(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી આત્માનંદજી મહારાજને ભાવિકજનોએ કરેલી પ્રશ્નોત્તરી ‘ધર્મજિજ્ઞાસા’ નામે હિંદીમાં પુસ્તક આકારે પ્રસિદ્ધ થઈ છે. આમાંથી કેટલાક અંશોનો ભાવિકોના લાાભાર્થે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

પ્રશ્ન : કુસંસ્કારો પર કેવી રીતે વિજય મેળવી શકાય?

ઉત્તર : આપણે એટલું યાદ રાખવું પડે કે આવા સંસ્કારો પર એકાએક વિજય મેળવી શકાતો નથી. ધીમે ધીમે એમાં પરિવર્તન લાવી શકાય. એવા સંસ્કારોને બદલવા કે એને જીતી લેવા માટે સૌથી પહેલાં તો આપણે એ જાણી લેવું જોઈએ કે આ સંસ્કાર કેવી રીતે બને છે કે ઘડાય છે? આપણે જાણી-સમજીને કોઈ કાર્યને વારંવાર દોહરાવીએ છીએ અને એ પુનરાવૃત્તિ સંસ્કારનું રૂપ લઈ લે પછી એને સમજી વિચારીને દોહરાવવાની જરૂર રહેતી નથી.

એ વખતે એ સંસ્કાર એની મેળે મનમાં આવીને ઊભા રહે છે. મન ઈંદ્રિયોને એવી ક્રિયા કરવાના કામે લગાડી દે છે. આ સંસ્કારને દૂર કરવા માટે પહેલાં મનના એના તરફના લગાવને દૂર કરવો પડે. ત્યાર પછી મનમાં જ્યારે એ સંસ્કાર જાગે, ત્યારે એની અવગણના કરવી પડે; એને આશરો આપવાનું બંધ કરવું પડે અને મનને બળપૂર્વક એ સંસ્કારની વિરોધી વૃત્તિ તરફ વાળવું પડે.

એક ઉદાહરણ સાથે આ વાતને સ્પષ્ટ કરવા માગું છું. ધારો કે એક દિવસ એક કૂતરાને તમે પ્રેમથી રોટલાનો ટુકડો આપો છો. કૂતરો તમારી પાસે આવવાનું શરૂ કરી દે છે. બીજે દિવસે વળી પાછો એને રોટલો નાખ્યો.

આમ આ ક્રિયાને તમે વારંવાર દોહરાવો છો. કૂતરો પણ આપને જોતાં જ દોડતો આવશે. આપનાં ચરણોમાં આળોટવા માંડશે અને તમારા ખોળામાં બેસવા આમતેમ શરીર મરડશે. હવે ધારો કે કોઈ પણ કારણે કૂતરાનો તમારા પ્રત્યેનો આવો વ્યવહાર તમને પસંદ નથી પડતો. કૂતરો તમારી પાસે આવે એવું તમે ઇચ્છતા નથી. તો પછી તમે કરશો શું?

સૌથી પહેલાં તો તમારે કૂતરા પ્રત્યેના તમારા ભાવને બંધ કરી દેવો પડે. કૂતરો તો વળી પાછો તમારી પાસે પૂંછડી હલાવતો હલાવતો આવવાનો, તમને વળગવાનો પ્રયત્ન કરવાનો. એ વખતે તમારે મનને કઠણ કરીને કૂતરાને લાકડી ફટકારવી પડશે. કૂતરો પણ તમારા આ વિરુદ્ધ વર્તનથી આશ્ચર્યમાં પડી જવાનો. લાકડીનો માર ખાઈને એ દૂર તો ચાલ્યો જશે પણ વળી પાછો પૂંછડી હલાવતો હલાવતો તમારી પાસે આવી પહોંચશે. તમારે વળી પાછી લાકડી ફટકારવી પડશે. આવું વારંવાર કરશો ત્યારે કદાચ કૂતરાને એવું લાગશે કે હવે તમે એને ચાહતા નથી અને પછી એ તમારી પાસે આવવાનું બંધ કરી દેશે.

કુસંસ્કારો સાથે પણ આવું જ કરવું પડે છે. આ કુસંસ્કારો કૂતરાની જેમ પાળેલા બની ગયા છે. એને આપણે માથા પર ચઢાવી દીધા છે. હવે આપણે એમને જીતવા માગીએ છીએ. એ માટે સૌથી પહેલાં આપણા પોતાના માનસિક ખેંચાણને દૂર કરવું પડે. કૂતરાની જેમ એને પાળવા-પોષવાનું બંધ કરવું પડે.

 દા.ત. આપણા મનમાં લોભનો સંસ્કાર જાગી ઊઠે તો ત્યાગના મહિમાનું ચિંતન કરવું પડે. મનમાં ત્યાગી પુરુષોનો વિચાર જગાડવો પડે. લોભવૃત્તિ જાગે ત્યારે એના પર વારંવાર વિવેકબુદ્ધિનો પ્રહાર કરવો પડે. આ લોભવૃત્તિને આપણે જ વધારી દીધી છે અને હવે આપણે એને સ્પષ્ટ બતાવી દેવું પડશે કે હે લોભવૃત્તિ! હવે અમારે તારો ખપ નથી.

