છે. આ રીતે જ અદ્વૈતનું સમગ્ર એકાત્મતાનું દર્શન વ્યવહારમાં અત્રે પરિણમે છે.

વ્યવહારિક વેદાન્તની આવશ્યકતા:

ગ્રીસના તત્ત્વવેત્તાઓએ પોતાના ઊંચા સ્થાનેથી-જ્ઞાનીના પદેથી – જિંદગીના વ્યવહા૨કેન્દ્ર જેવાબજા૨માં આવવાની ઘસીને ના પાડી, અને તેથી જ ગ્રીક સંસ્કૃતિ એજીયન સમુદ્રમાં વહી ગઈ. આ બાબતથી સ્વામી વિવેકાનંદ વાકેફ હતા અને તેમણે જોયું કે તેની બાહ્ય કળાઓમાંની નિપુણતા અને જ્ઞાન ભંડારની વિપુલતા હોવા છતાં ગ્રીક સંસ્કૃતિ આધ્યાત્મિકતાના અભાવને લીધે, સામાન્ય જનમાં તેનો પ્રાદુર્ભાવ ન કરી શકવાને કા૨ણે ક્રમશઃ લુપ્ત થઈ ગઈ. એ જ રીતે, પોતાના કાયદા અને ન્યાય વ્યવસ્થા તેમજ વહીવટી નિપુણતા છતાં રોમન સંસ્કૃતિએ માનવજાતિની મૂળભૂત એકતા અને અદ્વૈત લક્ષણનો ભાવ કદી અનુભવ્યો નહિ. તેથીરોમન પાશવીપણા’માં તે સંસ્કૃતિ પરિણમી અને પોતાના વિનાશને આમંત્રણ આપ્યું. જ્યારે, ભારતની વેદિક સંસ્કૃતિની બાબતમાં એવું બન્યું કે તેણે આધ્યાત્મિક શિખરો સ૨ કરી લીધાં, છતાં તેનો વ્યવહારિક અમલ કરી શકી નહિ. આઅવ્યવહારિકતાને લીધે છેવટે તેણે બારસો વર્ષ પર્યંત ગુલામી ભોગવી. ધર્મના નામે પ્રજા અને સ્ત્રીઓનું શોષણ થયું, સમાજ રચના જાતપાતના નિયમોથી થઈ અને તે નિયમો જડ બનતા ગયા.૧૪ વૈદિક સંસ્કૃતિના સાર સમા વેદાન્તને વધુ પતિત થતાં સ્વામી વિવેકાનંદે રોક્યું અને જીવનના દરેક અંગમાં તેનો ઉપયોગ વ્યવહારિક બનાવીને ભારતીય સંસ્કૃતિને પુનર્જીવન અને સાતત્ય અપાવ્યું. સર વિલિયમ જેમ્સે તેમનેઅદ્વૈત વેદાન્તના સર્વોત્કૃષ્ટ ઉદાહરણરૂપ’ કહ્યા છે. તેમણે આ માયાવતીમાં વ્યાવહારિક વેદાન્તનું બીજ વાવ્યું. સ્વામી વિવેકાનંદ સ્વયં પોતાની ઐતિહાસિક ભૂમિકા જાણતા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું:

‘‘અદ્વૈતમાં જે એક દોષ હતો તે એ કે અત્યાર સુધી માત્ર આધ્યાત્મિક સ્તર પર જ તેનો વિચાર થતો હતો, બીજી કોઈ રીતે નહિ; હવે એ સમય આવી પહોંચ્યો છે કે તમારે તેને વ્યાવહારિક બનાવવો જ જોઈએ. હવે તે કોઈરહસ્યરહી શકે તેમ નથી. સાધુઓ સાથે એ સિદ્ધાન્ત માત્ર ગુફાઓ અને જંગલોમાં નહીં રહે કે હિમાલયમાં જ વસશે નહિ; તેણે હવે લોકોની રોજ-બ-રોજની જિંદગીમાં ઉતરવું જ પડશે, રાજાના મહેલમાં આવવું પડશે, અને ગુફામાં પણ કોઈ એકાન્તિક સાધુ પાસે રહેવું પડશે, તે કોઈ ગરીબના ઝૂંપડામાં પણ વસશે અને ભિખારી પણ તે જાણશે; બધે જ અને દુનિયાના કોઈ પણ સ્થળે તેના વિચારો કરી શકાય છે.’’૧૫

