श्रवणायापि बहुभिर्यो न लभ्यः
शृण्वन्तोऽपि बहवो यं न विद्युः ।
आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धाऽऽ
श्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥ ७ ॥

यः, તે (એટલે આત્મા વિશે); बहुभिः, ઘણા (લોકો)ને (તો); श्रवणाय अपि, સાંભળવાનો મોકો પણ; लम्यः, મળતો નથી; यम्, જેને વિશે; शृण्वन्तः, સાંભળનારાઓ પણ; बहवः, ઘણા; विद्युः, (એને) જાણતા (સમજતા) નથી; वक्ता, કહેનાર (એટલે કે આત્માનો ઉપદેશક); आश्चर्यः, જવલ્લે જ પ્રાપ્ત થનારો હોય છે; अश्य लब्धा, આ (આત્મતત્ત્વને) પ્રાપ્ત કરનાર; कुशलः, ખૂબ જ ઉચ્ચ કોટિનો હોય છે; आश्चर्यः, ખૂબ મુશ્કેલીથી મળે તેવો, (ઘણા ઓછા જિજ્ઞાસુઓ પૈકીના માંડ માંડ કોઈ એક); ज्ञाता, જાણનાર (આત્મજ્ઞાની); कुशलानुशिष्टः, કોઈ શ્રેષ્ઠ ગુરુ દ્વારા ઉપદેશ અપાયેલો.

એવું બનતું હોય છે કે ઘણા લોકોને તો આત્મા વિશે સાંભળવાની તક જ મળતી નથી. વળી જેમને એ સાંભળવાની તક મળે છે, તેમાંના પણ ઘણા લોકો એનો અર્થ સમજતા નથી. ખરી રીતે તો ખૂબ જ ઓછા લોકો આત્મા વિશે ઉપદેશ આપવા માટે સમર્થ હોય છે અને આ રીતે જેઓ આત્મજ્ઞાન મેળવે છે તેમણે ખૂબ જ સજ્જ થવું જોઈએ. આ રીતે ગણ્યાગાંઠ્યા લોકો જ સારી રીતે સજ્જ થયેલા ગુરુઓ પાસેથી શીખી – જાણીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. (૭)

આપણે જગતમાં એવું જોઈએ છીએ કે ઘણાખરા લોકો ‘પ્રેયસ્‌’ ભોગો)ની પાછળ જ પડ્યા હોય છે. અને ઓછા-ઘણા ઓછા – જ ખરેખર ‘શ્રેયસ્‌’ની (શુભની) ખેવના કરતા હોય છે, અને ‘શ્રેયસ્‌’ને ઝંખતા લોકોમાં પણ ઘણા તો આત્મજ્ઞાન માટે અપાત્ર જ હોય છે. આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે ઈંદ્રિયજન્ય સુખોને લાત મારી દેનાર નચિકેતા જેવા કેટલા છે? ઘણા ખરા લોકો તો પોતાની ભૌતિક સુખસુવિધાઓથી સંતોષ માને છે. તેઓ શરીરથી આગળ કશું વિચારતા નથી – કદાચ વિચારી શકતા નથી – તમે એવાઓને આત્મા વિશે કંઈક કહો, તો પણ કાં તો તેઓ તમારી વાત માનશે નહિ, અથવા તો જલદી કંટાળી જશે. પણ આનો અર્થ એવો નથી થતો કે જેઓ આત્મજ્ઞાન વિશે સાંભળે છે, તે બધા એ શું છે તે સમજી જાણી પણ જાય છે. કોઈ એકલદોકલ સમજી – જાણી લે તે જુદી વાત. જે લોકો ‘શ્રેયસ્‌’ અને ‘પ્રેયસ્‌’ વચ્ચેનો તફાવત કરી શકે તેવા છે, જેમણે ‘પ્રેયસ્‌’ કરતાં ‘શ્રેયસ્‌’ને પ્રથમ પસંદગી આપી છે અને જેમણે સંપૂર્ણ આત્મસંયમ સિદ્ધ કર્યો છે તેવા લોકો જ કેવળ આત્મા વિશે ઉપદેશ પ્રાપ્ત કરવાના અધિકારી છે.

