અમદાવાદ મૅનૅજમૅન્ટ એસોસિએશનના ઉપક્રમે અંગ્રેજીમાં આપેલ આ વ્યાખ્યાનનો સારસંક્ષેપ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યો છે. -સં.
આજથી સો વરસ પહેલાં સ્વામી વિવેકાનંદે ભાખ્યા મુજબ પ્રાચીન ભારતના પૂર્ણ માનવનું ભવ્ય અને સર્વગ્રાહી દર્શન, આખી ધરતી પર અભિનવ જીવનનો ધોધ વહાવશે અને નવીનતમ સંસ્કૃતિને જન્મ આપશે. નવા કરારે પણ આત્માના અવાજને પિછાનવાનો ઝંખનાજુવાળ ભાખ્યો છે. આજે ભારતીય આધ્યાત્મિકતાનો પોતાના જીવન ઘડતરમાં વિનિયોગ કરવાની ઑસ્ટ્રેલિયા, ફીજી અને અનેક વિદેશીઓની ઝંખનામાં તેમજ “૨૦૦૫ સુધીમાં કેવળ વૈશ્વિક અર્થકારણનું જ નહિ પણ વૈશ્વિક સભ્યતાનું પણ એશિયાઈકરણ થઈ જશે” એવા લંડનસ્થિત WFFના ઉચ્ચતમ નેતાના ઝળહળતા વૈશ્વિક વિધાનથી એ ભવિષ્યવાણીની સચ્ચાઈના એંધાણ વરતાય છે. આપણા પ્રધાનમંત્રીની ૧૯૯૪ની વૉશિંગ્ટન મુલાકાત પછી રિચાર્ડ બર્ટે કહ્યું હતું કે ૧૯૯૯ સુધીમાં ભારત રાજકીય, લશ્કરી અને આર્થિક શ્રેષ્ઠતા હાંસલ કરશે. છેલ્લાં ત્રણેક વરસથી ભારતે સાધેલી પ્રગતિ અને હજુ વધુ ઉન્નતિની એની મથામણ તેમજ એની સાથે સાથે ભારતીય વૈદિક સભ્યતાના મૂળમાં રહેલી પરમ્પરાઓ પ્રત્યે અભાનપણે એનો આદર આપણે જોઈ શકીએ છીએ. વ્યવહારપટુ, પ્રગતિશીલ, બુદ્ધિશાળી, મજબૂત બાંધાના રહસ્યવાદી આર્યોની વૈદિક સંસ્કૃતિ આજથી લગભગ પાંચેક હજાર વરસ પહેલાં પંજાબમાં પંચસિંધુને તીરે શરૂ થઈ હતી, પાંગરી હતી, અને એની સમાન્તરે થોડે દૂર પ્રાચીન ગ્રીક સભ્યતા વિકસી. ભૂમધ્ય સમુદ્રની અતિરમણીયતા અને ઈટાલીના ભૂરાં આકાશને લીધે બાહ્ય સૌન્દર્યમાં અને બાહ્ય હસ્તીમાં સંપૂર્ણતા લાવવા મથતી રહી. એણે એમાં જ પોતાની સઘળી શક્તિ ખર્ચી કાઢી. પરિણામે ત્યાં વધુ દેહસૌષ્ઠવ, શિલ્પ, કળા અને મહેલાતો વગેરે જન્મ્યાં પણ ઇતિહાસે એને યારી ન આપી. એ જ સમયે ભારતની સંસ્કૃતિ બાહ્ય પૂર્ણતાની સાથોસાથ ભીતરી સંપૂર્ણતા માટે પણ મથી રહી હતી. અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિને લીધે આપણા ઋષિઓની આ મહાન શોધ શક્ય બની. ઉષ્ણ દિનો, શીતલ, તારાજડિત તેમજ સોનેરી-રૂપેરી કિન્નરોથી રમ્યતર બનતી રાત્રીઓ – આ બધું નીરખીને અહોભાવે આ સભ્યતા અનવરત વિચારતી રહી “જીવન શું? જન્મ શા માટે? મરણોત્તર કઈ ગતિ?” વગેરે. પહેલા વિશ્વની લયબદ્ધતા, તાલબદ્ધતા જોઈને એ ઋષિઓએ ઈન્દ્રવરુણાદિ કેટલાક નિયામક દેવો કલ્પ્યા. પણ વળી પાછો, એ તાલબદ્ધતા શું છે? એ પ્રશ્ન ઊભો થયો અને તેમણે ધર્મ નામની આંતરિક તાલબદ્ધતાની ખોજ આદરી અને ધીરે ધીરે તેઓ બાહ્ય નિયતિમાંથી આંતરિક તાલબદ્ધતા તરફ ઢળ્યા. તેમને થયુંઃ જીવનને પૂર્ણતા તરફ દોરતી આ નિયતિ જ હોય તો પ્રમુખ આરાધ્ય દેવ કોણ? આ પ્રશ્નનો ઉત્તર ખોળવા વૈદિક ઋષિઓ બેએક હજાર વર્ષ સુધી મથ્યા. દરેક જણ ઇશ્વર પાસેથી સફળતા, કીર્તિ, અમરતા, સમૃદ્ધિ અને આનંદ વાંછે છે ને? પણ એમને જવાબ જડ્યો નહિ. માનસિક ક્ષિતિજો ખુલતાં પરિપક્વ વિચારશક્તિને અંતે તેમને ઉત્તર લાધ્યો કે તેમને પરિપૂર્ણ કરે તેવો અનંતપૂર્ણ પરમાત્મા તો તેમની ભીતર જ વસી રહ્યો છે! વિશ્વનો અનંત મહાન સૃષ્ટા દરેક દરેક વ્યક્તિના હૃદયમાં ગુપ્ત રીતે પ્રતિષ્ઠિત જ છે. આ વિશ્વાત્માને તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને વિશુદ્ધ મન દ્વારા તલસાટભરી સાધનાથી પ્રગટ કરવો રહ્યો! આ જીવન રહસ્યને જાણનારા દિવ્યતાને પામી ગયા છે, એમ સમજવું.
વનોમાં જન્મેલાં, તેજસ્વી ઋષિઓએ ઉપદેશેલા અને ચૂંટેલા શ્રેષ્ઠ શ્રદ્ધાયુક્ત જિજ્ઞાસુ શિષ્યોએ સાંભળેલાં ઉપનિષદો શ્રીરામકૃષ્ણ-નરેન્દ્રની યાદ આપી જાય છે. શ્રીરામકૃષ્ણે નરેનને વારંવાર કહ્યું હતું કે “તું અવશ્ય નવી સંસ્કૃતિનું નિર્માણ કરશે.” નરેન્દ્રે નમ્રતાથી નકાર ભણીને એ મહાન કાર્ય પ્રત્યે પોતાની અશક્તિ દર્શાવી છતાં ઠાકુરે ભારપૂર્વક એ કહ્યે જ રાખ્યું. વારંવાર કાને અથડાતા એ શબ્દોની શક્તિએ ખરેખર નરેન્દ્રમાં શક્તિ ભરી દીધી. શ્રવણનો આ મહિમા છે. ઉપનિષદ્ના વ્યુત્પત્તિ લભ્ય અર્થ પણ એ જ છે. ગુરુ પાસેથી કરાયેલું શ્રવણ અજ્ઞાનબંધન, ભય વગેરેનો નાશ કરી દે છે. પણ એ રહસ્ય નચિકેતા જેવા વિરલ અધિકારી જ પચાવી શકે છે. પણ સ્વામી વિવેકાનંદે એને રહસ્યવિદ્યા રહેવા ન દીધી એને સર્વજનભોગ્ય બનાવી દીધી. એ તેમના પ્રાદુર્ભાવનું આશ્ચર્ય છે. મર્યાદિત માનવની ભીતર અનન્ત શક્યતાની હસ્તીનું રહસ્ય સૌ પ્રથમ ઋષિઓએ ખોલ્યું. અનેકાનેક મંદિરોને બારણે માથાં પછાડ્યા પછી છેવટે પોતાની ભીતરથી જ એ અનંત શુદ્ધ પરમાત્મા પ્રગટે છે, બીજે કશેથી નહિ, એમ ગુરુ કહે છે. સ્વપ્રયત્નથી, સ્વસાધનથી જ સંપૂર્ણતા સાંપડે છે. સાન્તમાં અનંતનું દર્શન થાય છે ત્યારે આયામ બદલી જાય છે.
