(ગતાંકથી આગળ)
રામકૃષ્ણ કથામૃત (૪થી જૂન, ૧૮૮૩)
ફલહારિણી કાલીપૂજા
આજે જેઠ વદ ચૌદશ – સાવિત્રી ચૌદશ સાથે અમાસ અને ફલહારિણી કાલીપૂજા. શ્રી ‘મ’ આજના આ વિશેષ દિને શ્રીઠાકુરની ભાવાવસ્થાનું વર્ણન કરે છે. આવા વિશેષ અને પાવનકારી દિવસે શ્રીરામકૃષ્ણદેવ સમાધિભાવમાં આવી જતા એ વિશે કથામૃતમાં આપણે અવારનવાર પ્રસંગ વર્ણનો જોયાં છે. એ વિશેષદિને શ્રીઠાકુર ભાવાવસ્થામાં આ ગીત ગાય છે :
તમે જ છો આ સ્વર્ગ અને પૃથ્વીલોક,
અને તમે જ છો પાતાળ સર્વસ્વ;
આપમાંથી જ ઉદ્ભવ્યા છે દ્વાદશગોપાલ,
વળી હરિ અને બ્રહ્મા પણ ખરા.
આગલે દિવસે દૈવી કાત્યાયની પૂજા થઈ હતી. ગોપીઓએ દૈવી કાત્યાયની પૂજા કરી હતી અને શ્રીકૃષ્ણને પતિરૂપે પામવા એમની કૃપાની પ્રાર્થના કરી હતી. દૈવી કાત્યાયની શક્તિરૂપ છે અને એ શક્તિની કૃપાથી ભક્તને પ્રભુ મળે છે.
આ ફલહારિણી પૂજાના દિવસે ત્રૈલોક્ય વિશ્વાસ (રાણી રાસમણિના વંશજ) કેટલાક લોકો સાથે દક્ષિણેશ્વર મંદિરના ઉદ્યાનમાં આવ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવ ભાવાવસ્થામાં હતા પરંતુ ત્રૈલોક્યને જોઈને શ્રીઠાકુરે પૂછ્યું : ‘ગઈકાલે રાત્રે યાત્રા-નાટક ન થયું?’ ત્રૈલોક્યે જવાબ આપતાં કહ્યું કે નાટકનું આયોજન કેટલીક મુશ્કેલીઓને કારણે થઈ ન શક્યું. શ્રીઠાકુરે કહ્યું : ‘જે થયું તે ભલે થયું, પણ ફરીથી આવું ન થાય એ જો જો. મંદિરની પ્રણાલીઓનું બરાબર પાલન થવું જોઈએ.’ રાણી રાસમણિએ મંદિરનાં દેવદેવીઓની સેવાપૂજાના નિભાવ માટે ઘણી સારી સંપત્તિ આપી હતી. રાણી રાસમણિએ આપેલા દાનની રકમનો પૂરેપૂરો સદુઉપયોગ થાય તે શ્રીઠાકુર બહુ કાળજીપૂર્વક જોતા. યાત્રા (ગ્રામ્ય નાટક)નું આયોજન એટલું બધું મહત્ત્વનું ન હતું, પણ રાણી રાસમણિની ઇચ્છાને માન આપવું જોઈએ; આ હતો એની પાછળનો વિચાર. શ્રીઠાકુર પરિવાર કલ્યાણ વિશે વિચારતા હતા. એટલે જ એમણે આવી ચિંતાની લાગણી વ્યક્ત કરી. શ્રીઠાકુર એ જોવા સચિંત હતા કે ભલે રાણી રાસમણિ જીવતાં ન હોય પણ એમણે આપેલા નિભાવના નાણાંનો વ્યય એમની ઇચ્છાનુસાર થવો જોઈએ. આમ અનેક રીતે શ્રીઠાકુર રાણીરાસમણિના કુટુંબના કલ્યાણ વિશે વિચારતા.