તો આવા અધિકારી લોકોએ સિદ્ધ – સમર્થ ગુરુની શોધ કરવી જોઈએ. સ્વાભાવિક રીતે જ આવા સિદ્ધ – સમર્થ ગુરુ મેળવવા કઠિન છે. કારણ કે એ ગુરુએ પોતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. નહિતર તો એ આત્મા વિશે કેવી રીતે ઉપદેશ આપી શકે? જે માણસ પોતે જ આંધળો છે, તે ભલા બીજા આંધળાઓને દોરી લઈ જઈ શકે ખરો કે? ફક્ત પેટેલો દીવો જ બીજા દીવાને પેટાવી શકે. આ રીતે આત્મજ્ઞાનનો ઉપદેશ કરવામાં સમર્થ ગુરુ અને સુપાત્ર તેમજ ગ્રહણક્ષમ શિષ્ય એમ બન્નેનો પોતપોતાનો પણ એક વર્ગ – એક કક્ષા જ હોય છે. એ બંનેની સંખ્યા અવશ્ય જ ઘણી જૂજ હોય છે. ઘણાખરા લોકોને તો સ્થૂલમાં જ રસ હોય છે. થોડાઘણા માણસોને જ સૂક્ષ્મમાં રસ હોય છે અને બધી સૂક્ષ્મ વસ્તુઓમાં આત્મા તો સૌથી વધારે સૂક્ષ્મ છે. કારણ કે એને કોઈ વિશેષતા નથી – ગુણ નથી. આત્મા તો તમારા અસ્તિત્વનો અર્ક છે. તમે એને કેવી રીતે વર્ણવી શકવાના હતા? તમારી બહાર રહેલી કોઈ વસ્તુનું વર્ણન તમે કરી શકો ખરા; પણ તમે તમારા પોતાના આત્માનું વર્ણન કરી શકતા નથી. એટલા માટે આત્માની અભિવ્યક્તિ કરવી એ ઘણું મુશ્કેલ કામ છે. અને એને સમજવો પણ મુશ્કેલ છે.

न नरेणावरेण प्रोक्त एष
सुविज्ञेयो बहुधा चिन्त्यमानः ।
अनन्यप्रोक्ते गतिरत्र नास्त्य-
णीयान् ह्यतर्क्यमणुप्रमाणात् ॥ ८ ॥

अवरेण, નિમ્ન કક્ષાના, ભૌતિક વલણ ધરાવનારા; नरेणः, કોઈક મનુષ્ય વડે; प्रोक्तः, કહેવાયેલો, વર્ણવાયેલો; एषः, આ આત્મા; सुविज्ञेयः, બરાબર રીતે સમજમાં આવી શકે તેવો; , નથી; बहुधा, ઘણી રીતે; चिन्त्यमानः, ચિંતન કરાયેલો; (સમજાવાયેલો); अनन्य प्रोक्ते, ‘અનન્ય’ એટલે જેને ‘પોતે વૈશ્વિક ચેતના—બ્રહ્મ કરતાં જુદો નથી’ પણ અનન્ય છે એવી અનુભૂતિ થઈ ચૂકી છે એવા ગુરુ વડે; प्रोक्ते, જો આ આત્મતત્ત્વનો ઉપદેશ કરાયેલો હોય તો; अत्र, આ વિષયમાં (આત્માની ઓળખમાં); गतिः, મનનું હાલકડોલકપણું; अस्ति, નથી રહેતું; अणुप्रमाणात्, સૂક્ષ્મ (अणु) રૂપે પ્રમાણિત થયેલું (प्रमाणात्) अणीयान्ः, (વળી પાછું પણ તર્ક દ્વારા) વધારે સૂક્ષ્મ રૂપે થાય તેવું; हि, ખરેખર; अतर्क्यम्, તર્ક ન કરી શકાય તેવું (એટલે કે આત્મા તર્કની પેલી પારનો—તર્ક ત્યાં ન પહોંચી શકે તેવો છે).

