સને ૧૮૯૮ના મે મહિનામાં સ્વામી વિવેકાનંદે નૈનિતાલની યાત્રા કરી હતી. તે વખતે ત્યાં મુહમ્મદ સરફરાઝ હુસેન સાથે તેમની મુલાકાત થઈ. તેઓ સ્વામીજી પ્રત્યે ખૂબ આકર્ષાયા. સ્વામીજીના શિષ્ય બન્યા પછી તેઓ પોતાને મુહમ્મદાનંદ કહેવા લાગ્યા. તેમના એક પત્રના ઉત્તરમાં સ્વામીજીએ આ સુવિખ્યાત વાત લખી હતી – “આપણી માતૃભૂમિ માટે હિન્દુત્વ અને ઈસ્લામ – આ બન્ને મતો -વેદાન્તી બુદ્ધિ અને ઇસ્લામી શરીરનો સમન્વય જ એકમાત્ર આશા છે.”

મૂળ તો આ લેખ સંઘની અંગ્રેજી પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ના સને ૧૮૯૮ ડિસેમ્બરના તથા મે’ ૯૯ના અંકોમાં બે હપ્તે પ્રકાશિત થયો હતો. તે પછી ડિસેમ્બર ૧૯૮૬ના અંકમાં તેનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું હતું. સર્વધર્મ મૈત્રીના પયગંબર સ્વામીજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિરૂપે લખાયેલો સરફરાઝ હુસેનનો આ લેખ આજના સાંપ્રદાયિક, અસહિષ્ણુતા, અલગાવ અને સંદેહના વાતાવરણમાં વિશેષ મહત્ત્વનો બની રહે છે. – સં.

વેદોનાં પ્રમાણો આપીને ઈસ્લામ પર ચર્ચા કરવા માટે સૌથી પહેલાં અમારે બંને પંથોના ઉપદેશોની સમજૂતી રજૂ કરવી જોઈતી હતી. અને તે પછી અમે બન્ને વચ્ચે રહેલા સામ્યનું દર્શન કરાવત. પરંતુ આ પત્રિકાના વાચકો માટે વેદાન્તના સિદ્ધાંતો પર ચર્ચા કરવી આવશ્યક નથી એમ માની લઈને મેં એ વાત છોડી દઈને આ લેખ ઈસ્લામના ઉપદેશો પૂરતો જ સીમિત રાખ્યો છે. જો એમ સિદ્ધ કરી શકાય કે આજથી ચૌદસો વર્ષ પહેલાં શરૂ થયેલા ઈસ્લામનું સામ્ય વિશ્વના ચોક્કસપણે એક અત્યંત પ્રાચીન અથવા તો કહો કે સર્વાધિક પ્રાચીન ધર્મ સાથે છે, તો એમ સિદ્ધ કરી શકાય કે આ નવીન ધર્મ પણ એક સાચો ધર્મ છે. બધા લોકો આ વાત સ્વીકારે છે કે આ નવો ધર્મ પ્રાચીન વેદાન્તથી પ્રભાવિત થયો ન હતો. આથી આ નવી પદ્ધતિ પર શ્રદ્ધા રાખનારા લોકો આ વાત પર ગર્વ કરી શકશે કે સદીઓ અને કદાચ યુગો પછી પણ તેમના પરમ સત્યને એક એવું સાક્ષ્ય ઉપલબ્ધ થયું છે, જેને સાક્ષાત્ બ્રહ્મથી ઉદ્ભવ પામેલું માનવામાં આવે છે. સંભવત એટલી ભૂમિકા પૂરતી થશે.

