‘કેમ છો? મઝામાં ને? સાધન ભજન બરાબર ચાલે છે ને?’

‘ના મહારાજ, હમણાં બરાબર થતાં નથી. પણ હવે પછીથી બરાબર થશે.’

‘કેમ હવે પછી?’

‘વાત જાણે એમ છે કે હવે અમે મકાન વેંચી રહ્યાં છીએ. એટલે કામ ઓછું થઈ જતાં સાધન-ભજન, જપ-ધ્યાન થઈ શકશે.’

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી કૈલાસાનંદજી મહારાજ ટ્રસ્ટીઓની મિટિંગમાં આવ્યા હતા ત્યારે એસ્ટેટ ડીપાર્ટમેન્ટ વિભાગના એક યુવાન સંન્યાસી સાથે તેમનો આ વાર્તાલાપ થતાં તેઓ આશ્ચર્યથી એ યુવા-સાધુને નીરખી રહ્યા ને પછી તેની પાસે જઈને તેમને નમસ્કાર કર્યાં. આથી ખૂબ ક્ષોભ પામેલા એ યુવાન સંન્યાસીએ પ્રણામ કરીને નમ્ર ભાવે પૂછ્યું: ‘મહારાજ, મારો કંઈ અપરાધ થઈ ગયો? તો કૃપા કરી મને બતાવો.’ આથી પછી પૂ. કૈલાસાનંદજી મહારાજે કહ્યું: ‘તમે આજે નવું શીખવાડ્યું. મેં એવું સાંભળ્યું છે કે કામ કરતાં કરતાં માણસ ખતમ થઈ જાય છે. પણ તમે મને કહ્યું, કામ ખતમ થઈ જશે, પછી સાધન-ભજન સારી રીતે થશે. આ તો તદ્દન નવી જ વાત છે. જુઓ બેટા, કામ તો ક્યારે ય ખતમ થતું નથી, પણ જિંદગી ખતમ થઈ જાય છે.’ તે યુવાન સંન્યાસી આ ટકોર સમજી ગયા અને પુન: તેમનાં ચરણોમાં પ્રણામ કરતાં કહ્યું: ‘મહારાજ, આપે મને સાચી દૃષ્ટિ આપી છે. હવે હું કામ ઓછું થવાની રાહ જોયા વગર જ સાધન-ભજન માટેનો સમય મેળવી લઈશ.’

આ જ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી સમુદ્ર કિનારે બેઠેલા અને સમુદ્રમાં સ્નાન કરવા ઇચ્છતા મનુષ્યનું ઉદાહરણ આપે છે. આ મનુષ્યને સમુદ્રમાં સ્નાન તો કરવું છે, પણ તે કિનારે બેઠો બેઠો રાહ જોયા કરે છે કે સમુદ્રના મોજાંઓ બધાં શમી જાય, પછી સ્નાન કરું. પણ આ રીતે તે ક્યારેય સ્નાન કરી શકવાનો નથી. કેમકે, સમુદ્રના મોજાંઓ ક્યારે ય શમવાનાં નથી. એણે જો સ્નાન કરવું હોય તો મોજાંઓની વચ્ચે રહીને જ કરવું પડે. એવું જ જીવનમાં ભગવદ્‌ભક્તિની બાબતમાં પણ બને છે. માણસ વિચારે છે કે બધાં કામો પૂરાં થઈ જાય પછી હું નિરાંતે ભગવદ્‌ભક્તિ કરીશ. પણ કામ કદી પૂરાં થતાં નથી. જીવન પૂરું થઈ જાય છે. જીવનમાં ક્યારેય ભગવાનનું નામ લેવાનો સમય જ રહેતો નથી. વૈરાગ્યશતકમાં રાજા ભર્તૃહરિ કહે છે:

‘ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા સ્તપો ન તપ્તં વયમેવ તપ્તા: ।
કાલો ન યાતો વયમેવ યાતા સ્તૃષ્ણા ન ર્જીણા વયમેવ ર્જીણા: ॥

‘ભોગો ભોગવાતા નથી પણ આપણે જ ભોગવાઈએ છીએ. તપ તપતું નથી. પણ આપણે જ તાપથી તપીએ છીએ. કાળ વીતતો નથી. પણ આપણે જ ર્જીણ થઈ જઈએ છીએ.’

અને છતાં મનુષ્યોની આંખ ખુલતી નથી. મનુષ્યો સતત પ્રવૃત્તિઓથી ઘેરાયેલા જ હોય છે. બસ તેઓ દોડ્યે જ જાય છે. દોડ્યે જ જાય છે, પણ ક્યાં? એ તેમને ખબર નથી. ‘આખરે આ બધી પ્રવૃત્તિઓ શા માટે કરો છો.’ એવું પૂછવામાં આવે તો તેઓ કહે છે કે, ‘આવું બધું વિચારવાનો અમને સમય નથી. અમારે તો કેટલું બધું કામ છે.’ વિદ્યાર્થીઓ કહે છે, ‘વર્ગમાં લેશન ચાલે ઘેર હોમવર્ક કરવાનું, પછી ટ્યુશન ક્લાસમાં જવાનું, એક મિનિટની પણ ફુરસદ નથી.’ ‘પરંતુ જો તમે દશ મિનિટ ધ્યાન કરો ને રોજ સદ્‌ગ્રંથોનું થોડું વાંચન કરો, તો તમે વધારે સારી રીતે ભણી શકશો.’ આમ તેમને કહેવામાં આવે તો તેમનો જવાબ હોય છે, ‘હમણાં નહીં’, એ બધું વેકેશનમાં. અને પછી વેકેશન પણ હરવા-ફરવામાં ને મોજમજામાં ક્યાંય પૂરું થઈ જાય છે. ધ્યાન કે સદ્‌ગ્રંથોના વાંચન માટે પંદર મિનિટ પણ તેમને મળતી નથી. ભણી લીધા પછીનો સમય કેરિયર બનાવવામાં, પૈસા કમાવામાં, ઘરગૃહસ્થી સંભાળવવામાં વીતે છે. ત્યારે પણ દશ-પંદર મિનિટનો સમય ધ્યાન-વાંચન માટે મળતો નથી. અને રીટાયર્ડ થયા પછી, તો જવાબદારીઓ પૂરી કરવામાં સમય વીતી જાય છે. છોકરાંઓને ઠેકાણે પાડવાના હોય છે, મકાન નવું કરાવવાનું હોય છે. એમાં જપ-ધ્યાનની ફુરસદ ક્યાંથી મળે? અને પછી જ્યારે અતિશય વૃધ્ધ થાય ત્યારે પછી શરીર સાથ આપતું નથી. આદિ શંકરાચાર્ય સાચું જ કહે છે:

બાલસ્તાવત્ક્રીડાસક્ત: તરુણસ્તાવત્તરુણીરક્ત:
વૃધ્ધસ્તાવચ્ચિન્તામગ્ન: પરે બ્રહ્મણિ કોઽપિ ન લગ્ન: ।

બાળકો રમતમાં મસ્ત, યુવાન થાય ત્યારે યુવતીમાં આસક્ત, વૃધ્ધો ચિંતામગ્ન; પરબ્રહ્મમાં કોઈની લગની હોતી નથી. જીવન આમ ને આમ દોડધામમાં પૂરું થઈ જાય છે. પણ જો પહેલેથી જ થોડો સમય પણ મનની શાંતિ માટે, ભગવન્‌નામ માટે ફાળવવામાં આવે તો આખું જીવન સુખ-શાંતિને સંતોષમાં વીતે છે. પણ એ અંગે વિચારવાનો પણ સમય નથી. એવા કામના બોજથી આજનો મનુષ્ય દટાઈ ગયો છે!

ધારને સતેજ કરતા રહો

સ્ટીફન કોવીનું પુસ્તક છે ‘The seven habits of highly effective people’ એમાં સાતમી ટેવ ‘Sharpening the saw’ વિશે એક ઉદાહરણ આપીને તેઓ કહે છે કે ‘સ્વયંની ધાર કાઢતા રહો.’ એક કઠિયારો લાકડાં કાપતો હતો. કાપતાં કાપતાં તે ખૂબ થાકી ગયો છે, તેની કુહાડીની ધાર બુઠ્ઠી થઈ ગઈ, પણ તોય તે લાકડાં કાપ્યે જતો હતો. કોઈ શાણા માણસે કહ્યું, ‘તું ખૂબ થાકી ગયો છે, થોડો વખત વિશ્રામ કરી લે. તારી કુહાડીની ધાર તેજ કરી લે. પછી તું ખૂબ વધારે લાકડાં કાપી શકીશ.’ કઠિયારાએ કહ્યું, ‘તમારી વાત તો સાચી છે ભાઈ. પણ જુઓ છો ને આ ઢગલો કેટલો મોટો છે. આરામ કરુ ને ધાર કઢાવું તો પછી લાકડાં ક્યારે કાપું?‘ એમ કહીને બુઠ્ઠી થયેલી ધારવાળી કુહાડીથી તે લાકડાં કાપતો રહ્યો! ભારે પરિશ્રમ કરતો રહ્યો. પણ ધાર સજાવવાનો એને ટાઈમ નહોતો. મોટાભાગના મનુષ્યો આ કઠિયારા જેવા જ છે. બસ બુઠ્ઠી ધારથી લાકડાં નથી કપાતાં તો ય કાપ્યે જ જાય છે. મનની ધારને સજાવવા માટે પ્રાર્થના અને ધ્યાનની દશ મિનિટનો સમય પણ એમની પાસે નથી. સતત પ્રવૃત્તિ અને દોડધામમાં આ કુહાડી એવી બુઠ્ઠી થઈ જાય છે કે લાકડું તો શું એક છોડિયું પણ કાપી શકાતું નથી. તનાવ, ચિંતા, બ્લડ પ્રેસર, ‘નર્વસ-બ્રેકડાઉન’ – આ બધાંથી મન સાવ ખતમ થઈ જાય છે. એ સ્થિતિ આવે તે પહેલાં મનની ધાર કાઢવા માટેનો સમય ફાળવી લેવો જોઈએ. પ્રાર્થના અને ધ્યાન, જપ અને કીર્તન આ બધાં મનની શક્તિઓ વધારવાના અમોઘ સાધનો છે. એની પાછળ થોડો સમય આપવાથી એ સમય બગડતો નથી પણ ધાર સતેજ થતાં જેમ ઓછાં સમયમાં ખૂબ વધારે લાકડાં કાપી શકાય છે. તેમ ઓછાં સમયમાં ખૂબ વધારે કાર્યો થઈ શકે છે. મન શાંત થાય છે. એકાગ્રતા વધે છે. જે કામને પહેલાં કલાકો લાગતા હતા, તે મિનિટોમાં થઈ જાય છે. તેને પરિણામે ચોવીસ કલાકના સમયમાં – ચાર કલાક – આ રીતે ઝડપથી કામ કરવાથી વધી જાય છે! અને એથી ભગવાનનું નામ લેવાનો સમય, પ્રાર્થનાનો સમય પણ વધારે મળે છે. આથી મનને નાની વયમાં જ સતત સતેજ કરતાં રહેવું જોઈએ. મોટી વયે પણ એકાગ્રતા, ધ્યાન – જપ થઈ તો શકે પણ મનમાં અનેક પ્રકારના દુન્યવી સંસ્કારોની છાપ પડી ગઈ હોવાથી એ મન સહેલાઈથી પ્રાર્થનામાં – ભગવાનમાં એકાગ્ર થઈ શકતું નથી. આ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવ ઉદાહરણ આપતાં કહે છે કે ટ કાચી કોય ત્યારે જ કંપની એના પર છાપ લગાવી દે તો તે એકદમ લાગી જાય છે. પણ ટ પાકી થઈ ગયા પછી તેના ઉપર કોઈ જ છાપ પાડી શકાતી નથી. મનુષ્યના મનનું પણ એવું જ છે. જ્યાં સુધી સંસારની છાપ એના ઉપર પડી નથી, ત્યાં સુધીમાં ઈશ્વરભક્તિ, નામ-જપ, પ્રાર્થનાના સંસ્કારો એના ઉપર દૃઢ કરી દેવા જોઈએ. એકવાર આ સંસ્કારો મનમાં દૃઢ થઈ ગયા પછી સંસારવ્યવસ્થામાં પડવા છતાં એ સંસ્કારો ભૂંસાતા નથી. આથી જ શ્રીરામકૃષ્ણદેવ યુવાનીમાં જ સાધન – ભજન કરવા ઉપર ભાર મૂકતાં હતા.

