(ગતાંકથી આગળ)
અવતાર શક્તિ અને પ્રકાશ
શ્રીરામકૃષ્ણ કહે છે : ‘જો તમે ઈશ્વરને શોધતા હો તો તેમને માનવીમાં શોધો.’ આ અદ્ભુત વાત છે, વિચાર માગી લે તેવી વાત છે. મનુષ્ય પોતાની અનુભવશક્તિની મદદથી મનુષ્યના રૂપે પ્રભુને વધારે સારી રીતે સમજી શકે છે. એટલે કહે છે : ‘માનવમાં એમનો પ્રકાશ વધારે હોય છે. જે માનવમાં ઊર્જિતા ભક્તિ જોશો તો તમને જોવા મળશે કે તેનામાં પ્રેમ અને ભક્તિ બંને ઊમટી રહ્યાં છે, ઈશ્વર માટે તે પાગલ બની જાય છે, પ્રભુના પ્રેમમાં મસ્ત બનીને ફરતો રહે છે, એ મનુષ્યમાં આટલું નિશ્ચયપૂર્વક સમજી લો કે તેઓ અવતાર લઈ ચૂક્યા છે.’ ગીતા (૧૦.૪૧) માં કહ્યું છે:
યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા ।
તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોંઽશસમ્ભવમ્ ॥
ભગવાન કહે છે : ‘બધી વસ્તુઓ મારા જ તેજથી ઉત્પન્ન થઈ છે. જ્યાં જ્યાં શ્રી, સૌંદર્ય, શક્તિ અને ઐશ્વર્યનો પ્રકાશ દેખાય ત્યારે એમ જાણવું કે હું ત્યાં છું.’ એટલે મનુષ્યમાં ભગવાનની અનુભૂતિ જેટલી પ્રબળ હોય છે, તેટલી બીજે કોઈ સ્થળે નથી હોતી. એક બીજે સ્થળે શ્રીઠાકુર કહે છે: ‘માનવને વધારે ને વધારે ભાવ થઈ શકે છે. અવતાર સિવાય બીજાને મહાભાવ કે પ્રેમ થતો નથી.’ વળી વધુ વ્યાખ્યા કરતાં કહે છે કે ક્યાંક એમની શક્તિનો પ્રકાશ વધારે માત્રામાં હોય છે અને ક્યાંક ઓછો. અવતારોમાં એમની શક્તિનો પ્રકાશ વધારે હોય છે. એ જ શક્તિ ક્યારેક ક્યારેક પૂર્ણભાવથી રહે છે. ‘શક્તિનો જ અવતાર થાય છે.’ અવતાર અર્થાત્ ભગવાનની શક્તિ જ જાણે કે આકાર ગ્રહણ કરીને આવિર્ભૂત થઈ છે. એમના પ્રકાશથી જ આ જગત પ્રકાશિત થાય છે. તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ – એટલે જેવી રીતે અવતારમાં બને છે તેવી જ રીતે નિર્બોધ, અવિકસિત આત્માની ભીતર પણ એમનો પ્રકાશ છે. ક્યાંક વધારે હોય તો ક્યાંક ઓછો. અવતારોમાં વધારે પ્રકાશ હોય છે કારણ કે એ જ શક્તિ ક્યારેક પૂર્ણભાવે રહે છે.
શ્રીઠાકુર જેમ કહે છે : ‘શક્તિનો જ અવતાર થાય છે.’ આ શબ્દનો આપણે ખોટો અર્થ ન કરી બેસીએ. શક્તિ એ કોઈ વિશેષ દેવી નથી. જે શક્તિના પ્રભાવથી ઈશ્વર સૃષ્ટિ-સ્થિતિ-લય કરે છે. એ શક્તિ અને તેઓ અભિન્ન છે. જ્યારે તેઓ સૃષ્ટિ-સ્થિતિ-લય કરે છે ત્યારે તેમને શક્તિ કહે છે, એ શક્તિના જ અવતાર બનીને તેઓ લીલા કરે છે. તેઓ સૃષ્ટિના માધ્યમ દ્વારા જ પોતાને સ્વયંને વ્યક્ત કરે છે.