“एकं सद् विप्रा बहुधा वदन्ति”

“સત્ય એક છે અને ઋષિગણ તેને જુદાં જુદાં નામો આપે છે.” આ વેદવાક્યને આપણે આ લેખનું આદિસૂત્ર માની શકીએ છીએ. ઈસ્લામમાં આ જ વાતને સાદી સીધી ભાષામાં કહેવામાં આવી છે –

कुल हु वल्ला हो अहद ।

– “તે આ ઉપદેશથી વધારે કે ઓછો નથી, તે જ છે, તે એક છે” ઈસ્લામ ધર્મનો પહેલો સિદ્ધાન્ત (उसूल) છે –

ला इल्ला हा इल्लल्लो

અર્થાત્ ‘તેના એકના સિવાય (બીજું) કોઈ નથી’ ઈસ્લામ ધર્મની આખી ઈમારત એકતાની આ સત્ય અને નક્કર કલ્પનાના પાયા પર ખડી છે. હું આશા રાખું છું કે નિમ્નલિખિત પ્રશ્નોત્તરી પ્રિય વાચકોને સ્પષ્ટ ખ્યાલ આપશે કે ઈસ્લામ શું શીખવે છે અથવા તો બીજી રીતે કહીએ તો કઈ રીતે એ વેદાન્તના એકત્વ તથા સમન્વયના ઉપદેશની પુષ્ટિ કરે છે.

ભાગ-૧ : દ્વૈત પદ્ધતિ

૧. ‘ઈસ્લામ’ શબ્દનો શો અર્થ છે?

આ શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ છે ‘નમવું’, ‘નમન’, ‘સમર્પણ’ અર્થાત્ જીવવા માટે મરવું, જીવતા થવું, સમસ્ત ગુણો તથા દ્વન્દ્વોથી સંપૂર્ણ રીત મુક્ત થવું.

૨. જે માણસ અસ્તિત્વની ઉચ્ચતમ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે ઈસ્લામ પર ઈમાન લાવે છે, તે કેવી હોય છે?

“यू मिन्यूना बिल गैब”-

જે ‘ન જોવામાં આવતા’ અર્થાત્ અદૃષ્ટમાં યકીન રાખે છે તે.

૩. તે અદૃષ્ટ ક્યાં છે?

“वकी अन फुसैकुम” – તમારી પોતાની અંદર.

૪. તે અદૃષ્ટ શું છે?

– अल्लाहो नूरूस समावाते अल अर्द –

– તે સ્વર્ગો અને ધરતીઓનો પ્રકાશ છે. તે બુદ્ધિથી પર હોવા છતાં બધાનું તેજ અથવા પ્રકાશ છે.

सुबहानहु व तआला अम्मय सेफून –

– તેના બારામાં જે કાંઈ કહી શકાય તેમ છે, તેનાથી તે પર છે.

૫. શું મરણશીલ મનુષ્ય તે ‘અદૃષ્ટ’ને પ્રાપ્ત કરી શકે છે, તેના પર ચિંતન કરી શકે છે અથવા તેનું પ્રતિનિધિત્વ કરી શકે છે?

હા, इन्नी जाय एलोका फिल अर्दे खलीफा – હે માનવ, અમે તને તેનો એક પ્રતિનિધિ બનાવી રહ્યા છીએ.

૬. તેને કોણ અને ક્યા ઉપાયોથી મેળવી શકે છે?

– वल्लजीन जाहदू फीन ल दियन्न हुम सुबोलना-

આપણામાંથી જે તેને ખાતર પ્રયાસ કરે છે, તેમને અમે પોતાનો માર્ગ બતાવીએ છીએ, અર્થાત્ જે નૂર માટે પ્રયત્નશીલ છે, તે તેને પ્રાપ્ત કરે છે.

૭. પ્રયાસ કેવી રીતે કરવામાં આવે?

अत्ते अल्लाहा व अती उर रसूला व उलील अम्रे मिनकुम –

– અલ્લા કે પ્રકાશ જે આદેશ કરે, રસૂલ (પગંબર) – પૂર્ણ જ્ઞાની જે આદેશ કરે, ગુરુ, આધ્યાત્મિક માર્ગદર્શક (અંતરાત્માનો સ્વામી) આદેશ કરે, તેનો સમર્પિતભાવે સ્વીકાર કરો.

