(ગતાંકથી આગળ)

જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં મેં શ્રીમત્ બાબાને કહ્યું, ‘મધુને દીક્ષા આપીને નાગપુર મોકલવો જોઈએ. એનાથી એને એનાં માતાપિતાની સેવા કરવાની અને પોતાનો વ્યવસાય કરવાની અનુકૂળતા રહેશે.’

શ્રીમત્ બાબાએ મારી વાત સાંભળી લીધી. પછી તેઓ બોલ્યા, ‘દીક્ષા આપવાનો સમય હજુ આવ્યો નથી. દીક્ષા તો હું શ્રીઠાકુરને પૂછીને આપીશ, પણ નાગપુર જઈને મધુ પોતાના વ્યવસાયમાં લાગી જ જશે એમ કોણ કહી શકે?’

સારગાછી આશ્રમમાં રહેવાનો મારો સમય પૂરો થઈ ચૂક્યો હતો. એટલે નાગપુર પાછા જવાની રજા લેવા હું શ્રીમત્ બાબા પાસે ગયો. બાબાએ તે વખતે મને કહ્યું, ‘હવે મારું શરીર વધારે દિવસ રહેવાનું નથી. તું મારો જૂનો શિષ્ય છે એટલે આ આશ્રમ છોડીને ક્યાંય જતો નહીં.’ ગુરુની ઇચ્છા અનુસાર હું ત્યાં જ રોકાઈ ગયો. ગુરુની સેવામાં લાગી ગયો. શ્રીમત્ બાબાની તબિયત વધારે કથળવા માંડી હતી. બરહમપુરના અનેક બાહોશ ડોકટરો બાબાની સારવાર કરી રહ્યા હતા, પણ તબિયત સુધરવાને બદલે ઊલટાની બગડી રહી હતી. એમને કોલકાતા લઈ જવાની વાત થવા લાગી.

મકરસંક્રાતિના ચાર દિવસ પહેલાં મેં મધુની દીક્ષા બાબતે શ્રીમત્ બાબાને પૂછ્યું, ‘ટૂંક સમયમાં જ મુહૂર્ત આવશે ને એને હું દીક્ષા આપીશ.’ શ્રી બાબાએ જવાબ આપ્યો. ૧૨ જાન્યુઆરી ૧૯૩૭ની સાંજે શ્રીમત્ બાબાએ મને કહ્યું : ‘ગોવલકરની દીક્ષા કાલે મકરસંક્રાંતિના મુહૂર્તે અપાય એવી શ્રીઠાકુરની ઇચ્છા છે.’

મકરસંક્રાંતિની સવારે હું શ્રીઠાકુરની પૂજા કરી રહ્યો હતો. ખુશખુશાલ ચહેરે મધુ ત્યાં આવી પહોંચ્યો. મને એ પ્રણામ કરવા માગતો હતો. એને દીક્ષા મળી ગઈ છે એ મને સમજાઈ ગયું, શ્રીઠાકુરની સામે મને પ્રણામ કરવાની મેં એને ના પડી. શ્રીઠાકુરનો પ્રસાદ આપવા હું શ્રીમત્ બાબા પાસે ગયો. મધુને દીક્ષા મળી ચૂકી છે એમ બાબાએ મને જણાવ્યું, ‘પણ એને આશ્રમમાં રાખશો નહીં. એનું કાર્ય આશ્રમની બહાર છે. એની સહજવૃત્તિ સમાધિ અંગે છે. જો એ આશ્રમમાં રહેશે તો સમાધિ તરફ જ જશે. એને જ્યારે કોઈ મુશ્કેલી અનુભવાય ત્યારે તું એને માર્ગદર્શન આપતો રહેજે.’ – શ્રીમત્ બાબાએ ઉમેર્યું.