શ્રીરામકૃષ્ણદેવે પોતાની સારવાર કરવા આવતા ડૉક્ટર સરકારની સાથેના વાર્તાલાપમાં કહ્યું હતું : ‘છોકરાઓને આટલો બધો ચાહું છું શા માટે? ખબર છે? એ છોકરાઓ પાણી ભેળવ્યા વગરનું દૂધ છે. એક જરાક ગરમ કરી લઈએ એટલે થયું, દેવસેવામાં ચાલે. પાણીવાળા દૂધને તો ખૂબ ઉકાળવું પડે, એમાં કેટલુંય બળતણ બળી જાય, છોકરાઓ જાણે કે નવી દોણી, પાત્ર સારું, એમાં દૂધ નચિંત પણે રાખી શકાય. એમને જ્ઞાનનો ઉપદેશ આપ્યો જલ્દી ચૈતન્ય થાય. સંસારી માણસોને ઝટ થાય નહીં. દહીંવાળી દોણીમાં દૂધ રાખતાં બીક લાગે છે, પાછું બગડી જાય તો!

હમણાંજ

જ્યાં સુધી પાત્ર શુદ્ધ છે, એમાં વિકારો પ્રવેશ્યા નથી ત્યાં સુધી બહુ જલ્દીથી મન ઈશ્વર પ્રત્યે વળી જાય છે માટે ઈશ્વર પ્રત્યે વળવાનો, તેનામાં એકાગ્રતા કરવાનો શ્રેષ્ઠ સમય કિશોરાવસ્થા ને યુવાવસ્થા જ છે. શ્રીમા શારદાદેવી તેમના એક યુવાન શિષ્યને કહે છે: ‘બેટા, તપશ્ચર્યા અથવા સેવાપૂજા એ બધું હાલ ને હાલ કરી લો. સમય ગયા પછી શું એ બધું થઈ શકશે? જે કંઈ મેળવવાનું હોય તે તુરત જ મેળવી લેવું. આ જ યોગ્ય સમય છે.’ યુવાનીનો સમય વ્યર્થ વીતી ગયા પછી પાછલી જિંદગીમાં મન ઈશ્વરમાં લાગતું નથી. લગ્ન પછી પચાસ ટકા મન પત્નીમાં વહેંચાય જાય છે. પછી ૨૫ ટકા મન બાળકોમાં અને ૨૫ ટકા સંસાર વ્યવહારના કામોમાં વહેંચાયેલું રહે છે. ભગવાન માટે તો એક ટકો મન પણ રહેતું નથી. આખી જિંદગી આ બધામાં ડૂબેલું મન પછી પાછલી જિંદગીમાં અને અંતકાળે ભગવાનમાં ક્યાંથી લાગે? એ તો જો મનને બાળપણથી જ ધર્મના ને સદાચારના સંસ્કાર મળ્યા હોય તો યુવાની અને વૃદ્ધાવસ્થામાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે છે. આથી મન પર ઈશ્વરની છાપને એકદમ દૃઢ કરી લેવાનો શ્રેષ્ઠ સમય સોળથી ત્રીસ વરસ સુધીનો છે.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ સ્વામી વિરજાનંદજી પરમપદને પંથે પુસ્તકમાં લખે છે; ‘સોળથી ત્રીસ સુધીનાં વરસો જ જિંદગીનો સૌથી ઉત્તમમાં ઉત્તમ સમય. એ વખતે શરીરમાં પૂર્ણક્રિયાશક્તિ હોય અને મનમાં ઉત્સાહ, ઉદ્યમ, સાહસ, આત્મશ્રદ્ધા, દૃઢ સંકલ્પ અને ઇચ્છાશક્તિ આદિ ધ્યેય પ્રાપ્તિને માટે ઉપયોગી ગુણો બધા એની મેળે જ રહેલા હોય. તમે શું એમ ધારો છો કે જીવનનો આ અમૂલ્ય સમય વૃથા કામોમાં બગાડીને પછી વૃદ્ધાવસ્થામાં સાધનભજનમાં મન પરોવવાના? એ આશા ખોટી. એ પોતાની જાતની છેતરપીંડી માત્ર. એ વખતે ભલેને મનમાં ઇચ્છા હોય તોય, તમે જોશો કે શરીરથી બનશે નહીં. જાતજાતના કઠણ રોગો ઘર કરી બેસવાના, રોગોની વેદનાથી આળસ અને તંદ્રા આવવાની. ત્યારે પછી શરીર નકામું, અસહાય અને પરાધીન તથા જીવને બોજારૂપ થઈ પડશે. અને શરીર જો કંઈક અંશે સબળ હશે તો ય આખી જિંદગીના સંસારના સંસ્કાર અને સ્ત્રી, પુત્ર, પૌત્રાદિ ઉપરની માયા એવા દૃઢભાવે તમને બાંધે કે ભગવાનનું ચિંતન અને તેમને પામવા સારૂ અંતરના પ્રયાસમાં મન લાગવાનું જ નહીં. ને પરાણે એને બેસાડી યે શકવાના નહીં. તે ઉપરાંત જીવન તો આ જ છે ને કાલ નથી, ઘડીકમાં છે ને ઘડીકમાં નથી; કોણ કહી શકે તેમ છે કે તમે વૃદ્ધાવસ્થા સુધી જીવવાના અને એ વખતે પછી સમય મળવાનો? માટે જ જે કરવાનું હોય તે અત્યારથી જ કરી લો. કાલ સારુ રાખી મૂક્યે એ કાલ કોઈ કાળે આવવાની નથી.’ આ જ પુસ્તકમાં તેઓ આગળ કહે છે: ‘યુવાવસ્થા જ આધ્યાત્મિક સાધનાનો સૌથી શ્રેષ્ઠ સમય છે. એ વખતે જો ખંતપૂર્વક લાગી જઈને સારી પેઠે આધ્યાત્મિક શક્તિ એકઠી કરી શકાય તો પાછળનું જીવન બહુ તકલીફ વગર સુખ અને શાંતિથી વીતાવી શકાય. પછી ગમે તેટલી વિપત્તિઓ આવેને, તો પણ કોઈ વિચલિત કરી શકે નહીં. યુવાવસ્થામાં જો જીવનને ઘડી ન શકાય તો પછી પાછળથી નહીં બને. એક ઘડી પણ આળસમાં કે નકામા કાર્યોમાં વેડફશો નહીં. ‘તબિયત બરાબર નથી’, ‘વખત નથી મળતો’, લોકો એવાં બધાં બહાના કાઢે, એ બધી મોઢેથી કહેવાની વાતો. આહાર, વિહાર, નિદ્રા બધાં કામકાજને જો સંયમથી ને નિયમિતપણે કરવામાં આવે તો શરીર-મન સતેજ અને પ્રફુલ્લ રહે, તેમની, પાસેથી ઘણું વધારે કામ મળી શકે અને કામ ખૂબ સારું થાય અને સમય પણ જોઈએ તેટલો મળી શકે.’

