બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સ્થાપક અને સક્રેટરી હતા, આ વર્ષે પૂર્ણ કુંભમેળો ૯ જાન્યુઆરી, ૨૦૦૧થી ૮ ફેબ્રુઆરી ૨૦૦૧ સુધી પ્રયાગરાજ-અલ્લાહાબાદમાં ભરાશે.
ભારતની રાષ્ટ્રીય જીવનપદ્ધતિમાં ‘મકરસંક્રાંતિ’ અને ‘કુંભમેળા’નું સર્વાધિક મહત્ત્વ છે. દેશમાં સર્વત્ર મકરસંક્રાંતિનો ઉત્સવ ભિન્ન ભિન્ન પ્રકારે થાય છે. કુંભમેળામાં દેશના બધા પ્રાંતોમાંથી લાખો સ્ત્રીપુરુષો કુંભતીર્થમાં આવીને, સાથે મળીને, પવિત્ર જળમાં સ્નાન કરીને, પોતાની બાહ્ય અને આંતરિક અશુદ્ધિનું માર્જન કરે છે.
સંક્રાંતિ એટલે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવું અથવા એક બીજામાં મળવું. સૂર્ય જ્યારે એક રાશિથી બીજી રાશિમાં જાય છે ત્યારે તે દિવસે સંક્રાંતિ આવે છે. મકરસંક્રાંતિમાં સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકરરાશિમાં જાય છે. પૃથ્વી સૂર્યની ચારે બાજુ પ્રદક્ષિણા કરે છે. જેમાર્ગે એ પ્રદક્ષિણા કરે છે તેને ક્રાંતિવૃત્ત કહેવાય છે. પૃથ્વીની સૂર્યની આ પરિક્રમામાં એક વર્ષ લાગે છે અને રાશિઓ બાર છે – મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્વિક, ધન, મકર, કુંભ, મીન- આ પરિક્રમાનો બારમો ભાગ એક માસ કહેવાય છે. આને ‘સૌરમાસ’ કહે છે. એવી રીતે ચંદ્ર પણ પૃથ્વીની પરિક્રમા એક મહિનામાં પૂરી કરે છે. આ અવધિને ચાંદ્રમાસ કહેવાય છે. આપણે જોયું તેમ આ સંક્રાંતિ બાર છે. પરંતુ એમાં મેષ તથા મકરની સંક્રાંતિઓ મુખ્ય છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધ તરફ આવે છે અર્થાત્ મકર વૃત્તથી ઉત્તરમાં કર્ક વૃત્ત તરફ જાય છે. આ છ મહિનાનો સમયગાળો જેમાં સૂર્યની ગતિ ઉત્તર તરફ રહે છે, એને ઉત્તરાયણ કહેવાય છે. ભારતની ધાર્મિક પરંપરાઓમાં ઉત્તરાયણને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આવી રીતે સૂર્ય જ્યારે વિષુવવૃત્ત તરફથી મકરવૃત્ત તરફ જાય છે એ મહિનાના સમયનો સૂર્ય જ્યારે વિષુવવૃત્ત રેખાની દક્ષિણે રહે છે એટલે એને દક્ષિણાયન કહે છે. ગીતાના આઠમા અધ્યાયમાં કહ્યું છે .
ઉત્તરાયણનો પથ જ્યોતિર્મય પથ છે એ પથમાં મૃત્યુ પામેલા લોકો આવાગમનના ચક્રમાંથી મુક્ત થઈને બ્રહ્મને પ્રાપ્ત કરે છે. દક્ષિણાયનનો પથ ધુમાડાથી ભરેલો અંધારભર્યો પથ છે. આ માર્ગમાં મૃત્યુ પામેલા લોકો સ્વર્ગ પ્રાપ્તિ કરે છે અને કરી પાછા આ ભૂમિ ૫૨ જન્મીને આવાગમનના ચક્રમાં બંધાય છે. આપણે મહાભારતમાં વાચીએ છીએ કે મહાત્મા ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ છોડવા માટે ઉત્તરાયણની રાહ જોઈ હતી. આ રીતે મકરસંક્રાંતિને ધર્મ અને અધ્યાત્મની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. આ સમયે તલનો નવો પાક આવે છે એટલે મકરસંક્રાતિમાં તલનું વિશેષ મહત્ત્વ છે. આર્યુવેદની દૃષ્ટિએ આ ઋતુમાં તલનું કોઈપણ રૂપે સેવન કરવું ગુણકારી છે. તલના આ ઔષધીય ગુણને ધર્મની પડીકીમાં લપેટીને આપવામાં આવેલ છે. સ્વામી વિવેકાનંદ કહે છે : દરેક રાષ્ટ્રને એક ભાષા હોય છે અને કોઈ રાષ્ટ્રના નિવાસીઓને જો કોઈ વાત સમજાવવાની હોય તો એની ભાષામાં જ કહેવાથી એની સમજમાં એ વાત આવે છે. ઉદાહરણ રૂપે ઇંગ્લેન્ડની ભાષા વ્યાપાર અને વાણિજ્યની ભાષા છે, અમેરિકાની ભાષા રાજનીતિની ભાષા છે અને ભારતની ભાષા ધર્મની ભાષા છે. એટલા માટે ભારતમાં સામાન્ય જનતાને જો કોઈ વાત સમજાવવી હોય તો ધર્મની ભાષાનો પ્રયોગ કરવો પડે. અહીં ઇતિહાસ, રાજનીતિ, સ્વાસ્થ્ય વગેરેને સમજાવવા માટે ધર્મની ભાષા જ વાપરવી પડે.
