(ગતાંકથી આગળ)

શાસ્ત્ર, શરણાગતિ અને ગુરુ

અહીં મુખ્યવાત છે ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા. માત્ર વિચાર કરવાથી શું થવાનું છે? જ્યારે આપણે પ્રભુને વિચાર દ્વારા જાણવાની ચેષ્ટા કરીએ છીએ ત્યારે અનેક જાતનો કેવળ બૌદ્ધિક વ્યાયામ માત્ર કરીએ છીએ. એમનું સ્વરૂપ આ બુદ્ધિ દ્વારા સમજાતું નથી, પરંતુ આ બુદ્ધિ સિવાય આપણી પાસે બીજું કોઈ યંત્ર પણ નથી કે જેની મદદથી આપણે એમને સમજી શકીએ. એટલા માટે આપણને શાસ્ત્રોમાં વિપરીત ઉક્તિઓ મળે છે. ક્યાંક કહેવાયું છે : ‘મન દ્વારા એમને જાણી શકાતા નથી – યન્મનસા ન મનુતે યેનાહુર્મનો મતમ્‌’; વળી બીજે એક સ્થળે એમ કહેવાયું છે: ‘મન દ્વારા જ એમને જાણવા પડશે – મનસૈવેદમાપ્તવ્યમ્‌’. આ બે પરસ્પર વિરોધી વિચારવાળી ઉક્તિઓનું તાત્પર્ય એ છે કે પ્રભુ આ મનબુદ્ધિથી અગોચર હોવા છતાં પણ શુદ્ધમન અને શુદ્ધબુદ્ધિ માટે ગોચર છે – જાણી શકાય તેવા છે. મન અને બુદ્ધિ શુદ્ધ હોવાથી એમાં શાસ્ત્રનો મર્મ પ્રગટ થાય છે અને ત્યારે સાધક માટે અનંત શાસ્ત્રોના જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી; કારણ કે વિચારો દ્વારા આત્મતત્ત્વ પ્રાપ્ત થતું નથી. એટલા માટે એમ કહ્યું પણ છે : ‘નૈષા તર્કેણ મતિરાપનેયા’, ‘ન મેધયા ન બહુના શ્રુતેન’. જરૂર છે ગુરુવાક્ય અને શાસ્ત્રમાં વિશ્વાસ કે શ્રદ્ધાની, આવશ્યકતા છે શુદ્ધબુદ્ધિની. જે રાઈના દાણાથી ભૂત ભગાડવાનું હોય એ રાઈના દાણામાં પણ જો ભૂત ઘૂસી ગયું હોય તો એ ભૂત કેવી રીતે ભાગી જાય? એવી રીતે જે બુદ્ધિ દ્વારા શાસ્ત્રના મર્મને સમજવાનું છે એ જ બુદ્ધિ શુદ્ધ ન હોય તો શાસ્ત્રનું પઠન કરવાથી શો લાભ? મહિમાચરણને પાંડિત્યનું અભિમાન હતું એટલે શ્રીઠાકુરે વિશેષ રૂપે એમને શાસ્ત્રપાઠની નિષ્ફળતાની વાત કહીને શ્રદ્ધા, વિશ્વાસ અને વ્યાકુળતા પર ભાર દીધો. શ્રીઠાકુરે કહ્યું: ‘ચોપડી વાંચીને શું જાણશો? જ્યાં સુધી બજારમાં નથી પહોંચતા ત્યાં સુધી દૂરથી કેવળ હોહા અને દેકારો જ સંભળાય છે. બજારમાં પહોંચ્યા પછી એ બધું જુદી રીતે સંભળાય છે, ત્યારે તમને સ્પષ્ટ દેખાશે અને સંભળાશે: ‘બટેટાં લો’, ‘પૈસા આપો’. આ બધું સ્પષ્ટ સંભળાશે. સમુદ્ર દૂરથી ઘૂઘૂ એવો શબ્દનાદ કરે છે, પાસે જઈએ ત્યારે કેટલાં વહાણો જઈ રહ્યાં છે, પક્ષીઓ ઊડી રહ્યાં છે, મોજાં ઉછળી રહ્યાં છે – આ બધું જોઈ શકશો. પુસ્તકો વાચવાથી બરાબર અનુભવ થતો નથી, ઘણું અંતર રહી જાય છે. એમનાં દર્શન પછી પુસ્તક, શાસ્ત્ર, સાયન્સ – આ બધું ધૂળઘાસ જેવું લાગે છે.’

