જેવા તેમને જોયા હતા
(શ્રીરામકૃષ્ણદેવનાં સંસ્મરણો)
દૈવી સહાય
ઝાડામાં લોહી પડે તે સામાન્ય માંદગી ન કહેવાય. ઠાકુરને તેના હુમલા ઘણી વાર, ખાસ કરીને ચોમાસામાં થતા. એક વાર એ ગંભીર રીતે પટકાઈ પડ્યા હતા. એમની ચાકરી હું કરતી. તાજેતરમાં વારાણસીથી એક બાઈ આવેલી અને એણે કંઈ ઈલાજ બતાવ્યો. એના બતાવ્યા પ્રમાણે મેં કર્યું અને ઠાકુર તુરત સાજાનરવા થઈ ગયા. પછી એ સ્ત્રી કદી ન દેખાઈ. હું એને ફરી કદી ન મળી શકી. એણે મને ખૂબ મદદ કરી હતી. વારાણસીમાં મેં તેની તપાસ કરી પણ, ત્યાંય એને મળી શકી નહીં. અમે અનેક વાર જોતાં કે ઠાકુરને કશું જોઈતું હોય ત્યારે, લોકો આપોઆપ દક્ષિણેશ્વર ચાલ્યાં આવે અને પાછાં એટલી જ ઝડપથી અદૃશ્ય થઈ જાય.
ભૂતની વાર્તા
એક દહાડો રાખાલ સાથે ઠાકુર વેણી પાલના ઉદ્યાનગૃહે (સિંથીમાં) ગયા. એ બગીચામાં લટાર મારતા હતા તે સમયે એક ભૂત એમની પાસે આવ્યું ને બોલ્યું : ‘તમે અહીં શા માટે આવ્યા છો? અમે દાઝી મરીએ છીએ. તમારી હાજરી અમારાથી સહેવાતી નથી. અહીંથી જલદી ઉપડી જાઓ.’ ઠાકુરની શુચિતા અને પાવક પવિત્રતા એનાથી શી રીતે સહી જાય? હસતાં હસતાં ઠાકુર ત્યાંથી પાછા વળ્યા. આ વાત કોઈને તેમણે કહી નહીં. વાળુ કરીને તુરત જ કોઈને ગાડી લાવવા તેમણે કહ્યું, જો કે એ રાત ત્યાં રોકાશે એમ અગાઉથી ગોઠવણ હતી. ગાડી બોલાવી મંગાઈ અને તે જ રાતે તેઓ પાછા દક્ષિણેશ્વર આવ્યા. દરવાજા પાસે ગાડીનો અવાજ સાંભળી મેં કાન માંડ્યા અને, ઠાકુરને રાખાલ સાથે બોલતાં સાંભળ્યા. હું સડક થઈ ગઈ અને વિચારવા લાગી : ‘એમણે વાળુ કર્યું છે કે નહીં તે હું જાણતી નથી. નહીં કર્યું હોય તો આ કવેળાએ ખોરાકની સામગ્રી મને ક્યાંથી મળશે?’ રોજ હું મારી પાસે કંઈ ને કંઈ રાખતી, છેવટે બાકી રવો જ. કોઈ કોઈ વાર એ કસમયે ખાવા માગતા. પણ એ રાતે તો એ પાછા આવવાના નથી તેની મને પાકી ખાતરી હતી એટલે મારો કોઠાર ખાલી હતો. મંદિરમાંથી આવવાજવાના બધા દરવાજાએ તાળાં હતાં. મધરાત પછીનો એક વાગ્યો હતો. તાળીઓ વગાડતા એ ભગવાનનું નામ લેતા હતા. થોડી વાર પછી કોઈએ દરવાજો ખોલ્યો. દરમિયાનમાં, એ ભૂખ્યા હોય તો શું કરવું તેની ચિંતા હું કરતી હતી. દાખલ થતાં જ એમણે મને મોટેથી કહ્યું : ‘મારા ખાવાની ચિંતા ન કરશો. મેં વાળુ કર્યું છે.’ પછી એમણે રાખાલને ભૂતની વાત કરી. ચમકીને રાખાલ બોલી ઊઠયો : ‘બાપ રે! ત્યાં તે વખતે તમે મને ન કહ્યું તે બહુ સારું કર્યું નહીં તો બીકથી મારા દાંત ત્યાં જ કડકડવા લાગત. અટાણેય મને બીકે ઘેરી લીધો છે.’
