(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
ખાંડવવનનું દહન
એક દિવસ અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું, ‘ચાલો, આપણે યમુના કિનારે જઈ થોડી જલક્રીડા કરીએ.’ કૃષ્ણને એમાં શું તકલીફ હોય ભલા! યુધિષ્ઠિરની અનુમતિ અને અન્ય અનેક પરિજનોને સાથે લઈને તેઓ યમુના કિનારે પહોંચ્યા. એક દિવસ શ્રીકૃષ્ણ તથા અર્જુન કોઈ એકાંત સ્થળે બેસીને અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા. ત્યારે જ એક બ્રાહ્મણ તેમની પાસે જઈ પહોંચ્યો. તે સુવર્ણ સમાન અને સાલના વૃક્ષ જેવો લાંબો હતો. તેની દાઢી પીળા રંગની હતી, જેની વચ્ચે વચ્ચે લીલા રંગના વાળ હતા અને તેની આંખો કમળની પાંખડીઓ જેવી હતી. શ્રીકૃષ્ણ તથા અર્જુન એકદમ ઊભા થઈ ગયા અને સન્માન સાથે તેમનું સ્વાગત કર્યું.
બ્રાહ્મણે કહ્યું, ‘હું ભયંકર ખાઉધરો છું અને મને બહુ જ ભૂખ લાગી છે. મને યોગ્ય ભોજન આપી સંતુષ્ટ કરો.’
અર્જુન અને શ્રીકૃષ્ણે તેને ભરપેટ ભોજન કરાવવાનું વચન આપ્યું પરંતુ બ્રાહ્મણે તેમને આશ્ચર્યચકિત કરતાં કહ્યું. ‘હું અગ્નિ છું અને સાધારણ ભોજનમાં મને જરા પણ રુચિ નથી. હું આ જંગલને ખાઈ જવા ઇચ્છું છું, પરંતુ એમાં રહેવાવાળા નાગોના રાજા તક્ષકના મિત્ર ઇન્દ્ર તેની રક્ષા કરે છે. હું જ્યારે જ્યારે આ જંગલને ભસ્મ કરવાનો પ્રયત્ન કરું છું, ત્યારે ત્યારે ઇન્દ્ર ભારે વાદળો મોકલીને મારી જ્વાળાઓને ઠારી દે છે. તમે બંને અસ્ત્ર-શસ્ત્ર ચલાવવામાં કુશળ છો. કૃપા કરીને મારા ઉપર વરસવાવાળી વરસાદની ધારાઓથી મારી રક્ષા કરો અને મારાથી બચવાનો પ્રયાસ કરવાવાળા પ્રાણીઓને પણ ભાગી જવાથી રોકો.’
અર્જુન અને કૃષ્ણે આ કઠિન પડકારનો સ્વીકાર કર્યો. અર્જુને અગ્નિને કહ્યું, ‘મારી પાસે કેટલાંય દિવ્ય બાણ છે પરંતુ તેમનું સંધાન કરવા માટે ઉપયુક્ત ધનુષ નથી. તમે મને એક સારું ધનુષ પ્રદાન કરો કે જેથી હું મારું વચન પૂરું કરી શકું.’
ત્યારે અગ્નિએ વરુણને યાદ કર્યા અને તેને કહ્યું કે અમે લોકોએ રાજા સોમને જે ધનુષ, તરકસ અને વાંદરાના ચિહ્નવાળો રથ પ્રાપ્ત કર્યો છે તે આમને આપી દો. અર્જુન આ ગાંડીવ નામનાં ધનુષ અને શ્રીકૃષ્ણ પોતાના ચક્રથી મહાન કાર્ય પૂરાં કરશે. અર્જુને પોતાનું કવચ ધારણ કર્યા પછી અગ્નિને પ્રણામ કર્યા.
અગ્નિએ શ્રીકૃષ્ણને ચક્ર પ્રદાન કરતાં કહ્યું, ‘તમે જરૂર આ અસ્ત્રની સહાયતાથી અનેક દુષ્ટોનો સંહાર કરશો.’ એ પછી અગ્નિએ પોતાની બધી જ શક્તિ લગાવીને પોતાની ઉછળતી જ્વાળાઓ દ્વારા આ જંગલને ચારે બાજુઓથી ઘેરી લીધું.