‘સમય નથી’

સમય નથી, હમણાં નહીં, પછી સારી રીતે કરશું, આ બધા શબ્દો તો ન કરવા માટેના બહાનાં છે. જેને ખરેખર કાર્ય કરવું છે, તેને એ માટેનો સમય મળી જ રહેતો હોય છે. પણ નથી કરવું, ચોખ્ખી ના પાડવી નથી, તેને માટે ‘સમય નથી’ એ ટ્રમ્પકાર્ડ છે. જે આજના મોટાભાગના લોકો અપનાવી રહ્યા છે. આ સંદર્ભમાં સત્પ્રસંગ પુસ્તકમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના આઠમા પરમાધ્યક્ષ, સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ એક સુંદર ઉદાહરણ આપે છે.

એક દિવસ એક સિદ્ધ મહાત્મા ખૂબ થાકેલા ને ભૂખ્યા તરસ્યા એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. તે ગામના એક વેપારીનો ભેટો થયો. તેમણે થોડું પાણી માંગ્યું. વેપારી તેમને પોતાના ઘેર લઈ આવ્યો. તેમને જમાડ્યા. આરામ માટેની સગવડ કરી આપી. તેઓ ઊંઘી ગયા. તે વેપારીએ જોયું કે એમની ઓઢવાની કંથા સાવ ફાટી ગઈ હતી. તેને તે સાંધી આપી. મહાત્મા જાગ્યા. વેપારીની સેવાથી ખૂબ ખુશી થયા એટલે કહ્યું: ‘ચાલ, મારી સાથે તને હું વૈકંઠ લઈ જઈશ.’ વેપારીએ હાથ જોડીને તેમને કહ્યું: ‘મહારાજ, મારા ઉપર આપની આટલી બધી કૃપા! હું જરૂર વૈકુંઠ આવીશ. પણ આ છોકરાં છૈયાં માટે બધું વ્યવસ્થિત કરી લઉં. મને સાત વરસનો સમય આપો.’ મહાત્માએ કહ્યું: ‘ભલે સાત વરસમાં બધી તૈયારી કરી લેજે.’ એમ કહીને મહાત્મા જતા રહ્યા.

સાત વરસ પૂરાં થયા. મહાત્મા તો આવી પહોંચ્યા. વેપારી તેમના ચરણોમાં આળોટી પડ્યો. આજીજી કરવા લાગ્યો ને બોલ્યો: ‘પ્રભુ! હું હજુ ય કામ પૂરાં કરી શક્યો નથી. નાના છોકરાની દુર્દશાનો પાર નથી.તેમાં ય અનેક ઝંઝટોને લઈને બધું સંભાળી શકતો નથી. મારા ઉપર કૃપા કરો. મને બીજાં સાત વરસ આપો.’ ‘ભલે, પણ હવે બધાં કામ પૂરાં કરી લેજે.’ કહીને મહાત્મા પાછા ચાલ્યા ગયા.

ફરી સાત વરસ પૂરાં થયાં. મહાત્મા આવ્યા. ખબર પડી કે વેપારી તો ગુજરી ગયો છે. એનું શું થયું, એ જોવા માટે તેમણે ધ્યાન કર્યું તો જણાયું કે એ વેપારી તો બળદનો દેહ ધારણ કરીને તેના નાના દીકરાના ખેતરમાં હળ ખેંચે છે. તે છોકરાને એક જ બળદ હતો, પણ તે સાવ દુબળો પાતળો હતો. એટલે છોકરાને મદદ કરવા બાપે હૃૃષ્ટપુષ્ટ બળદ થઈને જન્મ લીધો હતો! મહાત્માએ મંત્રથી પવિત્ર જળ લઈને બળદમાં જ્ઞાનનો સંચાર કર્યો અને કહ્યું: ‘હવે આ ભાર શા માટે વેંઢારે છે, હવે તો ચાલ. અત્યારે જ હું તને લઈ જવા આવ્યો છું.’ આ સાંભળીને બળદ કાકલૂદી કરવા લાગ્યો, ‘ના મહારાજ, હમણાં નહીં, નાના દીકરાને જરા સુખ-સગવડ થઈ જશે કે તરત જ હું વૈકુંઠ આવીશ. વધારે નહીં બીજાં સાત વરસ આપો.’ શું કરે મહાત્મા! કહ્યું, ‘જા, આપ્યાં સાત વરસ.’

સાત વરસ વીતી ગયાં. મહાત્મા આવ્યા. ખબર પડ્યા કે બળદ તો મરી ગયો છે. ધ્યાનમાં જોયું તો હવે તે કૂતરો બનીને દીકરાના ઘર-જમીનની ચોકી કરતો હતો. જ્ઞાનદૃષ્ટિનો સંચાર કરીને મહાત્માએ તેને પૂછ્યું: ‘હજી કેટલા દિવસ? શું હજુ ય સમય નથી પાક્યો?’ કૂતરો રડતો રડતો બોલ્યો: ‘પ્રભુ હું તો અધમ છું. આપની આટલી કૃપા થઈ છતાં વૈકુંઠ નથી આવી શકતો. આ છોકરાને હજી વધારે સારી સગવડ ન થાય ત્યાં સુધી મારાથી આવવાનું બને તેમ નથી. દયા કરીને બીજાં સાત વરસ આપો.’ મહાત્મા ચાલ્યા ગયા.

