આ તારો પિયાલો છે – આદિકાળથી તારે માટે એ નિર્માયેલો છે.
ના, મારા બાળ, એમાંથી કેટલું તારું પોતાનું કાળું ઉકાળેલું છે તે હું જાણું છું.
યુગો જૂની વાસનાઓ અને દોષો,
વીતેલાં કંઈક વર્ષોમાં એ ભેગાં થયાં છે હું જાણું છું.
આ તારો પંથ છે – યાતનામય અને ઉજ્જડ,
તને આરામ ન મળે એ માટે મેં પાણા બનાવી મૂકયા છે.
તારા મિત્રને મેં આનંદદાયક અને ચોખ્ખું મારગે મેલ્યો છે,
અને, તારી જેમ, એ પણ મારી છાતીએ વળગશે.
પણ, મારા બાળ, તારે આ માર્ગે જવાનું છે,
એ તારું કર્તવ્ય છે. એમાં આનંદ નથી કે કૃપા નથી,
પણ એ માર્ગ બીજા કોઈ માટે નિર્માયો નથી,
અને મારા વિશ્વમાં બધાં માટે સ્થાન નિર્ધારિત છે,
લઈ લે એ. તું સમજ એમ હું આજ્ઞા નથી કરતો.
હું આજ્ઞા કરું છું : તારાં ચક્ષુ બંધ કર ને મારાં દર્શન કર.
– સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ મહાન પરિવ્રાજક હતા. આજ અહીં તો કાલ ત્યાં. એટલે એમણે આ રચના ક્યારે ને ક્યાં કરી તે વિશે કશી માહિતી નથી. સંસ્કૃતમાં, બંગાળીમાં, હિંદીમાં અને અંગ્રેજીમાં એમણે કેટલીક કાવ્ય રચનાઓ કરી છે. સ્વામીજીની આ કૃતિ મૂળ અંગ્રેજીમાં લખાયેલી છે.
અંગ્રેજોના ભારતના સામ્રાજ્યની પાટનગરી ત્યારે કલકત્તા હતી. એ કલકત્તામાં રહેવું, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શાળા કૉલેજમાં અભ્યાસ કરવો અને પાદરીઓના કે ‘બાઈબલ’ના સંપર્કમાં ન આવવું એ પગ ભીના કર્યા વિના દરિયામાં ચાલવા જેવું હતું.
પણ અતીવ સુદૃઢ મનોબળવાળા અને અજ્ઞેયવાદની છાયામાં ઉછરતા નરેન્દ્રનાથ દત્ત એમ પાદરીઓના પ્રભાવમાં પકડાય તેવા ન હતા. છતાં એમણે ખ્રિસ્તીઓના ધર્મગ્રંથ ‘બાઈબલ’નો ઊંડો અભ્યાસ કર્યો હતો અને પાવક જ્યોત જેવા ઈસુ ખ્રિસ્તના જીવનથી એ ખૂબ પ્રભાવિત થયા હતા. એમના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસે પણ ખ્રિસ્તી ધર્મની સાધના કરી હતી. અને જગતના બધા ધર્મોનો સ્વીકાર એ કરતા.
સ્વામી વિવેકાનંદના અંગ્રેજી કાવ્ય ‘ધ કપ’નો આ અનુવાદ છે. ઈસુ ખ્રિસ્તના જીવનના અંત સમયની એક અદ્ભુત ઘટના આ કાવ્યનો વિષય છે.
ઈસુના જીવન વિશેની હકીકતો ‘બાઈબલ’ના ‘નવા કરાર’ નામથી ઓળખાતા ભાગમાંની ચાર ‘સુવાર્તાઓ’માં મળે છે. એ ‘સુવાર્તાઓ’ના લેખકો માર્ક, મેથ્યુ, લૂક અને યોહાન હતા. કેટલાક વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આમાંથી યોહાને પોતાની કિશોર વયમાં ઈસુ ખ્રિસ્તને જોયેલા, યોહાનની ‘સુવાર્તા’ એકદમ બળુકી છે. ચારેય ‘સુવાર્તાઓ’માં આ પિયાલાની, ‘કપ’ની વાત થોડા પાઠાન્તરભેદ સાથે મળે છે.
