૧૬ ડિસેમ્બર, ૨૦૦૩માં શ્રી શ્રીમા શારદાદેવીની જન્મજયંતીના ૧૫૦મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ પાવનકારી વર્ષમાં રામકૃષ્ણ મઠ-મિશનનાં બધાં કેન્દ્રો તથા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંલગ્ન ભાવિકજનો દ્વારા મોટા પાયે, વિવિધ રૂપે મહોત્સવોનું આયોજન, વિશેષ ગ્રંથોનું પ્રકાશન અને શ્રી શ્રીમાના જીવન અને ઉપદેશોના પ્રચાર-પ્રસારનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ આ કાર્યમાં એક વિનમ્રપ્રયાસ કરે છે. શ્રી શ્રીમાના જીવન અને સંદેશનાં વિવિધ પાસાંને આવરી લેતા વરિષ્ઠ સંન્યાસીઓ તેમજ ચિંતકો દ્વારા વિવિધ લેખો પ્રગટ થતા રહેશે. આમાંથી ચૂંટેલા લેખોનો તેમજ અન્ય ઉત્તમ લેખોની સામગ્રીવાળો એક વિશેષ ગ્રંથ પણ આવતા વર્ષના અંતે બહાર પાડવાનું અમે વિચાર્યું છે.
શ્રી શ્રીમા શારદાદેવીના જીવનનાં અનેક પાસાં છે, એમનાં જીવનચિત્રો પણ અસંખ્ય છે. અસીમિત એવાં આ બધાં જીવનચિત્રોની પાછળ રહેલ છે તેમનું દુરધિગમ્ય અને ભાસ્વર સ્વરૂપ જેને સ્વામી અભેદાનંદજીએ તેમના સ્તોત્રમાં ‘પરમાપ્રકૃતિ’ રૂપે આલેખેલ છે. તેઓ છે આદ્યાશક્તિ મહામાયા. આ અનંત શક્તિસ્વરૂપનો વિચાર કરવો એ પણ અમાપ, અસીમ, અગાધ મહાસાગરના કિનારે બેસીને રેતીમાં છીપલાં શોધવા જેવું છે. એટલે જ શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી શિવાનંદજી કહે છે: ‘શ્રી શ્રીમા શું હતા એ માત્ર શ્રીરામકૃષ્ણ જ જાણતા હતા. સ્વામીજી થોડેઘણે અંશે એમને સમજી શક્યા હતા.. અમારી (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોની) શ્રી શ્રીમા વિશેની સમજણ પણ ઘણી અપૂર્ણ હતી! પરંતુ તેમણે પોતાની અશેષ કૃપાથી તેઓ પોતે જગન્માતા છે એ વાત અમારે ગળે ઉતારી દીધી. જો તેઓ પોતાની અસીમકૃપાથી આપણને એમના સ્વરૂપને ન સમજાવે તો આપણે તેમને સમજી શકતા નથી.’ પોતાના આ અસલી સ્વસ્વરૂપ સિવાય પણ બીજાં અનેક રૂપો એમણે આપણી સમક્ષ પ્રગટ કર્યાં છે. એ બધાં સ્વરૂપોને સમજવાથી આપણું જીવન ધન્ય બનશે. એક પક્ષે જીવોનાં દુ:ખથી સંતપ્ત થનારાં કરુણામયી મા અને બીજા પક્ષે એ જ મોક્ષદાયિની ગુરુમૂર્તિ બને છે. તેઓ આપણાં સ્નેહમયી અભયપ્રદાન કરનારાં માતા છે, તેઓ જ જન્મજન્માંતરે – ચિરકાળ માટે સૌની મા છે. શ્રીમાના આ ભાવ સ્વરૂપને પ્રગટ કરતા સ્વામી અભેદાનંદજી પોતાના ‘શ્રીશારદાદેવી સ્તોત્રમ્’ના પ્રારંભના શ્લોકમાં કહે છે:
‘પ્રકૃતિં પરમામભયાં વરદાં
નરરૂપધરાં જનતાપહરામ્ ।
શરણાગતસેવકતોષકરીં
પ્રણમામિ પરાં જનનીં જગતામ્ ॥૧॥
‘પરમા પ્રકૃતિ, વરદાન અને અભય દેનારી નરરૂપ ધારણ કરી મનુષ્યોનાં દુ:ખ હરનારી, શરણે આવેલા સેવકને સંતોષ આપનારી, જગતની જનની પરાશક્તિને હું પ્રણામ કરું છું.’
