એક જ પૂર્ણ ૫૨માત્મા તત્ત્વ સમસ્ત બ્રહ્માંડમાં વિલસી રહ્યું છે એવા નિરપેક્ષ એકેશ્વ૨વાદનું સુયોગ્ય અર્થઘટન ક૨વું હોય તો મ૨મી થઈ જાઓ, ૨હસ્યવાદી બની જાઓ. ચિત્તની રહસ્યવાદી અવસ્થાઓ જે ઇતિહાસે જુદીજુદી યાત્રાઓમાં ૫૨ખાવી છે તે, બધા દાખલાઓમાં નહીં તો મોટા ભાગના દાખલાઓમાં, એકેશ્વ૨વાદી વિચારધારા તરફ વળેલી હોય છે… આ સઘળી એકેશ્વરવાદી વિચારધારાઓના શિ૨મો૨ સમી વિચારધારા તે હિન્દુસ્તાનની વેદાન્તની ફિલસૂફી છે. એ વેદાન્તને વરેલા ધર્મપ્રચારકોના શિરોમણિ તે દિવંગત સ્વામી વિવેકાનંદ છે. જેઓ થોડાંક વર્ષો ઉપ૨ આપણા દેશમાં આવી ગયા હતા. વેદાન્તની પરિપાટી તે રહસ્યવાદી પરિપાટી છે એમાં તર્ક દોડાવવાનો નથી હોતો; પણ અમુક પ્રકારની સાધનાને અંતે તમે આરપાર જોઇ શકો છો, અને જોયા પછી તમે સત્ય વર્ણવી શકો છો. આ રીતે વિવેકાનંદે અહીં આપેલાં વ્યાખ્યાનો પૈકી એક વ્યાખ્યાનમાં સત્યનું નિરૂપણ કર્યું હતું:
* જે આ વિશ્વમાં એકત્વને અનુભવે છે, જીવનની અખંડતાને, વસ્તુ માત્રની એકતાને અનુભવે છે તેને માટે કશો પણ દુઃખાનુભવ ક્યાંથી હોય?… આ મનુષ્ય અને મનુષ્ય વચ્ચેની જુદાઈ, પુરુષ અને સ્ત્રી વચ્ચેની જુદાઈ, માણસ અને બાળક વચ્ચેની જુદાઈ, રાષ્ટ્ર અને રાષ્ટ્ર વચ્ચેની, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેની, ચંદ્ર અને સૂર્ય વચ્ચેની, અણુ અને અણુ વચ્ચેની જુદાઈ એ જ તો સર્વ દુઃખનું મૂળ છે. પણ વેદાન્ત કહે છે કે આવો કોઇ ભેદ છે જ નહીં, જુદાઈ વાસ્તવિક નથી, એ તો ખાલી ઉપલક ખ્યાલ છે, સપાટી પ૨ની જુદાઈ છે. વસ્તુ માત્રના હાર્દમાં એકત્વ જ ટકી રહ્યું છે. જો અંદર ઊતરીને જોઈશું તો માણસ અને માણસ વચ્ચેની, સ્ત્રીઓ અને બાળકો વચ્ચેની, એક પ્રજા અને બીજી પ્રજા વચ્ચેની, ઊંચા અને નીચા વચ્ચેની, શ્રીમંત અને ગરીબ વચ્ચેની, દેવો અને મનુષ્ય વચ્ચેની એકતા જ પ્રતીત થશે; સઘળું એકરૂપ છે, મનુષ્યો અને પ્રાણીઓ પણ એક છે. જો ખાસ્સા ઊંડા ઊતરીને જોઈશું તો, જે એકત્વની દશાએ પહોંચ્યો છે તેને કોઈ ભ્રમ પીડતો નથી… શા માટે એને ભ્રમ નડે? શું એને માયાજાળમાં ફસાવે? વસ્તુ માત્રની વાસ્તવિકતાને, વસ્તુમાત્રના રહસ્યને એણે પિછાની લીધું છે. એને વળી દુઃખ કેવું? એને શાની તૃષ્ણા હોય? એણે તો પદાર્થ માત્રની વાસ્તવિકતા ૫૨માત્મ તત્ત્વમાં શોધી છે, વસ્તુ માત્રના કેન્દ્રમાં, વસ્તુ માત્રની એકતામાં, શોધી છે. એ જ શાશ્વત આનંદ, શાશ્વત જ્ઞાન, શાશ્વત જીવન છે. એને માટે નથી મૃત્યુ, નથી વ્યાધિ, નથી શોક, નથી દુઃખ, નથી અસંતોષ… પેલા કેન્દ્રમાં, પેલા સત્ તત્ત્વમાં કોઈને કાજે કોઈ ક૨વાનો નથી, કોઈને કાજે દુઃખી થવાનું નથી, એ તત્ત્વ સર્વત્ર વ્યાપ્ત છે. વસ્તુ માત્રના અંતસ્તત્ત્વમાં એ પ્રવેશ્યું છે. એ શુદ્ધ છે, નિરંજન નિરાકા૨ છે, અશરીરી છે, ડાઘરહિત છે. એ જ જ્ઞાતા છે, એ જ મહાકવિ છે, એ સ્વસ્વરૂપ છે એ જ સૌને તેમને તેમની યોગ્યતા અનુસાર આપનારું ૫૨મતત્ત્વ છે.”
