श्रेयश्च प्रेयश्च मनुष्यमेत-
स्तौ सम्परीत्य विविनक्ति धीरः ।
श्रेयो हि धीरोऽभि प्रेयसो वृणीते
प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ॥ २ ॥

श्रेयः च प्रेयः च, શુભ અને પ્રિયભોગો (એટલે કે આધ્યાત્મિક અને ભૌતિક); मनुष्यम्, મનુષ્ય પાસે; एतः, સાથે આવે છે; धीरः, સુજ્ઞ જન; तौ, તે બંનેને; संपरीत्य, બરાબર રીતે જોઈ તપાસીને; विविनक्ति, (તે બંનેનો) ભેદ-ફરક પારખે છે; धीरः, સુજ્ઞ-જ્ઞાની મનુષ્ય; प्रेयसः, પ્રિય લાગતા ભોગ કરતાં; श्रेयः हि, કેવળ કલ્યાણને-શુભને; अभिवृणीते, પસંદ કરે છે; मन्दः, ઓછી બુદ્ધિવાળો; योग-क्षेमात्, (ભૌતિક જરૂરતોની) વૃદ્ધિ અને જાળવણી માટે; वृणीते, પસંદ કરે છે; प्रेयः, વહાલા લાગતા ભોગને.

કલ્યાણ-શુભ અને પ્રિય લાગતા ભોગ – એ બંને મનુષ્ય માટે પસંદગીના ખુલ્લા માર્ગો છે. એ બંનેને શાણો મનુષ્ય બરાબર રીતે જોઈ તપાસીને બંનેના ગુણદોષો વિચારીને કલ્યાણકારી માર્ગ જ પસંદ કરે છે. પરંતુ, મંદબુદ્ધિવાળો મનુષ્ય પ્રિય લાગતા ભોગોને જ પસંદ કરે છે. કારણ કે એને તો કેવળ પોતાના ભૌતિક સંપત્તિ અને સગવડો વધારવામાં અને એને જાળવી રાખવામાં જ રસ હોય છે. (૨)

માનવજાતિની બે પ્રકારની કક્ષાઓ વચ્ચેનો ભેદ તો આગળ બતાવી જ દીધો છે. ફરી આગળ એની વધુ સ્પષ્ટતા કરવામાં આવે છે. એક કક્ષાના મનુષ્યો નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિને પસંદ કરે છે – એટલે કે ‘શ્રેયસ્‌’ની પસંદગી કરે છે. (કલ્યાણ – શુભની પસંદગી કરે છે.) ‘શ્રેયસ’ને શુભ અને કલ્યાણકારી કહેવામાં આવે છે. કારણ કે નિ:શંક રીતે છેવટે તેમાં કલ્યાણ જ હોય છે. પણ આ ‘શ્રેયસ્‌’નો માર્ગ – કલ્યાણપથ – કંઈ સહેલો તો નથી જ. એ કેટલાંય જોખમો અને કઠિનાઈઓથી ઘેરાયેલો માર્ગ છે. આમ છતાં પણ વિવેકી લોકો આ માર્ગને પસંદ કરે છે. કારણ કે એ છેવટે તો ફળ આપે જ છે. એ એવો માર્ગ છે કે જે નૈતિક પૂર્ણતા તરફ દોરી જાય છે અને એનાથી મોટું તો બીજું કશું છે જ નહિ. નૈતિક પૂર્ણતા માટે ગમે તેટલો ભોગ આપવો પડે તો પણ એ ઓછો જ ગણાય.

બીજા પ્રકારનો જનસમૂહ ઈંદ્રિયસુખોમાં જ પૂરો પરિતોષ પામી રહે છે. એ ઈંદ્રિયજન્ય સુખો તેમને જલદી પ્રાપ્ત થઈ શકે તેવાં છે અને વધુ લલચામણાં પણ છે. ઈંદ્રિયજન્ય સુખો શીઘ્ર્રપ્રાપ્ય છે, જ્યારે નૈતિક પૂર્ણતા તો ઘણો સમય માગી લે છે. આવા માણસો એવા ઘણો સમય માગતા નૈતિક પૂર્ણત્વ માટે રાહ જોઈ શકતા નથી. વળી, એવા લોકોનો એ પણ નિશ્ચય હોતો નથી કે આ વિલંબપ્રાપ્ય વસ્તુ ખરેખર હસ્તી ધરાવે છે કે કેમ? અને તે કલ્યાણકારી છે કે કેમ? એટલા માટે આવા લોકો ઈંદ્રિયસુખો માણવા તરફ દોડે છે. એ જલદી પ્રાપ્ય છે અને પ્રત્યક્ષ છે.

