બે

ત્યાગ – સાચો અર્થ અને આચરણ

અહીં શ્રીઠાકુર ભક્તોને ત્યાગ વિશે ઉપદેશ આપે છે. તેઓ બતાવે છે કે સંન્યાસી અને ગૃહસ્થ માટે ત્યાગનો આદર્શ અલગ અલગ હોય છે. તેઓ સાધુઓ માટે કહે છે: ‘મનથી સર્વસ્વનો ત્યાગ કર્યા વિના ઈશ્વર નહિ મળે. સાધુ સંચય નથી કરી શકતો. સંચય કબહુ ના કરૈ પંછી ઔર દરવેશ.’ તેઓ સ્વયં પોતાની અવસ્થાનો ઉલ્લેખ કરીને કહે છે : ‘હાથ ધોવા માટે પણ માટી નથી લઈ જઈ શકતો, બટવામાં પાન નથી લાવી શકતો.’ અર્થાત્‌ સંપૂર્ણત્યાગનો ભાવ. ત્યાર પછી જ મહિમાચરણ આદિ ભક્તોને ઉદ્દેશીને કહે છે : ‘તમે ગૃહસ્થ છો. આ પણ કરો અને તે પણ કરો.’ આવી વાત એમણે બીજે સ્થળે પણ કહી છે : ‘એક હાથે ઈશ્વરને પકડી રાખો અને બીજા હાથે સંસારનાં કામકાજ કરો, તો પછી પડવાનો ભય રહેશે નહિ.’ ઉપદેશમાં દેખાતી આ પૃથકતા વિશેષરૂપે ધ્યાન દેવા જેવી છે. શું સંસારીઓ માટે શ્રીઠાકુરનું આ માત્ર સાંત્વનાવાક્ય છે? શું સંસારમાં રહીને ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે? જેનું મન ભગવાનમાં લાગેલું છે તેના માટે સાંસારિક કર્મ કરવાં શું સંભવ બની શકે ખરાં? મહિમાચરણ આ જ સંદેહ પ્રગટ કરે છે અને પૂછે છે : ‘આ અને તે, શું એ બંને સાથે રહી શકે ખરા?’ પણ આ સાંત્વનાવાક્ય નથી. શ્રીઠાકુરે ક્યારેય કોઈને પણ ખોટી સાંત્વના આપી નથી. જે સત્ય છે એ જ કહ્યું છે. તો પછી અહીં એમનું એવું કહેવાનો મતલબ શું છે? પહેલા તો પરિહાસ કરતાં શ્રીઠાકુર કહે છે : ‘રૂપિયા માટી, માટી રૂપિયા’ વિચારીને જ્યારે ગંગામાં રૂપિયા ફેંકી દીધા ત્યારે થોડો ડર લાગ્યો. મા લક્ષ્મી જો રાશન કપડાં બંધ કરી દે તો શું થાય? ત્યારે હાજરાની જેમ થોડી ચતુરાઈ વાપરી અને કહ્યું: ‘મા તમે હૃદયમાં રહો.’ આ હાસ્યવિનોદના માધ્યમથી તેઓ એવું સમજાવવા ઇચ્છે છે કે એકદમ સર્વત્યાગ કરવો બહુ કઠિન છે. જ્યાં સુધી દેહબોધ છે ત્યાં સુધી સમગ્રપણે ત્યાગ સંભવ નથી.

