જીવનની સહુથી વધુ નિશ્ચિત અને છતાં અકળ એવી જો કોઈ ઘટના હોય તો તે છે મૃત્યુ. વળી નિશ્ચિત હોવા છતાં તે સહુથી વધુ અનિશ્ચિત પણ છે! એ ગમે ત્યારે માનવ જીવન પર ત્રાટકીને હસતાં રમતાં જીવનનો અંત લાવી ખેલ સમાપ્ત કરી દે છે. આ રીતે અચાનક આવી પડતા પ્રિયજનના મૃત્યુના આઘાતથી તેના નિકટના સ્વજનો દુઃખથી ભાંગી પડે છે. હજુ તો ગઈકાલ સુધી જે આપણી વચ્ચે હરતા ફરતા હતા તે આજે નથી, ફરી કોઈ દિવસ આપણી વચ્ચે આવવાના પણ નથી આ વાત જ પરિવારજનોને વ્યાકુળ બનાવી બેબાકળા કરી મૂકે છે. આક્રંદ, આંસુ, દુઃખ અને ચિરવિરહની વ્યથાથી મૃતાત્માના સ્વજનોનું જીવન દુઃખી દુઃખી થઈ જાય છે. તો પછી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ?

જીવનમાં આવી પડતી આવી કરુણ પરિસ્થિતિમાંથી નીકળવા માટેના બે માર્ગો છે. પ્રથમ માર્ગ છે, નકારાત્મક માર્ગ. એમાં દુઃખ આવી પડ્યું છે, તો રડવાનું અને ફક્ત રડવાનું. આંસુ સાર્યા કરવાના. વિધાતાને-ભાગ્યને દોષ દઈ દુઃખી થયા કરવાનું. પછી સમય જ આ ઘાને રુઝાવે છે. સમય જતાં દુઃખ વિસરાતું જાય છે. ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતી જાય છે. મનુષ્ય પાછો પૂર્વવત્ કાર્યો કરવા લાગે છે. મોટાભાગના લોકોના જીવનમાં આમ જ બનતું રહે છે અને જીવનનું ચક્ર ચાલ્યા કરે છે.

પણ એક બીજો માર્ગ છે, એ માર્ગ છે, બુદ્ધનો માર્ગ. એ માર્ગ છે, દુઃખનો ઉપયોગ કરી ચિંતન દ્વારા મૃત્યુના રહસ્યને પ્રાપ્ત કરવાનો માર્ગ. સ્વજનની ચિરવિદાયથી જીવનમાં ભયાનક આઘાત લાગે ત્યારે રડવાને બદલે બુદ્ધિને સતેજ કરી મૃત્યુ ઉપર ચિંતન કરવું જોઈએ, કેમ કે રડવાથી પોતાને તો દુઃખ થાય છે જ પણ મૃતાત્માને પણ દુઃખ થાય છે. પણ એને બદલે જો પ્રાર્થના કરવામાં આવે તો પોતાના અંતરમાં તો શાંતિ મળે છે, પણ સદ્‌ગતના આત્માને પણ શાંતિ મળે છે. અંતરમાં શાંતિ આવતાં દુઃખ ઓછું થઈ જાય છે અને ચિંતન ચાલવા લાગે છે કે આખરે મૃત્યુ શું છે? કુમાર સિદ્ધાર્થના જીવનમાં આ ઘટના બની હતી. તેમણે કદી મૃતદેહને જોયો ન હતો. અગ્નિસંસ્કાર કરવા લઈ જતા શબને જોઈને તેમણે રથના સારથિને પૂછ્યુંઃ ‘આ લોકો આ માણસને આમ બાંધીને ક્યાં લઈ જાય છે?’

‘આ માણસ મરી ગયો છે, એટલે એને બાંધીને સ્મશાને લઈ જાય છે.’

‘પણ તેને બાંધ્યો છે, તો તે બોલતો કેમ નથી?’

‘કેમ કે તે મરી ગયો છે. હવે તે મડદું બની ગયો છે તેથી તે કદી બોલશે નહીં.’

‘તો હવે એનું શું કરશે?’

‘હવે એને બાળી નાખશે.’

