સ્વામી અમૂર્તાનંદ મહારાજનું પૂર્વ જીવનનું નામ અમિતાભ મુખર્જી હતું. બ્રહ્મચર્ય દીક્ષા બાદ એમને શ્રીઆનંદ ચૈતન્ય નામ આપવામાં આવેલું. સંન્યાસ દીક્ષા બાદ તેઓ સ્વામી અમૂર્તાનંદ કહેવાયા. તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના ત્રીજા અધ્યક્ષ પરમ શ્રદ્ધેય સ્વામી અખંડાનંદજી મહારાજના અંગત સેવક હતા. એમણે સારગાછી આશ્રમમાં ઈ.સ. ૧૯૨૧થી ૧૯૨૭ દરમિયાન શ્રીબાબાની સર્વ પ્રકારે સેવા કરી હતી. શ્રીગુરુજી (શ્રીમાધવરાવ ગોળવલકર)ના તેઓ ગુરુભાઈ હતા.

 પૂજ્યપાદ સ્વામી અખંડાનંદજીને સારગાછી અને તેની આસપાસના લોકો દંડી બાબા તરીકે ઓળખતા હતા. આશ્રમવાસીઓ પણ એમને ‘બાબા’ કહેતા. પરમશ્રદ્ધેય સ્વામી શિવાનંદજી મહારાજ એ વખતે રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ હતા. શ્રીબાબા એના ઉપાધ્યક્ષ હતા. અનુશીલન સમિતિના સુખ્યાત કાર્યકર્તા શ્રી પ્રિયદા મહારાજ (સંન્યાસ દીક્ષા બાદ સ્વામી આત્મપ્રકાશાનંદ) રામકૃષ્ણ મઠ અને મિશનના અનુયાયી હતા. બેલુર મઠના તેઓ વ્યવસ્થાપક પણ હતા. આ મઠમાં અનુશીલન સમિતિના શ્રી ત્રૈલોકયનાથ મહારાજ અને અન્ય કાર્યકરો રોજેરોજ આવતા જતા રહેતા. અનુશીલન સમિતિના ઘણા બધા કાર્યકર્તાઓ શ્રી રામકૃષ્ણ મિશનના પણ સભ્યો થઈ ગયા હતા. આમ હેડગેવારજી પણ મઠમાં આવતા રહેતા. શ્રીરામકૃષ્ણ મિશને તે વખતે દામોદર નદીના મહાપૂરથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવાનું કાર્ય ઉપાડ્યું હતું. એમાં હેડગેવારજી અત્યંત નિષ્ઠા અને પરિશ્રમપૂર્વક જોડાયા હતા. શ્રીબાબા એમના રાષ્ટ્રભક્તિપૂર્ણ સમર્પિત જીવનથી પરિચિત હતા. હેડગેવારજીના સદ્‌ગુણી પવિત્ર જીવનનો શ્રીબાબાને ખ્યાલ હતો.

ઈ.સ. ૧૯૨૭માં મારી તબિયત બગડી હતી. સૂકા હવાપાણીમાં મારી તબિયત સુધરશે એમ માની પરમ શ્રદ્ધેય સ્વામી શિવાનંદજી મહારાજે મને કોલકાતા બોલાવી લીધેલો. ને ત્યાંથી મને નાગપુર મોકલ્યો હતો. આમ, ૧૯૨૭થી હું નાગપુર રહી ત્યાંના આશ્રમનું કામ યથાશક્તિ સંભાળવા લાગ્યો.

૧૯૩૬ની આ વાત છે. ધંતોલીના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં હોંશિયાર પણ આર્થિક મુશ્કેલી ધરાવતા વિદ્યાર્થીઓ માટે એ સમયે એક છાત્રાલય શરૂ થઈ ગયું હતું. એક દિવસ મારા ધ્યાનમાં આવ્યું કે, શ્રીઠાકુરના મંદિર સામે એક યુવાન લાંબા સમયથી અન્યમનસ્ક ઊભો હતો. એ કાયદાનું અધ્યયન કરતો હતો. એની આર્થિક સ્થિતિ એકદમ નબળી હતી. મેં એને કહ્યું ‘તારી રહેવા જમવાની સગવડ આશ્રમના છાત્રાલયમાં થઈ જશે.’ એ યુવાન ત્યારથી આશ્રમના છાત્રાલયમાં રહેવા લાગ્યો. આ યુવાનનું નામ હતું શ્રી રઘુવીર ધોંગડી. એક દિવસ આ યુવાનની સાથે જ આશ્રમમાં માધવરાવ ગોળવલકર આવ્યા. માધવરાવને આશ્રમનો આ પહેલવહેલો પરિચય હતો. એ પછી માધવરાવ પોતાના મિત્રો સાથે અવારનવાર આશ્રમમાં આવવા લાગ્યા. એ દિવસોમાં  નાગપુર આશ્રમના અધ્યક્ષ ભાસ્કરેશ્વરાનંદજી ઘણે ભાગે શ્રી વિવેકાનંદ સોસાયટી, કોલકાતા રહેતા હતા. તેઓ જ્યારે નાગપુર હોય ત્યારે શ્રી માધવરાવનો એમની સાથે વાર્તાલાપ થતો રહેતો. જ્યારે તેઓ નાગપુરમાં ન હોય ત્યારે શ્રીમાધવરાવ, શ્રી રઘુવીર ધોંગડી, સાંવળારામ વગેરે મિત્રો મારી સાથે વાતો કરતા. આ વાર્તાલાપ રાત્રે પણ થતો રહેતો. એમાં ક્યારેક બંસરીવાદન, ભજન, સંગીત વગેરે પણ ઉત્સાહપૂર્વક યોજાતાં. ક્યારેક તો રાત્રે બહુ મોડું થઈ જતું. એવે વખતે આ બધા જ મિત્રો આશ્રમમાં જ રાત રોકાઈ જતા. આવું ઘણીવાર બનતું.

ઈ.સ. ૧૯૩૬ની વાત છે. માધવરાવ નિયમિત આશ્રમમાં આવતા રહેતા. આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્ય આત્મોન્નતિની અંતિમ સ્થિતિ અંગે માધવરાવની જિજ્ઞાસા વધી રહી હતી. આ અંગે એમને શ્રદ્ધેય ભાસ્કરેશ્વરાનંદજી સાથે પણ અનેકવાર સત્સંગ થતો રહેતો. ભાસ્કરેશ્વરાનંદજીએ ફેબ્રુઆરી માસની એક બપોરે માધવરાવને મારી પાસે મોકલ્યા. એ વખતે હું મારી કુટિરમાં હિસાબ કરી રહ્યો હતો.

માધવરાવે મને કહ્યું, ‘મહારાજ, સ્વામી ભાસ્કરેશ્વરાનંદજીએ મને તમારી પાસે મોકલ્યો છે. મેં એમને જીવન્મુક્ત મહાપુરુષ અંગે પૂછેલું જે સતત સમાધિમાં રમમાણ રહેતા હોય. એટલે એમણે મને તમારી સાથે વાતચીત કરવા મોકલ્યો છે.’

મેં કહ્યું, ‘ભાઈ મધુ, એ માટે તો તારે બધું જ છોડવું પડે. કીર્તિ, પ્રતિષ્ઠા, ઘરબાર બધું જ. આ માટે શું તું તૈયાર છે?’