માનવની આવી બે કક્ષાઓ સ્પષ્ટ છે અને એક બીજીથી જુદી જુદી છે. પહેલી કક્ષામાં બહુ જ જૂજ માણસો હોય છે, પણ એ ઓછા માણસો જ સમગ્ર માનવજાતને દોરવણી આપે છે. એમના મરણ પછી સદીઓ સુધી એમનો પ્રભાવ અનુભવાતો રહે છે. જ્યારે બીજી કક્ષાના લોકો ઘણી સંખ્યામાં હોય છે. પણ એ લોકો તો સાગરનાં વમળો જેવા જ હોય છે. એમના મરણ પછી એમને કોઈ ભાગ્યે જ યાદ કરતું હોય છે.

स त्वं प्रियान्प्रियरूपांश्च कामा-
नभिध्यायन्नचिकेतोऽत्यस्राक्षीः ।
नैतां सृङ्कां वित्तमयीमवाप्तो
यस्यां मज्जन्ति बहवो मनुष्याः ॥ ३ ॥

नचिकेतः, હે નચિકેતા; सः त्वम्, તે તું (અર્થાત્‌, જેને મેં વારંવાર ઘણી લાલચો આપી છતાં જે તેં એ બધી લાલચોને ફગવી દીધી એવો તું); प्रियान्, હાથવગા અને વહાલા લાગતા એવા; , અને; प्रियरूपान्, આકર્ષક; कामान्, વિષયોને; अभिध्यायन्, ‘તે કેટલા વ્યર્થ છે’ – એમ વિચારીને; अत्यस्राक्षीः, (તેને) તેં સાવ છોડી જ દીધા; एताम्, આ; वित्तमयीम्, સોને મઢેલી; (એટલે કે આનંદ આપતી;) सृङ्काम्, ભૌતિક જગતની માર્ગ સરણીને; (એટલે કે ‘પ્રેયસ્‌’ના માર્ગને); अवाप्तः, તેં ન પસંદ કરી; यस्याम्, કે જેમાં; बहवः, ઘણા; मनुष्याः, લોકો; मज्जन्ति, ડૂબી જાય છે.

હે નચિકેતા, મેં તને વારંવાર પ્રલોભનો આપ્યા જ કર્યા. છતાં મેં પ્રસ્તાવિત કરેલા બધા વિષયોને તેં ફગવી જ દીધા છે. સાવ હાથવગા અને પ્રિય લાગતા પદાર્થો તને આકર્ષી શક્યા નહિ. આનંદદાયક પદાર્થો પણ તને ખેંચી ન શક્યા. તું એ સમજવા માટે પૂરેપૂરો બુદ્ધિશાળી હતો કે એ બધા ભૌતિક પદાર્થો મિથ્યા જ છે. તેં એને એકદમ તરછોડી જ દીધા. પણ ઘણા લોકો એવા હોય છે જ કે જેઓ જાગતિક જીવનમાં ડૂબી જાય છે. કારણ કે તેમને એમાં જ મજા આવતી હોય છે. (૩)

