માનવજાતના પૂર્વજ તરીકે ‘આદમ’ નહિ, પણ ‘એપ્સ’ નામના વાનરને સ્થાપીને ડાર્વિને લંડનના ધર્મજગતમાં અને વિજ્ઞાન જગતમાં પણ જે જબરો ઊહાપોહ મચાવ્યો હતો અને પછી જે આખા યુરોપને આંબી ગયો હતો, તે હજુ શમ્યો ન હતો. એવે અણીને વખતે, ૧૮૯૬માં-સ્વામી વિવેકાનંદે લંડનની ધરતી પર, બૌદ્ધિકોને સંતર્પક થાય એવું અદ્વૈત વેદાંતના અભિનવ તત્ત્વજ્ઞાનનું રણશીંગું ફૂંક્યું હતું. ઇશ્વરના પુનઃ સ્થાપનના મૅક્સમૂલરના અને હાર્બર્ટ સ્પેન્સર જેવાના ધર્મના પુનઃ સ્થાપનના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા, ત્યારે સ્વામી વિવેકાનંદને લાગ્યું હતું કે ‘યુરોપની મુક્તિ તો તર્કસંગત ધર્મ – અદ્વૈત, નિર્ગુણ, નિરાકાર ઇશ્વરના સ્વીકાર પર આધાર રાખે છે. ત્યાંના બુદ્ધિજીવીઓ માટે એ જ સંતર્પક સિદ્ધાંતો છે.’
પછીથી ભારતમાં ય તેમણે આ વાત બેવડાવી હતી : ‘આપણને – સૌ જિજ્ઞાસુઓને જણાય છે કે અર્વાચીન વિજ્ઞાનનાં તારણો, પ્રાચીનતમ વેદાંતે સ્થાપેલાં તારણો જેવાં જ છે. અર્વાચીન વિજ્ઞાને એને માત્ર ભૌતિક પરિભાષા જ આપી છે. આમ, અર્વાચીન પાશ્ચાત્ય માનસને – એના ચિંતનને – વેદાંતના આશ્ચર્યકારક ચિંતને પડકાર્યું છે. એટલે જ સ્વામીજીએ લંડનમાં આપેલ વ્યાખ્યાનમાં તર્કસંગત ભાષાને સ્પષ્ટ રીતે એને સમજાવતાં અદ્વૈત વેદાંતના કેટલાક પાયાના વિચારો આ રીતે રજૂ કર્યા છે :
(૧) દેશ-કાળ અને કાર્યકારણથી આ નિરપેક્ષ અનંત પૂર્ણ તત્ત્વ સાપેક્ષ, સાન્ત અને પરિમિત બન્યું છે, ખરી રીતે દેશકાલાદિ સાપેક્ષ જણાતી સત્તાથી કંઈ પેલી મૂળ નિરપેક્ષ સત્તા જુદી નથી. એટલે મૂળે તો આ બધું જ ઇશ્વરમય કે પૂર્ણ તત્ત્વ જ છે.
(૨) આ પૂર્ણ તત્ત્વ બે નહિ, પણ એક જ હોઈ શકે, તેથી આ વિશ્વમાંના બધા જ પદાર્થોના મૂળમાં ઊંડે ઊંડે હંમેશાં એકતા જ પડેલી છે. આ એકત્વની ઘોષણા જ અદ્વૈત વેદાંત કરે છે.
(૩) પદાર્થ (દ્રવ્ય) શક્તિનું એક રૂપ છે. મન એક સૂક્ષ્મ દ્રવ્ય જ છે. ચેતના મનને અને દ્રવ્યને સર્જે છે – કલ્પે છે અને આમ માનસિક અને પદાર્થમય સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આ રીતે સમગ્ર સર્જનનું મૂળ કારણ તો ચૈતન્ય જ છે. દ્રવ્યગત બળશક્તિઓનું મૂળ એક જ પ્રાણ તત્ત્વ છે. અને બધાં દ્રવ્યો પણ એક પાયાનાં દ્રવ્ય ‘આકાશ’ તત્ત્વ છે. આ ‘પ્રાણ’ અને ‘આકાશ’ બન્ને પૂર્ણ તત્ત્વ ચૈતન્યનાં જ સર્જન છે.
