(ગતાંકથી આગળ)

શ્રીઠાકુરે વૈદ્યનાથને કહ્યું: ‘દલીલ કરવી યોગ્ય નથી.’ વૈદ્યનાથે સહમત થઈ કહ્યું: ‘હા, મહાશય. જ્યારે માણસમાં શાણપણ-સત્યજ્ઞાન આવે છે ત્યારે દલીલ કરવાની ઇચ્છા દૂર થઈ જાય છે.’ શ્રીઠાકુરે દલીલ ન કરવી જોઈએ એમ કહ્યું ત્યારે એનો અર્થ આવો હતો : પોતાના વિચારોને બીજા પર લાદવાના હેતુથી થતી દલીલ કે તર્કબાજી વ્યર્થ છે, ખોટી છે. આપણે બુદ્ધિ કે તર્ક ન કરવાં જોઈએ કે સત્યને પ્રાપ્ત કરવા માટે વિવેકબુદ્ધિ ન રાખવી જોઈએ એમ કહેવાનો એમનો ઉદ્દેશ હતો જ નહિ.

ઈશ્વરની પ્રાપ્તિ કે અનુભૂતિ માટે શ્રીઠાકુર કહેતાં કે સાધુસંગ કે પવિત્ર પુરુષોનો સંગ જરૂરી છે. કેટલીક વખત લોકો આમ કહે છે : ‘જો આ માણસે ઈશ્વરને ખરેખર જોયા હોય તો તેણે મને ઈશ્વરનાં દર્શન કરાવવા જોઈએ.’ પરંતુ કોઈ પણ વ્યક્તિના નાડીધબકારાને અનુભવવાનું આપણે એક જ દિવસમાં શીખી શકીએ ખરા? એટલે જ શ્રીઠાકુર કહેતા કે પરમસત્યની અનુભૂતિ માટે જેમણે પોતાનાં પૂરેપૂરાં જીવન સત્ય પ્રાપ્તિ માટે કે એ માર્ગે ચાલવામાં વીતાવી દીધાં હોય એવા સાધુ કે સંત પુરુષોના સમાગમની જરૂર છે. આપણે કોઈ સાધુસંતની પાસે એમની સાથે દલીલ કે તર્ક કરવાના ઈરાદે જવું ન જોઈએ. એને બદલે એમણે બતાવેલા પથ પર આપણે ખંત અને ગહન ભાવભક્તિથી ચાલવું જોઈએ.

શ્રીરામકૃષ્ણ કથામૃત – ૧૫ એપ્રિલ, ૧૮૮૩

અન્નપૂર્ણા પૂજાનો પવિત્ર પ્રસંગ છે. સુરેન્દ્રના ઘરે કીર્તનો શરૂ થવામાં છે. ઢોલક વાજિંત્રવાળા પોતાના વાજિંત્ર વગાડવા લાગ્યા અને ગૌરચંદ્રિકા સાથે કીર્તનો શરૂ થયાં. વૈષ્ણવોના પદાવલી સાહિત્યમાં રાધાકૃષ્ણની વૃંદાવન લીલાનું વર્ણન આવે છે. આ લીલાનું ગાન એ ઘણું સાંકેતિક અને મહત્ત્વનું ગણાય છે. ચૈતન્યનાં ગુણગાનનાં ગીત સાથે કીર્તનનો પ્રારંભ થવો જોઈએ. એટલે એમના વિશેનું કોઈ ગીતભજન ગાવાની પ્રણાલી છે. આવાં ગુણસ્તવનને ગૌરચંદ્રિકા કહે છે. એટલે એ કીર્તનના પ્રારંભે ગવાય છે. ચૈતન્યની ગુણપ્રશંસા કરતા ગીતથી કીર્તનનો પ્રારંભ શા માટે કરે છે? 

