ભગવાન બુદ્ધના જીવનથી બધા પરિચિત જ  છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેમની રાણીનું નામ માયાદેવી હતું. આ રાજા-રાણીને એક પુત્ર હતો. તેનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ બાળપણથી જ ઘણા દયાળુ સ્વભાવના હતા.

એક વાર બગીચામાં બધા રાજકુમાર ફરતા હતા ત્યારે આકાશમાં હંસોનું ટોળું નીકળ્યું. હંસોને જોઈને દેવદત્ત નામના રાજકુમારે તીર છોડ્યું. એક હંસની પાંખમાં તીર વાગ્યું અને તે નીચે સિદ્ધાર્થના પગ પાસે આવી પડ્યો. સિદ્ધાર્થે હંસની પાંખમાંથી તીર ખેંચી કાઢ્યું અને હંસને પંપાળ્યો. તેનો ઘા સાફ કરીને પાટો બાંધ્યો. હંસને જીવનદાન મળ્યું.

થોડી વાર પછી દેવદત્ત સિદ્ધાર્થ પાસે આવ્યો ને બોલ્યો, ‘હંસ મારો છે. તે મને આપી દે.’ સિદ્ધાર્થે કહ્યું, ‘હંસ તને નહીં આપું.’ બંને રાજા પાસે ન્યાય કરાવવા ગયા. રાજાએ સિદ્ધાર્થને કહ્યું, ‘હંસનો શિકાર દેવદત્તે કર્યો છે માટે હંસ દેવદત્તને આપી દે.’ સિદ્ધાર્થે જવાબ આપ્યો, ‘દેવદત્તે હંસને માર્યો છે, જ્યારે મેં હંસને બચાવ્યો છે. હવે આપ ન્યાય કરો. હંસ મારનારનો કહેવાય કે બચાવનારનો?’

રાજા સિદ્ધાર્થની વાત સાંભળી ખુશ થયા. રાજાએ કહ્યું, ‘સિદ્ધાર્થ! હંસ તું રાખી લે. તે તારો છે કેમ કે મારનાર કરતાં જિવાડનાર હંમેશાં ચડિયાતો લેખાય.’ આ રાજકુમાર સિદ્ધાર્થ મોટા થઈને ભગવાન બુદ્ધ બન્યા. આમ નાનપણથી ભગવાન બુદ્ધ કરુણાથી પૂર્ણ હતા.

પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનનાં ૨૦૦ વર્ષ પહેલાં થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિમાં થયો હતો , જે આજે નેપાળમાં છે. તેમના જન્મના થોડા સમય બાદ માતા માયાદેવીનું અવસાન થયું હતું. એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ભારતીય પરંપરા અનુસાર રાજાએ રાજ્યના શ્રેષ્ઠ જ્યોતિષીને રાજકુમાર સિદ્ધાર્થની કુંડળી બનાવવા માટે આમંત્રણ આપ્યું. જ્યોતિષીએ રાજકુમારના જન્મ સમયના બધા ગ્રહો જોઈને કહ્યું, “હે રાજા, મને માફ કરો પણ તમારો આ પુત્ર પ્રતાપી થશે, પરંતુ રાજા નહીં બને. તેમની કુંડળીમાં ઉત્તમ ગ્રહયોગો છે પણ રાજયોગ નથી.”

આ સાંભળીને રાજા જ્યોતિષના ચરણોમાં આવ્યો અને કહ્યું, “હે મહારાજ, કૃપા કરીને મને માર્ગદર્શન આપો, હું મારા પુત્રને સંન્યાસથી કેવી રીતે દૂર કરી શકું?” રાજાની વાત સાંભળીને જ્યોતિષીએ કહ્યું, “હે રાજા, જે નિયતિએ સર્જ્યું છે તે તો રહે છે, પણ તમારા પુત્રને જીવનનાં દુ:ખ જોઈને જ સંન્યાસ લેવાનું મન થશે, તેથી દુ:ખથી દૂર રહેવું એ જ એક ઉપાય છે.”