આ ભીતરનો આત્મા સર્વાધ્યક્ષ છે. એ જાગે તો આખું વિશ્વ તમને અનુસરે. છાન્દોગ્યોપનિષદ કહે છે : “જ્યારે આત્મસાક્ષાત્કાર થાય છે, ત્યારે માણસ કોના પર આધાર રાખે?” એ તો સર્વતંત્ર સ્વતંત્ર આનંદમય બની રહે છે. જિસસ કહે છે : “હું ચૈતન્ય છું અને મને એ રૂપે જે પૂજે છે, તે જ સાચી પૂજા છે.” એક જ સ્થાયી આત્મા શૈશવ, યૌવન અને વૃદ્ધાવસ્થામાં રહે છે. આ સર્વાનુસ્યૂત સ્થાયી આત્મા જ એ ચૈતન્ય છે.
ઋષિઓએ ધ્યાનની રહસ્યમય શક્તિથી શોધેલું બીજું સત્ય તે સમગ્ર વિશ્વની પારસ્પરિક ઓતપ્રોતતા છે. ઐતરેયોપનિષદ્ કહે છે : “હે સૌમ્ય, તું અને આ આખું વિશ્વ આત્મામાં તાણાવાણાની પેઠે ગૂંથાયેલા છો. સર્વ ભૂતો, પર્વતો, સાગરો સર્વમાં આ આત્મા અનુસ્યૂત છે. એ જાગ્રત થતાં તમે સમગ્ર વિશ્વ સાથે એકાકારતા અનુભવશો. પછી કશું જ બાકી નહિ રહે, બધું તમારો આત્મા જ છે. એ અંતરાત્માને પિછાનો. પછી જીવનનો એકમાત્ર નિયમ પ્રેમ જ બની રહેશે. બૃહદારણ્યકોપનિષદ્માં યાજ્ઞવલ્ક્યે કહ્યું : “ગાર્ગી, ભૌતિક રીતે મર્યાદિત હોવા છતાં આધ્યાત્મિક રીતે તું સમસ્ત વિશ્વ સાથે એક છે. સૂર્ય-ચંદ્ર-તારા બધામાં ઓતપ્રોત તું છે. તારું અસ્તિત્વ સર્વગ્રાહી છે. એનું પ્રકટીકરણ કેમ થાય?”
આત્માની આંતરિકતા, વ્યાપકતા અને ઓતપ્રોતતાની શોધ પછી જીવનનું સૌન્દર્ય ખીલવું શરૂ થયું. જીવન જ બદલ્યું, અને આખી ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક બની ગઈ. નરનારીઓ, દેવદેવીઓ બનીને અમરતાને શિખરે બેઠાં. ભારતની અમરતાનું આ રહસ્ય છે, ‘અમૃતસ્ય પુત્રા:’ દેશકાળસ્થળ મરણશીલ પદાર્થોથી પ૨ પરમ ચૈતન્યસ્વરૂપ એનો આવિર્ભાવ કેમ થાય?
૧. ઉપનિષદોને વિચારોની તાકાતની ખબર હતી. ઋષિ કહે છે : પ્રતિ પ્રાતઃ કાળે તમારા અનંત આત્મસ્વરૂપનું શ્રવણ કરો. ગુરુ પાસેથી રોજ આ શ્રવણ કરતાં તમારામાં પ્રેરણા જન્મશે. અને પૂરી પ્રેરણા પામ્યા પછી મનન આરંભો. આ મનન પછી ‘એ હું જ છું’નું ધ્યાન-નિદિધ્યાસન કરવું.
