(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
જરાસંધનો વધ
યુધિષ્ઠિરને જરાસંધના વિષયમાં હજુ પણ વધુ જાણવાની ઇચ્છા થઈ. શ્રીકૃષ્ણ તેની જીવન-કથા કહેતાં બોલ્યા, ‘મગધ દેશમાં બૃહદ્રથ નામના એક રાજા હતા. તેમણે કાશી નરેશની બે કન્યાઓ સાથે લગ્ન કર્યું અને તેમને વચન આપ્યું કે તે બંને પ્રતિ સમાન રૂપથી પ્રેમ-ભાવ રાખશે, તેમાંથી કોઈની પણ સાથે તેઓ પક્ષપાત નહીં કરે. તે એક મહાન રાજા હતા અને સમગ્ર સંસારમાં તેમની કીર્તિનો ડંકો વાગતો હતો. પરંતુ તેમના માટે ચિંતા કેવળ એક જ વાતની હતી કે તેઓ નિઃસંતાન હતા. પુત્રોની પ્રાપ્તિ માટે દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમણે અનેક યજ્ઞો કરાવ્યા. એક દિવસ તેમણે સાંભળ્યું કે ઋષિ ચંદ્રકૌશિક તેમના નગરમાં પધાર્યા છે. રાજા પોતાની પત્નીઓને સાથે લઈને તેમની પાસે ગયા અને શ્રદ્ધાપૂર્વક તેમની સેવા કરી. ઋષિએ તેમની ભક્તિથી સંતુષ્ટ થઈને તેમને એક વરદાન આપવાની ઇચ્છા પ્રગટ કરી.’
‘રાજાએ તેમની પાસેથી એક પુત્રને પ્રાપ્ત કરવાનું વરદાન માગી લીધું. ઋષિએ એક કેરીના ફળને મંત્રથી સિદ્ધ કરીને તેમને આપી દીધું. રાજાએ એ ફળ પોતાની પત્નીઓને દીધું. એ લોકોએ ફળના બે સરખા ભાગ કરીને ગ્રહણ કર્યું. બંનેના ગર્ભવતી હોવાના સમાચાર જાણીને રાજાની ખુશીનું ઠેકાણું ન રહ્યું. તે બધાંએ વિચાર્યું કે બે સંતાનોની પ્રાપ્તિ થશે. પરંતુ પછીથી જ્યારે ખબર પડી કે બંને રાણીઓને અડધાં-અડધાં બાળકો જ જનમ્યાં છે, ત્યારે એ બધાંને ખૂબ દુઃખ થવા લાગ્યું. બંને બાળકોને એક-એક આંખ, એક-એક હાથ, એક-એક પગ, અડધું-અડધું પેટ અને અડધું-અડધું શરીર જ મળ્યું હતું. તેમનાં અડધાં-અડધાં શરીરને જોઈને રાણીઓ ભયભીત થઈ ગઈ અને દાસીના હાથમાં એ બાળકોને દઈ તેમને બીજે કશેક ફેંકી આવવાને માટે કહ્યું. તેણે એ બાળકોને કચરાના ઢગલા પર ફેંકી દીધા હતા.’
‘પછી રાતના સમયમાં જરા નામની એક રાક્ષસીની દૃષ્ટિ આ માંસના ટુકડાઓ પર પડી. તેણે ખૂબ આનંદ સાથે તેમને હાથમાં ઉપાડી લીધા અને રમતાં રમતાં એ બંને ટુકડાઓને એક સાથે જોડી દીધા. અરે વાહ, બંને ટુકડાઓએ મળીને એક સ્વસ્થ બાળકનું રૂપ ધારણ કરી લીધું. આ બાળકનું સબળ શરીર જોઈને રાક્ષસીને ખૂબ આશ્ચર્ય થયું. તેને તે ભારેખમ બાળકને ઉઠાવીને લઈ જવામાં મુશ્કેલી પડી રહી હતી. બાળકની કીકીયારી સાંભળીને રાણીઓના હૃદયમાં વાત્સલ્ય ભાવનો ઉદય થયો અને તે સ્થળ તરફ દોડી ગઈ. તે એ બાળકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેને ઉપાડીને રાજા પાસે લઈ ગઈ. રાજા પણ તેને જોઈને આનંદથી પ્રસન્ન થઈ ગયા કે બાળકને જરા રાક્ષસીના હાથે જીવનદાન મળ્યું હતું અને એટલા માટે તેનું નામ જરાસંધ રાખવામાં આવ્યું.’