સાત વરસે પાછા આવ્યા ત્યારે કૂતરો નહીં પણ તે સાપ બનીને ધનની ચોકી કરી રહ્યો હતો. મહાત્માને જોઈને તે હવે સંતાઈ ગયો. હવે મહાત્માએ તેના નાના દીકરાને આ સાપને મારી નાંખવા કહ્યું. તે મરતાં, જે ધન હતું તે નાના દીકરાને આપ્યું, અને તે વેપારીના આત્માને લઈ ગયા!

આવાં છે, સંસારના કાર્યો, બંધનો ને આસક્તિ, જે ક્યારેય છૂટતાં નથી. પણ, કંઈ દરેકને આવા મહાત્માની કૃપા થતી નથી, એટલે સંસારના ચક્રાવામાં ફરી ફરીને અટવાયા કરવું પડે છે. મનુષ્યો સંસારના કાર્યોમાં એવાં તો જકડાઈ ગયાં હોય છે કે સાચું શું છે, એ સમજવા જેટલો ય વખત મેળવતા નથી. પણ હકીકતમાં સંસારના કાર્યો અને આસક્તિમાં લપેટાવું ગમતું હોય છે. નહીંતર પ્રશ્ન સમયનો નથી. પ્રશ્ન કાર્ય કરવું છે કે નહીં તેની અગત્યનો છે. વાર્તામાંના વેપારીની જેમ મોટાભાગના મનુષ્યોને પોતાના શ્રેયનો માર્ગ મળે તો પણ લેવો નથી. યુવાનોને ટી.વી. જોવા માટે, ગપસપ માટે, હરવા ફરવા માટે સમય મળી જ રહે છે. પણ સદ્‌ગ્રંથોના વાંચન માટે, પ્રાર્થના-ધ્યાન માટે પંદર મિનિટ પણ મળતી નથી. કારણ કે એ કરવું નથી. કારણ કે જીવનમાં એની અગત્ય જણાતી નથી. નહીંતર Where there is a will, there is a way. જો ઇચ્છા હોય તો સમય મેળવવાનો માર્ગ મળી જ રહે છે.

સ્વામી વિરજાનંદજી યુવાનોને કહે છે: ‘દરરોજ ઓછામાં ઓછું થોડોક સમય તો બેસીને જપધ્યાન કરજો જ. કહો છો કે વખતનો અભાવ? કે અંતરની સચ્ચાઈનો અભાવ? બીજાં બધાં કામો કરવાનો વખત મળે યા સમય મેળવી લો, પછી ભલેને સાવ નજીવું કામ હોય તોય; પણ એક અર્ધોકલાક જપધ્યાન કરવા માટે સમય ન મળે. તરસ ને માટે જેમ પાણીની, ભૂખને માટે જેમ આહારની, જીવવાને માટે જેમ હવાની જરૂર છે, તેવી જ રીતે પરમાર્થવસ્તુની પ્રાપ્તિ માટે જપ, ધ્યાન, પ્રાર્થના વગેરેની ખાસ જરૂર છે. ભગવાનને માટે અંતરમાં ઊણપ યા અભાવ જગાવવાનો છે. હંમેશા કરાતી સાધનાના અભ્યાસ વડે ક્રમે ક્રમે એ આવે, તેનાથી શક્તિ સંચય થાય.’

ભગવાનને દરરોજ ફક્ત પંદર મિનિટ જ આપવામાં આવે તો આ પંદર મિનિટ સમગ્ર જીવનનું ચિત્ર બદલી નાંખે છે. હતાશા, નિરાશા, ઉદ્વેગ, ચિંતા, આસક્તિ, થાક, કંટાળો, ઇર્ષા, દ્વેષ, ક્રોધ, લોભ, મોહ, મદ – આ બધાં માનવના શરીર, મન અને આત્માને કોરી ખાતાં સૂક્ષ્મ જીવાણુઓ છે. એને માટેની કોઈ ભૌતિક ઔષધિ શોધાઈ નથી. આ સૂક્ષ્મ જીવાણુઓમાંથી મુક્તિ મેળવવાનો એક માત્ર ઉપાય છે, ભગવાનને દરરોજ પંદર મિનિટ ફાળવવાનો. આ પંદર મિનિટ જેટલી શક્ય તેટલી વહેલી, ભગવાનને દરરોજ આપવામાં આવે, તો ધીમે ધીમે ભગવાનના પ્રકાશમાં આ સૂક્ષ્મ જીવાણુઓ ઓગળતા જાય છે. અને શરીરના ને મનના રોગોમાંથી મુક્તિ મળતાં જીવન જીવવા જેવું લાગે છે. એથી ય આગળ દરરોજની પ્રાર્થના અને પ્રભુની સાથે ગાળેલી ક્ષણોથી પછી આખો દિવસ આનંદમાં વીતે છે. પછી તો ધીમે ધીમે આત્માનો ઉઘાડ થતાં આત્મશક્તિઓ જાગૃત થાય છે. તેનાથી અશક્ય જણાતાં કાર્યો સહજ ને સરળ બની જાય છે. મન શાંત અને સ્થિર બનતાં કામો બગડતાં નથી. સમય બગડતો નથી. સંબંધો બગડતા નથી બધું સુમેળ ને સંવાદિતાભર્યું બની રહે છે. જીવનની જટિલતાઓ પછી રહેતી નથી. આંતરદૃષ્ટિ ખુલી જાય છે અને પરમાત્માના રહસ્યો સમજાવા લાગે છે. ભગવાનને આપેલી ફક્ત પંદર મિનિટ જીવનમાં આટલું બધું આપી દે છે!! પણ છતાં ય લોકો ભગવાનને આટલું ય આપી શકતા નથી. એના જેવું બીજું દુર્ભાગ્ય ક્યું હોઈ શકે?