‘અરેરે, તો પછી એને દુઃખ નહીં થાય?’

‘ના, એને હવે કંઈ જ નહીં થાય. તેનું બધું પતી ગયું છે. હવે તેને સુખ, દુઃખ, એવી કોઈ લાગણી જ ન થાય.’

‘એમ? તો આની જેમ બીજા કોઈ મરે ખરા?’

‘અરે! રાજકુમાર, બધા જ મરી જવાના. એક પણ માણસ એવો નથી કે જેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ ન થાય.’

‘તો શું બધા મરવા માટે જ જીવે છે?’

‘હા, દરેકનું અંતિમ ગંતવ્યસ્થાન એ જ છે.’

‘તો શું, મારે પણ મરવું પડશે? મારા પિતા કપિલવસ્તુના રાજા શુદ્ધોધન, મારી પ્રિય યશોધરા, વહાલો પુત્ર રાહુલ એ બધાંને મરવું પડશે? સારથિ, શું તું ને હું પણ મરી જઈશું?’

‘હા બધાંને મરવું પડશે.’

‘પણ ક્યારે?’

‘એ ન કહી શકાય. દુનિયામાં સહુથી નિશ્ચિત ઘટના મૃત્યુ છે, અને સૌથી અનિશ્ચિત ઘટના પણ મૃત્યુ છે. કોણ ક્યારે કેવી રીતે મૃત્યુ પામશે એ કહી શકાય નહીં.’

એક રોગી અને એક વૃદ્ધને જોતાં કુમાર સિદ્ધાર્થે જાણ્યું કે દરેક મનુષ્યની આવી સ્થિતિ થાય છે અને પછી તે મરી જાય છે. આ ઘટનાએ તેમના હૃદયમાં તીવ્ર આઘાત આપ્યો, ચિત્તતંત્રને ખળભળાવી મૂક્યું. તેમને બેચેન બનાવી દીધા. મૃત્યુના આઘાતે એમને સાચા જ્ઞાનની શોધમાં પ્રેર્યા ને તે માટે તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું. અંતે નિર્વાણની પ્રાપ્તિ કરી બુદ્ધત્ત્વ પામ્યા. આ છે મૃત્યુના દુઃખમાંથી સાચી મુક્તિ મેળવવાનો માર્ગ – ચિંતન કરવાથી હૃદયમાં ઊંડી સમજણ જાગે છે કે જેનો જન્મ છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે તેનો જન્મ પણ નિશ્ચિત છે. એ સમજણ આવતાં જીવન અને મૃત્યુ એક ખેલ છે, એ સમજાઈ જાય છે.

મોટે ભાગે લોકો જીવનને ખેલ માનીને પોતાનું જીવન પસાર કરી શકે છે. પણ મૃત્યુને તેઓ ખેલ તરીકે સ્વીકારી શકતા નથી. એટલે જ્યારે મૃત્યુનો સામનો કરવાનો આવે છે, ત્યારે બેબાકળા બની જાય છે. પણ વાસ્તવમાં મૃત્યુ પણ એક ખેલ જ છે. આથી જીવનના ખેલને સારી રીતે ખેલવો હોય તો મૃત્યુના ખેલનો પણ સ્વીકાર કરવો જોઈએ. જો ખેલના નિયમોનું બરાબર પાલન કરવામાં આવે તો સાચી રીતે ખેલ રમી શકાય છે. અને તેમાં સાચો આનંદ મળે છે. આથી સર્વપ્રથમ તો એ એ ખેલના નિયમો જાણવા જોઈએ.