તરત જ એમણે સ્પષ્ટ જવાબ આપ્યો. ‘હા, હું બધું જ છોડવા તૈયાર છું.’ પરમશ્રદ્ધેય સ્વામી અખંડાનંદજી મહારાજ (શ્રીબાબા) પાસે માર્ગદર્શન અને દીક્ષા પ્રાપ્તિ અંગે અમારે વિચારવિનિમય થયો. મેં એમને કહ્યું, ‘આ માટે હું સારગાછી કાગળ લખું છું, ત્યાંથી આ અંગે જવાબ આવશે ત્યારે હું જણાવીશ, પણ આ વાત કોઈને કહેવી નહીં.’

પછી મેં આ બાબતે શ્રીબાબાને સારગાછી કાગળ લખ્યો. આ માટે એમની અનુમતિ માગી. આઠ દિવસમાં શ્રીબાબાની અનુમતિ આવી ગઈ. એટલે મધુનું સારગાછી જવાનું નક્કી થવું.

મેં કહ્યું, ‘હવે કોલકાતા કે બેલૂરમાં રોકાયા વગર જલદીથી સારગાછી જતા રહેવું. મધુએ એ જ દિવસે સારગાછી માટે પ્રસ્થાન કર્યું. ત્રણ દિવસ બાદ તો તેઓ ત્યાં પહોંચી ગયા.’

બે મહિના પછી મેં શ્રીમત્‌ બાબાને સારગાછી પત્ર લખ્યો. એમાં મેં પૂછ્યું કે, ‘માધવરાવ સદાશિવરાવ ગોળવલકર કેમ છે?’

શ્રીમત્‌ બાબાએ લખ્યું,‘ગોવલકર ( સ્વામી અખંડાનંદજી શ્રીગુરુજીની અટક હંમેશાં ગોળવલકરને બદલે ગોવલકર જ બોલતા.) મારી સેવા કરે છે. એની તબિયત સારી છે. મેં એને કહ્યું છે કે તું મને ગુરુ બનાવવા મારી પાસે આવ્યો છે, તો મારી બરાબર કસોટી કરી લે. તું મારો શિષ્ય થવા આવ્યો છે, તો હું પણ તને બરાબર ચકાસી લઉં.’

થોડા દિવસ બાદ શ્રીમત્‌ સ્વામી અખંડાનંદજીએ મને એક બીજો પત્ર લખ્યો. એમાં એમણે મને પોતાની પાસે રહી સેવા કરવા નાગપુરથી સારગાછી આવવાનો આદેશ આપ્યો. એ વખતે શ્રીમત્‌ બાબાની તબિયત સારી નહોતી. એટલે એમણે પોતાના નિકટતમ શિષ્યોને ત્યાં બોલાવ્યા હતા. તરત જ હું સારગાછી પહોંચ્યો. ત્યાં પહોંચીને મેં શ્રીમત્‌ બાબાને સાષ્ટાંગ દંડવત્‌ કર્યા. શ્રીમત્‌ બાબા અત્યંત પ્રસન્ન થયા. એ વખતે મધુ એમની પાસે જ હતો. એ પણ પ્રસન્ન હતો.

શ્રીમત્‌ બાબાએ મને કહ્યું, ‘આ જો તારો ગોવલકર બરાબર છે ને?’

મેં કહ્યું, ‘આપની કૃપાથી તે બરાબર જ હશે.’

એ જ દિવસે પાછો સંધ્યાકાળે હું શ્રીમત્‌ બાબાને મળ્યો. એમણે મને આદેશ આપ્યો. ‘નાગપુર જતાં પહેલાં અહીં આશ્રમમાં તું જે કામ કરતો હતો, એ આજથી જ શરૂ કરી દે. એટલે કે શ્રીઠાકુરની પૂજા અને મારી સેવા.’

નાગપુરથી મધુ અહીં આવ્યો ત્યારની અને આજની એની આંતરસ્થિતિમાં મને ખૂબ જ ફેર લાગ્યો. આજે તો એની મુખમુદ્રા મહાસાગર જેવી પ્રશાંત હતી. એનો વ્યવહાર નમ્ર્ર, વિનયી અને મધુર હતો. મને લાગ્યું કે મધુની તપસ્યા સફળ થઈ રહી છે. મધુ સાથે વાતચીત કરતાં મને સમજાયું કે સારગાછી આશ્રમના કઠોર જીવનની એનાં શરીર, મન પર કશી પ્રતિકૂળ અસર પડી નથી. એ અત્યંત પ્રસન્ન છે.