(૪) વિશ્વનો સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશ પણ પોતાનામાં સમગ્ર વિશ્વને સમાવવાની સંભાવના રાખે છે. એટલે માણસનું અલ્પતમ સ્વરૂપ પણ પોતાનામાં પૂર્ણ પરમેશ્વરની સંભાવના દર્શાવે છે. અહીં માનવચૈતન્યને- વ્યક્તિચૈતન્યને વેદાંત ‘આત્મા’ કહે છે. અને પૂર્ણચૈતન્યને ‘બ્રહ્મ’ કહે છે.
બધી જ માનવીય ઉત્ક્રાંતિઓ – ભૌતિક, બૌદ્ધિક, સામાજિક, આધ્યાત્મિક વગેરે – સભાનપણે કે અભાનપણે માનવના વ્યક્તિચૈતન્યમાં – આત્મા – જીવમાં પૂર્ણ ચૈતન્યની – બ્રહ્મની – અભિવ્યક્તિ કરવાનું વલણ દાખવે છે. આ પૂર્ણ તત્ત્વને વેદાંતમાં સત્-ચિત્-આનંદ રૂપે વર્ણવ્યું છે. વ્યાપક અને પરિપૂર્ણ તત્ત્વ બે તો ન હોઈ શકે. તેથી આ પૂર્ણ ચૈતન્ય એક જ છે. અને વિવિધરૂપે દેખાતાં વ્યક્તિચૈતન્યો એ અદ્વૈતની અસ્થાયી અભિવ્યક્તિઓ જ છે. એક સર્વગ્રાહી શાશ્વત સત્તાના એ બધા દેશકાલાદિ સાપેક્ષ કામચલાઉ જીવનરૂપો છે; એક પરમાનંદ સ્વરૂપનાં કેવળ પરિમિત જીવન ખંડો જ છે.
પશ્ચિમી વિજ્ઞાનની ભાષામાં તર્કસંગત રીતે સ્વામી વિવેકાનંદે આપેલી વેદાંતની આવી સમજૂતિએ પશ્ચિમના ઘણા બૌદ્ધિકોને અભિભૂત કરી દીધા હતા. એમાં એમરી-દ રેઈનકોટનું ‘શિવનું ચક્ષુ’ (The Eye of Shiva) પુસ્તક ઉલ્લેખનીય છે.
સ્વામી વિવેકાનંદ જ્યારે દેશ-કાળની વાત કરે છે ત્યારે કાર્યકારણને પણ એમાં સમાવે છે અને એને આઈન્સ્ટાઇનની દેશકાલ સાપેક્ષતાની વિભાવના કરતાંય વધુ સ્પષ્ટ રીતે રજૂ કરે છે : ‘આ પૂર્ણ તત્ત્વ જ દેશ, કાળ અને કાર્યકરણ દ્વારા વિશ્વરૂપ બન્યું છે. અદ્વૈત વેદાંતનો આ કેન્દ્રવિચાર છે. દેશ, કાળ, કારણ આદિ એવા એક કાચ જેવા છે કે જેમાંથી આ પૂર્ણતત્ત્વને જોવાય છે. હવે આપણે જો એ કાચની નીચેની જગ્યાએથી પૂર્ણ તત્ત્વને જોઈએ તો એ આપણને જગતરૂપે દેખાશે. આથી તરત જ પામી જઈએ છીએ કે પૂર્ણ તત્ત્વમાં પોતાનામાં તો દેશ – કાળ કે કાર્યકારણ નથી. ત્યાં મન ન હોવાથી કાળનો વિચાર જ નથી; અને બાહ્ય પરિવર્તન ન હોવાથી ત્યાં દેશનો ય વિચાર નથી. તે એક – અદ્વિતીય હોવાથી ત્યાં ગતિ કે કાર્યકારણભાવ પણ નથી. આપણે આ સમજીને મનમાં નિશ્ચય કરવો જોઈએ કે પૂર્ણ તત્ત્વના નિમ્નકક્ષાના જાગતિક ઉતરાણ સિવાય કાર્યકારણભાવ સંભવે નહિ.’