તૈત્તિરીયોપનિષદ્ કહે છે : “આ ચિંતનમનનને ક્યારેય એક દિવસ પણ છોડશો નહિ. તમારી ભીતરના અનંત આત્માની ભવ્યતા પામવાનું પહેલું પગથિયું શ્રવણ છે. બીજું મનન ચિંતન અને ત્રીજું ધ્યાન.
૨. આત્માના પ્રગટીકરણનો એક માર્ગ અક્ષરાધિરાજ ‘ઓમ્’નું રટણ છે. છાંદોગ્યોપનિષદ્ પ્રમાણે જેવી રીતે ઝીણા રેસાઓથી ગૂંથાઈને પાંદડું એક આખું બની રહે છે, તેવી રીતે ઓમ્ની શક્તિથી વિશ્વના બધા શબ્દો સંગ્રહિત થાય છે. અ, ઉ અને મનાં મુખસ્થ સ્થાનોથી વિશ્વના બધા શબ્દો ઉચ્ચારાય છે. આ વર્ણો એટલે આર્ય સપદાર્થ સર્વવર્ણસમૂહ જ છે. ઉપનિષદ્ની વિભાવના પ્રમાણે હજાર વખત એનું રટણ કરવાથી એનો અર્થ અને વસ્તુ સાક્ષાત્ થાય છે.
તો એ ઓમ્ના જાપથી શું થશે? પ્રશ્નોપનિષદ્ના ભૌતિક સમૃદ્ધિથી પરિપૂર્ણ છતાં આંતરિક તાજગીમાં કશુંક ખૂટતું હોય એવું અનુભવતા આત્મજિજ્ઞાસુ રાજકુમારોને ઋષિ કહે છે કે “ઓમ્ જપો”. શિષ્યોએ ઓમ્ની પિછાન માગતાં ગુરુ બોલ્યા કે “એની ચિંતા કર્યા વગર બસ જપ કરો. કેવળ ‘અ’ જપતાં તમે માનવાધિરાજ થશો, ‘ઉ’ સુધી જપતાં તમે તત્ત્વજ્ઞાનીઓના રાજા બનશો અને ‘મ’ સુધી જપતાં તમે સંતોના અધિપતિ બની જશો. આમ જપતાં જપતાં તમે પરમાત્મ સાક્ષાત્કારી અને પૂર્ણ રીતે પારગામી બની જશો.”
‘મને કોઈ ઈજા કરે તો શું થાય?’ એમ પૂછતાં એ પ્રશ્નોપનિષદ્ના ઋષિ કહે છે કે કોઈ માટીનું ઢેફું આરસ તરફ ફેંકે તો એનાથી આરસને કશું નુકશાન નહિ થાય, પણ માટીના ઢેફાંના તો ચૂરેચૂરા જ થઈ જવાના. એવી જ રીતે આવા ઉપાસક માનવીને ઈજા પહોંચાડનારાના જ બુરા હાલ થવાના, ઉપાસક માનવને કશું નહિ થાય. ઓમ્ની શક્તિ અપાર છે. દરેક ઉપનિષદ્ નિરપવાદરૂપે ઓમ્થી જ શરૂ થાય છે. છાન્દોગ્ય ઉપનિષદ્માં ગુરુએ શિષ્યને જ્યારે આ મહિમા સમજાવ્યો ત્યારે શિષ્ય નાચી ઊઠ્યો હતો અને એમના આનંદનો નશો કોઈ પીધેલાના ઉન્માદ જેવો વરતાય છે. આવા આનંદના ઉભરામાં જ ઇશ્વરનું પ્રાકટ્ય થાય છે.
