‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદજીએ ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-મહાસભામાં પોતાનું ભાષણ પ્રારંભ કર્યું અને તુરત જ મંચ પર બેઠેલા વિશ્વના વિદ્વાનો અને આર્ટ ઈન્સ્ટિટ્યુટના ‘હોલ ઑફ કોલંબસ’ના વિશાળ ખંડમાં ઉપસ્થિત લગભગ ચાર હજાર શ્રોતાઓ ઉત્સાહના અતિરેકમાં આવી ગયા, સેંકડો લોકોએ પોતાની જગ્યા પર ઊભા-ઊભા તાલીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા. ધર્મસભા ઉન્મત્ત થઈ ગઈ. જયજયકારની તાલીઓ લગભગ બે મિનિટ સુધી વાગતી રહી. તાલીઓનો ગડગડાટ ઓછો થયા બાદ સ્વામી વિવેકાનંદજીએ વિશ્વના પ્રાચીનતમ્ ધર્માચાર્યો અને વૈદિક ઋષિઓ વતી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીને, વિશ્વને ધર્મ, સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકારની શિક્ષા દેવાવાળા હિન્દુધર્મને બધા જ ધર્મોની જનેતારૂપે ઓળખાવીને પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. આ વ્યાખ્યાન અત્યંત સંક્ષિપ્ત (લગભગ પાંચ મિનિટનું) હતું પણ તેની સાર્વભૌમિકતા, ગાંભીર્યપૂર્ણ વિચાર-મૌલિકતા અને ઉદાત્ત માનસિક ભાવનાએ સંપૂર્ણ મહાસભાને વશીભૂત કરી લીધી. વિશ્વના ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું.
ગુલામ ભારતનો એક અજ્ઞાત પરિવ્રાજક અચાનક વિશ્વપ્રસિદ્ધ થઈ ગયો. શિકાગોની ગલીઓમાં સ્વામી વિવેકાનંદજીના પૂરા કદનાં ચિત્રો લગાવવામાં આવ્યાં. બે દિવસ પૂર્વે સ્વામીજીને એક અજ્ઞાત, અસહ્ય, નિર્વાસિત વ્યક્તિની જેમ શિકાગો રેલવે સ્ટેશનના એક માલગાડીના ડબ્બામાં રાત વિતાવવી પડી હતી. તેને બદલે હવે ધનવાનોના મહેલોનાં દ્વાર તેમના શાનદાર સ્વાગત માટે ખૂલી ગયાં. વિશ્વના ઇતિહાસમાં ક્યારેય કોઈ વ્યક્તિએ આવી અસાધારણ પ્રસિદ્ધિ આટલા ટૂંકા ગાળામાં નહિ મેળવી હોય.
અમેરિકાના અત્યંત પ્રસિદ્ધ અને રૂઢિવાદી સમાચાર-પત્રોએ તેમને એક ‘પૈગમ્બર’ અને ‘ભવિષ્યદ્રષ્ટા’ના રૂપમાં આલેખિત કર્યા. અમેરિકાના પ્રખ્યાત સમાચાર પત્ર ‘ન્યૂયોર્ક હેરાલ્ડે’ લખ્યું – “ધર્મ સભામાં ભાગ લેવાવાળા પ્રતિનિધિઓમાં બેશક સૌથી મહાન સ્વામી વિવેકાનંદ હતા. એમને સાંભળ્યા બાદ આપણને લાગે છે કે આવા શાની દેશમાં આપણા ધર્મપ્રચારકો (મિશનરીઓ)ને મોકલવા એ કેટલી મોટી મૂર્ખતા છે.” ન્યૂયોર્કથી પ્રકાશિત ‘ક્રિટિક’માં તેમને દૈવી અધિકારપ્રાપ્ત વક્તા’ (An Orator By Divine Rights) કહેવામાં આવ્યા. બધાં જ સમાચાર-પત્રોએ તેમના સંપૂર્ણ ભાષણને ઉદ્ધત કર્યાં. અમેરિકાનાં પ્રખ્યાત સમાચાર પત્રો – ‘રધરફોર્ડ અમેરિકન’, ‘ધ બૉસ્ટોન ઈવનિંગ ટ્રાંસ્ક્રિપ્ટ’ અને ‘ધ શિકાગો ટ્રિબ્યુન’માં સ્વામી વિવેકાનંદ વિશે વિસ્તારથી માહિતીસભર લેખો લખવામાં આવ્યા.