આ સાંભળીને રાજાએ પુત્રને દુ:ખથી મુક્ત રાખવા માટે યોગ્ય વ્યવસ્થા કરી. મહેલોમાં તમામ વૈભવી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, જેથી સિદ્ધાર્થને ક્યારેય દુ:ખ જોવું ન પડે.

૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં આવ્યાં હતાં. સમય વહેતાં તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.

એક દિવસ અચાનક સિદ્ધાર્થ પોતાના રથના સારથિ સાથે, તમામ સુરક્ષા વ્યવસ્થાઓને કોરાણે મૂકીને શહેરના પ્રવાસ માટે રવાના થયા, જ્યાં તેમણે એક વૃદ્ધને જોયો. અન્ય એક દિવસે એક રોગીને જોયો અને એક અન્ય દિવસે અંતિમયાત્રા જોઈ. મૃતકને ખભા પર લઈ જતી વખતે બધા વિલાપ કરી રહ્યા હતા તે જોઈને સિદ્ધાર્થનું મન વ્યથિત થઈ ગયું. તેઓ આ દુ:ખમાંથી બચવાનો માર્ગ શોધવા લાગ્યા. આગળ ચાલતાં ચાલતાં એક સાધુને જોયા અને તે સાધુના મુખ પર શાંતિની લાગણી જોઈને આશ્ચર્ય થયું. આ પહેલી વાર હતું, જ્યારે તેમણે દુ:ખ અને દુ:ખમાંથી મુક્તિ માટે પ્રયત્નશીલ સંન્યાસી બંનેને એક સાથે જોયાં.

સમ્રાટ બનાવવાના એમના પિતાએ કરેલા બધા પ્રયત્નો વ્યર્થ નીવડ્યા. પત્ની યશોધરા અને નાના બાળકને મૂકીને તેઓ ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યા. સંન્યાસ ગ્રહણ કર્યો. પોતાનાં સુખ-શાંતિ માટે નહીં, સમસ્ત જગતના કલ્યાણ માટે તેમણે પોતાના પરિવારજનોને દુઃખ આપ્યું. આ સ્વાર્થપરાયણતા નથી, કારણ કે તેમણે માત્ર પોતાનાં સુખ-શાંતિ માટે નહીં, જગતના લોકોના કલ્યાણ માટે ગૃહત્યાગ કર્યો હતો.

સ્વામી વિવેકાનંદે પણ પોતાના ‘કર્મયોગ’ નામના પુસ્તકમાં ભગવાન બુદ્ધ વિશે ઘણી વાતો કરી છે. આ પુસ્તકમાં સૌથી છેલ્લે લખ્યું છે—

‘બુદ્ધ એક જ એવા પયગંબર છે કે જેમણે કહ્યું, “ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર કરતો નથી. આત્મા વિશેના સર્વ ગહન સિદ્ધાંતોની ચર્ચા કરવાની શી જરૂર છે? ભલાં કામ કરો અને ભલા થાઓ. એ જ તમને મુક્ત કરશે અને પરમ સત્ય તરફ લઈ જશે.” પોતાના જીવન-વ્યવહારમાં બુદ્ધ પૂરા નિઃસ્વાર્થ હતા અને એનાથી વિશેષ કાર્ય બીજા કયા પુરુષે કર્યું છે? ઇતિહાસમાં એવો કોઈ એક દાખલો તો બતાવો, જે બીજા સૌના કરતાં આવી ઊંચી કોટિએ પહોંચ્યો હોય. સમગ્ર માનવજાતે માત્ર આવા એક જ માનવીને—આવી ઊંચી ફિલસૂફીને, આવી વિશાળ સહાનુભૂતિને—જન્મ આપ્યો છે. આ મહાન તત્ત્વવેત્તાએ શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો, અને તેમ છતાં નાનામાં નાના પશુ માટે પણ એમણે ઊંડામાં ઊંડી સહાનુભૂતિ દાખવી; તેમણે પોતાને માટે કોઈ દાવો કર્યો નહીં. કોઈ પણ હેતુ વગર કર્મ કરનાર તેઓ આદર્શ કર્મયોગી હતા. માનવજાતનો ઇતિહાસ તેમને સર્વ માનવોમાં હૃદય અને બુદ્ધિના અપૂર્વ સંયોગવાળા, આત્મશક્તિના સર્વોત્તમ વિકાસભર્યા શ્રેષ્ઠ પુરુષ તરીકે આલેખે છે; જગતે કદી ન જોયા હોય એવા એ પ્રથમ મહાન પુરુષ હતા.’