તેઓ શુદ્ધ મનના ગોચર છે
ગિરિશે કહ્યું: ‘નરેન્દ્ર કહે છે, તેઓ અવાઙ્ગમનસ ગોચર છે.’ વાણી-મનથી અગોચર છે. ઉપનિષદ વારંવાર કહે છે : યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ (તૈતિરીય ૨.૪.૧) જ્યાંથી મનની સાથે વાણી એમને ન પામીને પાછી ફરે છે. અર્થાત્ શબ્દ અને વાણી દ્વારા આપણે ઈશ્વરને પ્રમાણિત કરી શકતા નથી. મન દ્વારા પણ એમની ધારણા થઈ શકતી નથી. મન એમનું કેવળ એક ક્ષુદ્ર કાર્ય માત્ર છે, એટલે તેઓ મન અને વાણીથી અગોચર છે. નરેન્દ્રની આ વાતનો પ્રતિવાદ કરતાં શ્રીઠાકુર કહે છે : ‘ના, આ મનથી ગોચર તો નથી. પરંતુ તેઓને શુદ્ધ મન દ્વારા અવશ્ય ગોચર છે – જાણી શકાય.’ શ્રીઠાકુરનું આ વાક્ય સ્પષ્ટ રૂપે ઉપનિષદનું જ વાક્ય છે. (કેનો. ૧.૫)
યન્મનસા ન મનુતે યેનાહુર્મનો મતમ ।
તદેવ બ્રહ્મ ત્વં વિદ્ઘિ નેદં યદિદમુપાસતે ॥
એક જગ્યાએ કહ્યું છે : ‘મન દ્વારા એમનું ચિંતન થઈ શકતું નથી.’ વળી બીજે કહે છે : ‘મનસૈવેદમાપ્તવ્યમ્ એ વસ્તુને મન દ્વારા જ પ્રાપ્ત કરવી પડશે.’ આ બંને વાત પરસ્પર વિરોધી છે. શ્રીઠાકુરે એનું જે સમાધાન કરી દીધું છે તે શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેઓ શુદ્ધ મનથી ગોચર છે. જે મન સાથે આપણો પરિચય છે તે અશુદ્ધ મનથી તેઓ ગોચર નથી. શ્રીઠાકુર કહે છે કે શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ આત્મા બધાં એક જ છે. મનનું (મનનું જ શા માટે, ગમે તે વસ્તુનું) આપણે જ્યારે શોધન કરીએ છીએ ત્યારે તેના પર આરોપિત ધર્મ, આવરણ વગેરેને દૂર કરી દઈએ છીએ; અને ત્યારે જે કંઈ શેષ રહે છે તે સ્વયં ઈશ્વર છે. એટલે શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ આત્મા એક જ છે. જેમણે આત્માને જાણી લીધો છે, તેઓ આત્માથી અભિન્ન બની ગયા છે. પોતાના વ્યક્તિત્વની સીમાને પાર કરીને અસીમત્વને પામી ચૂક્યા છે. એમનું આ અસીમ રૂપ જ સત્ય છે. આપણે જે સીમિત રૂપ જોઈએ છીએ તે આરોપિત છે. દૃષ્ટાની ભ્રાંત બુદ્ધિ દૂર થતાં તેઓ શુદ્ધ સ્વરૂપમાં જ પાછા ચાલ્યા જાય છે. મનબુદ્ધિ જ્યારે વિચાર કરે છે ત્યારે આત્મશક્તિના પ્રભાવથી જ વિચારે છે. પરંતુ વિશ્લેષણ દ્વારા એનો જે ચૈતન્યધર્મ મળે છે, તે જ મનનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે જે વાણી અને મનથી અગોચર છે, તેઓ જ શુદ્ધ મનથી ગોચર બની જાય છે.