મનમાં ભૌતિક વલણ ધરાવતો જો કોઈ મનુષ્ય આત્મા વિશે ઉપદેશ કરે, તો એથી આત્મા ક્યારે પણ સમજમાં આવી શકે તેવો નથી. આત્મા વિશે ઘણા ખોટા ખ્યાલો પ્રવર્તમાન છે. સાચો ગુરુ તો તે જ બની શકે કે જે પોતાને બ્રહ્મ સ્વરૂપે જોતો હોય. જ્યારે આવો ‘અનન્ય’ ગુરુ ઉપદેશ આપે, ત્યારે શિષ્યના મનમાં વધારે ગડમથલભર્યા વિચારો હોતા નથી. એથી ઊલટું જો કોઈ તાર્કિક મનુષ્ય આત્માને ‘સૂક્ષ્મ’ તત્ત્વ તરીકે સ્થાપિત કરે, તો વળી બીજો એવો મનુષ્ય એની જ રીતે એના કરતાં પણ ‘સૂક્ષ્મતત્ત્વ’ તરીકે આત્માની સ્થાપના કરશે. પણ આ રીતે કંઈ આત્માને જાણી તો શકાશે જ નહિ. (૮)

જ્યાં સુધી ગુરુ પોતે અપરોક્ષ વ્યક્તિગત આત્માનુભૂતિ કે બ્રહ્માનુભૂતિ નહિ કરી ચૂક્યા હોય, ત્યાં સુધી તે આત્મા વિશે ઉપદેશ આપવામાં સમર્થ નથી, ભલે પછી તે બીજી રીતે બુદ્ધિમાન હોય! પણ અપરોક્ષાનુભૂતિ વગર તે આત્માને જાણી શકે નહિ. ઈંદ્રિયજન્ય અનુભવોના જગતની ઉપરનું – પેલી પારનું – એ તત્ત્વ છે. આ આત્માનો વિષય ઘણો વિવાદાસ્પદ છે. એને વિશે ઘણા જુદા જુદા દૃષ્ટિકોણો રજૂ થયેલા છે. એક દૃષ્ટિકોણ એ છે કે આ શરીર જ આત્મા છે; તો વળી બીજો વિચાર એવો છે કે આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. તો વળી ત્રીજો વિચાર એવો છે કે મનુષ્યમાં એ ‘સક્રિય’ કર્તારૂપે રહેલો છે. આ રીતે આત્મા વિશે કેટલાયે ગૂંચવણભર્યા ખ્યાલો છે. તો પછી મનુષ્ય આત્માને જાણી કેવી રીતે શકે? એ માટે મનુષ્યે સાચા ગુરુ પાસે જવું જોઈએ. પણ એ સાચા ગુરુ છે કોણ? જે પોતાના આત્માને સર્વના આત્મા તરીકે જાણે – અનુભવે છે અને એ આત્મા બ્રહ્મથી જુદો નથી એમ જાણે છે, તે જ સાચા ગુરુ છે. શાસ્ત્રો એમ જ શીખવે છે. અને પછી મનુષ્ય પોતાના જાત અનુભવથી જ એનો સાક્ષાત્કાર કરે છે અને જ્યારે તેને આવો સાક્ષાત્કાર થાય છે, ત્યારે તેની આત્મા સંબંધી બધી જ શંકાઓ એના મનમાંથી દૂર થઈ જાય છે તે જાણી લે છે કે તે પોતે બ્રહ્મ જ છે. એ એવી પ્રતીતિ છે કે જેને કોઈ વિચલિત કરી શકે જ નહિ. ભલે આખી દુનિયા એની મજાક ઉડાવે, પણ એ જાણે કે પોતે શું છે. આ કોઈ બુદ્ધિજન્ય પ્રતીતિ નથી. આ તો વ્યક્તિત્વનું રૂપાંતર છે. સુયોગ્ય ગુરુ દ્વારા જ્યારે શિષ્યને ઉપદેશ આપવામાં આવે છે, ત્યારે શિષ્યમાં આવું જ રૂપાંતર થાય છે. એટલે આવા સદ્‌ગુરુની શોધ થવી એ દુર્લભ હોય, એમાં આશ્ચર્ય નથી.

