(ગતાંકથી ચાલુ)

હિન્દુધર્મ વિકાસવાદી છે – રૂઢિવાદી નથી :

વિશ્વના અધિકાંશ ધર્મો પોતાની અપરિવર્તનશીલ ઉપાસના પ્રણાલી, સ્થિર ધાર્મિક મતવાદ, વિચિત્ર પૌરાણિક માન્યતા અને રૂઢિવાદી હોવાને કારણે કાલક્રમે તર્કને છોડીને રૂઢિવાદી થઈ ગયા. તેમના વિકાસની બધી દિશાઓ રૂંધાઈ ગઈ અને એ ધર્મો સંકુચિત, કુંઠિત મતવાદ બની ગયા. એ જ કારણે તેમના અનુયાયીઓમાં પણ ધાર્મિક કટ્ટરતા, અસહિષ્ણુતા અને અંધવિશ્વાસનો પ્રભાવ કાયમી થઈ ગયો. પરંતુ હિન્દુધર્મ, તેને બદલે, એક પ્રગતિશીલ અને વિકાસાત્મક ધર્મ છે. આ ધર્મમાં કોઈ એવી ઉપાસનાપ્રણાલી નથી કે જેમાં બ્રહ્મનિષ્ઠ ગુરુ અધિકારી શિષ્યની આવશ્યકતા અનુસાર તેમાં કોઈ જરૂરી ફેરફાર ન કરી શકે. એ કોઈ એવો મતવાદ નથી કે જેના પર વિચાર કે તર્ક ન કરી શકાય અથવા જેની તર્કસંગત નવી વ્યાખ્યા ન થઈ શકે. ડૉ. રાધાકૃષ્ણને હિન્દુધર્મની વિકાસશીલતા વિષે પોતાના પ્રસિદ્ધ પુસ્તક ‘હિન્દુ વ્યૂ ઓફ લાઈફ‘માં લખ્યું છે : ‘હિન્દુધર્મ ગતિશીલ છે. સ્થાવર નથી. તે ક્રિયા છે. ફળ નથી તે આગળ વધતી પરંપરા છે. કોઈ નિર્ધારિત તત્ત્વ નથી. તેનો પૂર્વ ઇતિહાસ આપણને એ ખાતરી આપે છે કે કોઈ ક્ષેત્રમાં ભવિષ્યમાં થનારી કોઈ આકસ્મિક ઘટનાને અનુકૂળ બીબામાં તે વિચાર કે વ્યવહારને તમે ઢાળી શકશો.’

હિન્દુધર્મની આ ઉદાર તથા પ્રગતિશીલ વૃત્તિનું કારણ તેની સત્યસંધાન પ્રત્યેની દૃઢ આસ્થા છે. હિન્દુધર્મ એમ માને છે કે જેની ઉપલબ્ધિ ધર્મનું લક્ષ્ય છે, એ સત્ય શાશ્વત અને અપરિવર્તનશીલ છે. તેનો કદી અભાવ નથી થતો, તેમ જ અસત્‌નું કદી અસ્તિત્વ નથી હોતું. ગીતા કહે છે :

नासतो विद्यते भावो नाभावो विद्यते सतः।
उभयोरपि द्रष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥

(ગીતા : ૨/૧૬)

‘અસત્ વસ્તુનું અસ્તિત્વ નથી અને સત્‌નો અભાવ નથી. તત્ત્વદર્શી પુરુષોએ આ બંનેને જાણ્યા છે.’