ધર્મમહાસભાના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ માનનીય શ્રી મરબીન મેરી સ્નેલે લખ્યું – “એક પણ ધર્માચાર્યે ધર્મમહાસભા અને અમેરિકન જનતા પર એટલો મોટો પ્રભાવ ન પાડ્યો જેટલો કે હિન્દુધર્મો અને તેમાં પણ સૌથી વધુ મહત્વપૂર્ણ હતા – હિન્દુધર્મના પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદ, જેઓ બેશક સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ પ્રભાવશાળી હતા.”
પણ આ માત્ર વ્યક્તિગત વિજય અને ગૌરવ નહોતા. ભારતીય સંસ્કૃતિ અને ધર્મની પ્રતિષ્ઠા ગગનચુંબી બની ગઈ. ભારત – એક ગુલામ દેશ – જેને અંધવિશ્વાસોથી ભરપૂર, અસભ્ય ગણવામાં આવતો હતો, શાશ્વત જ્ઞાનનો ભંડાર ગણાવા લાગ્યો, વિશ્વધર્મની પવિત્ર ભૂમિ બની ગયો, સમસ્ત વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું સન્માન થવા માંડયું. અમેરિકાવાસીઓની દૃષ્ટિ પણ બદલાવા માંડી. તેઓને કટ્ટર ખ્રિસ્તી મિશનરીઓએ સમજાવી દીધું હતું કે જ્યાં સુધી ભારતના અજ્ઞાની જનસમૂહમાં બાઈબલ નહિ મોકલવામાં આવે ત્યાં સુધી તેઓના ઉદ્ધારનો કોઈ ઉપાય નથી. અને આ કાર્ય માટે તેઓએ વિચિત્ર વાર્તાઓ ઉપજાવી કાઢી હતી, જેનું સચિત્રવર્ણન બાળકોનાં પુસ્તકોમાં કરવામાં આવતું હતું. ભારતમાં એક ખ્રિસ્તી મિશનરીએ અમેરિકન બાળકો માટે “Songs For the Little Ones At Home” (ઘરમાં બાળકો માટેનાં ગીતો) નામના પુસ્તકમાં એવું એક ગીત (અંગ્રેજીમાં) આપ્યું હતું:
જરા જુઓ તો ખરા,
એક અંધ પૂજાને વરેલી મા,
અરે, મા પોતાના વ્હાલાને, વહાવે ગંગાધારામાં!
બાળનું કંદન બને છે અરણ્ય રુદન,
અરે ગંગાના નીરે ય થરથરે, થંભે,
જ્યાં જળનો મગર આ કોમળને ક્રૂર દાંતથી પીસે.
બાળ રુદન શમે કરુણ ઘેરે સ્વરે
અહીં માનું હૃદય ન હલે
વહાલાના મૃત્યુક્રંદને જડવત્ રહે!
આ તે મા, ગોઝારી મા, કેવી મા!
આ પ્રેમહૃદય વિહોણી માને,
ખપે છે ભાઈ, બાઈબલ જ, એક બાઈબલ જ.
એને હૃદયદીવડો કરશે એનો સંદેશ
અને એ જ સર્જશે વ્હાલા માટે વખ ખાતી મા.
આ કવિતા, ખ્રિસ્તી પ્રચારકોએ અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ વિશેની ગેરસમજ ફેલાવવામાં કેવો ભાગ ભજવ્યો હતો તેનો સંકેત આપે છે. ભારત વિશે અમેરિકન પ્રજાનાં મનમાં પેસી ગયેલી ભાતભાતની વિચિત્ર ભ્રામક ધારણાઓને દૂર કરવા માટે સ્વામી વિવેકાનંદજીને એકલે હાથે વીરતાપૂર્વક લડવું પડ્યું હતું.