બુદ્ધિમત્તાપૂર્વક રોકાણ

મનુષ્યો પોતાનાં નાણાંનું રોકાણ સદ્ધર બેંકમાં કરે છે. શેર ખરીદવા હોય તો કંપનીના નફાને ધ્યાનમાં રાખીને, પોતાનાં રોકાણનું વધારે મળતર મળે એ રીતે ખરીદતા હોય છે. નાણાંના રોકાણ માટે માણસો કેટલી બધી કાળજી રાખે છે? આ નાણાં કદાચ પાછાં ન મળે, તો મહેનત કરીને ફરી કમાઈ પણ શકાય છે. પણ સમયની ક્ષણો? એ તો એકવાર ગુમાવી એટલં હંમેશને માટે ગુમાવી. એ કોઈ કાળે પાછી આવવાની નથી. આવી મૂલ્યવાન ક્ષણોની થાપણોને માણસો તાત્કાલિક વળતર અને પછી મોટું નુકશાન કરાવે એવી બેંકમાં મૂકે છે. આ ભોગ-વિલાસ, રંગ-રાગ, અમન-ચમનની બેંકો તાત્કાલિક બહુ મોટી ઈનામી યોજનાઓનું આકર્ષણ આપે છે. અને પછી દેવાળું ફૂંકીને આ બધી જ મૂલ્યવાન ક્ષણોની સંપત્તિને હડપ કરી જાય છે. ને માણસને સાવ પાયમાલ-સત્ત્વહીન કરીને રઝડાવી મૂકે છે. પછી પાછલી જિંદગી આખી તેને માથે હાથ દઈને રડવું પડે છે. જો આમ ન થવા દેવું હોય તો પહેલેથી જ ક્ષણોની થાપણોને સદ્ધર બેંકમાં જમા કરવી જોઈએ. એવી સદ્ધર બેંક કે જે લાંબા સમય સુધી આ જમા કરેલી થાપણોનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે અનેકગણું વળતર અને સાથે બોનસ પણ આપ્યા કરે. એવી એક માત્ર બેંક છે, ભગવાનની બેંક. આ બેંકમાં નિષ્કામ કર્મ, સેવા, જપધ્યાન-નામસ્મરણ, પ્રાર્થના, ભક્તિ વગેરે સ્વરૂપમાં નાની વયથી જ દરરોજ થોડી થોડી ક્ષણો જમા કરાવવી જોઈએ. તો આ થાપણ આ જન્મમાં તો કામ લાગે જ છે, પણ જન્મોજન્મ સુધી આ થાપણ અનેકગણા વળતર સાથે મળતી રહે છે. મૃત્યુ પછી શરીર, કારર્કિદી, સંપત્તિ, કીર્તિ, ઘર-પરિવાર, કંઈ જ સાથે આવતું નથી. સાથે આવે છે, સૂક્ષ્મ સંસ્કારો, ભગવદ્‌પ્રેમ, ભક્તિ, સાધન-ભજન. આ બધાંને લઈને ચિત્ત શુદ્ધ બનતાં આત્માની ગતિ ઊર્ધ્વ બને છે. પરમધામમાં, શાશ્વત આનંદમાં સ્થાન મળે છે. પણ જો ભોગવાસનાના સંસ્કારો ચિત્તમાં રહેલા હશે, તો નિમ્નયોનિઓમાં ભટકવું પડે છે. સ્વામી વિરજાનંદજી મહારાજ કહે છે: ‘વખત સડેડાટ કરતો વહ્યો જાય છે. હરક્ષણે આયુષ્ય ઓછું થતું જાય છે. જીવનનો અર્થ જ છે, મૃત્યુ નજીક. શરીર ક્યારે જશે, એનું કશું ય નક્કી નથી. એટલે મૃત્યુને માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. નકામો સમય બગાડોમા. કોઈ આવશ્યક કર્તવ્ય કર્મ ભવિષ્યને માટે બાજુએ રાખી મૂકો મા. પરલોકને માટેનું ભાથું પણ અત્યારથી જ કરવું જોઈએ. ધન સંપત્તિ તો આ લોકની જ મૂડી. પરલોકમાં એ સાથે આવવાનાં નહીં. સાધન-ભજન પરલોકનું ભાથું. એ જ પોતાની ખરી મૂડી, કે જે સાથે લઈ જઈ શકવાના. એ જેટલું ભેગું કરશો એ વ્યર્થ જવાનું નહીં. એટલું વાટમાં આગળ આવીને ઊભું રહેશે.’

સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પણ ‘ધર્મ, ધ્યાન અને સાધના’માં આ જ વાત કહે છે કે, ‘આ જીવનનું કોઈ ઠેકાણું નથી – તે દસવીસ વર્ષ પછી પણ સમાપ્ત થઈ શકે છે કે પછી આજે જ. જ્યારે એ જાણતા નથી કે એ ક્યારે સમાપ્ત થશે, ત્યારે તો માર્ગ પર ચાલવાની વ્યવસ્થા જેટલી જલ્દી જલ્દી થઈ શકે તેટલું વધારે સારું. કોણ જાણે ક્યારે તેડું આવી જાય? અંતે શું ખાલી હાથે અજાણ્યા દેશમાં જવું પડશે? અજાણ્યા દેશમાં ખાલી હાથે જવાથી ઘણું કષ્ટ પડશે.’