કૃષ્ણ તથા અર્જુન બંને દિશાઓમાં ઊભા રહીને વિભિન્ન પશુઓને ભાગી જવાથી રોકવા લાગ્યા. ભાગવાનો પ્રયાસ કરવાવાળાં પશુ-પક્ષી અર્જુનનાં તીરોનો શિકાર થઈ ગયા. અગ્નિશિખાઓની ગર્જના, મરી રહેલાં પશુઓનું આક્રંદ અને પડી જતાં વૃક્ષોના અવાજથી આકાશ ગુંજવા લાગ્યું. સ્વર્ગના દેવતા આશ્ચર્યચકિત થઈ ગયા. ઇન્દ્રે ઘેઘુર વાદળોને આદેશ આપ્યો કે તેઓ પુષ્કળ વરસાદ દ્વારા આ આગને શાંત કરી દે.
જે સમયે અગ્નિ અને જળની વચ્ચે આ તુમુલ સંઘર્ષ ચાલી રહ્યો હતો તે સમયે નાગોના શક્તિશાળી રાજા તક્ષક ત્યાં ઉપસ્થિત ન હતા. તેઓ તે સમયે કુરુક્ષેત્ર ગયા હતા. તેમનો પુત્ર અશ્વસેન આગથી ઘેરાઈ ગયો હતો અને વનમાંથી નીકળવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે અર્જુનના તીરને કારણે બહાર નીકળી શકતો ન હતો.
તેની માએ તેને બચાવવા માટે એક ચાલ ચાલી. પહેલાં તે તેના માથાને અને પછી તેની પૂંછડીને ગળવા લાગી. આ સ્થિતિમાં તે આકાશમાં ઊડી ગઈ. પરંતુ અર્જુને તેને ભાગતાં જોઈને પોતાના તીક્ષ્ણ બાણોથી તેનું માથું કાપી નાખ્યું.
ઇન્દ્રે તરત જ ભયંકર આંધી ચલાવી અને અર્જુનને બેભાન કરી દીધો. આ દરમિયાન અશ્વસેન બચી નીકળ્યો. ત્યાર પછી ઇન્દ્ર અને અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બધા દેવતાઓએ ઇન્દ્રનો સાથ આપ્યો. હવે દેવતાઓને એવું લાગવા માંડ્યું કે તેઓ ન તો આગને ઓલવી શકે છે કે ન શ્રીકૃષ્ણ અને અર્જુનને પરાજિત કરી શકે છે.
દેવતાઓ પાછા ફર્યા અને ઇન્દ્રે પણ શ્રીકૃષ્ણ અને અર્જુનની પ્રશંસા કરતાં યુદ્ધ બંધ કરી દીધું. અગ્નિ તે જંગલને એક પખવાડિયા સુધી બાળતો રહ્યો. તે જંગલના માત્ર છ નિવાસી જ બચી શક્યા. અશ્વસેન, મય (દાનવ) અને સારંગક નામના ચાર પક્ષી.
શ્રીકૃષ્ણ જ્યારે મય (દાનવ)ને મારવાના જ હતા ત્યારે તેણે અર્જુનના ચરણોમાં શરણ લીધું. અર્જુને તેને પ્રાણદાનનું વચન આપ્યું હતું. સારંગક પક્ષીગણ ઋષિ મદનપાલનાં સંતાન હતાં; જેઓ તેમના આશીર્વાદના ફળસ્વરૂપ સારંગક પક્ષી દ્વારા ઉત્પન્ન થયાં હતાં. અગ્નિ જ્યારે એ જંગલને ભસ્મ કરી દેવા જઈ રહ્યો હતો ત્યારે ઋષિએ તે ચાર પક્ષીઓને છોડી દેવાનો અનુરોધ કર્યો હતો. અગ્નિએ તેમની આજ્ઞા માનીને તેમને મુક્ત કરી દીધા હતા.
ત્યાર પછી અગ્નિ બેસી ગયા અને આનંદપૂર્વક ભરપેટ ભોજન કર્યું. તે બોલ્યા, ‘તમે લોકોએ મારા માટે જે કંઈ પણ કર્યું છે તે દેવતાગણ પણ કરી શકે તેમ ન હતા.’ તે જ સમયે ઇન્દ્ર પણ અન્ય બધા દેવતાઓને સાથે લઈને આકાશમાંથી નીચે ઊતર્યા અને પાંડુપુત્ર અર્જુનને કહ્યું, ‘મારી પાસેથી કોઈ વરદાન માગી લો.’
અર્જુને ઇન્દ્રનાં બધાં જ દિવ્ય અસ્ત્રો માટે પ્રાર્થના કરી. તેમણે વચન આપ્યું કે યોગ્ય સમયે તે બધાં જ તમને પ્રાપ્ત થશે. હવે શ્રીકૃષ્ણ તથા અર્જુને મયને પોતાની સાથે લીધો. થોડી વાર ત્યાં ફર્યા અને ત્યાર પછી મનમોહક નદીના કિનારા તરફ ચાલી નીકળ્યા.
(ક્રમશ:)
Your Content Goes Here