મધુ મને કહેવા લાગ્યો, ‘જો આમ જ ચાલવાનું હોય તો હું આખું જીવન અહીં રહી શકું છું.’

મેં મધુને પૂછ્યું, ‘શું તને દીક્ષા મળી ગઈ છે?’

મધુએ જવાબ આપ્યો, ‘ના, હજુ મળી નથી.’

શ્રીમત્‌ બાબા મધુના પ્રત્યેક વ્યવહારની ઝીણવટથી તપાસ કરી રહ્યા હતા. શિષ્યની કઠોર પરીક્ષા ચાલી રહી હતી. શ્રીમત્‌ બાબા એને એકી આસને કલાકો સુધી બેસવાનું કહેતા. મધુ એમના આદેશનું પાલન કરતો.

ક્યારેક તો મેં પણ એને એ સ્થિતિમાં નિહાળ્યો હતો. મધુને એ દિવસોમાં હિમાલયના પરમ પાવન પરિસરમાં એકાંતવાસ સેવવાની પ્રબળ ઇચ્છા થતી હતી.

મધુ પૂરા ભક્તિભાવથી, દેહભાન ભૂલીને તન્મયતાથી બાબાની સેવા કરતો. રાતના એક દોઢ વાગ્યા સુધી તે ગુરુસેવા કરતો. સવારના ચાર વાગે ગુરુની પહેલાં ઊઠી જતો. ગુરુ જમીન પર ચરણ મૂકે એ પહેલાં જ તે એમની પાદુકા લઈને હાજર રહેતો. શિષ્યની કઠોર પરીક્ષા ચાલી રહી હોય એમ લાગતું હતું. એક દિવસ બાબાએ મધુને બોલાવ્યો. એ જેવો આવ્યો કે બાબાએ એને એક તરફ ઊભા રહેવાનું કહ્યું. આ રીતે કલાકેક પસાર થઈ ગયો. પણ બાબાએ ન તો એને કશું કામ બતાવ્યું કે ન તો એને જવા કહ્યું. મધુ એ જ સ્થાને નિશ્ચલતાથી ઊભો રહ્યો. આ બાબતે મેં શ્રીમત્‌ બાબાનું ધ્યાન દોર્યું. ત્યારે એમણે કહ્યું, ‘હા, મેં જ એને ત્યાં ઊભા રહેવાનું કહ્યું છે.’ આ રીતે શ્રીમત્‌ બાબા એની પરીક્ષા લઈ રહ્યા હતા.

ડિસેમ્બર ૧૯૩૬ની વાત છે. રોજની માફક હું એક દિવસ શ્રીમત્‌ બાબાની સેવા કરવા ‘વિનોદકુટી’ જઈ રહ્યો હતો. એ વખતે મેં જોયું કે મધુ સ્વામી સર્વાનંદજી લિખિત કઠોપનિષદ વાંચી રહ્યો હતો. મેં એને પૂછ્યું, ‘રાત કેવી રીતે પસાર થાય છે? ઊંઘ બરાબર આવે છે કે?’

મધુએ જવાબ આપ્યો, ‘શ્રીમત્‌ બાબાનો આદેશ છે કે રાતે ઊંઘ ઓછી કરી, સાધના કરવી એ વધારે સારું છે.’

આ સાંભળી મને ખૂબ જ આનંદ થયો. શ્રીમત્‌ બાબાના ખંડમાં જઈને હું એમની સેવા કરવા લાગ્યો. એમના પગ દબાવતી વખતે મેં બાબાને પૂછ્યું, ‘મધુ આપની સેવા કેવી રીતે કરે છે?’