યહુદી લોકો પાસ્ખાનું પર્વ બેખમીર રોટીથી ઉજવે છે. એ પર્વ ઈસુએ વિશિષ્ટ રીતે ઉજવ્યું. ખૂબ આનાકાની કરતા શિષ્યોના ઈસુએ પગ ધોયા અને લૂછ્યા. પોતે સુરાપાન ન કરતા પણ પોતાની પાસે પડેલો જામ તેમણે બધા શિષ્યોને અંજલિરૂપે આપ્યો અને પછી રોટીના ટુકડા કરી એ જામમાંના આસવને અડકાડી દરેક શિષ્યને અક્કેક ટુકડો આપ્યો. મેથ્યુમાં આ પ્રસંગ આ પ્રમાણે વર્ણવાયો છે :
હવે ભોજન દરમિયાન ઈસુએ રોટી લીધી, ઇશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડા કરી શિષ્યોને આપતાં કહ્યું : ‘લો, ખાઓ, આ મારું શરીર છે.’ (૨૬.૨૬) પછી તેમણે એક પ્યાલો લીધો અને ઇશ્વરનો આભાર માની તે શિષ્યોને આપતાં કહ્યું : ‘તમે આમાંથી પીઓ, કારણ, એ મારું લોહી છે, કરારનું લોહી છે. એ સૌની પાપમુક્તિ અર્થે રેડાવાનું છે. હું તમને કહું છું કે મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો આસવ પીશ તે દિવસ સુધી હું હવે કદી આ દ્રાક્ષનો આસવ પીવાનો નથી.’ (૨૬. ૨૭-૨૮-૨૯)
(નગીનદાસ પારેખ અને ઈસુદાસ દ્વારા અનુવાદિત ‘સંપૂર્ણ બાઈબલ’ (પ્રકા. ગુજરાત સાહિત્ય પ્રકાશ, આણંદ)માંથી આ અવતરણ લીધેલું છે. ‘નવો કરાર’ પૃ. ૪૦)
બેગુનાહ ઈસુને પકડવામાં આવ્યા તેની થોડીક જ ક્ષણ પહેલાં બોલાયેલા આ શબ્દો સૂચક છે. પોતાના શરીર અને લોહીના ઉલ્લેખ દ્વારા ઈસુ પોતાનું બલિદાન સૂચવે છે. આજે પણ રોમન કૅથોલિક દેવળોમાં રવિવારની પ્રાર્થના પછી આ પ્રસાદ અને અંજલિ લેવાનો રિવાજ છે. સ્વામી વિવેકાનંદના કાવ્યમાં ઈસુના આ બલિદાનનો સંકેત છે.
ઈસુ પ્રભુના બાળ મનાયા છે અને એ રીતે પુજાયા છે. ઈસુના જીવનનો આ પ્રસંગ ‘છેલ્લું વાળુ’ – ધ લાસ્ટ સપર – ખૂબ કરુણગર્ભ પ્રસંગ છે. એક વિખ્યાત ચિત્રકાર લિયોનાર્દો ધ દા વિન્ચીએ આ પ્રસંગનું કરુણ ભવ્ય ચિત્ર દોર્યું છે. યહુદા નામનો પોતાનો શિષ્ય ચાંદીના પચ્ચીસ સિક્કાના બદલામાં પોતાને દગો દેવાનો છે તે ઈસુ જાણે છે. છતાં એમના મુખ પર અભય છે, કરુણા છે, પ્રેમ છે, ક્ષમા છે.
પોતાના આવા બાળને પ્રભુ કહે છે : આ તારો પિયાલો છે – આદિકાળથી તારે માટે એ નિર્માયો છે.