(ક) અને આત્મા કે અંતરાત્મા શું છે?

उलिर रूहमिन अम्र रब्बी-

– અંતરાત્મા ઈશ્વરનો ‘નિયમ’ કે તર્ક છે અને ઈશ્વર સ્વર્ગો અને પૃથ્વીઓનો પ્રકાશ છે. આ રીતે અંતરાત્મા સ્વર્ગો અને પૃથ્વીઓમાં તર્ક કે ‘વ્યવસ્થા’ અર્થાત્ સારતત્ત્વ છે, તે ઉપાદાન અથવા ‘અવર્ણનીય’ પ્રકાશ છે. બીજું પણ અવર્ણનીય છે, આથી આ અવર્ણનીયનું પણ અવર્ણનીય છે.

૮. અલ્લા અથવા નૂર (પ્રકાશ)નો આદેશ શો છે?

(i) वमा खलक तुल जिन्न वलं इन्सा इल्ला ल या बुदून-

– બધાએ તેમને જાણવાના છે, બધાએ તેમનો સાક્ષાત્કાર કરવાનો છે.

(ii) – वयूकी मुनस सलाता व भिन्न रज़कना हुम युन फे़कून-

– ઈબાદત (પ્રાર્થના) કરો અર્થાત્ એકાન્તમાં પ્રકાશ સાથે ગોપનીય મંત્રણા કરો.

क अन्नक तराहो –

– જાણે કે તમે તેમની રૂબરૂમાં હો, તમને જે માણસ મળે તે જ તમે પણ છો, અર્થાત્ સુખોના સરખા ભાગ પાડો, સમતા – સાર્વભૌમ ભાઈચારો કાયમ કરો.

૮ (ક) ઈબાદત (પ્રાર્થના) શા માટે કરીએ?

– इन्नस सलाता तनहा अनिल फ़हसाए वल मुनकर-

– પ્રાર્થના અસંગત ઉસૂલો (?)ને દરથી બહાર રાખે છે, પવિત્રતા અને માત્ર પવિત્રતાની રક્ષા કરે છે.

(ખ) બીજા શાનો ત્યાગ કરીએ?

लन तना लुल विर्र हत्ता तुम कि सिम्मा तु ही बून

જ્યાં સુધી તમારી પ્રિય વસ્તુ અથવા જેની તમને સૌથી ઓછી પરવા છે. તેનો ત્યાગ ન કરી શકો ત્યાં સુધી તમે સાચા ઈનાનવાળા વિશ્વાસી નહીં થઈ શકો.

(૯) પૂર્ણ જ્ઞાની (રસૂલ)નો આદેશ શો છે?

– या मुरोकुम बिल अदले वल अहसाने व ईताए जिलकुरवा वयनहा अनिल फ़हसाए वल मुनकरे वल बगिये यये जुकुम ला अल्ललकुम तत्कून –

– તે તમને સમતા, કૃપાલુતા, સજ્જનતા, ભદ્રતા તયા દાન દેવાનું શિક્ષણ આપે છે. અને આપત્તિજનક કાર્યો કરવાની મના કરે છે. તે તમને આ વાર્તા એટલા માટે શીખવે છે કે જેથી તમે સીધા અર્થાત્ સંતુલિત તથા પૂર્ણ બની જાઓ.

वयुज़क की हिम अनुफुसाहुन-

– અને તે તેમનાં હૃદયને શુદ્ધ કરે છે, મનને પવિત્ર કરે છે તથા સાચા યોગની દીક્ષા આપે છે.

૧૦. ગુરુ અથવા આધ્યાત્મિક માર્ગદર્શકનો આદેશ શો છે?

