પશ્ચિમમાં મનોવિજ્ઞાનનો એક સ્વતંત્ર જ્ઞાનશાખા તરીકે પ્રારંભ થયા પછી વિજ્ઞાનીઓનું ધ્યાન મન તરફ વધુ વળ્યું. અને થોડા જ વખતમાં ત્યાં મનોવિજ્ઞાને ખૂબ ઝડપથી વિકાસ કર્યો. તે પહેલાંના ભૌતિક વિજ્ઞાનીઓ મનની અને આત્માની કોઈ હસ્તીને સ્વીકારવા જ તૈયાર ન હતા. તેમને મતે મગજના શારીરિક અવયવો – મજ્જાતંત્રની યાંત્રિક નીપજ સિવાય મન જેવું કોઈ દ્રવ્ય હતું જ નહિ. પરન્તુ ગઈ સદીનું મન સંબંધી વિજ્ઞાનીઓનું આવું વલણ આ આધુનિક સદીમાં મોડે મોડે બદલાઈ ગયું. અને તેઓ માનવા લાગ્યા કે જેવી રીતે વિદ્યુત્‌શક્તિનો પ્રવાહ વિદ્યુત્‌વાહક ધાતુના તાર અને અન્ય ઉપકરણો દ્વારા કાર્ય કરે છે તેવી જ રીતે આ શક્તિ મજ્જાતંત્ર આદિ દ્વારા કાર્ય કરે છે. આનો અર્થ એ થયો કે જેમ વિદ્યુત્‌પ્રવાહ અને વિદ્યુત્‌વાહક એ બન્ને અલગ અલગ છે, તેવી જ રીતે મન અને મજ્જાતંત્ર બન્ને અલગ અલગ જ છે. પછી મજ્જાતંત્રની અસર મન પર કે મનની અસર મજ્જાતંત્ર પર પડે છે, એ જુદી વાત છે. વિદ્યુત્‌પ્રવાહ અને વિદ્યુત્‌વાહકની પરસ્પરની પ્રભાવકતા જેવી આ સ્થિતિ છે.

વિલિયમ જેમ્સે આ વિશે પુરાવાઓ એકઠા કરીને મરણ પછી પણ મનની હસ્તી હોવાનું સિદ્ધ કર્યું છે. અને અલગ મનોદ્રવ્ય પ્રમાણ્યું છે. અને એમાંથી સાર્વત્રિકમન (લોગોસ)નો ખ્યાલ ઉત્પન્ન થયો અને ઇંદ્રિય વગરના માનસિક અનુભવોની હસ્તીનો પણ નિખાલસ રીતે સ્વીકાર થયો.

આ પછી તો મન સંબંધી અન્વેષણો ઘોડા વેગે આગળ વધતાં જ રહ્યાં. અને મનોવૈજ્ઞાનિકો ચેતન-સભાન-મનથી ય આગળ અવચેતન-અભાન-મનનું વિશ્લેષણ કરવા સુધી પહોંચી ગયા. વર્તનવાદીઓ અને પ્રતિક્ષિપ્તવાદીઓના અનેક અવરોધોને પણ પાર કરીને તેમના યંત્રવાદી દૃષ્ટિકોણને ઢીલો કરી દઈને એ અન્વેષણો આગળ વધ્યાં.

આ અન્વેષણોના આશ્ચર્યકારક હનુમાનકૂદકો લગાવનારા મનોવૈજ્ઞાનિકોના અગ્રણીઓમાં ફ્રોઈડનું નામ જાણીતું છે. ફ્રોઈડે શોધ્યું કે મનના ત્રણ વિભાગ છે: (૧) ઈડ: એને આપણે અભાનમન, અવચેતન, કે અવમાનસ એવાં નામો આપી શકીએ (૨) ઈગો અર્થાત્ ‘અહં’ એને આપણે સભાનમન, સચેતનમન વગેરે નામે ઓળખી શકીએ. અને (૩) સુપર ઈગો અને અહમીશ મન કે અંતરાત્મા-અંતરનાદ તરીકે પિછાણી શકીએ.

આ ત્રણ વિભાગોમાં ‘ઈગો’ કે અવચેતન મન તદ્દન અજ્ઞાત રીતે કામ કરે છે આ આંતરમનમાં શું છે, અને તે કઈ રીતે કામ કરે છે, વગેરે વિશે આપણે કશું જાણતા નથી. પણ જાગ્રત અવસ્થાની ક્રિયાઓનાં મૂળ આ અવમાનસમાં પડેલાં હોય છે, પણ આપણને એની ખબર પડતી નથી. તેમ છતાં બાળકો તેમજ મોટેરાંઓની સર્વ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓનું મૂળ આ અવચેતન મન જ હોય છે એટલું ચોક્કસ છે કે આ અવમાનસ અત્યંત ક્રિયાશીલ હોય છે. અને સુખપ્રાપ્તિ અને આનંદલાભના સિદ્ધાન્ત પર કામ કરે છે. તે કોઈ બુદ્ધિગમ્ય કે તર્કપૂત વિચાર કરતું નથી, પણ ગમે તેવી રીતે ફાવતા વિચારો કરતું રહે છે.