શ્રીઠાકુરનાં વર્તન અને કાર્ય પાછળનાં કારણ
ઘણી વખત આપણે શ્રીઠાકુરના વર્તનને સમજી શકતા નથી. બાહ્ય દૃષ્ટિએ એમનું વર્તન આપણને વિચિત્ર લાગે. એમના જીવન વિશે ચર્ચા- વિશ્લેષણ કરતાં ‘ધ ગ્રેટ માસ્ટર’ના લેખકે કહ્યું છે કે શ્રીઠાકુરના દરેકે દરેક આચાર કે કાર્યમાં ગહન સૂચિતાર્થ રહેલો છે. પરંતુ જો તેઓ એને સમજવા સક્ષમ બનાવે તો એ સૂચિતાર્થને એમની કૃપાથી આપણે સમજી શકીએ. અવતારી પુરુષના જીવનનો પ્રત્યેક પ્રસંગ, અરે, એનો શ્વાસોચ્છ્વાસ પણ માનવજાતના ભલા માટે હોય છે. શ્રીઠાકુરનાં કાર્યો જ નહિ પણ એમનાં હાવભાવ-હલનચલન પણ નિરર્થક ન હતાં. ‘ધ ગ્રેટ માસ્ટર’માં એક નોંધ છે કે એક દિવસે શ્રીઠાકુરે બલરામને પૂછ્યું: ‘ભાઈ, મને કહે કે હું શા માટે પરણ્યો?’ બલરામ તો શાંત રહ્યા. શ્રીઠાકુરે પોતે જ જવાબ આપ્યો: ‘એ આને માટે (એટલે કે આ દેહ માટે)! નહિ તો આટલું બધું સારું કોણ રાંધી આપત?’ પોતાના લગ્નના હેતુની વાત કરતાં એક બીજા પ્રસંગે તેમણે કહ્યું: ‘એક બ્રાહ્મણ દેહે જીવનમાં દસ સંસ્કારો કરવાના હોય છે. લગ્ન પણ એમાંનો એક સંસ્કાર છે.’ વળી એમણે કહ્યું: ‘જેઓ પરમહંસ બને છે તેમણે પોતાના પૂર્વજન્મોમાં ઝાડુવાળવાથી માંડીને રાજા-મહારાજા સુધીના બધા તબક્કાઓનો અનુભવ કરી લીધો હોય છે.’ ‘ધ ગ્રેટ માસ્ટર’ના લેખકે આ સંદર્ભમાં શ્રીઠાકુરે પોતાનાં લગ્ન વિશેનાં કારણોનો નિર્દેશ કર્યો હતો એ સિવાય પણ બીજાં કેટલાંક વિશિષ્ટ કારણો પણ હતાં. શ્રીઠાકુરે આપણને બતાવ્યું છે કે જીવનનો આદર્શ ત્યાગ છે. તેમણે આપણી સમક્ષ પરિણિત જીવનનો અતિઉચ્ચ અને પવિત્ર આદર્શ મૂક્યો છે. જો શ્રીઠાકુર પરણ્યા ન હોત તો તેમને એક સંન્યાસી રૂપે જ આપણે માન-સન્માન આપતાં હોત અને આ રીતે જોઈએ તો માત્ર થોડા સમર્થ લોકો જ સંન્યાસી જીવન સ્વીકારીને તેમના આદર્શનું અનુસરણ કરી શક્યા હોત. તો પછી સામાન્યજનોનું શું? તેઓ તો એમના આદર્શોને અનુસરી શક્યા ન હોત. તેઓ આ વિચારત : ‘વારુ, તેમણે પોતે તો લગ્ન કર્યા ન હતા એટલે તેઓ આત્મસંયમની આટલી બધી વાતો કરી શકે.’ શ્રીરામકૃષ્ણનું આ જીવનકાર્ય એ કોઈ થોડા સંન્યાસી માટે ન હતું. તેઓ તો સૌને માટે આવ્યા હતા. તેઓ આ દુનિયામાં આ દુન્યવીભાવથી નિર્લેપ રહીને જીવ્યા. એમણે આ વિશે કહ્યું છે: ‘કાદવની માછલીની જેમ સંસારમાં રહેવું. કાદવી માછલી કાદવમાં રહે છે પણ એના પર એકેય ડાઘ લાગતો નથી.’ આવું આદર્શજીવન સૌને માટે સુયોગ્ય થઈ પડે તેવું જીવન આ પહેલાં ક્યારેય જોવા મળતું નથી.
શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણ ગાયો ચરાવીને પાછા ફરે છે. ગ્રામ્યજનો એમને જોઈને પોતપોતાના ખયાલ અને વિચાર પ્રમાણે કૃષ્ણ વિશે આવી ધારણા કરે છે – ગોવાળો એને (કૃષ્ણને) પોતાના મિત્ર રૂપે; યશોદા એને ગોપાલ રૂપે અને ગોપીઓ એને ચાહક રૂપે જુએ છે; એવું વર્ણન આવે છે. આ દૃષ્ટિ પણ અંશત: દર્શન છે. જીવનના વિવિધ પરિપ્રેક્ષ્યમાં માનવના રૂપમાં એમનું પ્રગટીકરણ સુયોગ્ય રીતે રજૂ કરવામાં નથી આવ્યું. શ્રીઠાકુરે પોતાના ઉદાહરણ દ્વારા એ બતાવ્યું કે સંસારની કોઈ પણ પરિસ્થિતિમાં જીવતાં જીવતાં આપણે બધા સંજોગો વચ્ચે આપણી આધ્યાત્મિક સાધના ચાલુ રાખી શકીએ. શ્રીઠાકુરે દર્શાવી છે એવી સદૃષ્ટાંત આદર્શની વાત આ પહેલાં ક્યારેય કોઈએ બતાવી નથી. આપણે હંમેશાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે શ્રીઠાકુરની વાણીના એકેક શબ્દમાં ગહન ગંભીર અર્થ રહેલો છે.