એકેશ્વરવાદનું સ્વરૂપ ઉપરના કથનમાં કેવું પારગામી દર્શાવાયું છે તેનો ખ્યાલ કરો. જે એકમેવ તત્ત્વ છે તેણે ભેદમાત્રને વિગલિત કર્યો છે એટલું જ એનું તાત્પર્ય નથી. ભેદ છે જ નહીં. ભેદનો સ્વીકાર જ નથી. અનેકતા છે જ નહીં, આપણે એકમેવ બ્રહ્મના અંશો નથી. એને અંશો છે જ નહીં… અને એક અર્થમાં આપણે બધા નિઃસંશય અસ્તિત્વ ધરાવીએ છીએ. તો એનો અર્થ એ જ હોઈ શકે કે આપણે દરેક જણ તે જ છીએ, અવિભાજ્ય રીતે અને સર્વથા. એક માત્ર પ૨મતત્ત્વ અને ‘હું તે જ, અહમ્ બ્રહ્માસ્મિ’, આપણને ખચિત અહીં એવો ધર્મ પ્રાપ્ત થાય છે જેનો આર્થિક રીતે વિચાર કરતાં એમાં ભારોભાર વ્યાવહારિક મૂલ્ય છે એમ સમજાય છે. એ આપણને સર્વાંગ સંપૂર્ણ વૈપુલ્યની સુરક્ષિતતા બક્ષે છે. સ્વામીજી અન્યત્ર કહે છે:
“જ્યારે માણસ આ બ્રહ્માંડની અનંત સત્તા સાથેનું પોતાનું એકત્વ અનુભવે, જ્યારે એકમાત્રનું વિગલન થઈ ચૂક્યું હોય, જ્યારે સર્વ પુરુષો, સ્ત્રીઓ, દેવદૂતો, દેવો, પશુઓ, વનસ્પતિઓ અને આખું વિશ્વ એકમેવાદ્વિતીયમ્ એવા એ ૫૨મ તત્ત્વમાં ઓગળી ચૂક્યાં હોય ત્યારે ભય માત્રનું વિદા૨ણ થઈ જાય છે. પછી ભય કોનો? શું હું મને જ ઈજા પહોંચાડી શકું? હું મારી જ હત્યા કરી શકું? હું મને હાનિ પહોંચાડવા પ્રવૃત્ત થઈ શકું? તમને તમારો પોતાનો ભય લાગે છે? આટલું સમજાતાં દુઃખ માત્રનું નિસર્જન થઈ જશે. પછી કોણ મને દુઃખનો અનુભવ કરાવે? આ વિશ્વનું હું એક માત્ર અસ્તિત્વ છું પછી બધી ઇર્ષા ઓગળી જશે. ઇર્ષા ક૨વી કોની? મારી પોતાની? પછી બધા દુર્ભાવો વિલીન થઈ જશે. કોની સામે દુર્ભાવો? મારી પોતાની સામે? સમસ્ત બ્રહ્માંડમાં મારા સિવાય બીજું કોઈ છે જ નહીં… આ ભેદભાવને હણો. આ બધું જુદુંજુદું છે એ વહેમને હણો. જે વૈવિધ્યથી ખચેલા આ વિશ્વમાં કેવળ એકને જુએ છે, જડતાના આ પુંજમાં જે ૫૨મ ચૈતન્યને અનુભવે છે, આ છાયા લોકમાં જે ૫૨મ સત્તા સાથે એકત્વ અનુભવે છે તેને જ શાશ્વત શાન્તિ લાધે છે, અન્ય કોઈને નહીં, અન્ય કોઈને નહીં.”