એમના સાચા સ્વરૂપને જાણવા-ઓળખવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં એ મૂળ સ્વરૂપને જોવા માટેનાં જ્ઞાનચક્ષુઓ આપણા જેવા સામાન્ય મનુષ્યો પાસે નથી. અને વળી એ માટે ભક્તિ પણ નથી. પણ એ મા આપણા સૌના માટે સમાન છે આ વાતથી આપણને એક આશ્વાસન મળી રહે છે. સંસારના માણસો દિવસરાત ત્રિતાપની જ્વાલામાં બળતાં રહે છે. જાણે કે દુ:ખ જ જીવનનું બીજું નામ હોય! એટલે પળે પળે અને ડગલેને પગલે સંસારનાં દુ:ખોમાંથી બચાવનાર તારણહાર માતાની આપણને ઝંખના રહે છે. અનાથ એકલા અટુલા શિશુની જેમ મા વિહોણો બનીને કોણ આ સંસારમાં વિચરણ કરવા ઇચ્છે છે? આ દુ:ખમય સંસારમાં ભયભીત અને અશાંત મનુષ્ય સ્વાભાવિક રીતે જ શાંતિપ્રદાયિની અને શરણાગતનું રક્ષણ કરનારી માની ઝંખના કરે છે. મનુષ્યોનાં જ્ઞાન અને વિજ્ઞાન, સાહિત્ય અને દર્શન, શિક્ષા અને સંસ્કૃતિ, કાવ્ય અને સંગીત, સમાજનીતિ તેમજ વ્રત અને ત્યાગ, યોગ-યાગ જપ-તપ, ગાર્હસ્થ્ય અને સંન્યાસ આ બધાંનું પણ છેવટે તો આ જ લક્ષ્ય છે. કોણ તેને શાંતિ આપશે, કયા ઉપાયે તેને મુક્તિ મળશે અને કયા સ્થળે તેને અભય-આશ્રય મળશે એની જ શોધનામાં વિભિન્ન પથનું અનુસરણ કરીને માણસ અવિરત પ્રયાસ કરતો રહે છે. શ્રી શ્રીમાનું જીવન અને એમના ઉપદેશ એવાં છે કે જે આપણી સૌની ઉપર્યુક્ત ઝંખનાઓ અને આવશ્યકતાઓની પૂર્તિ કરી શકે. આવાં શ્રી શ્રીમા વિશે સ્વામી બ્રહ્માનંદજી મહારાજના ઉદ્ગારો આ છે : ‘શ્રી શ્રીમાને કોણ સમજી શકે? અરે! મહાન યોગીઓ પણ એમને સમજી શકે તેમ નથી, તો બીજાની તો શું વાત કરવી? શ્રીરામકૃષ્ણ જેવા યુગાવતારે કરેલ તેમની ષોડશી પૂજાને સ્વીકારવી અને પચાવવી એ કંઈ સામાન્ય માનવી માટે શક્ય છે ખરું? આનાથી જ આપણે સમજી શકીએ કે શ્રી શ્રીમા કેટલી મહાશક્તિનો આધાર હતાં. શ્રી શ્રીમા રોજેરોજ અસંખ્ય લોકોના પાપ-તાપને સ્વીકારી રહ્યાં છે અને તેમને તેમનાથી મુક્ત કરી રહ્યાં છે આ બધું અમે પોતે અમારી આંખે જોયું છે. જગજ્જનની સિવાય કોઈ નારીમાં આવી શક્તિ હોઈ શકે ખરી?’