ઈ. સ. ૧૮૫૮માં અમેરિકામાં એક પુસ્તક ‘India and Its Inhabitants’ (ભારત અને તેના નિવાસીઓ) પ્રથમવાર પ્રકાશિત થયું જેમાં ભારત વિશે ઘણી જૂઠાણાભરી વાર્તાઓ આપવામાં આવી હતી. સાથે-સાથે રેખાચિત્રો આપવામાં આવ્યાં હતાં. એકમાં, કેવી રીતે ભારતીય મા પોતાના બાળકને ગંગામાં નાખી દે છે અને મગર તેને ખાઈ જાય છે, બીજામાં, એક જીવતી સ્ત્રીને તેનો પતિ કેવી રીતે બાળી નાખે છે, અન્ય ચિત્રમાં અંધવિશ્વાસી એક મા પોતાના બાળકને પક્ષીઓના ભોજન વાટે ફેંકી દે છે વગેરે.
ડેટ્રાયેટમાં એક ખ્રિસ્તી ચર્ચમાં વ્યાખ્યાન આપતી વખતે સ્વામીજીને એકવાર આવો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું હિન્દુમાતાઓ પોતાના શિશુઓને નદીમાં નાખી દે છે જેથી મગર તેને ખાઈ જાય? સ્વામીજી તો હાજરજવાબી હતા. તેમણે વિનોદપૂર્વક કહ્યું, “હા મેડમ, મને પણ મારી માએ ફેંકી દીધો હતો પણ હું એટલો જાડો હતો કે મગરે મને ખાવાનો ઈન્કાર કરી દીધો!” તત્ક્ષણ ગંભીર થઈ ગર્વપૂર્વક તેમણે વિજયની મુદ્રામાં કહ્યું- “પણ સજ્જનો અને સન્નારીઓ, હું આપને ખાતરી આપું છું કે અમે કોઈ દિવસ (તમારી જેમ) ડાકણોને સળગાવી નથી.” સભા શાંત થઈ ગઈ અને સ્વામીજીના આ વિજયને લોકોએ વધાવી લીધો.
‘ધ ટાઈમ્સ હિસ્ટોરીયન્સ હિસ્ટરી ઑફ ધ વર્લ્ડ’ ભાગ ૨ – પૃ. ૫૪૭-૫૪૮) નામના પુસ્તકમાં ધર્મ- મહાસભામાં બનેલ એક ઘટના વર્ણવામાં આવી છે, જે દર્શાવે છે કે સ્વામીજી ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે કેવી મક્કમતાથી લડતા. એકવાર ભાષણ દેતી વખતે સ્વામીજીએ અધવચ્ચે જ હાજર રહેલા શ્રાતાઓને પૂછ્યું કે જેમણે હિન્દુઓનાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને આ રીતે હિન્દુધર્મ વિશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેઓ પોતાના હાથ ઊંચા કરે. ફક્ત ત્રણ-ચાર જ હાથ ઊંચા થયા, જો કે શ્રોતાઓમાં ઘણા દેશના આગેવાન, ધર્મગુરુઓ – વિદ્વાનો હાજર હતા. શ્રોતાઓ તરફ દયાભરી નજર કરીને સ્વામીજી ટટ્ટાર ઊભા થઈ ગયા અને કહ્યું, “અને છતાં તમે લોકો અમારી ટીકા કરવાની હિંમત કરો છો!” એવા ઘનગંભીર સ્વરમાં આ થોડા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા કે બધા શ્રોતાઓને આ ઠપકો હાડોહાડ લાગ્યો હશે.
શિકાગોના ધારાશાસ્ત્રી અને ધર્મસભાના મુખ્ય આયોજક શ્રી ચાર્લ્સ કેરોલ બોનીના મત પ્રમાણે ધર્મસભાનો ઉદ્દેશ હતો: વિશ્વના મહાન ધર્મોના નેતાઓને એકત્ર કરી વિચારોનુ આદાન-પ્રદાન કરી સર્વધર્મ વચ્ચે સંવાદિતા સ્થાપવી. પણ તેનો મૂળ ઉદ્દેશ તો હતો વિશ્વમાં ખ્રિસ્તી ધર્મ જ સૌથી મહાન છે એવી માન્યતા સૌના મનમાં ઠસાવી દેવી. પણ થઈ ગયું ઊંધું! વિશ્વમાં સનાતન ધર્મનો ડંકો વાગી ગયો. લોકો હિન્દુધર્મની વૈજ્ઞાનિકતા, વિશાળતા અને સાર્વભૌમિકતાથી પ્રભાવિત થઈ ગયા. શ્રી અરવિંદે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદનું વિદેશગમન એ પહેલો સંકેત હતો કે ભારત જાગૃત હતું – માત્ર બચવા ખાતર નહીં પણ જીતવા માટે.