‘બાળકને એક વીર યુવકના રૂપમાં મોટો થતાં જોઈને તેનાં માતાપિતા બહુ જ ખુશ હતા. થોડા સમય પછી રાજાએ જરાસંધને રાજસિંહાસન સોંપી દીધું અને પોતાની પત્નીઓની સાથે તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. જરાસંધે અનેક રાજાઓ પર વિજય પ્રાપ્ત કર્યો અને એક અતિ ક્રૂર સમ્રાટના રૂપમાં પ્રસિદ્ધ થયો. કંસ જરાસંધનો જમાઈ હતો એટલા માટે જ્યારે મેં કંસનો વધ કર્યો ત્યારે જરાસંધે મારા સમગ્ર કુળનો વિનાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. તેણે ૧૭ વખત મથુરા પર આક્રમણ કર્યું. અંતે મેં પોતે જ મથુરાનો ત્યાગ કરી દૂર દ્વારકા નામના દ્વિપમાં મારી રાજધાની બનાવી ત્યાં જ વસી જવાનો નિશ્ચય કર્યો.’
જરાસંધની શક્તિનું જ્ઞાન થઈ ગયા પછી યુધિષ્ઠિર તેમની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર ન થયા. પરંતુ અર્જુન અને ભીમે તેની સાથે યુદ્ધ કરવાનો દૃઢ નિશ્ચય કરી લીધો હતો. શ્રીકૃષ્ણ બોલ્યા, ‘તેને અને તેની સેનાને એક સાથે હરાવવાં અસંભવ છે. પરંતુ તેની એકની સાથેના યુદ્ધમાં ભીમ કે અર્જુન તેને પરાજિત કરી શકે છે. એના માટે જ આપણે પ્રયત્ન કરવો જોઈએ.’ યુધિષ્ઠિરની ઇચ્છા ન હોવા છતાં પણ તેઓ રાજી થઈ ગયા.
શ્રીકૃષ્ણ, ભીમ અને અર્જુને સ્નાતક બ્રાહ્મણોનો વેશ ધારણ કર્યો અને ધન-ધાન્યથી સમૃદ્ધ મગધ તરફ ચાલી નીકળ્યા. સ્નાતક બ્રાહ્મણ તે છે જેણે હમણાં જ પોતાની ગુરુકુળનું શિક્ષણ પૂર્ણ કર્યું અને હજુ સુધી અવિવાહિત હોય. સામાન્ય રીતે આવા બ્રાહ્મણોને ખૂબ સન્માનની દૃષ્ટિથી જોવામાં આવે છે. મગધની રાજધાનીના દ્વાર પર પહોંચીને તે લોકો ગિરિવ્રજ નગરના એક કિનારે આવેલા ચૈત્યક નામના પર્વત પર જઈ પહોંચ્યા. તે લોકોએ ત્યાં રાખવામાં આવેલ તે નગારાને ફોડી નાખ્યું, તોડી નાખ્યું કે જે એક વખત વગાડવાથી બહુ જ અદ્ભુત રૂપે પુરા એક મહિના સુધી અવાજ કરતું રહેતું હતું. નગરમાં પ્રવેશ કરીને તે લોકો ત્યાં વેચવા માટે મૂકવામાં આવેલ ખાવાની ચીજો અને ફૂલોને જોઈને વિસ્મિત થવા લાગ્યા. ત્યાંની દુકાનો દરેક પ્રકારના દુર્લભ અને મોંઘા સામાનોથી લદાયેલી હતી. તેઓએ સુંદર માળાઓ ખરીદી અને પહેરી લીધી. તે સમયે ત્યાંના વિદ્વાન બ્રાહ્મણોએ કેટલાંક અશુભ લક્ષણ જોઈને તેમના રાજા જરાસંધને તે લોકોની સૂચના આપી દીધી. તેમના પ્રભાવથી મુક્ત થવા માટે રાજાએ પુરોહિતોને બોલાવી કેટલાંક વિશેષ અનુષ્ઠાન કરાવ્યાં અને સ્વયં પણ ઉપવાસ વગેરે વ્રતોનું પાલન કરવા લાગ્યો.
ભીમ અને અર્જુનને સાથે લઈ શ્રીકૃષ્ણ મહેલના દરવાજા સુધી જઈ પહોંચ્યા. જરાસંધે તે લોકોને સ્નાતક બ્રાહ્મણ સમજીને ખૂબ શ્રદ્ધાપૂર્વક તેમનું સ્વાગત કર્યું. જરાસંધે કહ્યું, ‘મહાત્માઓ, તમારું હાર્દિક સ્વાગત છે.’ અર્જુન અને ભીમ ચૂપ રહ્યા. પરંતુ શ્રીકૃષ્ણ બોલ્યા, ‘મારા મિત્રોએ આજે ઉપવાસ અને મૌન વ્રત ધારણ કરી રાખ્યું છે એટલે એ લોકો અડધી રાત પહેલાં કશું જ બોલી નહીં શકે.’
‘ઠીક વાત છે, ત્યાં સુધી આરામ કરી લો. અડધી રાતના સમયે હું ફરી એક વાર ઉપસ્થિત થઈશ,’ આમ કહીને જરાસંધ ચાલ્યો ગયો.
(ક્રમશ:)
Your Content Goes Here




