આજે ટી.વી., છાપાં જેવાં જાહેર માધ્યમોનું અવલોકન કરીએ, તો બે બાબતો સમાંતરે દેખાય છે. એક બાજુ હિંસા, અવ્યવસ્થા, ગોકળગાય છાપ નોકરશાહી, પરંપરાઓની દાદાગીરી, વિભાજિત સમાજ વ્યવસ્થા… વગેરે દેખાય છે, તો સમાંતરે, નવાં નવાં ક્ષેત્રોમાં ભારતીય કુશળતા પ્રગટ થઈ રહી છે અને પ્રગતિશીલ પશ્ચિમને પડકારી રહી છે. બીલ ગેટ્સ સાથે હવે નારાયણ મૂર્તિ કે અઝીમ પ્રેમજીનાં નામ લેવાં પડે છે. હોલીવુડમાં ‘લગાન’ કે એ.આર. રહેમાન પ્રત્યે પણ ધ્યાન આપવું પડે છે. વિજ્ઞાનના વિશ્વમાં ડો. અબ્દુલ કલામને સલામ ભરાય છે. યુનોની વિશ્વ શાંતિ પરિષદમાં માત્ર પાદરીઓને જ નહીં, પ્રમુખ સ્વામી કે રવિશંકરને પણ સાંભળવાની ફરજ પડે છે. રમતગમતમાં સચીન, સાનીયા મીર્ઝા, વિશ્વનાથન, ગીત શેઠીથી વિશ્વના ખેલાડીઓ ડરે છે. અનેક ક્ષેત્રોમાં – ફેશનથી ફિલોસોફી – ભારતીયો ગૌરવભેર ઊભરવા લાગ્યા છે. છાપાંની સનસનાટી પ્રગટાવતી કોલમો વચ્ચે ‘બોક્સ’માં આવા સમાચારો વધવા લાગ્યા છે.
ત્યારે, નવી સદી શરૂ થઈ ત્યારે, એક અમેરિકન સંસ્થાએ ભાખેલ ભવિષ્યવાણી યાદ આવી જાય છે કે ‘આવનારી સદીમાં ભારત બધા દેશોમાં અગ્રણી બનશે.’
આ પ્રગતિ, ચડતીનો વધારે સ્પર્શ, ખાસ કરીને, નવી પેઢીને થવાનો. નવી પેઢી જ તેનાથી વધારે પ્રભાવિત થવાની છે. વધુ લાભ તેને જ મળવાનો છે. અને ‘અગ્રણી’ તેમાંથી જ આવવાના છે.
એટલે, નવી પેઢી જ્યારે ઉંબરા પર ઊભી છે, પ્રગતિનો પવન તેમને તાજગી આપી રહ્યો છે, ત્યારે નવી પેઢી પાસે યોગ્ય વલણો મૂકાય તે જરૂરી છે. નેતાઓ, કેળવણીકારો કે મહાજનોએ – જેઓ સમાજને દોરે છે, પ્રભાવિત કરે છે – નવી પેઢીના મનમાં એવા પ્રેરણાદાયી વિચારો મૂકવાના છે, ઠસાવવાના છે, પચાવવાના છે, જેના પરિણામે આવનારી પેઢી દરેક ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રણી રહે. એવા ક્યા વિચારો મૂકવા જોઈએ?
ભારત સેંકડો વર્ષ એક યા બીજી રીતે ગુલામીમાં રહ્યું છે. તેના પાસે ભવ્ય તત્ત્વજ્ઞાન હતું, પણ સદીઓ સુધી વ્યર્થતા નીચે, પછી તે રાજકીય ગુલામી હોય યા સામાજિક વ્યર્થ પરંપરાઓ હોય, દબાવાથી તેને મોટી ખોટ ગઈ છે. તેની કુશળતા દબાઈ ગઈ છે. વિચારસરણી નાની થઈ ગઈ છે. પોતાની શક્તિ પરની શ્રદ્ધા હચમચી ગઈ છે. એક છૂપી લઘુતાગ્રંથિનો તે શિકાર બની ગયેલ છે. ઘણીવાર શક્તિ હોય, પણ લઘુતાગ્રંથિ તેને બળવતર થવા દેતી નથી. એટલે, અત્યારે, પ્રગતિ કરવા મથતી પેઢીને લઘુતાગ્રંથિ દૂર કરે તેવા, આત્મવિશ્વાસ વધે તેવા, સ્વાવલંબી બનાવે તેવા વિચારો આપવાની જરૂર છે.
*******
આવું વિચારીએ ત્યારે ‘તરત’, સાહજિક રીતે, એક વ્યક્તિનું નામ હોઠો પર, બુદ્ધિમાં, આવી જાય છે.
તે છે – સ્વામી વિવેકાનંદ.