ઈશ્વરને જાણવા માટે કોઈ પણ સાધકે એમના અવતાર દ્વારા આગળ વધવું જોઈએ. ગૌરાંગ (ચૈતન્ય)ના માધ્યમથી જો કોઈ પણ સાધક કૃષ્ણને જુએ તો કૃષ્ણને સમજવા વધુ સરળ બને છે. (ઈશ્વરના) માનવીય માધ્યમ દ્વારા દિવ્ય તત્ત્વને સમજવું શક્ય બને છે. એટલે જ માનવીય લીલા દ્વારા દિવ્યલીલા નિહાળવી જોઈએ. કીર્તનમાં ભગવાન શ્રીકૃષ્ણની દિવ્યલીલાના કોઈ ચોક્કસ અંશને ગીતમય રીતે રજૂ કરવામાં આવે છે અને સામાન્ય રીતે ગૌરચંદ્રિકાથી એનો પ્રારંભ થાય છે અને રાધાકૃષ્ણના મિલનને વર્ણવતાં ગીતોથી તે પૂરું થાય છે. મોટા ભાગના ઉદાસીભાવના વૈષ્ણવ સાધકો રાધાકૃષ્ણનાં વિરહવિયોગનાં ગીતો સાંભળે છે પણ તેમના મિલનનાં ગીતો સાંભળતા નથી. રાધાકૃષ્ણના વિરહનાં ગીતો સાંભળવા એ એમની સાધનાનો એક ભાગ છે. એના દ્વારા તેઓ પોતાની ઈશ્વરપ્રાપ્તિની ઝંખનાને વધુ ઉત્કટ બનાવવા માગે છે.

અહીં કીર્તનનો અંત પ્રણાલી પ્રમાણે રાધાકૃષ્ણના મિલનના ગીતથી થયો. સંગીત ગાન પૂરું થતાં શ્રીઠાકુર બોલી ઊઠ્યા: ‘ભાગવત-ભક્ત-ભગવાન’ અને પછી ચારે બાજુએ બેઠેલા ભક્તજનો સમક્ષ નમીને પ્રણામ કર્યા. ભગવાનના નામનું સ્મરણગાન થયું એટલે એ સ્થળ પવિત્ર બની ગયું.

નિરાકારની પૂજા

રાતના ૯.૩૦ થયા છે. શ્રીઠાકુર દક્ષિણેશ્વર જવા ઉપડવાની તૈયારીમાં છે. શ્રી જગદંબાના પરમભક્ત સુરેન્દ્રે થોડી ખિન્નતા સાથે શ્રીઠાકુરને કહ્યું: ‘કોઈએ શ્રી જગદંબા વિશે આજે કંઈ ગાયું નહિ.’ સુરેન્દ્રને આશ્વાસન આપતાં શ્રીઠાકુરે કહ્યું: ‘અરે! આ ખંડની સુંદરતા તો જુઓ! શ્રી જગદંબાના દિવ્ય પ્રકાશથી આ સમગ્ર સ્થળ ઉજ્જ્વળ થઈ ગયું છે. આવું દૃશ્ય હૃદયને આનંદથી ભરી દે છે.’ પણ શું નિરાકાર ઈશ્વરને ભજતા ભક્તો આવો આનંદ અનુભવી શકતા નથી? ના, એવું નથી. શ્રીઠાકુરે કહ્યું: ‘પરંતુ અલ્પાતિ અલ્પ દુન્યવીભાવ હોય તો આવો અનુભવ થતો નથી. પ્રાચીન સમયના ઋષિઓ સર્વકંઈ ત્યજીને સચ્ચિદાનંદ, નિરાકાર બ્રહ્મ પર સ્થિર લીન બની જતા.’ ત્યાર પછી શ્રીઠાકુરે જેમણે નિરાકાર બ્રહ્મ વિશે ચિંતન-મનન કર્યું હોય પણ જેઓ પૂરેપૂરા નિરાકાર ભાવાવસ્થામાં લીન ન થયા હોય એવા સાધકો વિશે વાત કરી: ‘આધુનિક કાળના બ્રહ્મજ્ઞાનીઓ (બ્રાહ્મોસમાજના સભ્યોને ઉલ્લેખીને) ‘અચલઘન’વાળું ગાય ભલે, પણ મને એ જરા શુષ્ક લાગે છે. જેઓ ગીત ગાય તેઓ જાણે કે તેની મીઠાશ અનુભવે નહિ.’ ઈશ્વરની અનુભૂતિ વિના જે શબ્દાતીત છે તેને વર્ણવવાનો કે એના વિશેનાં ગીતકીર્તન કરવાનો કોઈ અર્થ નથી. શ્રીઠાકુરે કહ્યું છે: ‘પરંતુ જે લોકો નિરાકાર નિરાકાર કરીને કશું પામે નહિ. તેમને તો નથી બહાર કે નથી અંદર દર્શન થતાં.’ આમ કહીને શ્રીઠાકુરે જગદંબાના બે ભજનની પંક્તિ ગાઈ: 