મનનો બીજો ભાગ ઈગો-અહં-નો છે. આ ભાગ કેટલેક અંશે સભાન રીતે અને કેટલેક અંશે અભાન રીતે કામ કરે છે. આ અહં વાસ્તવિક જગતની આવશ્યક્તા – સામાજિક રીતરિવાજો, ધાર્મિક માન્યતાઓ વગેરે અનુસાર વર્તે છે. માણસના જન્મ વખતે તો તેનામાં કેવળ અવમાનસની જ હસ્તી હોય છે, પણ થોડા સમયમાં જ વ્યવહારિક વાસ્તવિક જગતના શિક્ષણથી અને સંઘર્ષથી એનામાં સચેતન મન-અહં-નો ઉદ્‌ભવ થાય છે. બૌદ્ધિક અને તાર્કિક રીતે વિચાર કરવાનો અહંનો સ્વભાવ છે. આમ અવચેતન અને સચેતન મનનો સ્વભાવ પરસ્પર વિરોધી છે.

મનનો ત્રીજો ભાગ ‘સુપર ઈગો’ અંતરનાદ છે. અવચેતન અને સચેતન મનના પરસ્પર વિરોધી સ્વભાવને કારણે એ બન્ને વચ્ચે થતી રહેતી અનવરત અથડામણ વખતે યોગ્યતા – અયોગ્યતાની વિધિ તે કરે છે. સુપર ઈગોને માટે આપણે ‘અહમીશ’ અથવા ‘અંતરનાદ’ એવા શબ્દો ઘડી શકીએ. અહમીશ કે અંતરનાદ સાથે ઈડની—આંતરમનની સતત અથડામણ થયા કરે છે. ઈગો-‘અહં’ હંમેશાં જો કે ઈડની – આંતરમનની અબૌદ્ધિક અને અતાર્કિક સુખાકાંક્ષી અને આનંદલક્ષી ઇચ્છાઓને ખાળવા પ્રયત્ન તો કરે છે, પણ ઘણી વખત ઈડની – અવચેતનની એવી ઇચ્છાઓને ખાળવાનું કામ ઈગો – અહં માટે મુશ્કેલ બની જાય છે. એવે વખતે તે આ સુપરઈગો – અહમીશની મદદ લે છે. એવે વખતે ‘સારા સારવિવેક’ અને ‘યોગ્યાયોગ્ય’ની વિભાવના દ્વારા આ સુપર ઈગો – અંતરનાદ – અંતરાત્મા વ્યક્તિની મદદે આવે છે અને સુપર ઈગોની એવી સહાય મળતાં આ ઈગો – અહં – પેલા ઈડના – અવચેતનના બેહૂદા પ્રવાહને ખાળી શકે છે. સુપર ઈગો કે અંતરાત્માના ઘડતરમાં ઉછેર, પરંપરાગત અને પારિવારિક માન્યતાઓ, શિક્ષાદીક્ષા, ધર્મસિદ્ધાન્તો વગેરે ભાગ ભજવે છે. આ સુપરઈગો – અંતરાત્મા રૂઢિચુસ્ત અને જૂનવાણી હોય છે. કેટલીક વખત એને તાબે થવાનું ઈગો-અહંને પણ મુશ્કેલ લાગે છે. આ અહમીશ (અંતરાત્મા) પણ અહંની માફક કેટલેક અંશે અજ્ઞાત રીતે વર્તે છે. ઈડ અને સુપરઈગોનું – અવમાનસ અને અંતરાત્માનું – સંઘર્ષણ માનસિક અથડામણ અને અસ્વસ્થતાનું કારણ હોય છે. અવચેતન મનની વૃત્તિઓ ઉપર સુપર ઈગો-અંતરાત્મા-નો ચોકી પહેરો હોય છે. ઈડ કે અવમાનસની જે વૃત્તિઓને સુપરઈગો કે અંતરાત્મા સ્વીકારતો નથી તે અવમાનસમાં (ઈડમાં) પાછી જાય છે અને ત્યાં દબાઈને રહે છે. દબાયેલી છતાં આ ઇચ્છાઓ ઘણી પ્રબળ હોય છે. અહં (ઈગો) આ ઇચ્છાઓ-વૃત્તિઓનું અસ્તિત્વ ભૂલી જાય છે. પણ એ ઇચ્છાઓ – વૃત્તિઓ તો પોતાને વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યા જ કરે છે. અને એ માટે તે અવનવા સ્વાંગ ધરે છે. દબાયેલી ઇચ્છાવૃત્તિઓના રૂપાન્તરણને ‘ગ્રંથિ’ એવું નામ અપાયું છે. અને આ ગ્રંથિઓ અનેક માનસિક રોગોનું મૂળ હોય છે.