सः त्‍वम्‌ – ‘તે તું’ – આ અભિવ્યક્તિ નચિકેતાની પ્રશંસા સૂચિત કરે છે. આ દ્વારા યમરાજ એવું કહેવા માગે છે કે ‘નચિકેતા, તું કેવો અદ્‌ભુત મનુષ્ય છે કે મેં તને બધી રીતે અને બધી બાજુએથી લોભાવવાનો પ્રયત્ન કર્યો છતાં હું નાકામિયાબ નીવડ્યો.’ જે પદાર્થો તરફ આ દુનિયાના લોકો એ પ્રાપ્ત કરવા માટે દોડધામ કરતા રહે છે, તે બધા જ યમરાજે નચિકેતા આગળ ધરી દીધા હતા; પણ નચિકેતા એને નકારી કાઢવામાં જરાપણ અચકાયો નહિ. ‘શ્રેયસ્‌’ અને ‘પ્રેયસ’ ક્યારેય સાથે ચાલી ન શકે. જો તમે નૈતિક અને આધ્યાત્મિક પ્રગતિ કરવા ઇચ્છતા હો, તો તમારે ઈંદ્રિયજન્ય સુખો જતાં કરવાં જ પડે અને આત્માનુશાસન કરવું જ પડે. માણસ જાતની સ્વાભાવિક નબળાઈ એ છે કે એ એના શરીર અને મનને જે વસ્તુ આનંદ આપે, એના તરફ ઢળી જાય છે – ખાવું, પીવું, કપડાં, નામ, કીર્તિ, સત્તા, મિત્રો સગાંસંબંધીઓ, આનંદ પ્રમોદદાયક પદાર્થો – ટૂંકમાં, જે વસ્તુઓ એના ‘અહમ્‌’ને પોષતી હોય, તે તરફ એ ઢળે છે. એની દુનિયાનું નિરૂપણ એનું શરીર અને મન જ કરે છે. આ બન્નેની બહાર પોતાની હસ્તી હોવાનું માણસ માની જ શકતો નથી. પરંતુ આ વિષયમાં અપવાદો પણ હોય છે ખરા. દાખલા તરીકે નચિકેતા. એના જેવા લોકોને સ્થૂળ ભૌતિક ભોગો ગમતા નથી, કારણ કે આવાં સુખો અલ્પજીવી હોય છે. એવા લોકો નૈતિક અને આધ્યાત્મિક સંપદા જ પસંદ કરે છે. કારણ કે એ સ્થાયી હોય છે. ગમે તે રીતે પણ તેઓ જાણે છે કે ભૌતિક સંપદા કરતા નૈતિક અને આધ્યાત્મિક સંપદા ઉચ્ચતર છે. અને એવી નૈતિક – આધ્યાત્મિક સંપદા મેળવવા માટે માણસે પેલી ભૌતિક સંપદાને છોડવી જ પડે છે. આ રીતે એવા લોકો આનંદપૂર્વક ભૌતિક સુખોનો ત્યાગ કરે છે ‘ત્યાગ’નો અર્થ, ‘ઉચ્ચતર વસ્તુની પ્રાપ્તિ માટે નિમ્નતર વસ્તુને છોડી દેવી’ – એવો થાય છે.

दूरमेते विपरीते विषूची
अविद्या या च विद्येति ज्ञाता ।
विद्याभीप्सितं नचिकेतसं मन्ये
न त्वा कामा बहवोऽलोलुपन्त ॥ ४ ॥

या अविद्या, જે ભૌતિક—જાગતિક જ્ઞાન (જે આપણને ફક્ત સ્થૂળ ઇંદ્રિયસુખ જ આપે છે); विद्या , અને તે આધ્યાત્મિક જ્ઞાન (જે આપણને પૂર્ણતા બક્ષે છે); एते, આ બન્ને; दूरम्, ખૂબ જ; वीपरिते, વિરોધી—અલગ જ છે; विषूची, પરસ્પર વિરોધી પરિણામ લાવનારી છે; इति, એવી રીતે; ज्ञाता, જાણવામાં આવી છે; नचिकेतसम् विद्याअभीप्सितम् मन्ये, નચિકેતા એવા તને આધ્યાત્મિક વિદ્યાની ઇચ્છા ધરાવનાર તરીકે હું માનું છું; त्वा, તને નહિ; बहवः, ઘણા; कामाः, આકર્ષક પદાર્થો; अलोलुपन्त, લોભાવી શક્યા.