દીક્ષા બાદ હિમાલય જવાની મધુની પ્રબળ ઇચ્છા બાબતે મેં એકવાર શ્રીમત્ બાબાને પૂછ્યું. વધુમાં મેં બાબાને પૂછ્યું, ‘પણ એને એનાં માતાપિતા પાસે નાગપુર પહોંચાડવો પડશે. એ પછી એણે શું કરવું જોઈએ?’

શ્રીમત્ બાબા બોલ્યા, ‘લાગે છે કે તે ડો. હેડગેવારજીની સાથે રહીને કામ કરશે. એનું આખું જીવન સતત સમાજસેવા કરવામાં, જનતા જનાર્દનની સેવામાં પસાર થશે. ક્યારેક એને હિમાલય જવાની ઇચ્છા થશે. એ વખતે તું એનું ધ્યાન રાખજે. એને હિમાલયનું દર્શન કરવું હોય તો બદ્રિકાશ્રમ જેવા સ્થળે ભલે જાય. પણ એને એકાંતવાસ ન કરવા દેતો. એને અટકાવવાનું કામ તારે જ કરવું પડશે.’

એ સમયે મેં બાબાજીને જણાવ્યું કે ડોકટરોનો વિચાર એમને (બાબાને) કોલકાતા લઈ જવાનો છે. શ્રી બાબાએ જણાવ્યું કે એની કોઈ જરૂર નથી. આમ છતાં એ માટે એમણે અનુમતિ આપી. સાથે કોલકાતા કોણ કોણ જશે એ પણ પૂછી લીધું.

થોડીવાર પછી શ્રીમત્ બાબા અષ્ટમહાવિદ્યાનું વર્ણન કરવા લાગ્યા. એ વખતના એમના હાવભાવ જોઈને મેં મધુને બોલાવ્યો. મેં મધુને કહ્યું, ‘સમાધિ કેવી હોય એ બરાબર જોઈ લે.’

મેં શ્રીમત્ બાબાનો હાથ મધુના હાથમાં આપ્યો ને કહ્યું, ‘એમની આંગળીઓ દબાવ. એમને ચૂંટકી પણ ભર.’ એણે એમ કર્યું. પરંતુ શ્રીમત્ બાબા દેહભાનથી પર હતા. બાબાએ એની કોઈ પ્રતિક્રિયા આપી નહીં. જાણે સાક્ષાત્ દેવી એમની સમક્ષ ઉપસ્થિત થયાં હોય ને બાબા એમને નિહાળી રહ્યા હોય એ રીતે તેઓ એમના સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા.

તમામ વ્યવસ્થા કરીને શ્રીમત્ બાબાને કોલકાતા લાવવામાં આવ્યા. ત્યાં દવાખાનામાં એમની જરૂરી તપાસ કરવામાં આવી. એ પછી એમને બેલૂર મઠમાં લાવવામાં આવ્યા. એ વખતે સવારના ત્રણ થયા હતા. એમની સ્થિતિ નાજુક થવા લાગી. ૭ ફેબ્રુઆરી ૧૯૩૭ના રોજ બપોરે શ્રીમત્ બાબા મહાસમાધિસ્થ થઈ ગયા. રામકૃષ્ણ આશ્રમના અનેક સંન્યાસીઓ, સ્વામી અભેદાનંદ વગેરે બાબાના ગુરુબંધુઓ તેમજ હજારો ભક્તજનો બેલૂર મઠમાં એકઠા થઈ ગયા હતા. શ્રીમત્ બાબાની વિશાળ અંતિમ યાત્રા નીકળી. એમનો નશ્વર દેહ અગ્નિને સમર્પિત કરી દેવાયો. એ પછી રાતે સ્વામી અખંડાનંદજીના ગુરુબંધુઓ સમક્ષ અનેક આશ્રમવાસીઓ એકત્ર થયા. તેઓ શ્રીમત્ સ્વામી અખંડાનંદજીના દિવ્ય ગુણોનું સ્મરણ કરી રહ્યા હતા. મારી નજર તે વખતે મધુને શોધી રહી હતી. તરત મને યાદ આવ્યું. ગંગાકિનારા તરફ હું ચાલવા માંડ્યો. શ્રીમત્ બાબાનો જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવેલો એ સ્થળે હું પહોંચ્યો. મધુ ત્યાં હતો. શ્રીમત્ બાબાનાં અસ્થિફૂલ એકત્ર કરી રહ્યો હતો. હું એને સમજાવી મારી સાથે લઈ આવ્યો. શ્રીમત્ બાબાનાં પવિત્ર અસ્થિને મહામૂલો વારસો સમજીને તે પોતાની સાથે લેતો આવ્યો હતો.