કેટલીક વાર સ્વામી વિવેકાનંદની વાણી આશ્ચર્યકારક રીતે તેમના પછી વીસ વરસે બોલાનારાં આઈનસ્ટાઈનનાં વચનો અને વિચારો વ્યક્ત કરતી જણાય છે. જેમ કે : ‘સીધી લીટીમાં કોઈ હલનચલન છે? અંત વગર દોરેલી સીધી લીટી વર્તુળ બની જાય છે. પાછી એ પોતાના આરંભ બિંદુને આવી મળે છે.’ (C. W. II 4). વિવેકાનંદના આ વિધાનમાં ટાલબોટને હરમાન મિન્કોવીસ્કીના વિચારો સંભળાય છે. અરે, એ તો સ્વામીજીના આ વિચારોમાં ‘ક્વાન્ટમ થિયરી’નાં મૂળ પણ જુએ છે!
‘ભીતરની શક્તિ શોધવામાં વિજ્ઞાનની દુનિયાનાં બળો ધીરે ધીરે સાંકડાં બની ગયાં છે’ – તેવું કહેતાં સ્વામીજી જાણે કે આઈન્સ્ટાઈન અને એના પૂર્વસૂરિઓએ કલ્પેલી અને પ્રયોગાન્વિત કરેલી ‘મહાન સંયોજન થિયરી’ (GUT)ના જ પડઘા પાડે છે.
સ્વામીજીએ પ્રબોધેલ માનવજ્ઞાનની સીમા સમા આ અદ્વૈત વેદાંતમાં મન અને પદાર્થ, ઈન્દ્રિયો અને ઈન્દ્રિયાતીત, અનેક અને એક, સ્થૂલતમ અને સૂક્ષ્મતમ, સાપેક્ષ અને નિરપેક્ષ, જીવ અને બ્રહ્મ, અનંત સાગર અને એની અગણિત ઊર્મિ, સમષ્ટિવૃક્ષ અને એનાં વિધવિધ પરિમાણવાળાં પાંદડાં વગેરેને જોડી દેતા માનવ જાતના આ છેવટના વિજયની ઘોષણા થઈ છે.
લંડનમાં સ્વામી વિવેકાનંદે હિંમતથી કહ્યું હતું કે, ‘માણસ વસ્તુના સ્વરૂપ માત્રથી – એની રીતથી જ સંતોષાતો નથી. એણે વસ્તુનો હેતુ (કારણ) જાણવો જોઈએ… જીવનની કેવળ અભિવ્યક્તિ જ નહિ, મારે તો જીવનનું રહસ્ય જાણવું છે, એનું સારતત્ત્વ પિછાણવું છે; એનું કારણ (હેતુ) સમજવું છે.’
તેમણે ભાખ્યું હતું : ‘તમારી સામે કોઈક તદ્દન ભૌતિક પદાર્થ રાખો, અને તદ્દન ભૌતિકવાદી વિજ્ઞાન – રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, અવકાશવિજ્ઞાન, શરીરશાસ્ત્ર પૈકીનું કોઈ પણ એક – પણ તમારી સામે રાખો. એનું – એના દ્વારા પદાર્થનું અધ્યયન કરી અને ખૂબ ખૂબ આગળ ને આગળ અધ્યયન વધારો તો ધીરે ધીરે એનાં સ્થૂળ રૂપો ઓગળતાં જશે અને સૂક્ષ્મથી સૂક્ષ્મતમ થતાં થતાં એક સમય એવો આવશે કે જ્યારે તમારે એક જબ્બર છલાંગ મારીને એ ભૌતિક વસ્તુઓના અલૌકિક સ્વરૂપની અનુભૂતિ કરવી પડશે. આમ, જ્ઞાનનાં બધાં જ ક્ષેત્રોમાં સ્થૂલતા સૂક્ષ્મતામાં અને લૌકિકતા પારલૌકિકતામાં પરિવર્તિત થાય છે.’