– मुतू कषला अन तनू तू –

– મરતાં પહેલાં મા૨ો અર્થાત્ તમારા પોતાના નીચ અહંનો નાશ કરો, અર્થાત્ તમારી પોતાની ઈચ્છાઓ પર કાબૂ રાખો, તમારા પોતાનાં મન, ઇન્દ્રિયો તથા શરીર પર નિયંત્રણ રાખો અને ‘તેને’ મારો જે તમને તેનું નિયંત્રણ કરવા દેતો નથી.

या बुनैय्या फ़िकरुका फ़ीको यक फ़ीको दाउन वदवाउन फ़ीका अन्ता. जिसमुन सगीरुन वफी का अलमुन कबीन अन्ता उम्मुल-

– ઓ મારા દીકરા, તારા અંતરમાં, તારી અંદર તારું પોતાનું ધ્યાન તારા માટે પૂરતું છે. રોગ અને નિદાન-બન્ને તારી અંદર છે, તારું શરીર નાનું છે, પણ તારી જ અંદર વિરાટ ક્ષેત્ર છે. તું જ શાસ્ત્રો કે જ્ઞાનનો જન્મદાતા છે.

અકિંચન લેખકે જેટલું બની શકે તેટલું ઇસ્લામના સિદ્ધાંતો પર આધારિત સારતત્ત્વ શબ્દોના માધ્યમથી વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. સાવ ટૂંકમાં કહીએ તો તે આ રીતે છે :

(૧) એક આત્મ-સત્તા, એક પૂર્ણ સમગ્ર (Perfect Whole) જેવા કોઈક તત્ત્વનું અસ્તિત્વ છે.

अलस्तो वैर बबीकुम का लू बला-

શું હું તારો ઈશ્વર નથી? તેમણે જવાબ દીધો “હા”.

इत्री अनलल्लाह –

હું અલ્લા છું, સમષ્ટિ અને આત્મા છું.

हुअल लाहुल लज़ी लाइलाहा इल्लाहू-

‘તે’ એવો છે કે તેના જેવું બીજું કોઇ નથી.

(૨) ‘सब’ માં આત્મસત્તા જેવું કાંઈક વ્યક્ત થાય છે તે દૃશ્યમાન, કલ્પનીય આદિ છે. તે પૂર્ણ સમગ્રતયા વ્યક્ત થાય છે –

अल्ला हो नूरु सममावाते वल अर्द

– ખુદા (ઈશ્વર) સ્વર્ગો અને પૃથ્વીઓનો પ્રકાશ (નૂર) છે. અર્થાત્ દરેક વસ્તુ તેની જ અભિવ્યક્તિ છે.

अवल अव्वलों वल आखिरो व जाहिरों वल वासिन-

– તે આદિ છે, તે અન્ત છે. તે વિકાસ છે, તે સંકુચન છે.

શું આ શુદ્ધ વેદાન્ત નથી?

(જુઓ સ્વામી વિવેકાનંદનું “પિણ્ડ અને બ્રહ્માણ્ડ” વિષયક વ્યાખ્યાન) તે અવ્યક્ત તથા આત્મસત્તાત્મક ‘કંઈક’ સિવાય કંઈ પણ વ્યક્ત તથા જાહેર અને આ રીતે દૃશ્ય તથા કલ્પિત ન થયું હોત.

(૩) બધું જ જે આ રીતે તે ‘કંઈક’ની જ અભિવ્યક્તિ છે, તે તે ‘કંઈક’નો સાક્ષાત્કાર કરી શકે છે.

व मह खलकतुल जिन्न वल इन्सा इल्ला लयाबुदुन-

– બધાએ જ્ઞાન તથા અનુભૂતિ પ્રાપ્ત કરવાનાં છે.

(૪) સંપૂર્ણ સાક્ષાત્કારની સ્થિતિ ‘સર્વ’ અને ‘કંઈક’ના સમસ્ત ભેદનો સંપૂર્ણ અભાવ છે. અર્થાત્ પૂર્ણ ‘સમગ્ર’ની અનુભૂતિ છે.

वा यबका वजहो रब्बका –

– અને તે પ્રકાશ (નૂર)નો માત્ર દર્શક રહેશે.