એકેશ્વરવાદનું આ સંગીત સુણવાને આપણને સૌને કોઈક પ્રકા૨નો કાન મળેલો છે. એ આપણને ઉન્નત કરે છે અને નિર્ભ્રાન્ત કરે છે. આપણા સૌમાં રહસ્યવાદનું આ બીજ આછું અધૂરું પડેલું છે. આ જ્યારે આપણા ભાવનાવાદીઓ નિરપેક્ષ સત્તા વિશેની તેમની દલીલોનું ઉચ્ચારણ કરે છે અને કહે છે કે ક્યાંક પણ કશુંક પણ જોડાણ સ્વીકારીએ તેની સાથે જ તાર્કિક રીતે ૫૨મ એકત્વ સુધી પહોંચી જવાય છે અને ક્યાંય પણ જરા કશો વિભેદ સ્વીકાર્યો તેની સાથે જ તાર્કિક ક્રમે દુઃસાધ્ય અને પૂર્ણ એવા વિચ્છેદ સુધી પહોંચી જવાય છે. આ ભાવનાવાદીઓની બૌદ્ધિક દલીલોમાં ૫૨ખાઈ આવે એવાં જે નિર્બળ સ્થાનો રહ્યાં હશે તેને તેમની પોતાની જ રહસ્યવાદી પ્રતીતિમાંથી પ્રગટતા પ્રતિભાવનું રક્ષણ મળતું હોવું જોઈએ એવું માનવામાં હું ઉગરી શકતો નથી. તે એ કે તાર્કિકતા કે વગ૨ તાર્કિકતા પણ સંપૂર્ણ અને અબાધિત એકત્વ કોઈક ને કોઈક રીતે, અને ગમે તે ભોગે છે, છે, ને છે જ. એક્રતાનો આ ભાવ ગમે તેમ પણ નૈતિક વિયુક્તતા ઉપર વિજય મેળવે છે. પ્રેમના પૂરમાં જેને ચેતન માત્રનું સંપૂર્ણ એકતા કહી શકાય એવો રહસ્યવાદી ભાવ અનુભવાતો હોય છે. આ જ રહસ્યવાદી ભાવ એકેશ્વ૨વાદી ઉદ્ગારો સાંભળતાં વેંત આપણામાં જાગી ઊઠે છે, એની સત્તાનો સ્વીકાર કરે છે અને બૌદ્ધિક વિચારણાને ગૌણ ગણે છે.
પૂર્વે મેં જોયું નહોતું તે વિવેકાનંદનું ઇંગ્લૅન્ડમાં અપાયેલું પ્રવચન હાલ હું વાંચી રહ્યો છું. વાકશક્તિની બાબતમાં તો આ માણસ ગજબનો દિસે છે… ગમે તેમ પણ સ્વામી એ માનવતાનું ૫૨મ સન્માન છે.
અનુવાદક: યશવંત શુકલ
– વિલિયમ જેમ્સ
એલેક્ઝાન્ડ૨ શિફમૅન નોંધે છે: ‘મધ્યયુગના ભારતીય ફિલસૂફો પૈકી એમણે સઘન અભ્યાસ કર્યો શંકરાચાર્યનો અને હમણાંના ફિલસૂફો પૈકી રામકૃષ્ણ ૫૨મહંસનો એમના શિષ્ય સ્વામી વિવેકાનંદનો…’
‘જીવનનાં છેલ્લાં વર્ષોમાં ટૉલ્સટૉયે રામકૃષ્ણનો ઝાઝો ખપ કર્યો નહીં, સિવાય કે પુરાણાં ઉપદેશવચનો, જેનો એમણે અગાઉ સંગ્રહ કર્યો હતો તેના નવા સંગ્રહમાં સમાવેશ કરવા રામકૃષ્ણની કૃતિઓમાંથી તેમણે કેટલાક પરિચ્છેદો પસંદ કર્યા હતા. આ ગાળામાં વિવેકાનંદનાં ઉપદેશવચનોમાં એમને ભારે રસ પડ્યો હતો.