ઈડ, ઈગો અને સુપરઈગોની પરસ્પર અથડામણને લીધે સ્મૃતિ, જીહ્‌વા, શ્રૃતિ, લેખન, વાચન વગેરેના દોષો થાય છે અને એ જ પૂર્વોક્ત અથડામણ ઉન્માદ, ચિત્તભ્રમ, હિસ્ટીરિયા, નિષ્કારણ ભય, વગેરે વિકૃત વર્તનો માટે જવાબદાર હોય છે.

ફ્રોઈડે આ અદ્‌ભુત અને યુગાન્તકારી સંશોધન કર્યું. એની રૂપકાત્મક સમજૂતી આપતાં ઈડ-અવમાનસને ઘણી વખત સાગરમાં તરતા બરફના પહાડ સાથે સરખાવવામાં આવે છે. દરિયામાં તરતા બરફના પહાડનો ઉપરનો જે ભાગ આપણે જોઈ શકીએ છીએ એને જ્ઞાતમન- અહં – સાથે સરખાવી શકાય. પણ આ સપાટી પરના જોઈ શકાતા ભાગ કરતાં સાત ગણો મોટો ભાગ તો દરિયાનાં પાણીમાં અદૃશ્ય હોય છે. એને ઈડ કે અવમાનસ સાથે સરખાવી શકાય. અથવા શ્રી સી.ઈ.એમ. જોડનું આપેલ દૃષ્ટાન્ત લઈ સમજીએ તો બે માળના એક મકાનના બન્ને માળે બે જુદાં જુદાં કુટુંબો રહે છે. ભોંયતળિયે રહેલું એક કુટુંબ અસભ્ય, જંગલી અને સ્વચ્છંદી છે. અને ઉપલે માળે રહેતા સભ્ય, સંસ્કારી, સુઘડ પાડોશી કુટુંબની કશી પરવા કરતું નથી. આમાં ભોંયતળિયાંનું કુટુંબ અવમાનસ (ઈડ) જેવું છે અને ઉપલા માળનું શિષ્ટ કુટુંબ ઈગો – અહં જેવું છે.

વ્યક્તિના માનસિક રોગો મટાડવા માટે ફ્રોઈડનું આ સંશોધન ખૂબ ઉપકારક નીવડ્યું અને એણે એ માટે મનોવિશ્લેષણની પદ્ધતિઓને જન્મ આપ્યો. અને એ દ્વારા માનસિક રોગોનો ઈલાજ પણ થવા લાગ્યો છે. એમાં દરદીનાં સ્વપ્નાં ય સહાયક બન્યાં છે. આ સ્વપ્નોનું રહસ્ય ઉકેલવા ફ્રોઈડે પદ્ધતિ શોધી. એને મતે મનની દબાયેલી ઇચ્છા-વૃત્તિ એ સ્વપ્નના અવનવા સ્વાંગમાં તૃપ્તિ માગે છે. પેલા સુપરઈગોને કારણે એમને એવો સ્વપ્નસ્વાંગ ધરવો પડે છે. આ વૃત્તિનું ખરું રૂપ પકડાય તો તજજન્ય રોગ મટાડી શકાય. એટલે વ્યક્તિના ઈડ-અવચેતન મનમાં દબાયેલી પડેલી, વ્યક્તિના સ્વાસ્થ્યને હરી લેતી અને વિકૃત ક્રિયાઓ કરાવતી ઇચ્છાવૃત્તિઓને ઓળખી લઈને માનસિક રોગો મટાડવાનું કાર્ય એટલે જ મનોવિશ્લેષણ. આ કામ ખૂબ જ કપરું છે છતાં જબરદસ્ત પુરુષાર્થ કરીને ફ્રોઈડ, હ્યુંગ, એડલર વગેરેએ ભગીરથ પ્રયત્નો કર્યા છે.