આથી બુદ્ધમાન મનુષ્યે જેટલું બની શકે તેટલું વહેલું, આ લોકનું અને પરલોકનું ભાથું તૈયાર કરી લેવું જોઈએ. એમાં જેટલું મોડું થાય તે મોડું જ છે. મૃત્યુ અનિશ્ચિત છે. તે તો ગમે ત્યારે આવીને ઊભું રહે છે. મૃત્યુ આવે છે. ત્યારે પછી તે એક ક્ષણ પણ વધારાની આપતું નથી. ‘ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ’ પુસ્તકમાં થોમસ કૅમ્પિસ કહે છે: ‘અત્યારનો સમય જ ઘણો કિંમતી છે. અત્યારના દિવસો તારણના છે; પરંતુ દુ:ખની વાત એ છે કે જે સમયમાં તું સનાતન જીવન માટે પુણ્યો એકઠાં કરી શકે છે, તેનો વધારે સદુપયોગ કરતો નથી. એવો વખત આવશે કે જ્યારે તું સુધરવા માટે એક દિવસ અથવા તો એક ઘડીની જ ઝંખના કરશે, પણ તે તને મળશે કે કેમ, તે હું જાણતો નથી.’ એ જ પુસ્તકમાં ‘હજુ લાંબુ જીવન છે, પછી નિરાંતે ભગવાનનું નામ લેશું’, એમ માનનારા મનુષ્યને ઉદ્દેશીને કહે છે: ‘અરે મૂર્ખ, જ્યાં તને એક દિવસની પણ ખાતરી નથી, ત્યાં લાંબુ જીવવાનો વિચાર કેમ કરે છે? કેટલા બધા લોકો આ રીતે ઠગાયા છે અને અચાનક દેહમાંથી ઝડપી લેવાયા છે!… બધા માણસોનો અંત મૃત્યુ છે, માનવીનું જીવન પડછાયાની જેમ ઓચિંતું સરી જાય છે… માટે હે વહાલા, અત્યારે તારાથી થઈ શકે તે બધું અત્યારે જ કરી નાંખ; કેમ કે, તું ક્યારે મરી જઈશ તેની તને ખબર નથી. મૃત્યુ પછી તારું શું થશે, તે પણ તું જાણતો નથી. તને વખત છે, ત્યાં સુધીમાં તું શાશ્વત સંપત્તિ એકઠી કરી લે.’ જેમણે આ શાશ્વત સંપત્તિ એકઠી કરી છે, એમને પછી મૃત્યુનો ય ભય રહેતો નથી કેમ કે એમને બીજા દેશમાં ખાલી હાથે જવાનું નથી. માટે વખત ગુમાવ્યા વગર આ શાશ્વત સંપત્તિ મેળવવાના પ્રયત્નમાં માણસે લાગી જવું જોઈએ. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બાહ્ય ટાપટીપ-સુખ સગવડ-મોજમઝાની પાછળ માણસ દોડે છે, પણ તેના અંતરમાં સુખ-શાંતિ મળતી નથી. આખું જીવન આમ વ્યર્થ દોડમાં પસાર થઈ જાય છે ને અંતે જ્યારે ખબર પડે છે કે સાચી વસ્તુ તો મેળવવાની રહી જ ગઈ, ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે. માટે જે ક્ષણે હૃદયમાં સાચી શાંતિ ને સાચું સુખ પામવાની ઝંખના જાગે, એ ક્ષણને પકડી જ લેવી જોઈએ અને તે ક્ષણથી જ ભગવાન પ્રત્યે મનને વાળવાના પ્રયત્નો આરંભી દેવા જોઈએ.

નિર્જળા ઉપવાસ ન કરો

જ્યારે શરીર માંદુ પડે છે, ત્યારે એની તુરત જ સારવાર કરવામાં આવે છે. ડૉક્ટરની ચિકિત્સા, મોંઘી દવાઓ પથ્ય ખોરાક – બધાં દ્વારા શરીરને ઝડપથી સાજું કરવાના ઉપાયોમાં માણસ લાગી રહે છે. શરીર સાજું હોય તો તેને ઉત્તમ ખોરાક, સુંદર વસ્ત્રો વગેરે દ્વારા તેની માવજત કરવામાં આવે છે. પણ મન? મનનું શું થાય છે? એના રોગ, દુર્બળતા, પ્રત્યે સદંતર ઉપેક્ષા કરવામાં આવે છે. મનને સ્વસ્થ-તંદુરસ્ત અને તાજું રાખવા માટે જરૂર છે સત્સંગની. સાધુ-સંતોના સમાગમની. મનને પુષ્ટ બનાવવા માટે જરૂર છે પ્રાર્થનાની. ગાંધીજીએ પ્રાર્થનાને મનનો ખોરાક કહ્યો છે. પણ કેટલા લોકો મનને આ ખોરાક આપે છે? મન બિચારું આ ખોરાકના અભાવે દુર્બળ ને માંદલું બની જાય છે. મનને તો ઉપવાસો જ કરવા પડે છે. પ્રાર્થના, ધ્યાન, ભક્તિ, ઈશ્વર ચિંતન, સ્વાધ્યાય, નામસ્મરણ આ બધાં છે મનને પુષ્ટ કરનાર આહાર. પણ બાળપણ ને યુવાનીમાં મનને આ આહાર બિલકુલ મળતો નથી. પછી પાછળથી ભક્તિ અને જ્ઞાનનો ભારે ખોરાક આપવામાં આવે તો મન એટલું ક્ષીણ ને દુર્બળ બની ગયું હોય છે કે તે આ પચાવી શકતું નથી. મન બિચારું બોલતું નથી. એટલે એની ઉપેક્ષા જ કરવામાં આવે છે. એ ચૂપચાપ સહ્યે જાય છે. પણ પછી એક સ્થિતિ એવી આવે છે કે તે એકાએક ભાંગી પડે છે. તૂટી પડે છે. નિરાશાના ગર્તામાં ધકેલાય જાય છે. ને આત્મહત્યાના માર્ગે દોરી જાય છે. પછી બધું જ ખતમ કરી નાંખે છે. ઉપવાસનો સાચો અર્થ તો છે – ઈશ્વર સમીપ નિવાસ. પણ મોટે ભાગે આપણે તો ઉપવાસ બાહ્ય આડંબર ખાતર જ કરીએ છીએ.

ઉપવાસ બે પ્રકારના છે – નિર્જળા અને ફળાહાર સહિત. શારીરિક ઉપવાસ કરતી વખતે આપણને જાતજાતની વાનગીઓ ફળાહારરૂપે લેવાની મજા આવે છે પણ માનસિક ઉપવાસ તો આપણે સાવ નિર્જળા કરીએ છીએ – અત્યંત વ્યવસ્તા વખતે જરા અમથું સ્મરણ-મનન કે બે ત્રણ મિનિટના વાચનનો પણ સમય મળતો નથી! માટે શક્ય તેટલો પ્રાર્થના-ભક્તિનો ખોરાક મનને આપવાનો શરૂ જ કરી દેવો જોઈએ. આમાં મુલતવી રાખવાના માઠાં ફળ દરેકને પછી ભોગવવાં જ પડે છે ને આ માઠાં ફળ પાછાં જન્મોજન્મ સુધી ભોગવવાં પડતાં હોય છે.