આ ભાવને વ્યક્ત કરતાં શ્રી અક્ષયકુમાર સેન ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’માં કહે છે :
‘મા ન હોત મહાશક્તિ, કોનામાં છે એવી શક્તિ,
લઈ શકે જે પ્રભુની પૂજા;
પ્રભુ તો પરમેશ્વર, બ્રહ્મ, વિષ્ણુ, મહેશ્વર,
સર્વેશ્વર, વિના ચાર ભૂજા.’
સ્વામી બ્રહ્માનંદજી આગળ કહે છે : ‘અરે! એમની કૃપા અસીમ છે! જીવના કલ્યાણ માટે કેવી વ્યાકુળતા! તેઓ પોતે જ સૌ કોઈને પોતાની પાસે બેલાવે છે, તેમના પાપ-તાપ હરે છે, તેમને શાંતિ અને મોક્ષ પ્રદાન કરે છે!’
શ્રી અક્ષયકુમાર સેન પણ પૂંથીમાં કહે છે :
‘પ્રભુની સંગે આ વાર, જગન્માતા અવતાર,
શારદા આ ત્રિલોકતારિણી;
કૃપાભર્યા કલેવર, નિરંતર કૃપા ઝરે,
શાંતિમૂર્તિ મંગલરુપિણી.
શ્યામા નહિ શ્યામા સૂતા, ઉગ્રભાવ વિના ભૂતા,
માતૃસ્નેહ હૃદયે અપાર;
હિતે રત માતૃરીત, મહા પરાતત્ત્વવિત્,
આદર્શ ગૃહસ્થનો આચાર.’
જનતાપહારિણી શ્રીમા શારદાદેવીની અન્નપૂર્ણામૂર્તિ સહજ અને સ્વાભાવિક હતી. અન્નપૂર્ણા રૂપને પ્રગટ કરતાં એમના બાળપણમાં જોયેલા દુષ્કાળ અને દુષ્કાળપીડિતોની એમણે કરેલી સેવા વિશે એમનાં શબ્દોમાં વાત કહીએ તો: ‘કોઈ કોઈ દિવસ એવું પણ બનતું કે અમારા ઘરે દુષ્કાળ-પીડિત એટલા બધા માણસો ઉમટી પડતા કે ઘરે રાંધેલી ખીચડી ખૂટી પડતી; અને ફરીથી ખીચડીના દેગડા ચડાવવા પડતા. ગરમ ગરમ ખીચડી પીરસવી પડતી. માણસો બીચારાં, પેટમાં ભડકે બળતી ભૂખથી ખીચડી ઠરવાની રાહ પણ જોઈ શકતાં ન હતાં. ખીચડી પીરસાતી કે તરત હું પંખો લઈને હવા નાખતી અને ખીચડીને ઠારતી.’
તેમનું બીજું રૂપ હતું, કલહહારિણી. જ્યાં દ્વન્દ્વ, કલહ ઊભાં થાય ત્યાં તેમની ઉપસ્થિતિથી શાંતિ અને સમતાનું સામ્રાજ્ય સ્થપાઈ જતું. બાળપણથી જ એમનો આવો સ્વભાવ હતો. રાજ મુખોપાઘ્યાયનાં બહેન, એમનાં બાલસખી અઘોરમણિ કહેતાં, ‘તેઓ સરળતાનું મૂર્તિમંત રૂપ હતાં. રમતગમતમાં પણ તેઓ કોઈની સાથે ઝઘડતાં નહિ. જ્યારે જ્યારે બીજી સખીઓમાં ઝઘડો થતો ત્યારે તેઓ તેનું સમાધાન કરાવીને સૌને શાંત કરી દેતાં.’