ફ્રોઈડ, હ્યુંગ, એડલર વગેરેની શોધો સાથે ભારતના મનો—મીમાંસકોની સરખામણી કરવાની લાલચ અહીં અધવચ્ચે પણ રોકી શકાતી નથી. ભારતના મનોવિદો આ અવમાનસની બાબતમાં ફ્રોઈડ વગેરે સાથે સહમત થાય છે અને અવમાનસને તેઓ ‘સંસ્કાર’ એવું નામ આપે છે. પરન્તુ ફ્રોઈડ—એડલરે માનવીય પ્રવૃત્તિઓના એકમાત્ર મુખ્ય પ્રેરક બળ તરીકે જાતીયવૃત્તિ અને આત્મપ્રભુત્વની વૃત્તિ જ જે માની છે, એને ભારતના મનોવિદો સ્વીકારતા નથી. તેઓ તો માનવીય પ્રવૃત્તિના મુખ્ય પ્રેરકબળ તરીકે પરમાનંદની પ્રાપ્તિની ઝંખનાને માને છે. તેમને મન આ મુક્તિની—દુ:ખમયના અભિઘાત માટેનો ઉપાય શોધવાની ઝંખના જ મનની પ્રવૃત્તિઓનું મુખ્ય બળ—ઈરણ— છે. અને એ અનેક સદ્દવૃત્તિઓના ઘટકવાળું છે.

પશ્ચિમની મનોમીમાંસાની વાત કરતાં ભારતના આ વલણનો અધવચ્ચે જ ઉલ્લેખ કરી દેવાનું કારણ એ છે કે આ બાબતમાં પશ્ચિમના કેટલાક મનોવૈજ્ઞાનિકોનો પણ ભારતના આ વલણને ટેકો છે! ફ્રોઈડે સ્વીકારેલી માનવપ્રવૃત્તિના એકમાત્ર ઈરણરૂપ જાતીય વૃત્તિ અને આત્મ પ્રભુત્વની વૃત્તિની નિષ્ફળતા બતાવતાં વિલિયમ બ્રાઉને એનું જોરદાર અને સપ્રમાણ ખંડન કર્યું છે. આમ તેઓ ભારતીય મનોવિદોની વધુ નજીક આવતા જણાય છે અને પ્રવૃત્તિના પ્રેરકબળ તરીકે એક કરતાં વધુ ઈરણો—વૃત્તિઓ સ્વીકારતા જણાય છે. જો કે ફ્રોઈડે પાછળથી જાતીયવૃત્તિ અને આત્મ પ્રભુત્વની વૃત્તિઓને બદલે જિજીવિષા અને મુમુર્ષાનો સ્વીકાર કર્યો હતો. પરન્તુ દેખીતી રીતે પરસ્પર વિરોધી આ બે સહજ વૃત્તિઓ જીવનમાં એકી સાથે વણાઈ શકે નહિ અને આવી કલ્પનાઓ સાથે ભારતીય મનોમીમાંસકો સહમત થતા નથી. ફ્રોઈડનું આ વિધાન મનોવિકૃત્તિવાળા લોકોના મનોવિશ્લેષણ પરથી તારવેલું હોવાથી સામાન્ય (Normal) મનવાળા બધાને લાગુ ન જ પાડી શકાય. ધાર્મિક ત્યાગભાવનામાં મુમુર્ષાને જોવી એ તો સાવ અતાર્કિક અને છીછરો ખ્યાલ જ ગણાય. ધર્મનો મર્મ અને સંસ્કૃતિનું સારતત્ત્વ પૂર્વગ્રહ વગર સમજનારને ફ્રોઈડનાં આ વિધાનો અવશ્ય અનુચિત લાગશે. ભારતના મનોવિદો તો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે માનવ મનમાં શાશ્વત સુખ અને અનન્ત અસ્તિત્વ-મોક્ષ-ની ઝંખના પડી છે. સ્પિનઝાનો પણ એમાં ટેકો છે. તેમને મતે શાશ્વત સુખ અને આનંદની શોધ જ માનવીય ચેતન-અચેતન પ્રવૃત્તિઓનું એકમાત્ર સાચું ઈરણ છે. ફ્રોઈડની માન્યતા તો જગતના ભાવિને જ અંધકારમય બનાવે છે. મેગ્ડુગન વગેરે પણ ફ્રોઈડના આ મતને માનતા નથી છતાં તેઓ કોઈ એક પ્રેરકબળને નક્કી કરી શકતા નથી.