‘વિવેકાનંદના તત્ત્વજ્ઞાન અંગેનો ટૉલ્સટૉયનો પરિચય ૧૮૯૬ના સપ્ટેમ્બર સુધી પહોંચી જાય છે. એ વખતે તેઓ પોતાની ડાયરીમાં પહેલી જ વાર નોંધે છે કે, ‘ભારતીય તત્ત્વજ્ઞાન વિશેનું એક સુન્દર પુસ્તક’ જે એમને મોકલવામાં આવ્યું હતું તે તેમને વાંચવા મળ્યું. (ટૉલ્સટૉયની કૃતિઓનો સંપૂર્ણ સંગ્રહ, ગ્રંથ પ૩, પૃ.૧૦૬) ૧૮૯૫-૯૬ના શિયાળામાં ન્યૂયોર્ક ખાતે વિવેકાનંદે પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞાન વિશે જે પ્રવચનો આપ્યાં હતાં તેની શ્રેણીનું આ પુસ્તક હતું. ભારતીય વિદ્વાન શ્રી એ. કે. દત્ત જેમણે આ પુસ્તક ટોલ્સટૉયને મોકલ્યું હતું તેમણે એમને લખ્યું હતું.
‘આપને જાણીને આનંદ થશે કે ભારતીય દર્શનોની સર્વોચ્ચ સિદ્ધિઓનો જ્યારે મધ્યાહ્ન તપતો હતો તે અતિપ્રાચીન કાળથી જે સિદ્ધાન્તો અમારા સુધી પહોંચ્યા છે તેની સાથે આપના સિદ્ધાન્તો પૂર્ણપણે મળતાં આવે છે.’ (આ પત્ર પ્રસિદ્ધ થયો નથી. ટૉલ્સટૉયના દસ્તાવેજોમાં એ સંઘરાયો છે. એમને મોકલવામાં આવેલા પુસ્તકનું શીર્ષક છે, ‘The Philosophy of Yoga (Raja Yoga)’ લેખક સ્વામી વિવેકાનંદ, ન્યૂયોર્ક ૧૮૯૬. ૧૯૧૧માં રશિયન ભાષામાં એનું ભાષાન્તર પ્રગટ થયું હતું.)
‘આ પત્રના ઉત્તરમાં ટૉલ્સટૉયે લખેલું કે પોતાને એ પુસ્તક ગમ્યું છે; મનુષ્યનો આત્મા એટલે શું એ વિશે; એમાં જે વિચારધારા પ્રગટ થઈ છે તેને પોતાનું અનુમોદન છે. (ટૉલ્સ્ટૉયની કૃતિઓનો સંપૂર્ણ સંગ્રહ, ગ્રંથ, ૬૯, પૃ-૧૪૬)
“સમકાલીન ભદ્ર સંસ્કૃતિ પ્રત્યે વિવેકાનંદે ઠાલવેલા પુણ્યપ્રકોપમાં, મનુષ્યના ભૌતિક આચ્છાદન કરતાં મનુષ્યના આધ્યાત્મિક તત્ત્વની અગ્રતા વિશેના વિવેકાનંદના આગ્રહમાં ટૉલ્સટૉયને પ્રાચીન ભારતના પુરાણા ઉપદેશોના પડઘા સંભળાયા હતા, ખાસ કરીને વેદોના ઘણા motifs જે ટૉલ્સટૉયને અનુકૂળ હતા તેનાં અનુરણન સંભળાયાં હતાં.