મીરાંબાઈ જન્મ્યાં ત્યારથી વિધાતાએ એમના છઠ્ઠીના લેખમાં ઝેરનો કટોરો લખી દીધો હતો તેમ, ઈસુના ભાગ્યમાં પણ આ દગાનો ભોગ બનવાનું લખાયેલું હતું. પોતે યહુદાના દગાથી પકડાઈ જવાના છે એ જાણતા હતા છતાં એમણે ન યહુદાને દૂર કર્યો, ન એનાથી ખાનગી રીતે પાસ્ખાનું પર્વ ઉજવ્યું કે, ન પોતે એ ભોજનમાંથી ગેરહાજર રહ્યા કે ભાગી ગયા. સમસ્ત માનવજાતનું હિત કરવા આવેલી વ્યક્તિ કાયર ન હોય. પોતાના નિર્માણનો એ સામનો કરે જ.
ઈસુ માનવજાતનાં પાપનું પ્રાયશ્ચિત કરવા આવ્યા હતા. એ ઝેરના કટોરામાં જે પાપરૂપી વિષ હતું તે માનવજાતનાં પાપનું વિષ હતું. એ પિયાલો પીને પોતાના દેહનું અમંગલ થવાનું હતું તે ઈસુ જાણતા હતા. સાથે સાથે જગતનું મંગલ પણ એના દ્વારા જ થવાનું હતું.
ખ્રિસ્તીઓ માને છે કે પરમેશ્વરે જે જ્ઞાનવૃક્ષનું ફળ ખાવાની મનાઈ કરી હતી તે ખાઈને ઈવે અને આદમે જે પાપ કર્યું તે આદિ પાતક આદમની બધી પ્રજાને માથે લદાયેલું છે. વાસનામાંથી એ આદિ પાતક ઉદ્ભવ્યું હતું. ત્યાર પછીના આદમ વંશમાં એ વાસના વધતી જ ચાલી છે, ભાઈ ભાઈની કાપાકાપી અને એવાં બીજાં અનેક પાપો માણસજાત પોતાને માથે લાદતી આવી છે. આ છે ‘યુગો જૂનાં વાસનાઓ અને દોષો’. સદીઓથી એનો ખડકલો થઈ ગયો છે.
પ્રભુપિતા પોતાના બાળને કહે છે : આ તારો પંથ છે – યાતનામય અને ઉજ્જડ, ગાંધીજીના શબ્દો, ‘મેં ભાખરી માંગી અને મળ્યો પથરો’, યાદ આવે છે. પયગંબરોના પંથ ફૂલોની બિછાત નથી હોતા. ૧૮૯૩ના સપ્ટેમ્બરની અગિયારમી તારીખે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં પોતાના પ્રથમ પ્રવચનથી એ જગદ્ગુરુ બની ગયા, તેની પહેલાંનાં વિવેકાનંદનાં સાત વર્ષો, ૧૮૮૬ના ઑગસ્ટની સોળમીએ શ્રીરામકૃષ્ણ પરમહંસનું નિર્વાણ થયું, ત્યારથી આરંભાયેલાં તપ-તિતિક્ષા- ભ્રમણનાં સાત વર્ષો, લૌકિક દૃષ્ટિએ, ખૂબ યાતનામય હતાં. એ પંથ પર એ એકલા અટૂલા હતા અને પંથ ખૂબ કષ્ટમય હતો. દિવસો આહાર વિના વિતાવ્યાથી એક સ્થળે અધમૂઆ થઈને પડ્યા હતા અને ત્યાંથી પસાર થનાર કોઈ મુસલમાન ચાચાએ કાકડીનાં રસનાં ટીપાં ટીપાં પાઈ સ્વામીજીમાં પાછું ચેતન આપ્યું હતું. લીંબડીમાં દાખલ થતાં જ એ કોઈ વામમાર્ગી સાધુઓના કેદી બની ગયા હતા. વિશ્વધર્મ પરિષદના પ્રતિનિધિ તરીકે સ્વીકૃતિ પામ્યા પછી બૉસ્ટનથી શિકાગો ગયા ત્યારે, વિશ્વધર્મ પરિષદની પૂર્વ રાત એમણે એક ભારખાનામાં વીતાવી હતી. આવા પયંગબરોના માર્ગમાં પ્રભુ જ કાંટા અને પાણા પાથરી રાખે છે.