આત્માનું અસ્તિત્વ એ કોઈ દલીલબાજીનો વિષય નથી, એ તો અનુભૂતિનો વિષય છે. એ સીધો અને વ્યક્તિગત અનુભવ છે. દલીલબાજી આત્માના વિષયમાં અમુક પ્રકારનાં તારણો કાઢી – દોરી – શકે છે. પણ વધારે પડતી દલીલબાજી પહેલાંના કરાવેલા તારણને તદ્દન નષ્ટ પણ કરી નાખી શકે છે. એટલે આપણે એકદમ બરાબર રીતે એ સમજી લેવું જોઈએ કે આત્મા તર્ક કે દલીલબાજીથી દૂરનો વિષય છે.

नैषा तर्केण मतिरापनेया
प्रोक्तान्ये नैव सुज्ञानाय प्रेष्ठ ।
यां त्वमापः सत्यधृतिर्बतासि
त्वादङ् नो भूयान्नचिकेतः प्रष्टा ॥ ९ ॥

प्रेष्ठ, હે પ્રિયતમ—સૌથી પ્રિય; त्वम्, તું; याम्, જે (આત્મામાં અંતર્દૃષ્ટિને); आपः, મેળવી શક્યો છે; एषा मतिः, આ દૃષ્ટિ—જ્ઞાન; तर्केण, તર્કથી—દલીલબાજીથી; आपनेया, મેળવી શકાય તેવી નથી; अन्येन एव, બીજા પ્રકારના મનુષ્ય વડે જ (જે કેવળ તર્કો કર્યા કરતો નથી પણ જે શાસ્ત્રો ભણ્યો છે અને એ શાસ્ત્રમાં કહેલ સત્‌ તત્ત્વનો જેણે સાક્ષાત્કાર કર્યો છે એવા મનુષ્ય વડે જ); प्रोक्ता, કહેલ—વર્ણવેલ (તે આત્મદૃષ્ટિ); सुज्ञानाय, સહેલાઈથી સમજવા માટે (છે); नचिकेतः, હે નચિકેતા; सत्यधृतिः, સત્તત્ત્વની વિભાવનાવાળા; बत असि, તમે ખરેખર છો જ; नः, અમને; प्रष्टा, પૂછનાર—જિજ્ઞાસુ; त्वादक्, તમારા જેવો; भूयात्, મળો.

હે પ્રિયતમ, તમારી આત્મા સંબંધી અંતર્દૃષ્ટિ ઘણી સૂક્ષ્મ છે – પણ તમે ત્યાં સુધી કોઈ દલીલબાજી દ્વારા પહોંચ્યા નથી. તમે તે દૃષ્ટિ સુધી એવા લોકોના ઉપદેશ દ્વારા પહોંચી શક્યા છો કે જેણે તર્ક ઉપર આધાર રાખ્યો નથી, પણ જેઓ શાસ્ત્રો ભણ્યા છે અને પછી જેમણે આત્માનો અનુભવ કર્યો છે – હે નચિકેતા તમે આત્માના સ્વરૂપને સાચી રીતે સમજી લીધું છે. અમને તમારા જેવા ઘણા જિજ્ઞાસુઓ મળો. (૯)