પશ્ચિમી મનોવિજ્ઞાનીઓમાં અત્યારે એક બાજુ ફ્રોઈડ વગેરેની પદ્ધતિએ ચેતન—અવચેતન મનની દરેક પ્રવૃત્તિની પાછળનો કોઈ ને કોઈ હેતુ હોવાનું સ્વીકાર થયો છે. વળી બીજી બાજુ એના પ્રખર ટીકાકારો વોટસન વગેરે વર્તનવાદીઓ પોતાના યાંત્રિક ખ્યાલથી કોઈપણ ચેતનાની—ઈશ્વરની પણ—હસ્તી સ્વીકારવા તૈયાર નથી! પશ્ચિમમાં આ ક્ષેત્રે આ પ્રવર્તમાન સંઘર્ષમાં ભારતીય ચિન્તકો મનોદ્રવ્યને જ કેન્દ્રમાં રાખી અભ્યાસ કરવાના જ પક્ષમાં છે, અને મનનો યંત્રમાત્ર રૂપે સ્વીકાર કરતા નથી. વર્તનવાદીઓ મનોવિકૃતિની શરીર પર થતી અસરો સમ્બન્ધી અનેક પ્રશ્નોની સમજૂતી આપી શકતા નથી એવો મનોવાદીઓનો આક્ષેપ છે. વળી, અયાંત્રિક સ્વતંત્ર મનોદ્રવ્યના સ્વીકારમાં અતીન્દ્રિય પ્રત્યક્ષની સમજૂતી આપવાનો જે અવકાશ રહેલો છે, તે આ વર્તનવાદીઓના યાંત્રિક ખ્યાલમાં બિલ્કુલ રહેતો નથી. પ્રેમ, સહાનુભૂતિ જેવા ઉચ્ચતર માનસિક ગુણોને તો આ યાંત્રિક વર્તનવાદ કેમ સમજાવી શકે?

આ ફ્રોઈડ, વોટસન વગેરેના સંપ્રદાયો ઉપરાંત પશ્ચિમમાં મેગ્ડુગલ અને સમગ્રતાવાદીઓના, ક્રિયાવાદીઓના, વ્યવહારવાદીઓના વગેરે અનેક પ્રકારના સંપ્રદાયો અને પેટાસંપ્રદાયો પ્રવર્તમાન છે. વર્તનવાદ અને ક્રિયાવાદની કેટલીક મર્યાદાઓથી બચવા મેગ્ડુગલે મનમાં જન્મજાત સહજવૃત્તિઓ હોવાની વાત કરી. આમ છતાં માનવ અનુભવોની સમગ્ર સમજણમાં તે ઊણા ઊતરે છે. સમગ્રતાવાદીઓનું પણ એવું જ છે.

 અમેરિકામાં ક્રિયાવાદનો સંપ્રદાય વધુ વિકસ્યો છે. ચેતનાને કેવળ યાંત્રિક જ માનતો આ વાદ વિલિયમ જેમ્સે સ્થાપ્યો ગણાય છે. ડ્યુઈ વગેરેએ લોભેલાભે એને ટેકો આપ્યો. પરિણામે બાહ્ય—વસ્તુલક્ષી વ્યવહારાભિવ્યક્તિ દ્વારા મનોમાપનની વાત ચાલુ થઈ. અને એણે ઊભી કરેલી બુદ્ધિમાપન કસોટીઓમાં મનની વ્યક્તિલક્ષી બાજુ તો સાવ કોરાણે જ મૂકાઈ ગઈ! આને તો પ્રતિક્ષિપ્ત ક્રિયાનું ચેષ્ટાકીય પાસું જ કહી શકાય. આ શોધ અમેરિકન જીવનદૃષ્ટિનો જાણે કે પડઘો પાડે છે.

