(કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ છે. તેઓ બંને પગે ૯૦% વિકલાંગ છે. પોતાની વિકલાંગતાની વ્યથાને વિસ્મૃત કરીને તેઓએ હકારાત્મક અભિગમ સાથે જીવન જીવવાનો સંકલ્પ કર્યો છે અને તેઓ આ સંકલ્પ સાથે જીવનનો સાચો આનંદ માણી રહ્યા છે. એમણે લખેલ આ કાવ્યો તેમનું જીવનદર્શન પ્રગટ કરે છે. – સં.)
મેરેથોન દોડમાં અમે…
જીવનની આ વિકટ મેરેથોન દોડમાં;
શારીરિક વિકલાંગ હોવા છતાં અમે,
સર્વ દુઃખ ભૂલી દોડ્યા છીએ.
કદમ કદમ પર ઠોકરો તો ખાધી છે;
વખતોવખત ગબડ્યા પણ છીએ,
દોડમાંથી છતાં કદી પાછા હટ્યા નથી.
ભલે એકેય ઇનામ જીતી ના શક્યા.
સંતોષ છે કે દોડમાં ભાગ તો લીધો.
અમારે માટે આ જ, અમારો વિજય છે.
સાંભળ…
ઓહ ! વિકલાંગતા મારી મને સાંભળ.
આપણા વિશે લોકો શું કહે છે,
એ તરફ દેખીશ નહીં.
મનમાં વિશ્વાસ રાખ,
આપણે જરૂર સફળ થઈશું. (૧)
તને કોઈ શંકા છે?
“તું શું કહે છે?”
“મને?”
શંકા નહિ, પૂર્ણ વિશ્વાસ છે.
આપણે જરૂર સફળ થઈશું.
જરૂર થઈશું, જરૂર થઈશું, જરૂર થઈશું. (૨)
દુઃખ…
વિકલાંગ છું એ દુઃખ સહી ગયો,
સહતાં-સહતાં ભૂલી ગયો,
ભૂલતાં-ભૂલતાં જીવી ગયો,
જીવતાં-જીવતાં હસી ગયો.
દુનિયાને એ વાતનું તો ભારે દુઃખ છે,
વિકલાંગ છું છતાં હસી ગયો.
Your Content Goes Here




