न वित्तेन तर्पणीयो मनुष्यो
लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत्त्वा ।
जीविष्यामो यावदीशिष्यसि त्वं
वरस्तु मे वरणीयः स एव ॥ २७ ॥
न, નથી; वित्तेन, ધનસંપત્તિથી; तर्पणीयः, સંતુષ્ટ થાય તેવો; मनुष्यः, માણસ; लप्स्यामहे, અમને મળશે; वित्तम्, ધનદોલત; अद्राक्ष्म, જ્યારે અમે જોયા છે; चेत्, ત્યારે; त्वा, તમને; जीविष्यामः, અમે જીવીશું; यावत्, જ્યાં સુધી; ईशिष्यसि, શાસન કરો છો; त्वम्, તમે; वरः, વરદાન; तु, તો; मे, મારે માટે; वरणीयः, માગવા યોગ્ય; सः एव, તે જ છે.
ધનથી તો કોઈ ધરાતો જ નથી. અને મેં તમને જોયા છે એટલે એ (ધન) તો અમને મળી જ રહેશે. અને જ્યાં સુધી તમે યમરાજ તરીકે શાસન કરો છો, ત્યાંં સુધી હું લાંબું જીવીશ પણ ખરી જ, એટલા માટે મારે તો એ જ વરદાન (માગેલું) જોઈએ છે. મારે એ સિવાયનું કોઈ વરદાન જોઈતું નથી. (૨૭)
યમનો પ્રસ્તાવ પોતે શા માટે નકારી કાઢે છે, તેનું સ્પષ્ટીકરણ નચિકેતા હજુય વધારે કરી રહ્યો છે. યમરાજે એની આગળ ધન આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પણ નચિકેતા કહે છે કે ધનથી તો મનુષ્ય ક્યારેય સંતુષ્ટ થતો નથી. કોઈ ધનવાન માણસ હંમેશાં સુખી હોય જ છે, એવું નિશ્ચિતપણે કહી શકાતું નથી. ભૌતિક સમૃદ્ધિ ઉપર નચિકેતાને કશો મોહ નથી. એણે તો કહી જ દીધું છે કે એ તો અનિશ્ચિત છે કારણ કે એના સ્વરૂપમાં જ તે આવનજાવનવાળી છે. દરેકે દરેક ઈંદ્રિયસુખ પરિવર્તનશીલ જ છે. આવી વસ્તુઓમાં નચિકેતાને જરાપણ રસ નથી. જે કંઈ શાશ્વત-અપરિવર્તનશીલ છે, તેમાં જ એને રસ છે.
યમરાજે મૂકેલા ધનદોલત આપવાના પ્રસ્તાવને ઠુકરાવવાનું એક બીજું કારણ પણ નચિકેતા પાસે છે કે જ્યારે એણે યમરાજને હાજરાહજૂર જોઈ લીધા છે, ત્યારે તો પછી ધનદોલત અથવા એણે ઇચ્છેલી બીજી એવી વસ્તુઓને એ પ્રાપ્ત કરી જ શકે છે. એ જાણે છે કે યમરાજ એના ઉપર પ્રસન્ન છે જ. અને જ્યારે યમરાજ પ્રસન્ન હોય, ત્યારે તો એને બધું જ હાથવગું થઈ શકે. વળી વધારામાં આ યમરાજનું શાસન જ્યાં સુધી ચાલુ રહે, ત્યાં સુધી નચિકેતાને મરણનો ભય રાખવાની કશી જરૂર રહેતી નથી- એટલે કે યમરાજનો ડર રાખવાની જરૂર નથી. અહીં એ વાત ધ્યાન રાખવી જરૂરી છે કે યમરાજ પણ પહેલાં તો એક મર્ત્ય જીવ જ હતા. તેઓ પોતાનાં પુણ્ય કાર્યોને બળે જ દેવસ્વરૂપ પામ્યા છે. દેવ તરીકે તેઓ અમુક સત્તાઓ ભોગવે છે. પરંતુ, આ બધી સત્તાઓ ફક્ત નિશ્ચિત અમુક સમય માટે જ હોય છે. એટલા માટે નચિકેતા કહે છે કે ‘જ્યાં સુધી તમે યમરાજ તરીકે શાસન કરો છો, ત્યાં સુધી.’
