(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
મય દાનવની સેવાઓ
ખાંડવ-વનની ઘટના પછી એક દિવસ શ્રીકૃષ્ણ, અર્જુન અને મય બેસીને આરામ કરી રહ્યા હતા. મય દાનવે તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું, ‘તમે લોકોએ મારા પ્રાણની રક્ષા કરી છે તેના બદલામાં હું આપની કંઈક સેવા કરવા માગું છું. હું ભવનના નિર્માણના કાર્યમાં પારંગત છું. આપને જે પણ બનાવવાની ઇચ્છા હોય, આપ મને આજ્ઞા આપો. અર્જુને હસીને કહ્યું, ‘હું કશું મેળવવાની આશામાં લોકોની મદદ નથી કરતો. આમ છતાં જો તમારી વિશેષ ઇચ્છા હોય તો શ્રીકૃષ્ણ જે ઇચ્છે છે તે કરી આપો, હું તેનાથી જ સંતુષ્ટ થઈ જઈશ.’ મયે આશાભરી દૃષ્ટિથી કૃષ્ણની તરફ જોયું. કૃષ્ણે ક્ષણભર વિચાર કરીને પછી કહ્યું, ‘યુધિષ્ઠિર મને અત્યંત પ્રિય છે. જો તમે તેમના માટે એક મહેલ બનાવી દો, તો હું ખૂબ ખુશ થઈશ. આ મહેલનું સભાગૃહ એક ખાસ હોવું જોઈએ. એ એટલું અદ્ભુત હોય કે કોઈ પણ તેની નકલ ન કરી શકે.’ આવું પડકારભર્યું કાર્ય મેળવીને મય ખૂબ આનંદિત થયો. તેમણે યુધિષ્ઠિર તથા અન્ય લોકોની સાથે સભાગૃહની યોજના વિશે ચર્ચા કરી. ત્યારબાદ મય કૈલાસ પર્વત પર ગયો. ત્યાં બિંદુસર નામના પવિત્ર સરોવરમાં તેણે કેટલાક કિંમતી રત્નો છુપાવી રાખ્યાં હતાં. સરોવર પાસે જઈને તેણે ત્યાં સુરક્ષિત રાખેલાં બધાં જ રત્નોને બહાર કાઢ્યાં. ત્યાં જ તેમણે એક શંખ અને એક ગદા પણ છુપાવી રાખી હતી. તેને લઈને તે પાંડવો પાસે પાછો આવ્યો. તેણે એ ગદા ભીમને અને દેવદત્ત નામનો શંખ અર્જુનને પ્રદાન કર્યો. ત્યારબાદ તે મહેલના નિર્માણકાર્યમાં જોડાઈ ગયો. તરત જ તેણે એક અનોખો મહેલ ઊભો કરી દીધો. તેનું સભાગૃહ એક જળકુંડની આસપાસ બનેલું હતું. તેની ફરસ આરસની હતી અને તેમાં જાત-જાતનાં મૂલ્યવાન ઝવેરાત જડેલાં હતાં. આ જળકુંડની એક તરફ સ્ફટિક પથ્થરોથી બનેલ પારદર્શક ફરસ હતી, જે ભૂંડના જળસ્તરની જેટલી જ ઊંચાઈની હતી. તેના પરિણામે સૂકી જમીન જોઈને પાણીનો ભ્રમ પેદા થતો હતો. ૧૩ મહિનામાં આ નિર્માણકાર્ય પૂરું થયું. ત્યારબાદ મયે યુધિષ્ઠિર અને અન્ય બધાને બોલાવીને સમગ્ર મહેલ તથા સભાગૃહનું પરિદર્શન કરાવ્યું. આ એક નવો મહેલ સ્વર્ગલોકથી પણ વિશેષ સુંદર હતો. પાંડવ લોકો મહેલને જોઈને આનંદિત થયા અને તેના માટે મયને ધન્યવાદ આપવા લાગ્યા. શુભ-મુહૂર્ત જોઈને એક દિવસ તેઓ મહેલનો ઉદ્ઘાટન સમારોહ ઊજવવા માટે સભાગૃહમાં પ્રવિષ્ટ થયા. હજારો ગરીબોને ભોજન કરાવ્યું અને ઉદારતાપૂર્વક ભેટ પ્રદાન કરી. આમંત્રણને માન આપીને અનેક દેશોથી આવેલા રાજા-મહારાજાઓ, ઋષિ-મુનિઓ તથા સંત-મહાત્માઓ પણ આ સમારોહની શોભા વધારવા માટે ત્યાં ઉપસ્થિત થયા હતા.
નારદ દ્વારા યુધિષ્ઠિરને રાજસુય યજ્ઞ કરવાની સલાહ
અન્ય મહેમાનોની સાથે જ ભક્તિ અને વિદ્યાના મહાન આચાર્ય દેવર્ષિ નારદ પણ પધાર્યા હતા. યુધિષ્ઠિર અને અન્ય ભાઈઓએ તેમનો ખૂબ જ શ્રદ્ધા સાથે સ્વાગત-સત્કાર કર્યો. નારદે પણ તે લોકો માટે શુભકામના વ્યક્ત કરતાં કહ્યું, ‘યુધિષ્ઠિર, મેં સંસારમાં અનેક સભાગૃહો જોયાં છે, મને તો લાગે છે કે તમારું સભાગૃહ સૌથી સર્વશ્રેષ્ઠ છે.’ યુધિષ્ઠિરે પણ તેમના પ્રત્યે શુભકામના વ્યક્ત કરી અને ખૂબ જ વિનયપૂર્વક પૂછ્યું, ‘દેવર્ષિ, અમને એ કહો કે વેદોનું અધ્યયન, ધન, પત્ની અને શાસ્ત્રોનું જ્ઞાન કેવી રીતે ફળદાયી બની શકે છે?’ નારદે ઉત્તર આપ્યો, ‘વેદોનું અધ્યયન ત્યારે જ ફળદાયી થઈ શકે જ્યારે તેનું અધ્યયન કરવાવાળા અગ્નિહોત્ર તથા અન્ય યજ્ઞનું અનુષ્ઠાન કરતા રહે; ધન ત્યારે જ ફળદાયી થાય છે, જ્યારે તેનો ઉપયોગ બીજાઓને દાન કરવા માટે કરવામાં આવે; પત્ની ત્યારે જ ફળદાયી થાય છે, જ્યારે તે માતા બને છે; અને શાસ્ત્રજ્ઞાન ત્યારે જ ફળદાયી થાય છે, જ્યારે તેને વિનમ્રતા અને સચ્ચરિત્રતાની પ્રાપ્તિ થાય છે.’
Your Content Goes Here




