મોતી લેણા ગોતી

દલ દરિયા મેં ડૂબકી દેણા,

મોતી રે લેણા ગોતી એ જી જી.

ખારા સમદર મેં છીપ બસત હે,

ભાત ભાતરાં મોતી એ જી,

એ મોતી કોઈ મરજીવા માણે,

નહીં પુસ્તક, નહીં પોથી રે. – દલ.

મુખા કમળ પર મરઘા કમળ હે,

તા પર ગંગા હોતી એ જી,

તન કર સાબુ, મન કર પાણી,

ધોઈ લેણા હરદારી ધોતી રે. – દલ.

રણુંકા૨ મેં ઝણુંકાર હે,

ઝણુંકાર મેં જ્યોતિ એ જી,

એ જ્યોતિ અભેપદ હોતી,

વહાં હે એક મોતી રે. – દલ.

નવ દુવારા, દસમી ખડકી,

ખડકી મેં એક ખડકી એ જી,

એ ખડકી કોઈ સતગુરુ ખોલે

કૂંચી ઉનરા ઘરકી રે. – દલ.

ડાબી ઇંગલા, જમણી પીંગલા,

નુરત સુરત કર જોતી,

દેવ ડુંગરપુરી બોલિયા,

હું હરખે હાર પરોતી. –

દલ દરિયામેં ડૂબકી દેણા,

મોતી રે લેણા ગોતી.

દિલના દરિયામાં ડૂબકી મારો અને આત્મજ્ઞાનરૂપી મોતી હાથ કરી લો.

સત કેરી વાણી

‘ખારા સમદર મેં છીપ’– અસાર લાગતા આ સંસારમાં દેહરૂપી છીપ મળેલ છે. એ છીપમાં મોતી સમી – અનેક જાતની કીમતી વસ્તુઓ પડી છે. પણ જીવનની સાધના દ્વારા જે ઝંપલાવે છે એ જ પરમ મોતી જેવી સારવસ્તુ – આત્મદર્શનને પામે છે. પુસ્તક – પોથાં – માત્ર શાસ્ત્ર – પુરાણો વાંચવાથી આ મોતી હાથ આવતું નથી.

પોતાની અંદર જ શોધ કરી અનેક રત્નોમાંથી પારસમણિને મેળવી લેવાનું એક રામપ્રસાદી ભજન છે:

‘આપના તે આપત્તિ થેકો, મન જેઓ ના કારુ ઘરે,

કતો મણિ પડે આછે આમાર ચિંતામણિર નાચદુયારે.’

(તું પોતે જ પોતાની અંદર રહે, મન, તું કોઈને ઘેર જ્યાં ત્યાં ભટકતું નહીં. મારા ચિંતામણિને આંગણે અનેક મણિ પડ્યા છે.)

પોતાની અંદર જ ડૂબકી મારી પરમ રત્નને પ્રાપ્ત કરવાની હાકલ કરતું એક બાઉલ ગીત છે:

‘ડૂબ ડૂબ ડૂબ રૂપસાગરે આમાર મન,

તલાતલ પાતાલ – ખોંજલે પાબિરે પ્રેમરત્ન ધન.’

(હે મારા મન, તું રૂપસાગરમાં – અવ્યક્ત જગતમાં જ ઊંડે ઊંડે ડૂબકી માર. તારી અંદર સાત પાતાળ તું શોધી વળીશ તો એમાં જ તને પ્રેમનું અમૂલ્ય રત્ન મળી આવશે.)

‘મુખા કમળ પર’ – મુખકમળ ઉપર મરઘાકમળ – નેત્રોરૂપી કમળ છે. અને એ બે નેત્રો વચ્ચે, ભ્રૂમધ્યમાં ગંગા – પવિત્ર જ્ઞાનનું કેન્દ્ર, આજ્ઞાચક્ર છે. એ જ્ઞાનના પ્રવાહમાં હૃદયની ધોતી ધોઈ લે, નિર્મળ બની જા.

‘રણુંકાર મેં’ – નામજપમાં તારા રોમેરોમ જ્યારે રણકાર કરી ઊઠશે ત્યારે તેમાંથી જ અનહદ નાદનો ઝણકા૨ જાગશે. એ નાદમાં જ તને જ્યોતિનાં દર્શન થશે. એ જ્યોતિ અભયપદ, પરમપદ દર્શાવે છે અને ત્યાં આત્માનું સ્વચ્છ મોતી પ્રકાશે છે.

‘નવ દુવારા, દસમી ખડકી’ – આ દેહનાં નવ દ્વાર ઉપરાંત મૂલાધારમાં સુષુમ્ણાનું દશમું દ્વાર છે. આ દેશમા દ્વારમાં પણ કુંડલિની જ્યારે ઊંચે ચડે છે ત્યારે ‘ખડકી મેં એક ખડકી’ – બ્રહ્મરન્ધ્રનું સૂક્ષ્મ દ્વાર ખૂલે છે. પણ તેને ખોલવાનું રહસ્ય તો કોઈ સતગુરુ જાણે છે.

ડુંગરપુરી કહે છે કે ડાબી ઈંગલા – ચન્દ્રનાડી, જમણી પિંગલા – સૂર્યનાડી આ બંનેમાં વહેતા પ્રાણના પ્રવાહને તલ્લીનતાથી નીરખીને હું તેને આનંદથી સુષુમ્ણામાં પરોવું છું.

 

Total Views: 453

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.