જીવન અને મૃત્યુના ખેલના બે નિયમો અફર છે – કર્મનો નિયમ અને પુનર્જન્મનો નિયમ. આ નિયમો ભૌતિક જગતમાં રહેલા ગુરુત્વાકર્ષણના નિયમો જેવા જ અફર અને ચોક્કસ છે. દરેકને લાગુ પડે છે. કોઈના માનવા ન માનવા સાથે આ નિયમોને કોઈ જ નિસ્બત નથી. એ તો કામ કરે જ છે. કોઈ વ્યક્તિ ગુરુત્વાકર્ષણના નિયમમાં માનતી ન હોવાથી સાતમા માળેથી નીચે પડે તો ગુરુત્વાકર્ષણનો નિયમ તો કામ કરવાનો જ છે. તે નીચે પડશે ને મરી જશે. પછી આત્મારૂપે ઊંચે જાય પણ ભૌતિકદેહે નહીં! મહાન વૈજ્ઞાનિક ગેલેલિયોને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એવી તેની શોધ માટે જેલની સજા કરવામાં આવી અને પછી જો એ એમ કબૂલી લે કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, તો તેને મુક્તિ મળે તેમ હતી. આથી મુક્તિ મેળવવા તેણે રાજદરબારમાં એમ કહી દીધું કે સૂર્ય ને બધા ગ્રહો પૃથ્વીની આસપાસ ફરે છે. આથી તે છૂટી ગયો. પણ છૂટ્યા પછી તેણે કહ્યું કે મારા કહેવાથી જે સત્ય છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તે બદલાવાનું નથી. એમાં કંઈ ફેર પડવાનો નથી. આ કોઈ સાંભળી જતાં તેને ફરી જેલમાં નાંખવામાં આવ્યો ને ફાંસીની સજા થઈ. આ અફર કાયદાઓને કોઈના સ્વીકાર, અસ્વીકાર સાથે કોઈ જ લેવાદેવા નથી. જીવનમાં લાગુ પડતો કર્મનો કાયદો પણ એવો જ અફર ને નિશ્ચિત છે. આ કાયદો એમ કહે છે કે, જેવું વાવો તેવું લણો, જેવું કરો તેવું પામો. જો જીવનમાં સત્કર્મો કરશો તો તેનું સારું ફળ મળશે અને દુષ્કર્મો કરશો તો તેવું ફળ મળશે.’ બાવળ વાવીને કેરી મેળવી શકાતી નથી. જો કોઈ માણસ એમ કહે કે હું કર્મના સિદ્ધાંતમાં માનતો નથી, માટે તે મને લાગુ પડે નહીં. તો એ તેનો મિથ્યાભ્રમ છે. કર્મનો કાયદો કોઈને ય છોડતો નથી. રાજા-મહારાજા હોય કે પછી ભિખારી હોય – સહુને માટે એ સમાન છે. દુનિયાના કાયદાઓમાં છટકબારી શોધી શકાય છે, વગનો ઉપયોગ કરીને સજા હળવી કરી શકાય કે છૂટી પણ શકાય. પણ કર્મના કાયદામાં કોઈ જ છટકબારી નથી. કોઈની વગ ચાલતી નથી. આખું જીવન જો સત્કર્મો કર્યાં હોય તો બીજા જન્મમાં શ્રીમંત અને પવિત્રઘરમાં જન્મ મળે છે. જો કોઈ યોગસાધના કરતાં કરતાં જીવન વીતાવે તો પછી તે બ્રહ્માને પામે છે. તેને વારંવાર જન્મ લેવો પડતો નથી. જેઓ દુરાચારી છે. અન્યને પીડે છે. તેવા લોકોને નીચી યોનિમાં જન્મ મળે છે. આ રીતે જેઓ કર્મના કાયદાને સારી રીતે જાણી લે છે. અને તેનું બરાબર પાલન કરે છે, તેઓ સારી રીતે જીવન જીવી શકે છે. જીવનના ખેલના શ્રેષ્ઠ ખેલાડી તો બને જ છે, પણ મૃત્યુના ખેલના પણ શ્રેષ્ઠ ખેલાડી બની શકે છે. તેઓ પરમાત્માએ તેમને પૃથ્વી ઉપર આપેલો સમયખંડ ઉત્તમ કર્મોથી ભરી દે છે. આથી તેમને જીવનનો સાચો આનંદ મળે છે. તેમનું ચિત્ત સદાય પ્રસન્ન રહે છે. જીવનનો બોજો લાગતો નથી અને મૃત્યુનો ભય પણ રહેતો નથી. તેઓ હસતાં હસતાં મૃત્યુને આવકારી શકે છે. કેમ કે તેઓને ખાતરી હોય છે કે પરમાત્માએ આપેલું જીવનકાર્ય પૂરું કરી હવે હું આનંદધામમાં જઈ રહ્યો છું. એને જવાનું દુઃખ હોતું નથી. સત્કર્મો દ્વારા જીવનને આનંદમય બનાવવા માટે કબીરજીએ પણ કહ્યું છેઃ

‘जब तू आया जगमें, जग हँसे तुम रोये,
जैसी करनी कर चलो, तुम हँसो जग रोये.’