વિવેકાનંદે રચેલું જે બીજું પુસ્તક ટૉલ્સટૉયને વાંચવા મળ્યું હતું તે અંગ્રેજીમાં પ્રગટ થયેલ ‘વ્યાખ્યાનો અને લેખો’ના સંગ્રહવાળું પુસ્તક હતું. એમના એક ઓળખીતા આઈ. એફ. નાઝીવિને ૧૯૦૭માં એ પુસ્તક મોકલ્યું હતું. આ પુસ્તક મેળવવું તેમને ગમશે કે કેમ એમ જ્યારે નાઝીવિને એમને પુછાવેલું ત્યારે ૭ જુલાઈ ૧૯૦૭ને રોજ ટૉલ્સટૉયે જવાબ વાળેલો કે, ‘એ આર્ષદૃષ્ટાનું પુસ્તક મને અવશ્ય મોકલી આપો. આવાં પુસ્તકો વાંચવાથી માત્ર આનંદ કરતાં પણ કશુંક વિશેષ મળે છે, આત્માનું પ્રફુલ્લન.’ (ટૉલ્સટૉયની કૃતિઓનો સંપૂર્ણ સંગ્રહ, ગ્રંથ ૭૭, પૃ.૧૫૧)
૧૯૦૮ માં નાઝીવિને (“પ્રજાઓના અવાજો” એ શીર્ષકે એક લેખસંગ્રહ પ્રગટ કર્યો તેમાં વિવેકાનંદના લેખો “પ્રજાઓનું સ્તોત્ર” અને “ઈશ્વર અને મનુષ્ય”નો સમાવેશ થયો હતો. આ બીજા લેખથી ટૉલ્સટૉય ખૂબ પ્રભાવિત થયા. એ વાંચીને એમણે નાઝીવિનને લખ્યું, “આ અસાધારણ રીતે ઉત્કૃષ્ટ છે.” (ટૉલ્સટોયની કૃતિઓનો સંપૂર્ણ સંગ્રહ, ગ્રંથ ૭૮, પૃ.૮૪)
“એક વખતે ટૉલ્સટૉય વિવેકાનંદની પ્રશંસા ‘શોપનહોરના ઈશ્વર વિશેના વિચારોનો ઉત્તમ પ્રતિવાદ ક૨વા માટે’ કરી હતી અને તેમના અંગ્રેજી વિશે નોંધ કરતાં કહ્યું હતું: ‘શું વિવેકાનંદનું અંગ્રેજી છે! એ ભાષાની બધી સૂક્ષ્મતાઓથી એ પરિચિત છે.’ (ડી.પી.મેકોવિટ્સ્કી, ‘યાસ્નાયા પોલ્યાના નોંધો’ ૩ જુલાઇ ૧૯૦૮નું અધિકરણ)
૧૯૦૯ના માર્ચમાં લોકો માટે નવાં લોકપ્રિય પુસ્તકોની યાદી તૈયા૨ ક૨તાં પોતાની પ્રકાશન યોજનામાં ટૉલ્સટૉયે રામકૃષ્ણ અને વિવેકાનંદના ઉપદેશોનો પણ સમાવેશ કર્યો હતો. (ટૉલ્સટૉયની કૃતિઓ, ગ્રંથ ૫૭, પૃ.૪૦) અને તે જ વર્ષના એપ્રિલમાં પૌરસ્ત્ય વિદ્વાન એન.ઓ. આઇનહોર્નને જણાવ્યું હતું કે, “અમે વિવેકાનંદના પસંદ કરેલા વિચારો સંબંધી એક પ્રકાશન તૈયાર કરી રહ્યા છીએ. મને વિવેકાનંદ માટે ઘણો આદરભાવ છે.” (“ટૉલ્સટૉયની કૃતિઓ’, ગ્રંથ ૭૯, પૃ.૧૪૨) પણ આ પ્રકાશન બહાર પડ્યું નહીં.
અનુવાદક: યશવંત શુકલ
– લીઓ ટોલ્સટૉય
તમારે ભારતને સમજવું હોય તો વિવેકાનંદનો અભ્યાસ કરો. એમનામાં બધું વિધેયાત્મક છે, કશું નકારાત્મક નથી.
થોડાક સમય પૂર્વે વિવેકાનંદે કહ્યું હતું કે, બ્રહ્મની શક્તિ પ્રત્યેક મનુષ્યમાં છે નારાયણ કહેતાં ઈશ્વર પોતાની સેવા દરિદ્રોની સેવારૂપે થાય એમ ઇચ્છે છે. આને હું સાચો શુભસંદેશ કહું છું. આ શુભસંદેશે મનુષ્યને તેના અહંકેન્દ્રી કોશેટામાંથી બહાર કાઢીને સ્વાર્થ માત્રની સીમાઓની પા૨ અનંત મુક્તિનો પંથ દાખવ્યો. આ કોઈ ખાસ પૂજાવિધિ સાથે સંબંધ ધરાવતું ઉપદેશવચન નહોતું કે નહોતો એ મનુષ્યનાં બાહ્યાચરણ ઉપર લદાનારો સંકીર્ણ નિષેધ. આ વચનોમાં સ્વાભાવિક રીતે જ અસ્પૃશ્યતા સામેનો તેમનો વિરોધ સમાયો હતો. એટલા માટે નહીં કે એથી રાજકીય મુક્તિનો માર્ગ મોકળો થશે, પણ એટલા માટે કે મનુષ્યને હીણપતનો અનુભવ કરાવનારો વ્યવહા૨ એથી દૂર થશે. આ એક એવો અભિશાપ છે, જે આપણા સૌના આત્માને નીચું જોવડાવે છે.