अजीर्यताममृतानामुपेत्य
जीर्यन्मर्त्यः क्वधःस्थः प्रजानन् ।
अभिध्यायन् वर्णरतिप्रमोदा-
नतिदीर्घे जीविते को रमेत ॥ २८ ॥
क्वधःस्थः, સ્વર્ગની નીચે, આ ધરતી ઉપર; (कु એટલે પૃથ્વી અને अधःस्थः નીચે રહેલો) (અર્થાત્, ધરતીમાં નીચે ગમે ત્યાં); जीर्यन्, ક્ષીણ થતો રહેતો; मर्त्यः, મરણશીલ મનુષ્ય; अजीर्यताम्, ક્યારેય ક્ષીણ ન થાય તેવા; अमृतानाम्, અમર્ત્ય પદાર્થ પામે; उपेत्य, જઈને; (એવી વસ્તુના સંપર્કમાં આવીને;) प्रजानम्, બરાબર રીતે ઓળખતો એવો; वर्ण-रति-प्रमोदान्, ભૌતિક ગૌરવર્ણાદિ સૌંદર્યથી જન્મતા આનંદોને; अभिध्यायन्, ધ્યાનચિંતન કરતો; अतिदिर्घे, ખૂબ લાંબા; जीविते, જીવનમાં; कः, કોણ; रमेत, આનંદ પામશે.
ધરતીમાં નીચે ગમે ત્યાં રહેતો, પોતે ક્ષીણતા અને મરણનો વિષય જ છે એમ જાણતો, તેમ જ ગમે તે સ્રોતમાંથી આવતા બધા ઈંદ્રિયજન્ય આનંદોને પણ તરત નાશ પામનારા સમજતો એવો ક્યો માણસ, એને ઉચ્ચતમ સ્થાન આપી શકનારા અમર પદાર્થોને પામીને પણ ભલા જાણીબૂઝીને લાંબું આયુષ્ય માગશે? (૨૮)
આ પ્રશ્નનો જવાબ તો દેખીતી રીતે જ નકારમાં આવે છે. ‘કોઈ જ નહિ માંગે.’ યમરાજ નચિકેતાને જે વસ્તુઓ આપવાનો પ્રસ્તાવ કરી રહ્યા છે એને શા માટે નચિકેતા સ્વીકારતો નથી, એનું કારણ નચિકેતા ફરીથી કહે છે. તો શા માટે નચિકેતા એ બધું ઇચ્છતો નથી? કારણ કે તે જાણે છે કે તે બધું આવતું જતું રહે છે. એક મર્ત્ય માનવી તરીકે એણે ક્ષીણતા અને મરણ જોયાં છે. એ જાણે છે કે એનું પોતાનું પણ કોઈ ને કોઈ દિવસે મરણ થવાનું છે. એ જ પ્રમાણે જે જે વસ્તુઓ પર તે સ્વામિત્વ ધરાવે છે, તે તે બધી પણ નાશ પામવાની જ છે. ઈંદ્રિયજન્ય સુખોનો એ સ્વભાવ જ એ છે કે તે બધાં મોહક તો છે પણ ઝાઝો સમય ટકે એવાં નથી. નચિકેતા આ વાત ઘણી સારી રીતે જાણે છે અને આટલા માટે તે એ બધાં તરફ ઢળી ગયેલો જણાતો નથી. યમરાજે એને ઈંદ્રિયજન્ય સુખો માંહેની દુર્લભ સુખો આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પણ નચિકેતાને એનો અસ્વીકાર કરવામાં જરાપણ ખચકાટ થયો નહિ. ઈંદ્રિય સંબંધી વસ્તુઓ તરફની એની નીરસતાની વૃત્તિ યમરાજને મળ્યા પછી તો વધારે મજબૂત બની ગઈ હતી. કારણ કે યમરાજને મળ્યા પહેલાં તો એટલા લાંબા સમયગાળામાં એણે મર્ત્ય માનવીઓ વચ્ચે જ જિંદગી ગાળી હતી અને એ જ મર્ત્ય માનવીઓ જોયાં હતાં. હવે સૌ પ્રથમવાર એ અમર્ત્ય દેવને નિહાળી રહ્યો છે. તદુપરાંત, યમરાજ અને ઈંદ્રિયજન્ય સુખો કરતાં ચડિયાતાં સુખો આપી શકવામાં સમર્થ પણ હતા. જ્યારે કોઈ માણસ મૂલ્યવાન ઝવેરાત પ્રાપ્ત કરવાની સ્થિતિમાં હોય, ત્યારે જો એ લખોટા જેવી તુચ્છાતિતુચ્છ વસ્તુ માગી બેસે, તો એનામાં મૂર્ખતા જ નથી? અમર્ત્ય દેવને મળ્યા પછી, અપરિવર્તનશીલ પદાર્થો અને શાશ્વત તત્ત્વ વચ્ચેનો ભેદ જાણીને નચિકેતાને ધરતી ઉપરના લાંબા જીવનનો મોહ રહી જ ન શકે.
यस्मिन्निदं विचिकित्सन्ति मृत्यो
यत्साम्पराये महति ब्रूहि नस्तत् ।
योऽयं वरो गूढमनुप्रविष्टो
नान्यं तस्मान्नचिकेता वृणीते ॥ २९ ॥
मृत्यो, હે મૃત્યુના દેવ; यस्मिन्, જેના – વિષયમાં; (જે પ્રશ્નના વિષયમાં;) इदम्, આ (એટલે કે ‘આત્મા છે કે નહિ, આ પ્રશ્ન); यत्, તે; विचिकित्सन्ति, (લોકો) વિચાર વિમર્શ કરે છે; तत्, તે (અર્થાત્, તે આત્માનો વિષય); महति साम्पराये, મહાન દિવ્યલોકમાં; नः, અમને; ब्रूहि, સમજાવો; यः अयम् वरः, જે આ – વિશિષ્ટ વરદાન; (આત્મા સંબંધી વરદાન); गूढम्, છુપી અવસ્થામાં રહસ્યમય સ્થિતિમાં; अनुप्रविष्टः, પ્રાપ્ત હાંસલ કરી શકાય તેવો છે; तस्मात्, તેથી (એ સિવાયનું); अन्यम्, બીજું; (અન્ય કોઈ વરદાન); नचिकेताः न वृणीते, નચિકેતા માગતો નથી.
હે મૃત્યુના દેવ, ‘આત્મા છે કે નહિ’ તે વિષયમાં લોકો હંમેશાં ચર્ચા કરતા રહ્યા છે, શંકાઓ કરતા રહ્યા છે. આ પ્રશ્ન ઘણો જ મહત્ત્વનો છે. કારણ કે એ મુક્તિ સાથે સંબંધ ધરાવે છે યા પરલોકની સાથે સંબંધ ધરાવે છે. આ પ્રશ્ન ઘણો કઠિન તેમજ ઘણી ખોજની અપેક્ષા રાખે છે; આ એક રહસ્ય છે. મને કૃપા કરીને એ જ સમજાવો. નચિકેતાને કોઈ બીજું વરદાન ન ખપે. (૨૯)
નચિકેતા પોતે પસંદ કરેલા વરદાનને જ શા માટે વળગી રહ્યો છે, તે ફરી એક વખત યમરાજને કહી સંભળાવે છે. એણે પહેલાં જ તો યમરાજને દૃઢપણે ચોખ્ખુંચટ્ટ કહી જ દીધું હતું કે એને કોઈ ઈંદ્રિયજન્ય સુખમાં અથવા તો કોઈ પરિવર્તન પામતી વસ્તુમાં રસ છે જ નહિ. એને તો માણસની સાચી ઓળખની આસપાસના રહસ્યને જ ફક્ત જાણવું હતું. મનુષ્યનું મરણ થાય છે ત્યારે શું સઘળાંનો અંત જ આવી જાય છે કે પછી મરણ એ ખાલી એક રૂપાંતર જ છે? ફક્ત એક પરિવર્તન જ છે! નચિકેતાને આ પ્રશ્નનો ઉત્તર જોઈતો હતો. જ્યારે તે કહે છે કે ‘આનાથી કશું જ ઓછું નચિકેતાને ખપતું નથી’ ત્યારે એ કોઈ બડાઈ હાંકી રહ્યો નથી. પરંતુ પોતાની એ માટેની તાલાવેલીને જ અભિવ્યક્ત કરી રહ્યો છે.