ત્યાર પછી શ્રીઠાકુર કહે છે : ‘શું ઋષિઓ અને મુનિઓએ એમનાં દર્શન નથી કર્યાં? એ લોકોએ ચૈતન્ય દ્વારા ચૈતન્યનો સાક્ષાત્કાર કર્યો.’ આ એક ચિંતનીય વાત છે. એને જોવા કે એને અનુભવવા એ કોઈ અન્ય બાહ્ય સાધન કે યંત્ર દ્વારા થતું નથી. આંખ, કાન, નાક, આદિ ઈંદ્રિયો દ્વારા આપણે વસ્તુઓનો અનુભવ કરીએ છીએ. ઈંદ્રિય અને વસ્તુઓ, બંનેના રહેવાથી એની અનુભૂતિ થાય છે; પરંતુ આ અનુભવ અતીન્દ્રિય છે.
વસ્તુ સમસ્ત ઈંદ્રિયોની પહોંચથી પર સ્વરૂપમાં રહેલ છે – આ જ અચિંત્ય વસ્તુની અનુભૂતિ છે. એટલે કહ્યું છે કે શું ઋષિમુનિઓએ એમને નથી જોયા? એમના સ્વરૂપની ઉપલબ્ધિ નથી કરી? આ લોકોએ ચૈતન્ય દ્વારા ચૈતન્યનો સાક્ષાત્કાર કર્યો હતો. શ્રીઠાકુર વારંવાર કહેતા: ‘બોધમાં બોધ થવો.’ અર્થાત્ શુદ્ધ બુદ્ધિ દ્વારા શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ થવી. શુદ્ધ બુદ્ધિ એટલે એ બુદ્ધિ કે જે ઈંદ્રિયો દ્વારા સીમિત કે વિકૃત ન હોય. એ જ શુદ્ધ બુદ્ધિ અને આત્મા એક છે, એટલે કહેવાયું છે : ચૈતન્ય દ્વારા જ ચૈતન્યની અનુભૂતિ થાય છે. જે સીમા, ધર્મ કે ગુણ અનંતથી અલગ કરી રાખે છે, એ બધાથી દૂર થવાથી શુદ્ધ બુદ્ધિ દ્વારા શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ શુદ્ધ બુદ્ધિ – શુદ્ધ આત્માના રૂપે જ અવસ્થિત છે.
શ્રીરામકૃષ્ણ બલરામ મંદિરમાં આવ્યા છે. આ ઘર જાણે કે એમની બેઠક છે. તેઓ ગીત સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરે છે. ગિરિશે રચેલું આ ભજન ગાવામાં આવ્યું:
કેશવ કુરુ કરુણા દીને કુંજ-કાનનચારી,
માધવ મનમોહન, મોહનમુરલીધારી.
બ્રજકિશોર કાલીયશર કાતર-ભયભંજન,
નયનબાઁકા બાઁકા શિખિપાખા, રાધિકા હૃદિરંજન,
ગોવર્ધનધારણ, વનકુસુમભૂષણ, દામોદરકંસદર્પહારી,
શ્યામ રાસવિહારી.
આ ભજન શ્રીઠાકુરને ઘણું પસંદ પડ્યું. પૂછતાં જાણવા મળ્યું કે ગિરિશે જ ‘ચૈતન્યલીલા’નાં બધાં ગીતોની રચના કરી છે. આ ગીત મંચ પર સામુહિક રૂપે ગવાય છે. એક તરફ પુરુષો અને બીજી બાજુએ સ્ત્રીઓ, એક એક પદ વારાફરતી ગાય છે. ગીતની રચના એવી રીતે થઈ છે કે એમાં વ્રજનાં ગોપગોપીઓ બંનેનો ભાવ વ્યક્ત થાય છે. એક બાજુએ કૃષ્ણનું પૌરુષ તો બીજી બાજુએ તેમનું મનોહારી રૂપ અભિવ્યક્ત થાય છે.