શ્રીરામકૃષ્ણનું ચિત્ર
ઠાકુરના પ્રથમ ફોટોગ્રાફની ઘણી નકલો કઢાવાઈ હતી. બ્રાહ્મણ રસોયાએ એમાંથી એક લીધી. ચિત્ર એકદમ ગાઢું હતું, કાલી માતાની મૂર્તિ જેવું, એટલે એ બ્રાહ્મણને આપવામાં આવ્યું હતું. દક્ષિણેશ્વર છોડીને એ બીજે ગયો ક્યાં તે હું જાણતી નથી – ત્યારે એણે તે ચિત્ર મને આપ્યું. દેવદેવીઓનાં બીજાં ચિત્રોની સાથે મેં એ ચિત્ર રાખ્યું અને હું તેની પૂજા કરતી. એ કાળે હું નોબતખાનાની નીચે ભોંયતળિયે રહેતી. એક વાર ઠાકુર ત્યાં આવ્યા અને, એ ચિત્ર જોઈ કહે. અરે! આ બધું શું છે? દાદરા નીચે લક્ષ્મી અને હું રાંધતાં હતાં. પછી ત્યાં પૂજા માટે રાખેલાં બીલીપત્ર અને ફુલો પોતાના હાથમાં લઈ એ છબી પર ચડાવતા ઠાકુરને મેં જોયા. આ એ જ છબી છે, એ બ્રાહ્મણ કદી પાછો આવ્યો નહીં એટલે, એ છબી મારી પાસે જ રહી. (અત્યારે એ છબી કલકત્તાનાં પૂજ્ય માના ઘર ઉદ્બોધનમાં આવેલા પૂજાઘરમાં છે.)
ઠાકુર કેવા દેખાતા હતા?
એમના શરીરની કાંતિ સુવર્ણ જેવી હતી, હરિતાલના જેવી, પોતાને હાથે જે સોનાનું માદળીયું એ પહેરતા તેની સાથે એ બરાબર ભળી જતું. હું એમને તેલ ચોળતી ત્યારે તેમના સમગ્ર દેહમાંથી પ્રકાશ નીકળતો હું જોતી. ગંગાસ્નાન માટે ધીમે પગલે તેઓ ઘાટ ઊતરતા ત્યારે લોકો આશ્ચર્યચકિત બની તેમને જોઈ રહેતા. અને, મંદિરમાં પોતાના ઓરડામાંથી તે બહાર આવતા ત્યારે, હારબંધ ઊભા રહી લોકો કહેતા : ‘અરે! જુઓ તો, એ ચાલ્યા!’ કામારપુકુરમાં પણ તેમ બનતું. એ પોતાના ઘરની બહાર નીકળતા ત્યારે, લોક એમની સામે મોં ફાડીને જોઈ રહેતું. ભૂતેર ખાલ તરીકે ઓળખાતી નહેર તરફ એક વાર એ ફરવા ગયા. ત્યાં પાણી ભરવા ગયેલી સ્ત્રીઓ એમની સામે તાકી તાકીને જોતી બોલી ઊઠી, ‘એ ઠાકુર જાય છે’ ઠાકુર આથી અકળાયા અને એમણે હૃદયને કહ્યું :
‘અરે, હૃદુ મને તરત એક બુરખો ઓઢાડી દે.’
ઠાકુર ઠીક ઠીક સશક્ત હતા. બેસવા માટે મથુરબાબુએ તેમને નીચી બાજોઠ આપી હતી, એ પહોળી તો હતી પણ, જમવા માટે એની પર તેઓ પલાંઠી વાળીને નિરાંતે બેસી શકે તેટલી મોટી ન હતી.
મેં કદી ઠાકુરને શોકમગ્ન જોયા નથી. પાંચ વરસનો છોકરો હોય કે ઘરડો માણસ હોય, દરેકની સાથે તેઓ આનંદ કરતા. એ દિવસો કેવા સુખના હતા! કામારપુકુરમાં પોતે વહેલા ઊઠી મને કહેતા, ‘આજે હું આ ખાઈશ, મને એ રાંધી દેશોને?’ ઘરની બીજી સ્ત્રીઓ સાથે મળીને હું એ વાનગીઓ બનાવતી. થોડાક દહાડા પછી એ બોલ્યા : ‘મને શું થઈ ગયું છે? ઊંઘમાંથી જાગું છું તે જ ઘડીએ હું બોલું છું : ‘આજ શું ખાઈશ? આજ શું ખાઈશ?’ પછી મને કહે : ‘કોઈ ચોક્કસ વાનગી ખાવાની મને ઈચ્છા નથી. મારે માટે તમે જે રાંધશો તે હું ખાઈશ.’
કેવું સ્થિતપ્રજ્ઞ મન!