પ્રથમ અધ્યાય – બીજી વલ્લી
अन्यच्छ्रेयोऽन्यदुतैव प्रेय-
स्ते उभे नानार्थे पुरुषं सिनीतः ।
तयोः श्रेय आददानस्य साधु
भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते ॥ १ ॥
श्रेयः, કલ્યાણ-શુભ; अन्यत्, અલગ; उत, અને; प्रेय, વહાલા લાગતા ભોગો; अन्यत् एव, નિ:શંક રીતે અલગ જ છે; ते उभे, તે બંને; नाना-अर्थे, જુદા જુદા માર્ગે (જુદી જુદી રીતે); पुरुषम्, મનુષ્યને; सिनीतः, બાંધે છે; तयोः, તે બેમાંથી; श्रेयः, કલ્યાણ-શુભને; आददानस्य, પસંદ કરનારાની; साधु भवति, ઉન્નતિ—ઊર્ધ્વગતિ—થાય છે; यः, (અને) જે; प्रेयः उ, કેવળ પ્રિય લાગતા ભોગોને; वृणीते, પસંદ કરે છે; अर्थात्, (તે) પોતાના ઉદ્દેશથી; हीयते, નીચે પડે છે—ક્ષીણ થાય છે.
કલ્યાણ – (શુભ) અને પ્રિય લાગતા ભોગો – એ બંને જુદી જ વસ્તુઓ છે – તેઓ અલગ અલગ હેતુઓ સાધનારી હોય છે. તે બંને બંધનકારક તો છે જ જો કે એ બંનેની બંધકતા એકસરખી રીતની નથી. જે શુભ કે કલ્યાણને પસંદ કરે છે, તે પોતાનું કલ્યાણ જ કરે છે પરંતુ, જે વહાલા લાગતા ભોગવિલાસોને પસંદ કરે છે, તે જીવનના હેતુથી – ઉદ્દેશથી નીચો પડી જાય છે. (૧)
જીવનનો ઉદ્દેશ શો છે? જીવનનો ઉદ્દેશ તો મુક્તિ જ છે. અત્યારે તો આપણે જીવનમરણનાં ચક્કરમાં અટવાયેલા છીએ. આપણે વારેવારે જન્મ લઈએ છીએ અને વારેવારે મરણ પણ પામ્યા કરીએ છીએ. પણ એમ શા માટે? આપણા અજ્ઞાનને લીધે જ એવું થાય છે. આપણને આપણી પોતાની સાચી ઓળખ નથી. અને એથી આપણને સતત ઊણપની લાગણી સતાવતી રહે છે. આપણે હંમેશાં કંઈ ને કંઈ ઇચ્છયા જ કરતા હોઈએ છીએ. ભલેને આપણી પાસે બધું જ હોય, છતાં પણ આપણને સંતોષ જ થતો નથી. આપણે વધારે ને વધારે ઇચ્છા કરતા રહીએ છીએ. આપણી પાસે ભલે ગમે તેટલું હોય, પણ એનો વિચાર કર્યા વગર જ આપણે એથી પણ વધારેની ઝંખના કરતા રહીએ છીએ. અને આપણે ક્યારેય સુખી થતા નથી. પણ આપણી કામનાઓને પૂર્ણ કરવા માટે આપણને શરીરની જરૂર પડે છે અને એ શરીરને પ્રાપ્ત