વળી ભારતના મનોવૈજ્ઞાનિકોનો ઉલ્લેખ કરીએ કે ભારતીય મનોમીમાંસાઓનો ઝોક ઉપરની અમેરિકન બાબતથી સાવ જુદો છે. ભારતમાં વ્યક્તિના વિચારજીવન અને વિચારપ્રણાલીની વિશિષ્ટ વ્યક્તિલક્ષી ભાતને ભારે મહત્ત્વ આપવામાં આવે છે. આવા ભારતીય ઉછેરના પડઘા ભારતીય મનોવિજ્ઞાન પર પડ્યા જ છે. ભારતના રાષ્ટ્રીય જીવનમાં આધ્યાત્મિક વિચાર સૌથી પ્રબળ પ્રેરક બળ છે. આ ભારતીય વાતને પ્રો. ઓલપોર્ટનો ટેકો છે. ભારતીય મનોવિજ્ઞાનના સર્વ ચિન્તકો એકાગ્રતા અને ધ્યાનથી જન્ય માનસિક અખંડિતતાને લીધે પૂર્ણ પ્રકાશમય બનેલું મન જ મનની ઉચ્ચતમ અભિવ્યક્તિ છે તેમ માને છે. આવી ઉપલબ્ધિ માટે મનને સુગ્રથિત કરવું જોઈએ. વ્યક્તિત્વની આ સુગ્રથિતતા અને સંવાદિતા જ મનને મહાન બનાવે છે, બૌદ્ધિક ચાલાકી કે ચપળતા નહિ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય— એવી મનની ભારતે સ્વીકારેલી ચાર અવસ્થાઓમાં સુષુપ્તિ અને સ્વપ્નનો સમાવેશ અવચેતન મનમાં કર્યો છે આ ચાર અવસ્થાઓને પશ્ચિમની પરિભાષામાં અવચેતન, ચેતન અને પરચેતનમાં રજૂ કરી શકાય. પણ પશ્ચિમના મનોવિજ્ઞાનીઓ આ પરચેતનને માનતા નથી કદાચ રોગનિદાનલક્ષી તરીકે એને માંડ માંડ ગણતરીમાં લે, એવું બને. આમ છતાં, વિલિયમ જેમ્સે પરચેતનની અભિવ્યક્તિનો અભ્યાસ કર્યો અને આ પેરાસાયકોલોજી અંગે મ્યુલર ફેઈન ફેઈલ્સે મન:સંક્રમણ વિશે કેટલુંક દિશા—સૂચન કર્યું. રુહાઈને પણ અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણનો વિશેષ અભ્યાસ કર્યો. ઇંદ્રિયો અને મજ્જાતંત્રની મદદ વગર સ્વતંત્રપણે પ્રત્યક્ષ થતા માનસિક અનુભવોને તેઓ વૈજ્ઞાનિક રીતે પ્રમાણવા માગતા હતા. પણ ભારતીય મનોવિદોને મતે આ અતીન્દ્રિય કે મન:સંક્રમણની શક્તિઓની અભિવ્યક્તિ જ કંઈ પેલી તુરીય અવસ્થા—પરચેતનાની અવસ્થા કે સમાધિ અવસ્થા નથી જ. ઊલટું એવી શક્તિઓનો પ્રયોગ તો પરચેતનાની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ ગણાયો છે. એવી સિદ્ધિઓની પ્રાપ્તિ માટેના ઉપાયો બતાવતા હોવા છતાં પતંજલિ પણ આ ચેતવણી તો આપે જ છે. સાચી આધ્યાત્મિક્તાના સર્વ ઉપદેશકો એમાં સાખ પુરાવે છે. કેટલીક વાર આધ્યાત્મિક સાધના દરમ્યાન સાવ અનાયાસે અને અજાણપણે પ્રાપ્ત થઈ જતી આવી સિદ્ધિઓથી સત્ય શોધકે ચેતવું જ રહ્યું.

ભારતના મનોવિદો ખંડિત મનને બદલે અખંડ મનના અભ્યાસમાં રસ ધરાવે છે. પશ્ચિમના મનને ખંડિત કરીને હરેક પાસાના અલગ અલગ અભ્યાસ કરવાના વલણની ટીકા કરતાં પ્રો. હોકિંગે એને મન નહિ પણ મનના પર્યાયો કે ‘મન: સમીપ’ એવું નામ આપ્યું છે. કારણ કે બોધ—ઇચ્છા—ક્રિયા વગેરે માનસિક શક્તિઓનો અલગ અલગ વિચાર થઈ જ શકતો નથી. એ તાણાવાણાની પેઠે સંકલિત અને અખંડ ને અવિભાજ્ય જ છે. ચેતનાતીતતાને જ મનની ચરમ વિકસિત અવસ્થા માનતા ભારતીય મનોવૈજ્ઞાનિકો અવમાનસની (સંસ્કારોની) ઉપેક્ષા કરતા નથી. તેમનું કહેવું માત્ર એટલું જ છે કે ચેતન—અવચેતનને સુગ્રથિત કર્યા વગર કેવળ અચેતનનો અલગ અભ્યાસ જોખમકારક છે. મનની સુગ્રથિતતા, સંવાદિતા જ વ્યક્તિત્વના વિકાસને—ભારતના અભીષ્ટ હેતુને—સાધી શકે છે.