એક દિવસ હાજરાએ ઠાકુરને કહ્યું : ‘નરેન્દ્ર અને બીજા જુવાનિયાઓ માટે તમે આટલું શા સારું ઝંખો છો? ખાતે પીતે ને ગમ્મત કરતે એ સૌ પોતાનામાં સુખી છે. તમારું ચિત્ત ભગવાનમાં પરોવો. એમનામાં આસક્તિ શા માટે રાખો છો?’ આ શબ્દો સાંભળીને ઠાકુરે યુવાન શિષ્યોમાંથી મનને સંપૂર્ણપણે વાળી લીધું અને ભગવાનના વિચારમાં પરોવ્યું. એ તરત સમાધિસ્થ થયા. કદંબના ફૂલની જેમ એમની દાઢી પરના વાળ અને રોમ ખડાં થઈ ગયાં. ઠાકુર કેવા હશે તે કલ્પના કરો! એમનો દેહ લાકડાના પુતળા જેવો જડ બની ગયો. એમનું ધ્યાન રામલાલ રાખતા. તેમણે કહ્યું : ‘કૃપા કરી ફરીથી પૂર્વવત્ થાઓ.’ આખરે એમનું ચિત્ત સાધારણ ભૂમિકાએ આવ્યું. કેવળ કરુણાથી પ્રેરાઈને ઠાકુર પોતાનું ચિત્ત સ્થૂળ ભૂમિકાએ રાખતા.
શ્રીરામકૃષ્ણનો ત્યાગ
ઠાકુરના પગારની ગણતરીમાં એક વાર કંઈ ભૂલ હતી. મંદિરમાં વહીવટદારને એ વિશે કહેવા મેં એમને કહ્યું પણ, એમણે કહ્યું : ‘કેવી શરમની વાત! હું શું વળી હિસાબની કડાકૂટમાં પડીશ!’ એક વાર એમણે મને કહ્યું હતું : ‘જે કોઈ ભગવાનનું નામ લે તેની ઉપર કદી આફત ન આવે. તમારે મારે માટે કંઈ કહેવાની જરૂર નથી!’ આ શબ્દો એમના પોતાના જ છે. ત્યાગ એમનું ભૂષણ હતો.
***
ઠાકુરનું શરણું લેશો તો તમને બધું જ મળશે. કેવળ ત્યાગ એમની કાંતિ હતી. આપણે એમનું નામ લઈએ છીએ ને ખાઈએ પીએ છીએ ને જલસા કરીએ છીએ. કારણ એમણે બધાંનો ત્યાગ કર્યો હતો. ઠાકુર આવા સંપૂર્ણ ત્યાગના માણસ હતા એટલે, એમના ભક્તો ખૂબ મોટા હોવા જોઈએ એમ સૌ માને છે.
અરે! એક વખત મારી નોબતખાનાની ઓરડીએ એ આવ્યા. એમના બટવામાં કંઈ મુખવાસ ન હતો. એ વારંવાર કંઈ ને કંઈ મમળ્યા કરતા. મોંમાં નાખવા માટે મારી પાસેથી મેં તરત કંઈક આપ્યું અને પોતાના ઓરડામાં લઈ જવા માટે થોડા મુખવાસનું એક પડીકું વાળી આપ્યું. પછી એ ઊઠયા અને, પોતાને ઓરડે જવાને બદલે ગંગાના ફુરજા ભણી ગયા. એ રસ્તો જોતા ન હતા તેમ જ, એમને એ વાતનું ભાન ન હતું. એ ફરી ફરી બોલતા હતા : ‘મા, હું ડૂબી મરું?’ વ્યાધિથી હું અકળાઈ ઊઠી. નદી કાંઠા સુધી છલોછલ હતી. તે સમયે હું જુવાન હોઈ બહાર જઈ શકું તેમ ન હતી અને, નજીકમાં મને ત્યાં કોઈ નજરે પડતું ન હતું. ઠાકુર પાસે કોને મોકલું? આખરે કાલીમંદિરનો એક બ્રાહ્મણ મારી ઓરડી ભણી આવતો દેખાયો. એની મારફત મેં જમતા હૃદયને કહેવડાવ્યું. એ થાળી પરથી ઊભો થયો, ઠાકુર પાસે દોડી ગયો અને, પકડીને તેમને તેમના ઓરડામાં લઈ ગયો. એક ક્ષણ વધારે ગઈ હોત તો તેમણે ગંગામાં ભૂસ્કો માર્યો હોત.
એમને મેં મુખવાસનું પડીકું આપ્યું હતું એટલે, એમને માર્ગ મળતો ન હતો. પવિત્ર માણસ સંઘરો કરી શકે નહીં. એમનો ત્યાગ પૂરો સો ટકાનો હતો.