પયગંબરની કસોટી એટલે આપણી ચીલાચાલુ પરીક્ષા નથી – પાંત્રીસ ટકાએ પાસ. ગાઈડમાંથી થોડું ગોખી નાખો, થોડું અડખે પડખેના વિદ્યાર્થીમાંથી લખી લો. પાંચ-સાત કૃપાગુણ મળી જશે ને પાસ થઈ જશો. અંબરીષની, પ્રહ્લાદની, સગાળશાની, સૉક્રેટિસની, સંત પીતરની અને સંત પૉલની, ગાંધીજીની કોઈની પણ કસોટી જુઓ. એમને માટે આરામ ન હતો. એમનો પંથ ખૂબ કઠણ હતો. પવનો શાંતાનુકુલ ન હતા. માર્ગે હરિત વૃક્ષોની છાયા ન હતી. ઠેસ, ઠેબાં, ગડથોલિયાં ખાતાં જ જઈ શકાય એવો દુષ્કર એ માર્ગ હતો.
અને જાણે ભક્તની મજાક ઉડાવતા હોય તેમ ભગવાન કહે છે
તારા મિત્રને મેં આનંદદાયક અને
ચોખ્ખા મારગે મેલ્યો છે.
આ કેવું આશ્ચર્ય! ભક્તનો મારગ ખાંડાની ધારનો અને બીજાઓનો ‘આનંદદાયક અને ચોખ્ખા’ વાત એટલેથી જ નથી અટકતી. પ્રભુ કહે છે :
અને, તારી જેમ, એ પણ મારી છાતીએ વળગશે. પણ આ જાણ્યા છતાંયે સાચો ભક્ત કદી પોતાની શ્રદ્ધા ગુમાવતો નથી. ‘તું મારા કટકા કરી નાખશે તો યે હું તારામાં જ શ્રદ્ધા રાખીશ’ એમ ઈસુએ પોતે જ કહ્યું છે. લખેશરીથી પૂરું ન પડે એવું મોસાળું, નરસિંહ મહેતાને વિશ્વાસ છે કે, વૈકુંઠનાથ પૂરશે. ભક્ત ભગવાનની છાતીએ વળગવા નથી ચાહતો. એ ઝંખે છે એની ચરણરજ થવા, દાસાનુદાસ થવા.
કિંકર્તવ્યમૂઢ બનેલા અર્જુનને પોતાનાં કર્તવ્યોનો બોધ ભગવાન શ્રીકૃષ્ણે આપ્યો હતો. પરમ જ્ઞાની વ્યાધ માંસના કટકા કરી તેને વેચવાનું કર્તવ્ય કરતા હતા. આગ લાગ્યાના વાવડથી અષ્ટાવક્ર પાસે કથા સાંભળતા સાધુ સંતો પોતાનાં લંગોટી, કમંડલ કે કૌપીન બચાવવા દોડ્યા હતા પણ જનક રાજા વિચલિત થયા વિના ત્યાં જ બેઠા રહ્યા હતા કારણ કે એમને પોતાના કર્તવ્યનું ભાન હતું.
