સુપ્રસિદ્ધ વિદ્વાન ચિંતક-લેખક શ્રી કાન્તિલાલ કાલાણીએ પોતાના ગ્રંથ ‘સર્વધર્મસમન્વય’માં વિભિન્ન ધર્મોનો પરિચય સુંદર રીતે રજૂ કર્યો છે. અહીં જરથુષ્ટ્ર ધર્મ વિષેના તેમના લેખના થોડા અંશો આપેલા છે.

જરથુષ્ટ્ર ધર્મની સ્થાપના જરથુષ્ટ્રે કરી એટલે આ ધર્મ જરથુસ્તી ધર્મ તરીકે ઓળખાય છે. જરથુષ્ટ્રની ઐતિહાસિકતા વિશે સારો એવો વાદવિવાદ પ્રવર્તે છે. તેમ છતાં જરથુષ્ટ્ર થઈ ગયા હોવાનાં પ્રમાણો કેટલાક ઇતિહાસવિદોએ જણાવ્યાં છે. આ ધર્મનું સાહિત્ય ઈ.સ. પૂર્વે લગભગ ૫૫૦ થી ૩૩૦ વર્ષના ગાળામાં લખાયેલા શિલાલેખોમાંથી પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત ઈરાનની પહેલવી ભાષામાં રચાયેલ ‘અવસ્તા’ ધર્મગ્રંથમાં જરથુસ્તી ધર્મની જ માહિતી છે. ખૂબી તો એ છે કે શિલાલેખોમાં જરથુષ્ટ્રના નામનો અને અવસ્તામાં શિલાલેખોના કાળના રાજાઓનાં નામોનો ઉલ્લેખ નથી!

જરથુસ્તી ધર્મનાં સકલ શાસ્ત્રો અવસ્તાના એકવીસ ગ્રંથોમાં સમાવિષ્ટ થઈ જાય છે. અવસ્તા અટલે જ્ઞાન. અવસ્તાના બધા ગ્રંથો પ્રાપ્ત નથી. એટલે એમાં જે ગ્રંથો પ્રાપ્ત છે એમાં યશ્ન, વીસ્પરદ અને વંદીદાદ મહત્ત્વના ભાગ છે. એમાં કર્મકાંડ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. એટલે પુરોહિતો એનો પ્રધાનપણે ઉપયોગ કરે છે.

યશ્નમાં સત્તર ગાથાઓ (પ્રકરણો) છે. એમાં પ્રાર્થનાઓ, ચિત્રો અને સૂચનાઓ છે. આ ગાથાઓની રચના સ્વયં જરથુષ્ટ્રે કરી હોવાનું મનાય છે. એમાં અહૂરમઝદ (શાણા પ્રભુ)નું જગતના કર્તા તરીકે, સર્વદ્રષ્ટા તરીકે, મિત્ર તરીકે, શુભ વિચારના પિતા તરીકે, ન્યાય તેમ જ સત્યના પિતા તરીકે, પરોપકારી તરીકે, સૌથી વધારે સુંદર આત્મા તરીકે, સૌથી વધારે બળવાન અને મહાન તરીકે અને સર્વજ્ઞ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.

વીસ્પરદમાં ૨૩ પ્રકરણો છે. પૂજા-કર્મ કરતી વખતે જે મંત્રો બોલવામાં આવે છે. અથવા દેવોને આહ્વાન કરવા જે મંત્રો ઉચ્ચારાય છે તેનો એમાં સમાવેશ થાય છે. યશ્નની જેમ એ નૈતિક વિષયોની ચર્ચા કરે છે અને પ્રાર્થના પદ્ધતિએ લખાયેલું છે.