***
એક વાર પંચવટીમાં એક વૈષ્ણવ સાધુ આવ્યો એ વખતે એણે ખૂબ ત્યાગ કર્યો છે એમ દેખાડ્યું. પણ, રે ભાગ્ય, પછીથી ઉંદરની જેમ, એ જુદી જુદી ચીજો તાણવા અને એકઠી કરવા લાગ્યો- તપેલાં, પ્યાલાં, બરણી, ઘઉં, ચોખા, દાળ અને એવું બધુંયે. ઠાકુરે એ જોયું અને એક દિવસ એ બોલ્યાઃ ‘બિચ્ચારો! હવે એનો સર્વનાશ થશે!’ માયાના પાશમાં એ બંધાવાનો હતો. ઠાકુરે અને ત્યાગની જોરદાર સલાહ આપી અને વધારામાં, એને ત્યાંથી ચાલી જવા કહ્યું. પછી એ ચાલી ગયો.
ભક્તો પર ઠાકુરનો પ્રેમ
એક વાર બળરામની વહુ માંદી પડી. ઠાકુરે મને કહ્યું : ‘કલકત્તા જઈ એને જોઈ આવો.’ મેં કહ્યું, ‘કેવી રીતે જાઉં? ગાડી કે બીજું વાહન અહીં દેખાતું નથી.’ ઊંચા સાદે ઠાકુર કહે : ‘શું? બળરામનું કુટુંબ આટલું દુઃખમાં છે અને તમે જવા આનાકાની કરો છો? કલકત્તા સુધી ચાલીને જાઓ. ચાલતા જાઓ.’ આખરે એક પાલખી મંગાવવામાં આવી અને હું દક્ષિણેશ્વરથી નીકળી. બે વખત એની માંદગીમાં અને જોવા હું ગઈ હતી. ફરી એક વાર શ્યામપુકુરથી રાતે ચાલતી ગઈ હતી.
***
નાનો નરેન ઠાકુર પાસે આવતો. એ દૂબળો અને કાળો હતો. એના ચહેરા પર ચાઠાં હતાં અને, ઠાકુરને એ ખૂબ ગમતો. પલ્ટુ અને મણીન્દ્ર ઠાકુરને મળવા આવ્યા ત્યારે, તેઓ ખૂબ નાના હતા, આશરે દસ અગિયાર વરસના. એક વાર, કાશીપુરને બગીચે, હોળીને દિવસે, સૌ ગુલાલથી રમવા ગયા પણ, આ બે જાય નહીં. એ ઠાકુરને પંખો નાખતા‘તા ને વારંવાર હાથ બદલાવતા’તા. બંને એટલા નાના હતા કે આ એમને ફાવતું ન હતું. વળી તેઓ ઠાકુરના પગ દબાવતા હતા. ઠાકુરને કફ હતો ને તેથી તેમનું માથું દુઃખતું હતું અને તેમને સતત પંખાની જરૂર હતી, પેલા નાના છોકરાઓને એ કહેતા રહ્યા : ‘હવે જાઓ. નીચે જાઓ ને ગુલાલ રમો. બધાય ગયા છે.’ પણ પલ્ટુ બોલ્યો : ‘ના, મહારાજ, અમે જવાના નથી. અમે અહીં જ રહેવાના છીએ. તમને છોડીને અમે કેમ જઈ શકીએ?’
જવાની એમણે ના જ પાડી. ઠાકુર પોતાનાં આંસુ ખાળી શક્યા નહીં. ‘મારા વહાલા! આ છોકરાઓ તો મારી સંભાળ લેનાર મારા રામલાલા છે. નાના છોકરા છે તોય, પોતાના આનંદને માટે પણ મને છોડીને જતા નથી!’
ઠાકુરની પીડાનું રહસ્ય
પોતાની માંદગી દરમિયાન ઠાકુરે એક વાર આમળાં ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. ખાધાપીધા વિના કે ઊંઘ્યા વિના ત્રણ દહાડાની અવિરત દોડધામને અંતે, દુર્ગાચરણ દાસે થોડાં આમળાં આણ્યાં. પછી ઠાકુરે દુર્ગાચરણને જમવા કહ્યું અને, પોતે પણ થોડો ભાગ ખાધો જેથી, એ પ્રસાદ બની જાય. મેં ઠાકુરને કહ્યું, ‘તમે ભાત સારી રીતે ખાઓ છો તો પછી, તમે જમવામાં રોજ રવાની ખીર જ શા માટે લો છો? ‘તમારે ખીરને બદલે ભાત ખાવો જોઈએ.’ ‘ના, ના,’ એ બોલ્યા, ‘મારી જિંદગીના આ છેલ્લા દિવસોમાં હું રવાની ખીર જ લઈશ.’ રવો ખાવામાં પણ એમને અસહ્ય પીડા થતી! અવારનવાર એમના નાક વાટે એ બહાર નીકળી જતો.