‘મા આનંદમયી થઈ, મને નિરાનંદ કરો મા,
એ બે ચરણ વિના મારું મન,
બીજું કશું હવે જાણે નહિ,
યમરાજ મને શિક્ષા કરે,
શો દોષ એ તો જાણું નહિ,
ભવાની નામ લઈને, ભવસાગર જઈશ
તરીને. મનમાં હતી એ વાસના…
અફાટ સાગરે ડુબાવશે મને,
સ્વપ્નેય તે જાણું નહિ,
અહોનિશ શ્રીદુર્ગા નામે તરું,
તોય દુ:ખરાશિ ગયો નહિ;
આ વખતે જો મરું, તો હે હરસુંદરી,
તારું દુર્ગાનામ કોઈ લેશે નહિ.’

વળી ગાય છે :

‘બોલો બોલો રે દુર્ગાનામ, (અરે મારા મનજી રે!)
દુર્ગા, દુર્ગા, દુર્ગા, બોલી વાટે ચાલ્યો જાય,
શૂલ-હાથે શૂલપાણિથી તેની રક્ષા થાય…
તમે દિવસ, તમે સંધ્યા, તમે જ એ યામિની,
ક્વચિત તમે પુરુષ થાઓ, મા, ક્યારેક કામિની.
તમે કહો છોડ છોડ, હું નવ છોડું,
ચરણનૂપુરે થઈ તવ, હું ચરણે રણકું.
(જય દુર્ગા, શ્રીદુર્ગા બોલીને)
શંકરી (સમળી) થઈને મા આકાશમાં ઊડશો,
મીન થઈ રહું જળમાં, નખથી ઊંચકી લેશો.
નખ આઘાતથી બ્રહ્મમયી, જ્યારે જાય મારા પ્રાણ,
કૃપા કરી આપો લાલ ચરણ મમ ત્રાણ…’

ગીત ગાઈને શ્રીઠાકુરે મા જગદંબાની મૂર્તિને પ્રણામ કર્યા. પગથિયાં ઉતરતા હતા ત્યારે રાખાલને હળવેકથી બોલાવીને કહ્યું: ‘મારા જોડા ક્યાં છે? ખોવાઈ તો નથી ગયા ને?’ સમાધિભાવમાં શ્રીઠાકુર પોતાના દેહને ભૂલી જતા. પરંતુ એ જ્યારે જાગતિક અવસ્થામાં હોય ત્યારે કોઈપણ વસ્તુ માટે જરાય બેખબર ન રહેતા. ઊલ્ટાના તેઓ જો કોઈ ભૂલકણા હોય તો સંતાપ અનુભવતા. જે કોઈ એક ક્ષેત્રમાં બેદરકાર હોય તે બીજા ક્ષેત્રમાં પણ બેદરકાર રહેવા. આપણે બેદરકાર છીએ કારણ કે આપણા મન પર આપણો કાબૂ નથી. એટલે જ શ્રીરામકૃષ્ણ આ દુનિયામાં – સંસારમાં લોકો શિસ્તબદ્ધ રીતે જીવે એમ ઇચ્છતા હતા. જેમ આપણું દુન્યવી જીવન નિયંત્રણમાં રાખવું મુશ્કેલ છે તેમ આપણું આધ્યાત્મિક જીવન પણ મુશ્કેલ છે. પરંતુ જે લોકો સાંસારિક જીવનની બાબતોમાં શિસ્તબદ્ધ રહે છે તેઓ ઈશ્વર વિશે પણ શિસ્તબદ્ધ અને અભ્યાસપૂર્ણ દૃષ્ટિએ વિચારશે. શ્રીઠાકુર આ રીતે આપણા મનને કેળવવા માગતા હતા. શ્રીઠાકુરની વિલક્ષણતા તો એ છે કે તેઓ જ્યારે જાગતિક રહેતા ત્યારે ખૂબ સજાગ રહેતા, જો કે સમાધિભાવમાં તેઓ પોતાને સાવ વિસરી જતા.

