સુપ્રસિદ્ધ ઑસ્ટ્રિયન ચિત્રકાર ફ્રેંક ડૉરેક (Frank Dvorak) એકવાર સ્વપ્નલોકમાં ચાલ્યા ગયા. સ્વપ્નમાં તેમને એક સંતનાં અદ્ભુત દર્શન થયાં. ‘કોણ હશે એ સંત? લાગે છે તો ભારતીય’- આવા વિચારોની ગડમથલ થોડા દિવસો ચાલી ત્યાં આકસ્મિક રીતે તેમના હાથમાં પ્રો.મૅક્સમૂલરનું એક પુસ્તક માં આવ્યું – એક સાચા મહાત્મા (‘A Real Mahatman’) શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશ પરનું આ પુસ્તક વાંચીને તેમને વાસ્તવિક ખ્યાલ આવ્યો કે તેમને શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન પ્રાપ્ત થયાં હતાં. શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોવાથી તેમને અત્યંત આનંદ થયો. હવે શ્રીરામકૃષ્ણદેવના ધ્યાનમાં તેઓ મગ્ન રહેવા લાગ્યા. શ્રીરામકૃષ્ણદેવના શિષ્યો સ્વામી અભેદાનંદજી અને સ્વામી સારદાનંદજીને તેમણે પત્રો લખી શ્રીરામકૃષ્ણદેવના વધુ ફોટા મંગાવ્યા. શ્રીરામકૃષ્ણદેવે પૃથ્વી પર અવતરણ કર્યું ત્યારે કૅમેરાની શોધ થઈ એ સંસાર માટે અત્યંત સદ્ભાગ્યની વસ્તુ છે. શ્રીરામકૃષ્ણદેવના કૅમેરા દ્વારા લીધેલ ફોટા માનવજાતને ઉપલબ્ધ છે, એ આ યુગાવતારની વિશેષતા કહી શકાય. તેમના જીવનકાળ દરમિયાન કૅમેરા દ્વારા લીધેલ ત્રણ ફોટા ઉપલબ્ધ છે. (આ સિવાય તેમની મહાસમાધિ પછી તેમના દેહના બે ફોટા લેવાયા હતા, પણ ભક્તોની ભાવનાને માન આપીને તે પ્રકાશિત કરવામાં આવતા નથી.) આ ત્રણમાંથી પહેલો ફોટો ૨૧ સપ્ટેમ્બર, ૧૮૭૯ના રોજ કલકત્તામાં શ્રી કેશવચંદ્ર સેનના ઘરમાં લેવાયો હતો. આ ફોટામાં શ્રીરામકૃષ્ણદેવ સમાધિ અવસ્થામાં ઊભેલા નજરે પડે છે. બીજો ફોટો ૧૦મી ડિસેમ્બર, ૧૮૮૧ના રોજ બેંગાલ ફોટોગ્રાફર્સના સ્ટુડિયોમાં લેવાયો હતો જ્યાં તેઓ ફોટોગ્રાફી વિષે જાણવા ગયા હતા. આ ફોટામાં તેઓ એક સ્તંભ પર હાથ રાખીને સમાધિસ્થ અવસ્થામાં ઊભેલા નજરે પડે છે. ત્રીજો ફોટો દક્ષિણેશ્વરમાં રાધાકાંત મંદિરની પરસાળમાં તેઓ સમાધિસ્થ અવસ્થામાં બેઠેલા હતા ત્યારે લેવાયો હતો (૧૮૮૩ અથવા ૧૮૮૪માં). શ્રીરામકૃષ્ણદેવમાં ‘અહં’ તો લેશમાત્ર નહોતો, તેઓ ફોટો પડાવવાનું પસંદ કરતા નહિ. એટલે જ કદાચ બધા જ ફોટા જ્યારે તેઓ સમાધિસ્થ અવસ્થામાં હતા ત્યારે જ તેમની જાણ વગર લેવાયા હતા. તેમ છતાં ત્રીજો ફોટો જોઈ તેમણે પોતે આ ફોટાની પૂજા કરીને ઉદ્દગાર કાઢ્યો હતો કે, “આ અત્યંત ઉચ્ચ સમાધિ અવસ્થાનો ફોટો છે, પછીથી ઘેર ઘેર આની પૂજા થશે.”
