(ગયા અંકથી ચાલુ)
(દૃશ્ય બીજું)
(સ્થળ: લીંબડીના મહારાજાનો દરબારખંડ)
(દીવાનજી સાથે મહારાજા પ્રવેશે છે)
મહારાજા: દીવાનજી, આજની સવાર કંઈ શકુનવંતી જણાય છે. મને આજે એવું સ્વપ્ન આવ્યું કે જાણે કોઈક મંગલમૂર્તિ મને કહી રહી હતી કે કોઈક મહાન દિવ્ય આત્માનો આપણને થોડાજ વખતમાં ભેટો થશે.
દીવાનજી: નામદાર, આપની વાત સાંભળીને મને ઘણો આનંદ થાય છે. મને એમાં કશી નવાઈ નથી લાગતી. કારણ કે આપના લઘુબંધુના અવસાન પછી ત્રણ માસથી આપનું ચિત્ત હંમેશાં દિવ્યતા તરફ જ ઢળતું રહ્યું છે. અરે, રાજકીય કારોબારમાંથી આપનો રસ પણ…
મહારાજા: હા, દીવાનજી, દુનિયાદારીના ભોગવિલાસોમાં મારો રસ હવે ઘણોજ ઓછો થઈ ગયો છે. હવે હું સંત મહાત્માઓને મળવા ઝંખી રહ્યો છું.
દીવાનજી: નામદાર, મહાપુરુષોની સાચા હૃદયની અભીપ્સા નિષ્ફળ જતી નથી. આપણા રાજદરબારમાં કોઈક મહાત્મા થોડા જ વખતમાં આવી ચડે પણ ખરા.
(એકાએક બહાર અવાજ સંભળાય છે. એક નાનકડો છોકરો બૂમો પાડે છે: “દીવાનજી, મને મહારાજા પાસે જવાની રજા આપો, મહેરબાની કરો, મારે એમની સાથે એક ખૂબ અગત્યની વાત કરવી છે. હા, મારા પર કૃપા કરીને ભરોસો રાખો”)
(દરવાન ગર્જી ઊઠે છે: “ના, નહિ નહિ, શેરીનો છોકરો મહારાજા પાસે કદી ન આવી શકે”)
મહારાજા: દીવાનજી, જઈને જુઓ તો ખરા કે આ છે શું? અને પછી મને જાણ કરો.
(દીવાનજી બહાર જાય છે)
મહારાજા: ભારે નવાઈની વાત! શેરીનો એક છોકરો મને મળવા માટે બૂમો પાડે છે! શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે કેટલીકવાર બાળકો પણ ભગવાનનો સંદેશ લાવતાં હોય એવો સંભવ છે! જોઉં તો ખરો કે શું બન્યું છે.
(મહારાજા બારણા તરફ જુએ છે)
(દીવાનજી છોકરા સાથે પ્રવેશે છે. છોકરો મહારાજા સામે આદર અને ભય સાથે જોઈ રહે છે)
દીવાનજી: નામદાર, આ છોકરો આપને કશુંક કહેવા માગે છે. રાજદરબારના દરવાજા પર આપને મળવા માટે એ બૂમો પાડી રહ્યો હતો.
મહારાજા: બોલ, બેટા, મને મળવા માટે તું શા માટે બૂમો પાડી રહ્યો હતો?
(મહારાજા શાન્તિથી આગળ જઈને છોકરાને માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે)
છોકરો: (ઉદ્ભિગ્ન અને લાગણીસભર) મહારાજા, એક ખૂબ તેજસ્વી અને મનોહર મહાત્મા સ્વામીજી લીંબડીમાં પધાર્યા છે. ખરેખર, તેઓ ભગવાન શંકર જેવા લાગે છે. તેઓ એક રહસ્યમય સ્થળે છે અને તે જગ્યાના લોકોએ એમને ઓરડામાં પૂરી દીધા છે, એમને ક્યાંય બહાર જવાની મનાઈ ફરમાવાઈ છે. તેમણે આપને માટે એક તરતનો સંદેશો મોકલ્યો છે અને એટલા જ માટે હું આપને મળવા બૂમો પાડી રહ્યો હતો.
મહારાજા: ક્યાં છે એ સંદેશો? લાવ, મને આપ.