શ્રી શ્રીમાના માતૃભાવના જે ગુણો આપણે જોઈએ છીએ તે બધા ગુણો એમનામાં બાળપણથી જ હતા. શ્રીઠાકુરે પોતાના જીવન દ્વારા બતાવ્યું છે તે પ્રમાણે દરેકમાં જગજ્જનનીને જોવાં એ આ યુગનો આદર્શ છે. પરંતુ આપણી સર્વસામાન્ય દૈનંદિન જીવનપ્રવૃત્તિઓમાં પણ આ માતૃભાવને નિહાળવા માટે આપણે એવા માતૃસ્વરૂપની જરૂર છે કે જેને સૌ કોઈ સહજભાવે ‘મા’ કહીને પોકારે. એમના શરણે જઈને કોઈ પણ વ્યક્તિ પોતાનાં દુ:ખદર્દને ભૂલી જાય. અસંખ્ય લોકોએ શ્રી શ્રીમા પાસેથી જ્ઞાતિ-જાતિ, ધર્મ-સંપ્રદાય, દેશ-વિદેશના ભેદભાવોવિહોણો અવિરત વહેતો માતૃપ્રેમ અનુભવ્યો હતો, આજે પણ અનુભવે છે અને ભવિષ્યમાં પણ સૌ કોઈ આવા માતૃપ્રેમને અનુભવતા રહેશે. શ્રી શ્રીમાએ ભક્તોનાં ઈહકાલ અને પરકાલનાં યોગક્ષેમ માટે દિવસરાત પ્રાર્થના કર્યે રાખી હતી. દિવસોના દિવસો સુધી, વર્ષોના વર્ષો સુધી અવિરત, અથાક પરિશ્રમ ઉઠાવીને તેઓ દૂરસુદૂરથી આવતા, કસમયે આવતા ભક્તજનોને ભાવપૂર્વક રાંધીને ખવડાવતાં. ભક્તોના ગમે તેવી મૂર્ખામી જેવી અને અવિચારી લાગતી ઇચ્છાઓને પણ તેઓ સંતોષવાનો પ્રયાસ કરતાં. જે કોઈને શારીરિક કે માનસિક પીડાદર્દ થતાં તો તેમને પોતાનાં પીડાદર્દ ગણીને જરા પણ ખચકાયા વિના એ પીડાના દુ:ખને સહજભાવે સહન કરતાં. આવી રીતે ભક્તજનોને બધી રીતે પોતાના જ ગણીને તેમણે જે સ્વાર્પણભાવ અને સહનશીલતાનો આદર્શ આપણી સમક્ષ મૂક્યો છે તે આપણા સૌ માટે અનુસરણીય છે. લોકોને બધાં દુ:ખોના મૂળ કારણ અજ્ઞાનના અંધકારમાંથી કેવી રીતે મુક્ત કરવા, માયા કે જન્મમૃત્યુના ફેરામાંથી એમને કેમ છોડાવવા એની તેઓ સૌથી વધારે ચિંતા કરતાં રહેતાં. પોતાનું આ સુકાર્ય એમણે કોઈ પણ જાતના ભેદભાવ વિના સૌ કોઈને મંત્રદીક્ષા આપીને, ગુરુશક્તિના પ્રભાવથી પાર પાડ્યું હતું.