આ રીતે શ્રીઠાકુર વારંવાર ઈશ્વરને જાણવાની વાત પર ભાર દે છે, પરંતુ માત્ર શાસ્ત્રપઠનથી એ કાર્ય થતું નથી. શાસ્ત્ર અનંત છે, વળી એમાં પરસ્પર વિરોધી ઉક્તિઓ પણ જોવા મળે છે, એ બધાંમાં સામંજસ્ય કોણ લાવી શકે? જેમ ખાંડ અને રેતી મળી જાય તેમ શાસ્ત્રમાં સાર અને અસાર બંને પ્રકારની વસ્તુઓ ભળી ગઈ છે. એટલા માટે જ કહે છે : ‘એકાંતભાવે શરણાગત બનીને પ્રાર્થના કરો, એ પોતે જ (ઈશ્વર) પોતાનું સ્વરૂપ સમજાવી દેશે.’ આ જાણકારીને પછી શાસ્ત્ર સાથે મેળવી લેવી પડશે. શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ આ ત્રણેયને મેળવી લેવી પડશે – ત્રણેયનો તાળો મેળવી લેવો પડશે. શાસ્ત્ર બન્યું શ્રુતિ; આ વાત યુક્તિ કે બુદ્ધિગ્રાહ્ય છે કે નહિ તથા તે ઉપલબ્ધિ સાથે બરાબર મળતું આવે છે કે નહિ, આ જોવા માટે જ શાસ્ત્રની આવશ્યકતા છે. એટલા માટે શ્રીઠાકુર કહે છે: ‘શાસ્ત્રો કેટલાં વાચશો? માત્ર વિચાર કરવાથી શું વળે?’ જે મન દ્વારા હું જાણીશ તે મન જ જો અસ્વસ્થ હોય, વિકારગ્રસ્ત હોય કે મલીન બની ગયું હોય તો એના દ્વારા સત્ય કેવી રીતે પ્રગટ થઈ શકે? એટલા માટે પહેલાં મનને વિકારમુક્ત કરવાની આવશ્યકતા છે, અને એના જ ઉપાય રૂપે કહ્યું છે: ‘ગુરુવાક્યમાં વિશ્વાસ રાખીને કંઈક કર્મ કરો.’ ‘ગુરુવાક્યમાં વિશ્વાસ’ આ જ પાયાની વાત છે. વિશ્વાસ કે શ્રદ્ધા ન હોય તો કેના આધારે સાધના કરશો? જે શ્રદ્ધાહીન છે તે કોઈ પણ દિશામાં આગળ વધી શકતો નથી. જ્યાં શ્રદ્ધા નથી ત્યાં ‘આ નહિ, તે નહિ, તે પણ નહિ’ આવા સંશય જ સર્વત્ર જોવા મળે છે’; જાણે કે એ ‘નહિ’ની સમષ્ટિ ન હોય! એટલે શ્રદ્ધાહીન વ્યક્તિની દશા ‘ઇતો નષ્ટસ્તતો ભ્રષ્ટ:’ – (એટલે કે અહીંથી યે ગયો અને ત્યાંથી પણ ગયો)ના જેવી થઈ જાય છે. આ શ્રદ્ધા જ સાધનાનું પહેલું પગથિયું છે. એના પછી શ્રદ્ધાપૂર્વક ગુરુની આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું એ સાધનાનું બીજું સોપાન છે.

શ્રદ્ધાહીન વ્યક્તિ અશુદ્ધ મનથી શાસ્ત્ર વાંચીને જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેની તુલના શ્રીઠાકુરે સમુદ્રના ઘૂઘૂ અવાજ સાથે કે દૂરથી સંભળાતા બજારના દેકારા સાથે કરી છે. જેવી રીતે બજારના આવા વિભિન્ન શબ્દો સાથેના વિચિત્ર અવાજનો કે સમુદ્રના ઘૂઘૂ શબ્દનો કોઈ અર્થ નથી તેવી રીતે અશુદ્ધ મને શાસ્ત્રપઠનથી કોઈ અર્થ સ્પષ્ટ થતો નથી. ધર્મનું સ્વરૂપ ‘નિહિતમ્‌ ગુહાયામ્‌’ – હૃદયગુફામાં છુપાયેલું છે, તે આ બુદ્ધિથી અગોચર છે. પ્રવચન કરવાવાળા પંડિતો શાસ્ત્રો વાંચી વાંચીને તેની વધુ ને વધુ ભિન્ન ભિન્ન વ્યાખ્યા કરી શકે છે, બસ આટલું જ. એટલા માટે કહેવામાં આવ્યું છે : ‘નાસૌ મુનિર્યસ્ય મતં ન ભિન્નમ્‌’ – એવા કોઈ બે મુનિઓ નથી, જેમના મત ભિન્ન ભિન્ન ન હોય! એટલે ‘મહાજનો યેન ગત: સ પન્થા:’ – મહાપુરુષો જે રસ્તે ચાલ્યા છે એ જ પથ છે – આ નીતિમાં શ્રદ્ધા રાખીને જે લોકો શાસ્ત્રોને લાંઘી ગયા છે, પરમતત્ત્વ સુધી પહોંચ્યા છે, એમના નિર્દેશોને શ્રદ્ધાપૂર્વક માનીને ચાલવું એ આપણું કર્તવ્ય છે. એ વાતને શ્રીઠાકુર સમજાવવા માગે છે.

