(શિખરણી – સૉનેટ)
હવે હું કાંઇ યે મુજ તરફથી પ્રાર્થીશ નહીં
હું મારી મળે તો તવ અભિમુખે આવી પ્રણમી;
હું મારી ચિંતા કે રતિ ન સમજું (હું ન નજૂમી)
હું ઇચ્છાની મારી ગતિ સમજું છું એવું ય નહીં;
ઘણી વેળા રાત્રે પ્રણમી તુજને ચિંતિત બધું
તને સોંપી, મૂકી તવ ચરણ નિશ્ચિંત જ થઇ
ગયો સૂઇ; પ્રાતે કળી કળી ફૂલોમાં ખીલી ગઇ!
હતું મેં દીઠું તે; ખીલવી મૂકવું’તું તેં થઇ મધુ!
પછી તે દહાડાથી સમજી જ ગયો છું : સહુ પૂંઠે
અદીઠો ર્હૈ તારો કર સક્રિય, તું સર્વ કરતો;
તને આરંભોની ખબર; પથ ક્યાંથી નીકળતો;
અને અંતે ક્યાં જૈ વિરમી ઘડી – પાછો ફરી ઊઠે..
મને પૂરી શ્રદ્ધા : કર મુજ ગ્રહી આખરી ક્ષણે
તું દોરી લૈ જાશે તું હીન મુજને તારી જ કને.
Your Content Goes Here