(છોકરો ઘડાનો ભાંગેલો ટુકડો બહાર કાઢીને મહારાજાને આપે છે. મહારાજા એના ઉપર લખેલો સંદેશો વાંચે છે-)
મહારાજા: (વાંચે છે-)
“માનવંતા મહારાજા,
આ ભયાનક કેદખાનામાંથી મને છોડાવવા માટે સત્વર વ્યવસ્થા કરશો. આ જેમ બને તેમ જલદી કરશો. વધુ રૂબરૂમાં.
આપની સમયસર સહાયની અપેક્ષા કરતો સ્વામી વિવેકાનંદ,
એક ભારતીય પરિવ્રાજક સંન્યાસી”
મહારાજા: (ઉશ્કેરાઈને) ભારે નવાઈની વાત છે. મારા રાજ્યમાં – લીંબડીમાં – આવી વસ્તુઓ પણ બની રહી છે? નહિ, નહિ, હું આવું કદાપિ ચલાવી નહિ લઉ.(છોકરાને -)
બેટા, તું એ ઠેકાણું જાણે છે!
છોકરો: હા મહારાજા મને એ સ્થળની ખબર છે. આપણા લીંબડી ગામની ભાગોળે એ સ્થાન આવેલું છે. આપ મને જો થોડાક પોલિસો આપો, તો સ્વામીજીને છોડાવવામાં હું આપની મદદ કરી શકું.
મહારાજા: (દીવાનજીને-) દીવાનજી, પોલિસો અને આ છોકરાને લઈને જલદી દોડો. એ ડાકુઓના સકંજામાંથી સ્વામીજીને છોડાવો અને તેમને સત્વરે રાજદરબારમાં લાવો. અને હા, દીવાનજી, આજે આપણા મિત્ર બનેલા આ બાળકને ઈનામ આપવાનું ભૂલશો નહિ.
(રાજા છોકરાનો વાંસો ધાબડે છે અને તેને કહે છે -)
બેટા, તું આ લીંબડી ગામની ભારે મોટી સેવા બજાવી રહ્યો છે. ભવિષ્યમાં ભગવાન તને મહાન બનાવશે.
(રાજાને પ્રણામ કરીને બધા મંચ છોડી જાય છે. રાજા એકલા મંચ પર આગળના ભાગે શાન્તિથી ટહેલે છે અને આકાશ તરફ નિહાળે છે. એકાએક તેમનો ચહેરો કઠોર થઈ જાય છે)
મહારાજા: (ઊંચે જોઈને -) મને ખબર છે, મારી જાણમાં છે કે આ એ જ ભયંકર હલકટ લોકો છે કે જેઓ વધુ ને વધુ ધન, વધુ ને વધુ માલમિલ્કત, વધુ ને વધુ સોનાચાંદી અને સ્ત્રીઓ મેળવવા અને ભોગવિલાસ કરવા માટે મેલી વિદ્યાની ગુપ્ત સાધનાવિધિઓ કરે છે! હે ભલા ભગવાન! આજે એ ધનલોલુપ ગુપ્ત સાધકો, એ ડાકુઓ, એ ભૂખ્યા વરુઓ શું મારા પોતાનાજ ગામમાં એક પવિત્ર પુરુષની હત્યા કરવાની પેરવી કરી રહ્યા છે? ગમે તેમ પણ આ લીંબડીનો રાજા એવા કોઈપણ ગુપ્ત સાધકને લીંબડીની સરહદમાં ઘૂસવા નહિ જ દે. આ પરિવ્રાજક સંન્યાસી કોણ હશે? પેલો છોકરો તો કહેતો હતો કે તેઓ ભગવાન શંકર જેવા લાગે છે, હશે. તેમણે શિવની દિવ્યતા પ્રાપ્ત કરી હશે જ. નહિતર છોકરો એમ કેમ બોલી ઊઠે? હા, અને તેમનું નામ ભલા શું હતું?
