અર્જુનનું નસીબ સારું કે એણે એવી વ્યક્તિને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું કે જે આદિથી અંત સુધી જીવનયાત્રાનાં બધાં રહસ્યોના જ્ઞાતા હતા. એમણે પણ અર્જુનને માધ્યમ બનાવીને કૃપાપૂર્વક જીવનયાત્રાના બધાં રહસ્યો ભવિષ્યની બધી પેઢીઓ સામે ખુલ્લા કરી દીધાં. ગીતામાં ભગવાને કહ્યું છે કે ‘હે અર્જુન! તારા અને મારા આ પહેલાં કેટલાય જન્મ થઈ ચૂક્યા છે. એ બધાને હું જાણું છું અને તું નથી જાણતો.’ 

એટલે મિત્રો! આ પહેલાં પણ આપણા લાખો જન્મ થયા છે. આપણી જીવનયાત્રા અનાદિકાળથી ચાલતી રહી છે. એ ક્યારે પ્રારંભ થઈ એનો વર્ષોમાં હિસાબ ન થઈ શકે. આ તો યુગ અને કલ્પોની વાત છે. આપણે જાણીએ કે ન જાણીએ પણ આપણી આ યાત્રા ચાલતી જ રહે છે. આ જન્મ આપણી યાત્રાનો પ્રારંભ નથી. એ તો વચ્ચેનો મુકામ છે, એક સ્ટેશન છે, જંકશન છે. જંકશન એટલે કે ત્યાંથી કેટલીયે જગ્યાએ જવા માટે ગાડીઓ નીકળે છે. સ્વર્ગલોક, નરક, પિતૃલોક અને બ્રહ્મલોક સુધીની ગાડીઓ જાય છે. વૈકુંઠધામ કે પોતાના ઈષ્ટલોકમાં પણ જવા માટે આ જંકશન પરથી ગાડી મળે છે. આપણે ઇચ્છીએ તો આ જંકશનથી આપણી યાત્રાના પરમ ગંતવ્યસ્થાન એટલે કે જીવનમુક્તિ ધામની પણ ગાડી આપણને મળી શકે અને આપણે ત્યાં પહોંચી પણ શકીએ.

આપણે જંકશને ઊભા છીએ. હવે ક્યાં જવું એનો નિર્ણય કરવાનો છે. આપણે આપણા ગંતવ્યસ્થાનનો નિર્ણય કરવાનો છે. નિર્ણય લેવા માટે માર્ગદર્શન આપનારા અનેક મિત્રો મળી જશે. બધી સૂચનાઓ અને ગાઈડ પણ પ્રાપ્ય છે. આપણે ક્યાં જવા ઇચ્છીએ છીએ એનો તો આપણે નિર્ણય કરીએ!

૨૫૦૦ વર્ષથી પણ પહેલાં એક રાજાએ પોતાના એકના એક દીકરાની કહેવાતી સુખદ યાત્રા માટે બધી તૈયારી કરી નાખી. એ રાજાને એવો વિશ્વાસ હતો કે સંસારમાં જેટલી વધારે સુખસુવિધાઓ મળી રહે, ભોગની જેટલી વ્યવસ્થા કરાય, જીવનયાત્રા એટલી જ વધારે સુખી અને સફળ બને. ઘણી સુંદરમજાની વ્યવસ્થા કરી. એ માટે તૈયારીઓ પણ પૂરતી હતી. રાજકુમાર પણ સ્વસ્થ, સુંદર, બળવાન અને ગુણવાન હતો. એની સુખદ જીવનયાત્રા માટે બધી વસ્તુ પૂરી પાડવામાં આવી હતી. દરેક ઋતુમાં રહેવા માટે અલગ અલગ રંગમહેલ બનાવ્યા હતા. રાગરંગ, ખાનપાન, આમોદપ્રમોદની સરસમજાની વ્યવસ્થા હતી. દાસદાસીઓ, ગાયક નર્તકીઓ પણ ત્યાં હતી. આ બધાં સુખો તો હતાં, સાથે ને સાથે પરમ સુંદર ગુણવતી અને અનુકૂળ પત્ની પણ ખરી. રાજકુમાર માટે સંસાર જાણે કે એક આનંદ મેળો હતો. અત્યંત સુખદ જીવનયાત્રા ચાલે છે. આ બધાં સુખો વચ્ચે વળી વધારો કરનાર એક પુત્રરત્ન પણ પ્રાપ્ત થયું. 

યાત્રા આમ આનંદપૂર્વક ચાલતી રહી. એ જ વખતે કુમારથી અત્યાર સુધી છુપાવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો એવો આ યાત્રાનો બીજો પક્ષ પણ જોવા મળ્યો. આ કુમારે એક રોગીને જોયો, એક વૃદ્ધને જોયો, એક મૃત માનવીને જોયો અને એની ચિંતાનો પાર ન રહ્યો. તે બોલી ઊઠ્યો: ‘આ વળી શું? આ બધા વ્યક્તિઓને આવાં દુ:ખકષ્ટ શા માટે?’ ત્યારે રાજકુમારને ખ્યાલ આવ્યો કે આ દુ:ખકષ્ટ કેવળ એ વ્યક્તિઓ પૂરતાં નથી, પણ પ્રાણીમાત્રની એ નિયતિ છે. સાથે ને સાથે કુમારના મનમાં એક આવો પ્રશ્ન ઊઠ્યો: ‘શું મારું ભાવિ પણ આવું જ છે?’ અને વજ્ર જેવો કઠોર પ્રત્યુત્તર મળ્યો: ‘હા, રાજકુમાર! વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ તમારી પણ નિયતિ છે.’