શ્રીઠાકુરે કહ્યું: ‘અવારનવાર હાજરા મને કંઈક શીખવવા માટે આગળ આવે છે. તે મને કહે છે: ‘આ જુવાનિયાઓ વિશે શું કામ આટલું બધું વિચારો છો?’ જગદંબા કાલીએ સદેહે મને જણાવ્યું છે કે તેઓ પોતે જ એ માનવરૂપે આવે છે. પરંતુ અત્યંત પવિત્ર અને નિર્મળ આત્મા દ્વારા જ મા જગદંબા પોતાની જાતને સૌથી વધુ સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે.’ આ નિર્મળ, પવિત્ર છોકરાઓ સાથે રહીને શ્રીઠાકુર પૂર્ણાનંદમાં આવી જતા. એમને જોવા માટે તેઓ ખૂબ તલસતા. એમાંય ખાસ કરીને નરેન્દ્રને જોવા માટે તેઓ અશાંત-અધીર બની જતા. પોતાને આવું કેમ થાય છે? એ વિશે શ્રીઠાકુરને પણ ક્યારેક ક્યારેક નવાઈ લાગતી. મંદિરના એક સેવક ભોલાનાથને એમણે પૂછ્યું: ‘હું આવી લાગણી શા માટે અનુભવું છું? એ વિશે તમે કંઈ મને કહી શકશો ખરા?’ ભોલાનાથે કહ્યું: ‘તમને આનો ખુલાસો મહાભારતમાં મળશે. સામાન્ય માનવ જેવા દેહભાનની પરિસ્થિતિ પર નીચે ઊતરીને સાધકને પોતાની જાતને ભાવાવસ્થામાં લાવીને સાત્ત્વિક પ્રકૃતિના નિર્મળ લોકોના સંગાથમાં રહેવાનું એને ગમે છે.’ આવા સાધકોનાં મન બાહ્યજગત પર ફરી પાછા આવે છે ત્યારે પણ તેઓ સાત્ત્વિક અને નિર્મળ પ્રકૃતિના આત્માઓના સંગાથને લીધે એ ભાવને જાળવી શકે છે. એટલે જ શ્રીઠાકુર સાત્ત્વિક પ્રકૃતિના આ નિર્મળ પવિત્ર યુવાનો માટે તીવ્ર ઝંખના અનુભવતા હતા.
શ્રીઠાકુર પોતાના પ્રારંભિક સાધનાના દિવસોની અને એમની દિવ્યભાવની ઉન્માદ અવસ્થાની વાતો યાદ કરાવતા. લોકો માનતા કે તે પાગલ થઈ ગયા છે એટલે એમનું મન ઘર ગૃહસ્થી પર ફરી પાછું લાગી જાય અને સાંસારિક જીવન જીવતા બને એવી અપેક્ષા રાખીને એમનાં લગ્ન યોજાયાં. આપણે શ્રીઠાકુરની જીવનકથામાં જોયું છે કે એમનું મન એટલું બધું અચલ-અટલ હતું કે તે ક્યારેય સંસારના રંગે રંગાય જ નહિ. પછી પોતાની સાધનાના દિવસોની વાત શ્રીઠાકુર પોતાના ભક્તોને કહેતા. એ વખતે એક સામાન્યમાં સામાન્ય બાબત પણ એમની આધ્યાત્મિક ચેતનાને જગાડી દેતી. એક વારાંગનાનું દર્શન પણ એમના હૃદયમાં સીતાનાં દર્શનને જગાડી દેતું. એક વૃક્ષ સાથે ત્રિભંગ છટામાં ઉભેલા અંગ્રેજ કિશોરને જોઈને ભગવાન શ્રીકૃષ્ણનાં એમને સાક્ષાત્ દર્શન થયાં હતાં. એક વખત શિહડમાં ગોપબાળોને ભોજન આપતી વખતે એમણે એ ગોપબાલોમાં વૃંદાવનના ગોપાલોનાં દર્શન કરેલાં. એમનું દરેક કાર્ય આવી દિવ્ય ભાવનાથી રંગાયેલું હતું. કોઈ એક સામાન્ય ઘટના કે ક્ષુલ્લક લાગતું દૃશ્ય પણ એમની દિવ્યચેતનાને જગાડી દેતું. એ દિવસોમાં તેઓ બાહ્યજગત માટે લગભગ અભાન અવસ્થામાં જ રહેતા. મથુરબાબુએ એમને થોડા દિવસો માટે જાનબજારના મકાનમાં રાખ્યા. ત્યાં તેઓ રહેતા હતા ત્યારે એ ઘરની સ્ત્રીઓ શ્રીઠાકુરની સામે જરાય લજ્જા કે શરમ અનુભવ્યા વિના સહજભાવે જઈ શકતી. તેઓ બધી શ્રીઠાકુરને પોતાના જેવા જ માનતી. અને શ્રીઠાકુર પણ જાણે કે મા જગદંબાના સેવક હોય એમ પોતાની જાતને માનતા. તેઓ જુદા જુદા સમયે ભિન્ન ભિન્ન આધ્યાત્મિક ભાવમાં રહેતા. એમને આવી કોઈ ચોક્કસ ભાવાવસ્થામાં જોઈને કોઈ પણ ભક્તે – શ્રીઠાકુર એકમાત્ર આ ભાવના જ મૂર્તિમંત રૂપ છે અને બીજા કોઈના નહિ – એવું વિચારવું ન જોઈએ. જ્યાં સુધી આપણે આપણા મનમાં એવી ધારણા ન કરી લઈએ કે શ્રીરામકૃષ્ણ બધાં દેવદેવીઓના મૂર્તિમંત રૂપ હતા ત્યાં સુધી આપણે એમને પૂર્ણપણે જોઈ જાણી ન શકીએ.