આ સિદ્ધાન્તોના માર્ગદર્શનમાં ઈસ્લામના દ્વૈતવાદી સંપ્રદાયની વ્યાવહારિક હિદાયતો આ રીતે શરૂ થાય છે :

(૧) સર્વ વસ્તુઓનું એક આધ્યાત્મિક અસ્તિત્વ, સ્રષ્ટા, સંરક્ષક અને સંહારક હોય છે.

इन्ना लिल्लाहे व इन्ना इलेहे राजे उन –

– ચોક્કસપણે આપણે તેમાંથી આવ્યા છીએ અને તેમાં જ પાછા ફરીશું (- લય પામીશું).

(૨) આત્મા (રૂહ) એક અરીસા જેવો છે. તેમાં તે પ્રતિબિંબિત થાય છે.

वइज़ सरज़नल अमानता अलस समावाते वल अर्दे प अबैना अयीं यह, मिलना हो व हमला हल इन्सान ।

અને જ્યારે સ્વર્ગો તથા પૃથ્વીઓને આપણે આપણો વિશ્વાસ અર્પણ કર્યો, ત્યારે તેમણે તેનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દીધો, પરંતુ મનુષ્યે તેનો સ્વીકાર કરી લીધો. કહેવાનો ભાવાર્થ એ છે કે મનુષ્યમાં તે પ્રકાશ – સ્વરૂપ વિશ્વાસ સંપૂર્ણ રીતે વિદ્યમાન છે.

(૩) કર્મ ‘જીવન’ને નિયંત્રણમાં રાખે છે –

– इन अहसन्तुम ल अनफुसकुम वइन असातुम फ़लहा –

– જો તમે ભલું કરતા હો તો તે તમારા માટે જ છે.

मन एहतदा कईन नमा यह तदी तेन फुसिह, व मन उ़ल्ला फ़इन्न मा यज़िल्लो अलहो-

જે કોઈએ સાચો રસ્તો અપનાવ્યો છે, તેણે ચોક્કસપણે પોતાનું ભલું કર્યું છે અને જે કોઈએ ગલત રસ્તો અપનાવ્યો છે, તેણે પોતાનું જ બુરું કર્યું છે.

મોટા ભાગે આ ઈસ્લામના કર્મયોગની સાધારણ લોકો માટેની સર્વસુલભ શીખ છે. કર્મનું માર્ગદર્શન અને નિયંત્રણ કરવા માટે ધાર્મિક ગ્રંથોમાં ઉપયુક્ત અને વિસ્તૃત નિર્દેશ કરવામાં આવેલ છે. ઈસ્લામના અનુયાયીઓએ પોતાના તથા માનવતાના હિતમાં તેમનું પાલન કરવું જોઈએ. પ્રાર્થના, દાન, ભાઈચારો, વિચાર અને કર્મની શુદ્ધતાને વિવિધ રીતે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. બધા લોકોના માર્ગદર્શન માટે વ્યાવહારિક નિર્દેશો કરવામાં આવ્યા છે. તેમનું પાલન સુરક્ષિત અને સાચું માનવામાં આવ્યું છે. અનુપસ્થિતિ (પ્રાર્થના કરવી બંધ કરવી) સ્વાર્થ, અહંકાર તથા સમસ્ત અશુચિતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં નથી.

આ રીતે એક વાર અનુશાસિત થઈને ઉચ્ચતર ભૂમિ પર ખડા થયા પછી મનુષ્ય આત્માના વિષયમાં સૂક્ષ્મતર હિદાયતોને મેળવવા માટે યોગ્યતા પ્રાપ્ત કરી લે છે. અને આ જ તો તેનું લક્ષ્ય છે. ઈસ્લામમાં આત્માનુશાસનનું ખૂબ મહત્ત્વ છે. શરીર, ઈન્દ્રિયો તથા મન પરના નિયંત્રણને માનવજીવનનું પ્રથમ વરદાન માનવામાં આવ્યું છે. એટલું ચોક્કસ છે કે સરલ તથા સહજ વ્યાવહારિક નિર્દેશો દ્વારા એને સમસ્ત માનવતા માટે પ્રદાન કરવામાં આવેલ છે. ઈસ્લામમાં આને જ સામાન્ય રીતે શરીયત માનવામાં આવે છે.