એ પછીના અમારા તેર દિવસો બેલૂરમઠમાં જ પસાર થયા. ભાવિ યોજનાઓ અંગે અમે વિચારવિમર્શ કરતા રહ્યા. મધુને હું શ્રીરામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી અભેદાનંદજી, સ્વામી વિવેકાનંદના વચેટ ભાઈ શ્રી ઉપેન્દ્રનાથ દત્ત અને શ્રીરામકૃષ્ણદેવના સમકાલીન અન્ય પરિચિત મહાનુભાવોનાં દર્શને લઈ ગયો. મધુને જોઈને સ્વામી અભેદાનંદજી અત્યંત પ્રસન્ન થયા. પોતાની એક છબી પર એમણે મધુને પોતાના હસ્તાક્ષર કરી આપ્યા. મધુને એ છબી આપતાં એમણે કહ્યું, ‘તબિયત સારી રહેશે તો એકવાર હું જરૂર નાગપુર આવીશ.’

મધુ અંગે એમણે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું, ‘તું ત્યાગીની જેમ જીવન પસાર કરીશ.’ મધુના બાળપણના એક સહપાઠીએ બેલૂર મઠમાં રહેવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો. એ સહપાઠી સારગાછી આશ્રમમાં રહેતો હતો. મધુએ પણ એવો જ ભાવ વ્યક્ત કરેલો. એ વખતે મેં મધુને અલગ લઈ જઈને કહ્યું, ‘તારે રામકૃષ્ણ આશ્રમમાં રહેવાનું નથી.’

મધુને નવાઈ લાગી. એણે કહ્યું, ‘આપ સાચું જ કહી રહ્યા છો. આપને આની ખબર કઈ રીતે પડી?’

એ પછી મેં એને શ્રીમત્ બાબા સાથે થયેલી વાત કરી. ‘મને પણ ગુરુદેવે આ જ આદેશ આપ્યો છે. ને એમ પણ કહ્યું છે કે કોઈપણ મુશ્કેલીમાં મારે આપનું માર્ગદર્શન મેળવવું. હવે મારે માટે આપે શું વિચાર્યું છે?’ મધુએ મને પૂછ્યું. ‘તને જ્યાંથી લાવ્યો છું ત્યાં જઈને તને સોંપી દઈશ.’ મેં જવાબ આપ્યો.

મધુની સાથે હું નાગપુર પાછો ફર્યો. એકાદ મહિનો એને રામકૃષ્ણ આશ્રમમાં રાખ્યો. એની પાસે સ્વામી વિવેકાનંદનાં શિકાગો વ્યાખ્યાનોનો મરાઠી અનુવાદ કરાવ્યો. માનો કે પરમશ્રદ્ધેય બાબાજી દ્વારા એને પ્રાપ્ત થયેલી દીક્ષાની આ ગુુરુદક્ષિણા હતી. એ પછી મેં મધુના મામાને બોલાવ્યા. તેઓ મધુને ડોકટર હેડગેવાર પાસે પહોંચાડી દે એમ મેં એમને કહ્યું. આ રીતે ડોકટર સાહેબને ભાવિ સરસંઘચાલકની પ્રાપ્તિ થઈ.