આ પ્રસંગ વિશે શ્રીઠાકુરના એક અન્યતમ સંન્યાસી શિષ્ય-સંતાન સ્વામી શારદાનંદજી મહારાજની એક વિનોદપૂર્ણ ઉક્તિ છે. એક વાર ઉદ્‌બોધનમાં એક ભક્તે એમને કહ્યું કે તે સંસારત્યાગ કરવા ઇચ્છે છે. મહારાજે તેને કહ્યું: ‘બેટા, હું પણ હજી સુધી સંસારનો ત્યાગ કરી શક્યો નથી. આ જુઓને, કેટલું બધું લપેટી રાખ્યું છે.’ આમ કહીને એમણે પોતાના શરીર પર પહેરેલાં ગરમ કુર્તો, ચાદર વગેરે તરફ આંગળી ચીંધી. ઠંડીના દિવસો હતા અને એમને વાની તકલીફ હતી. એટલા માટે એમણે પોતાના શરીર પર થોડાં વધુ ગરમકપડાં પહેરી રાખ્યાં હતાં. પરંતુ વાસ્તવમાં એમનો કહેવાનો અભિપ્રાય એ હતો કે જ્યાં સુધી દેહ છે, દેહમાં મન છે અને દેહનું કાર્ય ચાલતું રહે છે ત્યાં સુધી સંપૂર્ણ ત્યાગ કરવો સંભવ નથી. એટલા માટે શ્રીઠાકુર પણ કહે છે : ‘તમારા જેવા લોકો માટે માનસી ત્યાગ છે, અનાસક્ત બનીને સંસારનાં કામકાજ કરો.’ આ સાંત્વનાવાક્ય નથી, પરંતુ સાધના માટેનો જ સંકેત છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્રીઠાકુર કહે છે : ‘મનથી કામકાંચનનો ત્યાગ કરવાથી તે ઈશ્વર પ્રત્યે જાય છે… જે બદ્ધ છે, તે મુક્ત બની શકે છે. ઈશ્વરથી વિમુખ બનવાથી જીવ બદ્ધ બની જાય છે. ત્રાજવાની નીચેનો કાંટો ઉપરના કાંટાથી ક્યારે અલગ થઈ જાય છે? – જ્યારે ત્રાજવાના એક પલ્લા પર કામકાંચનનો ભાર પડે છે ત્યારે.’ તાત્પર્ય એ છે કે સંસારને છોડીને ક્યાં જશો? જ્યાં સુધી દેહ છે, ત્યાં સુધી સંસાર પણ છે. શું ગૃહસ્થ, શું સંન્યાસી, બધાને આ દેહનું પાલન કરવું પડે છે. જો કોઈ સાધના કરવા ઇચ્છે તો તેને જેમ આ દેહની આવશ્યકતા છે, તેમ જે સિદ્ધ છે એમને પણ લોકકલ્યાણ માટે દેહનું પ્રયોજન છે.

અત: દેહની ઉપેક્ષા કરવાથી ચાલશે નહિ. અને જ્યારે આ દેહની ઉપેક્ષા કરી ન શકાય તો સંસાર તો એની ભીતર જ છે. એટલે પૂર્ણત્યાગ કોઈને માટે સંભવ નથી. સંન્યાસીને પણ દેહરક્ષા માટે ભિક્ષા માગવી પડે છે, રહેવા માટે એક આશ્રય શોધવો પડે છે. કેટલાક લોકો સંસાર પ્રત્યે કંઈક વિરક્તિનો અનુભવ કર્યા પછી કે ઈશ્વર પ્રત્યે થોડું આકર્ષણ ઊભું થતાં જ સંસારનો ત્યાગ કરવાનો વિચાર કરવા માંડે છે પરંતુ જશો ક્યાં? જ્યાં ક્યાંય જશો તે સંસાર જ છે. 

સ્વામીજીએ પોતાની એક કવિતામાં કહ્યું છે : 

‘જેટલા દૂર, દૂર ભલે ગમે તેટલા જાઓ,
ચઢીને રથ પર તીવ્ર બુદ્ધિના;
ત્યાં ક્યાં સુધી વિસ્તર્યો આ જ જલધિ,
દુસ્તર સંસૃતિનો;
સુખદુ:ખ તરંગાવર્ત ઘુર્ણ્ય, કંપિત, ચંચલ.