શ્રીઠાકુર કહે છે : ‘એમનાં દર્શન પછી ગ્રંથ, શાસ્ત્ર, સાયન્સ એ બધું ધૂળઘાસ જેવું લાગે છે.’ અહીં શ્રીઠાકુરના કહેવાનો અર્થ એ છે કે ભગવદ્દર્શન દ્વારા જે તત્ત્વની પ્રાપ્તિ થાય છે તે તત્ત્વ ગ્રંથો વાંચવાથી મળતું નથી. ગ્રંથો તો માણસના મગજની પંચાત છે. બુદ્ધિગમ્ય વસ્તુઓને સાથે રાખીને સાયન્સનો કારભાર ચાલે છે. સાયન્સ કેવળ ઇન્દ્રિયગમ્ય વસ્તુઓની જ જાણકારી આપી શકે છે, અતીન્દ્રિય જગતની નહિ. એટલે ભગવદ્દર્શન કે ઈશ્વરાનુભૂતિ થવાથી ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય આ બધી વસ્તુઓ તુચ્છ બની જાય છે. જેમને ઈશ્વરદર્શન નથી થયાં તેમને માટે આ તુચ્છતાના પરિમાણને સમજવું નિ:સંદેહ સંભવ નથી. એનું કારણ એ છે કે આપણું સમગ્ર ભૌતિક ઐશ્વર્ય સાયન્સની કૃપા માત્ર જ છે. શાસ્ત્ર વિશે શ્રીઠાકુર બીજે એક સ્થળે કહે છે: ‘પંચાંગમાં લખ્યું છે કે વીસ ઈંચ વરસાદ થશે, પણ એ પંચાંગને નિચોવવાથી પાણીનું એક ટીપું પણ નહિ નીકળે.’ એ સાચું છે કે શાસ્ત્રોમાં ઘણી વાતો લખી છે પરંતુ શ્રદ્ધાવિહોણા બનીને શાસ્ત્રો વાંચવાથી તેનું સાચું રસપાન થતું નથી. વાત્સલ્યરસ વિશે પુસ્તકોમાં ઘણું વાંચીએ છીએ. પરંતુ પોતાના સંતાન પ્રત્યે વાત્સલ્ય ઊભરાવાથી જે રસની અનુભૂતિ થાય છે તેની સમક્ષ આ પુસ્તકીયું જ્ઞાન તુચ્છ છે. છતાં પણ જેવી રીતે સ્વયં એક વાર વાત્સલ્ય રસનો અનુભવ કરી લીધા પછી આપણે એવી સરખામણી કરીએ છીએ કે પુસ્તકમાં જે લખ્યું છે તેની સાથે આનો બરાબર મેળ બેસે છે કે કેમ? તેવી રીતે ઈશ્વરાનુભૂતિ થયા પછી એ અનુભૂતિઓને શાસ્ત્રો સાથે મેળવી લેવામાં આવે છે અને શાસ્ત્રનો રસ-મર્મ ગ્રહણ કરી શકાય છે.  