સ્વામી વિવેકાનંદના આ ઉપદેશનાં ચાલીસ વરસો પછી આઈન્સ્ટાઈને આ જબ્બર છલાંગની વાત સ્વીકારી હતી.
આજે લગભગ સો વરસ પછી આધુનિક વિજ્ઞાન, અદ્ભુત વેદાન્તના ઈશ્વર અને ધર્મ તરફ પાછું ઢળી રહ્યું છે. આજે વિજ્ઞાનની દુનિયામાં અદ્વૈત વેદાંતની આગ ફેલાઈ રહી છે. ડાર્વિનનો ‘ધર્મ જૂઠાણાં’નો ડર દૂર થયો છે અને એને સ્થાને ઈરવીન શ્રૉડિંજર કહે છે તેમ આધુનિક વિજ્ઞાનની બધી જ સમસ્યાઓના એક માત્ર ઉકેલ રૂપે જ એ ફેલાયેલી છે. આજે – ૧૯૯૬ સુધીમાં તો આ વાતનું સમર્થન કરતાં વિશ્વ વિખ્યાત અગ્રણી વૈજ્ઞાનિકોનાં કેટકેટલાંય પુસ્તકો લખાઈ ચૂક્યાં છે. જેમાં ફિટજૅફ કાપ્રા, બૉહમ, રેઈનકોટ, ટૅલબૉટ, ઝુકોવ વગેરે મુખ્ય છે.
‘આત્મા બ્રહ્મ’– આ સાવ સાદું વૈજ્ઞાનિક સમીકરણ સર્વ સમસ્યાઓને ઉકેલી તો શકે છે, પણ સ્વામી વિવેકાનંદ કહે છે તેમ મહાન સત્યો તેમની સરળતાને કારણે જ ભુલાઈ જતાં હોય છે. મહાન સત્યો સાદાં, સરળ હોય છે. કારણ કે એનો ઉપયોગ વૈશ્વિક હોય છે.
પ્રાચીન વેદાંત તત્ત્વજ્ઞાનની સ્વામી વિવેકાનંદીય સમજૂતીની એક બીજી ખાસ વિશેષતા છે. સ્વામી વિવેકાનંદના સમય સુધી વેદાંતનું તત્ત્વજ્ઞાન ત્રણ ભારે મતાગ્રહી જલાભેદ્ય ભાગોમાં વિભક્ત થઈને પડ્યું હતું : મઘ્ધનો દ્વૈતવાદી સંપ્રદાય, રામાનુજનો વિશિષ્ટાદ્વૈતવાદી સંપ્રદાય અને શંકરાચાર્યનો કેવલાદ્વૈતવાદી સંપ્રદાય. આ ત્રણેય સંપ્રદાયોના વ્યાખ્યાકારો જોરશોરથી પરમતખંડન અને સ્વમતમંડનમાં રચ્યાપચ્યા રહેતા. સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુને પગલે ચાલીને ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત વેદાંતતત્ત્વજ્ઞાનને સર્વગ્રાહી રીતે સમજાવીને એ ત્રણેય સંપ્રદાયોનો સમન્વય સાધી બતાવ્યો. સ્વામી વિવેકાનંદનો વેદાંતનો અર્થ આ ત્રણેય પ્રવાહોને પોતાનામાં સમાવતો. ચિંતન પ્રક્રિયાથી દ્વૈતવાદ વિશિષ્ટાદ્વૈત તરફ અને એ જ રીતે વિશિષ્ટાદ્વૈતવાદ અદ્વૈતની ચરમસીમા તરફ દોરી જાય છે : ‘ઈશ્વર વિશે ભારતના ધાર્મિક વિચારે ત્રણ સોપાનના મુખ્ય મુદ્દાઓ લીધા છે. આપણે જોયું કે સૃષ્ટિબાહ્ય પુરુષવિધ ઈશ્વરથી એ શરૂ થાય છે અને ક્રમશઃ બાહ્યમાંથી આંતરિક વૈશ્વિક શરીર તરફ જાય છે. ઇશ્વર વિશ્વમાં સર્વત્ર વ્યાપેલો છે એમ થતાં થતાં એનું પર્યવસાન આત્મા – પરમાત્માની એકતામાં થાય છે. અને વિશ્વની આ બધી વિવિધ અભિવ્યક્તિઓનું આત્મા એક એકમ બની જાય છે. આ વેદોનો છેલ્લો શબ્દ છે એ દ્વૈતથી શરૂ થઈ, વિશિષ્ટાદ્વૈતમાંથી પસાર થઈને કેવલાદ્વૈતમાં પર્યવસિત થાય છે.’