ઈ.સ. ૧૯૪૦ પછી ચારેક વર્ષે મેં ઉત્તરાખંડની યાત્રા કરી. કાશ્મીરથી મેં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી, કૈલાસ માનસરોવર જેવાં હિમાલયના ખોળે આવેલાં તીર્થધામોની યાત્રા કરી. એ પછી હું કોલકાતા પાછો ફર્યો ને બેલૂર મઠમાં રહેવા લાગ્યો. કોલકાતાના સંઘના કાર્યકર્તાઓ સાથે મારે નજીકનો પરિચય થઈ ગયો. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ બેલૂર મઠ પાસે સંઘની એક શિબિરની મેં સંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી. ત્યાંથી સાંજે પાછો ફરતાં મહાત્મા ગાંધીજીની હત્યાના સમાચાર મળ્યા. મારી ધરપકડ કરવા પોલીસ મારા કામ કરવાના સ્થળ રામકૃષ્ણ મિશન સંચાલિત એક હોસ્પિટલે પહોંચી ગઈ. સરકારે સંઘ પ્રત્યે દમનકારી વલણ અપનાવ્યું હતું. મને લાગ્યું કે હું બેલૂર મઠમાં રહીશ તો સૌ મુશ્કેલીમાં મૂકાશે. આ ટાળવા માટે મેં રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રી માધવાનંદજી મહારાજ સાથે વિચારવિમર્શ કર્યો. એ મુજબ મેં બેલૂર મઠ છોડવાનું નક્કી કર્યું અને ચેન્નાઈ જવા માટે પ્રસ્થાન કર્યું.

ચેન્નાઈથી હું શ્રીલંકા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, બ્રહ્મદેશ, મલાયા જેવા દેશમાં ભ્રમણ કરતો રહ્યો. સિંગાપુરમાં મને સમાચારપત્રો દ્વારા ખબર પડી કે સંઘ પરનો પ્રતિબંધ ઊઠી ગયો છે. શ્રી ગુરુજી (મધુ) સમગ્ર ભારતવર્ષમાં ભ્રમણ કરી રહ્યા છે. સ્થળે સ્થળે એમનું સ્વાગત થઈ રહ્યું છે. મૈસૂરમાં શ્રી ગુરુજીનો કાર્યક્રમ હતો ત્યારે હું ચેન્નાઈ, બેંગલોર થઈને ત્યાં પહોંચ્યો. ત્યારે લગભગ બાર તેર વર્ષો બાદ અમારું મિલન થયું. ત્યારથી એમની સાથે મારે કાયમી સંપર્ક રહ્યો છે.

ઈ.સ. ૧૯૬૨માં પાંચમી એપ્રિલે વર્ષ પ્રતિપ્રદાનું પર્વ હતું. પૂજ્ય ડોકટરજીના સ્મૃતિમંદિરના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. શ્રી ગુરુજીની ઇચ્છાનુસાર હું નાગપુર આવ્યો હતો. ગુરુજીનાં માતાજી શ્રી તાઈની તબિયત બહુ જ બગડેલી હતી. પણ માતાજીની આ કાર્યક્રમ જોવાની ઇચ્છા પૂર્ણ થવી જોઈએ. શ્રી ગુરુજીને પણ મારો વિચાર ગમ્યો. એમણે એ માટેની જરૂરી વ્યવસ્થા કરી દીધી. સ્મૃતિ મંદિર ખાતેનો સવારનો કાર્યક્રમ તાઈએ ખુરશીમાં બેસીને જોયો. એનાથી એમને બહુ જ સારું લાગ્યું.