કર્તવ્ય નિર્મોહી થઈને, નિઃસ્પૃહી થઈને, સ્થિતપ્રજ્ઞ થઈને કરવાનું છે. પોતાનાં સ્વજનોને હણવામાં અર્જુનને આનંદ ન હતો. એ એમનું કર્તવ્ય હતું. કર્તવ્ય કરનારે કૃપાની વાંછા પણ રાખવાની નથી. શા માટે એ ‘તારું’ કર્તવ્ય છે? દરેક વ્યક્તિ માટે નિયતિએ કર્તવ્ય નક્કી કરી રાખ્યું છે માટે વિશ્વની વિરાટ યોજનામાં જે ચોર્યાસી લાખ યોનિઓના જીવો છે તે દરેકનું સ્થાન, તે દરેકનું કર્તવ્ય એ વિશ્વના સર્જકે નક્કી કરી રાખ્યું છે. પોતાના શરીરના વજન કરતાં ત્રણ ગણું વજન ઉપાડતી કીડી મણનો તો શું દસ ગ્રામનો બોજો પણ વેંઢારી ન શકે. કીડી પોતાને, મધમાખી પોતાને, ગરોળી પોતાને, હંસ પોતાને ને હાથી પોતાને એમ સૌ જીવો પોતપોતાને નિર્ધારિત સ્થાને કામ કરે છે. શિયાળ ગમે તેટલું ચતુર ગણાતું હોય, એ પ્રૉફેસર નથી બની શકતું. વાઘ ગમે તેટલું ઘાતકી પ્રાણી હોય, સૈન્યમાં એની ભરતી નથી કરી શકાતી. એટલે, ‘તારે માટે આ જે ઝેરનો પિયાલો નિર્માયો છે એ તું લઈ લે ને ગટગટાવી જા!’
અને આ નિયતિકૃત નિયમ છે માટે, હું તને એ પીવાની આજ્ઞા નથી કરતો! વિશ્વકર્તાની આજ્ઞા અને, એનું રહસ્ય સ્વામીજીએ સૉનેટની છેલ્લી પંક્તિમાં મૂક્યું છે.
હું આજ્ઞા કરું છું, ‘તારાં ચક્ષુ બંધ કર ને મારાં દર્શન કર.’
જગતની સ્થૂળ દૃષ્ટિએ જે ઝેરનો પ્યાલો છે તેને અમૃત જાણી પી જાય તે જ પ્રભુનાં દર્શન પામે છે. મીરાંબાઈએ ઝેર તો પીધું હતું. સૉક્રેટિસ પણ હૅમ્લોક વિષનો પ્યાલો પ્રેમથી ગટગટાવી ગયા હતા. આમ અમંગલનું પાન કરવા છતાંય એમનાં શીલ મંગલમય બની ગયાં છે. અહીં પણ આજ્ઞા છે : ‘ચર્મચક્ષુ બંધ કર, તારી ભીતર તું મને જોઈશ, મને પામીશ.’ ઝેરનો કટોરો ફેંકીને નાસી જવાથી ભગવદ્દર્શન થવાનું નથી. રવિશંકર મહારાજ બહારવટિયાઓને મળવા માટે તેમને પોતાની પાસે બોલાવતા ન હતા. પોતે તેમને મળવા જતા. પોતે પણ બહારવટિયા હતા ને, ‘ગાંધી મા’ત્માની ટોળીના!’ નિર્ભયતાપૂર્વક આવો જોખમનો માર્ગ અંધારી રાતે એ ખેડતા પરિણામે, ધારાળાઓને રોજ રાતે પોલીસ ચોકીએ હાજરી પુરાવવામાંથી મુક્તિ મળી, કેટલાય લોકોને પોતાનો ચોરાયેલો માલ મળ્યો અને અનેક લોકો સન્માર્ગે વળ્યા. પોતાનાં નયન બંધ કરીને એ જે દર્શન પામ્યા હશે તે વિશે એમને કહ્યું નથી પણ એમની ‘ગીતા બોધવાણી’માં એમનું દર્શન વ્યક્ત થાય છે. ખૂબ ખૂબ કરેલી કાકલૂદીઓ વ્યર્થ ગયા પછી એક રાતે માતાનાં મંદિરમાં જઈ માતાજીનું ખડ્ગ ગળે મૂક્યું ત્યારે માનાં દર્શન શ્રીરામકૃષ્ણ પામ્યા હતા. ચોખા કેળાંની વિદ્યા પ્રાપ્ત કરી હોત તો, એ બે પાંદડે થઈ શક્યા હોત પણ આ તો ભાગ્ય આડેનું પાંદડુંજ ખસી ગયું. ભગવાનનું દર્શન એ ઈન્દ્રિયાતીત અનુભૂતિ છે.