દુ:ખમે સુમિરન સબ કરે

મોટેભાગે માણસ દુ:ખમાં હોય છે, ત્યારે જ ભગવાનને યાદ કરે છે. ત્યારે પ્રાર્થના કરવા લાગે છે કે મને આમાંથી ઉગારો. પરંતુ તેના બદલે જો પહેલેથી રોજેરોજ ભગવાનને પ્રાર્થના કરી હોય, એમનું નામ સ્મરણ કર્યું હોય તો દુ:ખ આવતાં ભાંગી પડાતું નથી. વિહ્‌વળ બની જવાતું નથી. રોજેરોજની પ્રાર્થનાને પરિણામે ભગવાન સાથે આત્મીય સંબંધ બંધાયેલો હોય છે, ગાઢ નાતો બંધાઈ ગયો હોય છે, તેથી દુ:ખને જોવાની દૃષ્ટિ જ બદલાય જાય છે. એમાં એની કૃપાના દર્શન થતાં દુ:ખનું જોર ઓછું થઈ જાય છે. પછી દુ:ખ, દુ:ખ રહેતું નથી. પણ જીવનમાં ક્યારેય પ્રાર્થના નથી કરી, ભગવાનને યાદ નથી કર્યા. અને દુ:ખ આવી પડતાં ભગવાન યાદ આવ્યા! આ તો નર્યો સ્વાર્થ છે. પણ છતાં ય ભગવાન કરુણાનિધાન છે. દુ:ખમાં કરેલી પ્રાર્થનાને પણ સાંભળે છે. દુ:ખમાંથી ઉગારી પણ લે છે. પણ દુ:ખ ચાલ્યું જતાં માણસ પાછો ભગવાનને ભૂલી જાય છે. અને ફરી દુ:ખ આવી પડે ત્યારે યાદ કરવા લાગે છે! આવી સ્વાર્થી વૃત્તિ હોવાથી જ માણસના જીવનમાં સાચા સુખ-શાંતિ આવતાં નથી. કબીરજી કહે છે:

દુ:ખમે સુમિરન સબ કરે, સુખમે કરે ન કોઈ,
જો સુખમે સુમિરન કરે, તો દુ:ખ કાહેકો હોઈ.

મનુષ્યને જો કાયમ સુખ જોઈતું હોય તો રોજેરોજ ભગવાનનું સમરણ કરવું જોઈએ. પણ માણસથી એ જ થતું નથી. એ બીજું બધું કરશે પણ ભગવાનનું નામ લેવાની વાત આવે ત્યારે ‘હમણાં નહીં, સમય નથી, પછી કરીશ’ એ બહાનું ધરી દે છે. જે એના સહુથી વધારે નજીક છે, જે એના પોતાના જ અંતરમાં વસે છે. જે એને દુ:ખમાંથી ઉગારી લે છે, જે એને જેવો છે, તેવો સ્વીકારીને પછી ઊંચે ઉઠાવીને પોતાની સમીપ લઈ આવે છે. જે એને પોતાની અનેક દિવ્ય બક્ષિસોથી નવાજે છે, જે ભગવાને એને આવું સુંદર માનવ જીવન આવ્યું છે, એ ભગવાનને તે થોડી ક્ષણો પણ આપી શકતો નથી. તેને તેથી જ અનંત સુખ, અનંત આનંદ અને અનંત શાંતિ સાથેનો એનો સંબંધ છૂટી ગયો છે. જો આ પ્રાપ્ત કરવાં હોય તો દરરોજ નિયમિત ભગવાનને યાદ કરવાનું આજથી જ શરૂ કરી દેવું જોઈએ. આમાં ‘હમણાં નહીં, પછી કરીશ’, એ મનોવૃત્તિ બિલકુલ નહીં ચાલે. ‘પછી’ તો ક્યારેય આવતું જ નથી. આ ક્ષણે જ અત્યારે જ, એ ભાવ મનમાં દૃઢ કરીને જો ભગવાનને પ્રેમપૂર્વક યાદ કરીએ, ભક્તિ કરીએ, નામ સ્મરણ શરૂ કરી દઈએ, તો પછી મન બહાના બતાવવાનું છોડીને ભગવદ્‌ભાવમાં ધીમે ધીમે એકાગ્ર થશે. નહીં તો મનના બહાનાં તો તૈયાર જ હોય છે, અને વખત ચાલ્યો જ જાય છે. વારંવાર આપણે નીચેના વાક્યોનું સ્મરણ કરવું પડશે.

કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ ।
પલમેં પ્રલય હોગા, બહુરી કરેગા કબ ॥
રામનામ કી લૂટ હૈ, લૂટ સકૈ તો લૂટ ।
ફિર પાછૈ પછિતાયેગા, પ્રાણ જાયેંગે છૂટ ॥
દૌ બાતન કો ભૂલ મત, જો ચાહે કલ્યાન ।
નારાયણ એક મૌત કો, દૂજે શ્રી ભગવાન ॥
આછે દિન પીછે ગયે, હરિસે કિયા ન હેત ।
અબ પછતાયા હોત ક્યા, જબ ચિડિયા ચુગ ગઈ ખેત ॥

કાલ ઉપર ભરોસો મૂક્યા વગર આ, અત્યારે જ, આ ક્ષણથી જ જો ભગવાનની આરાધનામાં લાગી જઈએ, તો શ્રીરામકૃષ્ણદેવ કહે છે તેમ ‘જીવન મોજકી કુટિયા’ બની જશે. શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજી પણ કહે છે: ‘અત્યારથી જ મંડી પડો. આ ઉંમરમાં પ્રયત્ન કરી જો તમે મનને ઘડી શકો, ઈશ્વરપ્રાપ્તિ જ જીવનનો એક માત્ર ઉદ્દેશ છે, તે નિશ્ચિત કરી શકો, અને તેમાં મનને સારી રીતે જોડી શકો, તો પછી તમારું જીવન એટલું સુંદર રીતે ગૂંથાઈ જશે કે સંસારના દુ:ખ, કષ્ટ કે અશાંતિ તમને કોઈ પ્રકારે સ્પર્શી શકશે નહીં. બસ આનંદ, આનંદ જ રહી જશે. તમે અપાર આનંદના અધિકારી બની જશો.’

તો ચાલો આપણે સૌ આજથી જ અત્યારથી જ નિયમિત સાધનામાં પ્રવૃત્ત થઈ જઈએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ‘હે પ્રભુ, અમારા મનને પોતાની સાથે જ છેતરપીંડી કરવાની આદત લાગી ગઈ છે, સાધના ન કરવા માટેના બહાના કાઢવાની આદત લાગી ગઈ છે તેમાંથી અમને છોડાવો, આજથી જ અત્યારથી જ નિષ્ઠા પૂર્વક સાધનામાં મંડી પડીએ એવી શક્તિ આપો.’

Total Views: 221

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.