શ્રીરામકૃષ્ણ કથામૃત (૨ જૂન, ૧૮૮૩)

શ્રીરામકૃષ્ણ બલરામને ઘરે ગયા હતા. ત્યાંથી તેઓ અધરસેનને ઘરે ગયા અને પછી શ્રીરામચંદ્ર દત્તના ઘરે ગયા હતા. શ્રીઠાકુરને આનંદ આવે એટલા માટે રામચંદ્રે ભાગવત-નૃત્યગાનની વ્યવસ્થા ગોઠવી હતી. આ કથ્થક નૃત્યમાં હરિશ્ચંદ્રની વાર્તા આવે છે. હરિશ્ચંદ્રના જીવનની કરૂણ વાત સાંભળીને ભક્તોની આંખોમાં આંસું ભરાયા અને એમાંથી કેટલાક તો મોટેથી ડૂસકાં ભરવા લાગ્યા. આવી કરૂણ વાર્તા શ્રોતાના મન ઉપર ત્વરિત પ્રભાવ પાડે છે. પણ શ્રીઠાકુર શું કરતા હતા? તેઓ તો આ નૃત્યગાનને આનંદમગ્ન ભાવે એકલીન બનીને સાંભળતા હતા. એમની આંખમાં આંસું તો આવ્યા અને એમણે લૂછી નાખ્યાં. બીજાની જેમ ઉદ્વિગ્ન બનીને મોટેથી ડૂસકા ભરવા જેવું તેમણે કેમ ન કર્યું? જેમણે સર્વોચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય તે ધીરગંભીર, શાંત અને દુ:ખદિલગીરીઓમાં અસરવિહોણા રહે છે. એનો અર્થ એવો નથી કે જ્યારે લોકો દુ:ખમાં હોય ત્યારે શ્રીરામકૃષ્ણને કોઈ સમ્‌સંવેદના ન થતી હોય. પોતે ગમે તે ભાવાવસ્થામાં હોય ત્યારે તેઓ પોતાના વલણ-વર્તન દ્વારા એ અવસ્થાનાં લક્ષણો પ્રગટ કરતા.

ઉદ્ધવ અને પ્રેમભક્તિ

પછી શ્રીરામકૃષ્ણે કથ્થક નૃત્ય કરનારને ‘ઉદ્ધવનું લક્ષ્ય’માંથી કંઈક રજૂ કરવા કહ્યું. એનાથી હરિશ્ચંદ્રની વાર્તામાંથી જે ખિન્નતા ઊભી થઈ તેમાં કદાચ થોડું પરિવર્તન આવે.

