(ગતાંકથી આગળ)

શ્રીકૃષ્ણની ધીરજની કસોટી દુર્વાસા ઋષિએ કરી. તે સંબંધી એક બહુ જ રસપ્રદ વાત મહાભારતમાં છે. એક વાર વાતવાતમાં ગુસ્સો કરે એવા ઋષિ દુર્વાસા દ્વારકા પધાર્યા અને જણાવ્યું કે, પોતે શ્રીકૃષ્ણના થોડા દિવસ માટે અતિથિ બનશે. તેમણે શરત મૂકી કે, પોતે ઇચ્છે એ પ્રમાણે કરવા મુક્ત રહેશે. શ્રીકૃષ્ણે અતિથિનો સત્કાર કર્યો અને શરત સ્વીકારી. ઋષિ તો કોઈ લાપરવા લહેરી લાલાની જેમ વર્તાવ કરવા લાગ્યા. એક વાર મોટા પ્રમાણમાં ‘પાયસ’ તૈયાર કરવાની માગણી કરી. પાયસ (ખીર) તૈયાર થતાં તેમણે શ્રીકૃષ્ણને માથે તે ઢોળ્યું. ખરેખર, પાયસનો અભિષેક આખા શરીર પર કરી દીધો. છેલ્લે, પગની ભયંકર લાત મારી શકે એટલા માટે તેમના પગનાં તળિયાં જ ફક્ત બાકી રાખ્યાં! બીજે દિવસે તેમણે અતિથિગૃહને આગ લગાડી. એક દિવસ તેઓ શ્રીકૃષ્ણ-રૂકમણિને રથમાં જોડીને દ્વારકાની શેરીઓમાં ફર્યો. લોકોને તો આ જુલમનો પ્રતિકાર કરવો હતો, પરંતુ શ્રીકૃષ્ણે તેમને ઠપકો આપી શાંત પાડ્યા. મધ્યાહ્ન સમયે રથ ખેંચતાં રુકમણિને તરસ લાગી. શ્રીકૃષ્ણે પોતાનું ચક્ર જમીનમાં માર્યું અને ગંગાનો ફુવારો છૂટ્યો અને રુકમણિએ એના જળથી તરસ છિપાવી. ઋષિ ક્રોધિત થયા. કારણ કે યજમાન સ્ત્રીએ (રુકમણિએ) મહેમાનને પહેલાં પાણી આપ્યા વગર પોતે પી લીધું. તેમણે શાપ આપ્યો કે, એ વિસ્તારમાં એક ઘડો પાણી પણ નહિ રહે અને આજુબાજુના માઈલોના વિસ્તારમાં આજે પણ મીઠું પાણી મળતું નથી.

કુદરતી નુકસાન, પાણીની તંગીનું દોષારોપણ બિચારા દુર્વાસા પર! રથમાંના આદરણીય સવાર મહેલમાં પાછા ફર્યા અને નમસ્કાર કરી પોતાની હાર સ્વીકારી. દુર્વાસા મુનિને કદાચ એ વાતની વિસ્મૃતિ થઈ હશે કે, જે પરમાત્મા તેમને દ્વારકામાં ખેંચીને લઈ જતા હતા, તે સ્વયં તેમનામાં પણ વાસ કરે છે.

આ કેટલું દયાજનક!

જે જગામાં ગંગાજી પ્રગટ થયાં, ત્યાં રુકમણિનું એક મંદિર છે. કદાવર વિસ્તારની જમીનના આગળના ભાગે એ મંદિર છે. તેના પ્રાંગણમાં પથ્થરની શિલાઓ લગાડેલી છે. અમે અંદર દાખલ થયા, પ્રાર્થના કરી. આખીએ જગા માખીઓથી ભરેલી હતી. અસંખ્ય મરતી કે મરેલી માખીઓને કારણે પ્રાંગણમાં બધે જાણે કે, કાળાં મરી પાથરી દીધાં હોય એવું લાગતું હતું. ડગલે ને પગલે સેંકડો માખીઓ કચડાઈ રહી હતી. માખીઓને લીધે મંદિરની પરિક્રમા કરી શકાય એમ નહોતું. ગાડીમાં જતાં પણ માખીઓનું લશ્કર પાછળ પાછળ આવતું હતું. માછીમારીની મોસમ હતી અને સેંકડો માછીમારોની હોડીઓ એ નિર્દય ધંધામાં સંલગ્ન હતી. માછીમારો પકડાયેલી માછલીઓને કિનારા પર સૂકવવા માટે પાથરી રહ્યા હતા. દુર્ગંધ મારતી આ માછલીઓ પર માખીઓ ભેગી થતી અને આખોયે વિસ્તાર દુર્ગંધ મારતો તેમ જ માખીઓથી ઉભરાતો હતો. દરિયાકાંઠાનાં બધાં શહેરોમાં આવી પરિસ્થિતિ હતી. ખાસ કરીને માછીમારીની મોસમમાં! શ્રીકૃષ્ણે દ્વારકાને સ્વર્ગ બનાવ્યું, આધુનિક માનવે તેને દુર્ગંધમય રહેઠાણ બનાવ્યું છે.