ફેંક ડૉરેકને ત્રણે ફોટા મળ્યા. તેમને પહેલો ફોટો અત્યંત પ્રભાવક લાગ્યો. તેમણે આ ફોટા પરથી ચિત્ર દોરવાનો પ્રારંભ કર્યો. એમની ઇચ્છા શ્રીરામકૃષ્ણદેવનાં ખુલ્લાં નયનો દોરવાની હતી, પણ બધા જ ફોટાઓમાં તેઓ સમાધિસ્થ અવસ્થામાં હોવાથી તેમનાં નયનો અર્ધબિડાયેલાં હતાં. ખુલ્લાં નયનો કેવી રીતે દોરવાં! આવી મૂંઝવણમાં ડૉરેક દિવસો પસાર કરી રહ્યા હતા, ત્યાં એક આશ્ચર્યજનક ઘટના બની. તેઓ શ્રીરામકૃષ્ણદેવના ગહન ધ્યાનમાં નિમગ્ન હતા ત્યારે તેમણે જોયું કે શ્રીરામકૃષ્ણદેવ તેમની સામે સાક્ષાત્ ઉપસ્થિત થઈ ગયા છે. બન્ને નયનો ઊઘડેલાં હતાં અને તેમાંથી અદ્ભુત કરુણા, પવિત્રતા અને આનંદ નીતરતાં હતાં. તેઓ આનંદના અતિરેકમાં આવી ગયા અને તરત જ શ્રીરામકૃષ્ણદેવના એ અદ્ભુત નયનોવાળા મનોહ૨કારી રૂપનું ચિત્ર દોરવા લાગ્યા અને આમ વિશ્વને પ્રાપ્ત થયું આ દિવ્યદર્શનના પરિણામે શ્રીરામકૃષ્ણદેવનું એક અનન્ય ચિત્ર.*
શ્રીરામકૃષ્ણદેવનાં નયનોએ ભલભલાને આકર્ષિત કર્યા છે, મોહિત કર્યા છે અને તેઓનો સંસાર પ્રત્યેનો મોહ દૂર કર્યો છે.
થોડાં વર્ષો પૂર્વે કલકત્તાના અદ્વૈત આશ્રમના વેચાણ વિભાગમાં એક દિવસ સવારે એક અમેરિકન યુવતી આવી. તેને શ્રીરામકૃષ્ણદેવનો ફોટો ખરીદવો હતો. ઘણા ફોટા દેખાડવામાં આવ્યા પણ તેને એકે પસંદ ન પડ્યો. છેવટે તેણે પોતાના ગજવામાંથી એક અમેરિકન સમાચારપત્રનો કટકો કાઢ્યો જેમાં શ્રીરામકૃષ્ણદેવનો ફોટો છાપેલ હતો. તેને આવો જ ફોટો જોઈતો હતો ઉઘાડાં નયનોવાળો -ફ્રેંક ડૉરેકે દોરેલ ચિત્રનો ફોટો!
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અખંડાનંદજી જ્યારે હિમાલયનો પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે તેમણે એક મુસલમાનની ચાની દુકાનમાં શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોયો. તેમણે આશ્ચર્યથી આ વિશે પૂછ્યું ત્યારે વૃદ્ધ મુસલમાને જવાબ આપ્યો, “મને ખબર નથી, આ કોનો ફોટો છે. જે કાગળમાં વસ્તુઓ વિંટાયેલી હતી તેને ખોલ્યો તો તેમાંથી આ ફોટો નીકળ્યો. તેમનાં અદ્ભુત નયનોથી હું મુગ્ધ થઈ ગયો. મને લાગ્યું કે તેઓ અમારા પયગમ્બર જેવા જ હોવા જોઈએ એટલે આ ફોટો ફ્રેમ કરીને દુકાનમાં રાખ્યો છે.”
સ્વામી અખંડાનંદજી જ્યારે તિબેટમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે કૈલાસની પાસે છેકરામાં લાસાનો એક ધનવાન ખામ્હા તેમની પાસેનો શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોઈને ભાવાવસ્થામાં આવી ગયો. તેને લાગ્યું કે આ તો સાક્ષાત્ ઈશ્વરનાં જ ચક્ષુ છે. તેણે સ્વામી અખંડાનંદજી પાસેથી આ ફોટો માગી લીધો અને દરરોજ તેની પૂજા કરવા માંડ્યો.