૧૮૯૩ના મે માસમાં સ્વામીજી જયપુરથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની મુલાકાત તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી સાથે આબુરોડ સ્ટેશન પર થઈ ગઈ. ત્યારે સ્વામીજીએ તેમના ગુરુભાઈને કહ્યું હતું, “મારો અંતરાત્મા મને કહે છે કે વિશ્વધર્મપરિષદ (પોતાના શરીર તરફ આંગળી કરીને) આને (પોતાને) માટે ભરાઈ રહી છે. અને તમે નજીકના ભવિષ્યમાં જ એ સાચું પડેલું જોશો.” અને ખરેખર એમ જ બન્યું! શિકાગો ધર્મસભાના અધ્યક્ષ પાદરી જોન હેનરી બેરોઝે, પણ (જેઓ કટ્ટર ખ્રિસ્તી મિશનરી હતા) ધર્મસભા વિષે બે ભાગમાં પ્રકાશિત મહત્વપૂર્ણ પુસ્તક ‘The World’s Parliament of Religions’માં આ વાતનો સ્વીકાર કર્યો કે સ્વામી વિવેકાનંદ આ ધર્મસભાના સૌથી વધુ પ્રસિદ્ધ વ્યક્તિમાંના એક હતા.
ડાર્વિનના મતવાદથી ધર્મજગતમાં ખળભળાટ મચી ગયો હતો અને પાશ્ચાત્ય દેશના લોકો જ્યારે ધર્મ પરની શ્રદ્ધા ગુમાવી રહ્યા હતા ત્યારે પહેલીવાર તેઓએ આ ધર્મસભામાં સ્વામી વિવેકાનંદજીના મુખે એક વૈજ્ઞાનિક ધર્મની – વેદાંતની – વાત સાંભળી, જેની ફિલસૂફીનાં આધ્યાત્મિક ઉડ્ડયનો એટલાં ઉચ્ચ છે કે આધુનિકતમ વૈજ્ઞાનિક શોધખોળો તો તેના પ્રતિધ્વનિ જેવી લાગે.
પાશ્ચાત્ય જડવાદી સભ્યતાના વિષથી સંતપ્ત થયેલ અમેરિકન પ્રજાને આ ધર્મસભામાં સ્વામી વિવેકાનંદજીએ પહેલીવાર વેદાંતના અમૃતનો ઘૂંટડો પીવડાવ્યો. મેરી લૂઈ બેર્ક લગભગ ચાલીસ વર્ષોના કઠિન શોધકાર્ય બાદ લખેલ પોતાના પુસ્તક “Swami Vivekananda in the west New Discoveries” (છ ભાગો)માં વિસ્તારથી વર્ણન કર્યું છે કે અમેરિકા અને અન્ય પાશ્ચાત્ય દેશોમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવા કેટલો અથાગ પરિશ્રમ સ્વામી વિવેકાનંદજીને કરવો પડ્યો હતો. શું અમેરિકન પ્રજાએ આ વેદાંતમાં અમૃતના પ્યાલાની ભેટ સ્વીકારી? ઈલેનેર સ્ટાર્ક તાજેતરમાં પ્રગટ થયેલ પોતાના પુસ્તક “The Gift Unopened – A New American Revolution”માં કહે છે, હા સ્વીકારવાનો થોડો પ્રારંભ તો થયો હતો એકસો વર્ષો પૂર્વે. પણ આ અમૂલ્ય ભેટ આજે પણ અકબંધ છે. વર્તમાન સમાજની કફોડી સ્થિતિમાં વેદાંતની આ ભેટ કેટલી ઉપયોગી છે અને તેના દ્વારા અમેરિકામાં આધ્યાત્મિક ક્રાન્તિનું કેવું બીજારોપણ થઈ ગયું છે તેનું સવિસ્તાર વર્ણન આ પુસ્તકમાં મળે છે. તેમના મત પ્રમાણે “કોલંબસે અમેરિકાની શોધ કરી પણ સ્વામી વિવેકાનંદે અમેરિકાના આત્માની શોધ કરી.” કેવો અદ્ભુત સંયોગ! ભારતની શોધમાં નીકળેલ ક્રિસ્ટોફર કોલંબસ ઈ. સ. ૧૪૯૨માં અમેરિકાની શોધ કરે છે અને આ શોધને ચારસો વર્ષો પૂરાં થયાં એ ઉપલક્ષમાં શિકાગોમાં ભવ્ય ‘કોલંબિયન એક્સપોઝીન’ નામનો વિશ્વમેળો આયોજિત થાય છે, જેથી અમેરિકાની ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક વિકાસની માહિતી વિશ્વને મળે, સાથે-સાથે વીસ મહાસમિતિઓમાંની એક સમિતિ વિશ્વધર્મસભા વિષે રચાય છે અને આ ધર્મસભાના માધ્યમથી એ જ અમેરિકા ગૌરવમય આધ્યાત્મિક સંસ્કૃતિવાળા ભારતની શોધ કરે છે અને મહામાનવ સ્વામી વિવેકાનંદની શોધ કરે છે અને પછી સ્વામી વિવેકાનંદ જડવાદી સભ્યતાથી ગ્રસ્ત અમેરિક આધ્યાત્મિક જાગૃતિ લાવીને અમેરિકાના આત્માની શોધ કરે છે!