આપણે જોઈએ છીએ કે શ્રી શ્રીમાના સંપર્કમાં આવીને શ્રી શ્રીમાના અનન્ય માતૃસ્નેહની અનુભૂતિ કરીને અસંખ્ય ભક્તજનો પોતાનાં પાર્થિવ માતાના પ્રેમભાવને પણ ભૂલી જતા અને શ્રી શ્રીમાને એમણે ‘સૌની મા, સાચી મા’ રૂપે સ્વીકાર્યા હતા. એકવાર કાંકુડગાચ્છીના ભક્તોએ જન્માષ્ટમીના ઉત્સવમાં શ્રી શ્રીમાને નિમંત્રણ આપ્યું, પરંતુ ભક્તજનોના એક બીજા સમુહે પોતાના આંતરિક કલહને કારણે તેમને ત્યાં ન જવા માટે સલાહ આપી. એ વખતે શ્રી શ્રીમાએ તેમને કહ્યું: ‘તમારી બંનેની વચ્ચે કલહ-ઝઘડો હશે. પણ હું તો એમની પણ મા છું ને!’ અને ભક્તોના નિમંત્રણને સ્વીકારને કાંકુડગાચ્છી ગયાં. ડો. કાંજીલાલના પત્નીએ શ્રી શ્રીમાને પ્રણામ કરીને એમના પતિને સારી આવક થાય એવી શુભાશિષ આપવા વિનંતી કરી. ત્યારે માએ કહ્યું: ‘અરે વહુજી! શું આવું વરદાન આપીને હું બીજાને રોગદોગ આપું એમ તમે ઇચ્છો છો? હું એવો આશીર્વાદ ન આપું. બધાંને સુખશાંતિ પ્રાપ્ત થાઓ, બધાં સુખી થાઓ. આવું હું ઇચ્છી શકું.’ જ્યારે તેઓ સ્નાન કરીને બહાર આવતાં ત્યારે પ્રભુને આ જ પ્રાર્થના કરતાં. કોઈ પણ જાતનો, સારા નરસાનો ભેદભાવ રાખ્યા વિના સમાનભાવે સૌ પ્રત્યે સ્નેહભાવ રાખતાં. ઊલટાનું તેઓ બીજા દ્વારા તિરસ્કૃત કે ઉપેક્ષિત લોકો પ્રત્યે વધુ પ્રેમભાવ રાખતાં અને તેમને અપનાવતાં. એ લોકોની ઉણપો અને દુર્ગુણોને જાણીને પણ એવા લોકો પ્રત્યે તેમની મુશ્કેલીની પળે તેઓ સહાનુભૂતિ રાખતાં અને એમની મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ પણ કરતાં.
શ્રી શ્રીમાની કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં પણ એક અનન્ય વિશિષ્ટતા જોવા મળતી. એકની ઇચ્છા કે જરૂરતને સંતોષવા જતાં બીજા ઘણાનું અકલ્યાણ ન થઈ જાય એનો તેઓ બરાબર ખ્યાલ રાખતાં. વ્યક્તિને તથા તેના સમુદાયને કોઈ પણ જાતની હાનિ ન થાય એવો ઉકેલ તેઓ શોધી કાઢતાં. શ્રી શ્રીમા સાથે સંપર્કમાં આવીને, તેમની મંત્રદીક્ષા લઈને કેટલાક આઘ્યાત્મિક ભાવનાવાળા સંસ્કારી પુરુષોએ સંન્યસ્ત જીવનનો સ્વીકાર કર્યો. પરિણામે એમની ધર્મપત્નીઓની અંતરની પીડાને જાણીને એમનાં કલ્યાણ માટે શ્રી શ્રીમા વ્યવસ્થા કરતાં અને અમુકને તો તેઓ પોતાની સાથે જ રાખતાં.
