ફૂલો, વનો, દરિયાઓ શીતળ છે,
મનોહર ને સુંદર છે, તેમાંથી
સરરર કરતું હૃદયને ક્યાંક સ્પર્શે છે,
કોઈ મર્માન્તક ઘાને પંપાળે છે તે, વાયુની થપકી જેવો
માનો જ હાથ છે.
જે નદીઓ અને ઝરણાંઓ વહે છે મીઠાં
એ જ છે માની વાણી.
તમારા નિ:શ્વાસોનું સુગંધમાં રૂપાંતર કરતી મા
જાદુગરિણી છે,
તે તમારામાં ઊગાડે છે વિસ્મયની સવાર
સત્યનું રૂપાંતર સુંદરમાં કરી આપે છે, તાબડતોબ!
એટલે કે મા સ્વયંનું રૂપાંતર કરે છે
સત્યમાંથી સુંદરમાં.
મા હંમેશાં સુંદર હોય છે.
તેનાં નાલાયક સંતોનોએ
અંદરોઅંદર યુદ્ધો લડીલડીને
યુગેયુગે માને રંજાડી છે, ઉઝરડી છે રૂંવેરૂંવે,
અનેક વાર છૂંદી નાખ્યો છે માનો ચહેરો
બોમ્બ વરસાવીને
કોન્સેન્ટ્રેશન કૅમ્પોમાં આહત કરી છે
એની દૂધભરી છાતીને
અનેકવાર પોતાના કાળા હાથ વડે
લપેડ્યું છે માના રૂપને
છતાં ય મા સુંદર છે
કેમકે, મા સત્ય છે
અને સત્ય કદાપિ મેલું થતું નથી કે મરતું નથી.
મા હાડચામમાં હોય કે બહાર – કશો ફરક પડતો નથી.
ફૂટે છે તે તો એક બિંબ હોય છે.
એક બિંબમાં તેનો વિલય થાય-થાયએ પહેલાં અનેક બિબોમાં ફરી
એનો ઝળહળતો ઉદય થાય છે.
એના આશીર્વાદ વરસાવતા તેજસ્વી હાથ
કદી આથમતા નથી
કેમકે સત્ય કદી આથમતું નથી.
મા સત્ય છે
પ્રત્યેક બિંબમાં એ જ જગન્માતાનો ચહેરો,
એ જ ઋત, એ જ નાલાયક પુત્રોને
માફ કરવાની ગરિમા
છલછલતી હોય છે.
સમસ્ત વિશ્વ મા નામના શબ્દને ટેકે ઊભું છે.
હું એ જગન્માતાના લઘુક બિંબરૂપ
અને વાત્સલ્યમયી એવી
જગતની તમામ માતાઓને
મારા નમ્ર અને નિર્બળ હાથ વડે
મસ્તક અને હૃદય વડે
વંદન કરું છું અને મારી શ્રદ્ધાને દૃઢાવું છું કે-
कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति।
Your Content Goes Here