સહજ ઉપાય : વ્યાકુળતા અને નિર્જનવાસ

પોતાની ઉપલબ્ધિ જ અસલ વાત છે, અહીં પુસ્તકીયવિદ્યા તુચ્છ છે; ‘તત્ર… વેદા અવેદા’, એટલે જ શ્રીઠાકુર ઉપદેશ આપે છે : ‘મોટા બાબુને મળવું આવશ્યક છે. એમનાં કેટલાં મકાન છે, કેટલા બગીચા છે, એમની પાસે કેટલી કંપનીઓના કાગળ છે, આ બધું જાણવા માટે અત્યારથી આટલી બધી ઉતાવળ શા માટે કરો છો? નોકરચાકર પાસે જવાથી તેઓ કાઢી મૂકશે તો કંપનીના કાગળની માહિતી કોણ આપશે? પરંતુ ધક્કા ખાઈ ખાઈને, દિવાલો ઓળંગી ઓળંગીને, ગમે તેમ કરીને જો એકવાર મોટા બાબુને મળવાનું થઈ જાય તો પછી એમને કેટલાં મકાન છે, કેટલા બગીચા છે, અને કેટલી કંપનીના કાગળ છે એ બધું તેઓ પોતે જ બતાવી દેશે. મોટા બાબુ સાથે મુલાકાત થઈ ગયા પછી નોકરચાકર દરવાન વગેરે બધાય તમને સલામ મારશે!’ શ્રીઠાકુરે તો અત્યંત સહજભાવે કહી દીધું: ‘મોટા બાબુની મુલાકાત કરવાની જરૂર છે’, પરંતુ મુલાકાત લેવી કેવી રીતે? એને માટે શ્રીઠાકુર ઉપાય પણ બતાવે છે. તેઓ કહે છે : ‘નિર્જનસ્થળમાં એમને પોકારો, પ્રાર્થના કરો, ‘દર્શન આપો’ એમ કહીને આકુળવ્યાકુળ બનીને રડો. કામ-કાંચન માટે પાગલ બનીને ઘૂમી શકો છો, ફરી શકો છો; ભગવાન માટે તો થોડા પાગલ બનો. લોકો કહે કે અમુક માણસ ઈશ્વર માટે પાગલ થઈ ગયો છે, ભલે થોડા દિવસ માટે હોય પણ સર્વ કંઈ છોડીને એમને એકાંતમાં પોકારી તો જુઓ.’ વધારે દિવસો સુધી પોકારવાનું કહેશે તો કોઈ પોકારશે નહિ એટલે શ્રીઠાકુર કહે છે : ‘ભલે થોડા દિવસ માટે હોય પણ એમને એકાંતમાં પોકારી તો જુઓ!’ ભગવાનને પ્રાપ્ત કરવા માટે જેમાં હજારો રૂપિયાનો ખર્ચ થાય એવાં અનુષ્ઠાન, યજ્ઞયાગ, કૃચ્છસાધના વગેરેની વાત એમણે નથી કરી. માત્ર એક જ વાત કરી છે: ‘નિર્જન સ્થળે વ્યાકુળ બનીને એમને પોકારો.’ પરંતુ આ વ્યાકુળતા અંતરની હોવી જોઈએ, માત્ર મોઢેથી નહિ; પોકાર અંત:કરણથી થવો જોઈએ. આગ્રહ હોવો જોઈએ. આ ઉપાય સાંભળવામાં તો ઘણો સરળ છે પરંતુ, આપણો પાયો જ ખોટો છે – નિર્જન સ્થળે જવાનો અવકાશ જ મળતો નથી અને વિલાપ કરવાનું નથી આવડતું, પછી એમને કેવી રીતે પ્રાપ્ત કરીશ. કબીરે પણ આ જ વાત કહી છે : ‘ખોજી હોય તો તુરતૈ મિલિહૌં પલ ભર કી તલાશ મેં । ભગવાન કહે છે કે જો તમે મને એક પળ કે એક ક્ષણ માટે પણ ચાહશો તો એ જ ક્ષણે હું તમને મળીશ. આવા એકાગ્ર અને એકાંતભાવે પ્રભુને ચાહવાના છે, પણ આ જ આપણાથી થતું નથી. એટલા માટે એમનો અભ્યાસ કરવા માટે કહેવામાં આવ્યું છે કે નિર્જન સ્થળે પોકારવા પડશે. જ્યાં મન કોઈ બીજી દિશા તરફ આકર્ષાઈ નહિ એને નિર્જનસ્થળ કહેવામાં આવે છે. મરુભૂમિ કે ઘેરાં જંગલ કે જ્યાં વાઘ, રીંછ રહે છે એને નિર્જન સ્થાન ન કહેવાય. જ્યાં મનને ખેંચનારા માણસો ન હોય તે નિર્જન સ્થાન. જે આંતરિકભાવે ભગવચ્ચિંતન કરે છે, સાધના કરે છે એ બધા લોકોને એની જાણકારી છે. ધારો કે કોઈ સ્ત્રી પોતાના મનને એકાગ્ર કરીને બેઠું છે અને એ સમયે બાળકને કંઈક લાગવાથી રોઈ પડે છે ત્યારે માનું સમગ્ર મન એ તરફ ચાલ્યું જાય છે. એમાં અપરાધ કોનો છે, બાળકનો કે આપણા મનનો? ભગવાનને ત્યજીને જાણે કે ચારે તરફ કાન મંડાય છે કે અવાજ ક્યાંથી આવે છે. એટલે આવી પરિસ્થિતિમાં મનને એકાંતભાવે ભગવાન પ્રત્યે લગાડવા કે તે માટે પ્રેરિત કરવાનો પ્રયત્ન સાર્થક નીવડતો નથી, અથવા એમ કહેવું જોઈએ કે ચોતરફ વિક્ષેપ હોવાને લીધે પ્રયત્ન જ નથી થઈ શકતો. એટલા માટે નિર્જનતાની આવશ્યકતા છે. પરંતુ કેવળ નિર્જન સ્થળે જવાથી તો કંઈ બનવાનું નથી, વ્યાકુળ બનીને પ્રભુને પોકારવા પડશે. ઘણા લોકો નિર્જન સ્થળે રહે છે પરંતુ એમના મનમાં ભગવાનની વાત ઉપજતી જ નથી. એ નિર્જનતા એવા લોકો માટે ઉપર્યુક્ત સંદર્ભમાં કોઈ કામની નથી. આવા લોકો તેને ત્રાસદાયી સમજે છે. એટલા માટે કેવળ નિર્જનતા નહિ પણ વ્યાકુળતા કે આતુરતા પણ જોઈએ. વળી કોઈ પૂછે કે વ્યાકુળ થઈને હું કેવી રીતે રડું, તો શ્રીઠાકુર કહે છે : ‘કેમ? વિષય માટે, સંસાર માટે રોઈ રોઈને અત્યંત આંસું વહાવી શકો છો અને આ પ્રભુ માટે આંખોમાંથી એક ટીપુંયે નથી પડતું!’ રોઈ રોઈને અત્યંત આંસું સારવાનું તો આવડે જ છે, ઉપાય નથી કારણ કે મન જ એવું બન્યું છે. એટલા માટે તેઓ કહે છે કે જો મન વિષયોની પાછળ આટલી ભાગદોડ કરે છે, આટલું પાગલ બન્યું છે તે મનને ભગવાન તરફ વાળો. ‘વિષ્ણુપુરાણ’માં પ્રહ્‌લાદ કહે છે:

યા પ્રીતિરવિવેકાનાં વિષયેષ્વનપાયની ।
ત્વામનુસ્મરત: સા મે હૃદયાન્માપસર્પતુ ॥

(૧/૧૦/૧૯)

– હે પ્રભુ! અવિવેકી, અજ્ઞાની મનુષ્યોનો વિષયો પ્રત્યે જેવો અક્ષયપ્રેમ હોય છે, હું જ્યારે તમારું ચિંતન કરું ત્યારે મારા મનમાં એવો જ પ્રેમ જાગે. શ્રીઠાકુર કહે છે કે આટલાથી પણ થવાનું નથી, થોડું વધારે પણ કરવું જરૂરી છે. વિષયીનું વિષયો પ્રત્યેનું, સતીનું પતિ પ્રત્યેનું, માનું સંતાન પ્રત્યેનું જે આકર્ષણ કે ખેંચાણ હોય છે તે ત્રણેય આકર્ષણ જો એકત્ર બનીને ઈશ્વરમાં લાગી જાય ત્યારે તેઓ મળે છે. જે વિષયનો અનુભવ ન હોય એનું દૃષ્ટાંત દેવાથી વાત સમજમાં આવતી નથી. મનુષ્યને આ આકર્ષણોનો અનુભવ છે એટલે આ દૃષ્ટાંત આપવામાં આવ્યું. પરંતુ ‘ન નૌ મન તેલ હોગા, ન રાધા નાચેગી ।