વિવેકાનંદના શુભસંદેશે મનુષ્યના આત્માને પૂર્ણપણે જગાડવાનું કામ કર્યું. તેમાંથી પ્રે૨ણા મેળવીને યુવાનો કર્મ અને સ્વાર્પણ દ્વારા મુક્તિના વિવિધ માર્ગો પ્રત્યે વળી ગયા.
આધુનિક કાળમાં ભારતમાં એકલા વિવેકાનંદ એવા થઈ ગયા જેમણે એવો મહાન સંદેશો આપ્યો જે આ થાય ને તે ન થાય એવા વિધિનિષેધો સાથે સંકળાયેલો ન હતો. રાષ્ટ્રની એકેએક વ્યક્તિને સંબોધતાં એમણે કહેલું કે, ‘તમારા એકેએક જણમાં બ્રહ્મની શક્તિ છે. દરિદ્રોમાં બેઠેલો નારાયણ તમે તેની સેવા કરો એમ ઇચ્છે છે. આ સંદેશે તરુણોનાં હૃદયો વ્યાપક રીતે ઉત્તેજ્યાં છે. એથી જ આ સંદેશાને રાષ્ટ્ર સેવાના વિવિધ માર્ગો અને વિવિધ પ્રકારોમાં સ્વાર્પણનાં ફળ આવ્યાં છે. આ સંદેશાએ એક સાથે માણસને ગૌ૨વ અને આદ૨ આપ્યાં છે. અને સાથે ઊર્જા અને શક્તિનું પણ પ્રદાન કર્યું છે. આ સંદેશાએ મનુષ્યને જે બળ પૂરું પાડ્યું છે તે કોઇ ચોક્કસ બિંદુએ સીમિત નથી. તે જ પ્રમાણે એ કોઈ શારીરિક હલનચલનના પુનરાવર્તનમાં પણ સીમિત નથી. જીવનનાં વિધિવિધ ક્ષેત્રોમાં આ સંદેશાએ મનુષ્યના જીવનમાં અદ્ભુત ગતિશીલતાનો સંચાર કર્યો છે. આજના બંગાળના તરુણોની સાહસિક પ્રવૃત્તિઓના મૂળમાં વિવેકાનંદનો આ સંદેશ પડેલો છે. જે મનુષ્યના આત્માને સાદ પાડે છે, એનાં આંગળાંને નહીં.
અનુવાદક: યશવંત શુકલ
–રવીન્દ્રનાથ ટાગોર
REFERENCES:
World Thinkers on Ramakrishna Vivekananda (Pub: The Ramakrishna Mission Instt. of Culture)
* હું તેમનાં સ્વાર્મી વિવેકાનંદનાં) લખાણો સાંગોપાંગ ઝીણવટથી વાંચી ગયો છું અને એ પૂરેપૂરાં વાંચી લીધા પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો. ઓ યુવાનો, હું તમને અરજ કરું છું જે ભૂમિમાં સ્વામી વિવકાનંદ જીવ્યા અને મર્યા તે ભૂમિનાં કંઈક બળ ઉત્સાહ ધારણ કર્યા વગર, ખાલી હાથે ચાલ્યા જશો નહિ.
–મહાત્મા ગાંધી (W.T.R.V. Pg-44)
* હું જાણતો નથી કે કેટલી યુવાન પેઢી સ્વામી વિવેકાનંદનાં પ્રવચનો અને લખાણો વાંચતી હશે પણ હું તમને એટલું તો કહી શકું કે મારી પેઢીનાં કેટકેટલાં લોકો તેમનાથી ખૂબખૂબ પ્રભાવિત થયાં હતાં અને હું ધારું છું કે અત્યારની પેઢી પણ સ્વામી વિવેકાનંદના પ્રવચનો અને લખાણો વાંચશે, તો તેને લાભ થશે અને એમાંથી તેને ઘણું ઘણું શીખવા મળશે.
…તેમણે બાલેલો કે લખેલો શબ્દ અગ્નિમંત્ર સમાન છે. જ્યારે આપણે એમને વાંચીએ છીએ, ત્યારે આપણને એ જડતા-પ્રમાદમાંથી હચમચાવીને ઊભા કરી દે છે, અને આપણને જબરી પ્રેરણા આપે છે… યુવાનોના આદર્શ તરીકે હું તમને કેવળ એક જ વ્યક્તિનું નામ આપી શકું છું અને તે છે – સ્વામી વિવેકાનંદ, જેઓ ઉત્સાહ અને શક્તિની તાદૃશ મૂર્તિ હતા.