એટલે બાહ્ય સંસારનો ત્યાગ એ કોઈ માર્ગ કે ઉપાય નથી. સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ એ જ માત્ર માર્ગ છે. એટલા માટે કહે છે કે સંસારમાં રહેતાં રહેતાં ત્રાજવાના કાંટાની જેમ સદૈવ ઈશ્વર સાથે સંયોગ રાખવો પડશે. મન જો સમગ્રતયા ઈશ્વરમાં લાગેલું રહેશે તો આસક્તિને સ્થાન મળશે નહિ. શ્રીઠાકુર એક પ્રચલિત કહેવતનો ઉલ્લેખ કરીને કહે છે: ‘બાળક પૃથ્વી ઉપર પડતાં-અવતરતાં જ શા માટે રડે છે? એટલા માટે કે માના ગર્ભમાં ઈશ્વર સાથે તે જોડાયેલો હતો, પણ પૃથ્વી પર આવતાંવેત જ તે એ યોગથી છૂટો પડી ગયો – ગર્ભમાં રહેતાં યોગમાં હતો અને ધરતી પર આવતાં જ ખાલી માટી.’ એટલા માટે શ્રીઠાકુર કહે છે કે જે ગૃહસ્થ છે એમણે બાહ્ય રીતે સંસારત્યાગ કરવાની આવશ્યકતા નથી. એમને માટે જરૂર છે મનથી સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાની. સંન્યાસી માટે પણ આ માનસી ત્યાગ જ અસલ વાત છે, પરંતુ એમને માટે બાહ્યત્યાગની પણ આવશ્યકતા છે; કારણ કે તેણે ત્યાગના આદર્શને સ્થાપવો પડશે. એટલા માટે ઉપલક દૃષ્ટિએ જોતાં સંન્યાસી અને ગૃહસ્થ બંને માટે ઉપદેશમાં પૃથકતા રાખવામાં આવી છે. પરંતુ શું એનો અર્થ એ થાય છે કે સંન્યાસી સંસારથી બહાર છે? શું સંસાર સાથે એને કોઈ સંપર્ક સંબંધ નહિ રહે અને જો રહે તો પછી એ સંન્યાસી શું કરશે? નિશ્ચયપણે એણે નિર્લિપ્ત રહેવું પડશે. સંસારમાં સર્વત્ર બધી વસ્તુઓને નિર્લિપ્ત દૃષ્ટિએ જોવી પડશે. બધાએ આ ધ્યાનમાં રાખવું પડશે કે ગૃહસ્થ, સંન્યાસી બધાને માટે આ ઉપદેશ પૂરેપૂરો યથાર્થ કે સત્ય છે. જ્યાં સુધી દેહાભિમાન છે, ત્યાં સુધી બાહ્યત્યાગ કરવા છતાં પણ સંન્યાસી મુક્ત નથી બનતો. ત્યાગી હોય કે પછી ગૃહસ્થ હોય, આ અભિમાનને દૂર કરવા માટે એણે સાધના કરવી પડશે.

રામ-વશિષ્ઠ-સંવાદ

લખવું વાંચવું શીખીને વિચારબુદ્ધિની મદદથી સંસારના સ્વરૂપ વિશે આપણે એક સિદ્ધાંત પર પહોંચી શકીએ છીએ, બસ આટલું જ. પરંતુ જ્યારે આપણા મનમાં એ ધારણા દૃઢ થઈ જશે કે સંસાર અસાર છે, તુચ્છ છે ત્યારે સંસાર આપણને આકર્ષી શકશે નહિ. છતાં પણ સંસાર તો રહી જ જાય છે, તેનો ત્યાગ કરવો કોઈને માટે પણ સંભવ નથી. આ વાતને શ્રીઠાકુર શ્રીરામચંદ્ર અને વશિષ્ઠના સંવાદની ચર્ચા કરીને પુન: ભારપૂર્વક કહે છે : શ્રીરામના મનમાં વૈરાગ્યનો ઉદય થયો છે. તેઓ ક્યાંક સંસારનો ત્યાગ ન કરી દે એમ વિચારીને રાજા દશરથે તેમને સમજાવવા માટે વશિષ્ઠજીને મોકલ્યા. રામ-વશિષ્ઠ-સંવાદ ‘યોગવાશિષ્ઠ’ નામના ગ્રંથમાં વિસ્તારપૂર્વક આપવામાં આવ્યો છે. નિ:સંદેહ ત્યાં ચરમ અદ્વૈતવાદનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એમ કહેવામાં આવ્યું છે કે જગત્‌ – સંસાર બધું મિથ્યા છે – સસલાનાં શીંગ જેવાં, આકાશકુસુમ જેવાં મિથ્યા છે. એટલે જે મિથ્યા છે, ભલા એનો ત્યાગ કેવી રીતે થાય? ત્યાગ તો સત્ય વસ્તુનો જ થઈ શકે, મિથ્યાનો નહિ. પરંતુ વર્તમાન આખ્યાન-આ ચર્ચામાં શ્રીઠાકુર આ યુક્તિનો પ્રયોગ ન કરીને વશિષ્ઠની એક બીજી યુક્તિનો ઉલ્લેખ કરે છે. વશિષ્ઠ રામને પૂછે છે: ‘શું સંસાર ઈશ્વરથી ભિન્ન છે? અને જો હોય તો તમે એનો ત્યાગ કરો.’ શ્રીરામે જોયું કે ઈશ્વર જ જીવજગત, સર્વકંઈ બન્યા છે. એમની સત્તાથી જ બધું સત્ય છે એવો બોધ થાય છે. એટલે તેઓ ચૂપ રહી ગયા. આ જે ઈશ્વર જ સર્વકંઈ બન્યા છે – જીવજગત્‌, ૨૪ તત્ત્વ; આ શ્રીઠાકુરનો એક વિશેષ સિદ્ધાંત છે, જેને એમણે વારંવાર દોહરાવ્યો છે. ‘ન તદસ્તિ વિના યત્‌ સ્યાન્મયા ભૂતં ચરાચરમ્‌’ એને છોડીને આ જગતમાં સ્થાવર, જંગમ એવી બીજી કોઈ વસ્તુ જ નથી.