અભ્યાસ અને સાધના

કોઈ એવો સરળ માર્ગ હોય, કોઈ એવો હાથનો ખેલ હોય, કોઈ મંત્ર હોય જેનાથી મન તરત જ ભગવાનમાં લાગી જાય એમ બધા ઇચ્છે છે. પરંતુ આવું તો કાંઈ બનવાનું નથી. એવો કોઈ જંતરમંતર નથી કે જેના દ્વારા મન એકાએક તદ્દન એકાગ્ર બની જાય. અને જો એવું હોત તો ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને એ જ માર્ગ બતાવી દીધો હોત. પરંતુ તેઓ પણ કહે છે કે મન ખરેખર અત્યંત ચંચળ છે અને એને સ્થિર કરવાનો ઉપાય છે અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ એટલે વારંવાર પ્રયત્ન કરવો અને વૈરાગ્ય એટલે વિષયાદિ જે મનને ખેંચી રાખે છે તેમને તુચ્છ સમજવા. આવું કરવાથી ફરીથી મન એ તરફ નહિ વળે. આ જ એક માત્ર ઉપાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શ્રીઠાકુર કહે છે : ‘‘તેઓ છે’ એમ કહીને બેસી રહેવાથી શું વળવાનું છે, હાલદારપુકુરમાં ઘણી માછલીઓ છે પણ માત્ર એને કિનારે બેઠા રહેવાથી શું માછલી મળી જાય? ચારો લાવવો, ચારો નાખવો, ધીમે ધીમે ઊંડા પાણીમાંથી માછલી ઉપર આવશે અને પાણી હલશે ત્યારે મનમાં પ્રસન્નતા થશે. કદાચ માછલી થોડીવારમાં જ દેખાઈ ગઈ, છબાક કરતી ઉછળી પડી અને જ્યારે દેખાઈ ત્યારે અધિક આનંદ થયો.’ ભગવાન છે, એમ વિચારીને બેઠા ન રહેવું; જો ઈશ્વર ખરેખર કામ્ય હોય તો એને શોધવા જ પડશે. એમને મેળવવા માટેના જેટલા માર્ગ છે એ માર્ગ પર આગળ વધવું જ પડશે. ‘દૂધમાંથી દહીં જમાવીને, તેને મથીને જ માખણ મેળવી શકશો.’ આપણે લોકો એટલું અવશ્ય જાણીએ છીએ કે શ્રીઠાકુરમાં અસાધારણ ઈશ્વરીય શક્તિ હતી અને તેઓ ઇચ્છામાત્રથી ભક્તોને બધું આપી શકતા હતા; પરંતુ એવી શક્તિ બીજા કોનામાં છે? અને વળી જો કોઈ વ્યક્તિ પોતે કંઈ કરવા ન ઇચ્છે તો એનો મતલબ એ થયો કે અત્યારે એના મનમાં ઈશ્વરની આવશ્યકતા કે એમને મેળવવાની આકાંક્ષા પ્રબળ બની ઊઠી નથી. આપણે વિચારીએ છીએ: અરે, ભગવાનને મેળવી લેવાથી કેવું સારું થાય? જ્યારે તેઓ મારી મૂઠીમાં આવી જશે ત્યારે આ સંસારને સમેટી લઈશ. પરંતુ વાત એ છે કે વાસ્તવમાં આપણામાંથી કોઈ પણ ભગવાનને ચાહતો નથી, એમને જીવનનો ઉદ્દેશ કે જીવનનું લક્ષ્ય નથી સમજતા, આપણે તો એમને માત્ર સાધન સમજીએ છીએ. ભગવાન હસે છે: ‘તમે પોતે જ પોતાના કર્મફળમાં પોતાની જાતને બાંધો છો એમાં હું શું કરું!’