જીવનને સન્માનો. દેશકાલસ્થિત જડ કે જીવંત પ્રકૃતિને સત્કારો. ઉપનિષદ્ની એક બંધબેસતી કથા યાદ આવે છે. સત્યકામ નામે એક તેજસ્વી બાળક ગુરુ પાસે બ્રહ્મજ્ઞાન મેળવવા ગયો. શિરસ્તા પ્રમાણે ગુરુએ ગોત્ર પૂછતાં તેણે કહ્યું : “હું જાણતો નથી. મારી માતાના કહેવા પ્રમાણે યુવાવસ્થામાં તેણીએ ઘણા પુરુષો સેવ્યા અને હું જન્મ્યો છું.” ગુરુએ તેને ભેટીને કહ્યું : “વાહ, હું તારી જ રાહ જોતો હતો. તને થોડા જ વખતમાં બ્રહ્મજ્ઞાન લાધશે. આ ચારસો ગાયો લઈને વનમાં જા અને આની બે હજાર ન થાય ત્યાં સુધી પાછો અહીં આવીશ નહિ. આ જ તારી સાધના! આ જ તારી તપસ્યા!” ગુરુવચનમાં શ્રદ્ધાળુ સત્યકામ ગુરુઆજ્ઞા મુજબ વનમાં ગયો.
જોતજોતામાં બાર વરસ વીતી ગયાં. એક સાંજે એક મોટા બળદે આવીને બાર વરસ પૂરાં થયાંની, ગાયોની સંખ્યા બે હજાર થઈ ગયાની અને ગુરુ પાસે પાછા ફરવાની વાત કહીને જણાવ્યું કે “તે પહેલા બ્રહ્મજ્ઞાનનો ચોથો ભાગ હું તને આપીશ.” બળદે કહ્યું : “સત્યકામ, જે આત્મજ્ઞાન માટે તું ગુરુ પાસે ગયો હતો તે આત્મા તારી ભીતર જ છે. અને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ તો એની વ્યાપકતાના માત્ર તમારા આદર્શ પરિમાણ પ્રમાણે ચોથા ભાગો જ છે. તું તો સર્વવ્યાપક છે, અનન્ત છે, હવે આવતીકાલે સાંજે અગ્નિ તને બ્રહ્મજ્ઞાનના બીજા ચોથા ભાગનું જ્ઞાન આપશે.”
બીજે દિવસે સાંજે સત્યકામે ગાયોની સુવિધા માટે અગ્નિ પેટાવ્યો ત્યારે અગ્નિએ જીવંત થઈને સત્યકામને કહ્યું કે, “સૂર્ય, ચંદ્ર, તારા, પર્વતો, નદીઓ, સમુદ્રો વગેરે બધું જ તારી ભીતર રહેલા આત્મચૈતન્યના માત્ર અંશો જ છે. સર્વવ્યાપક તો તારી ભીતર જ વસેલો છે. આથી વધારે આવતીકાલે તને હંસ કહેશે.”
બીજી સાંજે તે હંસ પાસે ગયો અને હંસે એને કહ્યું : “સત્યકામ, સૂર્ય-ચંદ્ર-તારા વગેરેનો પ્રકાશ તારા ભીતરમાં રહેલ પ્રકાશ સામે કશી વિસાતમાં નથી (પશ્ચિમના સાહિત્યમાં પણ દાન્તેના ડિવાઈન કૉમેડીમાં પ્રકાશની આવી વિભાવના નજરે પડે છે.) આ પ્રકાશ કોઈ ભૌતિક પ્રકાશ નથી. આ તો ભીતરની અંતર્જ્યોતિ છે. એ સૂર્ય ચન્દ્રના પ્રકાશનો પણ પ્રકાશ છે. એ સર્વપારગામી પ્રકાશ છે. એ રહસ્યમય પ્રકાશ છે. ઉપનિષદોની આ સર્વ પ્રથમ પ્રકાશવિભાવના છે. પ્રતિરાત્રિએ એ તમને દેખાય છે. અંધારા ઓરડામાં ઊંઘ લેતાં તમને સૂર્યપ્રકાશમાં સુવર્ણજડિત રસ્તા પર ટહેલતા હોવાનું સ્વપ્ન આવે છે, તે પ્રકાશ ક્યાંથી આવ્યો? એ જ છે એ ભીતરનો પ્રકાશ! એ જ છે સત્ય!” આટલું કહ્યાં પછી હંસે કહ્યું કે “આવતીકાલે તને એક પક્ષી વધારે કહેશે.”