અવાંછનીય વૃત્તિને દૂર કરવા યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ મનને એની વિપરીત વૃત્તિ પર કેન્દ્રિત કરવાની સલાહ આપે છે. આમ કરવાથી આપણે મનમાં એક નવા સંસ્કારને જન્મ આપવા સમર્થ બનીએ છીએ અને એ કુસંસ્કારને ઝડપથી શિથિલ કરીને ક્રમશ: એનો સમૂળગો નાશ કરે છે. મહાબલિ અર્જુન પણ આ સમસ્યાથી ઘેરાયેલા હતા. તેઓ ગીતા (૩.૩૬)માં ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે:

अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः॥

હે વિષ્ણુવંશી, તો પછી આ માણસ કોના દ્વારા પ્રેરિત થઈને, પોતે ઈચ્છતો ન હોય છતાં પણ જાણે પરાણે જોડાયો હોય તેમ પાપનું આચરણ કરે છે?

ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગીતા (૩.૩૭)માં કહે છે:

काम एष क्रोध एष रजोगुणसमुद्भवः।
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम्॥

રજોગુણથી ઉત્પન્ન થયેલ આ કામ છે, આ જ ક્રોધ છે તે ખૂબ ખાનારો – ભોગોથી કદી ધરાય નહિ તેવો – અને મહાપાપી  છે. એને તું શત્રુ માન.

આમ કહીને ભગવાન એ દુશ્મનને જીતવાનો ઉપાય પણ બતાવે છે. એમના કથનનો સાર એ છે કે ઈંદ્રિયો વિષયમાં લીન રહે છે, મન એનો રસ લે છે અને બુદ્ધિ એને સ્વીકૃતિ આપે છે. એટલે કુસંસ્કાર પ્રબળ બની જાય છે. આવા સંસ્કારને દૂર કરવા માટે સૌ પ્રથમ તો બુદ્ધિએ એનો સ્વીકાર કરવાનું કામ બંધ કરવું પડે. પછી મન પોતાના એના પ્રત્યેના આકર્ષણને ખેંચી લે અને ઈંદ્રિયો પોતાને વિષયોથી અલગ કરી દે.

આ કાર્ય ધીરે ધીરે સિદ્ધ થાય છે. વિષયોમાં ભટકતા મનને વારંવાર એમાંથી ખેંચીને ભગવાનમાં લગાડવું જોઈએ. એનાથી કુસંસ્કારોનું જોર એની મેળે ઓછું થઈ જાય છે. આ રીતે આપણે જોઈએ છીએ કે અશુભવૃત્તિ જાગે કે તરત એના પર વિવેકનો વારંવાર પ્રહાર કે પછી એની સાવ ઉપેક્ષા અથવા એનાથી વિપરીત વૃત્તિનું ચિંતન અને ઈશ્વર પાસે આર્તભાવે પ્રાર્થના કરવી. આ છે, એવા ઉપાય જેનો એકી સાથે સહારો લઈને આપણે કુસંસ્કારોને જીતવા સમર્થ બની શકીએ છીએ.

પ્રશ્ન : ભયની ભાવના પર કેવી રીતે વિજય મેળવી શકાય?

ઉત્તર : બધી જાતના ભયને દૂર કરવાનો એક જ ઉપાય છે – તે છે પોતાની જાતને શ્રીભગવાન પ્રત્યે સમર્પિત કરી દેવી.

એક વખત હું હિમાલયની તળેટીમાં હતો. વન્ય પશુઓનો ભય લાગતો હતો અને ભયની આ ભાવનાને લીધે મને સાધના કરવામાં ઘણી અડચણ થતી હતી. એક મહાત્માએ મારી આ દશા જોઈને કહ્યું: ‘જરા વિચારો. તમને શા માટે આટલો ભય લાગે છે? તમને મૃત્યુનો જ ડર છે ને?’ મેં વિચારીને જોયું કે ‘હા, પ્રકારાન્તરે મૃત્યુભય જ મને દુ:ખી કરે છે. વન્ય પશુ મારા પર આક્રમણ કરીને ક્યાંક મારો ખાતમો ન બોલાવી દે એવું વિચારીને મને ડર લાગે છે.’

એ વખતે મહાત્માજીએ કહ્યું: ‘જુઓ, જો તમારા નસીબમાં જંગલી પશુના હાથે મોત લખ્યું હશે તો કોઈ એને ટાળી શકવાનું નથી. અને જો ન લખ્યું હોય તો જંગલનું કોઈ પ્રાણી સામે આવી જાય તો પણ તમારો વાળ વાંકો નહિ થઈ શકે. તમે આ તર્કમાં માનો છો?’

આ વિચાર તો ખરેખર સાચો અને સારો હતો. મહાત્માજીએ વળી ઊમેર્યું: ‘હવે થોડાક દિવસ આ જ સત્ય પર ધ્યાન કરતા રહો.’ મેં એમ કર્યું. એને લીધે ઈશ્વરની ઇચ્છા પ્રત્યેનો સમર્પણભાવ દૃઢ થયો અને ભયની ભાવના ધીમે ધીમે દૂર થઈ ગઈ.

એટલે ભગવાન પ્રત્યેનો સમર્પણભાવ દૃઢ કરો. હિત-અહિત બધામાં એમની ઇચ્છાને જ અનુભવો કે અનુભવવાનો પ્રયાસ કરો. અલબત્ત, સમર્પણભાવ એકાએક આવી ન જાય. એને માટે અધ્યવસાયપૂર્વક પ્રયાસ કરવો પડે. જ્યારે આ ભાવ સિદ્ધ થતો લાગે ત્યારે ભયની ભાવના એની મેળે વિલીન થવા લાગશે.

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.