પુરુષવિધ પરમેશ્વરને અવલંબતો જનસાધારણ ધર્મ, કંઈ વૈશ્વિક નિયમોને અવલંબતા વિજ્ઞાનને સ્વીકારે નહિ. પહેલી જ વખત સ્વામી વિવેકાનંદ વેદાંત ધર્મના પાયા તરીકે તર્ક અને સર્વસ્વીકાર્ય સિદ્ધાંતોને દાખલ કર્યા. અને વેદાંત ધર્મને બુદ્ધિપ્રધાન વિજ્ઞાનની હરોળમાં મૂકી દીધો. તેમણે કહ્યું : ‘અદ્ભુતનાં તારણોમાંથી પશ્ચિમે હજુ કેટલું બધું શીખવાનું છે, તે મેં તમને કહ્યું : કારણ કે ભૌતિક વિજ્ઞાનના આ સમયમાં પુરુષવિધ ઇશ્વરની ઝાઝી વજૂદ નથી. જો માણસે વૈચારિક થવું હોય, પોતાના વિચારથી પરિતોષ મેળવવો હોય તો એ પણ એને અદ્વૈત વેદાંતમાં જ પ્રૌઢ બુદ્ધિયુક્ત નિર્ગુણ નિરાકાર ઇશ્વરના વિચારમાં મળશે.’
સ્વામી વિવેકાનંદની વાણીની ઊંચી પ્રમાણભૂતતા કેવળ તેમના બુદ્ધિ વૈભવ પર જ નહિ પણ વિશ્વની સર્વગ્રાહિતાની તેમની અનુભૂતિની શક્તિ પર આધાર રાખે છે. કોઈ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકને હોય તેવી રીતે તેમને અદ્વૈત વેદાંતનો કોઈ બૌદ્ધિક વ્યવસાય ન હતો. બુદ્ધ અને શંકરાચાર્યની પેઠે તેઓ પણ અનુભૂતિપૂત નિજી વાણી બોલતા. તેમણે અમેરિકન શિષ્યોને કહ્યું : ‘તમે જે બૌદ્ધિક રીતે ગ્રહણ કરો છો, તે થોડાક તર્કથી દૂર કરી શકાય પણ તમે જે અનુભવો કરો છો તે સદા સર્વદા તમારું જ રહેશે… પહેલાં પ્રત્યક્ષીકરણ કરીએ, પછી તર્ક. આ સાચુકલું પ્રત્યક્ષીકરણ અનુભૂતિ જ ધર્મ છે.’ વગેરે… એટલે સ્વામી વિવેકાનંદની ધર્મપૂત વાણી અદ્વૈત વેદાંતનો મર્મ ખોલી દેતી. તેઓ કહેતા : ‘હવે આપણે જેને દ્રવ્ય અને મન કહીએ છીએ, તે એક જ તત્ત્વનાં બનેલાં છે. અને મન અને દ્રવ્ય બંનેમાં પૂર્ણ અનંત ચૈતન્ય જ્ઞાન અને આનંદ એના અધિષ્ઠાન રૂપે રહેલાં છે.’ સ્વામી વિવેકાનંદે ન્યુટન અને ગૅલૅલીઓને ‘ભૌતિક વિજ્ઞાનના પયગમ્બરો’ કહ્યા હતા અને ઉપનિષદોના દ્રષ્ટાઓને ‘આધ્યાત્મિકતાના પયગમ્બરો’ કહ્યા હતા. આવા ઋષિઓની પેઠે જ સ્વામી વિવેકાનંદે ઘોષણા કરી હતી કે, ‘અંતિમ પૃથક્કરણ કરતાં મન અને દ્રવ્યનું આખું વિશ્વ એક જ તંતુમાં ગૂંથાશે. એ એકત્વની શોધ છે, આપણે એના તરફ જ જઈ રહ્યા છીએ.’