ભૌતિક જ્ઞાન (અવિદ્યા) અને આધ્યાત્મિક જ્ઞાન (વિદ્યા) એ બન્ને પરસ્પર વિરોધી સામસામા ધ્રુવ જેવાં છે- તે એકબીજાથી તદ્દન જુદા સ્વરૂપ અને જુદા હેતુવાળા છે. આ ખૂબ જાણીતું છે. હે નચિકેતા, મેં તને વિદ્યા – આધ્યાત્મિક જ્ઞાનની અભીપ્સા રાખતો જાણ્યો છે. બધા પ્રકારના આકર્ષક પદાર્થો તારી આગળ ધરીને મેં તારી કસોટી કરી લીધી છે. પણ તેમાં તેં જરાપણ રસ દાખવ્યો નથી. (૪)

‘વિદ્યા’નો વાચ્યાર્થ ‘જ્ઞાન’ અને ‘અવિદ્યા’નો વાચ્યાર્થ ‘અજ્ઞાન’ એવો થાય છે. અને અહીં ‘જ્ઞાન’નો અર્થ આત્મજ્ઞાન થાય છે – એ એવું જ્ઞાન છે કે જે પૂર્ણતા તરફ દોરી જાય; જે મનુષ્યને મુક્તિ આપે અને જે એને શાન્તિ અને આનંદ પણ આપે – પરમોચ્ચ કલ્યાણ આપે. તમે આવું જ્ઞાન વિવેક અને આત્મસંયમની સાધનાથી મેળવી શકો છો. પરંતુ ‘અવિદ્યા’ એના કરતાં તદ્દન જુદી જ છે – વિરોધી છે. એમાં તમે વિવેક વાપરતા નથી, તમે આત્મસંયમ કેળવતા નથી. અને તમે ઈંદ્રિયસુખો તરફ હંમેશા કામનાઓથી દોરવાયેલા થઈને દોટ મૂકો છો ભલે તમે ખૂબ ભણેલાગણેલા હો, છતાં પણ તમારું એ ભણતર ખાલી મોજમજાઓ કરવા પૂરતું જ રહે છે. તમારામાં જ્ઞાન – શાણપણ હોતું નથી.

યમરાજ હજુ ફરીથી નચિકેતાની પ્રશંસા કરે છે. એ ત્યાગની મહત્તા બતાવવા માટે જ છે. યમરાજ કહે છે તે એ છે કે તમે એકી સાથે ઈશ્વરને અને કુબેરને એમ બન્નેને ભજી શકતા નથી. જો તમારે ઈંદ્રિય સુખો જોઈતાં હોય, તો તમને ઈશ્વર સાથેની એકતાનો જે આનંદ છે તે મળી શકે નહિ. આધ્યાત્મિક આનંદ અને ભૌતિક સુખ – એ બન્ને જુદી જુદી વસ્તુઓ છે. જો તમે એક વસ્તુને ઇચ્છતા હો, તો તમારે બીજી વસ્તુને છોડી જ દેવી પડે. જો તમે ધનસંપત્તિ, નામ, કીર્તિ, સુખ સગવડો, શાસકીય સત્તા, સામાજિક માનમરતબો અને એવી એવી બીજી વસ્તુઓ ઇચ્છતા હો, તો એનો અર્થ એ થાય છે કે તમે ઈશ્વરના વિશુદ્ધ પરમાનંદમય સાંનિધ્યમાં રસ ધરાવતા નથી. તમે ‘અવિદ્યા’નું જ અનુસરણ કરી રહ્યા છો ભોગવિલાસો તરફ જ આગળ વધી રહ્યા છો – ‘વિદ્યા’નો – ત્યાગનો માર્ગ તો ખરેખર કઠિન માર્ગ છે. અને એ તમને અનુકૂળ લાગતો નથી.

તો શું એમાં કશી તડજોડ થઈ શકે એમ છે જ નહિ કે? હા, એ શક્ય છે ખરી. જો તમને એમ લાગતું હોય કે તમારી પાસે જે કંઈ છે, તે બધું ઈશ્વર માટે જ છે – એટલે કે તમને એવું લાગતું હોય કે તમે કશાના માલિક નથી, પણ કેવળ ઈશ્વર જ બધાનો માલિક છે. અને આ વલણનું મુખ્ય લક્ષણ અનાસક્ત ભાવ છે અને ફક્ત એ અનાસક્તિ જ ત્યાગનું બીજું નામ છે. આ મંત્રમાં યમરાજ એની જ પ્રશંસા કરે છે.