અવસ્તાના ત્રીજા વિભાગ વંદીદાદમાં ધાર્મિક અને નૈતિક વિષયો ઉપરાંત સામાજિક નિયમો. તબીબી સૂચનો, શરીરસુખાકારીના કાનૂનો, ગુના માટે થતી સજાને લગતા કાયદાઓ, વગેરેનો બાવીસ પ્રકરણોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં જગતની ઉત્પત્તિ, પુનર્જન્મ, ધર્મ તેમ જ ઐતિહાસિક બાબતો અંગેના ઉલ્લેખો છે. વંદીદાદ મડદાને દાટવાની ક્રિયાને મોટું પાપ ગણે છે. સર્વ પાપોમાંથી શુદ્ધિ મેળવવા મંત્રો હોય છે અને તેનો ઉપયોગ કરવો જોઈએ. વાળ તેમ જ નખને બરાબર કાપવા જોઈએ. પવિત્રતાને ખૂબ મહત્ત્વ આપવું જોઈએ, એવી બાબતો વંદીદાદમાં આપી છે.

અવસ્તાના બીજા બે વિભાગો- યશ્નો અને ખોર્દેહ અવસ્તા બહુજનસમાજ માટે છે. યશ્નોમાં પૂજા, મંત્રો ઉપરાંત ધાર્મિક કાવ્યો, વીરો તેમ જ દેવદૂતોને કરવામાં આવતી સ્તુતિઓનો સમાવેશ થાય છે. ખોર્દેહમાં જરથુસ્તી ધર્મ પાળતા લોકોએ કરવાની પ્રાર્થનાઓનો સંગ્રહ કરવામાં આવેલો છે.

અવસ્તાની, ગાથાઓ જગતના ધાર્મિક સાહિત્યમાં એક અદ્વિતીય સ્થાન ધરાવે છે. ભાઈ મણિલાલ છો. પારેખે ‘શ્રી જરથુસ્તીનો ધર્મ’ નામના ગ્રંથમાં ઉચિત રીતે જ કહ્યું છે કે, ‘દુનિયાનાં સર્વ શાસ્ત્રોમાં એનું (ગાથાઓનું) સ્થાન ઘણું ઊંચું છે, અને એ સર્વમાં તે પ્રાચીનમાં પ્રાચીન છે એ જોતાં તેની મહત્તા ઘણી વધી જાય છે.’ એ પુસ્તક (અવસ્તા) આટલી બધી મહત્તાવાળું હોવા છતાં તે તેની પહેલાં થઈ ગયેલા ધાર્મિક વિચારના સારરૂપે રચવામાં આવેલું નથી. ઊલટાનું, તેમાં તેની પહેલાંના વિચારનો કેટલોક વિરોધ કરવામાં આવેલો છે. તેમાં આપેલા ધર્મના મુખ્ય સિદ્ધાંતો ઘણી રીતે મૌલિક અને તે કાળને માટે છેક નવા હતા. તેમાં ઈશ્વર સંબંધી અને મનુષ્યોના ધર્મ અને નીતિ સંબંધી એવા ઉચ્ચ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે કે જે તે સમય માટે અસામાન્ય અને અદ્‌ભુત હતા. આ દૃષ્ટિથી જોતાં તે માત્ર આર્યજાતિનું જ નહિ, પણ સમગ્ર માનવજાતિનું સહુથી પહેલું ઉચ્ચ શ્રેણીનું શાસ્ત્ર છે. ગાથાઓનું આ અદ્‌ભુત સ્વરૂપ શ્રીજરથુષ્ટ્રને આભારી છે. ઈશ્વરે તેને પોતાની કૃપાથી એક પ્રકારનું એવું અદ્‌ભુત પ્રકટીકરણ આપ્યું હતું કે જે તેની પહેલાં કોઈને પણ પ્રાપ્ત થયું નહોતું. ધર્મના પ્રદેશમાં આ પ્રકટીકરણ એક મોટામાં મોટો ચમત્કાર છે.’ (પૃ. ૬૪-૬૫).

