1899ની શરૂઆતમાં બેલુર મઠમાં તેમના શિષ્ય શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ ભાવાવેશમાં આવીને કહ્યું હતું, ‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા અને દંભ ફેલાઈ રહ્યાં છે. શું કોઈ બુદ્ધિશાળી માણસ આ બધું જોયા પછી પણ શાંત રહી શકશે ? શું તેથી તેની આંખમાં આંસુ નહિ આવે ? મદ્રાસ, મુંબઈ, પંજાબ, બંગાળ : જ્યાં જ્યાં હું નજર કરું છું ત્યાં ત્યાં ક્યાંય મને જીવંતપણાનાં ચિહ્નો દેખાતાં નથી. તમે પોતાને ખૂબ કેળવાયેલા માનો છો. પણ તમે કેવી નકામી વિદ્યા શીખ્યા છો ! પરદેશી ભાષામાં, બીજાના વિચારો ગોખીને તમારા મગજમાં તે ઠાંસો છો અને એ રીતે વિદ્યાપીઠની ઉપાધિઓ મેળવીને તમે પોતાને કેળવાયેલા માનો છો, ખરું ? ધિક્કાર છે તમને ! શું આ વિદ્યા છે ? તમારી વિદ્યાનું ધ્યેય શું છે ? કાં તો એક કારકુન, કાં તો એક વકીલ અથવા બહુ બહુ તો એક ડેપ્યુટી મેજિસ્ટ્રેટ થવાનું કે જે પણ કારકુનીનું બીજું સ્વરૂપ જ છે ! શું આટલામાં જ બધું સમાઈ જાય છે? તમારું કે તમારા દેશનું એ ભલું કરશે ?’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 8.516)

અફસોસ ! આઝાદીને મેળવ્યાનાં 71 વર્ષો પછી પણ આપણે કારકુન બનાવનારી કેળવણી, માહિતીના ભારવાળી કેળવણી, માત્ર ડિગ્રી મેળવી આપનાર કેળવણી સાચવીને બેઠા છીએ!

પ્રો. યશપાલના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ પોતાના અહેવાલમાં અનેક ઉપયોગી ભલામણો કરતાં લખ્યું છે કે મુખ્ય સમસ્યા જ્ઞાનના વિસ્ફોટ સાથે સંકળાયેલી છે. સમિતિ એમ માને છે કે સરળતાપૂર્વક લઈ શકાય એવાં વહીવટી પગલાં દ્વારા આ સમસ્યાઓને સંપૂર્ણપણે પહોંચી વળી શકાય એમ નથી અને આ સમસ્યાઓ આપણી સંસ્કૃતિ, અસ્મિતા અને સામાજિક ધ્યેયો સાથે કેન્દ્રીય રીતે જોડાયેલી હોવાથી તે અંગે વિસ્તૃત ચર્ચાઓ જરૂરી છે.

ભણતરના ભાર વિશે લોકોની ચેતના જાગ્રત થઈ રહી છે. માત્ર માહિતીના સંચયવાળી કેળવણી નિરર્થક છે. આ કાર્ય કમ્પ્યૂટરો વધુ સારી રીતે અને વધુ સરળતાથી કરી શકે છે. આ વાતનો અહેસાસ થઈ રહ્યો છે એ એક આશાજનક વાત છે. સ્વામી વિવેકાનંદજીનાં સૂચનોને આપણે આઝાદી પછી તરત જ અમલમાં મૂક્યાં હોત તો ! કદાચ દેશની પરિસ્થિતિ આજે જુદી જ હોત! ખેર, જાગ્યા ત્યાંથી સવાર !