સ્વામીજીના આ કાવ્યનું નિમિત્ત હતાં ભગિની નિવેદિતા. ઈસુએ માછીમારી કરતા પીતરને પોતાની પાછળ ચાલી આવવાનું કહેતાં, કોઈને કશું પૂછવા કે કોઈની રજા લેવા રોકાયા વિના પીતર ચાલી નીકળ્યા હતા તેમ, સ્વામીજીને બોલે વતનની સુખ – સગવડભરી, કુટુંબની હૂંફભરી જિંદગી છોડી, સાધ્વી બની ભારત આવી પોતાના જીવનમાં ક્રાંતિકારક પરિવર્તન લાવવા છતાંય, ભારતના અસહિષ્ણુ, જ્ઞાતિબદ્ધ, જૂનવાણી સમાજના ટપલાં નિવેદિતાને ખાવા પડતાં હતાં. આજે આપણે ડાયનિંગ ટેબલ ભણી વળ્યાં છીએ તથા બ્રેડ, ચીઝ, પિઝા જેવી અનેક યુરોપીય વાનગીઓ આરોગતાં થયાં છીએ ત્યારે, આજથી સૌ વર્ષ પહેલાં, સંપૂર્ણ ભારતીય જીવન શૈલી અપનાવી, પાટલે બેસી હાથે જમવામાં, ને તે યે ભારતીય વાનગીઓ ખાવામાં, ભોયે સૂવામાં અને સાધ્વી જીવન જીવવામાં, મિસ માર્ગારેટ નોબેલમાંથી ભગિની નિવેદિતા બનવામાં કેટલાં તપ ત્યાગ કરવાં પડ્યાં હશે તેની કલ્પના પણ મુશ્કેલ છે. તો વિધર્મી અને વિદેશી પ્રત્યેની આભડછેટ અને રક્તજન્ય અપમાનની કક્ષાએ જતી ઉપેક્ષાની ભાવના જે સમાજની સેવા કરવાને ભગિની આવ્યાં હતાં તે સમાજ તરફથી મળે ત્યારે, ભગિનીનું આળું મન કેવા આઘાત અનુભવતું હશે? જેમની સેવા કરવાને પોતે સર્વસ્વ તજીને આવ્યાં છે તે સમાજનું તેમના પ્રત્યેનું આવું હીણું વર્તન તે આ ‘પિયાલો’ આ બાબતને નજર સામે રાખી કાવ્ય વાંચવાથી સ્વામીજીની આશ્વાસનની રીતની ભવ્યતા આપણે સમજી શકીશું. નિવેદિતા માટે રૂઢિચુસ્ત બંગાળી સમાજે જે ઝેરનો કટોરો આપ્યો હતો તેને સ્વામીજીના આ શબ્દોએ અમૃત બનાવી દીધો હતો.
આમ પોતાના આ સૉનેટમાં, ઈસુ ખ્રિસ્તના જીવનની એક માર્મિક ઘટના લઈને સ્વામી વિવેકાનંદે જે વાત કરી છે તે દેશકાળથી પરની, ખાંડાની ધારના ભક્તિના માર્ગની, સાર્વત્રિક દિવ્ય અનુભૂતિની છે. સ્પેનની સંત ટૅરૅસા, ઈટલિના સંત બૅનિડિકટ, સંત જ્ઞાનેશ્વર, નરસિંહ મહેતા, રાબિયા, શ્રીરામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, શ્રી શારદામા અને જેમને સંબોધીને આ લખાયું છે તે વીરાંગના ભગિની નિવેદિતા આ બધાં આ ઝેરનો પિયાલો પીનારાંની જમાતનાં.
એ સમસ્ત જમાતને સાષ્ટાંગ પ્રણામ.
Your Content Goes Here




