यदा पञ्चावतिष्ठन्ते ज्ञानानि मनसा सह।
बुद्धिश्च न विचेष्टति तामाहुः परमां गतिम्॥ १०॥

यदा:, જ્યારે; पञ्च ज्ञानानि, પાંચ જ્ઞાનેન્દ્રિયો (એટલે કે ચક્ષુરિન્દ્રિય (આંખ), કર્ણેન્દ્રિય (કાન); સ્વાદેન્દ્રિય (જીભ), ઘ્ર્રાણેન્દ્રિય (નાસિકા) અને ત્વગિન્દ્રિય (ચામડી); मनसा सह अवतिठन्ते, મનની સાથે રહે છે (એટલે કે નિષ્ક્રિય બનીને મન સાથે રહે છે); बुद्धि: न च विचेष्टति, અને બુદ્ધિ પણ કશી ચેષ્ટા કરતી નથી; ताम (पण्डिता:) परमाम्‌ गतिम् आहु:, એને પંડિતો ઉચ્ચતમ આધ્યાત્મિક સ્થિતિ કહે છે.

જ્યારે પ્રત્યક્ષીકરણની બધી ઈંદ્રિયો – જ્ઞાનેન્દ્રિયો મનની અંદર વિલીન થઈને નિષ્ક્રિય બની જાય છે અને જ્યારે બુદ્ધિ પણ પોતાના કાર્યમાંથી નિવૃત્ત બની જાય છે, ત્યારે એવી સ્થિતિ થાય છે કે જેને પંડિતો ‘ઉચ્ચતમ આધ્યાત્મિક સ્થિતિ’ તરીકે વર્ણવે છે. (૧૦)

યોગની સાધના કરતો કોઈપણ મનુષ્ય જેને પ્રાપ્ત કરવા માટે મથામણ કરે, એવી સ્થિતિ અહીં દર્શાવવામાં આવી છે. એવો મનુષ્ય પોતાની બધી જ જ્ઞાનેન્દ્રિયોને પોતાની ભીતર ખેંચીને પોતાના મનમાં એને વિલીન કરી દેશે. વળી તે પોતાની બુદ્ધિને પણ નિષ્ક્રિય અને શાંત બનાવી દેશે. આવી સ્થિતિને યોગીઓએ ઉચ્ચતમ આધ્યાત્મિક સ્થિતિ તરીકે વર્ણવી છે.

तां योगमिति मन्यन्ते स्थिरामिन्द्रियधारणाम् ।
अप्रमत्तस्तदा भवति योगो हि प्रभवाप्ययौ ॥ ११॥

ताम्‌ स्थिराम्‌ इन्द्रियधारणाम्, ઈંદ્રિયોને સ્થિર રાખવાની આ સ્થિતિને; (योगिन, યોગીઓ); ભ્ૈંળ્ પ્તર્; ૈંદૃર્દૃ, યોગ તરીકે માને છે; ઢર્, ત્યારે – એ સ્થિતિમાં; (ભ્ૃ) ય્ન્ૈંજ્થ શ્વર્;, ત્યારે યોગી સાવધાન – કશી જ ક્ષતિ ન થાય એ માટે સાવધ – રહે છે. (એટલે કે ફરીથી ક્યારેય પણ માયાની અસરમાં આવીને મિથ્યા વસ્તુને સાચી વસ્તુ ગણતો નથી); ;રૂ, કારણ કે; ભ્થ ન્શ્વ-ય્લ્લળ, આ યૌગિક અવસ્થા આરોહ પણ પામે છે અને અવરોહ પણ પામે છે – એની ચડતી – ઉદય પણ થાય છે અને પડતી – અસ્ત પણ થાય છે.

જ્યાં બધી જ ઈંદ્રિયો સંપૂર્ણ રીતે શાંત થઈ ગઈ હોય એેવી સ્થિતિને યોગીઓ ‘યોગ’ તરીકે વર્ણવે છે. આ અવસ્થામાં રહેલ યોગી ક્યારેય પણ કશી ભૂલ કરતો નથી. (ઉદાહરણ તરીકે ઈંદ્રિયસુખો તરફ આકર્ષાતો નથી. કારણ કે એ આત્મા સાથે એકરૂપ થઈ ગયેલો હોય છે.) પણ આવી યૌગિક અવસ્થાની જેમ ચડતી હોય છે, તેમ પડતી પણ હોઈ શકે છે. (૧૧)