આ સત્યની ઉપલબ્ધિ જ ધર્મજીવનનું લક્ષ્ય છે. હિન્દુધર્મ એવું માને છે કે માનવબુદ્ધિના વિકાસની સાથે સાથે જે રીતે ભૌતિક સભ્યતાનો વિકાસ થયો છે તેવી જ રીતે ધર્મના ક્ષેત્રમાં પણ સત્યની ઉપલબ્ધિ માટે નવીન માર્ગોનો વિકાસ થઈ શકે છે. યોગ્ય શિક્ષણ અને સંસ્કારો દ્વારા જેમ વ્યક્તિનું ચારિત્ર્યઘડતર અને વિકાસ થઈ શકે છે તેમ જ અધિકૃત પુરુષો દ્વારા યોગ્ય ધાર્મિક શિક્ષણ, સમ્યક્ સાધના તથા વિવેકપૂર્ણ દર્શનનાં ચિંતન અને મનન દ્વારા ધાર્મિકક્ષેત્રે પણ નવીન માર્ગોનું સર્જન અને એનો વિકાસ થઈ શકે છે. હિન્દુધર્મના ઇતિહાસમાં એવા મહાપુરુષોની એક લાંબી હારમાળા છે કે જેમણે ધર્મનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. ભગવાન બુદ્ધ, તીર્થંકર મહાવીર, આચાર્ય શંકર, રામાનુજ, વલ્લભ, મધ્વ, ગુરુ નાનકદેવથી ગુરુ ગોવિંદસિંહ સુધીના શીખ ગુરુઓ, સંતકબીર, ગોસ્વામી તુલસી દાસ, ચૈતન્યમહાપ્રભુ તથા આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ એવા જ અવતારી પુરુષ થઈ ગયા છે, જેમણે હિન્દુધર્મના માર્ગને બહુમુખી તથા પ્રશસ્ત કર્યો છે. પોતાની આ વિશેષતાને કારણે જ આજના વૈજ્ઞાનિકયુગમાં પણ વિજ્ઞાનના પડકારોનો સ્વીકાર કરીનેય વિજ્ઞાનસંમત ધર્મના પ્રતિપાદન દ્વારા હિન્દુધર્મ વિશ્વની ધર્મચેતનાનું માર્ગદર્શન કરી રહ્યો છે. પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદે આ મહાનધર્મની ઘોષણા દ્વારા વિશ્વમાં હિન્દુધર્મ, હિન્દુજાતિ અને હિન્દુદેશની વિજયપતાકા ફેલાવી હતી.

હિન્દુધર્મ સમન્વયવાદી છે, સંપ્રદાયવાદી નથી :

હિન્દુધર્મ એક મહાસાગર સમાન છે જેમાં વિભિન્ન ધર્મ અને સંપ્રદાયોની સરિતાઓ આવીને મળે છે અને એક થઈ જાય છે. પરંતુ મહાસાગર અવિચલિત અને ગંભીર જ રહે છે.

શિવમહિમ્ન: સ્તોત્રમાં કહ્યું છે :

त्रयी साख्यं योगः पशुपतिमत वैष्णवमिति ।
प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च ॥
रूचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां ।
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥

‘વેદત્રય, સાંખ્ય, યોગ પશુપતિમત, વૈષ્ણવ વગેરે વિભિન્ન શાસ્ત્રોમાં આ શ્રેષ્ઠ અને શુભ કહેવામાં આવ્યું છે. એટલે જ માણસો પોતપોતાની રુચિ અનુસાર સરળ કે વક્ર માર્ગેથી જાય છે. પરંતુ નદીઓની એક માત્ર ગતિ સમુદ્ર જ છે. તેવી રીતે બધા મનુષ્યોની એક માત્ર ગતિ તું જ છો હે પ્રભુ.’

હિન્દુધર્મ એમ માને છે કે જેમ સાંસારિક વ્યવહારો તથા વિષયોમાં મનુષ્યોની રુચિ જુદી જુદી હોય છે તેવી જ રીતે ધર્મના ક્ષેત્રે પણ મનુષ્યની રુચિ જુદી જુદી હોય છે. પરંતુ વિભિન્ન સાંસારિક રુચિઓ હોવા છતાં પણ માનવતાને નાતે જેમ મનુષ્ય એક છે તેવી જ રીતે ધાર્મિક ક્ષેત્રે પણ ભિન્ન ભિન્ન રુચિ હોવા છતાં પણ મનુષ્ય આધ્યાત્મિક સાધકના રૂપમાં એક જ છે. નિષ્ઠાપૂર્વક સાધનામાં રત એવા બધા સાધકો એ એક પરમાત્મા તરફ જઈ રહ્યા છે, જે અનંત નામે અને રૂપે આપણી સામે વિરાજમાન છે. વેદ ઘોષણા કરે છે : ‘एकं सद्विप्रा बहुधा वदन्ति’ એ મહાન સત્ય એક જ છે. વિદ્વાનગણ તેને વિભિન્ન નામોથી સંબોધન કરે છે.

હિન્દુધર્મ ઈશ્વરની એકતા અને બહુરૂપતામાં વિશ્વાસ રાખે છે. સાધનાની પ્રારંભિક અવસ્થામાં સાધક ઈશ્વરના કોઈ વિશેષ નામ કે રૂપનો આશ્રય લઈને સાધના કરે છે. આ સાધનાપદ્ધતિ હિન્દુધર્મમાં ‘ઇષ્ટદેવ’ની સાધના કહેવાય છે. એક વિશેષ નામરૂપમાં નિષ્ઠા રાખીને એ જ સાધક જ્યારે પોતાની સાધનામાં ઉત્તરોત્તર ઉન્નતિ કરતો જાય છે ત્યારે ધીરે ધીરે તે અનુભવ કરવા માંડે છે કે વિભિન્ન નામરૂપમાં રહેલું તત્ત્વ તો એક અખંડ અદ્વય તત્ત્વના રૂપમાં સર્વત્ર વિરાજમાન છે. અનંતરૂપોમાં દેખાતા આ ઈશ્વરની પૂજા પણ અનંત પ્રકારે કરી શકાય છે. હિન્દુધર્મની આ ઘોષણા છે કે જો મનુષ્ય પોતાનાં કર્મો નિષ્કામ ભાવે કેવળ પ્રભુ પ્રીત્યર્થે કરે તો મનુષ્યનું તે પ્રત્યેક કર્મ પૂજા થઈ શકે છે, ઈશ્વર- પ્રાપ્તિની સાધના થઈ શકે છે. ગીતા નિ:સંદિગ્ધ શબ્દોમાં ઘોષણા કરે છે :

