આપણે “માતૃશક્તિ” શબ્દનો અર્થ જોઈએ. ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ બે શબ્દોથી તમે પરિચિત છો. ‘નર-નારી’ શબ્દો તમે જાણો છો. ‘માતા-પિતા’ શબ્દોને ઓળખો છો. પરંતુ ક્યાંક એક બિન્દુ ઉપર ઊભાં રહીએ છીએ તો નરત્વ-નારી, સ્ત્રીત્વ-પુરુષત્વ આ બન્નેમાં સમાયેલી શક્તિઓનો એક શબ્દમાં નિર્દેશ પણ થઈ શકે છે અને કરવામાં આવે છે. “जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ”. “पितर” – શબ્દ કહ્યો એમાં માતા-પિતા, જનક-જનની બધાં સમાઈ ગયાં. તો માત્ર સ્ત્રી-શક્તિ પણ નહીં. કેવળ પુરુષ-શક્તિ નહીં, એ પુરુષોના વિરોધમાં ઊભી રહેલી સ્ત્રી-શક્તિ પણ નહીં. એ કોઈના વિરોધમાં ઊભી નથી. સ્વયંસિદ્ધ, સ્વયંભૂ એવી એક શક્તિ છે જેનો નિર્દેશ “મા” શબ્દથી થાય છે. રામકૃષ્ણ પરમહંસદેવનું નામ સાંભળ્યું હશે, બંગાળમાં ગંગાકિનારે દક્ષિણેશ્વરમાં જે રહેતા હતા. નિરક્ષર હોવા છતાં સાક્ષરોના શિરોમણિ, જ્ઞાનીઓના ચક્રવર્તી, ભક્ત-વરિષ્ઠ ગણાય.

“स्थापकाय च धर्मस्य, सर्वधर्मस्वरूपिणे
अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः”