ઠાકુર કહેતા : ‘તમારા સૌને માટે હું પીડા ભોગવી રહ્યો છું. આખી દુનિયાની પીડા મેં મારા માથા પર લીધી છે.’ ગિરીશના પાપ પોતે લઈ લીધાં હતાં માટે તે પીડાતા હતા.
કર્મનું ફળ
આપણાં સુખ-દુઃખ માટે કર્મ જ જવાબદાર છે. ઠાકુરને પણ કર્મનાં ફળ ભોગવવાં પડ્યાં હતાં. એક વાર સનેપાતથી પીડાતા એમના મોટાભાઈ પાણી પીતા હતા. એમણે થોડુંક પીધું ન પીધું ત્યાં ઠાકુરે ભાઈના હાથમાંથી પ્યાલો ઝૂંટવી લીધો. ગુસ્સે થઈ ભાઈ બોલ્યા : ‘તે મને પાણી પીતાં અટકાવ્યો છે. તું પણ એવી જ પીડા ભોગવીશ. તારા ગળામાં તને એવું જ કઠશે.’ ઠાકુરે કહ્યું : ‘ભાઈ, હું તમને ઈજા પહોંચાડવા માગતો ન હતો. તમે માંદા છો. તમારે માટે પાણી નુકસાનકારક છે એટલે, મેં પ્યાલો ઝૂંટવી લીધો હતો. તો, તમે મને આમ શાપ શા માટે આપ્યો?’ ભાઈ રડતાં રડતાં બોલ્યા : ‘ભાઈ હું જાણતો નથી. મારા મોઢામાંથી ભાઈ આ શબ્દો નીકળી પડ્યા. એ સાચા પડવાના જ.’ પોતાની માંદગી સમયે વાત કરતાં ઠાકુરે મને કહ્યું હતું : ‘મારા ગળાનું આ ચાંદું પેલા શાપને લીધે છે.’ જવાબમાં હું બોલી હતી : ‘આ તમને થયું છે એવા દરદ સાથે માણસ જીવતું કેમ રહી શકે?’
ઠાકુરે ઉત્તર વાળ્યો હતો : ‘મારા ભાઈ ધાર્મિક પુરુષ હતા. એમના શબ્દો સાચા પડવા જ જોઈએ. હરેક આલતુ ફાલતુના બોલ આમ સાચા પડી શકે?’
કર્મનું ફળ અનિવાર્ય છે. પણ પ્રભુનામ લેવાથી એની અસર ઓછી થાય ખરી. હળ જેટલો મોટો ઘા નિર્માયો હોય તો બહુ બહુ તો કાંટો ભોંકાય. જપતપથી કર્મના પરિપાકનો સામનો થઈ શકે.
એક અકસ્માત
ઠાકુરને છોકરાઓ સાથે આનંદ પડતો. નરેન (સ્વામી વિવેકાનંદ) અને બાબુરામ (સ્વામી પ્રેમાનંદ) પેટ પકડીને હસતા જમીન પર આળોટતા. એક વાર કાશીપુરના ઉદ્યાનગૃહમાં હાથમાં દૂધનો કટોરો ઝાલી હું સીડી ચડતી હતી. અચાનક ચક્કર આવતાં હું પડી. બધું દૂધ ઢોળાયું અને મારી ઘૂંટી ખડી ગઈ. દોડી આવીને નરેને અને બાબુરામે મને પકડી લીધી. પગ ખૂબ સૂઝી ગયો. આ અકસ્માતનું સાંભળી ઠાકુરે બાબુરામને કહ્યું : ‘વારુ, બાબુરામ, હું તો બહુ મજાની પરિસ્થિતિમાં મૂકાયો છું. હવે કોણ સારું રાંધશે ને કોણ જમાડશે?’ એ વખતે એમને ગળાનું કૅન્સર હતું. અને માત્ર રવાની ખીર ખાઈ શકતા. હું એ રાંધતી અને ઉપરના માળે એ રહેતા ત્યાં લઈ જઈ ખવડાવતી. એ વખતે મારા નાકમાં નથ પહેરતી. ઠાકુરે પોતાને નાકે આંગળી મૂકી અને એક વર્તુળાકાર દોરી, મારું સૂચન કરી, પછી બાબુરામને કહે : ‘બાબુરામ, તું એમને એક ટોપલીમાં બેસાડી, ટોપલી તારા ખભા પર ઊંચકી, આ ઓરડે લાવી શકે ખરો?’ નરેન અને બાબુરામ પેટ પકડીને હસવા લાગ્યા. આમ એ એમની સાથે મજાકો કરતા. ત્રણ દિવસ પછી સોજો ઊતરી ગયો. પછી ઉપર જવામાં તેઓ મને મદદ કરવા લાગ્યા. એ ત્રણ દહાડા ગોલાપ મા ખીર રાંધતાં અને નરેન એમને જમાડતો.