બધું જ્ઞાન પવિત્ર છે:

અને આ અદ્વૈતનું શાણપણ બધાં માનવીય શાસ્ત્રોમાં હોવું જોઈએ, પછી તે પવિત્ર હોય કે બિનસાંપ્રદાયિક. તેમણે કહ્યું:

‘‘આપણા દેશમાં વેદનો પાઠ કરનાર વ્યક્તિ સમક્ષ આપણે ઘૂંટણ ટેકવીએ છીએ, પણ વ્યક્તિ ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરે છે, તેને કોઈ સન્માન આપતા નથી. આ એક અંધશ્રદ્ધા છે; એ કંઈ વેદાંત નથી. એ તો અતિ પદાર્થવાદ જ છે. પ્રભુ સમક્ષ તો બધું જ્ઞાન પવિત્ર જ છે. પ્રત્યેકની અંદર નિઃસીમ અને સર્વોચ્ચ કક્ષાનું જ્ઞાન પડેલું જ છે.”૧૬

પોતાનાં શિષ્યા નિવેદિતાને સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘કળા, વિજ્ઞાન અને ધર્મ એ ત્રણે એક જ સત્યને વ્યક્ત કરવાના જુદા જુદા માર્ગો છે. પરંતુ આ સત્ય સમજવા માટે આપણી પાસે અદ્વૈતનો સિદ્ધાન્ત હોવો જોઈએ.

પોતાના ગુરુના આ સ્વપ્નથી અભિભૂત થયેલાં નિવેદિતાએ લખ્યું કે તેમના ગુરુની સઘળી કેળવણીનો ચરમ સિદ્ધાન્ત એ જ હતો કે પવિત્રતા અને બિન-સાંપ્રદાયિકતા વચ્ચેનો ભેદભાવ દોરતી રેખાને ભૂંસી નાખવી.૧૭ સ્વામી વિવેકાનંદ એવા પ્રથમ પયગંબર હતા જેમણે જાહેર કર્યું કે એક દિવસ બિનસાંપ્રદાયિકતામાં કરેલાં સંશોધનો આપણને પવિત્રતા પ્રત્યે લઈ જશે.

કેટલાક લોકો કહે છે કે આપણા આંતરિક સ્વભાવનું નિયંત્રણ કરવાથી આપણે સર્વ નિયંત્રણ કરી શકીએ. આને આત્યંતિક રીતે જોતાં તે સત્ય છે એમ કહેવાય; કેમ કે કુદરતમાં તો કોઈ બાહ્ય અથવા આતંરિક જેવા ભેદ હોતા નથી. જેમ એક ભૌતિકશાસ્ત્રી પોતાના સંશોધનને ખૂબજ આગળ ધપાવે છે અને તેને છેવટે તો આધ્યાત્મિકતામાં સરી જતાં જુએ છે, એ જ રીતે આધ્યાત્મ શાસ્ત્રી પણ છેવટે એ સમજી જાય છે કે તે જેને મન અને પદાર્થ તરીકે જુદાં ગણે છે તે માત્ર દેખાવમાં જ જુદાં છે, પરંતુ વાસ્તવમાં તો એક જ છે.૧૮

માયાવતીમાં પયગંબરની ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ. કેમ કે તે વ્યવહારમાં મૂકાઈ. બર્નાર્ડ શૉ જેમનેસૌથી મહાન જીવન્ત જીવશાસ્ત્રી’ તરીકે વર્ણવતા તે શ્રી જે.સી.બોઝ માયાવતીમાં ચાર વખત રહી ગયા હતા. સ્વામીજીએ પવિત્ર કરેલા પેલા કમરામાં જ ૧૯૦૭ના મે-જૂન માસમાં, ૧૯૧૧ના મે માસમાં, અને ૧૯૧૮ના જૂન માસમાં તેમણેછોડવાઓમાં ચેતના’ વિષે ત્રણ વ્યાખ્યાનો આપ્યાં.૧૯ એરવિન શ્રૉડિંજ૨, જેમને ભૌતિકશાસ્ત્ર માટે નૉબેલ ઈનામ મળ્યું હતું તેઓએ પણ પયગંબરના શબ્દો સાર્થક કર્યા. જેમાં તેમણે પોતાના છેલ્લા સંશોધન અનુસાર ક્વાન્ટમ ફિઝિક્સના નિયમો મુજબ ‘‘આત્મા = બ્રહ્મ”ના ઉપનિષદ્ ના સમીકરણ કરતા ભારતીય વિચારને (જેમાં વ્યક્તિગત આત્માને સર્વશક્તિમાન, સર્વવ્યાપી અનંત પરમાત્મા સાથે એક જ બતાવતું સમીકરણ) કોઈ અપવિત્ર કે અધાર્મિક અથવા અનાદરસૂચક ન ગણાવતાં તેને દુનિયાની ઘટનાઓમાંથી ઊંડી દૃષ્ટિના ઉત્કૃષ્ટ અર્ક તરીકે ગણાવ્યો હતો.૨૦