ત્યાર પછી શ્રીઠાકુરના નિર્દેશ પ્રમાણે ગાયક તારાપદ નિતાઈ ભાવપદ ગાય છે – ‘કિશોરિર પ્રેમ નિબિઆઈ, પ્રેમેરજોયાર બયે જાય.’ – ‘કિશોરીનો પ્રેમ જો તારે લેવો હોય તો ચાલ આવ, આ પ્રેમની ભરતી ઊછળી રહી છે.’ શ્રીગૌરાંગને ‘કિશોરી’ કહેવામાં આવ્યા છે. શ્રીગૌરાંગને જોઈને, એના ભાવને અનુભવીને નિતાઈ ગાય છે. મહાપ્રભુ, રાધાભાવમાં ભાવિત છે – ‘રાધા ભાવ દ્યુતિ સુલલિત તનુ’ શ્રીરાધાનો ભક્તિભાવ અને અંગકાંતિ ગ્રહણ કરીને તેઓ અવતર્યા છે. શ્રીગૌરાંગના ભાવનું અવલંબન કરીને એક બીજું ભજન પણ થયું: ‘કાર ભાવે ગૌર બેશે નદે એસે જુડાલે હે પ્રાણ’ – ‘કેના ભાવમાં ગૌરાંગના વેશે નાદિયામાં આવીને તમે પ્રાણને શીતળ કરી દીધા.’ તેઓ શ્રીરાધા અને શ્રીકૃષ્ણનું સંમિલિત મૂર્તિરૂપ છે. આ જ ભાવ આ ગીતમાં સમજાવવામાં આવ્યો છે.
બધા લોકોએ માસ્ટર મહાશય પાસે પણ એક ભજન ગાવાનો આગ્રહ કર્યો. માસ્ટર મહાશયનો કંઠ મધુર હતો. તેઓ સ્ત્રીઓ જેવા તીણા અવાજે ઘણા ભાવ સાથે ગાતા. પરંતુ તેઓ સંકોચશીલ સ્વભાવના હતા એટલે ધીમા અવાજે ક્ષમા યાચવા લાગ્યા. કોઈ સંકોચી સ્વભાવવાળા વ્યક્તિને જેમ બધા સાથે મળીને હેરાન કરે છે તેવી રીતે ગિરિશ હસતાં હસતાં શ્રીઠાકુરને કહે છે: ‘મહારાજ, માસ્ટર મહાશય કોઈ રીતે ગાતા નથી.’ માસ્ટર મહાશય વધુ સંકોચાયા. ગીત ન ગાવાથી શ્રીઠાકુરે નાખુશીના સ્વરે કહ્યું: ‘એ શાળામાં મોઢું ખોલશે પણ ગાવામાં તેના પર દુનિયાભરની શરમ આવી પડે છે.’ એમના મધુર કંઠેથી નારીભાવવ્યંજક ગીત ઘણું ચિત્તાકર્ષક લાગશે. એમ કેટલીયે વાર વિચાર કરીને શ્રીઠાકુર એમને એ ગીત ગાવાનું કહે છે. માસ્ટર મહાશય લજ્જિત બની ગયા. શ્રીઠાકુર પોતાના ભક્તોનું અરસપરસનું મિલન યોજી દેતા. કોઈની ભીતર રહેલા કોઈ ગુણને જોઈને તેને વિકસિત કરવાનો તથા બીજા લોકો પણ એમનો આદર કરે એવો પ્રયાસ તેઓ કરતા. તેઓ સુરેશ મિત્રને કહેતા: ‘તમે શું છો? આ (ગિરિશ) તમારાથી શ્રદ્ધાભક્તિમાં ચડિયાતા છે.’ શ્રીઠાકુરના કહેવાથી સુરેશ બોલ્યા: ‘હા જી. તેઓ મારા મોટા ભાઈ છે.’