બીજે દિવસે ચકલી જેવડું નાનું પક્ષી સત્યકામના ખભે બેસીને બોલ્યું “સત્યકામ, તારા કાન તારું દ્વાર છે. લયબદ્ધ શ્વાસ છે તારી કલા! તારા આંખ, કાન, શ્વાસ, વિશુદ્ધ મન, તને બધું જ આપશે. આત્મજ્ઞાન મનમાં રહે છે; તે યાદ રાખ. વિચાર શુદ્ધ રાખજે. જેવું ચિંતન તેવી સિદ્ધિ છે.”
પછી સત્યકામ ગુરુ પાસે પાછો વળ્યો. ગુરુએ પૂછ્યું : “કેમ સત્યકામ, તું કોઈ બીજા ગુરુ પાસે ગયો હતો કે? કોઈ આત્મજ્ઞાની પેઠે તારો ચહેરો ચમકે છે!” સત્યકામ રડી પડ્યો અને કહેવા લાગ્યો : “તમારા કહેવાથી બાર વરસ વનમાં રહ્યા છતાં અવિશ્વાસ કેમ રાખો છો? હું કોઈ ગુરુ પાસે ગયો નથી તેઓ સામે ચાલીને મને ઉપદેશ આપી ગયા છે.” ગુરુએ કહ્યું : “બસ, તો હવે તે બધું મેળવી લીધું છે.” સત્યકામે કહ્યું : ‘ના, એ બધું હું ફરી આપને મોઢે જ સાંભળવા માંગુ છું” ગુરુ તેને ભેટી પડ્યા અને ગુરુએ બધું પાછું સંભળાવ્યું. છાન્દોગ્યોપનિષદ્ કહે છે કે સદ્ગુરુ સિવાય જ્ઞાન મળતું નથી.
‘સાન્તમાં અનન્તતા’, ‘આત્મા સો પરમાત્મા’ અનેવિશ્વની પારસ્પરિક ઓતપ્રોતતા આ ઉપનિષદ્નાં સત્યો વૈશ્વિક છે. સદ્ભાગ્યે ૧૯૨૭ સુધીમાં અર્વાચીન ક્વૉન્ટમ મિકેનિકસની અવનતિ અને અનિશ્ચિતતાના સિદ્ધાન્તના ઉદય પછી પહેલી જ વાર વૈજ્ઞાનિકોએ શોધ્યું કે આ યંત્ર અને મારું ચૈતન્ય ઓતપ્રોત છે! ક્વૉન્ટમ મિકૅનિક્સમાં તેમને omnijective નામનો નવો શબ્દ ઘડવાની ફરજ પડી.