દરેક કાવ્યને કે વાર્તાને કોઈ ચોક્કસ ભાવ હોય છે અને એ આપણા મનને હલાવી દે છે. ‘ઉદ્ધવનું લક્ષ્ય’માં ગોપીઓ ઉદ્ધવને શ્રીકૃષ્ણ સાથેના પોતાનાં વૃંદાવનના જીવનની વાત કરે છે. ગોપીઓની શ્રીકૃષ્ણ માટેની તીવ્ર ઝંખનાનો ઉદ્ધવને ખ્યાલ આવે છે, એટલે તે કહે છે. શ્રીકૃષ્ણ માટે આટલા બધા અધિર, અજંપ કેમ છો? તેઓ તો બધાંમાં રહેલા છે.’ ગોપીઓએ કહ્યું : ‘અમે તો અમારી સાથે વૃંદાવનમાં લીલા કરનાર કૃષ્ણને જ જાણીએ છીએ.’ ઉદ્ધવ જ્ઞાની છે, એટલે તે ગોપીઓને સમજાવે છે કે જો તેઓ કૃષ્ણને ઈશ્વર જ માનીને તેમનું ધ્યાન ધરે તો એમને મુક્તિ મળશે. પરંતુ ગોપીઓ તો પ્રેમભક્તિભાવથી ભરેલી છે એટલે જ તેઓ કહે છે : ‘મુક્તિ? એ શું છે એ અમે જાણતા નથી. અમે તો અમારાં હૃદયના કૃષ્ણને ઝંખીએ છીએ.’ જ્ઞાની હોવાને લીધે ઉદ્ધવ ગોપીઓની શ્રીકૃષ્ણ માટેની તીવ્ર ઝંખનાને સમજવામાં નિષ્ફળ નીવડ્યા. ઈશ્વરને તો ધ્યાનથી મેળવી શકાય. એમના પર ધ્યાન ધરીને કોઈપણ સાધક આ સંસારસાગર તરી શકે અને હંમેશાંને માટે સર્વોચ્ચ આનંદમાં લીન બની શકે. પરંતુ ઉદ્ધવ એ જાણતા નથી કે આ ગોપીઓને મુક્તિની પડી જ નથી. એમણે તો મુક્તિનો ત્યાગ કર્યો છે અને સાધકો આવું જ ઇચ્છે છે. એમને માટે મુક્તિ મહત્ત્વહીન છે અને એમને મુક્તિ આપવામાં આવે તો યે તેઓ તેનો અસ્વીકાર કરે છે. ભાગવતમાં આમ કહેવામાં આવ્યું છે : ‘સાલોક્ય, સારશ્તિ, સામિપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય-આ પાંચ પ્રકારની મુક્તિને પણ પ્રેમભક્તિભાવે ભજતા ભક્તો સ્વીકારતા નથી. તેઓ તો પ્રેમભાવે મારી સેવા કરવાનો અવસર જ ઝંખે છે.’

વિવિધ પ્રકારની મુક્તિઓ એમની સમક્ષ ધરવા આવે તો પણ, આવો સાચો ભક્ત એને સ્વીકારતો નથી. પરંતુ આ મુક્તિ જો એને પ્રભુસેવાપૂજા કરવાનો અવસર આપે તો તે સ્વીકારે ખરો. એનો અર્થ એ થયો કે મુક્તિ એ લક્ષ્ય નથી, પરંતુ એ તો ઈશ્વરની સમીપ રહેવાનું અને એમની સેવાપૂજા કરવાનું સાધન છે. મુક્તિ મેળવીને જ્ઞાની ઈશ્વરમાં ભળી જાય છે, પછી દ્વૈતભાવ રહેતો નથી. પણ ભક્ત તો આવી મુક્તિ ઝંખતો નથી. આ ભાવનું એક ગીત શ્રીઠાકુરે ગાયું :

‘હું મુક્તિ દેવા નારાજ નહિ, શુદ્ધભક્તિ દેવા રાજી નહિ,
મારી ભક્તિ પામે જો કોઈ, પહોંચી શકે નવ તેને કોઈ,
તે તો સેવા પામે થઈ ત્રિલોકમાં જયી.
સુણો ચંદ્રાવલી, ભક્તિ-કથા કહું,
મુક્તિ મળે કયારેક, ભક્તિ મળે નહિ,
ભક્તિને કારણે પાતાળ-ભવને બલિને દ્વારે દ્વારપાળ થાઉં.
શુદ્ધ ભક્તિ છે એક વૃંદાવનમાં
ગોપગોપી વિણ અન્ય નવ જાણે
ભક્તિને કારણે નંદ-ભવને પિતા ગણી નંદના પાટલા ઉઠાવું.