– પં. જવાહરલાલ નેહરુ (W.T.R.V. Pg-44)
* શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ તરફનું મારું ઋણ શું શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકું? તેમના પવિત્ર પ્રભાવ તળે જ મારા જીવનની પહેલી જાગૃતિ થઈ હતી. સ્વામીજી આજે જો જીવતા હોત તો તેઓ મારા ગુરુ બન્યા હોત. અર્થાત્ મેં તેમને મારા ગુરુદેવ તરીકે સ્વીકારી લીધા હોત. એટલે હવે એ કહેવું જરૂરી નથી કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી રામકૃષ્ણ-વિવેકાનંદને પૂર્ણ પણે વફાદાર અને તેમનો ભક્ત રહીશ.
ચારિત્ર્ય – ઘડતર માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય કરતાં ઉત્કૃષ્ટ સાહિત્યની હું કલ્પના કરી શકતો નથી…
(ચિંતાનાયક વિવેકાનંદ પૃ.૮૨૨)
તેમના (સ્વામી વિવેકાનંદના) પત્રો અને ભાષણોએ મને ખૂબ પ્રેરણા આપી. તેમાં દેશવાસીઓ માટે વ્યવહા૨૫યોગી પથપ્રદર્શન ભરપૂર ભર્યું છે.
(સ્વામી વિવેકાનંદ અને યુવાસમાજ: પૃ. ૧૪૧)
– સુભાષચંદ્ર બોઝ
* સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મને બચાવ્યો છે અને ભારતને પણ બચાવ્યો છે. તેમના વગર આપણે આપણો ધર્મ ગુમાવી બેઠા હોત અને તેમના વગર આપણને આઝાદી પણ ન મળી હોત. એથી આ બધા માટે આપણે સ્વામી વિવેકાનંદના ઋણી છીએ. તેમની શ્રદ્ધા, તેમનો ઉત્સાહ અને તેમનું શાણપણ આપણને પ્રેરણા આપતાં રહો જેથી આપણે તેમની પાસેથી મેળવેલા ખજાનાને સુરક્ષિત રાખી શકીએ.
– ચક્રવર્તી રાજગોપાલાચારી (W.T.R.V. Pg-54)
* પશ્ચિમના ભૌતિકવાદી વિજ્ઞાનની સામેના એક પડકાર તરીકે હિન્દુ ધર્મનો ઝંડો સર્વ પ્રથમ ફરકાવનાર સ્વામી વિવેકાનંદ જ હતા એ તો એક નિર્વિવાદ સત્ય ઘટના છે… એ સ્વામી વિવેકાનંદ જ હતા જેમણે સીમાઓ પાર કરીને વિશ્વના વિવિધ દેશોમાં હિન્દુ ધર્મનો વિજય ધ્વજ રોપવાનું આ ભગીરથ કાર્ય પોતાને શિરે લીધું. તેમણે પોતાનાં પાંડિત્ય, વકતૃત્વશક્તિ, હિંમત, ઉત્સાહ અને ભીતરના વેગવંતા બળથી તે કાર્યને નક્કર પાયા પર લાવી મૂકયું.
– બાળ ગંગાધર ટિળક (W.T.R.V. Pg-39)
* જો કોઈ શક્તિમય આત્મા હોય તો તે વિવેકાનંદ હતા. તેઓ મનુષ્યોમાં સિંહ સમા હતા… અત્યારે પણ જબરદસ્ત કામ કરતો તેમનો પ્રભાવ આપણે જોઈએ છીએ. એનાથી ભારતના આત્મામાં પ્રવેશ્યું કંઈક સિંહ જેવું વીરત્વ, કંઈક ભવ્ય, કંઈક અંતઃસ્ફુરણ, કંઈક ઊર્ધ્વગામી. હજુ સુધી જ્યાં કોઈક રીતે પણ પ્રગટયું હોય, એવું સ્થાન આપણે બરાબર રીતે ખાતરીથી જાણતા નથી, અને આપણે કહી ઊઠીએ છીએ: “જુઓ, પોતાની માતૃભૂમિના અને એનાં સંતાનોના અંતર આત્મામાં હજુ જીવે છે.”