નીચેનાં વાક્યો ઉચ્ચારવાની હિંમત કરનાર પ્રથમ હતા ભગવાન બુદ્ધ—‘કોઈ જૂની હસ્તપ્રતો બતાવવામાં આવે માટે માનશો નહીં; તમારી એ રાષ્ટ્રીય માન્યતા છે અથવા તમને બચપણથી એ માનતા કરવામાં આવ્યા છે માટે માનશો નહીં. એ બધાનો બુદ્ધિપૂર્વક વિચાર કરો અને એનું પૃથક્કરણ કર્યા પછી તમને જો એમ લાગે છે કે તેથી સર્વનું શુભ થશે તો જ તમે માનજો. એ પ્રમાણે જીવજો અને અન્યને એ પ્રમાણે જીવવામાં સહાય કરજો.’

સ્વામી વિવેકાનંદના કથન પ્રમાણે, જે કોઈ દ્રવ્યના, કીર્તિના કે અન્ય કશા હેતુ વગર કાર્ય કરે છે તે શ્રેષ્ઠ કાર્ય કરે છે. માનવ એમ કરી શકશે ત્યારે એ બુદ્ધ થશે અને એનામાંથી જ જગતનો કાયાપલટો થાય એવી રીતે કર્મ કરવાની શક્તિ પ્રગટશે. આવો માનવી કર્મયોગનો સર્વોત્તમ આદર્શ પૂરો પાડે છે.

બૌદ્ધ ધર્મના છેલ્લે બે ફાંટા થયા – હીનયાન અને મહાયાન, એમ માનવામાં આવે છે. પ્રથમ હીનયાન અને પછીથી મહાયાન આવ્યો. હીનયાન શ્રીલંકા અને મહાયાન જાપાન, ચીન વગેરે દેશોમાં પ્રચલિત થયો. પણ સ્વામી વિવેકાનંદ એમ માનતા કે મહાયાન હીનયાન કરતાં પણ જૂનો છે.

ભગવાન બુદ્ધ એમ કહેતા કે ઈશ્વરના અસ્તિત્વ વિશે વાદવિવાદ કરવાથી કોઈ લાભ નહીં થાય. જગતમાં જે દુ:ખ ચારે તરફ વ્યાપ્ત છે એને દૂર કરવાના ઉપાયો શોધવા એ જ હિતાવહ છે.

શ્રીરામકૃષ્ણદેવ પણ એમ જ કહેતા. તેઓ ઉદાહરણ આપતા, બે મિત્રો આંબાવાડિયામાં ગયા. કેટલાંયે કેરીનાં વૃક્ષો હતાં. એક મિત્ર કાગળ-પેન્સિલ લઈને બધું લખવા માંડ્યો, કેટલાં વૃક્ષ છે, કેટલી ડાળીઓ છે, કેટલી કેરીઓ છે વગેરે.. બીજો મિત્ર સારી સારી કેરીઓ લઈને ખાવા લાગ્યો. એ બન્નેમાં કોણ બુદ્ધિમાન? શ્રીરામકૃષ્ણદેવના મત પ્રમાણે બીજો મિત્ર વધારે બુદ્ધિમાન છે.