ભાગ ૨ : અદ્વૈત પદ્ધતિ

ઈસ્લામના અનુશાસિત સાધકને આપવામાં આવેલી સૂક્ષ્મ હિદાયતો પ્રભાવમાં શુદ્ધ વેદાન્તી છે; જો કે તેમની કાર્ય-પ્રણાલી કેટલીક બાબતોમાં જુદી છે, ઉદાહરણ તરીકે, ઈસ્લામ મનને એકાગ્ર કરવા માટે ભક્તિનો સંચાર કરવા માટે મૂર્તિ પૂજાને સાધન તરીકે સ્વીકાર કરતા નથી. પરંતુ ઈસ્લામની કેટલીક સંગઠિત બિરાદરીઓમાં આ જ લક્ષ્યને ગુરુ પર ધ્યાન કેન્દ્રિત કરીને હાંસલ કરવામાં આવે છે. તેને તે સમય પર્યંત શિષ્યનું સર્વસ્વ – ઈષ્ટ માનવામાં આવે છે.

શિષ્ય પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પોતાના અસ્તિત્વને ગુરુમાં વિલીન કરી દે અને નિઃસ્વાર્થ બની જાય. આ રીતે પોતાના સ્વતંત્ર અસ્તિત્વ વિષે બેખબર તે સાધક ધ્યાનની અન્ય નિશ્ચિત અવસ્થાઓમાંથી પસાર થઈને પોતાનું ધ્યાન પેગંબર પર કેન્દ્રિત કરે છે અને અન્તે ઈશ્વર પર. આ રીતે જ્યારે તે ઈશ્વરમાં એકાકાર થઈ જાય છે, તેમાં ખોવાઈ જાય છે, ત્યારે તેને મુવહહિદ (ખુદાને એક માનનારો) કહેવામાં આવે છે. આમ આ માર્ગે હિન્દુ ધર્મમાં અને તે માર્ગે ઈસ્લામમાં જઈ શકો છો બન્ને પદ્ધતિઓનું લક્ષ્ય એક જ છે અર્થાત્ પરમાત્મા સાથે એકત્વનો અનુભવ-આત્માનુભવ પ્રાપ્તિના રાજયોગના નિર્દેશો ઈસ્લામમાં કહેવામાં આવેલા નિર્દેશોથી નામ માત્ર પૂરતા મૂલ પદ્ધતિથી ભિન્ન લાગે છે. ઈસ્લામ માનવશરીરમાં જ્યોતિનાં છ કેન્દ્રો છે એમ માને છે. તે નીચે પ્રમાણે છે :

નિશ્ચિત રીતે અને અભ્યાસ દ્વારા આ કેન્દ્રોની ખોજ અંદર કરી શકાય છે અને ત્યારે મનુષ્યનું અંતઃકરણ પૂર્ણતયા પ્રકાશિત થઈ ઊઠે છે. ત્યાર બાદ આ જ જ્યોતિ બહાર પણ જોવામાં આવે છે. ત્યારે આ જ્યોતિની સમાનતા અને એકતાની સર્વત્ર અનુભૂતિ થાય છે અને આ રીતે સાધક મુવહહિદ બની જાય છે.