જો તેઓ જ સર્વત્ર છે તો પછી સંસારત્યાગ કરવાની શી જરૂર છે? જ્યાં સુધી સંસાર ઈશ્વરથી મનને વિમુખ કરે છે ત્યાં સુધી જ સંસારત્યાગનું પ્રયોજન છે. પરંતુ જ્યારે આ જ ઈશ્વરને સર્વત્ર ઓતપ્રોતભાવે જોવામાં આવે છે ત્યારે સંસારત્યાગની વાત જ ક્યાં ઊભી થાય છે? એટલે જ શ્રીઠાકુરે ભલે કોઈ વ્યક્તિ વિશેષ માટે સંસારત્યાગની વાત કહી હોય પણ બધાને માટે તેઓ સંસારત્યાગનો ઉપદેશ આપતા નથી. તેઓ કહે છે: ‘તેઓ (ઈશ્વર) સમસ્ત સંસારમાં પરિવ્યાપ્ત છે એ સત્ય પર પ્રતિષ્ઠિત થઈ જાઓ. બ્રહ્મ સિવાય આ ચિત્રવિચિત્ર જગત્‌ નામની કોઈ વસ્તુ નથી. શાસ્ત્રો પણ કહે છે, ‘સર્વં ખલ્વિદં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિઞ્ચન’ એટલે શેનો ત્યાગ કરશો? ઈશ્વરના ત્યાગનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. જે એમ સમજે છે કે સંસાર તેના મનને ઈશ્વરવિમુખ કરી દે છે, તેની સામે આવો પ્રશ્ન ઊભો થઈ શકે. આ પ્રશ્નનો ઉત્તર સંસારનો ત્યાગ એ નથી, પરંતુ સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ એ છે.’ એટલા માટે શ્રીઠાકુર કહે છે : ‘અનાસક્ત બનીને સંસારમાં રહો. એમ કોણ કહે છે કે આ સંસાર ભોગસામગ્રીથી ભરેલો છે? એમ કોણ કહે છે કે આ સંસાર મનને ઈશ્વરવિમુખ બનાવી દેશે? જો તમે સર્વત્ર ઈશ્વરને જ જુઓ તો મન એનાથી વિમુખ કેવી રીતે બની શકે? આ સમજી લેવું પડશે કે તેઓ (ઈશ્વર) સર્વત્ર પરિવ્યાપ્ત છે.’ તો પછી સંસારના ત્યાગનો પ્રશ્ન ઊભો નહિ થાય. આ વાતને શ્રીઠાકુરે એક બીજા સ્થળે બીજી રીતે વર્ણવી છે : ‘આંખ મીંચીને ધ્યાન કરતો હતો પરંતુ મનને ન ગમ્યું. શું આંખ બંધ કરવાથી જ તેઓ છે અને આંખ ખોલવાથી નહિ?’