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદજી સંન્યાસવ્રત ગ્રહણ કરી પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કરવા લાગ્યા. આ ભ્રમણ દરમિયાન તેઓ ગાઝીપુર આવ્યા. તેમણે પવહારીબાબાની યોગશક્તિ વિશેની અદ્ભુત વાતો સાંભળી હતી. આ પહેલાં એક વાર તેમની મુલાકાત પણ લીધેલી. ત્યાં રહેતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો: શ્રીરામકૃષ્ણદેવ સાથે આટલાં વર્ષો રહ્યા છતાં આ દુર્બળ શરીરને સબળ બનાવવાનો કોઈ કીમિયો હાથ કરી શક્યો નહિ. તેમણે પવહારીબાબા પાસેથી હઠયોગ શીખવાનો નિર્ણય લીધો. જે દિવસે તેઓ દીક્ષા લેવાના હતા તેની આગલી રાત્રે તેઓ બિછાનામાં પડ્યા – પડ્યા વિચાર કરતા હતા. બરાબર એ વખતે તેમણે તેમની જમણી બાજુએ શ્રીરામકૃષ્ણદેવની આકૃતિ ઊભેલી જોઈ. તેઓ જાણે કે શોકપૂર્ણ ભાવથી અનિમિષ નયને તેમની તરફ જોઈ રહ્યા હતા. તેમણે પણ તેમની સામે જોયા કર્યું. આમ બેથી ત્રણ કલાક પસાર થઈ ગયા પણ સ્વામીજીના મોંમાંથી શબ્દ સરખોય નીકળ્યો નહિ. તેમણે શ્રીરામકૃષ્ણદેવને પોતાની જાતને સમર્પિત કરી હતી તેમ છતાં બીજા ગુરુ કરવાનો તેમને વિચાર આવ્યો એ માટે તેમણે શરમ અનુભવી. પછી શ્રીરામકૃષ્ણદેવ એકાએક અદૃશ્ય થઈ ગયા. રાતે આમ શ્રીરામકૃષ્ણદેવના આ અદ્ભુત દર્શનથી સ્વામીજીનું મન અસ્થિર બની ગયું હતું. તેથી બીજે દિવસે દીક્ષા લેવાનું મુલતવી રાખ્યું. એકાદ બે દિવસ પછી વળી પવહારીબાબા પાસેથી દીક્ષા લેવાનો વિચાર સ્વામીજીના મનમાં આવ્યો. વળી સ્વામીજીને રાત્રે પહેલાંની જેમ શ્રીરામકૃષ્ણનાં દર્શન થયાં. આમ જ્યારે કેટલીય રાત્રિ સુધી ઉપરાઉપરી શ્રીરામકૃષ્ણનાં દર્શન થતાં રહ્યાં ત્યારે સ્વામીજીને લાગ્યું કે જેટલીવાર તેઓ દીક્ષાનો નિશ્ચય કરે છે તેટલી વાર તેમને આ દર્શન થાય છે તેથી આ દીક્ષાથી શુભ નહિ પણ અશુભ જ થશે એ વિચારથી તેમણે દીક્ષા લેવાનો વિચાર સદંતર માંડી વાળ્યો.
સ્વામીજીએ પાછળથી એક કાવ્યની રચના કરી – ‘ગાઉં હું ગીત તમને જ સુણાવવાને’. આ કાવ્યમાં ઉપરોક્ત ઘટનાની અનુભૂતિઓ પ્રતિબિંબિત થઈ છે. આ કાવ્યના થોડા અંશો પર મનન કરવાથી કેવી રીતે શ્રીરામકૃષ્ણદેવનાં અદ્ભુત નયનોએ સ્વામી વિવેકાનંદનો મોહ દૂર કર્યો હતો એ વાત હૃદય સોંસરવી ઊતરી જાય છે.
કિન્તુ નિશાસમય હું નીરખું તમોને,
શય્યા સમીપ નીરખું ચૂપ ખડા રહેલા!
મારું જુઓ મુખડું આંસુ ભરેલ આંખે,
સૌ ભાવ એ નીરખતાં તવ જાય ચાલ્યાં…
જાતો ખૂલી સકળ બંધનનો સમૂહ,
ને દૂર થાય સઘળો મનનોય મોહ,
ગૂંજે અનાહત મનોહર નાદ તારો,
તૈયાર કામ કરવા પૂરું સાદ મારો.
