(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. – સં.)
પ્રગતિ માટે અનેક ઉપાયો બતાવવામાં આવે છે, પણ એક પાયાનો ઉપાય નથી બતાવવામાં આવતો. પ્રગતિ માટે આયોજન, હેતુ નક્કી કરવો, મહેનત કરવી, સાતત્ય જાળવવું જેવા અનેક ઉપાયો દર્શાવવામાં આવે છે. તે બધા સાચા છે. જરૂરી છે. છતાં પ્રગતિને ઝડપી કરવી હોય તો સૌથી અગત્યનો ઉપાય છે—સત્સંગ.
ઓહ! આ તો ધાર્મિક ઉપાય છે. એને વળી પ્રગતિ સાથે શો સંબંધ?
હા, શબ્દ જૂનો છે. ધર્મ સાથે સંકળાયેલો છે, પણ હકીકતે તે ધર્મ સાથે નહીં, સત્ય સાથે સંકળાયેલો છે. સત્સંગ એટલે ‘સત્’ સાથે સંગત. ‘સત્’ એટલે જે સનાતન છે, કાયમી છે, ત્રણે કાળમાં છે તે. આવું જે ‘છે’, તે સત્ છે. અને આવા સત્ને જેણે ઓળખી લીધું છે, મેળવી લીધું છે, પામી લીધું છે, અનુભવી લીધું છે, તેમનો સંગ કરવો એટલે સત્સંગ અને આવા લોકો સાથે બેસીએ, તેમની સાથે વાતો કરીએ, શીખીએ, તો ખૂબ જ ઝડપથી પ્રગતિ થાય.
આવી કોઈ જીવંત વ્યક્તિનો સત્સંગ મળે તો તો સદ્ભાગ્ય જ કહેવાય. પણ મોટા ભાગનાને એ સદ્ભાગ્ય નથી મળતું, કારણ કે આવા સત્ય પ્રેમીઓ બહુ ઓછા હોય છે, વિરલ હોય છે. વળી, તેમને ઓળખવા પણ મુશ્કેલ હોય છે. ઘણી વાર તેની પાસે જ બેઠા હોઈએ, છતાં ઓળખી ન શકાય. એટલે આવો સત્સંગ મોટા ભાગના માટે વિરલ હોય છે. પણ હા, ભૂતકાળમાં થઈ ગયેલા આવા સત્પુરુષોનો સંગ અવશ્ય કરી શકાય. વિશ્વમાં એવા લાખો છે, જેમણે પોતે જે મેળવ્યું હતું તેને વારસામાં આપી ગયા છે. તેને પણ માણી શકાય, તો એને પણ સત્સંગ જ કહી શકાય. જેણે પણ પ્રગતિ કરવી છે, તેણે આવા સત્પરુષોનો સતત સત્સંગ કરવો જોઈએ. તેમને વાંચવા જોઈએ. તેમના વિચારો પર મનન કરવું જોઈએ. તો ધીમે ધીમે એ વિચારો પચવા લાગશે અને વ્યક્તિત્વમાં ક્રમશઃ પરિવર્તન આવવાનું શરૂ થશે.
આવા, સત્સંગ કરવા લાયક મહાન લોકોમાં સ્વામી વિવેકાનંદ એક છે. આધુનિક ભારતમાં જે અદ્ભુત લોકો થઈ ગયા, તેમાં બે વ્યક્તિઓ અલગ તરી આવે છે—વિવેકાનંદ અને મહાત્મા ગાંધી. આ બે વ્યક્તિઓએ આધુનિક ભારતના લોકોને, ખાસ કરીને યુવાનોને ઘડવામાં જે અનન્ય ફાળો આપ્યો છે તેનું મૂલ્યાંકન થવું હજુ બાકી છે. પાંચ હજાર વર્ષના ભારતીય ઇતિહાસનું સમગ્ર ડહાપણ આ બન્નેએ આપણી સામે મૂકી દીધું છે, એ પણ આજની ભાષામાં, યુવાનોને સમજાય તેવી ભાષામાં. આથી જ વર્તમાન જગતના યુવાનો આ બન્નેનો શાંતિથી અભ્યાસ કરી રહ્યા છે. આ બન્નેએ જે વાતો આપણા સામે મૂકી છે તેનો ઊંડાણથી અભ્યાસ કરીએ, તેને પચાવીએ તો આપણા સામે એક નવું જ દર્શન ઊભું થાય છે.
વિવેકાનંદનાં લખાણોના નવ ભાગ છે. તેના દરેક પૃષ્ઠ પર અદ્ભુત અને અમૃત ચિંતન ભર્યું છે. એકે એક વિધાન આપણા અસ્તિત્વને આનંદથી છલકાવી દે છે. સમગ્ર જગતના લાખો વર્ષોના ડહાપણને આપણા મગજમાં મૂકી આપણને ધન્યતાનો અનુભવ કરાવે છે. પરંતુ, ખ્યાલ છે કે આજે કોઈ પાસે કામ ન હોવા છતાં, સમય નથી! આવડાં સાડા ચાર હજાર પાનાં વાંચવાની ફુરસદ નથી. પણ જો સ્વામી વિવેકાનંદનું એક નાનકડું પુસ્તક ‘દિવ્યવાણી’ પણ વાંચી શકાય, તો પણ નવ ભાગનો સાર મળી જશે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં થોડો સમય પોતાના શિષ્યો સાથે આરામ કરવા એક ટાપુ પર ગયા હતા. આ સમય દરમિયાન સ્વામી વિવેકાનંદ જે કંઈ પણ વાતો કરતા, તે તેમનાં એક શિષ્યા મિસ વાલ્ડોએ નોંધી લીધી હતી. એ વિચારો પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે. નવ ભાગમાં પણ છે અને અલગ પુસ્તક તરીકે પણ છે.