થોડા દિવસ બાદ તાઈનું દેહાવસાન થયું. ગુરુજીને વિરક્તિનો તીવ્ર અનુભવ થવા લાગ્યો. હિમાલયના કોઈ પવિત્ર સ્થાનમાં એકાંતવાસ કરવાની એમને પ્રબળ ઇચ્છા થઈ આવી. મને સારગાછી આશ્રમમાં શ્રી બાબાએ કહેલા શબ્દો યાદ આવ્યા. મેં ગુરુજીને કહ્યું, ‘હજુ સંઘનું કાર્ય પૂર્ણ થયું નથી. અત્યારે તો આપણે સંઘ કાર્યાલયના નાનકડા ખંડમાં જ જવું જોઈએ. હિમાલયમાં અત્યારે જવાનું નથી. સાધના માટે બાકીના જીવનમાં એ નાનકડો ખંડ જ યોગ્ય છે. હું પણ કાર્યાલયમાં રહું છું. આપણે ત્યાં જ જઈએ.’

તા. ૨૨, ૨૩ ફેબ્રુઆરી ૧૯૭૩ના રોજ બાલાઘાટ ખાતે ડો. દેવરજીની દીકરીનાં લગ્ન હતાં. એ પ્રસંગે હાજર રહેવા માટે ગુરુજીએ મને કહ્યું હતું. એટલે હું એમાં ઉપસ્થિત હતો. ગુરુજી અને મારી રહેવાની વ્યવસ્થા એક જ ખંડમાં કરવામાં આવી હતી. એ વખતે અમને હૈયું ખોલીને વાતો કરવાની તક મળી. ગુરુજીને સમજાઈ ગયું હતું કે એમનું શરીર હવે લાંબો સમય સાથ નહીં આપે. મને એમણે એકદમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. એમની પાસે પૂજા માટેની કેટલીક પવિત્ર વસ્તુઓ હતી. આ વસ્તુઓનું શું કરવું એની એમને મૂંઝવણ હતી. મેં જણાવ્યું કે જ્યાં એમના કુળદેવતાની ઉપાસના થાય છે ત્યાં શ્રી વાસુદેવરાવ ગોળવલકરની પાસે એને મોકલવી જોઈએ. મારી વાત એમને એકદમ જચી ગઈ. એ માટે તેઓ એકદમ તૈયાર થઈ ગયા. એ વસ્તુઓની એમણે એ પ્રમાણે વ્યવસ્થા કરી દીધી.

શ્રી ગુરુજીનું આખુંય જીવન અધ્યાત્મના ઉચ્ચ કોટિના સાધક પરમ શ્રદ્ધેય અખંડાનંદજી મહારાજ, ભારત માતા અને એનાં કરોડો સંતાનોની નિરપેક્ષ સેવા કરી રહેલા કર્મયોગી પરમ પૂજ્ય ડોકટરજીના માર્ગદર્શન અનુસાર વીત્યું હતું એ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

સ્વામી વિવેકાનંદજીની આ ઉક્તિનું સ્મરણ થાય છે. ‘मातृदेवो भव, पितृदेवो भव, अतिथि देवो भव’ ની સાથે સાથે ‘आर्त देवो भव, दरिद्र देवो भव’ આ ભાવ સાથે સમાજના પ્રત્યેક મનુષ્ય પાસે જવું જોઈએ. પરમેશ્વરભાવે એમની પૂજા કરવી જોઈએ.’ શ્રી ગુરુજીએ પોતાના જીવનમાં આ ઉક્તિને પૂરેપૂરી ચરિતાર્થ કરી હતી. સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થિતિમાં રહીને ગુરુજીએ આખાએ સમાજની ‘सहस्रशीर्षा पुरुष: समस्राक्ष: सहस्रपात्‌’ (હજાર મસ્તકવાળા, હજાર આંખો અને ચરણોવાળા વિરાટ પુરુષ)ની પરમેશ્વર ભાવે પૂજા કરી. એ જ રીતે એમણે ‘સમાજને જ ઉપાસ્ય દેવતા માનીને સંઘનું કાર્ય કરો’ એવો મૌલિક વિચાર સ્વયંસેવકોને આપ્યો.

(૧૪ જાન્યુઆરી, ૧૯૭૫ મકરસંક્રાંતિ)

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.