આપણે જોઈએ છીએ કે જેને માટે જે અનુકૂળ હોય એ જ ઉપદેશ શ્રીઠાકુરે આપ્યો છે. સંન્યાસી શ્રેષ્ઠ છે અને ગૃહસ્થ નિકૃષ્ટ છે – એવું એમણે ક્યારેય નથી કહ્યું. બંને ભગવાનને પ્રાપ્ત કરવા માટે સમર્થ છે. પ્રત્યેક માટે પોતાના સંસ્કાર પ્રમાણે પોતપોતાને માર્ગે ચાલવું સરળ બને છે. સ્વામી વિવેકાનંદે પણ આ સંબંધે વિસ્તારથી કહ્યું છે : જે કોઈ પણ પોતાના આદર્શ સુધી પહોંચ્યો છે, તે જ શ્રેષ્ઠ છે. એક વ્યક્તિ માટે બીજાના આદર્શ પર વિચાર કરવો ઉચિત નહિ ગણાય. સ્વામીજીએ આ પણ કહ્યું છે : ત્યાગીના જીવનની શ્રેષ્ઠતા કેવળ એક જ દૃષ્ટિએ છે – તેણે ત્યાગના આદર્શનો સમજી વિચારીને સ્વીકાર કર્યો છે તથા સંસારના પરંપરાગત પથનો પરિત્યાગ કરીને અન્યપથ પર ચાલવાનો પ્રયત્ન કરે છે. આ રીતે તે પોતાના જીવનમાં ત્યાગના આદર્શને પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ આમ કહેવાની સાથે ને સાથે સ્વામીજી ફરીથી સાવધાન કરી દેતાં કહે છે : ત્યાગના આ આદર્શ પ્રત્યે શ્રદ્ધા રાખવી સારી છે, પરંતુ ક્યાંક એ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ન પરિણિત થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. એ જોવું પડશે કે બધા લોકો એ પથના અનુસરણમાં લાગી ન જાય. આ અંધાનુકરણનું જે દુષ્પરિણામ આવ્યું હતું તે બૌદ્ધકાળમાં જોવા મળ્યું છે.

બે માર્ગ – સંસાર અને સંન્યાસ

એ ધ્યાનમાં રાખવું પડશે કે સંસારમાં રહીને પણ ભગવાનની તરફ જવાનો રસ્તો ખૂલો છે. શાસ્ત્રો વાંચવાથી એવું જણાય છે કે સ્વયં ભગવાને જ જાણે કે આ બંને માર્ગનો આવિષ્કાર કર્યો છે. જગતની સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માએ સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર આ ચાર ઋષિઓની સૃષ્ટિ રચી અને એમને કહ્યું: તમે લોકો જાઓ અને પ્રજાવિસ્તાર કરો. પરંતુ એ લોકો સહમત ન થયા. એમણે કહ્યું: ‘કિં પ્રજયા કરિષ્યામો યેષાં નોઽયમાત્માઽયં લોક:’ – ‘અર્થાત્‌ સંસાર સંતતિથી અમે શું કરીશું’. તે બધા જગતને ભોગને લાયક બનાવી દેશે, પછી અમારે એનું શું પ્રયોજન છે? આ આત્મા જ અમારો લોક-જગત અર્થાત્‌ ભોગ્ય છે. એના સિવાય બીજી કોઈ વસ્તુની અમારે આવશ્યકતા નથી. આ રીતે જ્યારે એમના દ્વારા પ્રજાસૃષ્ટિ ન થઈ ત્યારે બ્રહ્માએ પ્રજાપતિઓની સૃષ્ટિ રચી અને એમને આદેશ આપ્યો કે તમે લોકો પ્રજાસૃષ્ટિ કરો. તેઓ આ નિર્દેશનો સ્વીકાર કરીને સૃષ્ટિકાર્યમાં લાગી ગયા. એટલે કહું છું કે સૃષ્ટિના આરંભથી જ જાણે કે બે આદર્શ ચાલી રહ્યા છે : એક સંન્યાસીનો અને બીજો ગૃહસ્થનો. પરંતુ મનથી ત્યાગ, અંતરની વ્યાકુળતા તથા ઈશ્વર પરના સુદૃઢ વિશ્વાસની આવશ્યકતા એ બંને માટે છે. એમની કૃપાથી અસંભવ પણ સંભવિત બની જાય છે. આ વિશ્વાસ સાથે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવાથી, તેમના પર નિર્ભર બનીને આગળ વધવાથી તેઓ (પ્રભુ) સ્વયં બધાં વિઘ્નો દૂર કરી દેશે. પ્રતિકૂળતા ભલે ગમે તેટલી હોય પણ એમના શરણાગત બનવાથી બધી દૂર થઈ જશે. આપણે પોતે તો કંઈ કરતા નથી, કંઈ કરવાનો પ્રયત્ન પણ નથી કરતા અને પરિસ્થિતિને દોષ દઈએ છીએ. જો સાચા અંત:કરણથી એમને ચાહીએ, એમના જ આશ્રિત રહીએ તો બધી પ્રતિકૂળતાઓ દૂર થઈ જશે. ઈશ્વર પર વિશ્વાસ રાખીને વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરતાં કરતાં શરણાગત થવું પડશે. આ શરણાગતિ જ અસલ વાત છે.