અહીં સુધી આપણે પશ્ચિમની મનોમીમાંસા વર્ણવી. અને એમ કરતાં કરતાં ભારતીય મનોવિજ્ઞાનના સંદર્ભમાં એની મૂલવણી કરી અને ભારતીય ચિન્તને એની કઈ વાતમાં પોતાનો સૂર પુરાવ્યો છે અને કઈ વાતમાં અસંમતિ દર્શાવી છે તે પણ અધવચ્ચે આપણે જોતા આવ્યા છીએ. હવે આ રીતે ભારતની મનોમીમાંસાને વર્ણવીશું. અહીં સૌ પ્રથમ એટલું સ્પષ્ટ જણાવવું જોઈએ કે પશ્ચિમમાં જે રીતે મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે સ્વીકાર અને વિકાસ થયો, તે રીતે ભારતમાં કદીય થયો નથી. પણ એનો અર્થ એવો કદાપિ નથી કે ભારતમાં મન સંબંધી વિચાર જ થયો નથી! ભારતમાં મનોવિજ્ઞાન પૂર્ણ રીતે અવશ્ય વિકસ્યું છે. ઠેઠ પ્રાગૈતિહાસિક કાળથી, સંસ્કૃતિના ઉષ:કાળથી ભારતમાં વિવિધ કલા અને વિજ્ઞાન વિકસતાં રહ્યાં છે. વૈદિક મંત્રોમાં એનાં પ્રશંસાત્મક બીજ પડ્યાં છે. મનના સ્વરૂપ અને કાર્યનું વર્ણન ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રોમાં છે. પછી ધીરે ધીરે ઉત્તરોત્તર એ વેદોની પાયાની વિભાવનાઓએ એક ચોક્કસરૂપ પકડ્યું. અને માનવમનને માનવ વ્યક્તિમાં અને તત્ત્વજ્ઞાનની વિભાવનાઓમાં સમુચિત સ્થાન સાંપડ્યું, એ તત્કાલિન ઉપનિષદોમાં સમાવિષ્ટ છે. પરન્તુ, મનની સુસ્પષ્ટ વિભાવના તો ત્યાર પછીનાં વિકાસ પામેલાં ભારતીય દર્શનોમાં જ મળે છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, પાતંજલ, વેદાન્ત, જૈન, બૌદ્ધ વગેરે દર્શનોમાં એ વિચારણા એને યોગ્ય સ્થળે કરી છે, એમાં પતંજલિનું મનોવિજ્ઞાન મોખરે છે. પણ પતંજલિના સમય પહેલાં ઈ.સ. પૂર્વે લગભગ ૧૫૦માં ભારતમાં થઈ ગયેલા ઉપર્યુક્ત અસંખ્ય મનોવૈજ્ઞાનિકોનું મહત્ત્વ ઓછું નથી — ઉપનિષદો, ગીતા અને સાંખ્યનું વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન તેમજ મનને પૂર્ણ પ્રબુદ્ધ અને શક્તિશાળી બનાવવા બૌદ્ધોએ બતાવેલી પદ્ધતિઓનું ઓછું મહત્ત્વ નથી. ત્યાર પછી પતંજલિએ મુખ્યત: સાંખ્યની વિભાવનાઓને સ્વીકારીને યોગના મનોવિજ્ઞાનનો એક વ્યવસ્થિતિ ગ્રન્થ આપ્યો. ધાર્મિક રજૂઆત દરમ્યાન આનુષંગિક રીતે મનોવિજ્ઞાનનો વિકાસ કરતાં ભારતે આ રીતે અખંડ મનની સંવાદિતા અને સુગ્રથિતતાની સાધના દ્વારા પરચેતનાની પશ્ચિમે ઉવેખેલી અવસ્થાની ઉપલબ્ધિ કરી. પરચેતનાની પ્રાપ્તિ જ પતંજલિના મનોવિજ્ઞાનનું લક્ષ્ય છે. એકાગ્રતા અને ધ્યાન એના ઉપાય છે.

મનોવિજ્ઞાનના આ પરમ લક્ષ્ય સુધી પહોંચતાં પહોંચતાં ભારતીય મનોવિદોને ઘણા વિચાર તબક્કાઓ અને વિભાવનાઓમાંથી પસાર થવું પડ્યું છે. એમાંની મુખ્ય વિચારધારાઓને આ ત્રણ વર્ગમાં વહેંચી શકાય :

પ્રાચીન ભારતમાં મનોવિજ્ઞાનીઓ કે તત્ત્વજ્ઞાનીઓનો એક વર્ગ એમ માનતો કે મન કે મનસ્ એ જ્ઞાન ઉત્પન્ન કરવા માટે આત્મા અને જ્ઞાનેન્દ્રિયોને જોડતી એક કડી જેવું, અણુ પરિમાણવાળું એક યાંત્રિક કરણ કે સાધન છે (અન્ત:કરણ). તેમને મતે મન ભીતર રહેલું અતિસૂક્ષ્મ અને પંચમહાભૂતમાંથી ન બનેલું હોવા છતાં પણ એક જડ દ્રવ્ય છે. આ મનને પંચમહાભૂતમાં હોય છે તેવા કોઈ ગુણ હોતા નથી કે સુખદુ:ખાદિ જેવા આત્મગુણો પણ હોતા નથી. આ આત્મગુણો તો મન અને આત્માના સંયોગથી આત્મામાં ઉત્પન્ન થાય છે.

બધા જ અમર આત્માઓની સાથે એક એક સહાયક અમર મન હોય છે. ન્યાય—વૈશેષિકો, પૂર્વમીમાંસકો અને બીજા કેટલાક દાર્શનિક સંપ્રદાયો આ પહેલા વર્ગમાં—જૂથમાં—આવે છે. આ ખ્યાલને ‘મનનો યાંત્રિક અભિગમ’ એવે નામે ઓળખી શકાય.