રામકૃષ્ણ પરમહંસની, પોતાના ગુરુની વિવેકાનંદે આવી રીતે સ્તુતિ કરી છે. રામકૃષ્ણદેવ કહે છે કે જગતની સત્તા જેને તમે પરમાત્મા કહો છો, બ્રહ્મ કહો છો, ચૈતન્ય શક્તિ કહો છો તેને હું મા કહું છું. “મા, આમી જોન્ગો તુમિ જોન્ત્રી, હો મા!” આપ આ દુનિયાના સર્વ યન્ત્ર-તન્ત્ર ચલાવનાર છો, “અમે” એટલે કેવળ ગદાધરનો ઉલ્લેખ નહોતો, શરીરવાચક શબ્દ નહોતો. નામ અને રૂપનું રામકૃષ્ણદેવને શું કરવું હતું? પરંતુ મનુષ્યજાતિ તથા આ આખાય અભિવ્યક્ત જીવનને ચલાવનારી જે શક્તિ છે, તેને તેઓએ “મા” કહી – “માતૃશક્તિ” કહી. તેમના પછી આવ્યા વિદ્વદશિરોમણિ શ્રી અરવિંદ. તેમને પણ “World mother” માતૃશક્તિનો ઉલ્લેખ કરવો પડ્યો. તેઓ તેના ઉપાસક બન્યા. આવા બીજા એક આવ્યા રૉનાલ્ડ નિક્સન જે આલ્મોડાની પાસે મિરતોલામાં કૃષ્ણપ્રેમ – યોગી કૃષ્ણપ્રેમ તરીકે બેઠા હતા. દિલીપકુમાર રૉયે ‘યોગી કૃષ્ણપ્રેમ’ પુસ્તક લખ્યું છે, હિન્દીમાં પણ અનુવાદિત છે. મેં તો અંગ્રેજીમાં વાંચ્યું છે. તેમણે પણ એ શક્તિને ‘માતૃશક્તિ’ કહી છે. આ ‘માતૃશક્તિ’ જે શબ્દ છે તેનો આધ્યાત્મિક સંદર્ભ જોવો જોઈએ. તેને ફક્ત શરીર સાથે નહીં જોડતા. દેહવૃત્તિઓ છે તેની સાથે જોડીને તેને મર્યાદિત નહીં કરતા. સ્ત્રીઓમાં કંઈક વિશેષ ગુણ છે, તેનો અર્થ ઘણો વ્યાપક છે, ગહન છે. આજે સવારે હું અમારી પ્રિય સંતોષબહેનને કહેતી હતી કે બહેન, આજે મને માફ કરજો. “માતૃશક્તિ”નો જે આધ્યાત્મિક આશય છે તેને શબ્દબદ્ધ કરવાની મને સંમતિ આપજો. ઉપર છલ્લી કે છીછરી વાતો નહિ કરું. માતૃશક્તિનો આધ્યાત્મિક અર્થ એ છે કે જેમાં સૃજનશક્તિ છે, ભરણપોષણની શક્તિ છે. અને જેમાં સૃજન, ભરણ, પોષણ કરવાની શક્તિ છે તે કરુણા છે. રે કરુણા! “માતૃશક્તિ” એટલે કરુણાની શક્તિ! હિંસાનો પ્રતિકાર દ્વેષથી નહીં થાય, ઈર્ષ્યાથી નહિ થાય, હિંસાથી નહિ થાય, હિંસાનું નિરાકરણ કરુણાવતાર માતૃ-શક્તિથી થશે. માતૃશક્તિ જીવનનાં બધાં ક્ષેત્રોમાંથી હિંસાનાં બીજ હટાવશે, હિંસાને કારણે આવનારા આંતરવિરોધો બતાવશે. તેને હટાવવાનો, પરિહાર કરવાનો પથ પણ પ્રશસ્ત કરશે તે માતૃશક્તિ ! “विरोधस्य परिहारः यतनम् विशिष्टस्य” સૃજન કોનાથી થાય છે? પરમાત્માની સત્તાથી. ભરણપોષણ કોણ કરે છે? પરમાત્માની શક્તિ કરે છે. અત્યારે ઠંડીમાં સૂર્યનારાયણનાં કિરણો કેવાં મીઠાં લાગે છે! તેનાથી મળતી ઉષ્મા – તેનાથી મળતી હૂંફ કેટલી ગમે છે! ઈન્દોરમાં તો કંઈ નથી. આબુથી હું આવી છું. ત્યાં શૂન્યથી નીચે આઠ સુધી ઠંડી છે. તળાવનું પાણી પણ જામીને બરફ થઈ જાય છે. ગરમી, પ્રકાશ, હૂંફ બધું સૂર્યકિરણોમાંથી આવે છે. તે મૂળ સત્તામાંથી આવે છે. આ ધરતીમાં કણ વાવો અને એ મણ ઉપજાવે છે. આ ફળદ્રુપતા ઉત્પાદકતાની શક્તિ ક્યાંથી આવી ? એ મૂળ સત્તામાંથી. આકાશ જે આપણને પોતાના અવકાશમાં વિહરવા દે છે, હરવા-ફરવા દે છે, શ્વાસ લેવા દે છે, આ અવકાશ – આEmptiness – ક્યાંથી આવ્યું ? એ પ્રભુસત્તામાંથી. “માતૃ-શક્તિ” એ પ્રભુશક્તિનો નિર્દેશ કરનારો શબ્દ છે. માતા અને પિતા એટલો જ મર્યાદિત અર્થ નથી. ત્યાંથી શરૂ કરો. નારીની જ વિશેષતાઓ છે તેનાથી તે ગૌરવાન્વિત થાય, સમાજનાં કાર્યો કરે, આ બધું ઠીક છે. પરંતુ શક્તિ કેવળ પ્રભુની સત્તામાંથી આવે છે. શક્તિનો સ્રોત આપણે નથી. ‘તુંહી’ – ‘તુંહી’ કહે છે ને! સ્ત્રીઓએ સંસ્કૃતિ બચાવી, સ્ત્રીઓએ ધર્મ બચાવ્યો. ખબર નથી શું શું કહે છે!

સ્ત્રી જે આજે ભારતના લોકતન્ત્રની નાગરિક બની છે તેને જો ભાન થઈ જાય કે બધા ગુણોનો, સર્વ શક્તિઓનો સ્રાત એક પરમાત્મસત્તા છે અને આપણા સમાજમાં, આપણા પરિવારમાં તેનું પ્રતિનિધિત્વ આપણે કરવાનું છે તો મને લાગે છે કે માતૃ-શક્તિનું દાયિત્વ નારીદેહમાં સહજ સુલભ થઈ જશે, પ્રતિનિધિત્વ કરવાનું પણ સુલભ થઈ જશે. ખ્યાલમાં રાખો કે શક્તિનો એક જ સ્રાત છે – દેહની શક્તિ હોય, મનની શક્તિ હોય, બુદ્ધિની શક્તિ હોય. બધી શક્તિનો એક જ સ્રોત છે અને તે છે સર્વવ્યાપ્ત પરમાત્મશક્તિ, જેણે સર્વરૂપ ધારણ કર્યાં છે અને જે સર્વમાં ઓતપ્રોત છે.

Total Views: 123

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.