(ધ્‍યાન, ધર્મ અને સાધના પુસ્તકનો એક અંશ)

પ્રશ્ન: મહારાજ, મને જપ-ધ્યાન એક સાથે કરવાનો આદેશ મળ્યો છે. પણ ધ્યાન તો બિલકુલ થતું નથી. એટલા માટે વચ્ચે વચ્ચે મન બહુ જ બગડી જાય છે.

મહારાજ: મનમાં આવી નિરાશા આવે તે સ્વાભાવિક છે. દક્ષિણેશ્વરમાં મને એક વખત આવું થયેલું. મારી ઉંમર તે સમયે નાની હતી અને ઠાકુર ત્યારે લગભગ પચાસ વર્ષના હતા. એટલે મનની બધી જ વાતો એમને કહેતાં શરમ આવતી હતી. એક દિવસ હું કાલીમંદિરમાં ધ્યાન કરી રહ્યો હતો. ધ્યાન લાગતું ન હતું, મનમાં બહુ ખરાબ લાગવા માંડ્યું. વિચાર્યું: ‘આટલા દિવસથી અહીં છું. કંઈ પણ ન થયું. તો પછી શું મોઢું લઈને રહું? બધું જાય ચૂલામાં. એમને (ઠાકુરને) પણ કંઈ નહીં કહું. જો આ રીતે બે-ત્રણ દિવસ વધારે ચાલ્યું તો ઘરે પાછો જતો રહીશ. ત્યાં પાંચ-દશ વસ્તુઓમાં મન તો લાગશે.’

આવું વિચારીને કાલીમંદિરમાંથી બહાર આવી રહ્યો હતો કે તરત ઠાકુરે મને જોઈ લીધો. તેઓ એ સમયે પરસાળમાં ટહેલતા હતા. મને જોઈને ઓરડામાં ચાલ્યા ગયા. ત્યારે અમારા બધાનો એવો નિયમ હતો કે કાલીમંદિરમાંથી આવ્યા બાદ એમને પ્રણામ કરીને થોડો પ્રસાદ લેવો. મેં અંદર જઈને એમને પ્રણામ કર્યા. તેઓ બોલ્યા: ‘જો, જ્યારે તું કાલીમંદિરમાંથી આવી રહ્યો હતો, ત્યારે જોયું તો તારું મન જાણે પરદાથી ઢંકાઈ ગયેલું લાગ્યું.’ મેં વિચાર્યું: ‘અરે, તેઓ તો બધું જ જાણી ગયા છે.’ મેં કહ્યું: ‘મારું મન આટલું બગડી ગયું છે, તે તો આપ જાણી જ ગયા છો.’

ત્યારે તેમણે મારી જીભ પર કશુંક લખી દીધું. તત્ક્ષણ હું મારું પહેલાંનું સમસ્ત દુઃખ ભૂલીને અપૂર્વ આનંદથી વિભોર થઈ ગયો. ગમે ત્યારે પણ તેમની સમીપ હોઉં ત્યારે હંમેશાં આનંદથી ભરપૂર રહેતો. એટલા માટે તો સિદ્ધ અને શક્તિશાળી ગુરુની આવશ્યકતા રહે છે.

એ જરૂરી છે કે દીક્ષા આપતાં અને ગ્રહણ કરતાં પહેલાં ગુરુ-શિષ્ય એકબીજાની પરીક્ષા કરીને જોઈ લે, નહીંતર છેતરાવું પડે છે. આ કંઈ એકાદ-બે દિવસનો સંબંધ નથી. મારી પાસે કોઈ દીક્ષા લેવા આવે તો પહેલાં તો હું તેને ભગાડી જ મૂકું છું. જ્યારે જોઉં કે તે છોડતા નથી, ત્યારે કહું છું કે આ ‘નામ’ નો દરરોજ એક વર્ષ સુધી ઓછામાં ઓછો એક હજાર વાર જપ કરો, ત્યાર પછી મળજો. ઘણા લોકો આનાથી જ ભાગી જાય છે.

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.