તો શું પુરુષોએ શ્રીઠાકુરના ઉદાહરણનું અનુકરણ કરીને સ્ત્રીઓ સાથે રહેવું કે એમની સાથે નિકટનો નાતો રાખવો જોઈએ ખરો? ના. એવું શ્રીઠાકુરે કહ્યું નથી. એમણે તો હંમેશાં પુરુષોને સ્ત્રીઓથી સાવધાન રહેવાનું કહ્યું છે. આ ચેતવણીના શબ્દો સ્ત્રીઓ અને પુરુષો બંનેને લાગુ પડે છે. કોઈને ઉતારી પાડવા કે ટીકા-નિંદા કરવા માટે આમ કહેવાયું નથી. આપણે આપણા આદર્શમાં મક્કમ રહી શકીએ અને આપણે આપણાં આધ્યાત્મિક જીવનમાં પ્રગતી સાધી શકીએ એટલા માટે ચેતવ્યા છે. આ ચેતવણી ઘણી આવશ્યક છે, કારણ કે સ્ત્રી-પુરુષના સંગાથથી વિચલિત થઈ જવાય છે. શ્રી મથુર બાબુના જાનબજારના મકાનમાં જે રીતે શ્રીઠાકુર રહેવા સમર્થ બન્યા એવા અત્યંત પવિત્ર, નિર્મળ મનની કલ્પના પણ આપણે ન કરી શકીએ. પુરાણોમાં શ્રી શુકદેવ પાસે આવી દેહાસક્તિના અભાવની ભાવના આપણને જોવા મળે છે. શુકદેવને જોઈને સરોવરમાં સ્નાન કરતી અપ્સરાઓ પણ જરાય લજ્જા કે સંકોચ અનુભવતી નથી. જેમ કોઈ વૃક્ષ કે બાળકને જોઈને કોઈને આવો સંકોચ કે લજ્જા થતાં નથી તેમ તે અપ્સરાઓ પણ શુકદેવને જોઈને જરાય સંકોચ અનુભવતી નથી. એટલે જ આ રીતે શ્રીઠાકુરનાં સ્ત્રીભક્તો હંમેશાં કહેતાં કે શ્રીઠાકુર તો એમાંના એક છે.
રામકૃષ્ણ કથામૃત (૪, જુન, ૧૮૮૩)
હાજરા, ભવનાથ અને બીજા ભક્તો
બપોરના ભોજન પછી તે દિવસે શ્રીઠાકુરે થોડો આરામ કર્યો. એમને ગાઢ ઊંઘ ન આવી, થોડાં ઝોકાં ખાઈ લીધાં. શ્રીઠાકુરને ગાઢ ઊંઘ ન આવતી. વારે વારે તેઓ ઝોકાં ખાઈ લેતા અને એ રીતે આરામ થઈ જતો. શ્રીઠાકુર હજીયે અર્ધનિદ્રામાં છે અને મણિલાલ સાથે એકાદ-બે શબ્દોની આપલે પણ થાય છે. મણિલાલે શ્રીઠાકુરને કહ્યું કે શિવનાથ નિત્યગોપાલની આધ્યાત્મિક અવસ્થાની પ્રશંસા કરે છે. શ્રીઠાકુરે પછી પૂછ્યું કે લોકો હાજરા વિશે શું ધારે છે? આપણને નવાઈ લાગે કે શ્રીઠાકુરે આવો અપ્રાસંગિક પ્રશ્ન કેમ પૂછ્યો હશે? કોઈ પણ વ્યક્તિના બાહ્ય વર્તનનું નિરીક્ષણ કરીને એના આધ્યાત્મિક વિકાસનું મૂલ્યાંકન કરવું ઘણું કઠિન છે. જે સારા પ્રમાણમાં પ્રગતિ કરી હોય એવા દેખાતા હોય તેમણે આ બાબતમાં જરાય પ્રગતિ ન કરી હોય એવું પણ બની શકે. અને વળી જેમને આપણે આધ્યાત્મિક રીતે ઉન્નત થયેલા ગણતા ન હોઈએ તેમણે એ બાબતમાં ઘણી મોટી ઉન્નતિ સાધી હોય એવું પણ બને. એટલે જ શ્રીઠાકુરે નિત્યગોપાલ વિશે વાત કર્યા પછી હાજરા વિશે પ્રશ્ન પૂછ્યો. હાજરા શ્રીઠાકુર સાથે દક્ષિણેશ્વરમાં રહેતા. તે જપધ્યાન થોડાંઘણાં કરતા પણ એનો દેખાવ બહુ કરતા. ઘણા ભક્તજનો હાજરાથી અંજાયા હતા. પણ શ્રીઠાકુર આમ કહીને એમની હાંસી ઉડાવતા: ‘જો કોઈને અહીં મોટી દર્ગાહ મળી જાય તો હાજરા એ નાની દર્ગાહ છે.’ કહેવાનો અર્થ એ છે કે હાજરા સાથે પનારો પાડવા જેવું નથી.