ભાગવત ધર્મનો ઉદય થયો તે પહેલાં ગાથાઓમાં શુદ્ધ ધર્મની સરિતા વહેતી જોવા મળે છે. શ્રી પારેખે નોંધ્યું છે કે, આ સરિતા માત્ર ઈરાનમાં જ ધોધમાર વહેતી થઈ. એટલું જ નહિ પરંતુ, દૈવયોગે તેની વૃદ્ધિ સેમેટિક ધર્મો એટલે યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ દ્વારા જગતના બહુ મોટા ભાગમાં પણ થઈ. આ ધર્મો તેઓના ઘણા ઊંચા ઊંચા સિદ્ધાંતો માટે ગાથાના કેટલેક અંશે ઋણી છે. આ ધર્મો ઉપર જરથુસ્તી ધર્મની અસર ઘણી ઊંડી છે.

જરથુસ્તી ધર્મમાં એવું શું છે, જેને કારણે એનો આટલો મહિમા કરવામાં આવે છે? ફિરોઝ કાવસજી દાવરે ‘જરથુષ્ટ્ર દર્શન’માં આ ધર્મનો મર્મ સમજાવતાં એવી કેટલીક બાબતો ઉપસાવી આપી છે, જેને લીધે એની મહત્તાનો ખ્યાલ આવે છે. આ ધર્મ પરમાત્માને અહુરમઝદ તરીકે ઓળખે છે. અહુરમઝદ બેહદ ભલો, દયાળુ અને કલ્યાણકારી છે. એટલે જે કોઈ માનવી ભલો થશે તે ઈશ્વરનો પ્રેમ મેળવી શકશે. ભલાઈથી દૂર રહેનારથી ઈશ્વર દૂર જ રહેશે. જરથુસ્ત ધર્મમાં ઈશ્વરનો સૌથી લાક્ષણિક ગુણ તે એની ભલાઈ અને કલ્યાણકારી શક્તિ છે. આ ધર્મમાં ભલાઈ અને સુખને સમાનાર્થક ગણવામાં આવ્યાં છે. એનો મુદ્રાલેખ છે : સુખ તેને, જેનાથી સુખ બીજાને (યશ્ન ૪૩, ૧). ‘જરથુસ્તી ધર્મની આજ્ઞા છે કે થાય તેટલી ભલાઈ કરી લો; દરેક સમયે અને સ્થળે સૌની સાથે ભલાઈ જ કરો.’ જરથુષ્ટ્ર પ્રમાણે, જગત પાપીઓ માટે નથી, પુણ્યશાળીઓ માટે છે. પાપીઓ પ્રત્યે દયા બતાવવાથી તેઓ જ ફાવશે અને સત્તા ઉપર આવી ભલા માણસોની નિદ્રા હરામ કરશે. તેમણે આજ્ઞા કરી હતી કે ભલાઈનો બદલો ભલાઈથી વાળો અને ભૂંડાઈનો બદલો પણ અમુક હદ સુધી ભલાઈ અને ક્ષમાથી વાળો; પણ જો ભલાઈનો અણઘટતો લાભ લેવાતો હોય અને ક્ષમાનું પરિણામ બેવડી બુરાઈમાં આવતું હોય તો તે પાપી સાથે ઉચિત ન્યાયથી વર્તો. જરથુષ્ટ્રના ફરમાન મુજબ, જે માથાભારે પાપીઓ સુધરે નહિ અને સુધરવા માગે પણ નહિ તેમનો સશસ્ત્ર સામનો કરી તેમને પરાજિત કરવા જોઈએ (યશ્ન ૩૧-૧૮ : ૩૩, ૨ અને ૪૩, ૫ અને ૮).