– શ્રી અરવિંદ (W.T.R.V. Pg-36)
* અમે યુવાન હતા ત્યારે સ્વામી વિવેકાનંદનો આવો માનવઘડતરનો અને માનવતાવાદી ધર્મ અમારામાં ઉત્સાહ ભરી દેતો. અમારા વિદ્યાર્થીકાળના દિવસો દરમિયાન સ્વામી વિવેકાનંદના પત્રોની હસ્તલિખિત નકલો અવારનવાર ક૨વામાં આવતી, અમને વહેંચવામાં આવતી. આ લખાણો દ્વારા જાણે કે કોઈ જાદુઈ સ્પર્શ થયો હોય, તેમ અમારામાં રોમાંચક પ્રે૨ણા વારંવાર જાગ્યા જ ક૨તી. (સ્વામી વિવેકાનંદ અને યુવા સમાજ: પૃ.૧૩૬)
–ડૉ. એસ. રાધાકૃષ્ણન્
* તેઓએ (સ્વામી વિવેકાનંદે) આપણને શીખવ્યું છેઃ “બધામાં એક જ આત્મા રહેલો છે. જો તમને આની ખાતરી થઇ હોય, તો બધાની સાથે ભાઈઓ જેવો વ્યવહાર ક૨વો અને માનવજાતની સેવા કરવી, એ તમારો ધર્મ થઇ પડે છે.” …એથી તેમણે આપણને દરિદ્ર નારાયણની (નાગાં, ભૂખ્યાં, અપંગ કરોડો માનવોમાં પ્રગટ થયેલા ઈશ્વ૨ની) સેવા અર્થે આત્મ સમર્પણ ક૨વાની, તેમની ઉન્નતિ ક૨વાની અને તેમને નીતિ શિક્ષણ આપવાની સલાહ આપી છે. “દરિદ્ર નારાયણ” શબ્દ વિવેકાનંદે જ ઘડ્યો છે અને ગાંધીજીએ એને લોકપ્રિય બનાવ્યો છે.
– આચાર્ય વિનોબા ભાવે (W.T.R.V. Pg-49)
* તેમના (સ્વામી વિવેકાનંદના) જેવો વૈદિક સંસ્કૃતિના વા૨સાનો ભાષ્યકા૨ બીજો કોઈ પણ નહિ હોય… ભાવિ પેઢીઓને વિવેકની (શાણપણની) ભેટ આપવા બદલ કેવળ ભારતીયજનો જ નહીં, પણ પશ્ચિમના લોકો પણ તેમના ઋણી રહેશે.
– ડો. રાજેન્દ્રપ્રસાદ (V-H G.o. M. M. Pg-331)
* વૈદિક સમયથી માંડીને આજ સુધીમાં કોઈ પણ હિન્દુએ કરેલ ઉપદેશ કરતાં વધારે, પૌરુષભરી શ્રદ્ધાપૂર્ણ ભાવનાઓનો ઉપદેશ સ્વામી વિવેકાનંદે પોતાના દેશ બાંધવોને કર્યો છે.
– વીલ ડ્યુરાં (V-H Go. M. M. Pg-166)
* એમની વાણી એટલે ભવ્ય સંગીત; એમની શબ્દાવલિઓમાં બિથોવનની શૈલીનો રણકો છે; અને ભાવોત્કર્ષ જગાવતા એમના વાણીલયમાં હેન્ડેલનાં સમૂહગીતોની પરંપરા પ્રતીત થાય છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં ગ્રંથસ્થ થયેલાં એમનાં વચનામૃતોને જ્યારે હું વાંચું છું, ત્યારે વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી મારા સમગ્ર દેહમાં હું અનુભવ્યા વિના રહી શકતો નથી. તો પછી એ ન૨વી૨ને સ્વમુખેથી એ જવલંત શબ્દો ઉચ્ચારાયા હશે ત્યારે તેમણે કેવા આંચકા, કેવા હર્ષોત્કર્ષો પેદા કર્યા હશે!
અનુવાદક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
– રોમાં રોલાં
References:
(i) W.T.R.V………. World Thinkers on Ramakrishna Vivekananda (Pub: The Ramakrishna Mission Institute of Culture)
(ii) V.H.G.o.M.M. ………… Vivekananda-His Gospel of Man-Manking (Swami Jyotirmayananda)
(iii) P. B. ………….. Prabuddha Bharata.
Your Content Goes Here