નિર્ભરતા અને શરણાગતિ

આપણા મનમાં કેટલીયે વાર આ પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાનને હૃદયમાં રાખીને પછી ભલા શું આ સંસારનો વ્યવહાર કરવો સંભવ છે ખરો? ઘણા પ્રયત્નો કર્યા પછી જેવું મન થોડા સમય માટે ઈશ્વર પ્રત્યે વળ્યું ત્યાં જ એટલાં બધાં વ્યવધાન ઊભાં થઈ જાય છે કે મન ત્યાં વધુ સમય સુધી ટકી શકતું નથી. આ બધી અસુવિધાઓને શ્રીઠાકુર પણ જાણે છે એટલે પહેલાં જ કહે છે : ‘સંસારમાં કામ, ક્રોધ એ બધાની સાથે યુદ્ધ કરવું પડે છે. કિલ્લાની ભીતરથી યુદ્ધ કરવામાં સુવિધા રહે છે.’ સંસારમાં રહીને ભગવાનના ચરણોમાં મન લગાડી રાખવું એ જાણે કે કિલ્લાની ભીતરથી યુદ્ધ કરવા જેવું છે. જે એકાંતભાવે ઈશ્વરના શરણાગત થાય છે તેમનો ભાર ભગવાન પોતે જ ઉપાડી લે છે તથા સંસારને અનુકૂળ બનાવી દે છે. આવી સ્થિતિમાં સંસાર ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગમાં વ્યવધાન-બાધા બનતો નથી. ઊલટાનો સહાયક બની જાય છે. જ્યાં મન ભોગ માટે તલપાપડ બને છે ત્યાં સંસારમાં રહીને એ ભોગવૃત્તિને થોડીઘણી ચરિતાર્થ કરવામાં દોષ નથી. પરંતુ સંસારત્યાગ કર્યા પછી વાસના મનને ચંચળ બનાવી દે તો તો સર્વનાશ જ થશે, પછી એ ક્યાં જશે? પછી તો જેના આશ્રયમાં રહીને એ સુરક્ષા મેળવી શકે એવું એનું ક્યાંય કોઈ નથી. એટલા માટે સંસારમાં એણે કેવી રીતે રહેવું જોઈએ એ વિશે શ્રીઠાકુર કહે છે : ‘આંધીમાં એંઠી પાતળ બનીને સંસારમાં રહો.’ અર્થાત્‌ એમના પર પૂરેપૂરા નિર્ભર બનીને રહો. આવું થવાથી જ્યાં પરિસ્થિતિ અનુકૂળ છે ત્યાં તેઓ પોતે જ તમને લઈ જશે. શ્રીઠાકુર વધુ કહે છે : ‘આંધી એ એંઠી પાતળને ક્યારેક ઘરની ભીતર લાવી દે છે તો ક્યારેક કચરા-કરકટમાં પણ. હવા જ્યાં જાય છે ત્યાં પાતળ પણ જાય છે – ક્યારેક સારી જગ્યાએ તો ક્યારેક ખરાબ જગ્યાએ. જ્યારે એમણે-પ્રભુએ તમને સંસારમાં રાખ્યા છે તો કરશો શું? બધું એમને ચરણે અર્પિત કરી દો, આત્મસમર્પણ કરી દો. ત્યારે બીજી કોઈ ગોલમાલ રહેશે નહિ. તમે જોશો કે તેઓ જ બધું કરી રહ્યા છે.’ તમે ક્યાં છો અને કેવી રીતે છો, અસલ તો આ પ્રશ્ન ગૌણ છે. આપણે માત્ર દૃષ્ટિકોણને બદલવો જરૂરી છે. ઉપનિષદમાં કહ્યું છે : ‘ઈશાવાસ્યમિદં સર્વં’ – આ ઈશ્વરથી આખેઆખા જગતને ઢાંકી દો. જગતને જગતના રૂપે ન જોઈને ઈશ્વરના રૂપે જોવાનું શીખો. આવું થવાથી પછી ક્યાંય પણ અમંગલ, અપાવનતા, જોવા નહિ મળે.