દેહ અને આત્મા
પતિ, પત્ની, અરે દેહ સુધ્ધાં, બધું જ માયાવી છે. એ બધાં માયાનાં બંધનો છે, આ બધાં બંધનોથી તમે મુકત થઈ શકો નહીં ત્યાં સુધી, તમે ભવપાર જઈ શકો નહીં. દેહની આ આસક્તિ પણ, દેહીનું દેહ સાથે જોડવું તે પણ, જવું જોઈએ. બેટા આ દેહ શું છે? એને બાળ્યા પછી થતી ત્રણ રતલ રાખ છે એ, શા માટે એનું આટલું ગુમાન? આ શરીર ગમે તેટલું સશક્ત કે સુંદર હોય, એનો અંત તો પેલી ત્રણ રતલ રાખમાં જ આવવાનો છે. ને છતાંય લોકને એ માટે આટલી આસક્તિ છે. ભગવાનનો જય હો!
ઠાકુર કહેતા : ‘મૃગની નાભિમાં કસ્તૂરી થાય છે. એની સુગંધથી આકર્ષાઈ, મૃગ અહીંતહીં દોડાદોડી કરે છે. સુવાસ ક્યાંથી આવે છે તે એ જાણતો નથી. એ જ રીતે પરમેશ્વર માણસના દેહમાં વસે છે અને માણસ એ જાણતો નથી. તેથી એ શાંતિની શોધમાં બધે ભટકે છે, એને ખબર નથી કે એ તો પોતાની અંદર જ છે. પરમેશ્વર જ સત્ય છે. બીજું બધું વૃથા છે.’
અભ્યાસ, અભ્યાસ, અભ્યાસ!
માણસ દરરોજ પ્રભુની ઝાંખી કરી શકે! ઠાકુર કહેતા : ‘માછલી પકડનાર પોતાનો વાંસ પકડીને બેસે તે શું દરરોજ મોટી ઝીંગો માછલી એને મળે? બધું બરાબર ગોઠવીને, એ પોતાનો વાંસ પકડીને ધ્યાનથી બેસે. કોઈક વાર એના સળિયામાં ઝીંગો પકડાય પણ, ઘણી વાર તો એ નિરાશ જ થવાનો. એ કારણે અભ્યાસ છોડવાનો નહીં.’ વધારે જપ કરો.
તું આટલો ચંચળ કેમ છે, બેટા? તારી પાસે છે એને તું શા માટે વળગી નથી રહેતો? રોજ યાદ કર, ‘મારે ભલે બીજું કોઈ ન હોય, એક મા તો છે જ.’ ઠાકુરના પેલા શબ્દો તને યાદ છે ને? એમણે કહ્યું હતું કે જે કોઈ એમનું શરણ લેશે તે દરેકની પાસે એ પ્રગટ થશે – કંઈ નહીં તો એની જિંદગીને છેલ્લે દહાડે પ્રગટ થશે. ઠાકુર સૌને પોતાની પાસે બોલાવી લેશે.
‘દરેક ઘરમાં મારી પૂજા થશે’
ઠાકુર કાશીપુરમાં માંદગીમાં પટકાઈ પડ્યા હતા ત્યારે એક વાર, દક્ષિણેશ્વરમાં કાલીમાતાને ધરાવવાનું નૈવેદ્ય કેટલાક ભક્તો ત્યાં લાવ્યા. ઠાકુર કાશીપુરમાં છે જાણી પોતે જે લાવ્યા હતા તે બધું તેમણે ઠાકુરની છબી પાસે ધરાવ્યું અને પછી એ સૌ પ્રસાદ આરોગવા લાગ્યા. ઠાકુરે આ સાંભળ્યું ત્યારે કહ્યું : ‘જગન્માતા માટે આ બધું આણવામાં આવ્યું હતું અને, એ અહીં (અર્થાત્, પોતાને) ધરાવ્યું.’ હું આથી ખૂબ ગભરાઈ ગઈ અને વિચારવા લાગી : ‘આ ભયંકર વ્યાધિથી એ પીડાય છે. શું પરિણામ આવે તે કોને ખબર? આ કેવી આફત! એમણે શું કામ એમ કર્યું?’ (દેવને અર્પણ કરાવવાનું કંઈ કોઈ માણસને આપી શકાય નહિ તેથી, થઈ આફતની આ ચિંતા.)