આ કર્મફળ આપણી સૃષ્ટિ છે. ચારે બાજુ વાસનાની જાળ વણીને આપણે પોતે જ એ જાળની વચ્ચે ફસાયેલા રહીએ છીએ. એ જાળને કાપીને નીકળવાનો રસ્તો તો છે, પણ એમાંથી નીકળવાની ઇચ્છા નથી. શ્રીઠાકુરે કહ્યું છે તેમ – જાળની અંદર માછલી ઘૂસે છે અને ઇચ્છે તો તે એ જ રસ્તેથી નીકળી પણ શકે છે પણ નીકળતી નથી અને મનમાં વિચારે છે, ક્યાંય રસ્તો નથી. આપણે પણ આપણી જાતને અનેક વાસનાઓમાં ફસાવી દીધી છે. વાસના હજી બાકી છે એટલે આપણે સંસારનાં બંધનોમાંથી નીકળી શકતા નથી. એટલા માટે શ્રીઠાકુર ફરીથી કહે છે : ‘સાત કિલ્લાઓની પેલેપાર રાજા રહે છે. કિલ્લાઓને એક એક કરીને પાર કરવા પડશે. પરંતુ આપણામાં એ ધૈર્ય ક્યાં છે? આપણે કહીએ છીએ : ‘જુઓને સાત દિવસ સુધી ભગવાનને પોકાર્યા પણ એ ક્યાં મળ્યા?’ જાણે કે કોઈ બાંધ્યો કે ચોક્કસ એવો નિયમ ન હોય કે સાત દિવસ સુધી તેનું નામ લેવાથી તેઓ આવીને પ્રગટ થઈ જશે! જો હું એમને હૃદયથી ચાહતો હોત તો જીવનભર એમને માટે પ્રાણપણે લાગી જવાથી પણ એવો વિચાર મનમાં ન આવત કે મેં મારું યથેષ્ટકાર્ય કરી લીધું છે. ઊલટાનું આપણે વિચારીએ છીએ કે અન્ય વસ્તુઓને પ્રયત્ન કરીને મેળવી લઈએ છીએ પણ ભગવાનને તો પ્રયત્ન કરવા છતાં પણ પામી ન શક્યા. આપણને એ વાતનું ધ્યાન નથી રહેતું કે આપણો પ્રયત્ન જ આંતરિક ભાવનો નથી. પ્રશ્ન એ છે કે શું પ્રભુ આપણને હવાની જેમ અનિવાર્ય લાગે છે? એમને ન પામવાને લીધે આપણો પ્રાણ-શ્વાસ રુંધાતો હોય એવો અનુભવ થાય છે? એમને મેળવવા માટે ઋષિ મુનિઓએ પોતાનું જીવનખર્ચી નાખ્યું, અને અહીં આપણે વિચારીએ છીએ કે ૧૦૮ વાર જપ કરવામાં તો ઘણો સમય લાગે, શું કંઈક ઓછું કરવાથી કામ ચાલશે નહિ? શું આનું નામ ‘યથેષ્ટ ચેષ્ટા’ છે? એમના વિના આપણા દિવસો વીતી રહ્યા છે. એટલે જ એમને માટે વધારે પૈસા ચૂકવવાની પ્રવૃત્તિ પણ નથી થતી અને એટલે જ આપણે પ્રભુને મેળવી પણ શકતા નથી. ગુરુવાક્યમાં અથવા શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ-શ્રદ્ધા રાખીને જે અંત:કરણપૂર્વક વ્યાકુળ બનીને પ્રયત્ન કરે છે તે અવશ્ય પ્રભુને પામે છે.