દાર્શનિક વૃત્તિથી અનુશાસિત સાધક માટે આ એક પ્રશ્ન “હું શું છું?”ના જવાબમાં આત્માનુભૂતિનો આધાર છે. આ અનુભૂતિ જ વેદાન્ત અને ઈસ્લામ બન્નેનું સમાન લક્ષ્ય છે. નિમ્મ લિખિત રહસ્યો ગુરુના નિશ્ચિત નિર્દેશો દ્વારા ઉદ્ઘાટિત થાય છે :

હું શરીર નથી
હું ઈન્દ્રિયો નથી
હું મન નથી
હું આ નથી
બુદ્ધિના જે કેન્દ્રને રહસ્યપૂર્ણ કહેવામાં આવ્યું છે,
મસ્તક, જે ‘છુપાયેલું’ કહેવામાં આવ્યું છે,
ડાબા સ્તનની નીચેના કેન્દ્રને ‘દિલ’ (હૃદય) કહેવામાં આવ્યું છે,
છાતીના કેન્દ્રને ‘ગુહ્ય’ કહેવામાં આવ્યું છે,
જમણા સ્તનની નીચેના કેન્દ્રને ‘જીવાત્મા’ કહેવામાં આવેલ છે.
પ્રબલ નાભિકેન્દ્રને ‘અહં’ કહેવામાં આવેલ છે
હું તે નથી.

જ્યાં સુધી વાસ્તવિક સત્તા (Reality) પ્રાપ્ત થતી નથી (જે પ્રત્યેક અહં (I)માં વિદ્યમાન છે) ત્યાં સુધી એ ‘સ્વ’ (Self) છે. આ તે છે.

એવો તર્ક કરી શકાય કે એકત્વ સાથે સંબંધ ધરાવતી અનેક ચર્ચાઓમાં ભારતના પ્રાચીન મનીષીઓએ સૂક્ષ્મતાથી વિચાર કર્યો છે, તેમનો મુસલમાનોએ સ્પર્શ પણ કર્યો નથી. પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે ઈસ્લામમાં એક લક્ષ્મણરેખા અત્યંત વિવેકપૂર્વક દોરી દેવામાં આવી છે કે ક્યા વિષયો પર સામાન્યતઃ સાર્વજનિક રીતે ચર્ચા કરવામાં આવે અને ક્યા વિષયો સક્ષમ અને ચુનંદાં પાત્રોને જ બતાવવા યોગ્ય છે. ને ઉચ્ચ – સૂક્ષ્મ આખોય નિર્દેશ આત્મ-દર્શન સાથે સંબંધ ધરાવે છે તેને ‘इल्मसीना’ કહેવામાં આવેલ છે. તેનું જ્ઞાન હૃદયમાં રાખવામાં આવે છે, આવા નિર્દેશો ગુરુ શિષ્યને આપે છે અને તે તેની અમાનત છે. છેલ્લી કેટલીક સદીઓથી આ નિર્દેશોનો સંતોની વાણીની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ઈસ્લામી જ્ઞાનનો મૂલ્યવાન ખજાનો છે. કોઈ પણ સજાગ વિદ્યાર્થી (અભ્યાસી) તેને વિશુદ્ધ વેદાન્તી સાબિત કરી શકે છે.

ઉચ્ચ-સૂક્ષ્મ નિર્દેશોની ઉપર્યુક્ત વિધિનો પ્રયોગ કરવામાં આવે તો આટલો ઉદ્દેશ તો ઓછામાં ઓછો પૂરો થાય છે કે તેણે ઈસ્લામના સામાન્ય નિર્દેશોને અધિક વ્યાવહારિક બનાવી દીધા છે. જો સૂક્ષ્મ અને સ્થૂલ સાથે ભેળવી દેવામાં આવે તો કદાચ એમ ન થાય. આ જ ઈસ્લામની મુખ્ય વિશેષતા છે.

મને શ્રદ્ધા છે કે ઈસ્લામે વેદાન્તના લક્ષ્યને સારી રીતે પૂરું કર્યું છે અને તેણે ધર્મને પૂરતો વ્યાવહારિક બનાવ્યો છે.

અનુવાદ : ચંદુભાઈ ઠકરાલ

Total Views: 196

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.