स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।
स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिंद ततम् ।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥

(ગીતા : ૧૮ : ૪૫-૪૬)

‘પોતપોતાનાં (સ્વાભાવિક) કર્મોમાં રત અનુષ્ય સિદ્ધિ (પરમાર્થ) પ્રાપ્ત કરી લે છે; પોતાનાં કાર્યમાં રત મનુષ્ય કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે, તે સાંભળ: જે પરમાત્માથી બધાં ભૂતોની ઉત્પત્તિ થઈ છે તથા જેનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે તે ઈશ્વરની પોતાનાં કર્મો દ્વારા પૂજા કરીને મનુષ્ય સિધ્ધિ પ્રાપ્ત કરી લે છે.’

ઉપાસના પ્રણાલીની બાબતમાં હિન્દુધર્મનો આટલો વિશાળ અને ઉદાર દૃષ્ટિકોણ છે. હિન્દુધર્મ કોઈ એક વિશેષ સંપ્રદાયનો પક્ષ લેતો નથી. પરંતુ તે બધા સંપ્રદાયોનો સ્વીકાર કરી તેને યથોચિત સ્થાન આપે છે. એટલે સ્વામી વિવેકાનંદજીએ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના દિને શિકાગોની ધર્મસભામાં ગંભીર અને મહાન ઘોષણા કરી હતી :

‘જેણે વિશ્વને સહિષ્ણુતા અને વિશ્વસ્વીકૃતિ શીખવાડ્યાં છે એવા ધર્મના અનુયાયી હોવાનો મને ગર્વ છે. અમે ફક્ત વિશ્વસહિષ્ણુતામાં જ વિશ્વાસ નથી રાખતા પરંતુ બધા ધર્મોને સત્ય તરીકે સ્વીકારીએ છીએ.’

અસાંપ્રદાયિકતા, ધાર્મિક સહિષ્ણુતા તથા સમન્વયની આથી વધારે ઉદાર તથા મહાન પરિભાષા બીજી કઈ હોઈ શકે? આ તથ્યોથી એ સ્વયંસિદ્ધ થાય છે કે હિન્દુધર્મ સંપૂર્ણ અસાંપ્રદાયિક અને સમન્વયવાદી છે. આવા મહાન અને ઉદાર ધર્મને સાંપ્રદાયિક કહેવો એ જ સૌથી મોટી સાંપ્રદાયિકતા તથા માનવતા પ્રત્યેનો અપરાધ છે.

હિન્દુધર્મ ત્યાગવાદી છે, ભોગવાદી નથી :

ભગવાન શ્રીરામકૃષ્ણના કોઈ એક ભક્તે એક વાર પૂછ્યું હતું : ‘મહારાજ! ગીતાનો સાર શું છે?’ તેમણે કહ્યું, ‘સતત દસ વખત ગીતા ગીતા બોલવાથી જે થાય છે તે ગીતાનો સાર છે. એટલે કે સતત ગીતા ગીતા બોલવાથી ઉચ્ચાર તાગી (ત્યાગી) થઈ જાય છે. બસ, આ જ ગીતાનો સાર છે. એવી જ રીતે એક શબ્દમાં હિન્દુધર્મનો સાર જાણવો હોય તો તે હશે ‘ત્યાગ’ જ. ક્ષણભંગુર સંસારનો ત્યાગ, સ્વાર્થનો ત્યાગ, ઇન્દ્રિયલોલુપતાનો ત્યાગ, હિન્દુધર્મશાસ્ત્રોમાં ત્યાગનો જેટલો મહિમા ગવાયો છે, ત્યાગ અને ત્યાગીને જેટલું સન્માન હિન્દુ સમાજે આપ્યું છે, તેટલું કદાચ વિશ્વના બીજા ધર્મશાસ્ત્રે કે સમાજે આપ્યું નથી. ઉપનિષદમાં ત્યાગનો સહિમા ગવાયો છે. ગીતામાં તો ત્યાગને તત્કાલ શાંતિ દેનાર કહ્યો છે.