આ ઘટનાનો ઉલ્લેખ ઠાકુરે પણ વારંવાર કર્યો. પછી રાતના મોડેથી મને કહે : ‘સમય જતાં મારી પુજા ઘેર ઘેર થશે એ તમે જોશો. બધા આનો (અર્થાત્ પોતાનો) સ્વીકાર કરશે. આ નક્કી બનવાનું જ છે.’ આ એક જ વાર મેં એમને પોતાની વાત ‘હું, મારું’ કહી કહેતા સાંભળ્યા. સામાન્ય રીતે એ ‘હું’ ‘મને’ એમ નહીં કહેતાં, પોતાનું શરીર ચીંધી ‘આ’, ‘આને’ કહેતા.
આતુરતા અને દર્શન
આતુરતાપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરે તે ઈશ્વરનું દર્શન કરે. અમારો એક ભક્ત તેજચંદ્ર મિત્ર અવસાન પામ્યો. એ કેવો નૈષ્ઠિક આત્મા હતો! એને ઘેર ઠાકુર આવતા જતા. કોઈએ બસો રૂપિયા તેજચંદ્રને સાચવવા આપ્યા. ટ્રેઈનમાં કોઈ ખિસ્સાકાતરુએ એ પૈસા મારી લીધા. થોડી વાર પછી તેજચંદ્રને ખબર પડતાં એ દુઃખી દુઃખી થઈ ગયો. ગંગા તટે જઈ એ આંખમાં આંસુ સાથે ઠાકુરને પ્રાર્થના કરવા લાગ્યો : ‘મને આ શું કર્યું, પ્રભુ?’ આ રકમ ભરપાઇ કરી શકે એવી એની સ્થિતિ ન હતી. એ આમ રડતો હતો ત્યાં, અને ઠાકુરનાં દર્શન થયાં. ઠાકુર એને કહેતા સંભળાયા, ‘આમ આટલું આક્રંદ શું કરે છે? ગંગાકાંઠે જો, ઇંટ નીચે પૈસા પડ્યા છે.’ તેજચંદ્રે ઇંટ ખસેડી અને ત્યાં એને નોટની થપ્પી જડી. આ વાત એણે શરત્ (સ્વામી શારદાનંદ)ને કરી. શરતે કહ્યું : ‘તું ભાગ્યશાળી છે કે તને આજે પણ ઠાકુરનાં દર્શન થાય છે. પણ અમને નથી થતાં.’ શરત અને એના સાથીઓને શા માટે હવે ઠાકુરનાં દર્શન થવાં જોઈએ? એમણે એમને ધરાઈને જોયા છે અને, એ સૌની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે.
ઠાકુરનાં દર્શન
ઠાકુરે આ દુનિયાનો ત્યાગ કર્યો ત્યારે, મારે પણ દેહત્યાગ કરવો હતો. ઠાકુર મને દેખાયા અને કહે : ‘ના, તમારે અહીં રહેવાનું જ છે. ઘણાં કામ કરવાનાં છે.’ સમય જતાં મને પણ સમજાયું કે આ વાત સાચી છે. ઠાકુર કહેતા : ‘કલકત્તાનું લોક અંધારામાં પેટ ઘસડતાં જંતુ જેમ જીવે છે. તમારે એમને દોરવાનાં છે.’ એ કહેતા કે ‘હું સૂક્ષ્મ શરીરે બીજાં સો વરસ જીવીશ અને ભક્તોનાં હૃદયોમાં વસીશ.’ વળી એ કહેતા કે ગોરા લોકોમાંથી પોતાના અસંખ્ય અનુયાયીઓ થશે.
ઠાકુરના ગયા પછી શરૂશરૂમાં હું ખૂબ ગભરાઈ કારણ, પાતળી લાલ કિનારવાળી સાડી હું પહેરતી અને, હાથમાં સુવર્ણ કંકણ ધારણ કરતી. લોકોની ટીકાનો (રૂઢિ મુજબ હિંદુ વિધવાઓ કિનાર વગરની સફેદ સાડી પહેરી શકે અને કંઈ ઘરેણાં પહેરી શકે નહીં. પૂજ્ય મા આમ કરવા માગતાં હતાં પણ, ઠાકુરે એમને દર્શન આપી એમ કરવાની ના પાડી હતી અને કહ્યું હતું કે પોતાનું અવસાન થયું નથી.) ડર મને રહેતો.