ઉપદેશક અને પ્રચારક

શ્રીશંકરાચાર્યે પશ્ચિમ દિશામાં પોતાના મઠની સ્થાપના કરવા દ્વારકાને પસંદ કર્યું. દ્વારકાધીશના મંદિરની લગોલગ શ્રીશારદાપીઠ આવેલી છે. અહીં દ્વારકામાં ગીતાના ઉપદેશક શ્રીકૃષ્ણ અને તેના ભાષ્યકાર શંકર ગાઢ સાંનિધ્યમાં રહેલા છે. સુરેશ્વરાચાર્ય આ મઠના સર્વપ્રથમ અધિપતિ હતા. આ મઠની વિશિષ્ટતા સામવેદના શિક્ષણ પ્રચારની છે. સિંધુ, સૌરાષ્ટ્ર, સૌવીર અને મહારાષ્ટ્ર આ પીઠના આધ્યાત્મિક કાર્યક્ષેત્ર નીચે આવે છે. તે વખતના પીઠાધીશ શ્રીઅભિનવ સચ્ચિદાનંદ તીર્થ પ્રાચીન અને આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરનાર પ્રગતિશીલ દૃષ્ટિવાળા હતા. અમે પૂજનીય આચાર્યને સાદર પ્રણામ કર્યાં.

સવારે પાંચ વાગે, હું ફરી મંદિર ગયો. એક ખૂણામાં બેઠો. થોડી વાર મેં ધ્યાન કર્યું, દંડવત્ પ્રણામ કર્યા, ઊભા થઈ પ્રાર્થના કરી, “હે ભગવાન! તને મારી એકમાત્ર નમ્ર પાર્થના છે. જન્મોજન્મ મને તારાં ચરણકમળનું એકધારું સ્મરણ રહે એવી મને પ્રતીતિ કરાવ.” આ પ્રમાણે મારી લાંબા સમયની અતિપ્રિય ઇચ્છા પૂર્ણ થઈ છે, એવા સંતોષ અને ધરપત સાથે અને વિખૂટા પડવાના ઉદ્વેગ સાથે મેં ફરી ફરીને નમસ્કાર કર્યાં અને હું એ પછીના બીજા મુકામે જવા નીકળ્યો.

મારો મૂળ કાર્યક્રમ તો ઓછામાં ઓછો એક દિવસ દ્વારકામાં વિતાવવાનો હતો. પરંતુ પીવાના પાણીની તંગી, વ્યાપક દુર્ગંધ અને સર્વ જગાએ વિદ્યમાન માખીઓએ મને એ જ સાંજે એ સ્થળેથી નાસી છૂટવાની ફરજ પાડી.

બેટ દ્વારકા

મેં સાંજની સાડા છ વાગ્યાની ઓખાની બસ પકડી, અને રાત્રે નવ વાગ્યે ત્યાં પહોંચ્યો.