ત્યારબાદ ગિરિશે બીજો પ્રસંગ કહ્યો. તેઓ બાળપણમાં કંઈ ભણ્યાગણ્યા નહિ, એમ છતાં પણ લોકો એમને વિદ્વાન કહે છે. આ વિદ્વત્તા પ્રત્યે ગિરિશનો કેવો ભાવ છે, એ જોવા માટે શ્રીઠાકુર માસ્ટર મહાશયને કહે છે: ‘મહિમ ચક્રવર્તીએ શાસ્ત્રાવલોકન ઘણું કર્યું છે, આધાર ઉચ્ચ છે, બરાબર ને?’ માસ્ટર મહાશય કહે છે: ‘જી હા.’ એ સાંભળીને ગિરિશ બોલી ઊઠ્યા: ‘શું? વિદ્યા? એ બધું તો ઘણું જોઈ ચૂક્યો છું. હવે હું એની જાળમાં ફસાતો નથી.’ બાળપણમાં ભણ્યા ન હોવા છતાં પણ ગિરિશ ઘોષે પછીના સમયમાં ઘણી વિદ્યાચર્ચા કરી છે. હવે શ્રીઠાકુરનાં ચરણકમળમાં આવીને એમણે નવી વિદ્યા શીખવાનું શરૂ કર્યું છે. એટલે કહે છે : ‘હવે હું એની જાળમાં ફસાતો નથી.’ તેઓ વિદ્યાની અસારતા સમજી ગયા છે.
શાસ્ત્રનું પ્રયોજન
ગિરિશની અભિમાનશૂન્ય ભાવનાથી પ્રસન્ન થઈને શ્રીઠાકુર હસતાં હસતાં કહે છે : ‘અહીંનો કેવો ભાવ છે, એ જાણો છો? પુસ્તક, શાસ્ત્ર એ બધાં કેવળ ઈશ્વરની પાસે પહોંચવાના માર્ગ જ બતાવે છે. માર્ગ – ઉપાયને જાણી સમજી લેવાથી આ પુસ્તકો અને શાસ્ત્રોની ક્યાં આવશ્યકતા રહે છે? ત્યારે સ્વયં આપણું કામ કરવું જોઈએ.’ વળી પાછા તેઓ ગુમ થયેલા પત્રની વાત કરે છે – ‘ચિઠ્ઠી ક્યાંક ખોવાઈ ગઈ હતી, શોધતાં શોધતાં મળી ગઈ. એમાં લખ્યું હતું: પાંચ શેર સંદેશ, એક ધોતિયું વગેરે મોકલો. અને એ ચિઠ્ઠી ફેંકી દઈને માલસામાનની શોધમાં નીકળી પડે છે. શાસ્ત્ર તો ભગવાન પાસે પહોંચવાનો માર્ગ બતાવે છે. પરંતુ, પુસ્તકો બંધ કરીને બેઠા રહેવાથી કે બીજા લોકોની સામે એ વાત વારંવાર કહેવાથી શું થશે? શાસ્ત્રની સાર્થકતા તો ત્યારે જ થાય કે જ્યારે આપણે એમને સમજીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. એ પહેલાં તો એ બધાં પુસ્તકો કેવળ ચિઠ્ઠીમાં લખેલા ખબરના જેવા સમાચાર રૂપ કે પાંડિત્ય છે. ભગવાનને મેળવવાનો ઉપાય જાણી લેવા સુધી જ શાસ્ત્રનું મૂલ્ય છે. ત્યાર પછી પેલી ચિઠ્ઠીની જેમ તેને છોડી દેવાં જોઈએ. શાસ્ત્રમાં નિર્દેશેલા પથ પર આગળ વધવામાં જ શાસ્ત્રની સાર્થકતા છે. શ્રીઠાકુરે આ વાતને અનેક રીતે સમજાવી છે : ‘શાસ્ત્રોમાં એમને પામવાના ઉપાયોની જ વાતો તમને જોવા મળશે. પરંતુ જ્ઞાન – જાણકારી મેળવીને કામ કરવું જોઈએ, તો જ વસ્તુલાભ થશે. કેવળ પાંડિત્યથી શું થાય? કેટલાય શ્લોક ને ઘણાં શાસ્ત્રો પંડિતોથી જાણ્યાં સમજાયાં હોય એવું બની શકે; પરંતુ સંસાર પર જેમની આસક્તિ રહે છે, મનમાં ને મનમાં કામિની અને કાંચન પર જેમને ચાહના – આસક્તિ રહે છે એમની શાસ્ત્રો પર ધારણા થઈ નથી; એમ માનવું. એમનું વાંચવું વ્યર્થ છે. પંચાંગમાં લખ્યું છે કે આ વર્ષે ઘણો વરસાદ પડશે, પરંતુ પંચાંગને નીચોવવાથી એક ટીપું પાણી નીકળતું નથી.’