હિન્દુ ધર્મે પોતે પણ આ ધર્મસભામાંથી કેટલું મેળવ્યું ! આ પહેલાં હિન્દુધર્મ વિભિન્ન સંપ્રદાયોમાં વહેંચાયેલો હતો તેમના કેન્દ્રીભૂત આદર્શો ક્યા છે તેની કોઈને ભાગ્યે જ જાણ હતી. ભગિની નિવેદિતાએ યોગ્ય જ કહ્યું છે – “વિશ્વધર્મ-પરિષદમાં અપાયેલાં સ્વામીજીનાં ભાષણો વિષે કહી શકાય કે સ્વામીજીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમનો વિષય ‘હિંદુઓના ધાર્મિક વિચારો’ હતો. પણ, એમનું ભાષણ પૂરું થયું ત્યારે હિંદુ ધર્મનું નવસર્જન થઈ ચૂક્યું હતું.”
સ્વામી વિવેકાનંદજીની વિશ્વધર્મસભામાં જે ઝળહળતી સફળતા મળી તેના ઘેરા પડઘા ભારતમાં પડ્યા. બે હજાર વર્ષોથી નિદ્રિત ભારતમાતાએ પહેલીવાર પડખું ફેરવ્યું. ભારતવાસીઓ પોતે ગુલામીના માનસમાંથી, હીનતાથી બેડીઓમાં બંધાઈ ગયા હતા, તેમણે આત્મગૌરવની લાગણી અનુભવી અને તરુણોમાં એક નવી જાગૃતિ આવી. કાકાસાહેબ કાલેલકર કહે છે – “હું જ્યારે મારા બાલ્યકાળનો અને યૌવનકાળનો વિચાર કરું છું ત્યારે અમારા હૃદય પર સ્વામી વિવેકાનંદે કેવી જાદુ જેવી અસર કરી હતી એના સ્મરણથી આજે પણ ગદ્ગદ્ થાઉં છું.” દેશના મોટા ભાગના ક્રાન્તિવીરો અને રાષ્ટ્રનેતાઓના પ્રેરણાસ્રોત બન્યા – સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ડૉ. રાધાકૃષ્ણન વગેરે સૌએ પોતે આ એકરાર કર્યો છે.