કર્મના કાયદાનું કોઈ પાલન ન કરે તો સીધે સીધો તાત્કાલિક પ્રત્યક્ષ દંડ થતો નથી. જ્યાં સુધી એના પુણ્યોનો ક્ષય ન થાય ત્યાં સુધી તેને એમ જ લાગે છે કે જીવન ભોગ ભોગવવા માટે છે, મોજમજા માટે છે. આથી ચાર્વાકના સિદ્ધાંત મુજબ ‘ઋણમ્ કૃત્વા ઘૃતમ્ પીબેત્‌’ એટલે કે ‘દેવું કરીને પણ ભોગ ભોગવી લો, મોજમજા કરી લો. એમ વિચારી ભોગોમાં ડૂબી જાય છે. જીવનની બાબતમાં બીજું એક મોટામાં મોટું આશ્ચર્ય જે યક્ષના પ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિરે જણાવ્યું હતું તે એ છે કે દરરોજ પોતાની સામે અનેક મનુષ્યોને મૃત્યુ પામતાં જોવા છતાં દરેક માણસ એમ માને છે કે પોતે કદી પણ મરવાનો નથી અને તે રીતે જ તે જીવન જીવે છે. નામ, યશ, કીર્તિ, સત્તા, સંપત્તિની પાછળની તેની દોટ ક્યારેય અટકતી નથી. જીવનનો અંત આવે છે ત્યારે ભાન થાય છે, પણ ત્યારે તો બાજી હાથમાંથી સરી ગઈ હોય છે. આથી જો ખરેખર મનુષ્ય સાચી રીતે જીવવું હોય તો મરણનું સતત સ્મરણ કરવું જોઈએ. દરેક દિવસ એમ માનીને શરૂ કરવો જોઈએ કે આધ્યાત્મિક સાધનાનો એ પહેલો દિવસ હોય અને પૃથ્વી પરનો છેલ્લો દિવસ હોય, તો જ તે ઉત્તમ રીતે જીવી શકે. સંત એકનાથજી પાસે એક માણસ આવ્યો ને કહેવા લાગ્યોઃ ‘આપ, બધી જ પરિસ્થિતિમાં કેવી રીતે શાંત રહી શકો છો? તમે મને શાંત રહેવાની કળા શીખવો.’ એકનાથજીએ એના મુખ સામે જોયું ને પછી ગંભીર થઈને બોલ્યા; ‘અરે ભાઈ, એ હું તને નહીં શીખવાડી શકું. કેમ કે, સાત દિવસમાં તો તું મરી જવાનો છે.’ ‘અરેરે, સાત જ દિવસમાં મારું મૃત્યુ છે! હજુ તો મારે ઘણાં કામો આટોપવાનાં છે.’ એમ કહીને એ જતો રહ્યો. સાતમે દિવસે એકનાથજી તેના ઘરે ગયા તો તે માંદો પડીને પથારીમાં સૂતો હતો. એકનાથજીએ પૂછ્યુંઃ ‘તું કેમ સૂતો છે?’ ‘ગઈકાલથી માંદો પડ્યો ને હવે આજે મૃત્યુની રાહ જોઈ રહ્યો છું. આજે સાતમો દિવસ છે. મારો છેલ્લો દિવસ.’

‘કોણે કહ્યું?’ ‘કેમ? તમે કહ્યું હતું ને સાતમે દિવસે તું મરવાનો છે.’

‘હા, પણ તું એ તો કહે કે આ સાત દિવસમાં તે કોની કોની સાથે ઝઘડો કર્યો? તારું મન કેટલીવાર અશાંત થયું?’ ‘અરે, પણ મને એનો સમય જ ક્યાં હતો? માથે મોત દેખાતું હતું એમાં કોની સાથે ઝઘડો કરું? ને કોનું ખરાબ લગાડું? બધું આટોપવામાં જ મારા છ દિવસો વીતી ગયા.’