આત્માને ઓળખવા માટે મનુષ્યે સમર્થ ગુરુ પાસે જવું જોઈએ. પણ સમર્થ ગુરુ કોને કહેવાય? જેણે આત્માની અનુભૂતિ કરી હોય તે જ સમર્થ ગુરુ છે. શાસ્ત્રોના કહેવા મુજબ તમે તર્કો કે દલીલોથી આત્માને જાણી શકતા નથી. એ જ રીતે તમે તર્કોથી આત્માને નકારી પણ શકતા નથી. તર્કો કરવા એ ઠીક છે પણ તર્કો ખાતર તર્કો કરવા એ સારી વાત નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે તર્કો રચનાત્મક હોવા જોઈએ. શાસ્ત્રોનો મર્મ પકડવા માટે તર્કો કરવા એ લાભદાયક છે. મહાપુરુષો દ્વારા સ્પષ્ટ કરેલાં સત્યોને શાસ્ત્રો આપણને શીખવે છે. પણ એ સત્યો શું કહેવા માગે છે, તે સમજવા માટે એ સત્યોનો અનુભવ કરવો જોઈએ. ગમે તે મૂર્ખ એ સત્યોને પડકારી શકે છે. પણ એવું કરવામાં તે વાહિયાત વાતો પણ કરે છે. તો એવા માણસના બકવાસ ઉપર આપણે ગંભીર ધ્યાન આપવું ઘટે ખરું? એવા માણસના તર્ક સામે બીજો તર્ક આપવો એ શું સમયનો બગાડ નથી? ‘મિઠાઈનો સ્વાદ તો ખાઈને જ માણી શકાય છે.’ એ રીતે આત્મા તો અનુભૂતિથી જ ઓળખી શકાય છે. દલીલબાજીથી નહિ. યમરાજે નચિકેતાને એ વિશે ચેતવણી આપી હતી. હવે તેઓ નચિકેતાનું ખરું વલણ પારખીને ખુશ થયા છે. હવે યમરાજ સમજે છે કે નચિકેતા એક સુપાત્ર શિષ્ય છે. પોતાને કોઈ સુયોગ્ય શિષ્ય સાંપડે તો ગુરુ ખુશ જ થાય છે એટલે યમરાજ પણ નચિકેતા જેવા શિષ્યને પામીને ખુશ થાય છે. એટલા માટે તેઓ કહે છે કે નચિકેતા જેવા ઘણા શિષ્યો મને આવી મળો.

जानाम्यहं शेवधिरित्यनित्यं
न ह्यध्रुवैः प्राप्यते हि ध्रुवं तत् ।
ततो मया नाचिकेतश्चितोऽग्नि-
रनित्यैर्द्रव्यैः प्राप्तवानस्मि नित्यम् ॥ १० ॥

शेवधिः, કર્મફળોનો ખજાનો; अनित्यम्, અનિત્ય જ છે; हि, કારણ કે; अध्रुवैः, ન ટકનારા નાશવંત પદાર્થો વડે; तत्, તે; ध्रुवम्, શાશ્વત પદ; (આત્મતત્ત્વરૂપ અમરપદ); न प्राप्यते, પ્રાપ્ત કરી શકાતું નથી; इति, એમ (આ હકીકત); हि, ખરેખર; अहम्, હું; जानामि, જાણું છું; ततः, તેથી—તો પણ (મારા એ જાણવા છતાં પણ); मया, મેં; अनित्यैः द्रव्यैः, નાશવંત પદાર્થો વડે; (યજ્ઞવિધિ માટે ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓ વગેરે વડે પણ); नचिकेतः अग्निः, ‘નાચિકેત’ નામનો અગ્નિ (સ્વર્ગપ્રાપ્તિ કરાવતો એ નામનો અગ્નિથી થતો યજ્ઞ); चितः, કર્યો હતો; (અને એના ફળ સ્વરૂપે) नित्यम्, સાપેક્ષિત રીતે નિત્ય (સ્વર્ગ પ્રાપ્તિ અને યમરાજની પદવી અને માનવજાતના ભાવિ પરનું પ્રભુત્વ જેવા નિત્યપદને); प्राप्तवान् अस्मि, હું પ્રાપ્ત થયો છું.

