જાપાની લોકો તો હિંદને હજી પણ બધી ઉચ્ચ અને સુંદર વસ્તુઓથી પરિપૂર્ણ એવી સ્વપ્નભૂમિ જ માને છે. અને તમે? … તમે શું છો? આખો જન્મારો વ્યર્થ બકવાદ કરનારા મિથ્યાપ્રલાપીઓ! આવો, આ લોકોને જુઓ અને પછી જઈને તમારાં મોઢાં શરમથી છુપાવી દો. પરદેશગમનથી તમારી જ્ઞાતિ ખોઈ બેસો! કેવી મૂર્ખ ડોકરાંઓની બેહૂદી વાતો! માથે મૂર્તિમંત વહેમોનો સતત વધતો જતો બોજ વહન કરીને આજ સેંકડો વર્ષોથી બેસી રહેનારા, અને યુગોથી ચાલ્યા આવતા સામાજિક અત્યાચારો વડે સંપૂર્ણત: માનવતા વિહોણા બની જઈને, આ અન્નની કે પેલા અન્નની છૂતાછૂતની ચર્ચા કરવામાં જ સેંકડો વર્ષોથી પોતાની બધી શક્તિ વેડફી રહેનારા – એવા તમે કઈ સ્થિતિએ છો? અને અત્યારે પણ તમે શું કરો છો? … હાથમાં ચોપડાં લઈને દરિયાકાંઠે લટારો મારવી, અહીંતહીંથી લીધેલા થોડા વણપચ્યા યુરોપીય વિચારોનું રટણ કર્યા કરવું ને જીવનના એકમાત્ર સારરૂપે ત્રીસ રૂપિયાની કારકુની મેળવવી, કે બહુ બહુ તો વકીલ થવું, એ ભારતીય નવજવાનોની સર્વોચ્ચ મહત્ત્વકાંક્ષા! અને દરેક વિદ્યાર્થીની પાછળ ચીસાચીસ કરતી, ખાવા માટે સતત રડ્યા કરતી બાળકોની આખી લંગર ખડી હોય છે! શું તમારે ત્યાં તમારાં ચોપડાં, ઝભ્ભાઓ અને યુનિવર્સિટીની ડિગ્રીઓ વગેરે બધાંને ડુબાડી દેવા જેટલું દરિયામાં પાણી નથી?

ચાલો, મર્દ બનો! પ્રગતિનો હંમેશાં વિરોધ કરનારા પુરોહિતોને લાત મારીને હાંકી કાઢો, કારણ કે તેઓ કદાપિ સુધરવાના નથી અને તેમનાં હૃદય કદાપિ વિશાળ બનવાનાં નથી. તેઓ તો સદીઓથી જામેલા વહેમો અને સામાજિક અત્યાચારોનાં સંતાનો છે. પહેલાં તો એ પુરોહિતોનાં અત્યાચારોનો જડમૂળથી નાશ કરો. આવો, મર્દ બનો! તમારા સાંકડાં ઘોલકાંમાંથી બહાર આવો… તમને માનવ પ્રત્યે પ્રેમ છે? સ્વદેશ પ્રત્યે પ્રેમ છે? તો આવો, આપણે વધુ ઉચ્ચ બાબતો માટે પુરુષાર્થ કરીએ. પાછળ નજર ન કરો; હરગિજ નહિ, તમારાં પ્રિયમાં પ્રિય અને નજીકમાં નજીક રહેતાં સ્વજનોને કાગારોળ મચાવતાં જુઓ તો પણ નહિ. નજર પાછળ નહિ પણ આગળ કરો!

ઓછામાં ઓછા એક હજાર નવયુવાનોનું બલિદાન ભારત માગે છે, ખ્યાલ રાખજો કે યુવાનોનું બલિદાન, હેવાનોનું નહિ. … આજે હવે ગરીબો માટે હમદર્દી, ભૂખ્યાં માટે રોટી અને વિશાળ જનમાનસને જ્ઞાનનો પ્રકાશ આપીને અભિનવ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે, જીવનમરણનો જંગ ખેલવાને તથા તમારા બાપદાદાઓના અત્યાચારોના કારણે પશુકોટિમાં ઊતરી ગયેલાઓને ફરીથી મર્દ બનાવવા માટે મરણ સુધી ઝૂઝવાને દેશ કેટલા નિ:સ્વાર્થી અને પૂર્ણ નિષ્ઠાવાન માણસો આપવા તૈયાર છે?

આટલું હંમેશાં યાદ રાખો. શાંત, મૂક અને એકધારું કાર્ય કરતા રહો અને છાપાંની પોકળ પ્રસિદ્ધિ અને કીર્તિલોભથી દૂર રહો.

— સ્વામી વિવેકાનંદ

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.