ત્યારે એકનાથજીએ કહ્યું; ‘મરણને સતત રમરણમાં રાખવું, એ જ છે દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાનો ઉપાય.’ અને એ જ છે જીવન જીવવાની કળાનું શિક્ષણ. કોઈએ આ સંદર્ભમાં સાચું જ કહ્યું છે કે –

जब तक मौत नजर नहीं आती,
तबतक जिंदगी राहपर नहीं आती।
जिसने उसकी नजरको देख लिया,
उसे दुनिया नजर नहीं आती॥

મૃત્યુનું સતત સ્મરણ જીવનને પવિત્ર રાખે છે ને ઊર્ધ્વગામી બનાવે છે. પછી આ જીવનમાંથી રચાય છે, મૃત્યુ પછીનું જીવન. એટલે જે જીવનનો કાયદો છે, તે જ મૃત્યુનો કાયદો છે. એ છે, પુનર્જન્મનો સિદ્ધાંત. જે જન્મે છે, તે અવશ્ય મૃત્યુ પામે છે અને જે મૃત્યુ પામે છે, તે અવશ્ય જન્મે છે. આ છે મૃત્યુનો કાયદો ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે આની સરસ સમજૂતિ આપી છે. તેઓ કહે છેઃ

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥

‘જે જન્મે છે, તેનું મૃત્યુ નક્કી છે, તેમ મરનારનો જન્મ પણ નક્કી છે. માટે આ અટલ બાબતનો શોક કરવો યોગ્ય નથી.’

હવે જે મૃત્યુ પામે છે, એ તો છે પંચમહાભૂતનું શરીર. અને એની અંદર જે આત્મા છે, તે તો અજર, અમર, અવિનાશી છે. આથી એક બીજો અફર સિદ્ધાંત આમાંથી મળે છે કે કદી કોઈ શરીર અમર રહી શકતું નથી અને કદી કોઈ આત્મા મરી શકતો નથી. ઘણા લોકો એવું કહે છે કે હિમાલયમાં યોગીઓ હજારો વર્ષથી સદેહે જીવી રહ્યા છે. તો તે સાચી વાત નથી. હા, તેઓ સૂક્ષ્મરૂપે જરૂ૨ વિચરણ કરતા હોય, સિદ્ધ યોગીઓ કદાચ સૂક્ષ્મદેહ ટકાવી પણ રાખે. પરંતુ કોઈનો સ્થૂલદેહ કાયમ ટકી શકતો નથી. જે જન્મે છે, તેને મૃત્યુ પામવું જ પડે છે.’ યોગીઓ કે અવતાર પુરુષો આયુષ્યને થોડું લંબાવી શકે. પણ કેટલું? થોડા વરસો. આખરે તો તેમને પણ શરીર છોડવું જ પડે. કેમ કે એ અફર નિયમ છે. પ્રસિદ્ધ પુરાણકથામાં સાવિત્રીએ પોતાની પ્રાર્થના દ્વારા યમરાજ પાસેથી મૃત સત્યવાનને પાછો મેળવ્યો પણ એ કેટલા સમય સુધી? આખરે તો સત્યવાન અને સાવિત્રીએ બંનેએ શરીર છોડવું જ પડ્યું. આ નિયમને અધીન થવું જ પડ્યું. પ્રાર્થના દ્વારા કોઈ વ્યક્તિના ટૂંકા આયુષ્યને લંબાવી શકાય છે, પણ એને અમર બનાવી શકાતું નથી. મધ્યપ્રદેશમાં થોડા સમય પહેલાં બનેલી આ ઘટના છે. એક બહેનના પતિને બ્રેઈનનું કૅન્સર હતું. તેનું ઑપરેશન કલાકો ચાલે તેવું હતું અને એમાં પણ પૂરું જોખમ હતું. આથી ડૉક્ટરો ઑપરેશનનું જોખમ લેવા ઇચ્છતા ન હતા. ઑપરેશન પછી પણ તે બચે એવી કોઈ જ શક્યતા ડૉક્ટરોને જણાતી ન હતી. પણ તે બહેનને ભગવાનમાં પૂરી શ્રદ્ધા હતી. તેમનું આખું જીવન પ્રાર્થનામાં વીત્યું હતું. તેમણે ડૉક્ટરોને કહ્યુંઃ ‘ભગવાન સાથેનો આ છેલ્લો ખેલ હું ખેલી લેવા ઇચ્છું છું. તમે તેમનું ઑપરેશન કરો.’ મદ્રાસની વેલોર હૉસ્પિટલમાં તેમના પતિનું ઑપરેશન થયું. કલાકો ચાલ્યું. બધાના આશ્ચર્ય વચ્ચે એ ઑપરેશન સફળ થયું અને એ માણસ સાજો થઈ ગયો અને તે હજુ જીવે છે! ડૉક્ટરોને આ સમજાતું નથી કે આ ઑપરેશન કેમ સફળ થયું? તેમણે તેની વિડિયો ફિલ્મ ઉતારી હતી, તે વિદેશોમાં મોકલાવી તો વિદેશોના ડૉક્ટરોને પણ આશ્ચર્ય થાય છે કે આ માણસ કેવી રીતે બચી ગયો? પણ તે બહેને ભગવાનને સતત પ્રાર્થના કરી હતી, તેનું એ પરિણામ છે. પ્રાર્થનાથી મૃત્યુને ટાળી શકાય છે. આયુષ્યને લંબાવી શકાય છે, પણ કાયમ માટે નહીં જ. એ વ્યક્તિનો ફરી સમય આવશે ત્યારે તેણે શરીર છોડવું પડશે. આત્મા એક ને એક શરીરમાં રહેતો નથી. મનુષ્યને જેમ નવાં નવાં વસ્ત્ર પહેરવાં ગમે છે, તેમ આત્માને નવા નવા દેહ ગમે છે. આ જન્મના કર્મ પ્રમાણે તેને નવા જન્મમાં નવો દેહ મળે છે. એ જ જીવન અને મૃત્યુનો નિયમ છે. શ્રીકૃષ્ણ ભગવાન ગીતામાં કહે છેઃ