ત્યાર પછી તરત જ શ્રીઠાકુર પોતાની પથારીમાં બેઠા થયા અને ભવનાથ વિશે વાત કરવા લાગ્યા: ‘અહા, કેવી ઉન્નત ભાવાવસ્થામાં તે રહે છે!’ એણે હજી પ્રભુ ભજન ગાવાનું શરૂ કર્યું તે પહેલાં જ એની આંખોમાં આંસું ઉભરાવાં લાગ્યાં. હરિશને જોતાવેંત જ તે ભાવાવસ્થામાં આવી ગયા. તેણે કહ્યું કે હરિશ ઘણો સદ્ભાગી હતો. ભવનાથ એક ગૃહસ્થ ભક્ત હતા. પણ જેવું તે પ્રભુભજન ગાવા માંડતા કે એની આંખો ભીની થઈ જતી. હરિશ શ્રીઠાકુર સાથે રહેતા અને જોતાં વેંત જ ભવનાથ ભાવાવસ્થામાં આવી જતો. એટલું સ્પષ્ટ છે કે ભવનાથને આધ્યાત્મિક જીવનની તીવ્ર ઝંખના હતી અને શ્રીઠાકુર એમની આ પ્રભુઝંખનાની પ્રશંસા કરતા. શ્રીઠાકુરે શ્રી મ.ને એમની ભક્તિનિષ્ઠાના કારણ વિશે પૂછ્યું અને પછી પોતે જ જવાબ આપ્યો: ‘વાસ્તવિક વાત એમ છે કે બધા માણસો બાહ્ય દૃષ્ટિએ એક સરખા લાગે પણ એમાંથી કેટલાકમાં ‘ઘનીભૂત દૂધ’ની ભરતી હોય છે.’ ગુલ્ફી આવા ઘનીભૂત દૂધથી કે દૂધના પાવડરથી ભરી હોય છે, પણ બહારથી તે બધી એકસરખી લાગે છે. ઈશ્વરને જાણવાની તીવ્ર ઇચ્છા, પ્રભુ માટેનો ભાવપ્રેમ અને બીજી આવી આધ્યાત્મિક ગુણવત્તાઓ ઘનીભૂત દૂધ છે. બહારથી ગુલ્ફીમાં શું છે એ જોવું શક્ય નથી. એવી જ રીતે બહારથી લોકો એક સરખા ભલે લાગે પણ કોઈની ભીતર શું છે એ આપણે જાણી શકતા નથી. આ પહેલાં એક ચર્ચામાં આપણે જોઈ ગયા તે પ્રમાણે લોકોને કોઈ એક વ્યક્તિની પ્રશંસા કરતાં સાંભળીને શ્રીઠાકુરે તેમને પૂછ્યું: ‘શું તેઓ એના ભીતરી રામને જાણે છે ખરા?’ કોઈ પણ વ્યક્તિના બાહ્ય વર્તનને નીરખીને એના વિશે કંઈ ધારવું માનવું શક્ય છે. પણ એ વ્યક્તિ ખરેખર સાચી રીતે જેવી દેખાય છે તેવી છે એનું મૂલ્યાંકન કરવામાં એ વ્યક્તિના ભીતરી રૂપને જોવાની ક્ષમતા હોવી જોઈએ. જેમનામાં આવું ‘ઘનીભૂત દૂધ’ છે એટલે કે જેમનામાં સાચી પ્રેમાભક્તિ છે તે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા પ્રેમનું પ્રગટીકરણ કરવાના જ. પરંતુ માત્ર દિવ્ય દૃષ્ટિવાળા લોકો જ આવા પ્રેમાભક્તિના પ્રગટીકરણ પહેલાં જ એ છુપાયેલ પ્રેમભક્તિને જાણી-જોઈ શકે છે.
ગુરુકૃપા અને શિષ્યના પ્રયત્નો
શ્રીઠાકુર ભક્તોને ખાતરી આપતાં કહે છે: ‘કેટલાક વિચારે છે : અરે, હું તો બદ્ધ જીવ છું. મને ક્યારેય જ્ઞાન ભક્તિની પ્રાપ્તિ ન થઈ શકે. પણ જો ગુરુની કૃપા એને મળી જાય તો પછી ડરવાની જરૂર નથી.’ આવાં શંકાભય તો અવારનવાર આપણા મનમાં આવે છે. એમાંયે ખાસ કરીને આધ્યાત્મિક સાધનાના પ્રાથમિક તબક્કે જ્યારે આપણે આપણા મન સાથે આપણી જાતને પરિચિત કરતા હોઈએ છીએ. આપણી ઈંદ્રિય વિષયોની આસક્તિને કારણે આપણને એવું લાગે છે કે આપણે બદ્ધ જીવ છીએ. એટલે જ શ્રીઠાકુર આપણને ખાતરીપૂર્વક કહે છે: ‘પણ જો કોઈને ગુરુની કૃપા મળી જાય તો પછી ડરવાની જરૂર નથી.’ ગુરુની કૃપાથી આપણને આ કહેવાતી બદ્ધ અવસ્થામાંથી મુક્ત થવાનો પથ મળી રહેશે. પછી ગુરુ આપણી ભીતર રહેલ મોક્ષ માટેની શક્તિમત્તાના આચ્છાદનને દૂર કરશે અને મોક્ષ તરફ આગળ ધપવા આપણને પ્રેરણા પણ આપશે. ગુરુની આ કૃપાને સુવ્યવસ્થિત રીતે સમજાવવા શ્રીઠાકુરે એક બોધકથા કહી છે: ‘એક વખત એક વાઘનું બચ્ચું ઘેટાંના ટોળામાં ઉછર્યું. ધીમે ધીમે એ મોટો વાઘ બની ગયું. એક દિવસે એક બીજા વાઘે ઘેટાંના એ ટોળા પર હુમલો કર્યો અને એણે ઘાસ ચરતા વાઘને જોયો. એની નવાઈનો પાર ન રહ્યો. પેલો જંગલી વાઘ એને ઘેટાંના સમૂહ-ટોળામાંથી બહાર ઢસળી ગયો અને સરોવરમાં એનું પ્રતિબિંબ બતાવ્યું અને એને માંસ ખાવાની હિમાયત કરી. હવે પેલા ઘાસ ચરતા વાઘને પોતાની સાચી અનુભૂતિ થઈ. ‘હવે હું પેલું બિચારું બકરું કે ઘેટું નથી, હું તો છું વાઘ.’ જે વાઘે ઘેટાં પર હુમલો કર્યો તે ઘાસ ખાતા વાઘ માટે ગુરુ જેવો હતો. એટલે જ જો ગુરુની કૃપા શિષ્ય પર (આપણા પર) ઊતરે તો આપણે ડરવાની જરૂર રહેતી નથી. ગુરુની કૃપાથી આપણું સાચું સ્વરૂપ શું છે એ જાણી શકીએ છીએ અને આપણા વાસ્તવિક અને સાચા આત્મરૂપને અનુભવવા માટે આડે આવતાં બંધનોને તોડવા પણ મથીએ છીએ. આને કહેવાય આત્માનુભૂતિ.