ભલાઈ અને કલ્યાણને જરથુસ્તી ધર્મે મહત્ત્વ પણ આપ્યું છે. પણ સૌથી સર્વગ્રાહી સગુણ તરીકે તેણે ‘અષ’ને ગણાવ્યો છે. આ શબ્દ સત્ય, શુદ્ધિ-પવિત્રતા માટે પ્રયોજાયો છે. ગાથા અને અવસ્તા સાહિત્યમાં આ સદ્‌ગુણનાં ગુણગાન અનેક ઠેકાણે જોવા મળે છે. દાવરસાહેબ યશ્નના અંતમાં આવતું એક જાણીતું કથન નોંધે છે : ‘પંથ એક જ છે અને તે અષનો; બીજા પંથો તે પંથ જ નથી.’ વળી યશ્ન ૬૦, ૧રની જાણીતી પંક્તિઓ છે : ‘સૌથી ઉત્તમ અષોઈથી, અય અહુરમઝદ! અમે તારાં દર્શન કરીએ, તારી સમીપ આવીએ, તારી કાયમની મૈત્રી અમે પ્રાપ્ત કરીએ.’ અષ જરથુસ્તી નીતિના આધારસ્તંભ સમાન છે. જરથુષ્ટ્ર કહે છે કે જ્યાં સુધી તેઓમાં શક્તિ છે ત્યાં સુધી તેઓ બીજાઓને અષના પંથે ચાલવા અનુરોધ કરશે (યશ્ન ૨૮ :૪). અષ અને વાહુમનો (પવિત્ર મન) દ્વારા જરથુષ્ટ્ર અહુરમઝદનાં દર્શન ચાહે છે. (યશ્ન ૩૩, ૭). યશ્ન ૫૦, ૧માં જરથુષ્ટ્ર પૂછે છે કે મારા આત્માને સાચી સહાય કોણ કરી શકે? મને અને મારા અનુયાયીઓને દુ:ખમાં કોની મદદ મળશે? તે પછી એ પોતે જ તેનો ઉત્તર આપે છે કે, અષ અને પવિત્ર મન વિના બીજું કોઈ મદદરૂપ થાય એમ નથી. જેમ અષ એ સર્વોત્તમ ગુણ છે તેમ અગ્નિ અહુરમઝદનાં પ્રતીકોમાં સર્વશ્રેષ્ઠ છે. યશ્ન ૪૩, ૯ પ્રમાણે જરથુષ્ટ્ર અહુરમઝદને કહે છે કે, તારા આતશને હું અષની ભેટ ગણી આરાધું છું. યશ્ન ૪૬, ૭ પ્રમાણે જરથુષ્ટ્ર કહે છે કે, આતશ, વોહુમનો અને અષ મને બદીનો સામનો કરવાની શક્તિ આપશે. ‘ઉત્તરકાલીન’ અવસ્તામાં અષનો અર્થ તન અને મનની શુદ્ધિ કરવામાં આવ્યો છે.

આતશ એટલે અગ્નિ. વોહુમનો એટલે પવિત્ર મન. ગાથામાં પવિત્ર મનની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. પવિત્ર મન દ્વારા જ અહુરમઝદને પ્રાપ્ત કરી શકાય છે. જરથુસ્તે બુદ્ધિમતાને બદલે નૈતિકતાને અને તેજસ્વી પ્રતિભાને બદલે પવિત્ર મનને મહત્ત્વ આપ્યું છે. ગાથામાં આરમઈતી (ભક્તિ)નો પણ ઉત્તમ મહિમા કર્યો છે. જ્ઞાનથી ઈશ્વરને જાણી શકાય, ઈશ્વર શું છે એનો ખ્યાલ આવી શકે, પણ ઈશ્વરને પામવા માટે ભક્તિ જ ઉપયોગી થાય છે.

દાવરસાહેબે ગાથાઓને લક્ષમાં રાખી નોંધ્યું છે કે અષ, વોહુમનો અને આરમઈતી તે અનુક્રમે ઇચ્છાશક્તિ, મન અને લાગણી અથવા હાથ, બુદ્ધિ અને હૃદય અથવા કર્મ, જ્ઞાન અને ભક્તિ છે. અષની ખિલવણીથી આપણે ઈશ્વરના સ્વભાવથી પરિચિત થઈએ છીએ; વોહુમનોથી આપણે ઈશ્વરને જાણી શકીએ છીએ; જ્યારે આરમઈતીથી (ભક્તિ અને પ્રેમથી) આપણને ઈશ્વરનાં પ્રત્યક્ષ દર્શન અને સાક્ષાત્કાર થાય છે.