ઉચ્ચતમ આધ્યાત્મિક પૂજા માટેનું સ્થાન:

આ નવા ગત્યાત્મક ધર્મ, વ્યાવહારિક વેદાન્તના પ્રચારકો તરીકે કોણ કામ કરશે? અલમોડામાં તેમણે ભવિષ્યવાણી ઉચ્ચારી:

આ પૃથ્વીના પ્રત્યેક ખૂણામાંથી, આવનાર ભવિષ્યમાં, બળવાન આત્માઓ આ પર્વતપિતામહ પ્રત્યે આકર્ષણ અનુભવશે… ત્યારે જ સંપ્રદાયો અને સિદ્ધાંતો વચ્ચેના બખેડાઓ અને કલેશો અંગે કોઈ સ્મરણ નહિ રહે, ‘તમારાઅનેમારાધર્મો વચ્ચેના વિખવાદો નષ્ટ થઈ ગયા હશે, જ્યારે માનવજાત એ સમજશે કે અનંત ધર્મ માત્ર એક જ છેઃ અને એ છે આંતરિક દૈવતનાં દર્શન અને બાકીનું બધું ફીણના ૫૨પોટા સમાન જ છે.’૨૧

૧૯૦૦ના એપ્રિલ માસમાં સાન ફ્રાન્સિસ્કોમાં માનવ મનને સદીઓથી ગુલામ બનાવતા દ્વૈતવાદની નબળાઈ ઉપર સ્વામીજીએ પ્રહારો કર્યા.

‘‘માનવ માટે કોઈ સહાય નથી. કોઈ કાળે મદદ હતી નહિ, છે નહિ અને હશે નહિ. શું કામ હોય? શું તમે પુરુષો નથી? કે સ્ત્રીઓ નથી? શુ પૃથ્વીના અધિપતિઓને અન્યની મદદની જરૂર હોઈ શકે? જ્યારે તમે (એની અપેક્ષા રાખવા માટે) શરમિંદા નથી? જ્યારે તમે ધૂળ સમાણા નિમ્નસ્તરના થશો, ત્યારે જ તમને સહાય મળશે, મદદ મળશે. પણ તમે તોઆત્માછો. આપણે એટલા એદી છીએ કે આપણે પોતાની જાત માટે કંઈ કરવું જ નથી. આપણને આપણા પોતાના ભગવાન જોઈએ છીએ, એક ઉદ્ધારક, એક પયગંબર જે આપણે માટે બધું કરે… આ બધી અંધશ્રદ્ધા, અને વહેમો જે હજારો વર્ષોથી તમને જકડી રહ્યાં છે, તે હવે નહિ જોઈએ! આધ્યાત્મિક બનવા માટે પરિશ્રમ થોડો જ જોઈએ છે!’’

માયાના પિંજરમાંથી છૂટી જતા સિંહની અદાથી તેમણે ગર્જના કરી:હું જ બુદ્ધનો, જીસસનો, મહમ્મદનો આત્મા છું. હું શિક્ષકોનો આત્મા છું, અને જે ચોરી કરે છે તેવા ચોરોનો પણ આત્મા છું; હું ફાંસીએ લટકતા હત્યારાઓનો પણ આત્મા છું, હું જ વિશ્વવ્યાપી છું.૨૨