આપણે આપણા મૂળ રૂપથી અજાણ છીએ. ગુરુ આપણને કહે છે: ‘તમે અસહાય નથી. અષ્ટપાશથી બંધાયેલા બદ્ધજીવ નથી. તમારી ભીતર સર્વોચ્ચ સત્તા રૂપ પ્રભુ રહેલા છે. તમારે એમને પામવાના છે. તમે પરમાત્મા છો, બધાં બંધનોથી મુક્ત છો.’ આત્માના મહિમાને અને શક્તિને વર્ણવવા માટે સ્વામીજી પશ્ચિમમાં પોતાનાં પ્રવચનો આપતી વખતે અવારનવાર આ વાઘ અને ઘેટાંની વાત કહેતા.
ગુરુ પથ બતાવે છે અને શિષ્ય એ પથે ચાલે છે. પણ આપણે એમ ન ધારવું જોઈએ કે ગુરુ નિશ્ચિત ધ્યેય સુધી આપણી સાથે જ રહેશે. આપણે અવારનવાર કેટલાક લોકોને સાધુસંગથી કંઈક પ્રાપ્ત કરતાં જોઈએ છીએ અને વળી કેટલાકને એવા પણ જોઈએ છીએ જેમને એ સંગાથથી કંઈ મળતું નથી. સાધુસંગ કરવો એ બરાબર છે પણ જ્યાં સુધી સાધક પોતે પ્રયત્ન ન કરે ત્યાં સુધી સાધુસંગથી કંઈ વળવાનું નથી. એક આવી ઉક્તિ છે: ‘ગુરુ, કૃષ્ણ અને વૈષ્ણવ વરસાવે અમીવર્ષા જીવ પર પણ સ્વ પ્રયાસ વિના જીવ પામે વિનાશ.’ ગુરુ એટલે દિશાસૂચન કરનારા. કૃષ્ણ એટલે પ્રભુ, આપણું સર્વોચ્ચ ધ્યેય; અને વૈષ્ણવ એટલે સાધક. આ ત્રણેય જીવ પર કૃપા તો કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો સાધક સાધના દ્વારા ઈશ્વરપ્રાપ્તિનો નિર્ણય કરે પણ એ નિર્ણયમાત્રથી જ કૃપા મળવાની નથી. એટલે કે જો મન આ કૃપાને પાત્ર ન હોય અને પ્રયત્ન ન કરે તો સાધકને ઈશ્વર પ્રાપ્તિ થતી નથી.
આપણે લોકોને અવારનવાર આવું કહેતા સાંભળીએ છીએ: ‘ગુરુકૃપા સિવાય કંઈ મળે નહિ.’ આપણે કોઈ પ્રયત્ન ન કરીએ, સાધના ન કરીએ અને જો તે ધારે તો બધું થાય એમ કહેતા રહીએ તો એ શરણાગતિ નથી. એ તો ચોખ્ખો પ્રમાદ છે. આવી રીતે આપણે આપણા મનને છેતરીએ છીએ. અરે ગુરુની સૂચનાઓ સાંભળીને પણ જો આપણું મન એનું અનુસરણ ન કરે તો પછી ગુરુની જરૂર જ ક્યાં છે? જો આપણે જાગ્રત અને સચેત બનીને પ્રયત્ન ન કરીએ તો આપણને જાગ્રત કોણ કરી શકે? એક સૂતા માણસને તો જગાડી શકાય પણ જે સૂઈ રહેવાનો ઢોંગ કરે છે અને જાગતો રહે છે એને કોણ જગાડી શકે? જે કશોય પ્રયત્ન કરતો નથી તેણે એટલું જાણી લેવું જોઈએ કે એનું મન એના પર કૃપા નહિ કરે. સાચો ગુરુ તો પોતાના શિષ્યને સ્વાવલંબી બનાવે છે. ગુરુ તો શિષ્યને એમ કહે છે કે તેણે પોતાના પગ પર ઊભો થવા અને રહેવા સક્ષમ બનવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે: ‘મનુષ્યે પોતાની જાતને પોતાના દ્વારા જ ઉન્નત કરવાની છે. એટલે આપણે પોતાનીજાતને નિર્બળ ન બનાવવી. આ આત્મા કે સ્વ એ જ એનો મિત્ર છે અને એ જ એનો શત્રુ છે.’ પોતાના મનને વિવેકપૂર્ણ બનાવીને વ્યક્તિએ પોતાની ઉન્નતિ સાધવી જોઈએ અને પોતાનું અધ:પતન ન કરવું જોઈએ. પવિત્ર અને નિર્મળ મન એ જીવનો મિત્ર છે કારણ કે તે તેને મોક્ષ મેળવવામાં સહાય કરે છે. પરંતુ ઈંદ્રિયભોગની આસક્તિઓથી ભરેલું મન જીવનો શત્રુ છે. એટલે જ આપણા શાસ્ત્રો આપણને ક્યારેય બીજા પર આધાર રાખવાની સલાહ નથી આપતા; ગુરુની પણ નહિ. ગુરુ તો આપણને પથ બતાવે છે અને એ પથની મુશ્કેલીઓને કેવી રીતે પાર કરવી તે શીખવે છે. પરંતુ એ પથ ઉપર ચાલવાનું કાર્ય તો માત્ર ને માત્ર શિષ્યે જ કરવાનું છે. ‘માત્ર ઈશ્વર જ સર્વ કંઈ કરે છે અને હું કંઈ ન કરી શકું’ આવો ભાવ કે આવું કથન આપણે ત્યારે કરી શકીએ કે જ્યારે આપણામાંથી ‘કર્તૃત્વભાવ’ પૂર્ણપણે દૂર થઈ જાય. જ્યાં સુધી ‘હું’ભાવ જીવતો રહે અને ભીતર ગડદાપાટુ મારતો રહે ત્યાં સુધી ‘એ જ બધું કરે છે’ એમ કહેવું એ દંભ ગણાશે. એટલે જ સાધકે આવા દંભને ત્યજવો પડશે અને પદ્ધતિસર સાધનાનો અભ્યાસ ગુરુએ બતાવેલા સુયોગ્ય પથે ચાલીને કરવો પડશે. શ્રીઠાકુરનું વિધાન આવું છે: ‘જો કોઈને ગુરુની કૃપા મળી રહે તો એણે ડરવાની જરૂર નથી’નું પૂર્ણ મને અને પૂર્ણ પ્રયાસે પાલન કરવું જોઈએ. આપણી ભીતર જરાય અનિષ્ઠા ન હોવી જોઈએ. આપણું અસલ સ્વરૂપ શું છે એ વિશે ભલે ગુરુ આપણને કહે, પણ આપણે એ જાણવા માગીએ છીએ ખરા? ગુરુની કૃપા મેળવવાની ક્ષમતા આપણામાં છે ખરી? જો સાધનાનો અભ્યાસ કરીને આપણે થોડોઘણો પણ પ્રયત્ન કરીએ તો તે આપણને માર્ગ બતાવે છે અને પછી શિષ્ય આટલું સમજી જવાનો: ‘ઈશ્વર જ સત્ય છે અને બાકી બીજું બધું મિથ્યા છે.’ શિષ્યે ઓછામાં ઓછો આટલો પ્રયાસ તો કરવો જ રહ્યો, નહિતર તે ગુરુની કૃપાને કેવી રીતે સમજી શકવાનો?
મારા જીવનની એક ઘટના આપણી સમક્ષ રજૂ કરું છું. હું જ્યારે મારા ગુરુદેવને પ્રશ્ન પૂછતો ત્યારે તેઓ મને ઠપકો આપીને કહેતા: ‘તમારી નાની નાની સમસ્યાઓ માટે આમ પૂછ્યા કરવું એ યોગ્ય છે?’ વળી પાછા તરત જ મધુરવાણીમાં કહેતા: ‘જો બેટા, શું આપણે અહીં કાયમી રહેવાના છીએ? જો તું હંમેશાં મારા પર આધાર રાખીશ તો તું ક્યારેય તારા પગ પર ઊભો નહિ રહી શકે. તારે તારા આવા પ્રશ્નોના જવાબ તારી ભીતરથી જ મેળવી લેવા જોઈએ.’ આપણે આ વિશે વિચારવું જોઈએ. જો શિષ્ય સ્વાવલંબી બને તો ગુરુ મદદ કરે.
એ થોડીઘણી સાધના પણ સાધકને સારું શું અને ખરાબ શું એ સમજવા સક્ષમ બનાવે છે. સાધના કરવાનું નાટક કરવા જતાં ચોરના મનમાં પણ ત્યાગ-વૈરાગ્યની ભાવના કેવી રીતે આવી ગઈ તેનું ઉદાહરણ શ્રીઠાકુર આપતા: એક દિવસ એક ચોર ચોરેલી માછલીઓ પકડાઈ જવાના ભયથી એક સાધુના વેશે એક વૃક્ષ તળે બેઠો. થોડીવારમાં લોકો ત્યાં ભેગા થઈ ગયા અને એમને પ્રણામ કરવા લાગ્યા. એ ચોરના મનમાં ત્યાગ-વૈરાગની ભાવના જાગી ઊઠી. જો ધર્મજીવનનો આ નાનો એવો દંભ પણ આવું સન્માન આપી શકે તો સાચી સાધના દ્વારા ઈશ્વરપ્રાપ્તિ ચોક્કસ થાય જ એવો વિચાર એના મનમાં આવી ગયો. આવી પરિસ્થિતિમાં કોઈ પણ સાધકને ઈશ્વર જ સત્ય છે અને જગત મિથ્યા છે એવી અનુભૂતિ ચોક્કસ થવાની જ.