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा न्यन्यानि संयाति नवानि देही ॥

જ્યારે શ્રીરામકૃષ્ણદેવે દેહ છોડી દીધો ત્યારે અવતાર સ્વરૂપ પતિ ચાલ્યા જતાં શ્રીમા શારદાદેવી રડવા લાગ્યાં. તેઓ બોલી ઊઠ્યાં, ‘મા કાલી, તું મને છોડીને ક્યાં ચાલી ગઈ?’ તેઓ શ્રીરામકૃષ્ણને સાક્ષાત્ કાલી માનતા હતા. તેમનું આક્રંદ જોઈને શ્રીરામકૃષ્ણદેવે એમને દર્શન દીધાં અને કહ્યું, ‘તમે શા માટે રડો છો? હું ક્યાં મરી ગયો છું? હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’ આ દર્શન પછી શ્રીમા શારદાદેવીને ખાતરી થઈ ગઈ કે ‘શ્રીરામકૃષ્ણ ભૌતિક જગતના ઓરડામાંથી સૂક્ષ્મ જગતના ઓરડામાં ગયા છે. તેમને કદી મૃત્યુ નથી. સૂક્ષ્મરૂપે તેઓ સદાય મારી સાથે છે.’ અવતાર પુરુષો સૂક્ષ્મરૂપે-ચેતનારૂપે હંમેશા વિદ્યમાન રહી શકે છે અને ભક્તજનોને દર્શન પણ આપી શકે છે ને સન્માર્ગે લઈ જઈ પણ શકે છે. પરંતુ સ્થૂલ દેહનો તો તેમને પણ ત્યાગ કરવો જ પડે છે. પરમાત્મા દેહ ધારણ કરી પૃથ્વી ઉપર આવે છે, ત્યારે તેઓ પણ પોતાનું કાર્ય કરી દેહ છોડી દે છે. દેહધારી પરમાત્માને પણ મૃત્યુનો નિયમ સ્વીકારવો પડે છે.