સંસ્કૃત અને સંસ્કૃતિ

લોર્ડ મેકોલેએ આપણા દેશમાં એવી કેળવણી પદ્ધતિ દાખલ કરી કે જેમાં શિક્ષિત થયા પછી આપણા દેશવાસીઓ આપણી સંસ્કૃતિ અને ધર્મથી વિખૂટા પડી જાય. લોર્ડ મેકોલેએ અંગ્રેજીમાં લખ્યું હતું, ‘અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરેલ કોઈ પણ હિંદુ પોતાના ધર્મ સાથે સંલગ્ન રહી શકશે નહીં.’ આઝાદી પછી પણ આપણે આ પ્રક્રિયાને ઘણા સમય સુધી વેગ આપ્યો એ એક વિડંબણા છે. ધર્મનિરપેક્ષતાના નામે કેળવણીમાંથી ધર્મ, આધ્યાત્મિક મૂલ્યો અને નૈતિક મૂલ્યોને બાકાત રાખવામાં આવ્યાં. એને પરિણામે આજનો વિદ્યાર્થી આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિની ગરિમા વિશે તદ્દન અજાણ છે. આજનો વિદ્યાર્થી ‘મેરા ભારત મહાન’ એવું લખાણ પેટ્રોલ ટેન્કરની પાછળ વાંચે છે અને હસે છે. અન્યત્ર ક્યાંય તેને આ શબ્દો જોવા મળતા નથી. ભારતીય સંસ્કૃતિ અને વેદાંતનું અમૃત આપણે એને પાયું નથી, એટલે આજનો વિદ્યાર્થી પાશ્ર્ચાત્ય ભોગવાદી સભ્યતાની ગટરનું પાણી પીઈને પોતાની તરસ છીપાવી રહ્યો છે. સાથે ને સાથે નશીલા પદાર્થોના સેવન દ્વારા કેબલ ટી.વી., ડિસ્કોની ગ્લેમરની અસર દ્વારા, મોબાઇલ ફોન, ઇન્ટર નેટ દ્વારા ચારિત્ર્યની શિથિલતા કેળવીને ઝડપથી આત્મવિનાશ તરફ ધસી રહ્યો છે.

આઝાદી પછી પાશ્ર્ચાત્ય સંસ્કૃતિના આપણે વધુ ને વધુ ગુલામ બની રહ્યા છીએ. ડૉ. રાધાકૃષ્ણન્ કમિશન, ડૉ. કોઠારી કમિશન આ બધા અહેવાલો અભરાઈએ ચડાવી દેવામાં આવ્યા છે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોના અભાવે આપણું અધ:પતન નિશ્ર્ચિત છે, એમ આ અહેવાલોમાં નિર્દેશિત કરવામાં આવ્યું હતું. આમ છતાં પણ આપણે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મને સૌ ધિક્કારતા થાય, એવા શિક્ષિતોનું ઉત્પાદન ચાલુ રાખ્યું છે. આજે આપણે એટલી હદ સુધી પશ્ચિમના રંગે રંગાઈ ગયા છીએ અને પાશ્ર્ચાત્ય સભ્યતાના ગુલામ બની ગયા છીએ કે આપણાં માતપિતા ‘મમ્મી’, ‘ડેડી’ બની ગયાં છે. અંગ્રેજી શિક્ષણનું એવું ઘેલું લાગ્યું છે કે એક પગી પણ પોતાના બાળકને અંગ્રેજી શિક્ષણ અપાવવા કોન્વેન્ટ સ્કૂલોમાં દાખલ કરીને ગૌરવ અનુભવે છે. પછી ભલે ને ઘરમાં ખાવાના સાંસા હોય, ભલે ને એ માટે મોટું ‘ડોનેશન’ આપવું પડતું હોય! અત્યારે શિક્ષણનું ખાનગીકરણ થતાં ખાનગી શાળાવાળા સંચાલકો માતપિતાની કેવી જબરી લૂંટ કરે છે એ વાત કોઈનાથી અજાણી નથી. છતાંય કેટલાંય ‘મમ્મી-ડેડી’ આ બધું મૂંગેમોંઢે સહન કરે છે. પણ વાસ્તવિક રીતે એ બધાં પોતાના ગાલ પર પોતાના જ હાથે તમાચો મારીને ગાલ રાતો રાખવાનો પ્રયત્ન કરે છે. છે ને 21મી સદીનું આ અજબ આશ્ચર્ય!