સ્વામીજીની આ વાત કેટલી સાર્થક અને સટીક છે! મકરસંક્રાંતિના સંદર્ભમાં તલના ઔષધીય ગુણોની વાત સમજાવવાથી એટલી નહિ સમજાય જેટલી આ શુભપર્વ પર તલયુક્ત જળથી સ્નાન, તલમાંથી બનાવેલું તેલ, તલવટ કે તલપાક, તલનો હવન, તલ મિશ્રિત જલનું પાન અને તલનું ભક્ષણ આ છ પ્રકારનાં કાર્ય કરવાથી સંક્રાંતિનું પુણ્ય વધી જાય છે.
મકરસંક્રાંતિથી પણ કુંભપર્વનું મહત્ત્વ વધુ છે. મકરસંક્રાંતિ તો દર વર્ષે આવે છે. પણ કુંભમેળો બાર વર્ષમાં આપણા દેશના ચાર સ્થાનો-પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાંથી એકેક સ્થળે આવે છે. કુંભમેળાના આ ચારેય સ્થાનો ભારતના પ્રાચીન તીર્થસ્થાનો છે અને એની પ્રાચીન ઐતિહાસિક સ્થિતિ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કોઈ પણ જાતની અતિશયોક્તિ વિના એમ કહી શકાય કે ભારતની જે મધ્યકાલીન સભ્યતા અને સંસ્કૃતિની આપણે ગર્વપૂર્વક ચર્ચા કરીએ છીએ એ સભ્યતા અને સંસ્કૃતિના નિર્માણમાં આ ચારેય પુણ્ય સ્થળોએ મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. વિશાળ માતૃભૂમિના જે ભૂભાગ પર મધ્યવર્તીકાળમાં ઉત્તમ સંસ્કૃતિનો વિકાસ થયો એના ચારેય ખૂણે આ ચારેય સ્થળો આવ્યાં છે. બાર વર્ષમાં આ ચારેય સ્થળે આપણા પૂર્વજો એકત્ર થઈને પોતપોતાના ઐહિક જીવનના જમા-ઉધાર પાસાંને સંતુલિત કરતા અને અહીંથી જ પ્રેરણાનો સંદેશ મેળવીને સમાજિક જીવનક્રમ પરિચાલિત કરતા. એમની આધ્યાત્મિક પ્રેરણાના આ પાવન સ્ત્રોતસમા કુંભપર્વના સમારોહમાં આજે પણ આપણને આપણી પ્રાચીન પ્રથાની ઝાંખી થાય છે.