વ્યાકુળતા અને કૃપા

શ્રીઠાકુરે આ પહેલાં પણ કહ્યું છે: ‘એટલા માટે કર્મ જરૂરી છે.’ હવે મહિમાચરણ પૂછે છે: ‘શું કર્મ દ્વારા પ્રભુને મેળવી શકાય છે?’ એના ઉત્તરમાં શ્રીઠાકુર કહે છે : ‘આ કર્મ દ્વારા તેઓ મળશે અને એ કર્મ દ્વારા નહિ મળે, એવી કોઈ વાત નથી. આ બધું એમની કૃપા પર નિર્ભર છે. છતાંયે વ્યાકુળ બનીને થોડાંઘણાં કર્મ કરવાં પડે છે. વ્યાકુળતા હોવાથી એમની કૃપા થાય છે.’ આ વિશે શ્રીમા શારદાદેવીનો ઉપદેશ સ્મરણીય છે. એક ભક્તે એમને પૂછ્યું: ‘મા, જપ કરવાથી શું થાય છે? અર્થાત્‌ ઈશ્વર દર્શન થાય છે?’ માએ કહ્યું: ‘ના.’ ભક્તે પૂછ્યું: ‘સારી રીતે ધ્યાન કરવાથી દર્શન થાય છે?’ માએ કહ્યું : ‘ના.’ ભક્તે પૂછ્યું: ‘તો શેનાથી દર્શન થાય છે?’ માએ કહ્યું: ‘એમની દયા થવાથી દર્શન થાય છે.’ એમની દયા વિના કેવળ આ બધાં કર્મોની સહાયતાથી એમને મેળવી શકાતા નથી. ઈશ્વર એટલી દુર્લભ વસ્તુ છે કે એમને મેળવવા માટે યથેષ્ટ સાધના કરવાનું સામર્થ્ય આપણામાં નથી. આપણે ગમે તેટલી સાધના કરીએ પણ એમને મેળવવા માટે એ ઘણી ઓછી પડે છે. આ વાત ધ્યાનમાં રાખવાથી કોઈના મનમાં સાધનાનો અહંકાર આવતો નથી. સાધનાનો અહંકાર ઘણો મોટો ભયંકર અહંકાર છે. હું આટલો જપ કરું છું, આટલા સમય સુધી ધ્યાન ધરું છું, આ અહંકાર સાધકની સમસ્ત સાધનાને નિષ્ફળ બનાવી દે છે. એટલા માટે કહે છે: એમની કૃપા થવાથી જ તેઓ મળે છે અને વ્યાકુળ બનીને જ એમની કૃપા પ્રાપ્ત થાય છે. એટલા માટે વ્યાકુળ બનીને કંઈક કર્મ કરતા રહેવું પડે છે. વ્યાકુળ રહેવાથી તેઓ સ્વયં એક સુયોગ રચી દે છે. – ‘સાધુ સંગ, વિવેક, સદ્‌ગુરુલાભ; એવું પણ બને કે મોટા ભાઈએ સંસારની જવાબદારી લઈ લીધી હોય; એવું પણ હોઈ શકે કે સ્ત્રીવિદ્યાશક્તિ – ઘણી ધાર્મિક ભાવનાવાળી મળી હોય; એવુંયે બની શકે કે લગ્ન જ ન થયા હોય, સંસારમાં ફસાવાથી બચી ગયા હોય – આ બધું યોગાયોગ બનવાથી કામ બની જાય છે.’ અર્થાત્‌ જે આતુર, આર્દ્ર બનીને પ્રભુને પોકારે છે, એમનું સર્વકંઈ તેઓ અનુકૂલ કરી દે છે. વ્યાકુળ બનીને એમના શરણાગત થવાથી સમસ્ત પ્રતિકૂળતા દૂર થઈ જાય છે. આ વિશે શ્રીઠાકુર અહીં એક ઘણી સુંદર મજાની વાર્તા કહે છે : ‘એક માણસના ઘરમાં કોઈક ઘણું બિમાર હતું, હાલત ઘડીઅબઘડી જેવી હતી. કોઈકે કહ્યું: સ્વાતિ નક્ષત્રમાં વર્ષાનું જળ જો કંકાલના કપાળ પર પડે અને એ સમયે એક સાપ દેડકાને પકડવા માટે મોં ફાડીને ઝપટ મારે, પરંતુ દેડકું ઉછળીને ભાગી જવાથી એ સાપનું ઝેર એ કપાલ પર પડે તો એ ઝેર દ્વારા તૈયાર કરેલી ઔષધિથી રોગી વ્યક્તિ બચી શકે છે. આ સાંભળીને જેના ઘરમાં રોગી હતો તે ગ્રહનક્ષત્ર જોઈને ઔષધિની શોધમાં નીકળી પડ્યો અને વ્યાકુળભાવે ઈશ્વરને પોકારવા લાગ્યો. અને ખરેખર જે સમયે સ્વાતિનક્ષત્રનું પાણી કંકાલના કપાળ પર પડ્યું, ત્યારે એની વ્યાકુળતા ખૂબ વધી ગઈ. ધીમે ધીમે દેડકું પણ આવી ગયું અને સાપ પણ દેડકાને પકડવા માટે દોડ્યો. પછી પેલો માણસ બાકીની બીજી ઘટનાઓ માટે એટલો બધો વ્યાકુળ બની ગયો કે એની છાતીના ધબકારા વધી ગયા. આર્તભાવે તે ઈશ્વરને પોકારવા લાગ્યો અને ખરેખર કંકાલના કપાળ પાસે આ દેડકાએ એવી તો છલાંગ મારી કે એને પકડવા માટે ઝપટ મારતા સાપના મોઢામાંથી વિષબિંદુ કપાલ પર ટપકી પડ્યાં. એટલે ગમે તે બાબત હોય પણ જો અંત:કરણમાં વ્યાકુળતા હોય તો આવી રીતે યોગાયોગ બની જાય છે.’ આ વાર્તા કહીને શ્રીઠાકુર કહે છે : ‘એટલે જ કહું છું, વ્યાકુળતા હોવાથી બધું થઈ જાય છે.’ એમની કૃપા માટે બીજી કોઈ શરત નથી. જો કોઈપણ માણસ એમને માટે અંત:કરણપૂર્વક વ્યાકુળ બની જાય તો તેઓ તેને ક્યારેય નિરાશ કરતા નથી. શ્રીઠાકુરે બીજે એક સ્થળે દૃષ્ટાંત આપ્યું છે તેમ : ‘બાળકો રમકડાંને લીધે ભૂલ ખાઈ જાય છે, રમતમાં જ મશગૂલ રહે છે. મા નિશ્ચિંત બનીને ઘરનું કામકાજ કરતી રહે છે. પરંતુ બાળક જ્યારે રમકડું ફેંકીને મા માટે વ્યાકુળ બનીને રડે છે ત્યારે મા ભાતની હાંડી ચૂલા પરથી ઊતારીને જલદી જલદી દોડી આવે છે અને પોતાના બાળકને ગોદમાં લઈ લે છે.’

Total Views: 258

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.