अविद्यायामन्तरे वर्तमानाः
स्वयं धीराः पण्डितम्मन्यमानाः ।
दन्द्रम्यमाणाः परियन्ति मूढा
अन्धेनैव नीयमाना यथान्धाः ॥ ५ ॥

अविद्यायाम् अन्तरे, અવિદ્યા—અજ્ઞાનની ભીતર ખૂંચેલા (અર્થાત્‌ દુનિયાની મોજમજામાં ડૂબી ગયેલા); वर्तमानाः, (ત્યાં) ટકી રહેલા; स्वयम्, પોતાને; धीराः, બુદ્ધિશાળી; पण्डितम्मन्यमानाः, પોતાને શાસ્ત્રોના પંડિત માની બેઠેલા; मूढाः, મૂર્ખ લોકો; दन्द्रम्यमाणाः, દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થતા રહેતા (અર્થાત્‌ વિવિધ યોનિયોમાં સર્વત્ર અથડાતા); परियन्तिः, (ભવચક્રમાં) ચારે બાજુ ભટક્યા કરે છે; यथा, જેમ કે; अन्धेन, આંધળા વડે; एव, ખરેખર જ; नीयमानाः, દોરી જવાતા; अन्धाः, અંધજનો.

દુનિયાના ભોગવિલાસોમાં ડૂબેલા માણસો માને છે કે તેઓ પોતે બુદ્ધિશાળી છે અને માની બેસે છે કે તેઓ બધાં શાસ્ત્રો સારી રીતે જાણે છે. તેઓ તો ખરેખર કોઈ આંધળા માણસ વડે દોરી જવાતા આંધળાઓ જેવા જ છે. એવા લોકો હંમેશા શોકાકુલ થઈને સંસારના દુષ્ચક્રમાં આમતેમ અથડાતા ચારે બાજુ ઘૂમ્યા કરે છે. (૫)

અહીં જાગતિક લોકોનાં દુ:ખોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આવા લોકો અવિદ્યાનાં માર્ગને અનુસરે છે. આ માર્ગને ‘પ્રેયસ્‌’ તરીકે (ઈંદ્રિયસુખોના માર્ગ તરીકે) આપણે આ અગાઉ વર્ણવી ચૂક્યા છીએ. (‘શ્રેયસ્‌’ના માર્ગથી વિરોધી તરીકે ઓળખાવી ગયા છીએ.) આવા માણસો હંમેશા ઈંદ્રિયજન્ય સુખોના સંદર્ભમાં જ વિચારે છે. અને પોતાની ભૌતિક માલમિલકત સાથે, જાણે એ જ જીવનનું સર્વસ્વ હોય, તેવી રીતે રોકાયેલા હોય છે. આવા લોકો મૂર્ખ જ હોય છે. છતાં તેઓ પોતાને બહુ હોશિયાર અને જ્ઞાની માને છે, તેઓ અજ્ઞાની હોવા છતાં પોતાને વિદ્વાન માને છે – પોતાને શાસ્ત્રવેત્તા સમજે છે – ખરી રીતે તો તેઓ અંધકારમાં જ અથડાતા હોય છે – જેવી રીતે આંધળાથી દોરી જવાતા બીજા આંધળાહોય એવા તે છે – તેઓ કેટલા બધા દુ:ખી થાય છે? મૃત્યુ, રોગ, ગરીબી, દુર્ભાગ્ય – આ બધું તેમને ડગલે ને પગલે આવી મળે છે. તેમની સંસારયાત્રા તકલીફોથી ભરપૂર હોય છે. વિચિત્રતા તો એ છે કે તેમ છતાં પણ આવા લોકો એ જ માર્ગ પસંદ કરે છે!

न साम्परायः प्रतिभाति बालं
प्रमाद्यन्तं वित्तमोहेन मूढम् ।
अयं लोको नास्ति पर इति मानी
पुनः पुनर्वशमापद्यते मे ॥ ६ ॥

प्रमाद्यन्तम्, પોતાની આસક્તિઓમાં જ હંમેશાં મસ્ત રહેતા; वित्तमोहेन, પોતે મેળવેલી ધનસમૃદ્ધિના વ્યર્થ મોહને લીધે; मूढम्, મૂર્ખ બનેલા; बालम्, અપરિપક્‌વ; प्रति, પ્રત્યે (તેને); साम्परायः, પરલોક સંબંધી કર્તવ્ય; भाति, ક્યારેય દેખાતું નથી; अयम् लोकः, આ (પરિવર્તનશીલ—ભૌતિક) જગત (જ ફક્ત હસ્તી ધરાવે છે); परः, કોઈ (ન જોવાતો એવો) બીજો લોક; नास्ति, હસ્તી ધરાવતો નથી; इति, આમ; मानी, આવી માન્યતા ધરાવતો કોઈ; पुनः पुनः, વારંવાર; मे, મારા; वशम्, સકંજામાં; आपद्यते, આવી પડે છે.