એનો અભિપ્રાય એ છે કે ઉપદેશોનું આચરણ ન કરીને માત્ર એમની આવૃત્તિ કે પાઠ કરતા રહેવું એ તો જાણે કે એને વેંઢારવા જેવું છે. શાસ્ત્રમાં એને દર્વીપાક રસં યથા – કડછાથી સ્વાદિષ્ટ ભોજન પીરસાય છે, પરંતુ એ કડછાને તેનો સ્વાદ મળતો નથી. એનું કારણ એ છે કે સ્વાદ ગ્રહણ કરનારી ઈંદ્રિય એની પાસે નથી. પંડિત પણ આ કડછા જેવો છે, જડપદાર્થ છે. જે કેવળ શાસ્ત્રચર્ચા કરે છે પણ એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન નથી કરતો, એનો શાસ્ત્રપાઠ વ્યર્થ છે. શાસ્ત્ર એમ કહે છે કે આ કરવું પડશે, એનાથી સમાધિભાવ જાગશે. આ બધી મોટી મોટી વાતોને મુખસ્થ કે કંઠસ્થ કરવાથી તથા તેની વારંવાર આવૃત્તિ કરવાથી જીવનમાં શું લાભ થાય?
સ્વામીજીએ કહ્યું છે : ‘ખૂબ ભણીગણીને માનવ-પંડિત મૂર્ખ બની જાય છે.’ ઠાકુર કહે છે : ‘જો પંડિતમાં વિવેક-વૈરાગ્ય ન હોય તો તે ઘાસનાં તણખલાં કે ઢૂસાં જેવો લાગે છે. એનું પાંડિત્ય નિરર્થક છે. શબ્દની પુષ્પધારા-વક્તૃત્વનો પ્રવાહ મુખેથી ઝરી રહ્યો છે, એકેક શબ્દની ભિન્ન ભિન્ન પ્રકારે વ્યાખ્યા થઈ રહી છે. એનાથી લોકોની વાહ વાહ મળે છે, પરંતુ એનાથી પોતાનું શું થયું? શંકરાચાર્ય વિવેક ચૂડામણિ : ૫૮માં કહે છે:
વાગ્વૈખરી શબ્દઝરી શાસ્ત્રવ્યાખ્યાન્કૌશલમ્ ।
વૈદુષ્યં વિદુષાં તદ્વદ્ ભુક્તયે ન તુ મુક્તયે ॥
આ બધી વ્યાખ્યાઓથી અર્થ, યશ, માન-સન્માન, વગેરે ભોગસુખ મળે છે; પરંતુ આધ્યાત્મિક જીવનમાં એનું કોઈ મૂલ્ય નથી. એ બાધા જ બને છે. આ પાંડિત્યનું અભિમાન હોય છે. બીજાને મુગ્ધ કરવા માટે જે પાંડિત્ય છે એનું મૂલ્ય ઠાકુરની દૃષ્ટિએ ફૂટી કોડી જેટલું પણ નથી. શ્રીઠાકુર એક વિખ્યાત ભાગવતી પંડિતની વાર્તા વારંવાર કહેતા: ‘પંડિત શાસ્ત્રચર્ચા કર્યા પછી રાજાને પૂછ્યા કરતો: ‘રાજન્, કંઈ સમજ્યા કે નહિ?’ રાજા પણ સામો પ્રશ્ન કરતો: ‘પંડિતજી, (તમે) સમજ્યા કે નહિ?’ આ રીતે કેટલાક દિવસો પ્રશ્ન અને પ્રતિપ્રશ્ન થતા રહ્યા. પછી પંડિતની ભીતર શુદ્ધ બુદ્ધિ જાગી ઊઠી. તેઓ સમજી ગયા કે આખું જીવન એમણે ભાગવતની કેવળ વ્યાખ્યા જ કરી છે, એને જીવનમાં ઉતાર્યું નથી. આ જ વિચારીને એમણે સંસારનો ત્યાગ કરી દીધો. જતી વખતે તેઓ રાજાને આ સમાચાર મોકલતા ગયા: ‘રાજન્, હવે હું સમજી ગયો છું.’’ ભાગવતમાં મનને શુદ્ધ કરીને તેને ઈશ્વરમાં સમર્પિત કરી દેવાનો ઉપદેશ છે. જ્યાં સુધી એવું નથી કરતા ત્યાં સુધી યથાર્થ જ્ઞાન સમજાતું નથી. એટલે ઠાકુર કહે છે : ‘પંડિત ઘણી લાંબી લાંબી વાતો કરે છે, પરંતુ એમની નજર ક્યાં રહે છે? – કામિની અને કાંચન પર – દેહસુખ અને રૂપિયાપૈસા પર. ગીધ ઘણું ઊંચે ઊડે છે પરંતુ એની નજર સ્મશાન પર જ રહે છે. તે તો માત્ર મરેલાની લાશ જ શોધે છે, ક્યાં છે સ્મશાન અને ક્યાં છે મરેલ બળદ!’
હવે ઠાકુરની નજર સંભવત: નરેન્દ્ર તરફ ગઈ, એટલે તેઓ ગિરિશને કહે છે : ‘નરેન્દ્ર ઘણો સારો છે, ગાવા-બજાવામાં, ભણવા કરવામાં, બધી વાતે પાકો છે; અને આ બાજુ જિતેન્દ્રિય પણ ખરો. એનામાં વિવેક અને વૈરાગ્ય પણ છે, અને સત્યવાદી પણ ખરો. એનામાં ઘણા સદ્ગુણ છે.’ માસ્ટર મહાશયને પણ પૂછે છે: ‘કેમ રે! કેવો છે, ઘણો સારો છે ને?’ માસ્ટર મહાશય પણ સમર્થન કરે છે: ‘જી હા. ઘણો સારો છે.’ આ બધું કહેવા પાછળ બે ઉદ્દેશ છે. પહેલો ઉદ્દેશ તો એ છે કે ભક્તોની વચ્ચે પરસ્પરનો પ્રગાઢ સંપર્ક, પ્રીતિ અને શ્રદ્ધાનો ભાવ સ્થાપિત કરવો. બીજો એ છે કે શ્રીઠાકુર જ્યારે એક વ્યક્તિમાં કોઈ ગુણની પ્રસંશા કરે તો લોકો વિચારતા કે તેઓ એ ગુણોને ચાહે છે અને પસંદ કરે છે. એટલે પોતાની ભીતર એ જ ગુણોનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવો પડશે. આ કારણે તેઓ એકની સામે બીજાની પ્રશંસા કરતા હતા.