શ્રીરામકૃષ્ણદેવનાં નયનો જ્ઞાનરૂપી અંજનથી આંજેલ હોવાથી જીવોનો મોહ દૂર કરે છે, તેઓની વિવેકબુદ્ધિ જાગ્રત કરે છે, વિવેકનો આનંદ આપે છે, વિવેકાનંદને પણ મોહનિશામાંથી જાગ્રત કરે છે, હઠયોગની વિદ્યા શીખવાની લાલચમાંથી – નવા ગુરુને કરવાની લાલચમાંથી, તેમને બચાવે છે.
કોઈ કહેશે, “શ્રીરામકૃષ્ણ ભલા જ્ઞાની? તેઓ તો અભણ હતા!” ના, ના, તેઓ સાચા અર્થમાં જ્ઞાની હતા. શાળાનું ઔપચારિક શિક્ષણ ભલે તેમણે ઝાઝું પ્રાપ્ત ન કર્યું પણ અનૌપચારિક રીતે તેમણે કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું! કેવી તીક્ષ્ણ તેમની બુદ્ધિ હતી! કેવી અદ્ભુત મેધાશક્તિ! પરાવિદ્યામાં તો પારંગત હતા જ, અપરા વિદ્યા પણ ઓછી નહોતી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, શશધર તર્કચૂડામણિ, ગૌરી પંડિત વગેરે મહાપંડિતોની સાથે ચર્ચામાં તેમનું જ્ઞાન ટપકી પડતું.
કોઈ કહેશે, “તેઓ તો ભક્ત હતા, જ્ઞાની કેમ કહો છો?” સ્વામી વિવેકાનંદ કહેતા, “શ્રીરામકૃષ્ણ બહારથી ભક્ત દેખાતા જ્યારે ભીતરમાં તો જ્ઞાનથી પરિપૂર્ણ હતા, જ્યારે હું બહારથી જ્ઞાની દેખાઉં છું, પણ ભીતરમાં ભક્ત છું.”
ગીતામાં કહ્યું છે:
‘न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते’
(૪|૩૮)
‘આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરવાવાળું નિઃસંદેહ અન્ય કાંઈ નથી.’
શ્રીરામકૃષ્ણદેવે જગન્માતાનું દર્શન કર્યું હતું, પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હતો, પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, અને તેથી જ આ જ્ઞાનથી આંજેલાં તેમનાં નયનો પવિત્ર-વિમલ બન્યાં હતાં.
આ વિમલ નયનોમાં એવો અદ્ભુત જાદુ છે કે ગમે તેવા પતિતનો પણ મોહ દૂર થઈ જાય છે, ગિરીષ ઘોષ, પદ્મવિનોદ, નટી વિનોદિની, રસિક મહેતર વગેરેનો મોહ દૂર થયો છે, મહેન્દ્ર સરકાર જેવા તાર્કિકોનો મોહ દૂર થયો છે, ગૌરી પંડિત, વૈષ્ણવચરણ, શશધર તર્કચૂડામણિ વગેરેનો મોહે દૂર થયો છે – તેઓનું અભિમાન દૂર થયું છે, અરે ખુદ તેમના ગુરુઓના જ્ઞાનની અપૂર્ણતા તેમના સંસર્ગથી દૂર થઈ છે – ભૈરવી બ્રાહ્મણી, તોતાપુરી વગેરેને પોતાની અપૂર્ણતાનું ભાન થયું હતું.
સ્વામી વિવેકાનંદ કહેતા, “શ્રીરામકૃષ્ણદેવની કૃપાદૃષ્ટિથી હજારો – હજારો વિવેકાનંદ તૈયાર થઈ શકે!” આવો છે તેમનાં વિમલ નયનોનો અદ્ભુત પ્રભાવ! માટે જ ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ની ચોથી પંક્તિમાં સ્વામી વિવેકાનંદ કહે છે-
‘જ્ઞાનાંજન વિમલ નયન, વીક્ષણે મોહ જાય.’ “તમારાં વિમલ નયનો જ્ઞાનરૂપી અંજનથી આંજેલાં છે, જેની દૃષ્ટિમાત્રથી જ મોહ દૂર થાય છે.”
Your Content Goes Here