કુંભ આપણા દેશનું પરમપ્રાચીન પર્વ છે અને બીજા બધાં પર્વોમાં એનું સ્થાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. આર્યોના પરમપ્રાચીન અને પવિત્ર ગ્રંથ વેદોના અનેક મંત્રોમાં કુંભનો ઉલ્લેખ જોવા મળે છે. આપણે આગળ જોયું તેમ આ કુંભ હરિદ્વાર, પ્રયાગ, નાસિક અને ઉજ્જયિની આ ચાર સ્થળોએ ભરાય છે. નાસિક અને ઉજ્જયિનીમાં તો અર્ધ કુંભ મેળો હોય છે, પણ હરિદ્વાર અને પ્રયાગમાં પૂર્ણ કુંભમેળો ભરાય છે. એટલા માટે હરિદ્વાર અને પ્રયાગની વિશેષતા છે. સ્કંદપુરાણમાં આ ચારેય સ્થળે ક્યારે ક્યારે કુંભમેળો ભરાય છે તેની ચર્ચા કરવામાં આવી છે. એમાં કહેવાયું છે કે જ્યારે બૃહસ્પતિ કુંભરાશિમાં તથા સૂર્ય મેષરાશિમાં હોય છે ત્યારે હરિદ્વારમાં અમૃતકુંભ યોગ હોય છે. આ મેષસંક્રાંતિ ચૈત્ર વૈશાખમાં વૈશાખીના અવસરે હોય છે અને એ સ્નાનની મુખ્ય તિથિ છે વૈશાખી, જે ૧૩ એપ્રિલે આવે છે. એવી જ રીતે જ્યારે બૃહસ્પતિ મેષ રાશિમાં અને ચંદ્રસૂર્ય મક૨ાશિમાં હોય છે તેમ જ અમાવસ્યાની તિથિ એમાં જોડાય છે ત્યારે તીર્થરાજ પ્રયાગમાં અમૃતકુંભયોગ થાય છે. તે માઘ માસમાં એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં હોય છે અને તેમાં મૌની અમાવસ્યાની તિથિ મુખ્ય હોય છે. વળી જ્યારે કર્કરાશિમાં બૃહસ્પતિ, સૂર્ય અને ચંદ્ર હોય અને અમાવાસ્યાનો એની સાથે યોગ થાય ત્યારે ગોદાવરી તટે ‘મુક્તિદાયક કુંભયોગ’ થાય છે. તે આશ્વિન એટલે આસો માસમાં એટલે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં આવે છે અને પિતૃમોક્ષ અમાવાસ્યા એની બીજી મુખ્ય તિથિ છે. એવી જ રીતે જ્યારે તુલા રાશિમાં બૃહસ્પતિ, સૂર્ય અને ચંદ્રનો સંયોગ થાય અને તિથિ અમાવાસ્યા હોય ત્યારે ઉજ્જયિનીમાં ક્ષિપ્રાના તટે ‘સુધાકુંભયોગ’ થાય છે. તે અષાઢમાસ એટલે કે જૂના જુલાઈમાં આવે છે અને સોમવતી અમાસ એનું મુખ્ય પર્વ છે. આની પાછળ એક કથા છે : દેવો અને દાનવો મળીને સમુદ્રમંથન કરે છે. આ મંથનમાંથી જ્યારે અમૃતવટ પ્રગટ્યો ત્યારે એ બંને વચ્ચે એની વહેંચણી માટે ઝઘડો થયો. દેવતાઓને ભય હતો કે જો અસુરોને અમૃત મળી જાય તો એમને જીતવા એ કઠીન કાર્ય બની જશે. એટલે તેઓ પોતાના ગુરુ બૃહસ્પતિને શરણે જાય છે. એમણે ઉપાય બતાવ્યો કે, ‘દેવોએ વિષ્ણુને શરણે જઈને એમને પ્રાર્થના કરવી.’ એનાથી વિષ્ણુ પ્રસન્ન થયા અને દેવતાઓનું કામ પાર પાડવા માટે મોહિની રૂપ ધારણ કર્યું અને પોતાની વિભિન્ન માદક મુદ્રાઓનો દૈત્યો પર પ્રયોગ કરતા એમને સુરા વહેંચે છે અને દેવતાઓને સુધા-અમૃત વહેંચે છે. રાહુને આનો ખ્યાલ આવી જાય છે અને તે દેવતાનું રૂપ ધારણ કરીને દેવતાઓની હારમાં જઈને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે. એને પણ મોહિની એણે ધરેલા ખોબામાં અમૃત આપે છે. જેવી આ ઘટના બની કે સૂર્ય અને ચંદ્ર મોટેથી બોલી ઊઠ્યા : અરે આ તો દૈત્ય છે. વેશ બદલીને અમારી દેવોની હરોળમાં આવી ગયો છે.’ હવે ભગવાન વિષ્ણુ પોતાના સુદર્શન ચક્રથી રાહુનું ગળું કાપી નાખે ત્યાં સુધીમાં તો અમૃત એના ગળા નીચે ઊતરી ગયું હતું. પરિણામે તે અમર બની ગયો. આમાં દેકારો મચી ગયો અને અમૃતકળશને ઝૂંટવી લેવા દૈત્યો મોહિની પર તૂટી પડ્યા. ભગવાને એ કળશ ઇંદ્ર પુત્ર જયંતને આપી દીધો અને એને ભાગી જવાનો સંકેત કર્યો. દૈત્યો જયંતનો પીછો કરતા અમૃત કળશને ઝૂંટવી લેવાનો અસફળ પ્રયત્ન કરે છે. આ ઝપટાઝપટીમાં અને ભાગદોડમાં અમૃતનાં ટીપાં છલકીને હરિદ્વારની ગંગા, પ્રયાગની ત્રિવેણી, નાસિકની ગોદાવરી અને અવંતિકા એટલે કે ઉજ્જયિનીની ક્ષિપ્રા નદીમાં પડે છે. આ કુંભપર્વ છે. બૃહસ્પતિ સૂર્ય અને ચંદ્ર આ ત્રણેયે જયંતને મદદ કરીને અમૃતકળશને અસુરોના હાથમાં જતો બચાવ્યો એટલે કુંભપર્વ આ ત્રણેય દેવતાઓ એટલે કે ગ્રહોની મુખ્ય સ્થિતિ છે. સૂર્યે કળશને ફૂટતો બચાવ્યો હતો, ચંદ્રે એને છલકાતો બચાવ્યો હતો અને ગુરુ બૃહસ્પતિએ એને દૈત્યોના હાથમાં જતો બચાવ્યો હતો. જે સ્થિતિમાં સૂર્ય, બૃહસ્પતિ અને ચંદ્રે કળશની રક્ષા કરી હતી. એ સ્થિતિમાં આ ત્રણે ગ્રહો આવે ત્યારે પહેલાં કહ્યાં પ્રમાણે ચારે ય પુણ્યક્ષેત્રમાં કુંભપર્વનો યોગ આવે છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી અને ક્ષિપ્રાનો પૌરાણિક મહિમા અપાર છે. તેમાંય એના પ૨ અમૃતનો કળશ છલકાયો તો પછી એના મહિમાનું કહેવું શું? હજારો હજારો વર્ષથી કોટિ કોટિ ધાર્મિકજનો આ અમૃતબિંદુની પ્રાપ્તિ નિમિત્તે અહીં એકઠા થાય છે અને આ નદીઓનાં પાવન જળમાં સ્નાન કરીને પોતાનાં આધિ-વ્યાધિને દૂર ભગાડી દે છે..
આ પર્વનો લાભ લઈને આદિ જગદ્ગુરુ શંકરાચાર્ય હિંદુ જાતિને સંગઠિત કરવા એક અભિનવ પરિપાટીનો પ્રારંભ કર્યો. બધા પંથો અને મતોના ધર્માચાર્યોને એક વિરાટ સનાતન ધર્મની છત્રછાયામાં લાવીને દેશની જનતાની સામે આગામી બાર વર્ષોમાં શું કરવાનું છે એનો નિર્દેશ આપ્યો
અને આ ચાર સ્થળોમાં મળીને નવસ્મૃતિ રચનાની પ્રેરણા આપી. કાળપ્રવાહમાં કેટલાક નિયમોને બદલવાની આવશ્યકતા પડે છે, કેટલાકને દૂર કરી દેવા પડે છે અને કેટલાક નવા નિયમ બનાવવાના હોય છે. ભારતીય કાળ ગણનામાં બાર વર્ષને એક યુગ માનવામાં આવે છે. હર યુગમાં આવું ચિંતન મનન થાય એ એક અપૂર્વ વ્યવસ્થા છે જેનું શ્રેય આદ્ય શંકરાચાર્યને જાય છે. આમ કુંભ એ આત્મચિંતન અને આત્મવિશ્લેષણનું પર્વ છે. એક વિદેશી વ્યક્તિ કુંભમેળાની આટલી મોટી ભીડ જોઈ આશ્ચર્યચકિત થઈ જાય. લાખો લોકો શાંતિપૂર્વક કતારોમાં રહીને આગળ ચાલતા રહે છે અને સ્નાન કરીને પાછા ફરે છે. ક્યાંય લડાઈ ઝઘડો, શોર-બકોર, તોફાન વગેરે જોવા ન મળે. આવું અપૂર્વ દૃશ્ય જોઈને એ વિદેશી બોલી ઊઠ્યો : ‘સરકારે આ મેળાને પ્રચારિત કરવા માટે કેટલો ખર્ચ કર્યો હશે!’ જ્યારે એને ખ્યાલ આવ્યો કે સરકાર લોકોને કુંભમેળાની સૂચના આપવા માટે એક પૈસો ય ખર્ચતી નથી ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે બોલી ઊઠ્યો : ‘અમેરિકામાં આટલી ભીડ એકઠી કરવા સરકારે અરબો ડોલરનો ખર્ચ કરવો પડે.’ આ કુંભનું મહાપર્વ છે, જનતા જનાર્દને એકઠા થવાનું મહાપર્વ છે. એની તિથિ એમને સરકાર પાસેથી જાણવા નથી મળતી પરંતુ આ તિથિ તો એમની નસેનસમાં, એમના દરેકે દરેક રક્તકણમાં, ધાર્મિક સંસ્કારોરૂપે વહી રહી છે. આ ભારતની એકતાના ગરિમામય રૂપનું સઘન જ્વલંત અને જીવતું જાગતું તેમજ પાવનકારી દર્શન છે.
Your Content Goes Here