સામાન્ય રીતે સંન્યાસી એટલે ત્યાગ-મોક્ષ-પરલોક-સ્ત્રીત્યાગ – વગેરે વિશે કહ્યા કરે. અને તે સાચું પણ છે. મોટાભાગના તેવા ઉપદેશો છે, હોય છે. કોઈ સંદર્ભમાં તેની જરૂર હશે યા છે!
પણ અત્યારે દેશને જરૂર છે કર્મની! શક્તિની!
ગતિની! મહત્ત્વાકાંક્ષાની! સિદ્ધિ મેળવવાની તમન્નાની! શ્રેષ્ઠત્વની સાધવાની!
ગઈ સદીનું પ્રભાત થતું હતું ત્યારે ભારત સદીઓથી નિદ્રામાંથી જાગતું હતું. ૧૮૫૭ના વિપ્લવની નિષ્ફળતા ડંખતી હતી.
અંગ્રેજોનું ચડિયાતાપણું અખરતું હતું. તેના સમકક્ષ થવાની તાલાવેલી જાગતી હતી અને સ્વતંત્ર થવાનાં સ્વપ્નાં શરૂ થતાં હતાં. પણ ત્યારે આત્મશક્તિની ઉણપ લાગતી હતી તે કેમ મેળવવી તેની મથામણ ચાલતી હતી. દયાનંદ સરસ્વતી, કેશવ સેન, વગેરે નાનાં નાનાં કાર્યો દ્વારા જાગૃત કરવા મથતા હતા.
આ પળે વિવેકાનંદ પ્રવેશ્યા. પૂર્વ-પશ્ચિમનો, બુદ્ધિ અને રહસ્યનો – એક અદ્ભુત સમન્વય હતા તે. હેગલ – શોપનહેરને બુદ્ધિમાં ભરી રામકૃષ્ણને હૃદયે ધરી, અદ્યતન વિચારોથી છલકાતા હતા તે. વળી, તે પ્રથમ વ્યક્તિ હતા જેમણે – શંકરાચાર્ય પછી – સમગ્ર ભારતનું દર્શન કર્યું. પરિણામે ભારતીય માનસની – ખાસ કરીને યુવા મનની – મથામણો નજીકથી જોઈ અને સમજી. અને પછી અમેરિકન વિચારોનો થનગનાટ જોયો. તેમનામાં ઉપનિષદ અને મેનેજમેન્ટ – બંનેનો સંગમ થયો. એટલે તેમની વાણી સંકુચિતતામાં જ ન બંધાતાં વૈશ્વિક બની. ભારતીય પ્રજ્ઞા આધુનિક વિશ્વની ભાષામાં અભિવ્યક્ત થઈ.
વિવેકાનંદ યુવાનોનાં સ્વપ્નાંને બરાબર સમજયા હતા. અને તેથી જ તત્કાલિન પેઢીને જે પ્રેરણાની જરૂર હતી તેને તેમણે વ્યક્ત કરી. માટે જ તેઓ તરત સ્વીકૃત થઈ ગયા. બધાને સ્પર્શી ગયા. સ્વામીજીની વિશિષ્ટતા એ હતી કે તે માત્ર પોતાના યુગને જ ન સ્પર્શ્યા, પણ તેમની વાણી – શાશ્વત સત્યથી રસાયેલી હોવાથી – આજે સો વર્ષ પછી પણ એવી જ તાજગીભરી રહી છે અને પ્રેરણા આપી રહી છે.
એટલે, આજે ટેકનોક્રેટ અને ઈન્ફર્મેશન ટેકનોલોજીવાળા યુવાન ચિત્તને પણ પ્રેરવા – હચમચાવવા – થનગાવવા સ્વામીજીની વાણીની જ જરૂર છે.
*******
આજે પણ ભારતીય યુવા માનસની મૂંઝવણ છે પોતા પર શ્રદ્ધાની. હજી પણ ‘હું કરી શકું?’ – એ તેમનો પ્રશ્ન છે.
ત્યારે વિવેકાનંદ તેના ખભા પર હાથ મૂકી કહે છે, ‘તમારી આ કાયામાં કઈ કઈ શક્તિ, કેવું કેવું સામર્થ્ય, કેવાં કેવાં બળો છૂપાઈ રહ્યાં છે તે તમે જાણો છો? … તમારી અંદર જે રહેલું છે તે સંબંધી તમે બહુ ઓછું જાણો છો. તમારી પાછળ અનંત શક્તિ અને આનંદનો મહાસાગર ભરેલો છે.’
– પણ મને મદદ કરનાર તો કોઈ જોઈએ ને? હું એકલો કે એકલી શું કરી શકું? .. મૂંઝવણભર્યાં મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે.