આ ધર્મસભામાં પહેલી જ વાર લોકોએ સાંભળ્યું કે સર્વ ધર્મો મહાન છે અને એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. અત્યાર સુધી બહુબહુ તો ધર્મ સહિષ્ણુતાની વાત થઈ હતી પણ સ્વામી વિવેકાનંદજીએ સહિષ્ણુતા જ નહિ, બધા ધર્મોના સ્વીકારની વાત કરી. તેમના શબ્દો પાછળ તેમના ગુરુની અનુભૂતિનું બળ હતું એટલે આ વાત શ્રોતાઓના હૃદય સોંસરવી ઊતરી ગઈ. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં વારાફરતી વિભિન્ન ધર્મોની સાધના કરી એક જ પરમ સત્યને પ્રાપ્ત કર્યું હતું અને પછી તેમણે ઉદ્ઘોષણા કરી હતીઃ ‘જેટલા મત તેટલા પથ.’ હજારો વર્ષો પૂર્વેની વેદની જે વાણી હતી- ‘એકમ સત્ વિપ્રા બહુધા વદન્તિ’ (સત્ય એક જ છે, વિદ્વાનો તેનું ભિન્ન-ભિન્ન રીતે વર્ણન કરે છે) તેને શ્રીરામકૃષ્ણદેવે સાધનાની પ્રયોગશાળામાં પ્રમાણિત કરી દીધી. એટલે જ 27મી સપ્ટેમ્બરે ધર્મપરિષદની છેલ્લી બેઠકમાં સ્વામી વિવેકાનંદજી અધિકારપૂર્વક કહી શક્યા હતા – “વિશ્વધર્મપરિષદે જગતને જો કાંઈ આપ્યું હોય તો તે આ છેઃ પવિત્રતા, શુદ્ધિ અને દયા, એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો હોય, તો મારા હૃદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે, હું એવાને કહું છું કે, ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્ત્વરે આ પ્રમાણે લખાશે: “સહાય, પરસ્પર વેર નહીં,” “સમન્વય, વિનાશ નહીં.” “સંવાદિતા અને શાંતિ, કલહ નહીં.”
ધર્મપરિષદની આ શિક્ષાથી ધર્મઝનૂનતાની કરોડરજજુ ભાંગી તો નહીં પણ તેના પર પહેલો પ્રહાર અવશ્ય થયો. આજથી સો વર્ષ પહેલાં કૈંટેબરીના આર્ક બિશપે આ ધર્મસભામાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો હતો અને તેનું કારણ આપતાં તેમણે કહ્યું હતુઃ “હું માર્ગના અંતરને કારણે અથવા અન્ય અગવડોને કારણે ત્યાં નથી જઈ રહ્યો એવું નથી પણ એનું કારણ છે કે હું માનું છું કે ખ્રિસ્તી ધર્મ જ એક માત્ર ધર્મ છે અને મને સમજમાં નથી આવતું કે અન્ય ધર્મોના પ્રતિનિધિઓને ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિઓ સાથે એક મંચ પર કેવી રીતે બેસાડી શકાય. આથી તો બધા ધર્મોને સમાન દરજ્જો મળી જશે!” આ સમય દરમિયાન આ પરિસ્થિતિમાં ઘણું સુધારાજનક પરિવર્તન આવ્યું છે. બીજી વેટિકન કાઉન્સિલે પ્રથમવાર બધા ધર્મોનો સ્વીકાર કર્યો છે. વર્તમાન પોપે ખ્રિસ્તી અનુયાયીઓને અન્ય ધર્મોના અભ્યાસની છૂટ આપી છે. તાજેતરમાં કલકત્તામાં 11, 12, 18 અને 19 સપ્ટેમ્બરમાં યોજાયેલ વિશ્વધર્મસભામાં કેટલાય ખ્રિસ્તી પાદરીઓએ સ્વીકાર કર્યો કે ખ્રિસ્તી ધર્મમાં આ ઉદારતાવાદી વલણ અપનાવવાનો પ્રારંભ ઈ. સ. 1893ની શિકાગો ધર્મસભા પછીથી જ થયો; અને તેનું શ્રેય સ્વામી વિવેકાનંદને જાય છે. અન્ય કેટલાક ધર્મોમાં પણ ઉદારતાવાદી વલણ આવતું જાય છે. તો પણ હજી ઘણી મંઝિલ કાપવાની બાકી છે. વિસંવાદિતાની સમય્ આપણા પોતાના દેશમાં તેમ જ અન્ય દેશોમાં આજે પણ વિકરાળ સ્વરૂપે વિદ્યમાન છે. સ્વામી વિવેકાનંદે જે વિશ્વધર્મ સ્થાપવાનું સ્વપ્ન સેવ્યું હતું તે હજુ પૂરું થયું નથી. તેમણે ૧૯મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ હિન્દુધર્મ વિશેના પ્રવચનમાં કહ્યું હતું – “જો