કેટલાક દુન્યવી લોકો પણ હોય છે. પોતાના કુટુંબના વળગણવાળા સાંસારિક મનુષ્યો પણ હોય છે, તેઓ પોતાની ધનસંપત્તિ આદિનો ગર્વ સેવતા હોય છે. સંસાર એમના ઉપર જાદુ કરી દે છે અને તેઓ છોકરમતિયાળ બની જાય છે. તેઓ માને છે કે તેમની આસપાસની જોવાની દુનિયા જ ફક્ત હસ્તી ધરાવતી દુનિયા છે. અને કોઈ બીજી દુનિયા છે એમ તેઓ માનતા નથી. એટલે પરલોકની યાત્રા માટેનાં કાર્યોની તૈયારી કરવાનું તેમને માટે હોતું નથી. આવા મનુષ્યો વારંવાર મારા સંકજામાં આવી જાય છે. (૬)

કેટલાક સાંસારિક લોકો મરણ પછીના પોતાના જીવનનો વિચાર કરતા નથી. મરણ પછીની જિંદગી જેવી કોઈ વસ્તુ છે તેવું તેઓ માનતા પણ નહિ હોય! અને એટલા માટે એની કોઈ તૈયારી પણ તેઓ કરતા નથી. તેમને તો જે સામે હાજર છે તેની સાથે જ સંબંધ છે. અને એ તો તેઓ જુએ છે તે આ જગત જ છે. આ જગતને જ તેઓ જુએ છે, અનુભવે છે, અને તેમાં રહે છે. એ જ એમના ખ્યાલમાં હોય છે. અને તેઓ એ સિવાય બીજું કશું અસ્તિત્વ જોતા નથી. એને કારણે એમ માને છે કે પરલોક જેવી કોઈ હસ્તી છે જ નહિ. એટલે એવી કોઈ ચિંતા કરતા નથી. તેમને બાળકો છે, તેમની પાસે ધનસમૃદ્ધિ છે, તેમની પાસે આનંદપ્રમોદનાં અનેક સાધનો છે અને તેઓ મજા કરે છે. જગતે એમના ઉપર એવો જાદુ પાથરી દીધો છે કે તેઓ અવિચારી છોકરડાઓ જેવા બની ગયા છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ જેવો જીવનનો કોઈ હેતુ છે, એવી તેમને ખબર જ પડતી નથી. અને માનવજીવ જ આમ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે કારણ કે તે વિચાર કરી શકે છે, દલીલો કરી શકે છે, વિવેક વાપરી શકે છે અને તે જ ‘પ્રેયસ્‌’ (ભોગ)ને બદલે ‘શ્રેયસ્‌’ (કલ્યાણ)ની પસંદગી કરી શકે છે. જો એ માનવ જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન નહિ કરે, તો તો પછી એનું જીવવું જ વ્યર્થ છે. ફક્ત ઈંદ્રિયસુખો માટે જ જીવ્યા કરવું, એ તો એને માટે આત્મઘાત કરવા સમાન જ છે. એવો મનુષ્ય તો તદ્દન યમરાજના તાબામાં જ રહે છે – અને એની દયા પર નભે છે. વિચારશીલ મનુષ્ય હંમેશા પોતાની નજર સમક્ષ ‘શ્રેયસ્‌’ને જ રાખે છે – એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિને જ નજર સામે રાખે છે. તે જે કંઈ કરે છે, તે એ ઉદ્દેશ તરફ જ અભિમુખ કરનારું હોય છે. મનુષ્ય જો આ રીતે પોતાના જીવનને નહિ વાળે, તો એ મૂર્ખ અને અપરિપક્વ – કાચો જ છે.

(ક્રમશઃ)

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.