આધ્યાત્મિક મુક્તિવાંચ્છુઓ, અથવા મુમુક્ષુઓને તેમણે સ્પષ્ટ સુણાવ્યું, ‘‘તમારા પોતાના આત્માને, તમારી જાતને પૂજ્યા પછી જ તમે મુક્ત થઈ શકશો, પોતાનાભગવાન પણ એકઆત્મા’નું જ વસ્તુલક્ષીકરણ છે.૨૩માનવ આત્મા છે, અને તેથી તે અનંત છે અને માત્ર અનંત જ અનંતનું પૂજન કરી શકે. આપણે અનંતનું પૂજન ક૨વું છે. જેસર્વોચ્ચ આધ્યાત્મિક પૂજન’ છે.૨૪ આ જસર્વોચ્ચ આધ્યાત્મિક પૂજનને સ્વામી વિવેકાનંદ માયાવતીમાં ઉછેરવા માગતા હતા, સ્થાપિત કરવા ઈચ્છતા હતા.

ક્રાઈસ્ટો અને બુદ્ધો જેવા થતાં માનવે શીખવું જ જોઈએ એમ તેઓ નિશ્ચયથી માનતા હતા, અને દરેકે પયગંબર બનવાનું હતું:

“પ્રાચીન સમયમાં પ્રત્યેક સમાજમાં ઘણા પયગંબરો હતા. એક એવો સમય આવશે જ્યારે ૫યગંબરો દુનિયાનાં દરેક નગરની દરેક સડક પર ઘૂમતા હશે. એમ કહી શકાય કે જૂના સમાજોમાં પ્રચલિત નિયમાનુસાર કેટલીક વિલક્ષણ વ્યક્તિઓને પયગંબર તરીકે ચૂંટવામાં આવતી હતી. પણ હવે તો એ સમય આવી રહ્યો છે જ્યારે આપણે એ સમજીશું કે ધાર્મિક બનવું એટલે જ પયગંબર બનવું, અને જ્યાં સુધી પયગંબર ન બને ત્યાં સુધી કોઈ ધાર્મિક પણ ન જ બની શકે.

માટે, પયગંબરોની તાલીમ જેવો મહાન હેતુ આપણી સમક્ષ છે. જાણ્યે અજાણ્યે મહાન ધર્મોની બધી જ વ્યવસ્થા આ મહત્તાપૂર્ણ લક્ષ્ય સાધવા પ્રત્યે જઈ રહી છે.’’૨૫

માયાવતી પ્રવર્તમાન છે:

માત્ર ઈતિહાસ જ આપણને કહી શકશે કે પયગંબરના આ સ્વપ્નને માયાવતી સાકાર કરી શકો કે નહિ. વિવેકાનંદ જાણતા હતા કે આવી પ્રવૃત્તિઓનો વિકાસ હજારો વર્ષો માગી લે છે. તેમણે કહ્યું, ‘‘પોતાની બુદ્ધિમત્તાની પ્રવૃત્તિને લીધે જ વ્યક્તિના જીવનમાં પ્રકાશ થાય છે પરંતુ તે ધીરે ધીરે રેલાય છે, અને ક્રમશઃ સમગ્ર માનવજાતમાં પ્રસરે છે.’ ગત નવ દાયકાઓમાં પયગંબરના આંતરચક્ષુના આ દૃશ્યને સાકાર બનાવવાના પ્રયત્નોમાં જ માયાવતી આશ્રમ પ્રવૃત્ત છે. માયાવતીમાં પ્રશિક્ષિત હોય તેવા વિચક્ષણ વેદાન્ત પ્રસારકો અને સંત વ્યક્તિઓ આવેલ છે, જેમણે જીવનની દૈવી શક્તિનો પૂર્વ તેમજ પશ્ચિમની દુનિયામાં પ્રચાર કર્યો છે. એકદમ વ્યાવહારિક પ્રવૃત્તિની સાથો સાથ સર્વોચ્ચ ધ્યાન પ્રવૃત્તિનું અહીં મિલન થયેલું છે. અહીં જ, માયાવતીમાંથી જ પ્રગટ થતાપ્રબુદ્ધ ભારત’ સામયિકનાં પ્રેસમાંફલાય-બૉયતરીકે જે એક વખત પ્રવૃત્ત હતા તે પછીથી વિખ્યાત અને વિચક્ષણ વ્યક્તિત્વ ધરાવતા સ્વામી તુરીયાનંદજી હતા. આ બનાવ તો માયાવતી આશ્રમની શરૂઆતના દિવસોમાં બન્યો, જ્યારે કૅપ્ટન સેવિયર સ્વયં આ પ્રેસ સંભાળતા હતા, માતા શ્રીમતી સેવિયર પ્રૂફરીડિંગ કરતાં હતાં, અને સ્વામી સ્વરૂપાનંદ અને સ્વામી વજ્રાનંદ આ પ્રેસમાંથી પછીથી સ્વામી વિવેકાનંદનું પ્રથમ ચરિત્ર લેખન અને તેમના લેખનની સંપૂર્ણ ગ્રંથમાળાનું સંપાદન અને પ્રકાશન કરવાના હતા, જે આધુનિક જગત માટે તો જાણે વેદોસમાન જ મહત્ત્વપૂર્ણ છે. આશ્રમને માટે ખોરાક અન્ન, આદિ ચીજો એકત્રિત કરીને લાવવા માટે સાધુઓ દિવસો સુધી નેવું કીલોમીટર દૂર આવેલા ટનકપુર ગામે જવા ચાલી નાખતા. એ શરૂઆતના ત્યાગી દિવસો તો હજી પણ રામકૃષ્ણના પથના ઈતિહાસમાં સુવર્ણદિનો તરીકે ઓળખાય છે.