ગાથામાં હૌર્વતાત (સંપૂર્ણતા) અને અમરતાત (અમરતા) નામના બે ફિરસ્તાઓની વાત કરી છે. યશ્ન ૩૩, ૮માં જરથુસ્ત કહે છે : હે અહુરમઝદ! તું મને ધર્મની નેમ શીખવ, જેથી કરી પવિત્રતા અને પ્રાર્થના દ્વારા હું સંપૂર્ણ અને અમર થઈ શકું.

આરમઈતી, એટલે પૃથ્વી, ખુરદાદ અથવા ખોરદાદ એટલે સર્વપણું અને અમરદાદ એટલે ઝાડ-પાન એવો પહેલેથી સાહિત્યમાં અર્થ કરવામાં આવે છે. આપણે પર્યાવરણની ચિંતા કરી નથી. પૃથ્વી અને જળ તેમ જ વાયુને દૂષિત કરવામાં પાછું વાળીને જોયું નથી અને ઝાડ-પાનનો કચ્ચરઘાણ બોલાવી દીધો છે. આ બધાંનો દુરુપયોગ કરનાર મોટો ગુનેગાર ગણાય છે, એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. ઋગ્વેદના ઋષિઓનાં દર્શનમાં અને જરથુષ્ટ્રનાં દર્શનમાં ઘણું જ સામ્ય જોવા મળે છે. બંને પ્રકૃતિનો અને દિવ્ય ગુણોનો પારાવાર મહિમા કરે છે.

જરથુસ્તી ધર્મ પ્રમાણે જીવનનું અંતિમ ધ્યેય શું, એવો પ્રશ્ન ઉપસ્થિત કરી દાવરસાહેબે જરથુસ્તી દૃષ્ટિને સ્પષ્ટ કરી આપી છે. તેઓ કહે છે કે આ ધર્મનું પાલન કરનારાઓને મોક્ષ અથવા નિર્માણ પ્રાપ્ત કરવાની અભિલાષા હોતી નથી : તેમને કશામાંથી છૂટવું નથી. તેઓ તો દરેકમાંથી જે કાંઈ ઉત્તમ તત્ત્વ છે તેને ગ્રહણ કરી હૌવર્તાત (સંપૂર્ણતા)ને પહોંચવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે. જરથુસ્તી દૃષ્ટિએ એક અહુરમઝદ જ પોતે સંપૂર્ણ અને અમર છે. અહુરમઝદનું અનુકરણ કરી, યથાશક્તિ પ્રભુ જેવા સંપૂર્ણ અને અમર થવામાં જ જીવનનું પરમ લક્ષ્ય સમજે છે. વ્યક્તિત્વનો નાશ નહિ પણ વ્યક્તિત્વની પરિપૂર્ણતા, જીવાત્માનો છુટકારો નહિ પણ જીવનની સિદ્ધિ એ જરથુસ્તી જીવનની છેવટની નેમ છે.

પ્રત્યેક ધર્મમાં પ્રકાશ અથવા અગ્નિનું મહત્ત્વ છે. ઋગ્વેદમાં અગ્નિ, ઈન્દ્ર અને વરુણ એ ત્રણ દેવતાઓને વિશેષ મહત્ત્વ અપાયું છે. ઋગ્વેદમાં અગ્નિ સાથે સંબંધ ધરાવતાં લગભગ બસો સુક્તો છે. ઋગ્વેદનો પ્રારંભ અગ્નિના સુક્તથી જ થાય છે. ઋગ્વેદમાં ઈન્દ્ર પછી બીજું જ સ્થાન અગ્નિનું છે. જરથુસ્તી ધર્મમાં અગ્નિને માત્ર દેવતા જ નહીં પણ ઈશ્વરના પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યો છે.