(મહારાજા પાસે પડેલું એ ઘડાનું ઠીંબકું ઉપાડીને ફરીથી વાંચે છે -) વિવેકાનંદ: એક ભારતીય પરિવ્રાજક સંન્યાસી (બે વાર) વિવેકાનંદ! કેટલું મધુર સુંદર નામ છે? વિવેકનો આનંદ! ગઈ રાતે સ્વપ્નામાં મેં જે શુભચિન્હો દ્વારા કોઈક દિવ્ય મહાત્માના આગમન વિશે જાણ્યું હતું, તે જ આ મહાપુરુષ હશે શું? (બહાર ફરીથી થોડો અવાજ સંભળાય છે)
પહેલો: એ… આવે પેલા સાધુબાબા.
બીજો: અહા, લાગે છે કેવા વીરમૂર્તિ?
ત્રીજો: અરે, ના રે ના, તમને નથી લાગતું કે તેઓ તો ભગવાન શિવ જેવા જ લાગે છે?
(દીવાનજી પ્રવેશે છે અને મહારાજાને પ્રણામ કરે છે)
દીવાનજી: નામદાર, સ્વામીજી પધાર્યા છે. ખરેખર, તેઓ એક અદ્ભુત પુરુષ છે. તેમની સાથેની થોડીક જ ક્ષણોની વાતચીતથી મને ખાતરી થઈ ગઈ છે કે તેઓ ભગવાનના માણસ છે.
મહારાજા: એટલે તમે શું કહેવા માગો છો?
દીવાનજી: નામદાર, મેં હજુ સુધી એમના જેવો કોઈ તેજસ્વી વિદ્વાન પણ જોયો નથી. કેવળ પોશાકમાં તેઓ સાધુ છે, પણ ભીતરમાં તો તેઓ જ્ઞાનના ઝળહળતા સૂર્ય સમાન છે. એમની અંગ્રેજી ભાષા ઉચ્ચ કક્ષાની છે અને કોઈ પયગમ્બરની પેઠે તેઓ પરમાત્માની વાતો કરે છે.
મહારાજા: વાહ, દીવાનજી, ભગવાનની વાણી બોલનારા પુરુષની જ હું શોધ કરી રહ્યો હતો. સ્વામીજી? ક્યાં છે એ સ્વામીજી?
દીવાનજી: તેઓ મોટા ખંડમાં બેઠા છે. હું તેમને અહીં અંદર તેડી લાવું કે?
મહારાજા: હા, જરૂર, હું તેમને મળવા માટે અધીરો થઈ ગયો છું.
(દીવાનજી જાય છે. મહારાજા ઊંડા ચિંતનમાં મગ્ન થઈ આમ તેમ આંટા મારે છે) (સ્વામીજી શાન્ત ભવ્ય સ્વરૂપે પ્રવેશે છે. મહારાજા સન્માનપૂર્વક તેમને આવકારવા સામે જાય છે અને તેમને બે હાથ જોડીને પ્રણામ કરે છે.)
મહારાજા: સ્વામીજી, મારા આ લીંબડીના નાનકડા રાજ્યમાં એ દુષ્ટો સાથે આપનો પનારો પડ્યો અને આપને તકલીફ પડી તે માટે અમે ઘણા દિલગીર છીએ.
સ્વામીજી: નામદાર મહારાજા, હું આપનો ખૂબ કૃતજ્ઞ છું અને મને હવે તો ખૂબ આનંદ છે. આપે દિલગીર થવાની જરાય જરૂર નથી. આપે તો ઊલટું આપના માણસોએ ત્વરિત પગલાં લઈને મારું જીવન બચાવી લીધું એ માટે ખુશ થવું જોઈએ. આપના ઉપર ભગવાનના પરમ મંગલકારી આશીર્વાદો વરસો!
મહારાજા: સ્વામીજી, એ આશીર્વાદો તો આજે અમારા રાજમહેલમાં પધારી ચૂક્યા છે. મારા નાનકડા રાજદરબારમાં ભગવાને આજે પોતાનો એક પવિત્રમાં પવિત્ર અને મહાનમાં મહાન પુત્ર મોકલી આપ્યો છે. આનાથી વધારે મોટા આશીર્વાદ વળી મારે શા જોઈએ ભલા?
સ્વામીજી: આપ નામદાર ફક્ત રાજા જ નથી, પણ રાજાના રૂપમાં આપ એક સાચા ૠષિ છો. આપ રાજર્ષિ છો. આપ નામદારમાં જે નમ્રતા અને આધ્યાત્મિક સૂઝ છે, તે ફક્ત રાજર્ષિઓમાં જ હોઈ શકે.