આત્મસ્થ યોગીઓ આત્માની અમરતા અને દેહની નશ્વરતા જાણતા હોવાથી દેહ પ્રત્યે તેમને કોઈ જ આસક્તિ હોતી નથી, જીવનનું મમત્વ હોતું નથી એથી તેઓ નિત્યમુક્ત હોય છે. વિશ્વવિજય કરવા નીકળેલા સિકંદરને તેના ગુરુએ કહ્યું હતું. ‘હિંદમાં જાય છે, તો હિંદના કોઈ સાચા સંતમહાત્માને તું મારા માટે અહીં લેતો આવજે.’ હિંદમાં વિજય મેળવ્યા પછી સિકંદર જંગલમાંથી પસાર થતો હતો ત્યારે એક વૃક્ષતળે એક મહાત્માને બેઠેલા જોયા. એમની પાસે જઈને તેણે કહ્યું, ‘તમે મારી સાથે મારા દેશમાં ચાલો. હું તમને અપાર ધનસંપત્તિ આપીશ. તમારે આમ દિગંબર રહીને વૃક્ષતળે હવે નહીં રહેવું પડે. તમને રાજમહેલનો વૈભવ આપીશ.’ ત્યારે એ મહાત્માએ કહ્યું; ‘હું શા માટે તારી સાથે આવું? મને અહીં કોઈ વાતની કમી નથી. વૃક્ષ મને ફળ આપે છે. નદી મને પાણી આપે છે. વસ્ત્રોની મને જરૂર નથી. હું સદા કાળ આનંદમાં છું.’ કદી કોઈ પાસેથી ના સાંભળવાને નહીં ટેવાયેલા સિકંદરને આ જવાબમાં અપમાન લાગ્યું અને તેણે મ્યાનમાંથી, મહાત્માને મારી નાંખવા તલવાર ખેંચીને ઉગામી. એ જ સ્વસ્થતાથી મહાત્મા બોલી ઊઠ્યા;

नैनं छिदन्ति शस्त्राणि, नैनं दहति पावकः ।
न चैनं क्लेदन्त्यापो न शोषयति मारुतः ॥
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥

અને વળી બોલ્યા, ‘હું બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, પણ ચિદાનંદરૂપ શિવ છું. અત્યંત આનંદ છું, તું મને શું મારી શકવાનો હતો? ‘આત્મામાંથી નીકળતી આવી વાણી સિકંદરે કદી સાંભળી નહોતી. આ વાણીથી તે હતપ્રભ બની ગયો. ને તેની તલવાર થંભી ગઈ. ત્યાં મહાત્માએ કહ્યું, ‘મૂર્ખ, તું પોતે જ જ્યાં તારા દેશમાં પહોંચી શકવાનો નથી, ત્યાં તું મને શું લઈ જવાનો હતો?’ આત્માની અમરતા આગળ ઝૂકીને સિકંદર ત્યાંથી ચાલી નીકળ્યો. ખરેખર, તે પોતાના દેશમાં પહોંચી શક્યો નહીં અધવચ્ચે જ મૃત્યુ પામ્યો. ત્યારે તેને હિંદના મહાત્માની મહાનતાનો ખ્યાલ જરૂર આવ્યો હશે!

આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરનારા આવા યોગીઓ અને સિદ્ધોને મૃત્યુ મૃત્યુરૂપ જણાતું જ નથી. શ્રીરામકૃષ્ણની જેમ એમને એ સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાની સહજ ઘટના જણાય છે. આથી જ તેઓ મૃત્યુમુક્ત બની અમરતામાં જીવતા હોય છે. જેઓ મૃત્યુને જાણે છે, તેઓ જ જીવનને જાણી શકે છે. જીવનને જાણવા માટે, એના રહસ્યને પામવા માટે મૃત્યુના દેવતા પાસે નચિકેતાએ જઈને વિદ્યા પ્રાપ્ત કરી હતી. નચિકેતાએ યમરાજને મૃત્યુ વિશેના જ્ઞાન આપવાની માગણી કરી ત્યારે યમરાજે એને કહ્યું હતું; ‘તારે એ જાણીને શું કરવું છે. એ તો બહુ જટિલ છે. ભલભલા તપસ્વીઓ, ઋષિઓ પણ એ જાણી શકતા નથી તું તો હજુ બાળક છે. એની વાત છોડી દે. બીજું કંઈ પણ માગી લે.’