રાજકુમારની ઉદાસીનતાનો પાર ન રહ્યો. આ બધા ભોગ નિરર્થક અને ફિક્કા લાગવા માંડ્યા. રંગરાગ બધા બની ગયા નિરસ! એ જ સમયે આ રાજકુમારે એક દિવસ મુંડન કરેલ ગેરુઆ વસ્ત્ર ધારણ કરનાર એક સૌમ્ય મૂર્તિ સંન્યાસીને જોયા. એને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિએ સંસારની અસારતાને જાણીને એનો ત્યાગ કર્યો છે અને પરમ સુખ-શાંતિના માર્ગના પથિક બની ગયા છે. એને જોઈને રાજકુમાર થોડાક ખચકાયા. પછી સાવધ થયા. આજની ભાષામાં કહીએ તો એને ‘રેડસિગ્નલ’ મળી ગયું. કુમારને સમજાઈ ગયું કે તેઓ જે રસ્તે ચાલી રહ્યા છે, તેમાં આગળ ભયંકર ખતરો છે. એને એ વાતનો પણ ખ્યાલ આવી ગયો કે ક્યાંક કોઈક ભૂલ થઈ ગઈ છે. યાત્રાની દિશા ખોટી પકડાઈ ગઈ છે. હવે આ યાત્રા ભલે ને ગમે તેટલી સુખદ લાગે પણ એનું પરિણામ તો ભયંકર જ હશે. કુમારની ચેતના જાગી ઊઠી. એની અંત: પ્રજ્ઞાએ કહ્યું: ‘હે કુમાર! મનુષ્યની જીવનયાત્રાનું ગંતવ્યસ્થાન વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન હોઈ શકે. એનું ગંતવ્યસ્થાન તો પ્રકાશ અને અમરત્વ છે.’ અંતરાત્માનો અવાજ સાંભળીને કુમાર સાવધ થઈ ગયો. એણે દૃઢ સંકલ્પ કર્યો અને પોતાના જીવનની યાત્રાની દિશા બદલી નાખી અને આ જ જીવનમાં ગંતવ્યસ્થાન સુધી પહોંચી ગયો. 

રાજકુમાર સિદ્ધાર્થ તથાગત ભગવાન બુદ્ધ બની ગયા. આજે ૨૫૦૦ વર્ષથી સમગ્ર જગતના કરોડો લોકોને જીવનયાત્રાની તેઓ સાચી દિશા ચીંધે છે. 

આ યાત્રાની વિશેષતા એ છે કે એમાં કોઈ પણ મુકામેથી એની દિશા બદલી શકાય છે. એટલે આપણે યાદ રાખવું જોઈએ કે આ જન્મ જ આપણી યાત્રાનો પ્રારંભ નથી. આપણે તો અનાદિ યાત્રી છીએ અને એટલે જ અનંતમાં પહોંચીને, એમાં વિલીન બનીને આપણી યાત્રા પૂર્ણ થશે. જ્યાં  સુધી આપણે અનંતમાં ન પહોંચી જઈએ, એમાં એક ન બની જઈએ, ત્યાં સુધી આપણી યાત્રા ચાલતી રહેશે અને આપણે ચાલવું જ રહ્યું; એનો કોઈ વિકલ્પ નથી.

યાત્રી તો આપણે પણ છીએ, ચાલી રહ્યા છીએ, નિરંતર ચાલતા રહ્યા છીએ. આમ છતાં પણ આપણે સાવધાન રહેવું પડશે કે ક્યાંક કોઈ ઊલટી દિશામાં તો જઈ રહ્યા નથી ને! રાજકુમાર સિદ્ધાર્થે યુવાવસ્થામાં જ આ બધું સમજી લીધું. પોતાની યાત્રા ઊલટી દિશામાં થઈ ગઈ છે, એ જાણી લીધું અને જાણતાંવેંત જ એણે દિશા પણ બદલી નાખી. 

આપણી યાત્રાની દિશા ક્યારે ઊલટી થઈ જાય? આવી ભૂલ આપણે ક્યારે કરી બેસીએ? માનવદેહ એટલા માટે મળ્યો છે કે આપણે એના દ્વારા સીમિતથી અસીમિત સુધી પહોંચી જઈએ, મૃત્યુમાંથી અમરત્વની મંજિલે પહોંચી જઈએ; બીજી બધી ૮૪ લાખ યોનિઓ તો ભોગની યોનિઓ છે. દેવ, ગાંધર્વ, કિન્નર બધી ભોગ યોનિઓ છે. એ યોનિઓમાં, બીજા શબ્દોમાં કહીએ તો આ વાહનો દ્વારા આપણે યાત્રાના અંતિમ મુકામે પહોંચી શકીએ નહિ. આ યોનિઓમાં કેવળ ભોગ જ ભોગવી શકાય, યોગ નહિ. આ બધી યોનિઓ કચરો પૂંજો ઉપાડનારી ગાડીઓ છે. એ કચરાને કાઢીને આપણા કર્મનો ક્ષય કરે છે. એનાથી વધુ કંઈ થતું નથી.