આપણે તેની ઝાંખી કરીએ. એક જગ્યાએ વિવેકાનંદ કહે છે, “આપણે જો આપણી જાતને ખુલ્લી મૂકી દઈએ, તો આપણે વિશ્વના બધા જ શ્રેષ્ઠ વિચારોના વારસદાર છીએ.” વિચારો, આ કેટલો અદ્ભુત વિચાર છે! વેદમાં પણ કહ્યું છે કે, “અમને ચારે દિશાઓમાંથી ઉત્તમ વિચારો પ્રાપ્ત થાઓ.” આજે ઝનૂન શા માટે જોવા મળે છે? અથવા તો વિશ્વમાં ઝનૂન શા માટે હેરાન કરે છે? ચારે બાજુ સંકુચિતતા કેમ જોવા મળે છે? સર્વત્ર અશાંતિ કેમ છે? એક જ કારણ છે, આ બધાનાં મગજ બંધ છે. તેમણે પોતાનાં મગજ ખુલ્લાં નથી રાખ્યાં. પોતે માને છે તે જ, તેટલું જ, સાચું છે, બાકી બધું ખોટું છે એવા કૂવામાંના દેડકાઓ જેવા વિચારોમાં તેઓ ગ્રસ્ત છે. ઝનૂની મગજ એટલે બંધ મગજ! આવું મગજ પોતાને તો નુકસાન કરે જ છે, પણ સમાંતરે જગતને પણ ભયંકર નુકસાન કરે છે. પણ એક વાર જો પોતાના મગજને વિશ્વના બધા જ વિચારોને જાણવા, સમજવા, સ્વીકારવા ખુલ્લું મૂકી દેવાય, તો અહાહા! મગજને જે અવર્ણનીય અદ્ભુત અનુભવ થશે, જે વિશાળતાનો અનુભવ થશે, વિશ્વનું જે વિશ્વસ્વરૂપ દેખાશે, તેનાથી છલકાઈ જવાશે, ગદ્ગદ થઈ જવાશે. અવર્ણનીય અને કલ્પનાતીત વિશાળતાની અનુભૂતિ થશે. ત્યારે ખ્યાલ આવશે કે આપણે વિશ્વના કેવા કેવા અદ્ભુત, શ્રેષ્ઠ વિચારોના વારસદાર છીએ! એટલે ઘરમાં કે શાળા-કોલેજોમાં એક જ શિક્ષણ આપવાનું છે—પોતાના મગજને ખુલ્લું રાખતાં શીખવાનું. માત્ર ‘આટલું’ શીખી જવાશે તો જીવન ધન્ય થઈ જશે. એક પળમાં ઝનૂન અદૃશ્ય થઈ જશે. પોતાના વિરાટ વ્યક્તિત્વનો અનુભવ થશે.
વિશાળતાનો સ્પર્શ થતાં જ વિવેકાનંદનું આ બીજું વિધાન સમજાશે— “સમગ્ર જગત એક જ ચેતના છે, જે વિવિધતા જોવા મળે છે, તે આ એક ચેતનાનું જ વૈવિધ્ય છે.” આ સંદર્ભમાં જ તે આગળ કહે છે, “સાચો ધર્મ તો એક જ છે. આ બાબતે જે ઝઘડો છે તે નામ-રૂપનો છે, પ્રતીકોનો છે.” નામ-રૂપમાં વૈવિધ્ય છે, પણ આ નામ-રૂપને ચેતનાનાં સત્ય નથી માનવાનાં, પણ તેની પાછળ રહેલ ચેતનાને જ જાણવાની છે. ઘરેણાં ભલે હજારો હોય, પણ તે મૂળ નથી. મૂળ તો સોનું જ છે. સોનું એક છે, પણ તેને સેંકડો ઘરેણાંમાં ઢાળી શકાય છે. પણ ઘરેણાંના આકારને પકડવા જઈશું તો તે વ્યર્થ છે, કારણ કે આકાર સત્ય નથી, સત્ય સોનું છે. ઘરેણાં પણ ખરીદીએ છીએ ત્યારે હકીકતે સોનાને જ ખરીદીએ છીએ અને મન થાય છે ત્યારે ઘરેણાંના આકારો બદલાવી શકીએ છીએ. આકારો બદલતા રહે છે, સોનું એ જ રહે છે. તે જ રીતે જગતની બધી જ વસ્તુઓના આકારો બદલાતા રહે છે, પણ તે બધામાં ચેતના તો એક જ રહે છે. ચેતના અનંત આકારો લઈ શકે છે, છતાં પોતે તો છે તેવી જ રહે છે—એક અને અદ્વિતીય! એટલે જ નરસિંહ મહેતા કહે છે, ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ જ હોય.’ નવો આકાર, નવું નામ, પણ તેમાં રહેલ ચેતના એ જ. ક્યારેક આ ચેતના રામ સ્વરૂપે આવે છે, ક્યારેક કૃષ્ણ સ્વરૂપે, ક્યારેક બુદ્ધ કે ક્યારેક પયગંબરરૂપે કે ક્યારેક વિવેકાનંદ કે ગાંધી રૂપે. આકારો બદલે છે, સત્ત્વ એ જ રહે છે. આથી જ તેમના શબ્દોમાં કદાચ અલગતા દેખાશે, પણ પાયાનું સત્ય તો બધા એક જ કહે છે.