એકવાર શ્રીઠાકુર ક્યાંક જઈ રહ્યા હતા. એમણે રસ્તામાં જોયું તો કેટલાક દારૂડિયા દારૂ પીને મતવાલા બન્યા છે. એમને જોઈને ‘વાહ, વાહ, ઘણું સારું!’ એમ કહીને તેઓ પોતે આનંદવિભોર બનીને સમાધિસ્થ બની ગયા. મતવાલાઓના આનંદે એમને બ્રહ્માનંદનું સ્મરણ કરાવી દીધું, કારણ કે તેઓ સર્વત્ર બ્રહ્મસ્વરૂપનું જ દર્શન કરતા હતા. બાઈબલમાં લખ્યું છે : ્‌ર્રે જીીજા ીપૈન મીબચેજી ારૈહી ીઈજ ચિી ીપૈન – તું અશુભ જુએ છે, કારણ કે તારી આંખો જ અશુભ છે. સંસારના સમગ્ર અશુભને ઝાટકીને દૂર કરી શકાતો નથી. એ તો એવું રહેશે જ. જેમ એક રાજાએ રસ્તાની ધૂળને સાવરણી મારીને સાફ કરવાની વ્યવસ્થા કરી હતી; અંતે જોડાં પહેરવાથી જેમ રાજાની સમસ્યાની સમાધાન થયું તેમ અહીં પણ દૃષ્ટિકોણ બદલવાથી જ સંસારમાં રહેવું કે ન રહેવું એ સમસ્યાનું સમધાન થઈ જશે. બધાને ઈશ્વરથી પરિવ્યાપ્ત રૂપે જોવામાં આવે તો પવિત્ર-અપવિત્ર, સારું-ખરાબ એવું કોઈ દ્વંદ્વ રહેશે નહિ. એટલા માટે આપણે જોઈએ છીએ કે આપણી દૃષ્ટિમાં જે દૃશ્ય અશુભ અને અપવિત્ર દેખાય છે એ દૃશ્ય શ્રીઠાકુરના અંત:કરણમાં ઈશ્વરનો ભાવ જગાડી દે છે.

ભલે આપણે ગમે ત્યાં રહીએ, ભગવાનને પ્રાપ્ત કરવા માટે જેમ એક તરફ નવા દૃષ્ટિકોણની જરૂર છે એવી જ રીતે બીજી બાજુએ એ જ બધું કરે છે એવા દૃઢ વિશ્વાસની પણ જરૂર છે. ગૃહસ્થ હોય કે સંસારી બધાએ આ દૃષ્ટિકોણ અને વિશ્વાસનો આશ્રય લઈને સાધના પથ પર આગળ વધવું પડશે. સાધનાનો અર્થ છે, વિષયાસક્ત મનને વિષયોમાંથી વિરત કરવાની ચેષ્ટા કરવી અને પ્રાર્થના કરવી કે જેથી મનની વિષયાસક્તિ દૂર થઈ જાય. કારણ એ છે કે પરાણે વિષયોથી વિરત થઈ જવાથી જ મન વિષયોમાંથી નિવૃત્ત થઈ જતું નથી. એટલા માટે ગીતામાં કહ્યું છે :

વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન:
રસવર્જં રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્‌વા નિવર્તતે ॥ (૨.૪૯)

જન્મજન્માંતરથી જે સંસ્કાર ઊંડા મૂળિયાં નાખીને બેઠા છે એ સંસારથી બહાર જવાથી દૂર થઈ જશે, આ ક્યારેય સંભવ નથી. એ તો અભ્યાસસાપેક્ષ છે. છતાં પણ કોઈને વિષયોની વચ્ચે રહીને અભ્યાસ કરવાની આવશ્યકતા છે અને કેટલાક માટે વિષયોથી દૂર રહીને. જુદા જુદા લોકો માટે અલગ અલગ પરિવેશ અનુકૂળ બને છે.

Total Views: 265

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.