આ મંત્ર તેમજ આની પહેલાંના મંત્રમાં ‘યોગ’ની વ્યાખ્યા આપવામાં આવી છે. યોગીઓ કહે છે કે યોગ એ એક એવી અવસ્થા છે કે જેમાં મન સહિતની બધી જ ઈંદ્રિયો અને બુદ્ધિ સંપૂર્ણપણે શાંત-નિષ્ક્રિય – થઈ જાય છે. આ અવસ્થામાં યોગી આત્મા સાથે એકરૂપતા અનુભવે છે. અને ત્યાર પછી તે જગતનાં બધાં પ્રલોભનોથી બચી જાય છે. પણ આ અવસ્થા લાંબો સમય ન પણ ટકે એવું બની શકે. આવી યૌગિક અવસ્થાને જેવી રીતે પોતાની શરૂઆત હોય છે, તેમ અન્ત પણ હોઈ શકે છે. એટલે આવે વખતે મનુષ્યે સચેત રહેવું જોઈએ કે જ્યારે આવી યૌગિક અવસ્થાનો અંત આવે, ત્યારે ક્યાંક તે દુનિયાની છેતરામણી માયાજાળમાં ફસાઈ ન જાય! મનુષ્યે પોતાના વિચારો અને પોતાનાં કાર્યો ઉપર સખત જાપ્તો રાખવો જોઈએ. મનુષ્યે આધ્યાત્મિક જીવન તરફ દોરી જતી વસ્તુઓ તેમજ આધ્યાત્મિક જીવનને હાનિ પહોંચાડતી વસ્તુઓ વચ્ચે વિવેક વાપરવાનો મહાવરો રાખવો જોઈએ અને જાળવવો જોઈએ.

नैव वाचा न मनसा प्राप्तुं शक्यो न चक्षुषा ।
अस्तीति ब्रुवतोऽन्यत्र कथं तदुपलभ्यते ॥१२॥

(स:, તે આત્મા); वाचा प्राप्तुम्‌ शक्य:, વાણીથી પ્રાપ્ત કરવો શક્ય નથી (એટલે કે એ એવી કોઈ વસ્તુ નથી કે જે શબ્દોથી સમજાવી શકાય); मनसा न, મનથી પણ ધારણ કરી શકાતો નથી; चक्षुषा न, આંખ વડે જોઈ શકાતો નથી; (स:, તે); अस्ति, છે – હસ્તી ધરાવે છે; इति ब्रुवत:, (કેટલાક લોકો) એમ કહે છે अन्यथा कथम्‌ तत्‌ उपलभ्यते, (પરંતુ) બીજાને તે કેવી રીતે દર્શાવી શકાય? (અર્થાત્ બીજાને, એટલે કે અશ્રદ્ધાળુને તે કેવી રીતે બતાવી શકાય?)

તે આત્મા (બ્રહ્મ) વાણી અને વિચારથી પર છે; આંખ અને બીજી ઈંદ્રિયો એને પ્રત્યક્ષ કરી શકતી નથી. છતાં પણ શાસ્ત્રો અને પોતાના ગુરુઓ – ઉપદેશકો – થી પ્રેરાયેલા કેટલાક લોકો માને છે કે તે હસ્તી ધરાવે છે. પરંતુ જે એવું ન માનનારા અશ્રદ્ધાળુઓ છે, તેમને તે કેવી રીતે દર્શાવી શકાય? (૧૨)

બ્રહ્મ વાક્ અને મનથી અતીતનું તત્ત્વ છે. કોઈપણ જ્ઞાનેન્દ્રિય એનું પ્રત્યક્ષીકરણ કરી શકતી નથી. આમ છતાં પણ કેટલાક માણસો માને છે કે એ બ્રહ્મ અસ્તિત્વ ધરાવે છે. આ મનુષ્યોએ જે જે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને તેમના જે જે ગુરુઓ છે, તેમના પ્રભાવમાં આવીને તેઓ આવી માન્યતા ધરાવે છે. પણ એવું કશું ન માનનારા – એવા પ્રભાવમાં ન આવનારા – અશ્રદ્ધાળુઓનું શું? ‘બ્રહ્મ હસ્તી ધરાવે છે’ – એવા સિદ્ધાંતને તો તેઓ એકદમ નકારી જ કાઢે છે કારણ કે એ માટેનો કોઈ નક્કર પુરાવો તો મળતો નથી! આવા મનુષ્યોને બ્રહ્મના અસ્તિત્વને દર્શાવી શકાય તેવો કોઈ ઉપાય છે ખરો કે?