આપણી ભૂલ ક્યારે થાય? જ્યારે આપણે આ સર્વશ્રેષ્ઠ માનવદેહને પણ ભોગયોનિ બનાવી દઈએ ત્યારે જીવનમાં ઈંદ્રિય સુખ જ સર્વસ્વ બની જાય, આપણું જીવન ભોગકેન્દ્રિત બની જાય; ધન, વૈભવ, માનયશ, પદ એ જ જીવનનું લક્ષ્ય બની જાય, ત્યારે આપણી દિશા ઊલટી થઈ જાય અને ત્યારે આપણે આગળ વધવાને બદલે પીછેહઠ કરવા માંડીએ છીએ. ઉપર જવાને બદલે નીચે જવા માંડીએ છીએ. ઉપનિષદોના શબ્દોમાં કહીએ તો આપણે ‘આત્મહન:’ બની જઈએ છીએ.

આ આત્મહત્યા એટલે ઊલટી દિશામાં ચાલવું. મરીને અંધકારમય અસુરલોકમાં જવું, મૂઢ પશુ યોનિઓમાં જન્મ લેવો, બંધનોમાંથી છૂટવાને બદલે એ બંધનોમાં વધારે ને વધારે જકડાઈ જવું. ભગવાન કૃષ્ણે સ્પષ્ટ કહ્યું છે: ‘નિ:બંધાય આસુરીમતા – આસુરી સ્વભાવ બંધનનું કારણ બને છે. કામભોગેષુ પ્રસક્તા: અશુચૌ નરકે પતન્તિ – કામ ભોગોમાં આસક્ત લોકો અપવિત્ર નરકમાં પડે છે. એટલું જ નહિ માનવદેહમાં પશુઓ જેવું જીવન વિતાવવાવાળાને સ્વયં ભગવાન જ આસુરી યોનિમાં ફેંકી દે છે – ક્ષિપામી અજસ્રુમ અશુભાન આસુરિષુ એવ યોનિષુ. એટલે આપણે બધાએ સાવધાન રહેવું પડે કે આપણી યાત્રાની દિશા ઊલટી ન થઈ જાય. આપણે હંમેશાં આપણી સમક્ષ ‘યાત્રી સાવધાન’નું બોર્ડ લગાવી દેવું પડે.

યાત્રી કોણ?

અહીં આપણે બે શબ્દ યાત્રી વિશે કહીશું. એક બીજી ભૂલ પણ યાત્રીથી થઈ જાય છે અને તે એ છે કે યાત્રી વાહનને જ ‘યાત્રી’ સમજી બેસે છે. આપણું શરીર વાહન જ છે અને એની ભીતર યાત્રી બેઠો છે. તે શરીર નથી, તે ચૈતન્ય આત્મા છે. શરીર તો રથ છે અને રથિ છે ચૈતન્ય આત્મા જ – આત્માનં રથિનં વિદ્ધિ. એટલે આપણે ક્યાંક આ શરીરને જ ‘હું’ ન સમજી બેસીએ એનાથી સાવધાન રહેવું જોઈએ. એને જ આપણે યાત્રી ન સમજી બેસીએ એ પણ જોવું જોઈએ.

આ યાત્રીને બરાબર ઓળખી લેવો પડે. એને યાદ અપાવી દેવું પડે કે દેહ, મન વગેરે તમારું વાહન છે, તમે એના માલિક છો. તમારે એનો ઉપયોગ કરી લેવાનો. આ વાહન બગડી જાય, નાશ પામે તે પહેલાં જ તમારે યાત્રા પૂરી કરી લેવી પડે. યાત્રાના અંતિમ ગંતવ્યસ્થાન સુધી ન પહોંચાય તો યાત્રીએ ઓછામાં ઓછું તે માટેના પ્રયત્નોની શરૂઆત તો કરી જ દેવી જોઈએ. ત્યારે જ જીવનયાત્રામાં આપણે આગળ વધી શકીએ. એટલે યાત્રી તો પોતાને સ્વયંને જ જાણો – આત્માનં વિદ્ધિ, તમે જડ નથી, ચૈતન્ય છો, જ્ઞાનસ્વરૂપ છો. તમારી ભીતર અનંત શક્તિ અને સામર્થ્ય છે. તમે એને ભૂલી ગયા છો. એટલે ઊઠો, જાગો. એકવાર એનું સ્મરણ તો કરો. એનું સ્મરણ થતાં જ તમારી ભીતરની સૂતેલી શક્તિઓ જાગી ઊઠશે.

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.