મહારાજા: સ્વામીજી, રાજર્ષિઓના જીવન માટે તો હું જરાય લાયક નથી. પણ… પણ એટલું ખરું કે ત્રણ મહિના પહેલાં થયેલા મારા નાનાભાઈના અવસાન પછી મને એકાએક ઈશ્વરને જાણવાની ઝંખના થઈ છે. આપ જેવા પવિત્ર પુરુષ પાસેથી હું જાણવા માગું છું કે જન્મમરણમય આ જગતમાં સત્ય શું છે?
સ્વામીજી: હજારો વર્ષ પહેલાં આપણા વેદોએ અને ઉપનિષદોએ શોધ્યું છે કે આ મરણશીલ માનવશરીરની ભીતર એક અમર આત્મા રહેલો છે. આ આત્મા એક પછી એક એમ શરીરો ધારણા કર્યે જાય છે અને જીવનની બધી આકાંક્ષાઓ પૂરી કર્યે જાય છે. આવું ત્યાં સુધી ચાલ્યા કરે છે કે જ્યાં સુધી એક પણ આકાંક્ષા અધૂરી ન રહે! આકાંક્ષા બાકી ન રહે, એનું જ નામ ‘મોક્ષ’ છે.
મહારાજા: આપનું વિવરણ તો ખૂબ પ્રવાહી અને પ્રભાવક છે પણ પશ્ચિમની દુનિયા આવા વિચારોને બુદ્ધિસંગત ગણે કે કેમ, એની મને શંકા છે. હું હજુ હમણાંજ ઇંગ્લૅન્ડ જઈ આવ્યો છું અને તેથી જાણું છું કે તેઓ આપણને કેટલી સખ્ત રીતે તિરસ્કારે છે. ખાસ કરીને હિન્દુઓને – કે જેઓ મૂર્તિઓને અને પૂતળાંને પૂજે છે! અને જેઓ આપણા સમાજમાં ભયંકર વહેમોને વળગીને રહ્યા છે!
સ્વામીજી: પ્રિય મહારાજા, થોડા જ વખતમાં આપ સમજશો કે આધુનિક વિજ્ઞાન, આપણા વેદો અને ઉપનિષદોએ તારવેલા નિષ્કર્ષની સાથે પોતાના નિષ્કર્ષના હાથ મિલાવશે.
મહારાજા: હેં? શું સાચે જ એવું છે? આપ આવા શબ્દો બોલો છો ત્યારે હું કેટલું ગૌરવ અનુભવું છું!
સ્વામીજી: જી હા, મહારાજા, આધુનિક વિજ્ઞાને વેદોનાં બે મહાન સત્યો તો સ્વીકારી જ લીધાં છે – એક તો પરમાણુમાં રહેલી અનન્ત શક્તિ અને બીજું આ વિશ્વની પાયાની એકતા. એ રીતે નાનામાં નાની માનવહસ્તી પણ ઈશ્વર જ છે – એ પણ એક સર્જકહસ્તી જ છે.
મહારાજા: સ્વામીજી, આપની વાણી વિસ્મયકારી છે. પણ જો બધાં જ માનવપ્રાણીઓ ઈશ્વરસ્વરૂપ છે અને સમગ્ર માનવજાત એક જ છે, એવું વેદો કહે છે, તો પછી આપણે ત્યાં આટલી બધી જાતિપાતિઓ કેમ છે? આટલા બધા અસ્પૃશ્યા, આટલા બધા વિભેદક અને ભયંકર વહેમો, મહિલાઓનું અને જનસમૂહનું આટલું બધું નિર્દય શોષણ – આ બધું કેમ ચાલી રહ્યું છે?
સ્વામીજી: વહાલા મહારાજા, એનું કારણ એ છે કે આપણે વેદો અને ઉપનિષદો ક્યારેય વાંચ્યાં નથી; લેભાગુ અને નિરક્ષર પુરોહિતો આપણા ૠષિઓ બની બેઠા છે; આપણો ધર્મ રસોડામાં અને સ્નાન કરવાની બાલદીમાં પૂરાઈ ગયો છે; ‘શું ખાવું અને શું ન ખાવું’ બસ, એમાંજ આપણો ધર્મ ચોંટી રહ્યો છે. ગરીબ જનતાનું નિર્દય રીતે શોષણ કરીને દિવસમાં વીસ વખત સ્નાન કરવામાં જ આપણી પૂજા સમાઈ ગઈ છે!