કરવાનો અર્થ એ છે કે આપણે જન્મ લેવો જ પડે છે; પછી જેવી રીતે દિવસ પછી રાત્રિ આવે છે, તેવી રીતે જન્મ પછી મૃત્યુ તો આવે જ છે. આ રીતે લાચાર થઈને જ્યાં સુધી ‘આપણો આત્મા જ બધું છે’ – એવો સાક્ષાત્કાર કરી લઈએ ત્યાં સુધી અને આપણે કશી કામનાઓ ન હોવી જોઈએ. એવો ખ્યાલ આવે ત્યાં સુધી આપણે જન્મ અને મરણ વચ્ચે ઝૂલ્યા જ કરીએ છીએ. મુક્તિ તો આપણને આત્માની ઓળખ થાય પછી જ મળે છે. જીવનનો ઉદ્દેશ આ આત્મજ્ઞાન જ છે. માનવજાત માટે આ સર્વોત્તમ પુરુષાર્થ છે. યમરાજ જેને ‘શ્રેય’ કહે છે, તે આ જ છે.
કેટલાક લોકો એવા હોય છે કે જેઓ બીજું કશું જ ઇચ્છતા નથી. પણ કેવળ આત્મજ્ઞાનને જ ઝંખતા હોય છે. યમરાજ જેને ‘પ્રેયસ્’ કહે છે તે પ્રિય લાગતા ભોગવિલાસોમાં એવા લોકોને રસ હોતો નથી. આવા લોકો જ વિચારશીલ અને બુદ્ધિશાળી છે કે જેઓ ભોગવિલાસોથી વેગળા રહે છે. કારણ કે તેઓ જાણે છે કે ભોગવિલાસો થોડા સમય માટે જ પ્રમોદદાયક હોય છે. આવા લોકોને ફક્ત ઉચ્ચતમ પુરુષાર્થને કેવી રીતે પ્રાપ્ત કરવો, એ બાબત સાથે જ લાગેવળગે છે. આવું પૂર્વ અવધારણ પણ એક પ્રકારનું બંધન તો છે જ. પણ એ એવું બંધન છે કે જે મુક્તિ અપાવે છે. આ માર્ગ જો કે કઠિન તો છે. છતાં પણ તેઓ સર્વે ઇચ્છે છે તેવું સુખ મેળવવા માટે – શાશ્વત સુખની પ્રાપ્તિ માટે – એના ઉપર પોતાની પસંદગી ઉતારે છે.
લોકોનો બીજા પ્રકારનો સમૂહ એવા મનુષ્યોનો હોય છે કે જેઓ પ્રિય લાગતા ભોગવિલાસોને પસંદ કરે છે. આવા લોકો સહેલાઈથી ઈંદ્રિય સુખો તરફ આકર્ષાયેલા હોય છે. તેઓ સુખ તો મેળવે છે, પણ એ સુખ ખૂબ ટૂંકા સમયનું હોય છે. તેમણે ઇચ્છેલા બધા પદાર્થો જાગતિક જ હોય છે- ભૌતિક જગતના જ હોય છે.
નચિકેતા તો પહેલા પ્રકારના લોકસમુદાયનો માણસ છે. છતાં પણ યમરાજ એને ચેતવે છે. કારણ કે કોઈપણ માણસને એવી ખાતરી નથી હોતી કે તે કોઈ લાલચને વશ નહિ જ થાય. ‘શાશ્વત જાગરુક્તા જ સ્વાતંત્ર્યનું મૂળ છે.’
(ક્રમશઃ)
Your Content Goes Here