આવી જ પ્રક્રિયાના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન દ્વારા દેશમાંથી સંસ્કૃત અને સંસ્કૃતિ નેસ્તનાબૂદ કરવા સંસ્કૃત વિષયને ફરજિયાત બનાવવાને બદલે વૈકલ્પિક વિષયરૂપે પણ પાઠ્યક્રમમાંથી કાઢી નાખ્યો. કારણ, કહેવાતા લોકોની દલીલ આવી હતી કે વિદ્યાર્થીઓનું ભારણ આનાથી વધી જાય છે. આ મામલો સુપ્રિમ કોર્ટમાં ગયો. કેન્દ્ર સરકારના એડિશનલ સોલિસિટર જનરલ કે.ટી. એસ. તુલસીએ એવી રજૂઆતમાં દલીલ કરી કે આજે માધ્યમિક શિક્ષણના અભ્યાસક્રમમાં સંસ્કૃતને મૂકવામાં આવશે તો કાલે ઊઠીને ફ્રેંચ અને જર્મન ભાષા ભણાવવી પડશે. જો આવું જ ચાલ્યું તો બોર્ડ ભાગ્યે જ કોઈએ નામ સાંભળ્યું હશે એવી લોચા ભાષામાં સગવડ કરવાનો વારો એક તબક્કે આવશે.

વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી કુલદીપસિંહ અને ન્યાયમૂર્તિ શ્રી બી.એલ. હાંસારીએ આ દલીલોને નકારતાં કહ્યું હતું, ‘સંસ્કૃતના ભણતર વિના ભારતીય સંસ્કૃતિ અને વારસા પર જેની માંડણી થઈ છે, એ ભારતીય ફિલસૂફી-તત્ત્વદર્શનને સમજવાનું અશક્ય છે.’ સંસ્કૃત પંચના અહેવાલનો ઉલ્લેખ કરીને ન્યાયમૂર્તિઓએ કહ્યું, ‘રાષ્ટ્રિય ભાવાત્મક એકતાની દૃષ્ટિએ સંસ્કૃત આ મહાન દેશની વિવિધતામાં એકતા અનુભવતી પ્રજાને એકતાંતણે બાંધવાનો સેતુ છે.’

સંસ્કૃતને અભ્યાસક્રમમાં મૂકવાનો નિર્ણય લેવાથી અરબી કે ફારસીને પણ એ જ સ્થળે મૂકવામાં નહીં આવે તો દેશની ધર્મનિરપેક્ષતાને આંચ આવી શકે છે, આવા તર્કને આ બંને ન્યાયમૂર્તિઓએ નિરર્થક ગણાવીને કહ્યું હતું, ‘બિનસાંપ્રદાયિકતા કંઈ ઈશ્વરવિરોધી કે ઈશ્વરવાદી નથી. એ આસ્તિકો અને નાસ્તિકોને સમાન ગણે છે.’ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ શ્રી એચ.આર. ખન્નાને ટાંકતાં ન્યાયમૂર્તિ શ્રી હાંસારીએ જણાવ્યું કે કોઈ વ્યક્તિ નિષ્ઠાવાન હિંદુ કે મુસ્લિમ હોવાને કારણે એ ધર્મનિરપેક્ષ મટી જાય, એ માન્યતા ભૂલભરેલી છે.

આ ન્યાયમૂર્તિઓએ ‘સેક્યુલરિઝમ’નો ખરો અર્થ સમજાવતાં કહ્યું છે, ‘ધર્મનિરપેક્ષ રાજ્યનો અર્થ એવો નથી થતો કે એ ધર્મવિરોધી છે, પણ એનો અર્થ એટલો જ છે કે એ તમામ ધાર્મિક બાબતોમાં તટસ્થ (ન્યૂટ્રલ) ભૂમિકા અપનાવે છે.’ સુપ્રિમ કોર્ટે બોર્ડને આગામી ત્રણ મહિનામાં જ તેના વૈકલ્પિક વિષયોમાં સંસ્કૃતનો ફરી સમાવેશ કરવાનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.