શ્રી શ્રીમાના હૃદયની શુભભાવના એટલી બધી પ્રભાવક હતી કે એનાથી અવળેમાર્ગે ચડેલા લોકો પણ કોઈ પણ જાતનો પ્રતિકાર કર્યા વિના એમની વાત માનીને સુમાર્ગે ચડી જતા. જ્યારે જ્યારે ગામડાંનાં લોકોમાં કોઈ બાબત પર વાદવિવાદ કે તકરાર થતાં ત્યારે અન્યાય થયેલ પક્ષ શ્રી શ્રીમા પાસે ન્યાય કરાવવા આવતો. એક વખત જગદંબા આશ્રમમાં શ્રી શ્રીમા પાસે એક ભંગી સ્ત્રી રડતી રડતી શ્રી શ્રીમા પાસે ગઈ. શ્રી શ્રીમાને ફરિયાદ કરી કે તેનો પતિ કંઈ કહ્યા વિના અચાનક ઘર છોડીને ચાલ્યો ગયો છે અને તે અસહાય અવસ્થામાં આવી પડી છે. એની રામકહાણી સાંભળીને શ્રી શ્રીમાએ વ્યવસ્થા કરીને પેલી સ્ત્રીના પતિને બોલાવી લીધો. એ ભાઈને કડક પણ સ્નેહભર્યા શબ્દોમાં ઠપકો આપતાં કહ્યું: ‘તે (પત્ની) બધું છોડીને તારી સાથે પત્ની રૂપે રહેવા આવી છે, આટઆટલાં વર્ષો તેણે તારી સેવા કરી છે અને એ સેવા તેં સ્વીકારી છે. હવે જો તેને તું તરછોડી દઈશ તો તું એક મહાન પાપ કરીશ અને તને નરકમાં પણ સ્થાન નહિ મળે.’ શ્રી શ્રીમાના આ શબ્દો સાંભળીને પેલા જણની સાન ઠેકાણે આવી અને એણે પોતાની પત્ની સાથે રાજીખુશીથી રહેવાનું સ્વીકાર્યું.
લોકોની પ્રકૃતિને ઓળખીને જ તેઓ મદદ કરતાં કે એમના પ્રત્યે સ્નેહાદર રાખતાં એટલું જ નહિ પણ પ્રાણીઓ અને પક્ષીઓ પણ આ સ્નેહથી વંચિત ન રહેતાં. રાધુએ બિલાડી પાળી અને એ બિલાડી ચોરીછૂપીથી દૂધ પી જતી ત્યારે જ્ઞાન મહારાજે એને મારીને બહાર કાઢી મૂકવાનો પ્રયાસ કરતા હતા ત્યારે શ્રી શ્રીમાએ દુ:ખપૂર્વક કહ્યું: ‘ભાઈ, ચોરી કરીને દૂધ પીવાનો બિલાડીનો સ્વભાવ છે. એને પ્રેમથી દૂધ આપનારો કોણ છે?’
શ્રી શ્રીમાના ઘરમાં ગંગારામ નામનો પોપટ હતો. બધાના મુખે ‘મા’ ‘મા’ શબ્દ સાંભળીને તે નિરંતર મીઠા અવાજે ‘મા’ ‘મા’ એમ જપ્યા કરતો. પૂજાવિધિ પછી ગંગારામને સૌ પહેલા તેઓ ફળપ્રસાદ અને સરબત પણ આપતાં. પોપટના મૃત્યુ પછી શ્રી શ્રીમાએ બહુ દુ:ખથી કહ્યું: ‘તે કેવા ભાવથી ભગન્નામ રટતો!’ એને ભગવા વસ્ત્રથી વીંટીને નદીકિનારે અંતિમક્રિયા કરવા આદેશ આપ્યો.
જ્યારે શ્રી શ્રીમામાં માતૃત્વભાવનો પૂર્ણવિકાસ થયો ત્યારે તેમણે આ વિશ્વના સૌ કોઈ નરનારીને સ્વીકારીને પોતાનાં બનાવી દીધાં. એમના પતિ શ્રીરામકૃષ્ણદેવ પણ આ માતૃવત્સલભાવની પરિસીમામાં આવી ગયા હતા. જ્યારે લોકો એમને પૂછતાં : ‘તમે શ્રીઠાકુરને કઈ દૃષ્ટિએ જુઓ છો?’ ત્યારે તેઓ જવાબ આપતાં: ‘હું એમને બાળભાવે જોઉં છું.’
Your Content Goes Here