એક વાર મારી સમક્ષ આવી ઠાકુરે ખીચડી ખાવા માગી. એ રાંધી મેં તે મંદિરમાં રઘુવીર (કામારપુકુરના શ્રીરામકૃષ્ણના કુટુંબના ગૃહદેવતા) ને ધરાવી. પછી માનસિક રીતે મેં ઠાકુરને એના વડે જમાડ્યા.
વૃંદાવન જતાં, ગાડીના ડબ્બાની મારી બારી પાસે મે ઠાકુરને જોયા. મને કહે : ‘માદળિયાનું ધ્યાન રાખજો નહીં તો એ ખોવાઈ જશે.’ એમણે મને પોતાનું માદળિયું આપ્યું હતું અને હું તે મારે હાથે પહેરતી, એની પૂજા કરતી. પાછળથી મેં બેલુડ મઠને આપ્યું હતું અને હવે લોકો ત્યાં એની પૂજા કરે છે.
‘સંભવામિ યુગે યુગે’
ઠાકુર કહેતા કે, ‘હું સો વર્ષ પછી પાછો આવીશ.’ ત્યાં સુધી, એ સો વર્ષ પર્યંત, પોતાના ભક્તોનાં હૃદયોમાં પોતે રહેશે એમ એ કહેતા. દક્ષિણેશ્વરની એ અર્ધગોળાકાર ઓસરીમાં ઊભા રહી, વાયવ્ય તરફ ચીંધી, ઠાકુર આ બોલ્યા હતા. મેં કહ્યું હું ફરી નહીં આવી શકું. લક્ષ્મીએ (શ્રીરામકૃષ્ણની ભત્રીજી; ભાઈ રામેશ્વરની દીકરી) પણ કહ્યું, હું યે નહીં આવું, ભલેને મારા તમાકુ જેવડા ટૂકડા કરે. હસીને ઠાકુર બોલ્યા હતા; ‘આવવાનું તમે કેવી રીતે ટાળી શકશો? આપણાં મૂળ તો કલમીના છોડવા જેમ ગંઠાયેલાં છે (કલમી તળાવની સપાટી પર ઉગતી વેલ છે) એક ડાળખીને ખેંચો ને આખું ઝૂમખું બકાર નીકળી આવે.’ ઠાકુર કહેતા : ‘તમે આંબાવાડિયામાં આંબા ખાવા આવ્યા છો. ઠીક તો પછી ખાઓ, મજા કરો અને પછી ચાલતી પકડો. ત્યાં કુલ કેટલી ડાળો છે ને કુલ કેટલાં પાન છે એનું તમારે શું કામ છે?’
ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા
(‘સંયુક્ત રાજ્ય અમેરિકા સ્થિત રામકૃષ્ણ મઠના કેન્દ્ર ‘વેદાંત સોસાયટી ઑફ સેંટ લુઇ’ દ્વારા પ્રકાશિત, સ્વામી ચેતનાનંદજી દ્વારા સંપાદિત, ‘Sri Ramakrishna as We Saw Him’ પુસ્તકમાંથી સાભાર.)
પથ્થરમૂર્તિ-દેવતાને
(વસંતતિલકા – સૉનેટ)
તું હો ભલે કઠણ પથ્થર કેરી મૂર્તિ,
તો યે મને મનુજને બધી રીત ઇષ્ટ;
હું તો નથી જ જડ પથ્થર હું પ્રવિષ્ટ
તું મા થઇશ. હું છું માનવ, તારી સ્ફૂર્તિ;
તું મા પ્રવેશ કરી, કોતરી-ખોતરીને
તારી બધી જ જડતા વીંધી આરપાર
હું નીકળી જઇશ ઓજ મહીં અપાર
ઓ પાર ચેતનતટે જડધિ તરીને;
ને જો હું તારી જડતા વીંધી ના શકીશ
તો યે હું હાર નહીં માનું; ન થંભુ ત્યાંજ;
પ્હાડો મહીં પડધી – છેવટ તો અવાજ
છું પ્રીતનો પરમવ્યાકુલ; હું જીતીશ;
પાછો ફરેલ મુજ શબ્દ મને વીંધી જશે
– વીંધી જશે જ સોંસરો,
આ બાજુ હું : મુજ ભણી, મુજમાં શું શું થશે,
પ્રશ્ન જ એ ખરેખરો.
ઉશનસ્
Your Content Goes Here