એ બાબતો બન્યા પછી લગભગ સો વર્ષ વીતી ગયાં છે. વીજળી અને લોહાઘાટ રોડ જેવી કેટલીક આધુનિક સુવિધાઓ આવી પહોંચી હોવા છતાં માયાવતી આશ્રમની જૂની મોહકતા હજી ઓછી થઈ નથી. પેલાં હિમાચ્છાદિત શિખરો પણ એવાં જ રહ્યાં છે અને તેમના પર છવાયેલાં જંગલો એવાં જ લીલાં અને સઘન છે. પયગંબરની હાજરી અનુભવવા માટે વધુને વધુ લોકો આ હિમાલયના નિવાસસ્થાને આવે છે. કેમ કે, અહીંથી જ વેદાન્તના શુદ્ધ સંદેશના પ્રચારનો વિચાર થયો હતો – જેથી માનવજાતની ઉન્નતિ થાય, જેની શક્તિ આત્મબળ હોય, અને જે પયગંબરની ઊંચાઈઓ ૫૨ માનવને લઈ જાય – એ સંદેશ, જે આજકાલના વૈજ્ઞાનિક વામનતા અને ધાર્મિક રૂઢિચુસ્તતાના દિવસોમાં ઘણો જ આવશ્યક બની ચૂક્યો છે. તેના મૌન અને વિલક્ષણતાના વાતાવરણમાં સાચા મુમુક્ષુને માયાવતી આત્માની ગરિમા અને શક્તિનાં દર્શન કરાવે છે એટલું જ નહિ તેનું પણ એ સ્વપ્ન પ્રવર્તમાન છે કે એક દિવસે ૫યગંબરનું સ્વપ્ન સંપૂર્ણપણે સાકાર થાય તે માટે તે સતત કાર્યરત રહે.

અનુવાદ: ડૉ. સુધા નિખિલ મહેતા

(‘પ્રબુદ્ધ ભારત’, જાન્યુઆરી ૧૯૯૫માંથી સાભાર)

સંદર્ભ સૂચિ:

(1) Reminiscences of Swami Vivekananda p. 100

(2) Complete Works of Sister Nivedita, p. 276, Vol. p. 270, 276

(3) Ibid., p. 286

(4) The Complete Works of Swami Vivekananda (Calcutta: Advaita Ashrama, 1973, Vol. 3, p. 286

(4) CW III p 285

(5) CW VII p 354

(6) CW VII p 467

(7) Sister Nivedita I p 294-95

(8) CW VI p 383

(9) The Life of Swami Vivekananda p 423

(10) Mayavati Diary

(11) CW VIII p 139-41

(12) Smrity Aloke Vivekananda by Gnan Maharaj

(13) CW VIII p 8-10

(14) Marie Louise Burk; Swami Vivekananda; New Discovery Il-p 384

(15) CW III p 422

(16) CW VIII p 137

(17) CW I, p XV- XVI

(18) CW p 131

(19) Mayavati Diary

(20) Erwin Schrodinger: My view of the world, chapter 4-p 90-93

(21) CW III p 427

(22) CW I p 341

(23) CW VII p 57

(24) CW  I p 341

(25) CW VI p 10

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.