આ સંસારના મિથ્યાપણાની વાત જેમને શ્રીઠાકુર કરતાં તેઓ બધા ગૃહસ્થ ભક્તો હતા. આ સાંભળીને એક ભક્તના મનમાં પ્રશ્ન થયો: ‘તો પછી આ સંસારમાં કે દુનિયામાં રહેનારનું શું થશે? શું એમણે સંસારનો ત્યાગ કરવો જોઈએ?’ આ પ્રશ્ન એ ભક્તના મનને મૂંઝવતો હતો. શ્રીઠાકુર માણસના ગહન મનમાં રહેલા વિચારને પણ જાણી શકતા. એટલે એમણે પ્રેમથી કહ્યું: ‘ધારો કે એક ઓફિસના ક્લાર્કને જેલ ભેગો કરાયો. હવે તે ત્યાં કેદીનું જીવન જ વિતાવશે. પણ એને જેલમાંથી મુક્ત કરવામાં આવે તો શું તે શેરીમાં જાળી ઝાંખરાં કાપશે ખરો? ના, એને ફરીથી ક્લાર્કનો વ્યવસાય મળી જશે અને પહેલાની જેમ જ કામ કરતો થઈ જશે. ગુરુની કૃપાથી જ્ઞાન મેળવ્યા બાદ કોઈ પણ માણસ આ સંસારમાં જીવન્મુક્ત બનીને બહુ સારી રીતે જીવી શકે.’
જ્ઞાની અને સંસાર
દિવ્ય કૃપાથી જો કોઈ વ્યક્તિને મોક્ષ કે મુક્તિ મળે તો એને આ સંસાર મિથ્યા અને નિ:સાર લાગવાનો અને ઈશ્વર જ સત્ય લાગવાના. પછી તે આ જ્ઞાન સાથે આ સંસારમાં રહે તો એમાં કંઈ ખોટું નથી. તેણે આ સંસારનો ત્યાગ કરવો જોઈએ એ અગત્યનું નથી. હા, એણે સંસારના ઈંદ્રિય સુખોપભોગની આસક્તિ ત્યજી દેવી જોઈએ. જો કોઈ વ્યક્તિમાં આસક્તિ ન હોય તો આ સંસારમાં રહેવામાં કંઈ ખોટું નથી. એ જીવન્મુક્તની જેમ જ સંસારમાં રહી શકે. આ જીવન્મુક્તની અવસ્થા સમજવા માટે રાજા જનક અને ધર્મવ્યાધની વાતમાં આવતી પત્નીએ કરેલી પતિની પરમનિષ્ઠા સાથેની સેવાનાં ઉદાહરણ આપી શકાય. તેઓ સંસારમાં રહેતા હતા. પણ બધી આસક્તિથી મુક્ત રહીને અને પરમનું જ્ઞાન પામીને.
બધું આપણા દૃષ્ટિકોણ પર આધારિત છે. વસ્તુઓ તરફ જે રીતે આપણે જોઈએ છીએ તે દૃષ્ટિ આપણે મુક્ત બનીશું કે બદ્ધ તે નક્કી કરે છે. જો આપણે માનીએ કે આ જગત માત્ર છાયા છે તો પછી તે આસક્તિનું સ્રોત રહેતું નથી. જગત જેવું છે તેવું જ રહેશે પરંતુ આપણે આપણા દૃષ્ટિકોણને બદલાવવાનું છે. એ જ્ઞાની બદ્ધજીવની જેમ જ જીવે છે, તે ખાય છે, પીએ છે, ઊંઘે છે; પણ એક જગતને સત્ય માને છે જ્યારે બીજો એને મિથ્યા ગણે છે. જ્ઞાની નિરાસક્તભાવે કામ કરે છે એટલે એનું કામ વધારે સારું રહે છે. આપણે હંમેશાં એ મનમાં રાખવું જોઈએ કે જ્ઞાની ક્યારેય ભૂલ કરતો નથી, ખોટું કરતો નથી. અને એ એટલા માટે કે તે આસક્તિથી પર છે અને તેનું વર્તન કોઈ પ્રવાહમાં તણાઈ જતું નથી. આસક્તિ જ ભૂલને કે અસત્યને જન્મ આપે છે. જ્ઞાની ક્યારેય ખોટું પગલું ભરતો નથી.
આમ શ્રીઠાકુર ગૃહસ્થ ભક્તોને ખાતરી આપે છે. સંસાર ત્યાગ કરવાની જરૂર નથી. પરંતુ આપણે આ સંસારમાં નિરાસક્તભાવે રહેવાનું છે અને આ જગત સત્ય છે એ વિચારને અવગણવાનો છે. આ જગત સત્ય હોવાની આપણી લાગણી સર્વત્ર રહેલ ઈશ્વરને કારણે છે. આપણે આ યાદ રાખવું જોઈએ અને ઈશ્વર સર્વ કંઈ છે, આ દુનિયામાં જે કંઈ જોઈએ છીએ તે બધું તેઓ છે, એવી જાગૃતિ સાથે કાર્ય કરવું જોઈએ. તેઓ જ સર્વત્ર છે એવી અનુભૂતિ જો આપણે કરી શકીએ તો આપણે ડરવાની જરૂર નથી. સમગ્ર બ્રહ્માંડ ઈશ્વરથી આચ્છાદિત રહેશે. તેઓ જ એકમાત્ર સત્ય છે. એવી એક વખત આપણે અનુભૂતિ કરી લઈએ તો આપણામાં કોઈ પણ વસ્તુ આસક્તિ જગાડી ન શકે.
Your Content Goes Here