ભગવાન બુદ્ધનો છેલ્લો ઉપદેશ છે— ‘આત્મદિપો ભવ.’ ‘પોતાના આત્માનો દીપક તું જ બન. તું જ તારા નિર્વાણની પ્રાપ્તિનો પ્રયત્ન કર. બીજા કોઈ પર આધાર ન રાખ.’ બોધિસત્ત્વ એક એવી વ્યક્તિ છે, જેને નિર્વાણ હાથવેંતમાં છે, નિર્વાણ મળવાની તૈયારીમાં છે. તેમ છતાં કહે છે કે હું નિર્વાણપ્રાપ્તિ નહીં કરું. કારણ કે એનું હૃદય એટલું વિશાળ બની ગયું છે કે તે કહે છે, ‘જ્યાં સુધી આ વિશ્વમાં એક પણ જીવ એવો છે કે જેને નિર્વાણની પ્રાપ્તિ નથી થઈ, ત્યાં સુધી હું એ લોકોની નિર્વાણપ્રાપ્તિ માટેના ઉપાયો કરતો રહીશ.’

શ્રીરામકૃષ્ણદેવ ઉદાહરણ આપતા. બે મિત્રો હતા. બન્નેને કેરી આપવામાં આવી. એક મિત્ર ઓરડામાં જઈ એકલો તે કેરી ખાઈ ગયો, મોં લૂછી નાખ્યું. બીજાએ કેરીના ટુકડા કર્યા અને મિત્રો સાથે બેસીને કેરીનો આનંદ લૂટ્યો. આ બીજો મિત્ર છે, જાણે કે બોધિસત્ત્વ.

પોતાના શિષ્ય શરત ચક્રવર્તી સાથે વાત કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે, “વેદાન્તમાં એક એવો પણ વાદ છે, જે કહે છે, જ્યાં સુધી બધા જીવોની મુક્તિ થતી નથી, ત્યાં સુધી કોઈની મુક્તિ થતી નથી.”

સ્વામી વિવેકાનંદ પોતાના અનુયાયીઓને કહેતા કે બોધિસત્ત્વ બનો. સ્વામીજીએ પોતે પણ જગતના કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ સ્વાહા કરી દીધું. તેઓએ પોતે કહ્યું છે, “એવું બની શકે કે આ દેહને હું જૂનાં વસ્ત્રોની માફક ત્યાગી દઉં. પરંતુ જ્યાં સુધી જગતમાં એક પણ વ્યક્તિ એવી છે કે જેની મુક્તિ થઈ નથી, ત્યાં સુધી હું એની મુક્તિ માટે પ્રયત્ન કરીશ.”

ભગવાન બુદ્ધના જીવનમાં અનેક પ્રસંગો આવે છે જેમાં તેમની અપાર કરુણાનાં દર્શન થાય છે. એક ઘેટાનું બલિદાન અટકાવવા માટે પોતાના જીવનનું બલિદાન દેવા તેઓ તૈયાર થઈ ગયા હતા. કેવી અદ્‌ભુત કરુણા! અંગુલિમાલ, કીશા ગૌતમી વગેરેનો ભગવાન બુદ્ધે કરુણાવશ થઈ ઉદ્ધાર કર્યો હતો. તેમની મૂર્તિનાં દર્શન કરતાં જ તેમની કરુણાની અનુભૂિત થાય છે, અદ્‌ભુત શાંતિ પ્રાપ્ત થાય છે. એમ કહેવાય છે કે બુદ્ધપૂર્ણિમાનો દિવસ ત્રણ ગણો ધન્ય દિવસ છે, કારણ કે આ જ દિવસે તેમનો જન્મ થયો હતો, આ જ દિવસે તેમને બોધિની પ્રાપ્તિ થઈ હતી અને આ જ દિવસે તેઓ નિર્વાણ પામ્યા હતા. બુદ્ધપૂર્ણિમાના દિવસે તેમનાં ચરણોમાં કોટિ કોટિ વંદન.

Total Views: 695

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.