હવે ઉપનિષદોના આ સંદેશને મૅનૅજમૅન્ટના સંદર્ભમાં અવલોકીએ : “ઘોડાની તાલીમ’ એવો અર્થ ધરાવતો, menagerie એ ઈટાલિયન શબ્દ પરથી ઊતરી આવેલા મૅનેજમૅન્ટ શબ્દે પશ્ચિમના લોકોમાં ભારે ગોટાળો અને ખોટો અર્થ ઊભો કર્યો છે. એની સ્થિતિ ગંજીફાના મહેલ જેવી થઈ પડી છે. એની પાયાની ભૂલ માનવને ધરમૂળથી પાપી માની લેવાની છે. અને એની પાસેથી કામ લેવા માટે વ્યૂહાત્મક વ્યવસ્થા કરવાની તેમની નેમ છે! એથી ઊલટું ઉપનિષદો તો માનવમાં ધરમૂળથી રહેલી દિવ્યતાનું પ્રકટીકરણ કરવાનું કહે છે. માનવ જો ધરમૂળથી દાનવ જ હોય અને પૂર્ણ હોય તો તમે શું કરી શકવાના હતા? પીટર ડ્રકરના મતે ૨૦૧૦ સુધીમાં વિશ્વનું મજૂરબળ માત્ર બે ટકા જ રહેશે. બધા જ મજૂરો ઈજનેરો થઈ જશે. પછી ઈજનેરોને છેતરવા તમને ખૂબ ભારે પડશે. ટૉફલરને મતે મશીનથી માનવ તરફનો આ જ્ઞાન બદલાવ ઝડપથી આવી રહ્યો છે. એટલે માનવની ભીતરની દિવ્યતાને માન આપ્યા વગર ચાલે તેમ નથી. એટલે બન્ને પક્ષે દિવ્યતાનું જાગરણ જ તરણોપાય છે, એ જ આવતીકાલનું ભાવિ છે.
ઉપનિષદોના આ ભવ્ય સંદેશને ભૂલીને ભારતની ભવ્ય સંસ્કૃતિએ ઘણું ગુમાવ્યું છે. આખોય પૌરાણિક હિન્દુધર્મ પુરોહિતોની દાદાગીરીભર્યો ને માનવોનું શોષણ કરનારો બની ગયો તે ઠેઠ સ્વામી વિવેકાનંદે આવીને પુનઃ એ દિવ્યતાનું જાગરણ કર્યું ત્યાં સુધી એમ ચાલ્યું. મૅનૅજમૅન્ટને સ્વામીજીનો પ્રશ્ન છે કે તમે માનવને એનું ખોવાયેલું વ્યક્તિત્વ પાછું મેળવી આપશો કે? જો એ કરવું હોય તો તેની ભીતરની દિવ્યતાને સ્વીકારો, સન્માનો, જગાડો અને જુઓ કે કેવું સુંદર પરિણામ આવે છે!
રામકૃષ્ણ મિશનની શાળાઓની શ્રેષ્ઠતાનું કારણ આ દિવ્યતાની છાત્રોને અપાતી ઓળખ જ છે. મુંડકોપનિષદ પ્રમાણે આપણને અપરા – બાહ્ય વિજ્ઞાન – ટૅક્નૉલૉજીની વિદ્યા તેમજ પરા-આધ્યાત્મિક વિદ્યા-એમ બે વિદ્યાઓની આપણા બે પગોની પેઠે જ જરૂર છે. બેમાંથી એકની ખામી ચાલે જ નહિ. મસ્તિષ્કના વામ – દક્ષિણ ભાગોની સંવાદિતા જ અપેક્ષિત છે.
છેલ્લે ઉપનિષદ્ની એક વાત : પોતાના કેટલાક સંબંધીઓને ગુમાવીને ઉદ્વિગ્ન બનેલા નારદે ગુરુ પાસે શાન્તિનો ઉપાય પૂછ્યો. ગુરુ સનત્કુમારે કહ્યું : “તેં કેવળ શબ્દો જ સાંભળ્યા છે. શાન્તિ જોઈતી હોય તો દ્વાર ઉઘાડ. હજારો લાખો નરનારીઓ માટે જીવો – વ્યક્તિમત્તા છોડો – સર્વગ્રાહી દૃષ્ટિકોણ રાખો… વગેરે. એટલે મૅનૅજમૅન્ટને ઉપનિષદોનો સંદેશ આ છે : “માનવીની ભીતર રહેલી દિવ્યતાને સન્માનો.” કૃષ્ણ એમાં સૂર પૂરાવે છે : “અર્જુન, બહુજન અર્થે જીવજે. સફળતા, સમૃદ્ધિ અને યશ એની મેળે આવી મળશે. તંત્ર શ્રીર્વિજ્યો ભૂતિ:.
ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
Your Content Goes Here




