(ગતાંકથી આગળ)
પછી જૂનાગઢના રાજા મહીપાલે મંદિરનો પુનરુદ્ધાર કર્યો, અને તેના પુત્ર ખેંગારે, ચૌદમી સદીના મધ્યમાં શિવલિંગની પુન:પ્રતિષ્ઠા કરી. ફરીથી એ પછીની સદીમાં, લગભગ ૧૪૬૯ના અરસામાં મહમૂદ બેગડાએ શિવની મૂર્તિ દૂર કરી અને એ મંદિરનું મસ્જિદમાં રૂપાંતર કર્યું. પરંતુ એ સ્થિતિ લાંબો સમય ચાલી નહિ. ૧૬મી સદીની શરૂઆતમાં જ, શિવજી પોતાના નિવાસે પાછા ફર્યા. આ વખતે મંદિર થોડી ઊંચી સપાટીએ હતું. જીર્ણ-શીર્ણ થઈ ગયેલા, જૂના મૂળ મંદિરથી થોડે દૂર, એક નવું મંદિર ઇંદોરની રાણી અહલ્યાબાઈએ ૧૭૮૩માં બંધાવ્યું. ૧૯મી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્ર, વડોદરાના ગાયકવાડના આધિપત્ય નીચે આવ્યું. ૧૮૨૦માં અંગ્રેજોની હકૂમત નીચે આવ્યું ત્યાં સુધી સોમનાથ ગાયકવાડના કબ્જામાં રહ્યું. સોમનાથ જૂનાગઢના નવાબના હાથ નીચે હતું અને નવાબ સર્વોચ્ચ સત્તાના હાથ નીચે હતો. અંગ્રેજો ભારતમાંથી ચાલ્યા જતાં, નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું પસંદ કર્યું અને વહીવટનો બોજો દીવાન પર છોડીને એ તો દેશમાંથી ભાગી છૂટ્યો. ભારતીય લશ્કરે જૂનાગઢમાં પ્રવેશ કર્યો. નવાનગરના મહારાજા જામસાહેબ, ગાડગીલ અને શ્રીમુનશીની સાથે સરદાર પટેલ, ૧૨મી નવેમ્બર ૧૯૪૭ દિવાળીના દિવસે, જૂનાગઢ ગયા. સરદાર પટેલ અને તેમની મંડળીએ સોમનાથનું મંદિર ફરી બાંધવા નિર્ણય કર્યો અને આ અતિ પવિત્ર કાર્યમાં સૌરાષ્ટ્રના લોકોને દાનરૂપે ફાળો આપવા અને સહકાર આપવા આહ્વાન આપ્યું. મહારાજા જામસાહેબે ૧૯૫૦ના મે માસની આઠમીએ પુન:નિર્માણ માટે શિલારોપણ કર્યું. ૧૯૫૧ના મે માસની અગિયારમી તારીખે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદે શિવલિંગની પ્રતિષ્ઠા કરી.
મુખ્ય ઈમારતનું બાંધકામ પૂર્ણ થયું અને ૧૯૬૫ના મે મહિનામાં તેનો અર્પણવિધિ, મહારાજા જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી વરદ્ હસ્તે કરવામાં આવ્યો. પાછળથી જામસાહેબના અવસાન બાદ, તેમનાં ધર્મપત્નીએ પોતાના સ્વર્ગસ્થ પતિની સ્મૃતિમાં, મંદિરનું ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યું. મુખ્ય મંદિરની સામે સભાગૃહનું બાંધકામ હજુ ચાલી રહ્યું છે. અગાઉના મંદિરના અવશેષો અહીંતહીં પડેલા જોવા મળે છે. આ રીતે સોમનાથ -શિવ, દંતકથાના ‘ફોએનિક્સ’ની જેમ ફરી જીવંત બન્યા છે અને એમણે ગૌરવપ્રાપ્તિ કરી છે. શિવ સંહારના દેવ છે, કદાચ પોતાના જ નિવાસસ્થાન પર કર્મના સિદ્ધાંતના પ્રયોગનો આસ્વાદ, તેમણે ચાખ્યો. જીવંત શ્રદ્ધાનો કદી પણ નાશ થતો નથી.
મંદિરના વ્યવસ્થાપક શ્રીકુંદનલાલ ભટ્ટે, મંદિરના અતિથિગૃહમાં, મારા રહેવાની વ્યવસ્થા કરી આપી. સ્નાન કરીને, મેં સોમનાથની મુલાકાત લીધી, પૂજા-અર્ચન કરીને ઘોડાગાડી કરી, પ્રભાસનાં અન્ય પવિત્ર સ્થળોની મુલાકાત લેવા ફર્યા.
દેહોત્સર્ગ
હિરણ્યા, સરસ્વતી અને કપિલા નદીઓનો ત્રિવેણી સંગમ પણ પવિત્ર સ્થળ છે. ગીતા મંદિર એક ભવ્ય સ્મારક છે. તેના સ્તંભો પર, ગીતાના શ્લોકો કંડારેલી આરસની તકતીઓ ચોડવામાં આવી છે.