આજથી સો વરસ પહેલાં – ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ ભાખ્યું હતું કે અદ્વૈત સિદ્ધાંત પર આધારિત સમગ્ર જીવનની વાસ્તવિકતા – સ્વસ્થતાની – લાગણી જ ભાવિ માનવજાતના બચાવ માટેની માર્ગદર્શક રેખા છે. તેઓ કહે છે : ‘આથી વીસ વર્ષ પહેલાં જે રાજકીય કે સામાજિક સમસ્યાઓ કેવળ રાષ્ટ્રિય સ્તરની ગણાતી હતી, તે આજે ફક્ત રાષ્ટ્રિય સ્તરે જ ઉકેલી શકાય તેવી રહી નથી. હવે તો તે સમસ્યાઓના ઉકેલ માટે આપણે આંતરરાષ્ટ્રિયતાની વિશાળ ભૂમિ તરફ આંખ માંડવી પડશે. આ જીવનનું સારતત્ત્વ બતાવે છે. વિજ્ઞાનમાં રોજે રોજ વિજ્ઞાનીઓ પદાર્થ વિશે આ જ પ્રકારનો વિશાળતર દૃષ્ટિકોણ ધરાવતા થતા જાય છે. આજે દ્રવ્ય પદાર્થ વિશે તમે વાત કરો તો આખા વિશ્વને એક પિંડ, પદાર્થનો એક સાગર માનીને જ કરી શકો. હું અને તમે, સૂર્ય અને ચંદ્ર અને આ બધું જ એ દ્રવ્યસાગરના પદાર્થ પિંડના – જુદા જુદા નાના નાના વમળોનાં વિવિધ નામ માત્ર છે, અને બીજું કશું જ નથી… અને એ છે એક, અદ્વિતીય, અપરિવર્તનીય, અખંડ, સર્વવ્યાપક, સમરસ આત્મા.’
માનવીય ઉત્ક્રાંતિ વિશે વેદાંતનો વિચાર સમજાવતાં સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘દરેક આત્મા મૂળભૂત રીતે દિવ્ય છે. અને જીવનનું લક્ષ્ય, એ ભીતરની દિવ્યતાનું પ્રકટીકરણ કરવાનું છે.’ એક જ વટબીજમાં અણગણ્યા વડલાઓની ભાત નીરખવી એ ઉત્ક્રાંતિની સમજ છે – એની વ્યાખ્યા છે. આ દૃષ્ટિ અમીબામાં ઈશુનાં દર્શન કરી શકે છે. પણ એ માટેની અવિરત મથામણ જ આપણું કર્તવ્ય છે એમ સ્વામીજીના કથનનો ભાવ છે.
પણ આ મથામણ – સંઘર્ષ દ્વિમુખી છે. આધ્યાત્મિક ઉન્નતિ અને દુનિયાદારી પ્રગતિ વચ્ચેનો સંઘર્ષ પણ હોય છે. તો આ ભાવિ જીવન અને વર્તમાન જીવન – આધ્યાત્મિક જીવન અને અત્યારે જીવાતું દુન્યવી જીવન – આ બે વચ્ચેના સંઘર્ષનું સ્વામીજીનું અદ્વૈત વેદાંત સમાધાન કેમ કરી શકશે?