મહારાજા: તો પછી એમાંથી રાષ્ટ્રને ઉગારવાનો ઉપાય શો છે?
સ્વામીજી: મારા ગુરુદેવ શ્રીરામકૃષ્ણે અમને શીખવ્યું છે કે બધાં જ કાર્યોને માનવપ્રાણીમાં રહેલા ઈશ્વરની પૂજા તરીકે સ્વીકારવાં જોઈએ.
મહારાજા: દરેક કાર્યને માનવપ્રાણીમાં રહેલ ઈશ્વરની પૂજા તરીકે? વાહ, કેવું સરસ! પણ સ્વામીજી, આપની આ વાત સાંભળશે કોણ? પુરોહિત – પંડાઓએ જેવી રીતે ઈશુ અને બુદ્ધને હડસેલી મૂક્યા હતા, તેવી રીતે તેઓ આપને પણ હડસેલી મૂકશે. સ્વામીજી, આપે અવશ્ય પશ્ચિમના દેશોમાં જવું જોઈએ અને ત્યાં ભારતનો આ મહાન સંદેશ ઉપદેશવો જોઈએ. જ્યારે પશ્ચિમની પ્રજા આપની કદર કરશે ત્યાર પછી આખો ભારત દેશ આપને સાંભળશે.
સ્વામીજી: એ બધાંનો આધાર ઈશ્વર ઉપર છે. ભારતના ભાગ્ય – વિધાતા પર જ એનો આધાર છે.
(સ્વામીજી ઊંચે આકાશ ભણી નિહાળે છે)
મહારાજા: સ્વામીજી, મને ખૂબ સ્પષ્ટ રીતે જણાય છે કે આપ થોડા જ વખતમાં અભિનવ ભારતના અગ્રદૂત તરીકે ઊભરી આવશો. આપના એ ભવ્ય દિવસોમાં કૃપા કરીને મને ભૂલશો નહિ. મને મળેલા બધા માનવોમાં આપ સૌથી મહાન – મહામાનવ – છો. કૃપા કરી મને આપના શિષ્ય તરીકે સ્વીકારો.
સ્વામીજી: પ્રિય મહારાજા, ગુરુ તો કેવળ ઈશ્વર જ છે અને આપણે તો બધા શીખનારા જ છીએ. આપની ઈચ્છા પૂર્ણ થાઓ.
(સ્વામીજી મહારાજાને શિરે હાથ મૂકી આશીર્વાદ આપે છે)
મહારાજા: હું કૃતાર્થ થયો. સ્વામીજી, એક વધુ વિનંતી કરી લઉં કે ફરી એક વખત આપે આ દરબારખંડમાં આવવું પડશે અને અહીં આપના ઉત્તમ વિચારોનો ઉપદેશ આપવો પડશે. આપની પયગમ્બરી શક્તિ દ્વારા રાષ્ટ્રનું પુનરુત્થાન કરવા માટે હું આપના પ્રશંસક અને શિષ્ય તરીકે મારાથી બનતું બધું જ કરી છૂટીશ.
સ્વામીજી: આપ નામદારને ધન્ય છે, આપ જેના પર રાજ્ય કરો છો, તે ભૂમિને પણ ધન્ય છે. આપના રાજવંશને પણ ધન્ય છે કે જેણે આપ જેવા રાષ્ટ્રોદ્ધાર માટે લોહી નીંગળતા હૈયાવાળા મહાન પુરુષને જન્મ આપ્યો છે; રાષ્ટ્રોન્નતિના આ મહાન કાર્યમાં ગમે તેવું બલિદાન આપવા સદા તત્પર એવા આપને ધન્ય છે!
(મહારાજા આદરપૂર્વક સ્વામીજીને ચરણે ઘૂંટણિયે પડી પ્રણામ કરે છે અને સ્વામીજી એમને આશીર્વાદ આપે છે.)
Your Content Goes Here