ત્રિવેણીના ઘાટ પાસે, પીપળાનાં ઘણાં વૃક્ષો છે. ઘાટ પાસેના એક પીપળા નીચે શ્રીકૃષ્ણના શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. સાદર, ભય અને પૂજ્યભાવ સાથે ત્યાં ઊભનાર રોમાંચ અનુભવે છે. અને તેની દૃષ્ટિ સમક્ષ-ભગવાને ક્યારેય ધારણ ના કર્યો હોય તેવો અતિ વિમોહક માનવદેહ અગ્નિદેવ ગળી જતા હોય-તેવું દૃશ્ય ખડું થાય છે. એ સ્થળે પરમાત્મા સતત વિદ્યમાન છે. પવિત્ર જળનો સ્પર્શ કરી, પીપળાનાં થોડાં પાન અને પવિત્ર સ્થળની થોડી માટી લઈને, હું આગળ ચાલ્યો. જે ગૂફામાં, બળદેવજીએ માનવ શરીરનો ત્યાગ કર્યો હતો, તે નજીકમાં જ છે. જે જગાએ મહાન યોદ્ધા પરશુરામે તપશ્ચર્યા કરી હતી, ત્યાં તેમનું એક મંદિર છે. વળી, આ એ જ સ્થળ પ્રભાસ છે કે જ્યાં મહાન યાદવકુળે માંહોમાંહે કપાઈ મરીને, પોતાનો વિનાશ નોતર્યો હતો. સાંબ અને અન્ય યાદવ છોકરાઓએ, પોતાનાં અપમાનજનક વર્તાવથી, વિશ્વામિત્ર અને અન્ય ઋષિઓનો શાપ વહોરી લીધો. અનિષ્ટનો પૂર્વાભાસ થયો. શ્રીકૃષ્ણે રાજ્યમાં મંદિર બનાવવાનો અને એનું વિતરણ કરવાનો નિષેધ કર્યો. દારૂબંધીનો સૌ પ્રથમ પ્રયાસ દ્વારકામાં થયો. શ્રીકૃષ્ણ ભાવિ અનિષ્ટના પ્રતિકાર ઉપાય તરીકે, પ્રભાસ-યાત્રાનું સૂચન કર્યું. તેઓ સાથે પૂજા-અર્ચનની સામગ્રી, રોકાણ સમયે જરૂર પડે તેવી ચીજ-વસ્તુઓ અને ઘણા બધા મદિરા લઈને ગયા. પૂજા-વિધિ પૂરી થઈ, તેઓએ દારૂ ઢીચ્યો, તેમની બુદ્ધિ બહેર મારી ગઈ. તેમણે એકબીજાનાં માથાં ભાંગ્યાં. તેમનો વિનાશ થયો. શ્રીકૃષ્ણ પોતાના કુળનાં વિનાશના મૂક સાક્ષી બની રહ્યા. પોતાના કુળના લોકોનો સંહાર કરવા અર્જુનને પ્રબોધનાર, ગીતાના ઉપદેશક, શ્રીકૃષ્ણ, સાચે જ એક તત્ત્વજ્ઞાની હતા. કારણ કે તેઓ પોતે, પોતાના જ કુળના સંપૂર્ણ સંહારના મૂક સાક્ષી બની રહ્યા. ના, પોતાના કુળનો જ નહીં, પરંતુ પોતાના જ અંતના શાંત સાક્ષી બની શક્યા. પ્રભાસથી થોડા માઈલ દૂર, આ ઘટનાસ્થળ આવેલું છે. ‘ભાલકા-તીર્થ’ તરીકે તે જાણીતું છે. થોડી વારમાં જ આપણે ત્યાં પટેલનું પૂરી કદનું બાવલું સોમનાથ ભગવાન સન્મુખ, મંદિરની દીવાલ બહાર ઊભું છે. રાજકીય અને ધાર્મિક આઝાદી માટેના હેતુવાળા, પરાક્રમી સરદાર યોદ્ધાનું આ ઉચિત સન્માન છે.
જુદાં-જુદાં પવિત્ર સ્થળોની ઝડપથી મુલાકાત લઈ, મે મંદિરના અતિથિગૃહમાં ભોજન લીધું. ફરી હું સોમનાથ ગયો. થોડી વાર ત્યાં બેસી – આ જગતના રંગમંચ પરથી વેળાસર અને સરળ પ્રસ્થાન માટે – અવિરત ટિકિટો એકઠી કરનારને – મેં મનોમન માર્મિક પ્રાર્થના કરી. વ્યવસ્થાપકની રજા લીધી ને સોમનાથથી ત્રણેક માઈલ દૂર, ભાલકા જવા બસમાં હું નીકળ્યો.
ભાલકા તીર્થ
પોતાના કુળના સૌને મૃત્યુ પામેલા જોઈને, શ્રીકૃષ્ણ ફરતા ફરતા, એકાંત જગાએ જઈ, એક પીપળાના વૃક્ષ નીચે, તેના થડને અઢેલીને, જમણા પગ પર ડાબા પગને ટેકવી બેઠા હતા. ભગવાનના પગનાં લાલ લાલ તળિયાંને, દૂરની ઝાડીમાંથી જોઈ એક શિકારીએ ભૂલથી, હરણ સમજીને, તીર છોડ્યું. પછીથી શિકારીને પોતાની ભૂલ સમજાઈ અને ભગવાનની ક્ષમા માગી. કૃષ્ણે તેને માફી આપી, સ્વર્ગમાં મોકલ્યો. અહીં ભગવાને ‘સ્વ’માં જ નિવર્તન કરી અનિત્ય શરીરનો ત્યાગ કર્યો. આ સ્થળે એક નાનું સુંદર મંદિર છે. તેમાં મૂળ પીપળામાંથી જ ઊગેલા, એક કૂમળા પીપળાને અઢેલીને બેઠેલા શ્રીકૃષ્ણની આરસની મૂર્તિ છે. એ પીપળાનાં થોડાં નીચે પડેલાં પાન એકઠાં કરી અમે વેરાવળ ગયા અને ત્યાંથી ગીરના જંગલની બસ પકડી.
(કમશ:)
ભાષાંતરકાર : શ્રી સી. એ. દવે
Your Content Goes Here