સ્વામી વિવેકાનંદે આ બન્ને વચ્ચે પડેલી ખાઈને બંને વચ્ચેના વિરોધને જગત વિમુખ ધર્મ અને જગન્નિષ્ઠ પ્રગતિ વચ્ચેના સંઘર્ષનું પોતાના સર્વગ્રાહી વેદાંતની અભિનવતા દ્વારા સમાધાન કર્યું છે. ભગિની નિવેદિતાએ કહ્યું છે : ‘મારા ગુરુના જીવનમાં સૌથી વધુ મહત્વની વાત આ છે, કારણ કે અહીં કેવળ પૂર્વ અને પશ્ચિમનું જ મિલન કેન્દ્ર નથી પણ સાથોસાથ ભૂતકાળ અને ભવિષ્યકાળનું પણ મિલનકેન્દ્ર છે. અહીં જો એક અને અનેક – બન્ને સમાન વાસ્તવિકતા હોય, તો પછી ફક્ત પ્રાર્થના કે ધર્મસાધનાના જ બધા પ્રકારો નહિ, પણ કામના બધા જ પ્રકારો, સંઘર્ષનાં બધાં જ વલણો, સર્જનની બધી જ પ્રક્રિયાઓ પણ એક સરખી રીતે જ સાક્ષાત્કારના માર્ગો છે. અહીં ધર્મ આધ્યાત્મિકતા કે ભૌતિકતાના કશા જ ભેદ નથી.’
એક અલ્પતમ અંશમાં આખા વિશ્વનું સત્ત્વ હોવાની આકાશ – ભૌતિક વિજ્ઞાનની સ્વીકૃત વાતને સ્વામીજીએ માનવીય સ્પર્શ આપ્યો. અથવા તો કહો કે એ સિદ્ધાંતને માનવીય અધિષ્ઠાન આપ્યું. ‘પિંડે સો બ્રહ્માંડે’ની વાત એમણે આગળ મૂકી.
આ બધું કરવા પાછળ સ્વામી વિવેકાનંદની પૂર્ણ માનવની સંક્લ્પના હતી. એ સ્વપ્નસેવી સ્વામીજીએ કહ્યું છે : ‘ઇશ્વર કરે ને સર્વ જનો એવાં ઘડાય કે જેના દિલ અને દિમાગમાં તત્ત્વજ્ઞાન, રહસ્યવાદ, ભાવનાઓ, કાર્યક્ષમતા વગેરે બધી જ બાબતો પૂર્ણ પણે એક સરખી રીતે હાજરાહજૂર હોય, આ મારો ‘પૂર્ણમાનવ’નો આદર્શ છે.’
વળી તેમણે લંડનમાં કહ્યું : ‘શંકરાચાર્યમાં આપણે દરેક વસ્તુ પર તર્કનો તીવ્ર પ્રકાશ પાથરનાર ભવ્ય બુદ્ધિવૈભવ જોયો. આજે આપણે એ પ્રખરતમ બુદ્ધિભાસ્કરની સાથે ભગવાન બુદ્ધના અતિ વિશાળ અને અનંત પ્રેમકરુણાથી ભર્યાભાદર્યા હૃદયને ઝંખીએ છીએ. આ સંયોજન આપણને ઊંચુ ખૂબ ઊંચુ તત્ત્વજ્ઞાન આપશે. વિજ્ઞાન અને ધર્મ ત્યારે હસ્તધૂનન કરશે.’
વેદાંતના આ ઉપકરણ દ્વારા સ્વામી વિવેકાનંદનું શમણું સાકાર બનાવવા સૌ સાથે મંડ્યા રહીએ એવી શક્તિ ઠાકુર સર્વને આપો.
આધાર ગ્રંથો :
- The Complete Works of Swami Vivekananda (Vol. II, IV, V, VI)
- Holistic Science and Vedanta (By Swami Jitatmananda)
- Modern Physics and Vedanta (By Swami Jitatmananda)
Your Content Goes Here