ભારતીય વારસાના જતન માટે સંસ્કૃતનો અભ્યાસ ચોક્કસપણે અનિવાર્ય હોવાનું જણાવતો આ ચૂકાદો લખનાર ન્યાયમૂર્તિશ્રી હાંસારીએ ભારપૂર્વક કહ્યું છે, ‘આપણી સંસ્કૃતિનાં ઝરણાંને સૂકાતાં અટકાવવા સંસ્કૃતનું ભણતર અનિવાર્ય છે.’ સી.બી.એસ.સી. જેવી જવાબદાર સંસ્થાની સંસ્કૃત વિરોધી ભૂમિકાનો ઉધડો લેતાં તેમણે કહ્યું છે, ‘ભારતીય તત્ત્વદર્શન અને સંસ્કૃતિનો અભ્યાસ સંસ્કૃતના જ્ઞાન વિના અશક્ય છે. વેદ, પુરાણ અને ઉપનિષદ સંસ્કૃતમાં લખાયાં છે. કાલીદાસ, ભવભૂતિ અને બાણ ભટ્ટે લેખનમાં સંસ્કૃતનો સહારો લીધો તેમજ શંકરાચાર્ય, રામાનુજ, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય જેવા આચાર્યો ભારતીય સંસ્કૃતિનો પાયો સંસ્કૃત વિના મજબૂત ન કરી શક્યા હોત.’ 1897માં મદ્રાસમાં ‘ભારતનું ભાવિ’ વિષય પર પ્રવચન કરતાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘સંસ્કૃત ભાષા અને પ્રતિષ્ઠા ભારતમાં એક સાથે રહે છે. તમે એ પ્રાપ્ત કરી કે તમારી સામે કંઈ બોલવાની કોઈની તાકાત નહીં રહે.’

સ્વામી વિવેકાનંદ કહેતા, ‘ધર્મ એ કેળવણીનું હાર્દ છે.’ પણ ધર્મનો અર્થ એવો કોઈ વિશિષ્ટ સંપ્રદાય છે, એમ નહોતા માનતા. દરેક ધર્મમાં રહેલ સર્વસામાન્ય આધ્યાત્મિક મૂલ્યોની કેળવણી પર તેઓ ભાર મૂકતા. પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવનાં જીવન અને સંદેશમાંથી પ્રેરણા લઈને તેમણે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ઘોષણા કરી હતી કે બધા ધર્મો મહાન છે અને દરેક ધર્મે ઉચ્ચ કોટિના સંતો આપ્યા છે. સ્વામી વિવેકાનંદજીના વિચારો પ્રમાણે આપણે આઝાદી પછી તરત જ બધી શૈક્ષણિક સંસ્થાઓમાં એ સર્વધર્મસમન્વયની ભાવના કેળવવા બધા મુખ્ય ધર્મોના મૂળભૂત ઉપદેશોનું અને આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ આપ્યું હોત, તો શું આજે વિદ્યાર્થીઓનું જેટલું નૈતિક અધ:પતન થઈ રહ્યું છે, તેમ થાત ખરું? ‘ધર્મનિપરેક્ષતા’નો સાચો અર્થ બતાવવા બદલ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતની ગરિમા વિશે આપણી આંખો ઉઘાડવા બદલ આપણી સુપ્રિમ કોર્ટને લાખ લાખ ધન્યવાદ.

ખેર, જાગ્યા ત્યાંથી સવાર !

આજથી સવાસો વર્ષ પૂર્વે સ્વામીજીએ કેળવણી વિશે જે વિચારો વ્યક્ત કર્યા હતા, જો આપણે એ વિચારોનો અમલ કર્યો હોત તો તેમણે સેવેલ સ્વપ્ન કે ભારત પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા સમસ્ત વિશ્વનો જય કરશે, એ સ્વપ્ન આજે પૂર્ણ થઈ ગયું હોત. ખેર, જાગ્યા ત્યાંથી સવાર!

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.