એટલે જ ધર્મ વિષયક બધા જ ઝઘડા વ્યર્થ છે. ધર્મોનાં નામ અલગ હોઈ શકે, પણ ધર્મ તો એક જ છે. જેને આપણે અલગ અલગ ધર્મો કહીએ છીએ, તે બધા આ ‘એક’ અને મૂળ ધર્મના સંપ્રદાયો છે. સમયાંતરે યુગને અનુકૂળ શબ્દો બદલે છે, પણ તેમાંનું સત્ય તો એ જ રહે છે. ક્યાંક ‘બધું ઈશમય છે’ એમ કહે છે, તો ક્યાંક ‘કેવળ અલ્લાહ છે’ કહે છે, તો ક્યાંક ‘હું અને મારા પિતા એક જ છે’ કહે છે. અજ્ઞાનના કારણે ઝઘડા ફોતરાં માટે થાય છે. તેમાં રહેલ અનાજ દેખાઈ જાય તો એક પળમાં શાંતિ!
એક વધારે અદ્ભુત વાક્ય વિવેકાનંદ કહે છે, ‘જેઓ ઈશ્વરને સમર્પિત થઈ જાય છે, તેઓ કહેવાતા હજારો સામાજિક કાર્યકરો કરતાં વધારે શ્રેષ્ઠ અને પુષ્કળ કામ કરે છે. એક માણસ પણ જો પોતાને પવિત્ર કરી શકે, તે લાખો ઉપદેશકો કરતાં વધારે શ્રેષ્ઠ કામ કરી શકે છે. કેવળ પવિત્રતા અને મૌનથી જ શબ્દની શક્તિ અનંતગણી થઈ જાય છે.’ અહાહા! કેટલું અદ્ભુત વાક્ય છે. સતત મનન કરવા જેવું. એ કહે છે કે જગતની જે ચેતના છે તેને આગળ રાખી, પોતે પાછળ રહી કામ કરવાનું છે. આ ચેતના જ આપણને માધ્યમ બનાવે છે. વ્યક્તિ તો કેવળ નિમિત્ત છે. તેણે પોતાને કર્તા માનવાની નથી. એટલે જ વિવેકાનંદ કહે છે, ‘જે પોતાને શ્રેષ્ઠ રીતે છૂપાવી શકે છે, તે જ ઉત્તમ કામ કરી શકે છે.’ કામ આપણે જ કરવાનું છે, પણ ચેતનાના માધ્યમ બનીને. એટલે જ્યારે ચેતના આપણને ખેસવી નાખે, ત્યારે હાયવોય કરવાને બદલે ચૂપચાપ ખસી જવાનું છે. ના, હું કરીશ જ કે મારા વિના નહીં જ ચાલે એવો વહેમ રાખવાનો નથી. આપણે જન્મ્યા તે પહેલાં પણ દુનિયા બરાબર ચાલતી હતી, આજે પણ બરાબર ચાલે છે અને આપણા ગયા પછી પણ સરસ રીતે ચાલશે. આપણે આપણા ભાગે આવતાં કામ સમર્પણ ભાવે કરવાનાં છે. આપણને તે કરવાની તક મળી છે, તેનો આભાર માનવાનો છે.
આવાં તો દરેક પાને વાક્યો છે. એક એકથી શ્રેષ્ઠ, એક એકથી ઉત્તમ વાક્યો વિવેકાનંદે ત્યારે વાતવાતમાં કહી દીધાં છે. એટલે જ મિસ વાલ્ડો લખે છે કે સ્વામીજી જ્યારે બોલતા, ત્યારે તેમના મુખમાંથી વિચારોનો એવો તો ધસમસતો પ્રવાહ આવતો કે નોંધવું અશક્ય બની જતું. આ વાક્યો તો પછી જ્યારે વાલ્ડો નવરાં હોય ત્યારે યાદ કરી નોંધતાં, પણ કલ્પના તો કરો, આ કહેવાતાં વિદેશી, કહેવાતાં ભૌતિકવાદી શિષ્યોને ‘આપણા વિવેકાનંદ’ નો કેવો અદ્ભુત, અણમોલ લાભ મળ્યો, નહીં! તેમની ઈર્ષ્યા નથી આવતી?
Your Content Goes Here