શ્રી બાબાએ કહ્યું, ‘મધુની ભક્તિ, કામ કરવાની કુશળતા અને એની શ્રદ્ધા અપૂર્વ છે.’ પછી તેમણે મને પૂછ્યું, ‘અત્યારે ગોવલકર શું કરે છે?’

‘એના ખંડમાં એ કઠોપનિષદ વાંચી રહ્યો હતો.’ મેં કહ્યું.

બાબાએ મને આદેશ આપ્યો. ‘જો તો, અત્યારે એ શું કરે છે? એને અહીં બોલાવ.’ હું મધુની તપાસ કરવા બહાર ગયો. થોડીવાર પછી પાછો બાબા પાસે ગયો ને કહ્યું, ‘અત્યારે મધુ ધ્યાન કરી રહ્યો છે.’

શ્રી બાબાએ એમ છતાં એને બોલાવી લાવવા કહ્યું. હું એને બોલાવવા ગયો. મધુ આવ્યો. બાબાને પ્રણામ કરીને એમની પાસે ઊભો રહ્યો. બાબાએ પૂછ્યું, ‘ગોવલકર, કેમ ચાલે છે?’

‘બાબા, હું મજામાં છું.’ મધુએ ઉત્તર આપ્યો.

એ પછી શ્રીમત્‌ બાબા એને કહેવા લાગ્યા. ‘સેવા કરવી એ બહુ જ અઘરું કામ છે. સેવા કરતી વખતે તું કોઈ વ્યક્તિવિશેષની સેવા કરી રહ્યો છે એમ ન વિચારતો. તારે તારાં સર્વ કર્મો ઈશ્વરને સમર્પિત કરવાં જોઈએ.’

‘सेवाधर्मो परम गहनो योगिनामप्यगम्य:’ – (સેવાધર્મ એકદમ ગહન છે. યોગીઓને માટે પણ તે અગમ્ય છે.) કોઈપણ સેવા હોય – જનસેવા, વ્યક્તિસેવા, આર્તસેવા, સમાજસેવા – સેવા કરતી વખતે આપણી કીર્તિ વધે એ બાબતે ધ્યાન રાખવું નહીં. ‘प्रतिष्ठाशूकरविष्ठा’ એમ કહીને શ્રીગુરુ મહારાજજી (શ્રીરામકૃષ્ણદેવ) અમારી સમક્ષ હાથમાં થૂંકતા હતા. ‘પ્રતિષ્ઠાનો વિચાર કર્યા કરવાથી ભ્રષ્ટ થઈ જવાની શક્યતા રહે છે. આ અંગે તું ચિંતન કર.’

‘તારા જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો સમગ્રભાવે શ્રીરામકૃષ્ણનું ધ્યાન કરજે. મુશ્કેલીના સમયે અસહાયતા ન અનુભવતો. દરેક વખતે શ્રીઠાકુર તારી સાથે જ રહેશે. આ જ છે તારું ધ્યાન, તારી તપસ્યા. શ્રીમા જગદંબાની કૃપાથી તને અપૂર્વ ઉપલબ્ધિ થશે.’

આ બધું હું સાંભળી રહ્યો હતો. મધુ પૂરી એકાગ્રતાથી શ્રીમત્‌ બાબાના આ ઉપદેશામૃતનું પાન કરી રહ્યો હતો. પોતાના જીવનના અમૂલ્ય માર્ગદર્શનરૂપે તે આ ઉપદેશને ગ્રહણ કરી રહ્યો હતો. મનભાવતું ભોજન મળતાં થતા સંતોષ જેવી મધુની મન:સ્થિતિ હતી. પછી શ્રીમત્‌ બાબાએ કહ્યું, ‘જા, હમણાં મેં જે કહ્યું એ અંગે ચિંતન કર.’ 

(ક્રમશ:)

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.