હું જાણું છું કે સંપત્તિ અને કર્મફળોનો જથ્થો – બધું નાશવંત છે. અને આવી નાશવંત ચીજોને ઉપયોગમાં લઈને તમે શાશ્વત તત્ત્વને (આત્મતત્ત્વને) પ્રાપ્ત કરી શકો નહિ. હું એ જાણું જ છું છતાં પણ મેં નાચિકેત નામના યજ્ઞાગ્નિનું અનુષ્ઠાન કર્યું હતું અને એના ફળ સ્વરૂપે આ યમરાજની પદવી પામ્યો છું. આ સ્થાન સાપેક્ષિક રીતે જ નિત્ય ગણાય તેવું છે. (૧૦)

પોતે કેવી રીતે સ્વર્ગ પ્રાપ્ત કર્યું અને કેવી રીતે યમરાજનું પદ હાંસલ કર્યું એની વાત યમરાજ અહીં વર્ણવે છે. તેમણે એક યજ્ઞાગ્નિનું અનુષ્ઠાન કર્યું હતું. જે યજ્ઞાગ્નિને તેમણે હાલમાં – હમણાં જ ‘નાચિકેત’ એવું નામ આપ્યું છે. આ યજ્ઞમાં ઘણાં બધાં નાશવંત દ્રવ્યો ઉપયોગમાં લેવાય છે. એમાં પ્રાણીઓનો સમાવેશ પણ થાય છે. આવાં અસ્થાયી – નાશવંત ઉપકરણોનો ઉપયોગ વધારે તો એ પ્રકારનાં અસ્થાયી – નાશવંત ફળો જ આપી શકે છે. ‘નાચિકેત’ નામનો આ અગ્નિ – યજ્ઞ તમને સ્વર્ગમાં પ્રવેશ અપાવી શકે. અને બહુ બહુ તો તમને કેટલીક વિશિષ્ટ સત્તાઓના સ્વામી બનાવી શકે. પણ આ બધી ઉપલબ્ધિઓ તો આભાસી નિત્યતાવાળી છે એ કંઈ સાચી રીતે નિત્ય – શાશ્વત – નથી. વહેલાં કે મોડાં યમરાજનું પદ અને સ્વર્ગમાં વસવાટ એની મુદત પૂરી થયે સમાપ્ત થઈ જ જશે. યમરાજને હવે પસ્તાવો થાય છે કે એમણે પણ એક વખત સ્વર્ગમાં રહેવાની ઇચ્છા અને યમરાજ પદની પ્રાપ્તિની ઇચ્છા કરી હતી. આત્મજ્ઞાનની સરખામણીમાં આવાં નાશવંત ફળોની કશી જ વિસાત નથી. યમરાજને એ વાતની દિલગીરી થાય છે કે એમણે આવી તુચ્છ વસ્તુઓ પસંદ કરી. એમની સરખામણીમાં તો નચિકેતા વધારે ન્યાયસંગત પસંદગીવાળો છે; કે જેણે અસ્થાયી હોય એવું બધું જ નકારી કાઢ્યું. સ્વર્ગ નિવાસ અને દેવત્વની પ્રાપ્તિના લોભમાં ન પડનારા નચિકેતાને યમરાજ અભિનંદન આપે છે. નચિકેતા આત્મજ્ઞાન સંબંધી પોતાની માગણીને સતત વળગી જ રહ્યો. આ હકીકત નચિકેતાની વ્યક્તિત્વકક્ષાના પ્રમાણરૂપ જ છે.