શ્રીઠાકુરે કથક નૃત્ય કરનારાને કહ્યું: ‘ગોપીઓને શ્રીકૃષ્ણ પ્રત્યે દૃઢ અને ઉત્કટ ભાવવાળો એક મનવાળો એકનિષ્ઠ પ્રેમ હતો.’ જ્ઞાન સાથે ભળેલો ભક્તિભાવ એ એક મનવાળો એકનિષ્ઠ ભક્તિભાવ નથી. આ ભક્તિભાવનું સ્વરૂપ કેવું છે? આવા જ્ઞાનમિશ્રિત ભક્તિભાવમાં ઈશ્વર જ રામ, કૃષ્ણ અને શિવ સર્વ કંઈ બને છે એવો સાધક અનુભવ કરે છે; પરંતુ ઈશ્વર પ્રત્યેના પ્રેમભક્તિભાવમાં જ્ઞાનનું તત્ત્વ રહેતું નથી. શ્રીઠાકુરે હનુમાનજીનું ઉદાહરણ આપ્યું છે. એક વખત હનુમાનજી દ્વારકા આવ્યા. તેઓ ઇચ્છતા હતા કે શ્રીકૃષ્ણ તેમને શ્રીરામના રૂપે દર્શન આપે. શ્રીઠાકુર વિભીષણનું પણ ઉદાહરણ આપતા. એક પ્રસંગે 

રાજસૂય યજ્ઞના બલિદાન પછી બધા રાજાઓએ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા પણ વિભીષણે આમ ન કર્યું. તેણે કહ્યું, ‘હું તો નારાયણને નમું છું, બીજા કોઈને નહિ.’ આ શબ્દો સાંભળીને શ્રીકૃષ્ણે પોતે યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. પછી જ વિભીષણે પણ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. શ્રીઠાકુર બીજું ઉદાહરણ પણ આપતા. એકનિષ્ઠ ભક્તિ કુટુંબમાં રહેતી વહુના વલણ જેવો હોય છે. તે વહુ કુટુંબના બધા સભ્યોની સેવા કરે છે પણ વિશેષ સંબંધ તો પોતાના પતિ સાથે જ રાખે છે. ગોપીઓને આવો એકનિષ્ઠ પ્રેમ હતો.

પછી શ્રીઠાકુર પ્રેમભક્તિનાં બે લક્ષણો વર્ણવે છે: ‘હું પણું’ અને ‘મારા પણું’. ‘હું પણું’ એ આવો ભાવ છે: હું એમની સંભાળ લઈશ, એમની સેવા કરીશ. જો હું એમની સંભાળ નહિ લઉં તો બીજું કોણ લેશે? તે માંદા પડી જાય.’ યશોદાને આવો ભાવ હતો. રાધાજી પણ આવો જ ભાવ રાખતાં. જ્યારે શ્રીકૃષ્ણ ચંદ્રાવલીને ત્યાં જતા ત્યારે રાધાને એ ચિંતા રહેતી કે તેઓ ક્યાંક મુસીબતમાં ન આવી જાય કારણ કે ચંદ્રાવલી એમની સેવા કેમ કરવી એ જાણતાં ન હતાં. ‘મારા પણું’ એ એવો ભાવ છે કે ‘તે મારા છે’ જેમ કે ‘મારા ગોપાલ’. ઉદ્ધવ યશોદા પાસે ગયા અને કહ્યું: ‘હે મા, તમારો કૃષ્ણ તો સમગ્ર બ્રહ્માંડનો સ્વામી છે.’ યશોદાએ આશ્ચર્ય સાથે કહ્યું: ‘અરે! હું તમને તમારા બ્રહ્માંડના સ્વામી વિશે નથી પૂછતી. હું તો મારા ગોપાલને કેમ છે એ જાણવા માગું છું.’ આ ‘મારો ગોપાલ’ને ‘મારા પણા’નો ભાવ કહે છે. જો કે ગોપીઓનું વલણ તો જૂદું જ હતું; તેમને તો ભગવાન શ્રીકૃષ્ણ માટે એક નિષ્ઠ પ્રેમભાવ હતો. શ્રીઠાકુરે કહ્યું છે: ‘દ્વારકાના લોકો અર્જુનના સખા શ્રીકૃષ્ણની પૂજા કરે છે અને રાધાને અવગણે છે.’ રાધાની દક્ષિણમાંયે પૂજા થતી નથી. ભાગવતમાં રાધાના નામનો સંદર્ભ નથી. શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલાના વર્ણનમાં એક મુખ્ય ગોપીનું વર્ણન આવે છે. તે શ્રીકૃષ્ણને બીજી ગોપીઓથી દૂર અલગ લઈ જાય છે અને એમની સાથે બીજે સ્થળે લીલા કરે છે. આ જ ગોપીની વૈષ્ણવોએ રાધા તરીકે પરિકલ્પના કરી છે. તેને શા માટે રાધા કહેવામાં આવે છે? ભાગવતમાં આવું કહેવાયું છે :