‘ના, મારે તો એ જ જાણવું છે, જટિલ છે, ને બીજા બધા એ જાણી શકતા નથી, તો તો મારે ખાસ એ રહસ્ય જાણવું છે.’

‘એના બદલામાં તને રાજપાટ આપું. અપાર ધનસંપત્તિ આપું, હાથી-ઘોડા-નર્તકીઓ આપું.’

‘ના, મારે કંઈ જ જોઈતું નથી. મને તમે જીવન અને મૃત્યુનું રહસ્ય સમજાવો.’ અનેક પ્રલોભનો આપવા છતાં બાળક એની ઇચ્છામાંથી ચલિત થતો નથી. એ જોઈને પછી યમરાજા વધુ પ્રસન્ન થયા અને તેને આત્મવિદ્યાનું જ્ઞાન આપ્યું. જ્યારે મનમાંથી બધી જ એષણાઓ છૂટી જાય, કોઈ પ્રલોભનો લલચાવી ન શકે, અંતરમાં આત્મજ્ઞાન મેળવવાની એક માત્ર ઝંખના જ હોય, ત્યારે નચિકેતા કે કુમાર સિદ્ધાર્થની કે સ્વામી વિવેકાનંદની માફક આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. જીવન અને મૃત્યુનું રહસ્ય સમજાય છે. ફક્ત ઉપરછલ્લી જિજ્ઞાસા હોય કે આકસ્મિક સંજોગોને ખાતર ઇચ્છા જાગી હોય તો આ રહસ્ય મળતું નથી. કદાચ માનસિક જ્ઞાન મળે પણ એ જીવનમાં ઊતરતું નથી, ચેતનાનો ભાગ બનતું નથી, એની અનુભૂતિ થતી નથી.

યમરાજે નચિકેતાને કહ્યું;

एष सर्वेषु भूतेषु गूढोऽत्मा न प्रकाशते ।
दृश्यते त्वग्र्यया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥

બધા જ પ્રાણીઓમાં આ આત્મા રહેલો છે પણ દેખાતો નથી. પણ સૂક્ષ્મદર્શન કરનારાઓની એકાગ્રતાવાળી સૂક્ષ્મબુદ્ધિથી તે દેખાય છે. તેને શસ્ત્રો છેદી શકતાં નથી, પવન સૂકવી શકતો નથી. અગ્નિ બાળી શકતો નથી. તે શાશ્વત છે, સનાતન છે. તેને કોઈ મારી શકતું નથી. આ આત્મજ્ઞાન યમરાજે નચિકેતાને આપ્યું અને તેની આંતરદૃષ્ટિ ખૂલી જતાં તે મૃત્યુના રહસ્યને પણ પામી શક્યો. મૃત્યુ એ કંઈ જીવનનો અંત નથી. કેમ કે શરીરના અંતની સાથે શાશ્વત જીવન કદી નષ્ટ પામતું નથી. આ છે જીવન અને મૃત્યુના નિયમો. જેઓ આ નિયમોને જાણીને તેનું પોતાના જીવનમાં પાલન કરે છે, તેઓ જીવનના સ્વામી બની જીવન અને મૃત્યુના ખેલમાં વિજયી બની પૃથ્વી પરનો પોતાનો ફેરો સાર્થક કરે છે, દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત કરે છે ને પરમ શાંતિ – શાશ્વત શાંતિ તરફ પ્રયાણ કરે છે.

તેથી સ્વજનોની વિદાય વેળાએ આપણે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ, ‘હે પ્રભુ, મૃત આત્માને સદ્‌ગતિ આપો, અમને સ્વજનોને સત્બુદ્ધિ આપો જેથી અમે આ વિપત્તિને શાશ્વત શાંતિ મેળવવાની તક રૂપે ગ્રહણ કરી શકીએ.’

Total Views: 220

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.