कामस्याप्तिं जगतः प्रतिष्ठां
क्रतोरनन्त्यमभयस्य पारम् ।
स्तोममहदुरुगायं प्रतिष्ठां दृष्ट्वा
धृत्या धीरो नचिकेतोऽत्यस्राक्षीः ॥ ११ ॥

नचिकेतः, હે નચિકેતા; कामस्य, ઇચ્છાની; आप्तिम्, મર્યાદા—સમાપ્તિ (એટલે કે માનવની કામનાઓની મર્યાદા સૂચવનાર); जगतः, જગતની (જગતના બધા વિષયો—માનવ, પ્રાણી, વાતાવરણ વગેરે—બધાની); प्रतिष्ठाम्, આધારશિલા (સમાન); क्रतोः, યજ્ઞથી પ્રાપ્ત થયેલાં ફળોની; आनन्त्यम्, અસીમતા; (બ્રહ્મના સર્વપ્રથમ પ્રકટ થયેલા ભૌતિક અસ્તિત્વરૂપ હિરણ્યગર્ભ દ્વારા પ્રતિનિધિત્વ ધરાવતી અસીમતા); अभयस्य, નિર્ભયતાની; पारम्, ઉચ્ચતમ અવસ્થા (નિર્ભયતાની આ ઉચ્ચતમ અવસ્થા વાચ્યાર્થમાં લેવાની નથી આ અવસ્થામાં પણ તમને ભય તો હોય જ છે, પણ બીજા ભયની સરખામણીમાં જાણે કે તમે ભયને ઓળંગી ગયા હો એવું લાગે છે); स्तोम महत्, અત્યંત પ્રશસ્ય અને મહાન અવસ્થા (કે જેમાં તમે તમારી ઇચ્છા પ્રમાણે સંકોચ-વિકાસ કરી શકો છો અને ઘટનાઓ બનાવી શકો છો); उरुगायम्, વિશાળ અને સ્થાયી (હિરણ્યગર્ભની પેઠે); प्रतिष्ठाम्, અવસ્થાને; धृत्या, ધીરજથી; दृष्ट्वा, (બરાબર રીતે) જોઈ-વિચારીને; धीरः, એક પીઢ પુરુષ તરીકે—પરિપક્વ મનુષ્ય તરીકે; अत्यस्नाक्षीः, ત્યાગ કરી દીધો છે.

હે નચિકેતા, તું ખરેખર વિચારશીલ છે. એટલા જ માટે તેં એવા પદાર્થોને છોડી દીધા છે કે જેને માનવજીવો તીવ્રતાથી ઝંખતા હોય છે. ઉદાહરણ તરીકે તેં દુનિયાના આધારરૂપ ગણાતા અને મનુષ્યો, પ્રાણીઓ તેમજ પર્યાવરણને પોતામાં એક ઘટક તરીકે સમાવતા પદને, ભોગવિલાસના અગણિત પદાર્થોને તમારી આગળ ધરી આપનારા તેમજ હિરણ્યગર્ભના પદ સહિતના માનમોભાને લાવી આપનારા યજ્ઞોને; (હિરણ્યગર્ભ એટલે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર સત્તા) – તથા સાપેક્ષ રીતે જ્યાં તું ભયથી મુક્ત રહી શકે તેવાં સ્થાનો તરફ લઈ જનારા માર્ગને, અણિમા – લધિમા વગેરે સિદ્ધિઓને (ઇચ્છા પ્રમાણે ભારે, હલકા, સૂક્ષ્મ, વિશાલ વગેરે થઈ શકવાની સિદ્ધિઓને), અને એવી એવી અનેક લોભામણી વસ્તુઓને તેં તિરસ્કારી કાઢી છે. તેં એ બધી વસ્તુઓ ફગાવી દીધી છે કારણ કે એ બધી વસ્તુઓ નાશવંત જ છે એ સમજવા માટે તું પૂરતો બુદ્ધિમાન છે. (૧૧)

Total Views: 191

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.