(શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૩ ડિસેમ્બરે યોજાયેલ જાહેરસભામાં તેમણે આપેલ આશીર્વચનનો સારાંશ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ, રાજકોટ નગરના ઠાકોર સાહેબ આદરણીય માંધાતાસિંહજી જાડેજા, આપણી વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના ભૂતપૂર્વ મંત્રી આદરણીય ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ઉપસ્થિત અન્ય મહાનુભાવો, ઉપસ્થિત સંન્યાસીવૃંદ, ઉપસ્થિત ભક્ત બહેનો અને ભાઈઓ.

મને આજે આનંદ છે કે ૩૩ વર્ષનો રેકોર્ડ આજે તૂટ્યો છે. આપ સહુને મળીને મને ખૂબ આનંદ થયો છે.

૧૯૭૨થી હું અહીં આવતો રહ્યો છું. પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અહીંના અધ્યક્ષ હતા, તે સમયે જ્યારે હું અહીં આવતો ત્યારે અમે ભુજમાં દુષ્કાળ રાહતકાર્ય માટે જતા. ગુજરાતના ભક્તોના હૃદયમાં ભક્તિ છે, એ મેં અનુભવ્યું છે. એ રાહતકાર્યો વખતે બહેનો ભજન ગાતાં ગાતાં ભોજન બનાવતાં અને એવી જ રીતે ભોજનનું વિતરણ પણ કરતાં, એ જોઈને મને બહુ આનંદ થતો.

જ્યાં જ્યાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનો સંદેશ પહોંચે, ત્યાં એક વિશેષ શક્તિ, વિશેષ ઉત્સાહ જન્મ લે છે. તેથી લોકોમાં સારી ભાવના જન્મે છે, દેશભક્તિ અને ઈશભક્તિની ભાવના પ્રબળ બને છે. આ બન્ને ભાવનાનો સમન્વય થયો સ્વામી વિવેકાનંદ પછી. શ્રીરામકૃષ્ણદેવના ‘મનુષ્યની સેવા એ જ પરમાત્માની સેવા’ના અને સ્વામીજીના ‘શિવજ્ઞાને જીવસેવા’ના સૂત્ર-સંદેશે માત્ર ભારતનો જ નહીં, પરંતુ બીજા દેશોનો પણ ઉદ્ધાર કર્યો છે.

૧૯૯૭-૯૮માં હું પ્રસિદ્ધ પર્યટન સ્થળ મોરેશિયસ ગયો હતો, ત્યાં ઘણા ભારતીયો છે, લગભગ ૮૫%. ત્યાં ૧૦,૦૦૦ પ્રેક્ષકો સમાઈ શકે તેવડો મોટો સભાખંડ બનાવ્યો છે. તેના નામ માટે ઘણી દરખાસ્તો આવી.

પરંતુ સર્વાનુમતે તેનું નામ અપાયું છે ‘સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ કલ્ચરલ કોન્ફરન્સ હોલ’. એ દર્શાવે છે કે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી ત્યાંના લોકો કેટલા અભિભૂત થયા છે! પ્રવેશદ્વારમાં જ સ્વામીજીની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી છે, અને તેની નીચે લખ્યું છે—

‘ગરીબ અને પછાત લોકોની સેવા કરવી એ જ ભગવાનની સેવા છે. એટલે નાત-જાતના વિચારો છોડીને, નર-નારીનો ભેદ છોડીને બધાંની સેવા કરવી એ જ એક સાર્વભૌમિક ધર્મ હોઈ શકે.’

આપણે મનુષ્યની ભલાઈ માટે, તેમના મંગલ માટે પ્રયત્ન કરવો જોઈએ.

આધુનિક યુગમાં મનુષ્ય-મનુષ્ય વચ્ચે પ્રેમનો અભાવ જોવા મળે છે, દેશ-દેશ વચ્ચે પ્રેમનો અભાવ છે. એક દેશ બીજા દેશ સાથે સહયોગને બદલે સ્પર્ધા કરે છે. એટલે બધાની અવનતિ થાય છે, અભિવૃદ્ધિ થતી નથી.