ખડખડાટ હસતાં સ્વામીજી કહે છે, ‘તમને વળી કોણ મદદ કરશે? તમે પોતે જ વિશ્વને મદદ કરનાર છો. શા માટે જ્યાં ત્યાં ફાંફાં મારો છો? તમારા પોતા સિવાય બહાર બીજે ક્યાંયથી પણ મદદ નથી આવતી.’
પછી પાનો ચડાવતાં કહે છે, ‘જેઓ કાર્યક્ષેત્રમાં પ્રવેશે અને તરત જ એમ માને કે મદદ ચોક્કસ મળશે, એવા માણસો ખરેખર કાર્ય કરે છે.’
– પણ નિષ્ફળતાનો ડર લાગે છે! … તો?
‘નિરાશા મળે તેથી શું?’ ગર્જના કરતાં આ વેદાંત – કેસરી કહે છે, ‘આ નિષ્ફળતાઓ તો તદ્દન સ્વાભાવિક છે. એમના સિવાય જીવન કેવું થઈ જાય? જો જીવનમાં સંગ્રામ ન હોય, તો પછી તેની કશી જ કિંમત ન રહે… એક હજાર વાર પ્રયત્ન કરો અને હજાર વાર નિષ્ફળ જાવ, તો પણ ફરી પ્રયત્ન કરજો.’
પછી પ્રેરણા આપતાં કહે છે, ‘જો તમારામાં આત્મવિશ્વાસ નહીં હોય, તો તમારા માટે મુક્તિ નથી. તમારામાં શ્રદ્ધા રાખો તથા તે શ્રદ્ધા પર ખડા રહો.’
*******
આજે યુવા વર્ગ – છોકરા, છોકરીઓ બંને – જે આગળ વધવા થનગની રહ્યાં છે, તેમણે શ્રદ્ધાપૂર્વક વિવેકાનંદનું અધ્યયન કરવાની જરૂર છે. આજે મેનેજમેન્ટનું જે વિજ્ઞાન વિકસી રહ્યું છે, માર્ગદર્શન અને તાલીમની વ્યવસ્થા વિકસી રહી છે, તે બધાનાં મૂળિયાં વિવેકાનંદના વિચારોમાં જોવા મળે છે. અને વિવેકાનંદની ખૂબી એ છે કે તેમના વિચારો શૂષ્ક ઉપદેશ કે કેવળ હકીકત નથી, તે તો ઉષ્મા અને પ્રેમથી છલકાતા વિચારો છે. માટે જ વાચકને ભીંજવી જાય છે અને પ્રેરણા આપે છે. સ્વામીજી એટલે લાગણીથી સંબોધે કે વાચક આંતર સમૃદ્ધિથી ભરાઈ જાય. અને તેમના વિચારોમાં એટલી વિશાળતા છે તથા નકારાત્મકતાનો અભાવ છે કે મનમાં કેવળ વિધાયકતા પ્રગટે છે.
પણ, મૂળ વાત એ કે, ‘પ્રગતિ મેનેજમેન્ટ’ (Development Management)ના સંદર્ભમાં વિવેકાનંદને એક મેનેજર, મેનેજમેન્ટ ગુરુ, કાઉન્સેલર તરીકે વર્તમાન સંદર્ભમાં અભ્યાસ કરવાની જરૂર છે. વિવેકાનંદના વિચારોનો સ્પર્શ થયો હશે અને જો યુવા ચિત હશે તો – સમગ્ર શરીરમાં એક સરસ જીવવાની, બંદૂકની ગોળીની ગતિથી આગળ વધવાની, પોતામાંના શ્રેષ્ઠત્વને પ્રગટાવવાની, આકાશને આંબવાની તીવ્ર, કલ્પનાતીત મહેચ્છા પ્રગટી ઉઠશે. આંખો સ્વપ્નાંથી છલકાઈ ઉઠશે. ભારત પ્રત્યે ઊંડો પ્રેમ જન્મશે. સમગ્ર વ્યક્તિત્વ થનગની ઉઠશે. પળે પળની કિંમત સમજાશે અને તેનો ઉપયોગ પળે પળ પોતાના વ્યક્તિત્વને ઉદાત કરવામાં જ વપરાશે. પળે પળ પોતામાંની શક્તિનું પ્રગટીકરણ થતું દેખાશે. અને અગત્યની વાત એ કે પોતામાં જ રહેલ ડહાપણ અનુભવાશે – જે અદ્ભુત અનુભૂતિઓ કરાવશે.
ત્યારે વિવેકાનંદનું આ વાક્ય બરાબર સમજાશે :-
‘તમારામાં રહેલ દિવ્યતા પ્રગટ કરો, એટલે તેની આસપાસ બધું જ સુંદર ગોઠવાઈ જશે.’
Your Content Goes Here