બીજો વર્ગ—બીજું જૂથ માને છે કે મન એ મીણ જેવું પોચું, વાળ્યું વળે તેવું— ઇચ્છિત આકાર આપી શકાય તેવું તેમજ પારદર્શી સ્વરૂપનું દ્રવ્ય છે અને એનું પરિમાણ મધ્યમ છે. એ મીણ જેવું વાળ્યું વળે તેવું અભીષ્ટ આકાર આપી શકાય તેવું હોવાને કારણે જે વિષયનો એને સંપર્ક થાય, તે વિષયનો આકાર તે ધારણ કરી લે છે. આ રીતે તે અનેકાનેક સ્વરૂપો ધારણ કરે છે. સંબદ્ધ વિષયોના કદ પ્રમાણે તે સંકોચ—વિકાસ પણ પામ્યા કરે છે અને પારદર્શી હોવાથી તે સંબદ્ધ વિષયનો આકાર પણ ધારણ કરે છે. અને વિષયરહિત એવું મન વિષયના ગુણો પણ ધારણ કરી લે છે.

મન સ્વભાવે જડ હોવા છતાં ચેતન જ્ઞાતા જેવું, બધું જાણવાની ક્ષમતાવાળું અને ક્રિયાશીલ જણાય છે, એનું કારણ એનું આત્મા—ચૈતન્ય સાથેનું જોડાણ છે. (તસ્મા ત્તત્સંયોગાદચેતનં ચેતનવદિવ લિંગમ્—સાંખ્યકારિક—૨૦) સત્ત્વગુણની નીપજ હોવાથી પારદર્શી સ્વભાવનું મન સમીપસ્થ મૂળ વિશુદ્ધ ચૈતન્યનો આભાસ ગ્રહણ કરે છે. આ મન સત્ત્વ, રજસ્ અને તમસ્ નામની પણ શક્તિઓનું બનેલું છે અને આ ‘ગુણ’ નામની શક્તિઓ અનુક્રમે, બોધ, પ્રવૃત્તિ અને જાડ્યને પ્રકટ કરે છે. સત્‌ને પામવાનો મનનો મુખ્ય ઝોક એની સત્ત્વ ગુણમાંથી થયેલી ઉત્પત્તિને આભારી છે (તત્ત્વપ્રકાશકો હિ ધિયો સ્વભાવ:)

મન:સ્વરૂપની વિભાવનાના આ બીજા જૂથમાં સાંખ્યો, પાતંજલો, વેદાન્તીઓ અને બીજા કેટલાક દાર્શનિકો આવે છે. સમગ્ર મનને માટે આ જૂથનો પારિભાષિક શબ્દ અંત:કરણ છે અને એમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ ચારેયનો સમાવેશ તેનાં સર્વલક્ષણો સાથે સામૂહિક રીતે થાય છે. મનનો સમગ્રતયા કે આંશિક રીતે ઉલ્લેખ કરવામાં ઉપનિષદ પણ આવા શબ્દો સામાન્ય રીતે અવારનવાર વાપરે છે. બીજા જૂથની આ વિભાવનાને ‘માનસિક દૃષ્ટિકોણ’ કહી શકાય.

પ્રમાણમાં ઓછું જાણીતું એક ત્રીજું જૂથ પણ છે, ચિંતકોમાં ઓછી પસંદગી પામેલા આ જૂથમાં શાક્ત આગમો, યોગવસિષ્ઠનું તત્ત્વજ્ઞાન, પ્રત્યભિજ્ઞા, શૈવ દર્શન અને કેટલાક બીજા ચિંતકોનો સમાવેશ થાય છે. આ ત્રીજા જૂથમાં પણ ‘મન’ માટે બીજા જૂથનો પારિભાષિક ‘અંત:કરણ’ શબ્દ એ જ અર્થ સાથે વપરાયો છે, એ ધ્યાન રાખવું. એમને મતે સ્વયં વિશુદ્ધ ચૈતન્ય જ પોતાની -અપરિમેય, અજેય સ્વાતંત્ર્ય શક્તિ દ્વારા પોતાનો મર્યાદિત મન રૂપે આવિર્ભાવ કરે છે! એટલે મન સ્વયં શુદ્ધ ચૈતન્યરૂપ જ છે. (જુઓ ત્રિપુરા રહસ્ય તંત્ર, ૧૮-૧૧૭). એ ચૈતન્યનું જ સીમિત અવતરણ છે. ત્રીજા જૂથની આ વિભાવનાને મનના આધ્યાત્મિક દૃષ્ટિકોણ તરીકે ઓળખી શકાય. (ક્રમશ:)

Total Views: 407

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.