અનાયાઽઽરાધિતો નૂનં ભગવાન હરિરીશ્વર ।

‘ખરેખર સર્વશક્તિવાન ભગવાન શ્રીકૃષ્ણની એ આરાધિકા હશે એટલે જ એના પર પ્રસન્ન થઈને આપણા પ્રાણકૃષ્ણ તેની સાથે લીલા કરવા જાય છે.’ એટલે આ ‘રાધા’ શબ્દ ‘અનાયાઽઽરાધિતો’ એ પંક્તિમાંથી આવ્યો છે. રાધાનાં ક્યાંય સ્પષ્ટ સંદર્ભ કે વર્ણન નથી, પણ આવો ગોપિત ઉલ્લેખ આવે છે. રાધાની સર્વત્ર પૂજા થતી નથી. ‘રાધા’ની સંકલ્પના વૃંદાવનની છે. ચૈતન્યમાં આ પરિકલ્પનાની પૂર્તિ થતી આપણને જોવા મળે છે. બંગાળમાં રાધાભાવ ઘણો લોકપ્રિય છે અને બંગાળમાંથી તે આસામ અને ઓરિસ્સામાં પ્રસર્યો છે.

એકનિષ્ઠ પ્રેમભક્તિ કે જ્ઞાન સાથેની પ્રેમભક્તિ એ બે માંથી કઈ વધારે સારી? શ્રીઠાકુર કહેતા: ‘જ્યાં સુધી તમે ઈશ્વરને અત્યંત ઉત્કટભાવે ચાહો નહિ અને એમને તમારા પોતાના ન માનો ત્યાં સુધી એકનિષ્ઠ પ્રેમભક્તિ શક્ય નથી.’ એટલે આટલું આવશ્યક છે કે સાધકે ઈશ્વર માટે ઉત્કટ પ્રેમ જગાડવો જોઈએ અને ઈશ્વરને પોતાના માનવા જોઈએ. આવો પ્રેમભક્તિભાવ એટલો ગહન હોય છે કે ઈશ્વર મહાન અને ભવ્ય રૂપે દેખાતા નથી. આવો ઉત્કટ પ્રેમભાવ પ્રેમાસ્પદને દેખાવે નાનો બનાવે છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જેલમાં જન્મ થયો હતો ત્યારે એમણે પોતાના દિવ્ય ચતુર્ભુજ રૂપે વસુદેવ અને દેવકીને આશીર્વાદ આપ્યા હતા. આવા સ્વરૂપને જોઈને દેવકીને ભય લાગ્યો કે કંસ આ બાળકને મારી નાખશે. ઈશ્વરે તો પરબ્રહ્મ રૂપે દર્શન આપ્યાં હતાં પરંતુ દેવકીએ તેમાં પોતાના નાના બાળને જ જોયો. અને માતા તરીકે તેમનું મન ચિંતાતુર અને ભયાકુળ હતું. જેનો પ્રેમ ગહન હોય છે. તે સાધક આવું અનુભવે છે. ગોપીઓ આ સર્વશક્તિમાન સર્વોત્કૃષ્ટ બ્રહ્મસ્વરૂપ, સમગ્ર જગતના નિયંતા એવા ઈશ્વરને જોવા માગતી નથી. તે ગોપીઓ ઈશ્વરના દિવ્યસ્વરૂપને પણ નિહાળવા ઇચ્છતી નથી. પ્રભુની આવી ભવ્યતા સાચા ભક્તને ક્યારેય આકર્ષતી નથી, એટલું જ નહીં પરંતુ તેઓ ઈશ્વર પાસેથી કંઈ માગતી પણ નથી. આ જ છે પ્રેમભક્તિનું લક્ષણ.

(ક્રમશ:)

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.