શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં ૨૭ શિક્ષક ભાઈ બહેનોએ ‘પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન’ વિશે નિબંધો લખી આપ્યા હતા. તેમાંથી ચૂંટાયેલા નિબંધોની રજૂઆત ૧૭મી જાન્યુઆરીએ બપોરના સત્રમાં કરવામાં આવી હતી. આ સત્રના સમાપન પ્રસંગે શ્રી દુષ્યંત પંડ્યાએ આપેલ અધ્યક્ષીય ભાષણનો સારાંશ અહીં આપેલ છે. – સં.

આ નિબંધ સ્પર્ધામાં ૨૭ શિક્ષક ભાઈ બહેનોએ ભાગ લીધો છે તે સૌને અભિનંદન. વધારે મિત્રોએ ભાગ લીધો હોત તો વધારે સારું થાત. સમય મર્યાદાને કારણે નીચેનાં નામવાળાં ૮ ભાઈ બહેનોને પોતાની કૃતિ વાંચવા બોલાવ્યાં હતાં.

(૧) શ્રીમતી રંજના ખખ્ખર (૨) શ્રી શ્રીકૃષ્ણ પંડ્યા (૩) શ્રી નરેન્દ્રસિંહ માટીએડા (૪) શ્રીમતી ઉષા મહેતા (૫) શ્રી જી. સી. પંડ્યા (૬) શ્રીમતી જ્યોતિ દવે (૭) શ્રી ધીરુભાઈ વ્યાસ અને (૮) શ્રીમતી રેણુકાબહેન જોશી.

આ સૌ નિબંધ લેખકો અને પરિસંવાદમાં ઉત્સાહથી ભાગ લેનાર સૌ શિક્ષકમિત્રો શ્રીરામકૃષ્ણ પરમહંસે કહેલી એક વાત પર ધ્યાન આપે. શ્રી ઠાકુરે એક પ્રસંગે કહેલું કે પાવનકારી ગંગામાં માણસ નહાવા જાય ત્યારે તેનાં પાપ તેની અંદરથી નીકળી કાંઠે આવેલાં ઝાડ પર બેસી જાય. નાહીને બહાર આવે ને જેવો સંસારના વિષયોમાં એ રત થાય કે બધાં પાપ તેને પાછાં વળગે. સૌ શિક્ષકમિત્રો આ બાબતમાં જાગ્રત રહે અને આ તીર્થસ્થાને પ્રાપ્ત કરેલી પવિત્રતા જાળવી રાખે તેવી પ્રાર્થના છે.

આને શક્ય બનાવવા માટે શ્રીરામકૃષ્ણના ગુરુની વાત યાદ રાખવી. નિર્વિકલ્પ સમાધિ સાધ્યા પછી યે શ્રી તોતાપુરી રોજ નિયમિત સાધના કરતા. કોઈના સવાલના જવાબમાં તેમણે કહેલું કે પીત્તળના લોટાને ચકચકિત રાખવા માટે જેમ રોજ માંજવો પડે છે તેમ મનનું, ચિત્તનું, આત્માનું પણ તેવું જ છે. આપણે સૌએ પણ આ બે દિવસમાં જે સૂચનો થયાં છે તે અનુસાર રોજ રોજ વાચનમનન કરવું જોઈએ નહીં તો આપણે પણ જડ બની જઈશું.

આ માટે શિક્ષણના આપણા કર્મને આપણે ‘ગીતા’માં બતાવેલ માર્ગે ધ્યાન, જ્ઞાન અને ભક્તિથી જોડવું જોઈએ. આપણા શિક્ષણના કર્મને ધ્યાનથી પરિશુદ્ધ, જ્ઞાનથી તેજસ્વી અને ભક્તિથી ભાવપૂર્ણ કરવું જોઈએ.

આપણે યાદ રાખવું જોઈએ કે પ્રખ્યાત અંગ્રેજ ફિલસૂફ વ્હાઈટહેડે કહ્યા પ્રમાણે, પ્રાપ્ત કરેલા જ્ઞાનને કામે લગાડવાની કલા ગ્રહણ કરવી તે શિક્ષણ છે. આપણે એ જ્ઞાનને જીવનમાં કામે લગાડવાનું છે તો શાળામાં આપણે વિવિધ વિષયોનું નહીં પણ જીવનનું શિક્ષણ આપવાનું છે. ઇતિહાસ, ભૂગોળ, ભાષાઓ, ગણિત, વિજ્ઞાન વગેરે વિષયો, વિષયો તરીકે નહીં પણ જીવનનાં અંગ તરીકે, જીવન સાથે તેમનો અનુબંધ જોડીને શિખવાડવા જોઈએ. આના એક ઉદાહરણ તરીકે એક પ્રાથમિક શાળાનાં બાળકો એક પર્યટને ગયેલાં તેની વાત સાંભળવા જેવી છે. એક શિક્ષિકા પોતાના આઠનવ વર્ષનાં બાળકોને લઈને ઈંગ્લેંડમાં યૉર્કશાયર પરગણામાં આવેલા ફાઉંટન એબીના ખંડેરના પર્યટને લઈ ગયાં. ત્યાં એમણે બાળકોને ત્રણ ટુકડીમાં વહેંચી નાખ્યાં. એકદમ ધીમેથી પહેલી ટુકડીને સૂચના આપી. ‘અહીં જે જૂની વસ્તુઓ તમારું ધ્યાન ખેંચે તેનાં ચિત્રો દોરી તેમનાં નામ લખો.’ બીજી ટુકડીને તેમણે કહ્યું : ‘અહીંના આ રખેવાળ પાસેથી અહીંનો ઇતિહાસ જાણી તે વિશે નોંધ લખો.’ ત્રીજી ટુકડીનાં બાળકો ખંડેરની અને તેની આસપાસની વિશાળ જગ્યાનો આવડે તેવો નકશો તૈયાર કરવાનાં હતાં. સિનેમાનાં ગીતોની અંતકડીઓવાળા આપણા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓના પ્રવાસથી આ કેટલો જુદો પડે છે? પણ એ જ સાચો શૈક્ષણિક પ્રવાસ છે.

દોઢ બે દાયકા પહેલાં અમેરિકામાં શિક્ષણ વિશે પુનર્વિચારણા કરવા એક મિશન નિમાયું. એ કમિશને બહાર પાડેલા અહેવાલનું શીર્ષક ચોંકાવનારું છે : ‘ધ નેશન એટ રિસ્ક’ અર્થાત્, રાષ્ટ્ર ખતરામાં છે. અમેરિકા જેવો જાગ્રત દેશ આમ શિક્ષણ વિશે આટલી કાળજી સેવે છે ત્યારે, આપણું રાષ્ટ્ર ખરેખર જ ખતરામાં છે ત્યારે, આપણે બેઠા રહ્યે નહીં પાલવે. અહીં આપણે જે ચિંતન કર્યું છે તેનો તુરત અમલ કરવા સાચા દિલથી અને પૂરા ખંતથી લાગી પડીએ.

Total Views: 370

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.