૧૯૭૮ના નવેમ્બરની ર૦મીએ સવારે ૯-૩૦ વાગ્યે હું સ્ટીમ બોટમાં, બેટ દ્વારકા જવા ઊપડ્યો. સમુદ્રનાં ખારાં પાણી શાંત અને સ્વચ્છ હતાં. હોડીની સફર આનંદદાયક હતી. અડધાક કલાકમાં તો એ પવિત્ર બેટ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. યાત્રાળુઓએ આનંદથી જયનાદ કર્યો. ભગવાનની હવેલી સમુદ્રની નજીક છે. લક્ષ્મીવર સોનાથી અને ચળકતા અલંકારોથી ઢંકાયેલા છે. આ પાવનનેય પાવન કરનાર પ્રભુના શરીર પર સ્વર્ગીય આભા ઝળુંબી રહી છે. શ્રદ્ધાળુની દૃષ્ટિમાં ભગવાન ચિન્મય અને કૃપાળુ છે. મેં સામે જ સ્થિર બની ઊભા રહીને દિવ્યાનંદનું પાન કર્યું. પૂર્ણતા, અને પ્રકાશના ભાવની અનુભૂતિ કરતો, હું થોડી વાર માટે ત્યાં બેઠો અને મેં શાશ્વત કૃપાદૃષ્ટિની પ્રાર્થના કરી. કેટલાક પીતાંબરધારી યુવાન વિઘાર્થીઓ બેઠા બેઠા ગીતાપાઠ કરતા હતા. મુખ્ય મંદિરની પાછળના ભાગે શ્રીકૃષ્ણની આઠ મુખ્ય પટરાણીઓનાં નિવાસસ્થાનો આવેલાં છે. દરરોજ બપોરે બપોરે ભોજન સામગ્રી એ દરેક પટરાણી તરફથી તેમના ભગવાનને માટે જાય છે. બાજુમાં જ રાધાજીનું મંદિર છે. આજુબાજુ ફરીને, આ મંદિરોમાં પ્રાર્થના કરીને, હું ફરી વાર મુખ્ય મંદિરોમાં આવ્યો.

વિદાય

આ યાત્રી ઘણીએ વાર શ્રીમદ્ ભાગવત્ દ્વારા સુદામા અને નારદની સંગાથે, મનોમન દ્વારકા ગયા છે. હવે હૃદયમાં ભક્તિ અને આભારવશતાના છલકાતા ભાવ સાથે ભગવાનની સન્મુખ ઊભા રહીને આ યાત્રિકે હૃદયમાં ભગવાનને પધરાવી લઈને ભગવાનની વિદાય લીધી. પાછા ફરતી વખતે અમે એક ભજનિકને મળ્યા. તેઓ હંમેશાં સવારે ભગવાન સન્મુખ ભજનો ગાય છે. તેમણે અમને ચા આપી, થોડાં ભજનો ગાયાં, વળતી વખતે અમને સઢની મદદથી ચાલતી સામાન્ય હોડીઓ મળી. સહયાત્રીઓએ ભક્તિગીતો ગાયાં અને અત્યાનંદમાં મસ્ત બન્યાં. સાંજના બે’ક ડઝન મિત્રો યજમાનના ઘરે એકઠા થયા. મેં દોઢેક કલાક દ્વારકા, શ્રીકૃષ્ણ અને ભાગવત પર પ્રવચન કર્યું.

રાજકોટ પાછા ફરવા માટેની ટ્રેઈનનો સમય રાત્રિના બે વાગ્યાનો હતો. યાત્રીને વિદાય આપવા માટે અડધોક ડઝન મિત્રો સ્ટેશને ભેગા થયા હતા. ટ્રેઈનને વાર હતી એ સમય દરમિયાન તેઓએ ભજનો ગાયાં.

મારી સૌરાષ્ટ્રની યાત્રાનું એ અંતિમ ચરણ હતું. યાત્રા એક પુરાણી પરંપરા છે, જે લોકોની શ્રદ્ધાને જીવંત રાખે છે અને તેઓમાં સાંસ્કૃતિક એકતાની ભાવના જગાવે છે. યાત્રા માણસની દૃષ્ટિને વિસ્તારે છે અને ધાર્મિક ભાવનાઓને સમૃદ્ધ કરે છે. યાત્રા એવા અસંખ્ય પ્રસંગો પૂરા પાડે છે કે જેનાથી રક્ષા કરતા અને માર્ગ ચીંધતા હાથવાળા ભગવાનના અસ્તિત્વની માણસને જાણ થાય છે. આ પ્રકારની આધ્યાત્મિક યાત્રાઓ દ્વારા ભગવાનનાં ચરણોમાં આત્મસમર્પણરૂપી સોનેરી ફળ યાત્રીને પ્રાપ્ત થાય છે અને યાત્રિક પોતાની યાત્રા ચાલુ રાખે છે.

– જયશ્રી દ્વારકાનાથ! સોમનાથજીકી જય!

ભાષાંતરકાર શ્રી સી.એ. દવે

Total Views: 314

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.