કોઈ વિશ્વધર્મ સ્થાપવાનો હોય તો તે સમય અને સ્થળથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે, તે પરમાત્માની જેમ અનંત હોવો જોઈએ. આ વિશ્વધર્મ વૈદિક-બ્રાહ્મણ ધર્મ નહીં હોય, એ બૌદ્ધ ધર્મ નહીં હોય, એ ખ્રિસ્તી ધર્મ નહીં હોય, એ ઈસ્લામ પણ નહીં હોય, એ સર્વનો સરવાળો હશે, અને તેમ છતાં વિકાસ માટે અનંત અવકાશવાળો હશે. આ વિશ્વધર્મના બંધારણમાં ત્રાસવાદને સ્થાન નહીં હોય, અસહિષ્ણુતાને સ્થાન નહીં હોય.. આવો કોઈ વિશ્વધર્મ તમે રજૂ કરો, અને જુઓ કે સમગ્ર માનવજાત તમને અનુસરશે.” આજે માનવજાત આવી ઝંખના કરે છે. તાજેતરમાં યોજાયેલ કલકત્તાની વિશ્વધર્મપરિષદમાં વિભિન્ન દેશોમાંથી આવેલા લગભગ ૧૦૦ વિદ્વાનોએ આ જ વાતને વાચા આપી. આ પરિષદના અંતિમ સત્રમાં વિશેષ અતિથિપદેથી બોલતાં ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્માએ કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં સ્વામી વિવેકાનંદજીનો સંદેશ અત્યંત પ્રાસંગિક છે. રામકૃષ્ણ મિશન, દિલ્હી દ્વારા આ શતાબ્દી પ્રસંગે આયોજિત સભામાં ભારતના વડાપ્રધાન શ્રી પી.વી. નરસિંહરાવે પણ આ જ વાત ઉચ્ચારી હતી.
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું – ભારતે પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા સમસ્ત વિશ્વનો જય કરવાનો છે. પાશ્ચાત્ય દેશો જડવાદી સભ્યતાથી કંટાળી ગયા છે, વેદાંતના અમૃતની શોધમાં છે, ત્યારે ખરેખર એ વિડંબના છે કે આપણા સમાજને પાશ્ચાત્ય જડવાદી સંસ્કૃતિના આંધળા અનુકરણનું ઘેલું લાગ્યું છે.
તો ચાલો, સ્વામી વિવેકાનંદજીના વિચારોને કાર્યરૂપ આપવા મંડી પડીએ, સ્વામીજી આપણી સાથે છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું- “એવું બનશે ખરું કે આ દેહમાંથી બહાર નીકળી જવાનું, એને એક જીર્ણ વસ્ત્રની જેમ ફેંકી દેવાનું મને બહેતર લાગે; પરંતુ મારું કાર્ય તો અવિરત ચાલ્યા કરશે! જગત આખું પ્રભુ સાથે એકતા અનુભવી રહે ત્યાં સુધી હું સર્વત્ર મનુષ્ય માત્રને પ્રેરણા પાતો રહીશ!” (જીવનચરિત્ર- ૩૪૭)
સ્વામીજી પોતાના સૂક્ષ્મ રૂપમાં હાજર છે આ વાતની પ્રતીતિ ઘણાને થઈ રહી છે. 11મી સપ્ટેમ્બરે કલકત્તાની વિશ્વધર્મસભાના ઉદ્ઘાટન પ્રસંગે બંગાળના ગર્વનરે જ્યારે સ્વામી વિવેકાનંદજીની વિરાટ છબીનું અનાવરણ કર્યું ત્યારે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં ઉપસ્થિત બાર હજાર લોકોએ અદ્ભુત રોમાંચ અનુભવ્યો. બધા પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા અને તાલીઓના ગડગડાટમાં વૈદિક શ્લોકનો ધ્વનિ ‘શ્રૃણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા:’ એવો ભળી ગયો કે ઘણાને સ્વામીજીની સાક્ષાત્ ઉપસ્થિતિનો અનુભવ થયો.
શિકાગો ધર્મસભામાં સ્વામી વિવેકાનંદજીએ ભાગ લીધો ત્યારે વિશ્વના ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું. જ્યારે સ્વામી વિવેકાનંદજીનાં સ્વપ્નો સિદ્ધ થશે ત્યારે એક નવું સાનેરી પાનું ઉમેરાશે. સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં પ્રાર્થના કે આપણને સૌને તેમના સંદેશને ઝીલવાની, પ્રચાર-પ્રસાર કરવાની, તેમના સ્વપ્નો સિદ્ધ કરવાની શક્તિ આપે.
Your Content Goes Here