ના, ‘બ્રહ્મ’ દર્શાવી શકાય એવો કોઈ વિષય તો નથી! પણ એનો અર્થ એવો તો નથી જ કે એની કોઈ હસ્તી જ નથી! જો એમ હોય તો પછી આ જગત બીજા શેમાંથી આવ્યું છે? એ બ્રહ્મમાંથી જ આવ્યું છે. અહીં જે કશાની હસ્તી છે, તેનું મૂળ બ્રહ્મ જ છે. એ પ્રથમ કારણ છે. જો કોઈ ઝાડની હસ્તી દેખાય તો ધારી જ લેવું જોઈએ કે તે બીજમાંથી જ ઉત્પન્ન થયું છે; પછી ભલે એ બીજ જોઈ શકાય તેવું ન હોય! શૂન્યમાંથી તો કશું ઉત્પન્ન થઈ શકતું નથી. કંઈક અસ્તિત્વવાળું હોય તો એમાંથી કશુંક નીપજી શકે. અને જો આ જગત સત્ય હોય તો એ કશાક સત્ય તત્ત્વમાંથી જ ઉત્પન્ન થયેલું હોવું જોઈએ. ‘અસત્’માંથી ‘સત્’ ઉત્પન્ન થઈ જ ન શકે. એટલા માટે પ્રત્યક્ષ થઈ શકે કે ન થઈ શકે, તો પણ બ્રહ્મ ‘સત્ય’ જ છે. આ પરિવર્તનશીલ જગત ક્યારેક સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જાય ખરું, પણ આ જગતના અધિષ્ઠાનરૂપ – આધારરૂપ જે ભીતર રહેલી ચેતના છે, તે તો સદા એવી જ – શાશ્વત – રહે છે. બધી ચેતનાનો મૂળ સ્રોત બ્રહ્મ છે. એટલે બ્રહ્મ વિદ્યમાન જ રહે છે; બ્રહ્મ કારણ છે, અને જગત એ એનું કાર્ય છે. કાર્ય અદૃશ્ય થઈ જાય છે, પણ કારણ વિદ્યમાન જ રહે છે. કાર્ય ફરી પાછું પોતાના કારણમાં વિલીન થઈ જાય છે. બાઈબલમાં કહ્યું છે કે ‘એટલે તમે માટી છો અને એ માટી તરફ તમે પાછા વળી જાઓ છો.’ (Genesis – ૩/૧૯).

अस्तीत्येवोपलब्धव्यस्तत्त्वभावेन चोभयोः।
अस्तीत्येवोपलब्धस्य तत्त्वभावः प्रसीदति॥१३॥

अस्ति इति एव, (સૌથી પહેલાં તો) એ કે આ પરમાત્મા (વિશ્વાત્મા) અસ્તિત્વ ધરાવે છે, એ પ્રતીતિ થવી જોઈએ; तत्त्वभावेन च (उपलब्धव्य:), (ત્યાર પછી) એના સાચા સ્વરૂપનો અનુભવ કરવો જોઈએ; उभयो:, મનુષ્યોની આ બે કક્ષાઓ વચ્ચે; अस्ति इति उपलब्धस्य, જેઓ આ પરમાત્માનું અસ્તિત્વ છે એમ અનુભવ કરે છે; तत्त्वभाव: प्रसीदति, તે પોતે જ પોતાના સાચા સ્વરૂપને પ્રકટ કરે છે.

સૌથી પહેલાં તો મનુષ્યે એવી પ્રતીતિ કરવી જોઈએ કે વિશ્વાત્મા-પરમાત્મા અસ્તિત્વ ધરાવે છે. અને ત્યાર પછી મનુષ્યે એ પરમાત્માના સાચા સ્વરૂપને ઓળખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આમ બે પ્રકારના લોકોની વચ્ચે – અર્થાત્, એક પરમાત્માના અસ્તિત્વની પ્રતીતિવાળા અને બીજા એવી પ્રતીતિ વગરના લોકોની વચ્ચે – પહેલા પ્રકારના લોકો આગળ જ આ પરમાત્મા પોતાની મેળે પોતાના સ્વરૂપને પ્રકાશિત કરે છે (એવી તક છે). (૧૩)

પહેલાં તો મનુષ્યે બૌદ્ધિક રીતે એ પ્રતીતિ કરી લેવી જોઈએ કે પરમાત્મા હસ્તી ધરાવે જ છે. પણ વિશ્વાત્મા વિશેની આવી ખાતરી તો માત્ર શરૂઆત જ છે; મનુષ્યે હજુ એથી આગળ જવાનું છે. આ પ્રતીતિ થયા પછી મનુષ્યે પોતાની આધ્યાત્મિક સાધનાને વધારે તીવ્ર બનાવવી જોઈએ કે જેથી એ આત્મા પોતાની મેળે પોતાનું પ્રકાશન કરે. આ પ્રકાશન એક અપરોક્ષ સીધી અને વ્યષ્ટિગત અનુભૂતિના રૂપમાં આવે છે. અને બધી જ્ઞાનેન્દ્રિયોથી સ્વતંત્ર – નિરપેક્ષ – રહીને જ થાય છે. આ અનુભૂતિ સાથે જ મનુષ્યને વિશ્વાત્માના સાચા સ્વરૂપનો એ અનુભવ થાય છે કે આ વિશ્વાત્મા નિર્ગુણ છે.

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.