દાવરસાહેબે કેટલીક ગાથાઓનો ઉલ્લેખ કરી જરથુસ્તી ધર્મમાં અગ્નિનો મહિમા કેવો છે તે દર્શાવ્યું છે : ગાથા (યશ્ન ૪૩, ૯)માં જરથુષ્ટ્ર અહુરમઝદને પૂછે છે – તારી ઈચ્છા જાણવા માટે હું કોને વંદન કરું અને કોને અંજલિ આપું? પછી તે પોતે જ જવાબ આપે છે કે -તારા પોતાના અગ્નિને જ તે માટે હું સૌથી કીમતી ગણીશ. ગાથા (યશ્ન ૪૬, ૭) પ્રમાણે જરથુષ્ટ્ર અહુરમઝદને પૂછે છે કે – ‘જ્યારે અસત્ય અને ધિક્કાર મને ઘેરી વળ્યાં હોય ત્યારે મારું રક્ષણ કોણ કરશે?’ પછી ઉત્તરમાં તે પોતે જ કહે છે –‘માત્ર તારો પ્રેમ અને તારો આતશ જ મારામાં રહેલી એષાઈને (સત્યને-પવિત્રતાને) સતેજ કરી શકશે.’ જરથુષ્ટ્ર અહુરમઝદને કહે છે કે જ્યારે તારા દિવ્ય પ્રકાશનો આતશ મારામાં રોશન થશે ત્યારે હું અષ (સત્ય) અને વોહુમનો (પવિત્ર મન)નો પૂરો લાભ મેળવીશ (યશ્ન ૪૩, ૪). અય અહુરમઝદ, અમે તારા આતશને પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ. એ આતશ અમારો પરમ આદર્શ અને અંતિમ ધ્યેય છે અને તે જ તારા અનુયાયીઓને તેમનાં જીવનમાં માર્ગદર્શન આપશે. તે જ અમારામાં રહેલાં અષ (સત્ય) અને આરમઈતી (ભક્તિ)ને સતેજ કરે છે.

આ આતશ (અગ્નિ) કેવળ પાર્થિવ આતશ નથી. આતશ એટલે ઈશ્વરનો દિવ્ય પ્રકાશ પણ ખરો. ખરેખર તો આતશ એ અહુરમઝદની દિવ્ય શક્તિ અને મનુષ્યની સર્વોચ્ચ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે.

જરથુસ્તીઓમાં ત્રણ પ્રકારનાં અગ્નિમંદિરો ગણાવાયાં છે :

(૧) આતશ બહેરામ (૨) આતશ આદરાન અને, (૩) આતશ દાદગાહ. આ ત્રણમાં આતશ બહેરામ સૌથી શ્રેષ્ઠ પ્રકારનું અગ્નિમંદિર ગણાય છે. આ આતશ (અગ્નિ) બધી જ કોમોનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે સોળ આતશો ભેગા કરી એને દીર્ઘ અને સૂક્ષ્મ ક્રિયાઓ દ્વારા પવિત્ર કરાયો હોય છે. આ અગ્નિને મંદિરમાં અખંડ બળતો રાખવામાં આવે છે.

ભારતમાં આઠ આતશ બહેરામો છે. એમાંના ચાર મુંબઈમાં, બે સુરતમાં, એક નવસારીમાં અને સૌથી પવિત્ર મનાતો એક આતશ ઉદવાડામાં છે. ભારતના પારસીઓમાં આતશ બહેરામ માટે ‘અગિયારી’ શબ્દ પ્રચલતિ બન્યો છે. અગિયારી શબ્દ ‘અગ્નિ આગાર’ એટલે કે અગ્નિના નિવાસસ્થાન પરથી થયો છે.

અગ્નિનો મહિમા અસામાન્ય હોવા છતાં અગ્નિ સ્વયં અહુરમઝદ નથી. એને અહુરમઝદનો પુત્ર કહ્યો છે, એનું પ્રતીક કહ્યો છે. એટલે કે અગ્નિ ખુદાઈ તત્ત્વ છે.

Total Views: 386

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.