સ્વામીજીએ કહ્યું હતું, ‘આપણા ધર્મમાંથી હૃદયને દૂર કરી નખાયું છે. હૃદયને છોડીને ધર્મ કરવાથી કશો લાભ થતો નથી. મનુષ્યમાં પ્રેમ હોવો જોઈએ; માત્ર પોતાને માટે નહીં, લોકો માટે પ્રાર્થના કરો.’ હૃદયપૂર્વકના પ્રેમનું પરિણામ સારું જ આવે છે. મનુષ્યની સેવા કરવાનો ભાવ હૃદયમાં લાવવો જોઈએ. એટલે જ સ્વામીજીએ કર્મયોગ બતાવ્યો, ‘શિવજ્ઞાને જીવસેવા’.

આત્મા એ જ પરમાત્મા. મનુષ્ય સામાન્ય નથી. દરેકની અંદરનો આત્મા પરમાત્માનો અંશ રહેલો છે. તેની અંદર જ બધું બળ; બધી શક્તિ; બધું જ્ઞાન, ભક્તિ, યોગ વગેરે છુપાયેલાં હોય છે; તેની અભિવ્યક્તિ કરવી, એ જ ધર્મ છે.

શ્રીરામકૃષ્ણદેવનો એક જ સંદેશ હતો, ‘ભાઈચારાનો સંદેશ.’ સ્વામી વિવેકાનંદનો એક જ સંદેશ હતો, ‘કર્મયોગ.’

શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજી પ્રત્યે આપણા દેશના લોકો કેવી ભાવના રાખે છે તે વિશે એક વાત કહું છું:

“એક વાર કોઈએ કહ્યું, ‘ઠાકુર બંગાળના હતા, એટલે મિશનની શરૂઆત બંગાળથી થઈ.’ દક્ષિણ ભારતના એક ભક્તે કહ્યું, ‘સ્વામીજી વિદેશમાંથી પરત આવ્યા ત્યારે સૌ પહેલાં દક્ષિણ ભારતમાં આવ્યા. દક્ષિણના લોકોએ તેમને પ્રથમ ઓળખ્યા, તેમના માટે ફંડ એકત્રિત કર્યું. એટલે મિશનની શરૂઆત દક્ષિણ ભારતથી થઈ.’ ત્યાં વળી એક બિહારના ભક્તે કહ્યું, ‘મિશન શરૂ થયું બિહારથી. કારણ કે ગયાજી બિહારમાં છે. ઠાકુરના પિતાશ્રીને ગયામાં દર્શન થયું હતું.’

આનો અર્થ એ થયો કે આપણે જેને ‘મારાં મારાં’ કહીએ છીએ તે સમગ્ર દેશવાસીઓના પ્રિય છે, સમગ્ર વિશ્વના પ્રિય છે.

આપણે સહુ શ્રીરામકૃષ્ણદેવની છત્રછાયામાં આવ્યા છીએ, બધા ઉપર તેમની ખૂબ કૃપા છે. સામાન્ય મનુષ્ય પણ સમજી શકે તેમ તેઓએ આપણને ધર્મ સમજાવ્યો છે. તે સમજીને આપણે તેનું અનુસરણ કરીએ, ઉન્નત બનીએ. “પહેલાં સારા મનુષ્ય, સંત, મહાનુભાવ, એમ ક્રમશઃ પ્રગતિ થવી જોઈએ. અને અંતે ભગવાનની પ્રાપ્તિ કરવી જોઈએ”, એમ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે.

એ માટે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચવું જોઈએ. આ જગતમાં આનંદ મેળવવા અને આધ્યાત્મિક જગતમાં ભગવાનનો સાક્ષાત્કાર કરવાનો તે પથ દર્શાવે છે. એ જ ધર્મ છે.

જગતનો આનંદ એટલે અભ્યુદય, અને આધ્યાત્મિક જગતનો આનંદ એટલે નિઃશ્રેયસ. જે બન્ને આપે, એ જ સાચો ધર્મ.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ દયાસાગર છે, સહુ કોઈ માટે આવ્યા છે, કોઈ અછૂત નથી. આપણું સદ્‌ભાગ્ય છે કે આપણે તેમની છત્રછાયામાં આવ્યા છીએ. તેમના આશીર્વાદોનું વર્ષણ થતું રહે, એ જ પ્રાર્થના.

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.