श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञाद्धयानं विशिष्यते ।
ध्यानात्कर्मकलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ।

(ગીતા : ૧૨/૧૨)

‘અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતાં કર્મફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાંગથી તત્કાલ શાંત પ્રાપ્ત થાય છે.’

આપણા ધર્મના બધા આચાર્યો, ઋષિ-મુનિઓ, સાધકો, સંન્યાસીઓ અને એટલે સુધી કે સદ્‌ગૃહસ્થો પણ ત્યાગ અને સેવાના પ્રતીક રહ્યા છે. રન્તીદેવ જેવા કેટલા ત્યાગીઓની અમરગાથાથી આપણું ધાર્મિક સાહિત્ય સુશોભિત છે! આ એ જ ધર્મ છે. આ એ જ દેશ છે કે જ્યાં રાજકુમાર વર્ધમાન તથા રાજકુમાર સિદ્ધાર્થે રાજ્યવૈભવનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો. આ જ ધર્મના અનુયાયી સમ્રાટ હર્ષે ધર્મકાર્યો માટે પોતાનો રાજકોષ ખાલી કરી નાખ્યો હતો. આ જ દેશના ત્યાગી સંતાનોએ દૂર દૂર ચીન, બ્રહ્મદેશ, મલયેશિયા, શ્યામ, શ્રીલંકા તથા પશ્ચિમમાં ગ્રીક, યુયાન વગેરે દૂરના દેશોમાં આર્યધર્મ દર્શન અને સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો. આ એ જ દેશ છે કે જ્યાં સંન્યાસીઓમાં પ્રવર સ્વામી વિવેકાનંદની ગાડીને રાજા-મહારાજાઓએ ખેંચી હતી. આ ત્યાગવૃત્તિ જ આપણા ધર્મનો પ્રાણ છે.

પરંતુ વ્યથિત હૃદયે આજે આપણે એ સ્વીકારવું રહ્યું કે આ મહાન ધર્મના અનુયાયીઓ આજે આત્મવિસ્મૃત થઈને, ત્યાગ અને સેવાના મહાન આદર્શો છોડીને ભોગ તથા સ્વાર્થ તરફ પ્રવૃત્ત થઈ પારકી સંસ્કૃતિને અપનાવી રહ્યા છીએ. ભાઈઓ! ઉપનિષદ આપણને આહ્વાન કરે છે :

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत

ઊઠો! જાગો! અને ગુરુજનો પાસેથી બોધ પ્રાપ્ત કરો. બંધુજનો! આવો, આપણે આપણા હૃદયમાં ગર્વ અનુભવીએ, કે આપણે આ મહાન ધર્મના અનુયાયીના રૂપમાં જન્મ લીધો છે. જેણે સંપૂર્ણ વસુધાને પોતાનું કુટુંબ માન્યું હતું એવા ઋષિઓના આપણે સંતાન છીએ તેનો ગર્વ કરીએ. જેણે વિશ્વને ‘શસ્ત્રી નહીં, પરંતુ શાસ્ત્રથી જીત્યું હતું તે જાતિના આપણે વંશધર છીએ, તેનો ગર્વ કરીએ. આપણે એ માતાઓના સંતાન છીએ કે જેમણે સમર્થ રામદાસ, સંત જ્ઞાનેશ્વર, મહાપ્રભુ ચૈતન્ય, પરમહંસ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને જન્મ આપ્યો હતો. આપણા એ ગૌરવશાળી ભૂતકાળ પર ગર્વ કરીએ કે જેણે વિશ્વમાં સભ્યતા, સંસ્કૃતિ અને જ્ઞાનનું પ્રથમ કિરણ ફેલાવ્યું હતું. આવો, આપણે, આપણો ધર્મ, આપણી જાતિ તથા આપણી સંસ્કૃતિની મહાનતાનો અનુભવ કરીને, હૃદયની બધી નિર્બળતાઓને દૂર દૂર ધકેલી દઈએ, અને દૃઢ પ્રતિજ્ઞાબદ્ધ તથા કટિબદ્ધ થઈને વિશ્વકલ્યાણ અર્થે આપણા મહાન ધર્મની વિજયપતાકો ફરી એક વાર વિશ્વગગનમાં ફરકાવી દઈએ. ભગવાન નારાયણની કૃપા તથા ઋષિઓના આશીર્વાદ આપણી સાથે છે જ.

(સંપૂર્ણ)

ભાષાંતરકાર : શ્રીમતી પુષ્પા પંડ્યા, જામનગર

Total Views: 395

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.