ગિરિશ ઘોષ
થોડીવાર પહેલાં શ્રીઠાકુરે ગિરિશ વિશે ચર્ચા કરી હતી. હવે ફરીથી એને દોહરાવતા કહે છે : ‘જુઓ, એનામાં ઘણો અનુરાગ અને શ્રદ્ધા પણ છે.’ માસ્ટર મહાશય અવાક્ બનીને એક દૃષ્ટિએ ગિરિશ તરફ જોઈ રહ્યા છે. ગિરિશ હમણા થોડાક દિવસોથી આવે છે, પરંતુ માસ્ટરે જોયું કે જાણે તેઓ ચિરપરિચિત છે, ઘણા દિવસોનો એમની સાથેનો સાથ છે, પરમ આત્મીય છે, જાણે કે એક દોરામાં પરોવાયેલા મણિઓમાંનો એક ન હોય!
ગિરિશની સાથેનો શ્રીઠાકુરનો અદ્ભુત સંબંધ આપણા માટે કલ્પનાતીત છે. શ્રીઠાકુર ગિરિશના અસંખ્ય અત્યાચાર સહન કરે છે. ક્યારેક ક્યારેક તેઓ શ્રીઠાકુરને અયોગ્ય ગાળ્ય પણ કાઢી લે છે. એક દિવસની વાત છે: નશામાં ચકચૂર ગિરિશે શ્રીઠાકુરને અત્યંત અપમાનજનક શબ્દો સંભળાવ્યા. શ્રીઠાકુર જ્યારે દક્ષિણેશ્વર ચાલ્યા ગયા ત્યાર પછી ગિરિશ વિચારે છે: ‘અરે! આટલું બધું શું કોઈ સહન કરી શકે ખરા? હવે તો એમની પાસે જવાનો રસ્તોય બંધ થઈ ગયો. અને જો હું એમની પાસે ન જઈ શક્યો, તો મારું જીવન વ્યર્થ છે.’ આ પશ્ચાત્તાપ અને અશ્રુધારામાં ગિરિશ ડૂબતા જાય છે. આ બાજુએ દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુર અધીર થઈ ગયા. તેઓ કહે છે: ‘મારે ગિરિશ પાસે જવું પડશે.’ આ ઘટનાના પ્રત્યક્ષ દર્શન કરનાર ભક્તગણ વિસ્મિત થઈને મનમાં વિચારે છે: ‘ગિરિશે શ્રીઠાકુરને એટલા અપશબ્દ કહ્યા, ગાળ્યો દીધી છતાંય શ્રીઠાકુર એમની પાસે જવા માટે આટલા ઉતાવળા શા માટે થઈ રહ્યા છે?’ આ એક આશ્ચર્યજનક વાત છે અને એ વાત એ લોકોની કલ્પનાથી પર છે. કેટલીયે વાર સમજાવ્યા પછી શ્રીઠાકુર માન્યા નહિ. એટલે એમને માટે ગાડી મગાવી. રસ્તામાંનો સમય વિલંબ શ્રીઠાકુરથી સહન થઈ શકતો ન હતો. તેઓ વધારે ને વધારે ઝડપથી ગાડી ચલાવવા કહે છે. ઘરની નજીક પહોંચ્યા પછી તેઓ ગાડીમાંથી ઊતરીને અત્યંત ઝડપથી ઘર તરફ ચાલવા લાગ્યા. ઘરની અંદર પહોંચીને એમણે ગિરિશને ઉપર્યુક્ત અવસ્થામાં જોયો. ગિરિશે શ્રીઠાકુરના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું: ‘આપ અવતાર છો, શું આ વિશે હવે એક પણ સંદેહ બાકી છે ખરો? પરંતુ એમાં મારોય શો દોષ. જેને આપે વિષ આપ્યું છે એ વિષ સિવાય વળી કઈ બીજી ચીજવસ્તુથી એ આપની પૂજા કરશે?’ શ્રીઠાકુર સમજી ગયા. તેઓ પહેલેથી જ જાણતા હતા કે ગિરિશ વ્યાકુળ છે એટલે એમણે પોતે જ આવીને એના મનને શાંત કર્યું.
Your Content Goes Here




